- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પાંદડે પાંદડે કિરણ – સં. મહેશ દવે

[ શ્રી મહેશભાઈ દવે દ્વારા સંકલિત ‘પાંદડે પાંદડે મોતી [1]’, ‘પાંદડે પાંદડે જ્યોતિ [2]’, ‘પાંદડે પાંદડે દીવા [3]’ પુસ્તકના સુંદર લેખો આપણે અગાઉ માણ્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ આ શ્રેણીના નવા પુસ્તક ‘પાંદડે પાંદડે કિરણ’માંથી આજે માણીએ કેટલાક જીવનપ્રેરક લેખો સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ભગવાનનો માણસ

ખલીલ જિબ્રાને એક કથા લખી છે. તેનું શીર્ષક આપ્યું છે : ‘GOD’s FOOL’ – ઈશ્વરે સર્જેલો મૂરખ માણસ. સંક્ષેપમાં આ કથા કંઈક આવી છે : રણપ્રદેશમાંથી એક સપનાં જોનારો માણસ જાહોજલાલીવાળા મોટા રંગ-રંગીલા શહેરમાં આવી ચડ્યો. પહેરેલાં કપડાં અને એના ડંગોરા સિવાય એની પાસે બીજું કશું નથી. શહેરના મિનારા, મંદિર અને મહેલો જોઈ સ્વપ્નસેવી દંગ રહી ગયો. શહેર અદ્દભુત-સુંદર હતું. આસપાસ પસાર થતા માણસો સાથે વાતો કરવા એણે પ્રયત્ન કર્યો, પણ એનું બોલેલું શહેરીઓ સમજી શકતા નહોતા અને નગરજનોનું બોલેલું એ સમજતો નહોતો. બંનેની ભાષા તદ્દન અલગ હતી.

બપોરના સમયે તે અજાણ્યો પરદેશી ઝળહળાટથી ચમકતા એક મોટા મકાન સામે આવી ઊભો. માણસો તે મકાનમાં દાખલ થતા હતા અને બહાર નીકળતા હતા. પેલા પરદેશીને લાગ્યું કે એ કોઈ મોટું મંદિર છે. તે અંદર દાખલ થયો. અંદર તેણે જોયું કે ચારે તરફ ખુરશીઓ અને ખાણાનાં ટેબલ ગોઠવાયાં હતાં. લોકો ખાણી-પીણીની મોજ માણી રહ્યા હતા. તેને લાગ્યું કે રાજકુંવરે કોઈ મોટા પ્રસંગ નિમિત્તે જ્યાફત ગોઠવી છે. એટલામાં સુંદર વસ્ત્રો પહેરેલો એક માણસ આવ્યો અને એણે પેલા પરદેશીને એક ખુરશી પર બેસાડ્યો અને મિષ્ટ પકવાનોથી જમાડ્યો. પરદેશી પેટ ભરીને જમ્યો.

સંતુષ્ટ થઈ પરદેશી બહાર નીકળવા જતો હતો ત્યાં ઝગમગાટ મારતાં વસ્ત્રો પહેરેલા એક તગડા માણસે તેને અટકાવ્યો. તેને લાગ્યું કે આ જ રાજકુંવર લાગે છે. તેણે રાજકુંવરનું અભિવાદન કર્યું ને આભાર માન્યો. પેલા માણસે પરદેશીને કહ્યું, ‘સાહેબ, તમે બિલ ચૂકવ્યું નથી.’ પરદેશી કંઈ સમજ્યો નહીં. બારણે ઊભેલા તગડા માણસને સમજાયું કે આ તો કોઈ મુફલિસ મફતિયો છે. તેણે પોલીસને બોલાવ્યા. પોલીસો સ્વપ્નસેવી પરદેશીની આસપાસ ગોઠવાઈ ગયા અને તેને ન્યાયકચેરીએ લઈ ગયા. ત્યાં દલીલો થઈ. પરદેશીને લાગ્યું કે તેના સંબંધે સંભાષણ થાય છે. ફરફરતી સફેદ દાઢીવાળા ન્યાયાધીશ એ ખુદ રાજા છે એમ પરદેશી સમજ્યો. એ લળી લળીને ઝૂક્યો. ગધેડા પર અવળે મોઢે બેસાડી તેને શહેરમાં ફેરવવાનો ન્યાયાધીશે હુકમ કર્યો. પરદેશીને એ રીતે ફેરવ્યો ત્યારે એને લાગ્યું કે તેનું બહુમાન કરવામાં આવે છે.

ખલીલ જિબ્રાન એટલે ઓગણીસમી-વીસમી સદીના મહાન ચિંતક. એ કંઈ ગાંડી-ઘેલી વાર્તા ન લખે. તેમની કથામાં મર્મ છે. ભોળા-ભલા ભગવાનના માણસમાં બધી બાબતોના સ્વીકારનો ભાવ છે. એ બધું જ આનંદથી અપનાવે છે. એનું અજ્ઞાન દુ:ખદાયક નથી. અજ્ઞાન આનંદ સર્જે છે. Ignorance is bliss. ભલા-ભોળા ભગવાનના માણસનાં સુખ અને આનંદ કોઈક અલગારી ઓલિયાના ભાગ્યમાં જ હોય છે.

[2] વિશ્વની સંવાદિતા

ગિરિજાનંદ મહારાજ મહાન સંત હતા. મનુષ્યો જ નહીં આસપાસનાં પ્રાણીઓ પર પણ એમનો પ્રભાવ પડે છે એમ કહેવાતું. એમનો નિયમ કે સવારે ઊઠે ત્યારે સૌ પહેલાં પ્રાર્થના અને સ્તવન કરે. એ જ રીતે રાત્રે સૂવા જાય ત્યારે પ્રાર્થના અને સ્તવન કરે. એક રાત્રે ગિરિજાનંદ મહારાજ સૂવા જતાં પહેલાં પ્રાર્થના-સ્તવન કરવા બેઠા. વરસાદની ઋતુ હતી. મેઘલી રાત હતી. ક્યાંકથી કોઈ મોટા દેડકાએ અવાજ કર્યો : ‘ડ્રાંઉ…ડ્રાઉં..’ ગિરિજાનંદ મહારાજનું ધ્યાન પ્રાર્થનામાંથી ચલિત થઈ ગયું. એટલી વારમાં તો મોટા દેડકાંના ‘ડ્રાઉં ડ્રાઉં’થી પ્રેરાઈને હોય કે એનો સાથ આપવા હોય ચારે બાજુથી દેડકાંઓનું ‘ડ્રાઉં ડ્રાઉં’ શરૂ થઈ ગયું. શાંતિથી પ્રાર્થના થઈ શકે એવું રહ્યું નહીં. ગિરિજાનંદ અકળાઈ ગયા. તેમણે ખંડની બારી ખોલી મોટેથી બૂમ પાડી, ‘ચૂપ…! બંધ કરો આ અવાજો.’ એમની ત્રાડને કારણે હોય કે એમના પ્રભાવને કારણે હોય દેડકાંઓના અવાજ બંધ થઈ ગયા.

બધે શાંતિ પથરાઈ ગઈ, પણ ગિરિજાનંદની ભીતરથી અવાજ આવ્યો, ‘ગિરિજાનંદ ! એવું પણ હોઈ શકે કે તારી પ્રાર્થનાના ગાનથી ઈશ્વર પ્રસન્ન થાય છે તેમ દેડકાંઓના સમૂહગાન જેવા ડ્રાંઉ ડ્રાંઉ અવાજોથી પણ ઈશ્વર આનંદ પામતા હોય.’ ગિરિજાશંકરની બુદ્ધિએ દલીલ કરી : ‘દેડકાંઓનાં ડ્રાંઉ ડ્રાંઉમાં ખુશ થવા જેવું શું છે ?’ અંદરના અવાજે કહ્યું, ‘જો એવું જ હોય તો દેડકાંઓ અને તેમનું ડ્રાઉં ડ્રાઉં ઈશ્વરે સર્જ્યું જ ન હોત ને ! ઈશ્વર એવો કલાકાર છે કે તે પોતાની કલા અમસ્તી ન વેડફે. તેનાં બધાંય સર્જનની કંઈ ને કંઈ મતલબ હોય જ.’ ગિરિજાનંદ વિચારમાં પડી ગયા. એમની બુદ્ધિ કરતાં એમનો માંહ્યલાનો અવાજ વધારે પ્રતીતિકર લાગ્યો.

ગિરિજાનંદે ડોકું બારીની બહાર કાઢ્યું. મોટા પણ પ્રેમાળ અવાજે નાદ કર્યો, ‘ગાઓ….ગાઓ, ઓ દેડકાંઓ, છેડો તમારું સંગીત.’ એકાએક દેડકાંઓનું ડ્રાંઉ ડ્રાઉં સમૂહમાં રેલાવા માડ્યું. ગિરિજાનંદ સાંભળી રહ્યા. તેમને દેડકાંઓના અવાજમાં એક પ્રકારનો તાલ દેખાવા માંડ્યો. એકબીજા દેડકાનો અવાજ પૂરક લાગતો હતો. તેમાંથી એક રાગિણી સર્જાતી હતી. ગિરિજાનંદ પ્રકૃતિ સાથે એકાકાર થઈ ગયા. શાંતિમાં ખલેલ પડવાને બદલે શાંતિ સભર થતી લાગી. એ શાંતિ સાથે ગિરિજાનંદ એકતાન થઈ ગયા. શાંત ચિત્તે ગિરિજાનંદ પ્રાર્થના-સ્તવનમાં બેઠા. દેડકાંઓના ડ્રાંઉ-ડ્રાંઉ સાથે એમની પ્રાર્થના ભળી ગઈ. સૃષ્ટિમાં વિસંવાદને બદલે સંવાદ છે. ભૌતિક વિશ્વ, પ્રાણીવિશ્વ અને માનવવિશ્વમાં સુમેળ છે.

[3] સમયની આગળ

રાત્રિના અંધકારની પાંખો આખા શહેરને વીંટળાઈ વળી હતી. પ્રકૃતિએ તેના પર સફેદ બરફની ચાદર ઓઢાડી દીધી હતી. શહેરની ગલીઓ છોડી હૂંફ મેળવવા માટે માણસો પોતાના ઘર તરફ વળી રહ્યા હતા. શહેરના ઉપનગરમાં છેવાડે એક જૂનું ઝૂંપડું ઊભું હતું. એના ઉપર ભારે બરફ છવાયો હતો. ઘમુચલા જેવા ઝૂંપડાના ખૂણામાં ખખડી ગયેલા ખાટલામાં મૃત્યુના કિનારે ઊભેલો એક યુવાન સૂતો હતો. ઠંડા પવનથી ફડફડ થતાં બુઝાતા દીવાની સામે એ એકીટશે જોઈ રહ્યો હતો. આયુષ્યના વસંતકાળમાં જીવી રહેલો એ યુવાન સારી રીતે જાણતો હતો કે તેની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. મૃત્યુદેવ તેને મુક્ત કરે તેની તે રાહ જોઈ રહ્યો હતો. તેના મ્લાન ચહેરા પર આશા-અપેક્ષા હતી, તેના હોઠો પર સ્મિત હતું અને આંખોમાં ક્ષમાનો ભાવ હતો.

જીવનથી ઊભરાતા ધનિકોના શહેરમાં એ ગરીબ યુવાન ભૂખ-તરસથી પીડાઈને તેમજ ટાઢથી ઠૂંઠવાઈને મૃત્યુને માર્ગે વિદાય લઈ રહ્યો હતો. એ યુવાન કવિ અને ચિંતક હતો. લોકોને આહલાદ આપવા અને તેમની જિજ્ઞાસા સંતોષવા દેવી સરસ્વતીએ તેને પૃથ્વી પર મોકલ્યો હતો. કમનસીબે પ્રજાજનો એને સમજ્યા નહીં, કારણ કે તેમણે તેને બરાબર સાંભળ્યો જ નહીં. સાંભળવા માટે તૈયાર જ ન હોય તેના જેવા બહેરા બીજા કોઈ નથી. યુવાન કવિ-ચિંતક તેના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. પોતાના હાથ આકાશ તરફ ઊંચા કરી એણે પ્રાર્થના કરી, ‘હે દેવાધિદેવ મૃત્યુ, આવ, મને તારી ગોદમાં લઈ લે. મારી આસપાસ બંધાયેલી સંસારની સાંકળોમાંથી મને મુક્ત કર. હું અહીં કિન્નરોનાં ગાન અને સંતોની વાણી લઈને આવ્યો હતો, પણ શોષણ કરતા લોકોને તેમાં રસ નહોતો અને શોષિત લોકોનો સમય વેઠ કરવામાં જતો હતો. તેમની પાસે નિરાંત નહોતી.’
મૃત્યુદેવ આવ્યા અને યુવાનને સાંત્વન આપ્યું, ‘યુવાન, હું તને મુક્ત કરવા આવ્યો છું. તેં તારા જીવનનું કાર્ય પૂર્ણ કર્યું છે. તારી કવિતાઓ અને ચિંતનને આજે કોઈએ ધ્યાન પર લીધાં નથી, પણ એ વ્યર્થ જવાનાં નથી. આવનારી પેઢી એ વાંચશે, એની કદર કરશે, આનંદ લેશે અને માર્ગદર્શન મેળવશે.’

સદીઓ પછી પ્રજા તેની અજ્ઞાનની નિદ્રામાંથી જાગી. જ્ઞાન, કલા, સાહિત્ય અને ચિંતનનું નવપ્રભાત ખીલ્યું. શોધખોળ કરનારાઓએ યુવાન કવિ-ચિંતકનાં લખાણો શોધી કાઢ્યાં. તેના શબ્દોના અર્થ કર્યાં, પુસ્તકો છાપ્યાં, નવાં અર્થઘટનો થયાં. સાચું સાહિત્ય કદી એળે જતું નથી. એનામાં સત્વ હોય તો તે ટકે છે, જીવે છે અને વિશ્વને ઘડે છે. સમય લાગે છે, કારણ કે કવિ-ચિંતકો તેમના સમય કરતાં આગળ હોય છે.

[4] પ્રેમની ઉષ્મા

અમેરિકાનું એક મોટું શહેર. ત્યાંના ઊંચો હોદ્દો અને પ્રતિષ્ઠા ધરાવનાર લોકોનો સર્વે થયો. તેમાં જોવા મળ્યું કે એમાંનાં 50 ટકાથીય વધુ વ્યક્તિઓ એક જ શાળામાં ભણી હતી. તેમને તેમની સફળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું. સૌએ તેમની સ્કૂલનાં મેરી ટીચરનું નામ આપ્યું. મેરી ટીચરે એમને પ્રેરણા આપી હતી. સર્વે કરનારાઓ રિટાયર થઈ ગયેલાં ઘરડાં મેરી ટીચરને મળ્યાં અને પૂછ્યું કે એવું તો તેમણે વિદ્યાર્થીઓને શું આપ્યું હતું. મેરી ટીચરનો ટૂંકો જવાબ હતો, ‘પ્રેમ. મેં એમને ફક્ત પ્રેમ આપ્યો હતો.’ આવો છે પ્રેમનો મહિમા.

પ્રેમ બહુ ગવાયેલો અને વગોવાયેલો શબ્દ છે. પ્રેમને ઘણીખરી વાર છોકરા-છોકરી, યુવક-યુવતી, પુરુષ-સ્ત્રી વચ્ચેના સંબંધ તરીકે જ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં પ્રેમનાં અનેક રૂપ છે. મા-બાપ ને સંતાનો વચ્ચેનું વાત્સલ્ય, મિત્રો વચ્ચેનું સૌહાર્દ, શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે આદર-આમાન્યાનો ભાવ, માનવી માનવી વચ્ચેની ઉષ્મા – ટૂંકમાં પ્રેમ વિધવિધ સ્વરૂપે સંભવે છે. પ્રેમનું મંદિર તો બહુ ઉષ્માવાળું અને ખુલ્લું છે, પણ તેમાં ચોક્કસ પ્રકારના માણસોને જ પ્રવેશ મળે.

એક દંતકથા છે. પ્રેમમંદિરનું બારણું કોઈકે ખખડાવ્યું. અંદરથી પ્રશ્ન પુછાયો :
‘કોણ ?’
‘હું તત્વજ્ઞાની છું.’
‘આ મંદિર તત્વજ્ઞાની માટે નથી. તમે મહાવિદ્યાલયમાં જઈ શિક્ષણ આપો !’
પછી બીજી વ્યક્તિએ બારણું ખખડાવ્યું અને ફરી તે જ સવાલ : ‘કોણ ?’
‘હું ધર્મગુરુ છું.’
‘અમને અહીં ધર્મગુરુની શી જરૂર ? તમે બીજે ક્યાંક જઈ તમારા ઉપદેશ વડે લોકોને ભ્રમિત કરો.’
ત્રીજી વ્યક્તિએ બારણું ખખડાવ્યું. પુછાયું : ‘કોણ ?’
‘હું હઠયોગી છું.’
‘અમારે હઠયોગીની જરૂર નથી. હઠયોગ પૂરો થાય ત્યારે પ્રેમનો આરંભ થાય. માફ કરજો.’
ચોથી વ્યક્તિ આવી એને પણ પુછાયું : ‘કોણ છે ?’
‘હું વિદ્વાન છું.’
‘અમને તમારી બુદ્ધિની શી જરૂર ? જ્યારે બુદ્ધિ મૂંઝાય અને નિષ્ફળ જાય ત્યારે પ્રેમનો આરંભ થાય છે.’
કોઈકે કહ્યું : ‘હું જિજ્ઞાસુ છું, હું મહાન ગુરુનો શિષ્ય છું.’
અંદરથી અવાજ આવ્યો : ‘હમણાં જ જતા રહો, અમને અહીં મહાન ગુરુના શિષ્યની કોઈ જરૂર નથી.’
વળી કોઈએ બારણું ઠોક્યું : ‘કોણ ?’ અંદરથી પ્રશ્ન પુછાયો.
‘હું હું છું.’
‘તું તારું હુંપણું અહીં શા માટે લઈ આવ્યો છે ? અહીં તારા હુંપણાનો શો ઉપયોગ ?’
વળી કોઈએ બારણું ઠોક્યું.. ‘કોણ ?’
‘હં !’
‘કોણ છો તમે ?’
‘હં !’

દરવાજો ખૂલી ગયો, દ્વારમાં ઊભેલી વ્યક્તિને પ્રેમમંદિરમાં પ્રવેશ મળ્યો. પ્રેમસ્વરૂપ પામવા માટે તમારે બધં તજવું પડે. રૂમી કહે છે, ‘સમગ્ર જીવસૃષ્ટિનો એક સમાજ છે, એમાં સામેલ થઈ જાઓ. બધાં જ બારીબારણાં ખોલી નાખો અને તમે જ ઊભા કરેલ કેદખાનામાંથી બહાર નીકળી આવો અને પછી પરમ મૌનમાં પ્રવેશો. ચારે તરફ ઊછળતા આનંદના સાગરમાં તમારી નૌકા લઈ કૂદી પડો.’

[5] હળવાશ પામવાનું પ્રથમ પગથિયું

ટેકરીઓની પેલે પાર એક શાંત ઉપવન હતું. ઉપવનમાં એક સિદ્ધ મહાત્મા રહેતા હતા. એક યુવાન સાધક તેમની સાથે જ્ઞાનચર્ચા કરી રહ્યો હતો. ત્યાં એક થાકેલો માણસ આવ્યો. એના બિહામણા ચહેરા, ગંદાં કપડાં, કેડે બાંધેલી કટાર, ખભે ધારણ કરેલા ધનુષ્ય-બાણથી સ્પષ્ટ હતું કે એ કોઈ લૂંટારો હતો. મહાત્માની પારખુ દષ્ટિથી અછાનું ન રહ્યું કે આ માણસ હિંસક છે અને લૂંટફાટ કરી નિર્વાહ કરે છે. એ માણસ આવીને મહાત્માને પગે પડ્યો અને બોલ્યો : ‘હે દયાળુ મહાત્મા, મેં બહુ પાપ કર્યાં છે. પાપનો એ ભારે બોજ મારા હૃદયને કચડી રહ્યો છે. મારે તેમાંથી હળવા થવું છે.’

મહાત્મા એ માણસ સામે ક્ષણવાર જોઈ રહ્યા. પછી બોલ્યા : ‘ભાઈ, મેં પણ ઘણાં પાપ કર્યાં છે. તેનો બોજો મને પણ ભારે લાગે છે.’
એ માણસે કહ્યું, ‘પણ મહાત્માજી, હું તો ચોર છું. મેં ઘણે ઠેકાણે ધાડ પાડી છે. વટેમાર્ગુઓને લૂંટ્યા છે.’
મહાત્માએ ડોકું હલાવ્યું, એ બોલ્યા : ‘ભાઈ, સિદ્ધિ તો મને પછીથી મળી. મારા પૂર્વજીવનમાં હું પણ ચોર-લૂંટારો હતો.’ લૂંટારો હવે કકળી ઊઠ્યો, ‘મહારાજ, મેં તો ઘણી હત્યાઓ પણ કરી છે. હત્યા કરેલાં કેટલાંયની આંખો મારી સામે તગતગે છે. તેમની ચીસો મારા કાનમાં સંભળાય છે.’ શાંત ચિત્તે સાંભળી રહેલા મહાત્માએ કહ્યું : ‘વાલ્મીકિ ઋષિની જેમ મેં પણ પૂર્વજીવનમાં હત્યાઓ કરી છે.’

લૂંટારો ઊભો થયો. તેણે મહાત્મા સામે તીણી નજરે જોયું. તેની આંખમાં કોઈ અજબ તેજ ચમક્યું. એ ખોડંગાતો ચાલતો થયો. ટેકરીઓ ઊતરવા માંડ્યો. ગુરુ સામે બેઠેલો સાધક શિષ્ય આશ્ચર્યથી જોઈ રહ્યો. એ મહાત્માને નખશિખ જાણતો હતો. તેમના પૂર્વજીવનથી પણ એ માહિતગાર હતો. તેણે મહાત્માને પૂછ્યું, ‘ગુરુજી, શા માટે તમે ન કરેલાં પાપોની કબૂલાત કરી ? તમે જોયું નહીં એ માણસ તમને તુચ્છ ગણીને ચાલતો થયો.’
મહાત્માએ કહ્યું, ‘એ ખરું છે કે એની આંખમાંથી હું ઊતરી ગયો, પણ એ મારી પાસેથી રાહત પામીને ગયો, હળવો થઈ ગયો. એને એ જ જોઈતું હતું ને !’ એ જ વખતે મહાત્મા અને શિષ્યે દૂર દૂરથી સીટી બજતી સાંભળી. સીટી વગાડતો વગાડતો, ગાતો ગાતો લૂંટારો ટેકરીઓ ઊતરી રહ્યો હતો.

ઉપદેશથી કે કઠોર વેણથી કોઈ સુધરતું નથી. પહેલું પગલું હળવા થવાનું છે. બીજું પગલું નવજીવનનું છે. પાછલાં પાપ ભૂલી નવો રાહ અપનાવવાનું છે. બીજાઓ પણ પોતા જેવા જ છે, પોતે ઊતરતી કક્ષાનો નથી એની પ્રતીતિ માણસને થાય પછી એ સુધરી શકે.

[કુલ પાન : 44. (મોટી સાઈઝ) કિંમત રૂ. 35. પ્રાપ્તિ સ્થાન : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 1-2, અપર લેવલ, સૅન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 26560504. ઈ-મેઈલ : info@imagepublications.com ]