- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અમારા માસ્તર સાહેબ – વિમલ શાહ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વિમલભાઈનો (ગુજરાત) ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત કૃતિ તેમના જીવન અનુભવ પર આધારિત સત્યઘટના છે. સર્જનક્ષેત્રે તેમણે સુંદર ટૂંકીવાર્તાઓ આપી છે. તાજેતરમાં તેમની એક વાર્તાને પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું છે. આપ તેમનો આ સરનામે : shahvimal3@gmail.com સંપર્ક કરી શકો છો.]

ગરમીના દિવસોમાં એ ધોતીયું અને લાંબુ ખમીસ પહેરતા. થોડી ઠંડી હોય તો ઉપર બજરીયા રંગની બંડી અને માથે એવા જ રંગની તેલ ખાધેલી ટોપી પહેરતા. પણ જો ભરપુર શિયાળો હોય તો એવા જ રંગનો કોટ પણ ચડાવતા. આંખ પર કાળી જાડી ફ્રેમના ચશ્મા અને વળી એ ચશ્માના જાડા કાચ. વજનના કારણે એની ડાંડી નાક પર સહેજ નીચી ઉતરી જતી. પલાંઠીવાળીને એ ટટ્ટાર બેસતા અને સામે પડેલી 20-25 પાટીઓ એક પછી એક ઉપાડી લેશન તપાસતા. ત્યારે અમને સહુને વાતચીત કરવાની તક મળી જતી. કલબલાટ થઈ જતો. એ હળવેથી માથુ નીચું રાખીને જ ચશ્માની આરપાર ચુંચી આંખે જોતા અને પછી હાથમાં નેતરની સોટી લઈ સહેજ ઊંચી કરતા અને સહુ શાંત થઈ જતા.

પાટીમાનું લેશન જેનું બરોબર હોય તેને પાટી પાછી આપતા. વિદ્યાર્થીઓ પાસે જ આવેલી છતમાં પાટી ધોઈને સુકવવા જતા અને બોલતા – ‘ચકી ચકી પાણી પી જા, બે પૈસાની બરફલી લાવ.’ આ બરફને પાટી સુકવવા સાથે શું સંબંધ એ તો હજુએ સમજાતું નથી પણ બરફલી શબ્દ બોલતાની સાથે મોંમા અદ્દભુત ઠંડક વ્યાપી જતી. 1960 આસપાસના વર્ષોની વાત છે. ત્યારે બરફ એક લકઝરી હતી. જેનું લેશન બરોબર ન હોય તેને માસ્તર સાહેબ તેની ભુલ સમજાવતા, ક્યારેક ખીજાતા, સોટીનો ડર દેખાડતા પણ ભાગ્યે જ સોટી વાપરતા.

લગભગ પોણા છ ફૂટ ઊંચા માસ્તર સાહેબ ગલોફામાં તમાકુવાળું પાન ખોસીને રૂઆબદાર ચાલે મકાનમાં સવારના આઠ વાગ્યા આસપાસ પ્રવેશ કરતા અને પહેલા માળેથી જ પોતાના વિદ્યાર્થીઓને ભેગા કરતા ઉપર ચડતા. તેમના વિદ્યાર્થીઓની ઉંમર ત્રણથી છ વર્ષની રહેતી. જે બાળક બિલકુલ તૈયાર થઈને સીડીમાં તેમની રાહ જોતો ઊભો હોય તેને એક પીપરમીંટ ઈનામમાં મળતી. માસ્તર સાહેબને જોઈને સહુ એમનું અભીવાદન કરતા અને કહેતા સાહેબજી સલામજી અને એ ખુશ થતા. નવા આવેલા બાળકને શરૂઆતના દિવસોમાં નવી ‘આખી’ પેન (પાટી પર લખવાની) આપતા. તેઓ એક એક માળ ચડતા જતા અને બાળકોની સંખ્યામાં વધારો થતો જતો. કોઈ બાળક અકારણ ગેરહાજર રહેતો હોય તો વળી તેને ઘેર જઈ હાકોટો કરીને કે સમજાવીને પોતાની સાથે લઈ જતા. એમ કરતા ચોથો માળ પસાર કરતાં ત્યાં સુધીમાં ખાસ્સા પચીસથી ત્રીસ જણાની વાનરસેના ભેગી થઈ જતી અને આખું લશ્કર અગાશી તરફ પ્રયાણ કરતું. અગાશીની પહેલા લગભગ અઢી કે ત્રણ ફૂટ બાય દશ ફૂટની નાનકડી ચાલી હતી. એવીજ બીજી ચાલી નવ પગથીયા નીચે રહેલી. માસ્તર સાહેબ આ વિશાળ (?) બે નાનકડી ચાલી અને વચમાં રહેલા નવ પગથીયાના ડબલ ડેકર કલાસરૂમને દમામભેર સંભાળતા અને કોણ જાણે કઈ રીતે પણ સાચવતા.

લગભગ સવાસો સીંગલરૂમ અને વીસેક ડબલરૂમના એ મકાનમાં નવ વાગ્યે પાણી આવતું. એ વખતે મા-બાપ નોકર વગેરે સહુ પાણી ભરવામાં પ્રવૃત્ત થતા અને આ બાળકો સચવાય જતા. લગભગ સાડા નવ વાગ્યા સુધી આ નિશાળ ચાલતી. ત્યાં સુધી મકાનના સ્ત્રી વર્ગ માટે આ બાળકો ઘરમાં ન હોય તે આશીર્વાદરૂપ હતું. પણ માત્ર એ જ કારણથી આ શાળાનું મહત્વ હતું એવું નથી. એ માસ્તર પાસે અમે સારા મરોડદાર અક્ષર અને ખાસ કરીને આંક અને પલાખા શીખ્યા હતા. હજુ પણ કોઈ 17 x 6 = ? પુછે તો યાદ નથી આવતું પણ સતરે છક બીલન તરસો અને સતર સતા ઓગણીસસો તુરત મોઢે ચડી આવે છે. આ માસ્તરને માસીક રૂ. પાંચનો પગાર બાળક દીઠ મળતો. કોઈક મા બાપ વળી કોઈ મહીને એકાદ રૂપિયો ઓછો આપે તો એ ચલાવી લેતા. એ બાબત વધુ વાતચીત તેઓ કરી શકતા નહીં. માત્ર તેમના ચહેરા પર એક અજબનો દરિદ્રતાનો ભાવ આવી જતો. કંઈક ક્ષોભ અને લાચારી સાથે ફિક્કુ હસીને તેઓ એ રકમ સ્વીકારી લેતા.

એક વખત સાહેબે જાહેરાત કરી કે આવતી કાલે જે પૂરું લેશન કરી આવશે તેને એક આખી નવી પેન ઈનામમાં મળશે. અને બીજા દિવસે પેન હકદાર થયા પચીસ. પણ સાહેબ પાસે પેન હતી માત્ર બે ડઝન એટલે કે ચોવીસ. એટલે એક બાળકને પેન આપવાની રહી ગઈ. એ દિવસે તો તે વિલું મોં કરી ચાલ્યો ગયો. પણ પછી બે ત્રણ દિવસ સુધી દરરોજ ઉઘરાણી કરે : સાહેબ મારી પેન આપોને…. સાહેબ, સાહેબ, મારી પેન. ત્રીજે દિવસે સાહેબ ખીજાયા : રોજ માગ માગ કરે છે તે પેન કંઈ મફત નથી આવતી. જા તારા બાપને કે લાવી દે. છોકરો વીફર્યો – બાપ સામે નહીં બોલો અને સાહેબને ગુસ્સો આવ્યો – સાલા… સામું બોલે છે ! એમ કહીને તેને મારવા હાથ ઊંચો કર્યો ત્યારે પેલા બાળકે ગભરાઈને પાટી આડી રાખવા ઝડપથી ઉંચી કરી તે ઉછળી ને સીધી સાહેબના મોં પર આવી આંખ સહેજમાં બચી ગઈ અને ગાલે થોડો ઘસરકો થયો અને ચશ્મા નીચે પડ્યા. માસ્તરે તેને બાવડેથી ઝાલ્યો, અને ધીબી જ નાંખ્યો હોત ત્યાં કોઈક બોલ્યું : ‘એ ચશ્મા ! ચશ્મા તુટી ગયા…’ સાહેબનો ઊંચો થયેલો હાથ છોકરાની પીઠ પર પડવાને બદલે હળવેથી નીચો થયો. ‘હે રામ !’ તેઓ કપાળ પર હાથ રાખી ત્યાં જ બેસી ગયા. બે પળ સહુ સ્તબ્ધ બની ગયા. ચશ્માની એક ડાંડી તુટી ગયેલી અને એક કાચ તૂટી ગયેલો.

માસ્તરના મનમાં અનેક વિચારો વાવાઝોડાની માફક ફરી વળ્યા : ચશ્માની કીંમત ઓછામાં ઓછી રૂ. 20 થાય અને હજુ તો મહીનો પુરો થવાની પાંચ દિવસની વાર હતી. ચશ્મા વગર કેમ ચાલશે ? એ વિચારી રહ્યા. નજર સામે પોતાનું ઘર, પત્ની, બાળકો અને માબાપના ચહેરા તરવરી ઉઠ્યા. બહુ જ ગુસ્સો અને હતાશના ભાવ તેમના ચહેરા પર ફરી વળ્યા. આંખમાં લાગ્યું હોય એટલે હોય કે કોણ જાણે કેમ આંખમાં પાણી આવી ગયા. ચશ્મા વગર જે ઝાંખુ દેખાતું હતું તે ઓર ધૂંધળું બન્યું. આંખ પર તેમણે ધીરેથી એક ડાંડીવાળા ચશ્મા ચડાવ્યા, બીજી ડાંડી બંડીના ખિસ્સામાં મુકી અને વળી એક હાથે ચશ્માની ડાંડી પકડી રાખી તેઓ ઉભા થયા અને પાસે પડેલા ચંપલમાં પગ પરોવી તેઓ દાદર ઉતરવા લાગ્યા.

સહુ બાળકો સ્તબ્ધ બની ગયા. કોઈ કંઈ બોલ્યું નહીં. પણ કલાકવારમાં આ પ્રસંગની વાત ઘેરઘેર પહોંચી ગઈ. જે બાળકની પાટી સાહેબને લાગેલી તેના બાપાએ તેને એક ફડાકો લગાવ્યો. પણ પછી સહુએ એમને વાર્યા. વળી ઑફિસ જવાનું મોડું થતું હોય એટલે ત્યારેતો વાત ત્યાં જ અટકી. પણ પછી દિવસ દરમ્યાન આ વાતની ચર્ચા ચગડોળે ચડી. બજેટ હતું લગભગ રૂપિયા વીસનું જે બધાએ ફાળો કરી ભેગા કરવાનું નક્કી કર્યું અને રાત્રે પુરુષો આવતા પહેલાં જ બહેનોએ રકમ પણ ભેગી કરી લીધી. પણ પછીના બે દિવસો સુધી માસ્તર આવ્યા જ નહીં. છેવટે ત્રીજે દિવસે રાત્રે મકાનના ચાર-પાંચ પુરુષો રૂપિયા બાવીસ એક કવરમાં નાખી સાથે મિઠાઈનું એક પેકેટ લઈ તેમના ઘેર પહોંચી ગયા. જાણે ‘હોળી’ પછી દિવાળી આવી હોય તેમ માસ્તર તેમજ તેમના કુટુંબીજનોના ચહેરા પર આનંદ ફરી વળ્યો. ત્યારબાદ માસ્તર સાહેબ સાથે સહુનો ઘરોબો વધ્યો.