- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

હૃદયકુંજની મુલાકાતે – મૃગેશ શાહ

આજે ગાંધી નિર્વાણ દિન. પૂ. મહાત્મા ગાંધીજીના જીવન અને રચનાત્મક કાર્યોનું સ્મરણ કરવાનો દિવસ. એ પરમ ચેતનાને વંદન કરીને કશુંક આત્મસાત કરવાનો; કશુંક પામવાનો દિવસ. આમ તો રીડગુજરાતી પર અવારનવાર આપણે ગાંધીજીના અનેકવિધ લેખો દ્વારા તેમના જીવનદર્શનને સમજવાનો પ્રયત્ન કરતા જ રહીએ છીએ તેથી વિશેષ કોઈ વિસ્તાર ન કરતાં આજના દિવસે આપને ‘હૃદયકુંજ’ની સફરે લઈ જવા ઈચ્છું છું. હજુ કદાચ વર્ષોથી અમદાવાદમાં રહેનારે પણ તેની મુલાકાત ન લીધી હોય તેમ બને ! અમદાવાદના સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ)ને કાકા કાલેલકર સાહેબે ‘હૃદયકુંજ’ એવું સુંદર નામ આપ્યું છે કારણ કે સ્વતંત્રતાની ચળવળના તમામ મહત્વના નિર્ણયો અને કાર્યોનો શુભારંભ તે સ્થાનેથી થયો હતો. ગત માસમાં આ પવિત્ર ભૂમિના દર્શન કરવાનો મને સુયોગ સાંપડ્યો જેનું ફોટો-આલ્બમ આજે આપણે માણીશું.

જરાક આંખ બંધ કરો અને વિચારો કે આપણા જ જેવો બે હાથવાળો એક માણસ, એક સામાન્ય નાગરિક, પોતાની સત્ય અને અહિંસાની વિચારધારાને દ્રઢતાથી પકડીને વિરાટ સત્તા સામે એકલે હાથે ઝઝૂમવાની શરૂઆત કરે છે, અનેક જગ્યાએ લોકજાગૃતિ માટે વક્તવ્ય આપે છે, સામાયિકો માટે 8,781 જેટલા લેખો લખે છે, અનેક મુસાફરીઓ-પદયાત્રાઓ કરે છે – માત્ર એટલું જ નહિ આયુર્વેદિક, નેચરોપથી, ધ્યાન, ચિંતન, મનન, રામનામ, ધર્મ, ગૃહસ્થ જીવનના ધર્મો, સામાજિક નીતિ, રાજનીતિ, અર્થશાસ્ત્ર…. અરે, અધધધ…. કહી શકાય એટલા બધા વિષયોનો સ્પર્શ ગાંધીજીએ કર્યો છે. સાબરમતી આશ્રમની મુલાકાત લેતા એક જ વિચાર મનમાં ગૂંજ્યા કરે છે કે ગાંધીજી એક જ જન્મમાં જાણે દસ જન્મનું કામ કરી ગયા. મનમાં એમ વિચાર આવે કે આ વ્યક્તિ જમતો ક્યારે હશે ? સૂતો ક્યારે હશે ?

આજે દૂરસંચારના આપણી પાસે અઢળક સાધનો છે. અમુક વસ્તુનું તો રીતસર માર્કેટિંગ કરવામાં આવે છે – એ પછી ‘પોઝેટિવ થિંકિંગ’ ના પુસ્તકો ભલે ને કેમ ન હોય. પણ તેમ છતાં એક વ્યક્તિની ઓળખ કે વિચાર દુનિયાના બીજા છેડે પહોંચતા ઘણી વાર લાગે છે… કદાચ પહોંચી જાય તો પણ લોકો પર એટલી અસર છોડી શકતા નથી. જ્યારે એ જમાનામાં ભૌતિક ઉપકરણોના અભાવ વચ્ચે પણ દૂર દૂરના પ્રદેશમાં રહેતો છેવાડાનો માણસ જેણે ગાંધીજીને કદી જોયા પણ ન હોય..એ એમ કહેતો કે ‘હું ગાંધીજીના વિચારો પર જીવન જીવવાનો પ્રયત્ન કરું છું….’ આ તે વિચારોની કેવી વ્યાપક્તા ! કેવો પ્રભાવ ! કોઈકે સાચું જ કહ્યું છે કે ઉત્તમ માનવીય ગુણો ફૂલો જેવા છે….એને બસ ખીલવા દો, ભમરા એની મેળે આવશે. એનું માર્કેટિંગ ન કરો.

‘રામનામ’ વિશે ગાંધીજીની એક સુંદર નાનકડી પુસ્તિકા છે. ગાંધીજીએ આત્મકથા અને લેખોને બાદ કરતાં ઘણું સાહિત્ય મોટેભાગે પુસ્તિકા સ્વરૂપે આપ્યું છે. આ પુસ્તિકામાં ‘રામનામ’ વિશે એમના વિચારોની ઊંચાઈ જે દેખાય છે એ ભાગ્યે જ જગતના કોઈ પુસ્તકમાં શોધી જડે. કેટલી સ્પષ્ટ, સરળ અને સહજ વાત. એમ લાગે છે કે ગાંધીજી શબ્દોથી નહીં પણ અનુભૂતિથી લખતા હતા. ગાંધીજીને ખરા અર્થમાં સમજવા માટે ‘ગાંધીજી વિશે’ લખાયેલા સાહિત્ય કરતાં ‘ગાંધીજી એ’ લખેલ સાહિત્ય ખરેખર વાંચવું જોઈએ તો જ એ મહાત્માના વિચારોની ઊંચાઈને આપણે કંઈક સમજી શકીએ.

બીજું મહત્વનું પાસું મને એમના જીવનમાં દેખાય છે કે તેમણે અનેક નવા શબ્દોને જન્મ આપ્યો. ‘સર્વોદય’, ‘અંત્યોદય’, ‘સત્યાગ્રહ’ અને બીજા અનેક શબ્દો. એક જાણે આખો યુગ ઊભો થયો. નરસિંહ મહેતાના યુગની જેમ ગાંધી યુગ. કલા, સંસ્કૃતિ, સાહિત્ય જેવા અનેક વિધ-વિધ ક્ષેત્રો સુધી ગાંધી વિસ્તરર્યા. આ વડના મૂળિયાનો વ્યાપ ક્યાં ક્યાં સુધી છે એની પર હજી સંશોધન ચાલી રહ્યું છે. 34,000 થી વધારે તો પત્રો એમણે એમના જીવનકાળ દરમિયાન લખ્યા. મને એમ થાય કે એ જ હાથપગ અને એજ આપણા જેવો માણસ…. આપણા જેટલા જ ચોવીસ કલાક…. અને તોય કેટ-કેટલા કામ એમણે કર્યા ! અને આપણે ચોવીસ કલાક પછી પણ ફરિયાદ કરતા હોઈએ છીએ કે આ કામ બાકી રહ્યા અને પેલા કામ ન થયા ! અનેક મુલાકાતીઓ, ભરચક ભીડ, પુષ્કળ કાર્યક્રમો, ક્ષણોમાં મોટા નિર્ણય લેવા પડે તેવી પરિસ્થિતિ અને તોય પ્રાર્થનામાં બેસે ત્યારે પ્રશાંત અને પરમ સ્વસ્થ ચિત્તની અવસ્થા. આમ જુઓ તો સતત ઉદ્યમી અને આમ જુઓ તો નિષ્કામ. એક બાજુ તમને સતત બોલતા લાગે, બીજી બાજુથી જુઓ તો મૌન.

આજની ભૌતિકતા સામે ફક્ત પચાસ-સો વર્ષ પહેલા આ દુનિયામાં કોઈ વ્યક્તિ આવું જીવન જીવી ગયો એ વાત જ કેટલી આશ્ચર્ય પમાડે એવી છે ! ગાંધીજીની નબળાઈઓ વિશે પણ ઘણું લખાય છે. ક્યારેક કોઈકને એમ પણ લાગે છે કે મહાત્મા હોવા છતાં આવો વિરોધાભાસ કેમ ? પણ હકીકતે મહાત્મા છે એટલે જ તેમાં એ નબળાઈઓ છે. ફક્ત નબળાઈઓ જ નથી, એનો સ્વીકાર પણ છે. નાનું બાળક રમતા રમતાં પડી જાય તો એકદમ ગભરાઈને રડી ના ઊઠે એટલે એની જોડે એના પિતા પણ બાળકની જેમ ખાલી ખાલી પડી જવાની નકલ કરે છે અને એનું ચિત્ત બીજે વાળી લે છે, એમ મને લાગે છે કે ગાંધીજીમાં કોઈક માનવ સહજ નબળાઈ બુદ્ધિમાનોને દેખાતી હોય તો એ માનવીની સહજ વૃત્તિઓનું પ્રતિબિંબ જ છે. ગાંધીજી એ પ્રતિબિંબ ઝીલીને સંદેશો આપી રહ્યા છે કે જુઓ મને પણ તમારી જેમ ગુસ્સો આવે છે, જુઓ હું પણ ક્યારેક જડતા કરી બેસું છું…. જુઓ મને પણ ડર લાગે છે….. – આ બધી આપણા જેવી વૃત્તિઓ દર્શાવી શક્યા એટલે જ આપણે તેમને ‘બાપુ’ કહી શકીએ છીએ. બાકી તો એ ફક્ત ‘મહાત્મા’ બની રહેત ! હકીકતે તેમનામાં એ વૃત્તિઓ છે જ નહીં. એ તો આપણે ડરીને જીવનથી હારી ન બેસીએ અથવા ‘મેં તો આટલી ભૂલો કરી હું કંઈ થોડો મહાન બની શકું ?’ – એમ ન કહીએ એ માટે તેઓ આપણા જેવું જીવી ગયા.

ગાંધીજી વિશે લખવાનું મારું ગજું નથી પરંતુ સાબરમતી આશ્રમની મુલાકાત લેતા જેટલાં વિચારો મનમાં ઘૂંટાતાં ગયા તેને નોંધી લેવા પ્રયાસ કર્યો હતો જે આપની સમક્ષ પ્રસ્તુત છે. તો ચાલો, હવે જઈએ સીધા ‘હૃદયકુંજની’ મુલાકાતે. નીચે આપેલા ફોટો-આલ્બમને ક્લિક કરીને અલગ મોટા ચિત્ર સ્વરૂપે જોઈ શકાય છે. પૂ. ગાંધીજીના ચરણોમાં વંદન સાથે સૌને પ્રણામ.

.