શિવલાલ માસ્તરનો દીકરો… – નીલમ દોશી

[રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા માટે સુપ્રસિદ્ધ લેખિકા નીલમબેન દોશીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com અથવા આ નંબર પર +91 79 26871262 સંપર્ક કરી શકો છો.]

‘હવે આ તારા ચિતરામણ બંધ કર. જિંદગી આખી કર્યાં. હવે આમ પણ ઘરનું કામ શરૂ કરવાનું છે. તારી બધી મહેનત નકામી જશે. દેવુ દિવાળી પર આવે તે પહેલાં ઘર પાકું કરાવી લેવું પડશે ને ? હવે તારા આ ગાર માટીના ચિતરામણ તેને થોડા ગમવાના ?’
‘દેવુ નાનો હતો ત્યારે આ બધા રંગો તેને બહું ગમતા..તેથી મને થયું કે….એ આવે છે તો…’
‘અરે જમાનો આખો બદલાયો છે, ત્યારે આપણે સમય પ્રમાણે ન રહીએ તો કયાંય ફેંકાઇ જઇએ. રમેશભાઇએ અનુભવનું સત્ય ઉચ્ચાર્યું અને કહ્યું, ‘પાંચ વરસે અમેરિકાથી આવતો તારો દીકરો તારા આ ઘરમાં પાંચ દિવસ પણ નહીં ટકે. ભૂલી ગઈ ? આ બાજુવાળા શિવલાલ માસ્તરનો દીકરો અમેરિકાથી મહિના માટે આવ્યો હતો પણ બે દિવસમાં બહાનું કાઢીને ભાગી ગયો હતો. “આવા ઘરમાં તમે રહી કેમ શકો છો ? આમાં કેટલા જંતુઓ અને બેકટેરીયા હોય કંઈ ખબર પડે છે ?” – યાદ છે ને આવું કેટલું ભાષણ કરીને રોકાયો નહોતો. ના,ના.. હું એવું નહીં થવા દઉં. હું તો મારા દેવુને ગમશે એ જ કરીશ. આખી જિંદગી ભલે ન બદલાયા…હવે બદલાઇશું.’
‘એ તો એના દીકરાને એના સાસરે રહેવું હતું. તેથી બધા ઉધામા હતા. મારો દેવુ એવો થોડો છે ?’
‘બધી માને એવું જ લાગતું હોય છે. પણ સો વાતની એક વાત…! આપણે દેવુને એવું કંઇ બોલવાનો મોકો જ નથી આપવો ને ! કોઇ જોખમ મારે નથી લેવું. બધું તેને ગમે તેવું કરી નાખીશું. પછી તો રહેશે ને ? તું જોજે ને આખા ઘરની સિકલ બદલી નાખીશ. હું કંઈ શિવલાલ માસ્તરની જેમ જૂનાને વળગી રહું એવો નથી.’
‘હા, અને પાછો તેનો સાત વરસનો દીકરો પણ ભેગો આવે છે. વહુને રજા નથી મળી એટલે એ નથી આવતી. ફોનમાં રોહન મને કહેતો હતો….બા, હું તમારું ઘર જોવા આવું છું.’ પૌત્રની વાત યાદ આવતા નીતાબહેનનો અવાજ ગળગળો થઇ ગયો.
તો રમેશભાઇની આંખો પણ કયાં કોરી રહી શકી હતી ?

પતિ પત્ની એકબીજા સામે ધૂંધળી આંખોએ મૌન બની જોઇ રહ્યા. જરાવારે સ્વસ્થ થઇ ને રમેશભાઇ બોલ્યા, ‘ એટલે તો આ ઘર સરખું, એટલે કે દેવુને ગમે તેવું કરાવવાનું નક્કી કરી નાખ્યું. આજકાલના છોકરાઓને જૂનવાણી થોડું ગમે ? એમને તો બધી સગવડ જોઇએ..તો જ…આ શિવલાલ માસ્તરનો દીકરો એમાં જ..અને દેવુએ તેના દીકરાને કેટલીયે અને કેવી વાતો ઘર વિશે કરી હશે..તો જ રોહન કહે ને કે “દાદા, તમારું ઘર જોવું છે. મને પપ્પાએ કેટલી બધી વાતો કરી છે !” – દેવુએ મોટી મોટી વાતો કરી હોય અને પછી આવું ઘર જુએ તો..? ના..ના..મારા દીકરાને જરાયે ઓછું આવે એવું હું નહીં થવા દઉં…’

બંને પતિ પત્ની સાત વરસના પૌત્ર રોહનને પહેલીવાર જોવા મળશે તેની મીઠી કલ્પનામાં ખોવાઈ રહ્યા. પાંચ વરસ પહેલાં દીકરો એકલો આવ્યો હતો અને આજે હવે દીકરા સાથે મૂડીના વ્યાજ જેવો પૌત્ર પણ આવતો હતો. બંનેના હૈયામાં હરખ છલકતો હતો. દેવાંગ કયારેક રોહન સાથે ફોનમાં વાત કરાવતો પણ જોવા તો હવે મળશે. પૌત્રને પોતે શું આપશે..કયાં લઇ જશે…તેને શું ગમશે, શું નહીં ગમે… તેની ચર્ચામાં બંને મશગૂલ થઇ ગયા. પૈસાનો કોઇ પ્રશ્ન હતો નહીં તેથી ઘરનું કામ ઝપાટાબંધ થવા લાગ્યું. રમેશભાઇ માથે રહીને દેખરેખ રાખતા…અને કારીગરોને કહેતા રહેતા… ‘જોજો, કયાંય કચાશ ન રહેવી જોઇએ હોં. મારો દેવુ….મારો દીકરો અમેરિકાથી આવે છે. તેને ગમે એવું કામ થવું જોઇએ. પૈસા પૂરા લેજો પણ મને કામમાં વેઠ નહીં ચાલે…હા, કહી દઉં છું. મારો દેવુ આવે છે…અને માસ્તરના દીકરાની જેમ બે દિવસ નહીં….એ તો પૂરો મહિનો રોકાવાનો છે. માસ્તર બિચારા સુધરી શકયા નહીં. પછી બિચારા દીકરાનો શું વાંક ? એ સગવડોથી ટેવાઇ ગયો હોય એટલે આવામાં ન જ રહી શકે ને ? પણ હું કંઇ એવી ભૂલ થોડો કરું ? અને હવે તો દર વરસે અહીં આવવાનો છે…. એવું કહેતો હતો.’

રમેશભાઇ પોતાની જાતને સધિયારો આપતા હતા કે પછી…..
દીવાલો પર વરસોથી ટહુકતા મોર,પોપટ અદ્રશ્ય થવા લાગ્યા. તેની જગ્યાએ લીસી સપાટ, ચમકતી….ડીસ્ટેમ્પરવાળી દીવાલો શોભી ઉઠી !! નીતાબહેન મૌન રહી પતિની આ ધૂન જોઈ રહેતા. પુત્રના રૂમનું તો ખાસ ધ્યાન રાખેલ. વરસો સુધી સાચવેલ તેનું નાનું ટેબલ, જેના પર દેવુએ જાતજાતના રંગીન સ્ટીકરો ચોંટાડેલ હતા અને એ બધા હવે અડધા ફાટી ગયા હતા તો પણ નીતાબહેનને દીકરાની યાદગીરી કાઢી નાખવાનું મન નહોતું થતું. તે હવે….? હવે તેની જગ્યાએ સરસ મજાનું મોટું સનમાઇકાનું ટેબલ….તેની ઉપર ફલાવરવાઝ. એક ખૂણામાં પડેલ નાનકડો લાકડાનો કબાટ હતો જેને દેવુ પોતાની ‘જાદુઇ પેટી’ કહેતો. તેમાં અત્યાર સુધી તેણે ભેગી કરેલ રંગીન લખોટીઓ.. જાતજાતના ચિત્રો, સાપસીડીની ઘસાઈ ગયેલ રમત, રંગ ઉખડી ગયેલ તેના પાસાઓ, લાકડાનો ઝાંખા થઈ ગયેલ રંગવાળો ભમરડો, પતંગની ફિરકીમાં થોડો વીંટાયેલ ગુલાબી દોરો, તૂટી ગયેલ પૈડાવાળી બે ચાર નાની મોટરો..કેરમની થોડી કૂકરીઓ, કપડાના ગાભાનો બનાવેલ એક દડો, ચાંદામામા માસિકના વરસો પહેલાના થોડા અંકો કે જેના જીર્ણશીર્ણ થઈ ગયેલ પાનાઓ હવામાં ફરફરી રહ્યા હતા….. આવો કેટલોયે ભવ્ય અસબાબ અત્યાર સુધી નીતાબહેને દીકરાના સંભારણા તરીકે જીવની જેમ જાળવી રાખ્યો હતો. એ માયા છૂટતી નહોતી. આજે આ બધું ભંગારમાં આપી દેવાનું હતું. હવે એ યાદો નકામી બની ગઇ હતી ? માનવી પણ આમ જ એક દિવસ નકામો..ભંગાર બની જતો હશે ને ?

બધું સાફ કરતા નીતાબહેનને જાણે અંદરથી કોઇ સાદ સંભળાઇ રહ્યો હતો… કોઇ તેને રોકી કે ટોકી રહ્યું હતું કે શું ? કે પછી ભણકારા ?
‘બા,મારી એ બધી કીમતી વસ્તુઓને કયારેય હાથ નહીં અડાડવાનો હોં. એમાં તને કંઈ ખબર ન પડે…અને મારું બધું તું આડુંઅવળું કરી દે છે ! ભલે ધૂળ ખાતું, હું મારી જાતે સાફ કરીશ.’ કોણ બોલ્યું આ ? નીતાબહેનને વહેમ આવ્યો દેવુ આવી ગયો કે શું ? આ તો દેવુના જ શબ્દો…આ ક્ષણે પોતાને કેમ સંભળાયા ? ભણકારા જ તો..! તેમની આંખો પુત્રની યાદમાં છલકી આવી. વરસો પહેલા કયારેક પોતે આ કબાટ સાફ કરવા લેતી તો દેવુ પોતાને કેવો ખીજાતો….આજે પણ ખીજાય છે કે શું ? ના…આજે…તો આ બધો કચરો..ભંગાર બની ગયો હતો…ભારે હૈયે, હળવે હાથે તેમણે મન મક્કમ કરી સાફસૂફી આદરી. પતિએ ખાસ સૂચના આપી હતી. દેવુનો રૂમ બરાબર સાફ કરવાની..!

મહિનામાં તો ઘર અને આંગણું જાણે નવો અવતાર ધારણ કરી શોભી ઉઠયા. ફળિયામાં નવો બાથરૂમ અને કમોડ બનાવ્યા હતા. જો કે એ કરવા જતાં વરસોથી ફળિયામાં ઉભેલ સુખ-દુ:ખના સાક્ષી અને સાથી બની રહેલ નીલગીરી અને આસોપાલવના ઝાડ કાપવા પડયા હતા. તેનો રંજ ઓછો નહોતો. રમેશભાઇનો જીવ ખૂબ કચવાયો હતો પરંતુ મનમાં સતત એક જ રટણા હતી… શિવલાલ માસ્તરના છોકરાની જેમ કયાંક દેવુ પણ…….! રમેશભાઇ આગળ વિચારી ન શકયા. ઘરમાં ડાઇનીંગ ટેબલ, સોફા, અને ખાટલાની જગ્યાએ ડબલ બેડનો મસમોટો પલંગ આવી ગયો. કયાંય કોઈ કચાશ ન રહેવી જોઇએ. દેવુને લાગવું જોઇએ કે હવે અહીં પણ બધું સુધરી ગયું છે. તેને રોકાવું ગમવું જોઇએ. ફરીથી આવવાનું મન થવું જોઇએ. પોતે બધું ચકાચક કરી નાખશે. ઘરમાં જૂની મોટી લાકડાની આરામ ખુરશી જે પોતાને અતિ પ્રિય હતી. હમેશાં સાંજે ફળિયામાં નાખીને તેમાં બેસતી વખતે તે હાશકારો અનુભવતા. આજે તેનો મોહ પણ જતો કર્યો. ના, જૂનુ કંઈ ન જોઇએ…સગડી ચૂલા તો કયારના નીકળી ગયા હતા. જૂના ફાનસ ઘરના માળિયામાં ઘા ખાતા હતા..તે પણ ભંગારમાં ગયા….હાશ !… ચારેતરફ નજર ફેરવી એક હાશકારો નાખી રમેશભાઇ પહેલીવાર સોફામાં ગોઠવાયા. થોડું અડવું તો લાગ્યું પરંતુ દેવુને આ ગમશે..ના, ના, હવે ચોક્કસ ગમશે…અને માસ્તરના છોકરાની જેમ…..! – મનમાંથી બધો રંજ તેમણે પ્રયત્નપૂર્વક કાઢી નાખ્યો. નીતાબહેન તો પતિની ધૂન મૌન રહીને જોઇ રહેતા હતા. કયારેક તેમનાથી એક નિ:શ્વાસ નખાઇ જતો હતો પણ….!

ઘરનું કામ પૂરું થતાં મન ખાવાપીવાની વાત પર પહોંચ્યું. પત્નીને બોલાવી બધી સૂચનાઓ અનેકવાર કહી સંભળાવી.
‘તારી ગોળપાપડી, ચેવડા અને મગજની લાડુડી, શક્કરપારા…બધું ભૂલી જજે. પાછી હરખપદુડી થઈને “મારી ગોળપાપડી બહુ સરસ બને છે….દેવુને બહુ ભાવે છે….!” – એ બધી વાતો ભૂલી જજે. માણસે સમયની સાથે જીવવું જોઇએ….શું સમજી ? હવે તેને એવું બધું ખાવાની આદત ન હોય તે યાદ રાખજે. આપણે કંઈ માસ્તર જેવા નથી….સમજી ?’ નીતાબહેન શું સમજે ? મૌન બની પતિ સામે જોઇ રહ્યા. છેવટે દેવુ માટે ઘરમાં મેગી, નુડલસના પેકેટો, તૈયાર જયુસના પેક….જાતજાતના ડબલા, સૂપના પેકેટ વગેરે બાજુના શહેરમાંથી મગાવવાનું પણ ભૂલ્યા નહીં. બટર,ચીઝ, સોસ,જામના પેકેટ ઘરમાં ઠલવાઇ ગયા. રોહન માટે કેડબરી પણ કેમ ભૂલે ? દેવુ અહીં હતો ત્યારે તેને લીલા નાળિયેર અને ગોટીવાળી સોડા પીવાની બહુ મજા આવતી. રમેશભાઇને થોડા લીલા નાળિયેર લાવી રાખવાનું મન તો થયું. તે લેવા પણ ગયા પરંતુ આવ્યા ત્યારે નાળિયેરને બદલે હાથમાં સોફટડ્રીંકસની બોટલો – થમ્સ-અપ અને પેપ્સીની બોટલો હતી. નીતાબહેન મૂંગામૂંગા જોઈ રહ્યા. શિવલાલ માસ્તરના દીકરાને માસ્તરે લીલુ નાળિયેર પીવા આપ્યું ત્યારે પોતે ત્યાં હાજર જ હતા ને ?

હવે તો એક દિવસ….બસ એક દિવસ..કાલે તો દેવુ અને નાનકડા રોહનથી આંગણું કલરવ કરી રહેશે. એક મહિનો…..પૂરો એક મહિનો ઘર ગૂંજી રહેશે. દેવુ કંઇ શિવલાલ માસ્તરના દીકરાની જેમ થોડો બે દિવસમાં…દેવુ સાથે નાનપણમાં રમતા હતા તેમ પોતે રોહન સાથે પણ બેટ બોલથી રમશે. ના, ના, એ થોડો એમ ધૂળમાં રમવાનો છે ? દેવુ સાથે તો પોતે હાથમાં ધોકાનું બેટ અને દડો લઇને ક્રિકેટ રમતા હતા. ધૂળવાળો દડો દેવુ કેટલીયે વાર ચડ્ડીમાં લૂછતો રહેતો. અત્યારે પણ તેમની સામે જાણે નાનકડો દેવુ દડો…. જોકે હવે તો ફળિયામાં ધૂળ કયાં હતી ? ફળિયુ પણ ચકાચક સિમેન્ટનું કરાવી લીધુ હતું. અમેરિકાવાળાઓને ધૂળની કેટલી નફરત છે એ પોતે કયાં નહોતું જોયુ? શિવલાલ માસ્તરના દીકરો…… પોતે તો શિવલાલ માસ્તર કરતાં વધારે ભણેલ હતા. નાના ગામમાં રહેતા હતા તો શું થયું ? જમાનાના જાણકાર હતા. દીકરાને શું જોઇશે તેની પૂરી સમજ હતી. સમય મુજબ પરિવર્તન કરી શકતા હતા. જમાના પ્રમાણે બદલાવું જોઇએ તેવી સમજ કેળવી હતી અને તેનો અમલ પણ કર્યો જ હતો ને ? તેથી જ તો બાપદાદાના વરસો જૂના ગારમાટીના ઘરનો મોહ આટલા વરસે અંતે છોડીને નવું પાકુ ઘર બનાવ્યું. કોને માટે ? નહીંતર એ ઘર પોતાને જીવથી વહાલુ હતું. પણ ના, પોતે એવી ખોટી માયા મોહ છોડયા કે નહીં ? પોતે હવે કેટલા વરસ ? છોકરાઓને ગમે એવું જ કરવું રહ્યું – રમેશભાઇ મનોમન જાણે વાત કરી રહ્યા હતા. પોતે કેટલું વિચારી શકતા હતા. બીજાની દ્રષ્ટિએ જોઇ શકતા હતા. પોતાની જાત પર જ ખુશ ખુશ થઇ ગયા અને જાતને શાબાશી આપી રહ્યા. કદાચ એક રંજને છૂપાવવા મથી રહ્યા. અરે, ફળિયામાં બાપદાદાના સમયથી કૂવો હતો, જેનું પાણી વરસોથી પીને પોતે અને દેવુ પણ મોટા થયા હતા. તે પણ આ ઘરનું કામ કરાવતી વખતે બંધ કરાવી દીધો હતો. હવે આવા ઘરમાં કૂવો થોડો શોભે ? જો કે પત્નીને આ બધું સમજાવવામાં મુશ્કેલી જરૂર પડી હતી પણ અંતે પુત્રપ્રેમ આગળ આ બધાની શું વિસાત ? તેથી બધું સમુસૂતર્યું પાર ઉતર્યું હતું. બસ, હવે તો કાલે દેવુ આવશે અને આ બધું જોઇ તેને હાશ થશે. વિચારો અને કલ્પનાઓમાં માણસ કેટકેટલું જીવી લેતો હોય છે ! રમેશભાઇએ દેવુનું આખું શૈશવ ફરી એકવાર આ બે કલાકમાં જીવી લીધું, ત્યાં પત્નીની જમવાની બૂમે તે અંદર ગયા.

બરાબર ત્યારે જ પ્લેનમાં બેસેલ દેવાંગ એટલે કે દેવુ પોતાના સાત વરસના પુત્રને કેટલાય રસથી થાકયા વિના બધી વાત કરતો હતો. ભારતમાં ડેડીને ઘેર શું હશે….કેવું હશે તે સાંભળી સાંભળીને હવે તેનું આખું ચિત્ર નાનકડા રોહનના મગજમાં અંકિત થઇ ગયું હતું. કેટલીયે ન સમજાતી વાતો તેણે ડેડીને પૂછી પૂછી ને સમજી હતી. ઘરની દીવાલ ઉપર પીકોક અને પેરેટના ચિત્રો હશે..ફલાવર્સના ચિત્રો હશે…એ વાત તો રોહનને એટલી અદભૂત અને રોમાંચકારી લાગી હતી કે તે એ બધું જોવા અધીર થઇ ઉઠયો હતો અને વારંવાર ડેડીને પૂછી રહ્યો હતો, ‘ડેડી, કેટલા પીકોક હશે ? પેરેટ કેવા….કેવડા હશે ?….’ અને ફળિયામાં કૂવો હશે…! કૂવો એટલે શું ? અને તેમાંથી પાણી કેમ નીકળે..કેમ કઢાય ? એ બધું સમજાવીને તો દેવાંગ થાકી ગયો હતો પણ તેને મજા પડી ગઇ હતી. રોહને તો કલ્પનામાં પાણીની કેટલીયે ડોલો ઉલેચી નાખી હતી. અને બેટ બોલ કેવા હશે….કેવી રીતે રમશે..લખોટીઓ, ભમરડા અને પતંગોની વાત સાંભળતા તે ધરાતો નહોતો કે દેવાંગ કહેતા થાકતો નહોતો. નીલગીરીના બે પાન તોડી, મસળીને હાથમાં ઘસીએ એટલે હાથમાંથી કેવી સરસ સુગંધ આવે એ વાત કરતાં તો દેવાંગ પણ ફરી એકવાર એ સુગંધથી સુરભિત થઇ ઉઠયો અને રોહન તો.. ‘ઓહ..! વાઉ ! લીફને ઘસીએ એટલે પરફયુમ જેવી સ્મેલ આવે ? વોટ એ મેજિક !’

આસોપાલવના તોરણ બંધાય અને વડના લાલ લાલ ટેટા કેવા ખવાય – એ બધું કહેતા દેવાંગનું મન અને આંખો બંને છલકયા હતા. દિવાળીમાં આ વખતે પોતે, પપ્પા અને રોહન સાથે મળીને જાતે આસોપાલવના તોરણ બનાવશે….નીલગીરીના પાંદડાની સુવાસ હથેળીમાં ફરી એકવાર શૈશવની ગલીઓમાં સફર કરાવશે. પોતે ઘેર પહોંચીને કથા કરાવશે. સત્યનારાયણની કથાનો શીરો ખાધે વરસો વીતી ગયા. હજુ એ શીરાની મીઠાશ અંદર અકબંધ સચવાયેલી છે. કેક કે કેડબરીની યાદોને થોડી વાર પાછળ મૂકી દેવા તો પોતે જતો હતો. એ બધું થોડી વાર તેને ભૂલી જવું હતું. ફરી એકવાર એ દુનિયામાં થોડો સમય જીવી લેવાની એક ઝંખના જાગી હતી. ગામમાં લાઇટો ભલે આવી ગઇ હોય પરંતુ ફાનસ કે મીણબત્તીના પ્રકાશમાં બે ચાર દિવસ તેને ઝળાહળા થવું હતું. માળિયેથી બાને કહીને પોતે ફાનસ જરૂર ઉતરાવશે. અને બહાર ઠંડા, મીઠા પવનની લહેરખી સંગે ઝૂલતા આસોપાલવ સાથે ગોઠડી કરતા કરતા ખાટલા પર સૂવાની કલ્પનાએ તે રોમાંચિત બની ગયો. ખાટલા પર સૂવાની કેવી મજા આવે તે વાત રોહનને કરતાં તેને તો એ વાત બહુ ગમી ગઇ. સૂતા સૂતા ‘સ્ટાર’ અને ‘મુન’ દેખાય….વાઉ ! ‘સ્ટાર’ની તો કેટલી બધી ‘પોએમ્સ’ પોતાને આવડે છે. ડેડ કહે છે… સૂતા સૂતા દાદાજીને તારી બધી પોએમ્સ સંભળાવજે. બા, દાદાજી સાથે ફોન પર તો વાત કરી હતી. દાદાજી સાથે તો ડેડી કહે છે તેવા બેટ બોલથી પોતે રમશે અને આખા સૂઈ જવાય તેવી ખુરશી..! પોતાને કેવી મજા પડશે..! અમેરિકામાં તો પોતાને ઘેર આવું કંઇ નથી. અને ઘોડાગાડી કેવી હોય તે ડેડીએ સમજાવ્યું ત્યારે તો મજા આવી ગઇ. પોતે દાદાજી સાથે તેમાં બેસીને ફરવા જશે. મંદિર…આરતી..ઓહ….! ઇન્ડીયામાં કેટલું બધું છે.

બા અને દાદાજીને ‘જે શ્રીકૃષ્ણ’ કેમ કહેવાય એની તો કેટલી બધી વાર પોતે પ્રેકટીસ કરી હતી. Indian good morning….એમ ડેડીએ સમજાવ્યું હતું. કનૈયાની તો ‘સ્ટોરી’ પણ ડેડીએ કરી હતી અને દાદાજી તો રોજ એ બધી સ્ટોરી પોતાને કરશે….કનૈયો ખાતો હતો એવું બટર પોતે ત્યાં ખાશે…ઈન્ડીયન કેડબરી દાદીમા ઘરમાં જાતે જ બનાવે છે ! રોહન આતુર બની ઉઠયો…પપ્પાના સરસ મજાના ઘરને મળવા… – ત્યારે દેવાંગ વિચારોને ઝૂલે ઝૂલી રહ્યો હતો. આ એક મહિનામાં ફરી એકાદ વરસ ચાલે તેટલું ભાથુ મળી જશે. હા, હવે તો લીઝા ગમે તે કહે દર વરસે એક મહિનો તો ઘેર બા પાસે આવવું જ છે. લીઝા ન આવે તો કંઇ નહીં. પોતે તો રોહન સાથે આવશે જ. થોડું મેળવવા ઘણું ગુમાવ્યું હતું. બસ…હવે નહીં. દેવાંગ પ્લેનમાં બેઠો બેઠો ખાટલા પર સૂતા સૂતા નીલગીરીની મહેક હાથમાંથી સૂંઘતો હતો. લીલા નાળિયેર પાણી અને પેલી ગોટીવાળી સોડા ફરી એકવાર….! અને રોહન તો પ્લેનમાં બેઠા બેઠા બંધ આંખે દાદાજી સાથે ઘોડાગાડીની સફર માણી રહ્યો હતો !

ત્યારે આ તરફ દાદાજી ટેક્ષીની વ્યવસ્થા કરવામાં મશગૂલ હતા. મારો દીકરો ઘોડાગાડીમાં ઠચૂક ઠચૂક કરતો થોડો આવશે ? એ જમાના ગયા..શિવલાલ માસ્તર તો મૂરખ હતા….!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાંદડે પાંદડે કિરણ – સં. મહેશ દવે
હૃદયકુંજની મુલાકાતે – મૃગેશ શાહ Next »   

33 પ્રતિભાવો : શિવલાલ માસ્તરનો દીકરો… – નીલમ દોશી

 1. Samir says:

  Simply Fantastic! Beautiful narration.

 2. nilam doshi says:

  આભાર મૃગેશભાઇ….

  આ વાર્તાનું નામ પાછળથી બદલેલ છે. જેની જાણ આપને કરતાં હું ભૂલી ગઇ હતી. સોરી….

  પરબના ઓગષ્ટ 2008 ના અંકમાં આ વાર્તા પ્રકાશિત થઇ ત્યારે આ નામ રાખેલ હતું.જે જાણ ખાતર.

  ” આપણે કંઇ શિવલાલ માસ્તર થોડા છીએ ? “

 3. ફરી વાંચવાનો આનંદ થયો.

 4. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ. માતા પિતાનો પુત્ર પ્રેમ અને પુત્રનો માતપિતા માટેનો પ્રેમ ને બાળપણની યાદો…

  ક્યારેક જુની વસ્તુઓ ક્યારેય જુની નથી થતી પણ એમાંથી ઉદ્ભવે છે નવા નવા સંસ્મરાણો.

 5. shruti maru says:

  ખુબ સરસ લેખ છે.

  આભાર, નીલમબહેન વાર્તા વાંચવાની મજા આવી. હજુ આવા લેખ લખતાં રહો જેથી સૌ વાચકમિત્રો તેનો લાભ લઈ શકે.

 6. mohit says:

  simply fantastic!Gr8 story Nilamben! વતન છોડીને જનાર યુવકની પોતાના મૂળ પ્રત્યેના લગાવની અનુભૂતિ કરાવતી કથા!નાનપણમાં ભણવામાં આવતો પાઠ “શૈશવના સ્મરણો” ની યાદ અપાવતી વાર્તા! તેમાં આવતું એક વાક્ય હતું જેમાં લેખક(મોટાભાગે શ્રી હરિન્દ્ર દવે છતાં ભૂલચૂક લેવીદેવી) કહે છે કે જ્યારે હું લખોટીઓ જીતીને ચડ્ડીના બંન્ને ખીસ્સામાં ખચોખચ ભરેલી લખોટીઓ સાથે ઘરે આવતો ત્યારે થતો લખોટીઓનો અવાજ મને ખણકતા રુપિયાના સિક્કાઓ જેવો લાગતો. પણ આજે તો તે અવાજ રુપિયાના સિક્કાઓથી પણ કિંમતી લાગે છે! અફસોસ, તે દિવસશ્ હવે ચાલ્યા ગયા છે. ‘તે હિ નો દિવસા ગતાઃ’
  “શાયદ ફિરસે વો તકદીર મિલ જાયે, જીવનકા સબસે હસીન વો પલ મિલ જાયે,
  ચલો બનાયેં બારિશમેં કાગઝકી નાવ, શાયદ વાપિસ અપના બચપન મિલ જાયે!”

 7. nayan panchal says:

  સુંદર વાર્તા.

  જીવન તો આવી અનેક વિસંગતતાઓથી ભરપૂર છે.

  આભાર.

  નયન

 8. Bhargav says:

  વાહ …. મજા આવિ ગઈ…

  અને સાચુ કહુ તો ” આપણે કંઇ શિવલાલ માસ્તર થોડા છીએ ? “ નામ જ વધારે યોગ્ય છે.

 9. Salima Ladhani says:

  હદયસ્પશી …

  ખુબ જ સુંદર…

 10. JITENDRA J. TANNA says:

  ખુબ સરસ વાર્તા.

  અંત ખુબ સરસ પરંતુ ઘરે આવ્યા પછી દેવ તથા એના પુત્રનું શું રીએક્શન હશે એ વાંચવાની લાલચ પણ જરૂર થઈ આવે.

 11. pragnaju says:

  ફરી માણવાની ગમે તેવી સરસ વાર્તા

 12. Pradipsinh says:

  Wah wah. aaj aa vanchi ne badho thak utari gayo. balpan kyarey pan bhulatu nathi. khub saras.

 13. Veena Dave,USA. says:

  oh, tears rolling on my chicks…….

 14. Veena Dave,USA. says:

  Hun pan aavu ghanu gharma muki ne aahi aavi chhu e badhu yaad aavi gayu.

 15. Rajni Gohil says:

  માણસનું મન કોઇ કળી શકે છે? દીકરા માટે ઘરમાં આટલા બધા ફેરફાર કરાવ્યા તે પહેલાં તેના વિચારો જાણવા ડહાપણ ભર્યું છે તે આ વાર્તા પરથી શીખવા મળે છે. નવા જમાનામાં પણ લોકો પાસે
  Antique Collection

  ક્યાં નથી હોતું? સુંદર મઝાની વાર્તા આપણને ઘણો સરસ બોધપાઠ આપી જાય છે.

 16. ઈન્દ્રેશ વદન says:

  સરસ વાર્તા.
  પરંતુ ઘણાં લોકો માસ્તરના દિકરા જેવા હોય જ છે. હેટ ધોઝ બ્લડી ફોરેન-રીર્ટન હીપોક્રીટ્સ.

  એક રીતે રમેશભાઈએ ઘરનું રીમોડેલીંગ કરાવીને સારું કર્યુ. એમની પુત્રવધુ આવશે તો તકલીફ ઓછી પડશે. જો પુત્રવધુ ગામની જ શોધી હોત તો આવું ન કરવુ પડતે.
  જે થયું તે ખરું. હરિ ઈછ્છા.

  સી.એન.જી. રીક્ષાઓ આવ્યા પછી હજુ કયા ગામોમાં ઘોડાગાડીઓ દોડે છે, એ જણાવવા વિનંતી. ઃ)

 17. Rajni Gohil says:

  ‘બા,મારી એ બધી કીમતી વસ્તુઓને કયારેય હાથ નહીં અડાડવાનો હોં. એમાં તને કંઈ ખબર ન પડે…અને મારું બધું તું આડુંઅવળું કરી દે છે ! ભલે ધૂળ ખાતું, હું મારી જાતે સાફ કરીશ.’ કોણ બોલ્યું આ ? નીતાબહેનને વહેમ આવ્યો દેવુ આવી ગયો કે શું ? આ તો દેવુના જ શબ્દો…આ ક્ષણે પોતાને કેમ સંભળાયા ? ભણકારા જ તો..!…………..

  ભણકઆરા નહીં પણ આ તો અંતર આત્માનો અવાજ હતો. આ વાર્તા આપણને શીખવે છે કે અપણા અંતરાત્માના અવાજની અવગણના કરીને મુસીબત વહોરી ન લેવી. કેટ્લો સુંદર બોધપાઠ મળે છે આ સૂંદર મઝાની વાર્તામાંથી!

  મ્રુગેશભઇ,
  How can we edit after we submit our comments?

  Thanks

 18. Jini says:

  This is such a fantastic story, I can feel this in my heart. This reminds me of my childhood, I still love the house we used to live back home, and my mom has kept everything as it was.

 19. jayshree mehta says:

  આંખમાં આંસુ આવી ગયા. અમે કેટલું પાછળ મૂકીને અહીં આવ્યા છીએ.એનો અહેસાસ આવી સુંદર રીતે કરાવવા બદલ લેખિકાને ખૂબ અભિનન્દન સાથે અભાર. કયારેક પ્રશ્ન પણ થાય છે કે થોડુ મેળવવા માટે જાજુ તો ગુમાવ્યુ નથી ને ? મા બાપ અને પુત્ર બધાની લાગણી અંતરને સ્પ્રશી ગઇ.કોઇ મોટા શબ્દો વિના સરસ અને ભાવવાહી આલેખન.શિવલાલ માસ્તરના દીકરાની ફડક બાપના મનમા કેવી ઘર કરી ગ ઇ હતી અદભૂત વર્ણન.અને દીકરાનો જુરાપો કેવો સુન્દર વ્યક્ત થયો છે. દરિયાપાર રહેતા અમે કોઇ કયારેય શિવલાલ માસ્તરના દીકરા જેવા ન થઇએ એવી ઇશ્વરને પ્રાર્થના

 20. ritesh sanghavi says:

  મને તો આમા એક બાપની વ્યથાના દર્શન થયા. અને સાથે દીકરાના ઝુરાપાના.સચોટઅને સરસ વાર્તા.આવી ઉતમ વર્તાઓ આપતા રહેશો

 21. સુરેશ જાની says:

  સરસ વીરોધાભાસ .
  આમ પણ બને !
  મારી દીકરીના દીકરાને લઈ અમદાવાદ આવ્યો હતો અને એ ‘અમેરીકન બોયે’ જે મજા માણી હતી, તે યાદ આવી ગઈ.

 22. Devina says:

  great story,full of imotions

 23. Saumil says:

  Superb! Cried after a long time!

 24. Nishith says:

  સરસ!

 25. neela soni says:

  great and superb stoory.

 26. GAURANG M RAWAL says:

  SHIVLAL MASTAR NO DIKRO…
  JUST SUPURB…
  WHAT A STORY! WHAT TO SAY ABOUT IT ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.