સ્પર્શ આકાશનો – સંધ્યા ભટ્ટ

[કવિયત્રી તેમજ ગઝલકાર શ્રીમતી સંધ્યાબેન વ્યવસાયે બારડોલીમાં પ્રોફેસર છે. તેમનું પ્રથમ પુસ્તક ‘સ્પર્શ આકાશનો’ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા પસંદગી પામ્યું છે. ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘ઉદ્દેશ’ જેવા અનેક સાહિત્યિક મેગેઝીનોમાં તેમની રચનાઓ પ્રકાશિત થતી રહે છે. આ ઉપરાંત તેઓ સાહિત્યક્ષેત્રે અવલોકનો અને વિવેચનો પણ લખતા રહે છે. રીડગુજરાતીને આ સુંદર રચનાઓ મોકલવા માટે સંધ્યાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે : sandhyanbhatt@gmail.com અથવા આ નંબર પર +91 9825337714 સંપર્ક કરી શકો છો.]

[1] બની શકશે

મનને આરામ તો મળી શકશે,
આ વિચારો અગર શમી શકશે.

ચાલવાનું જ હોય છે સઘળે,
આ સમય શું ખડો રહી શકશે ?

જીત ને હાર બે ય પાસાને,
યુદ્ધ અથવા રમત સહી શકશે.

તું સવાલોની વાત ભૂલી જા,
કેમ કે ઉત્તરો નડી શકશે.

માત્ર વિશ્વાસ તું વધારી જો,
વ્હાણ આખું જ તુજ તરી શકશે.

શક્યતાનો પ્રદેશ મોટો છે,
સ્વપ્ન સાચું જરૂર બની શકશે.

[2] કૃષ્ણગીત

પ્રશ્નોની ભીડમાં અટવાતી ચાલી હું,
ઉત્તરના રૂપમાં મળશો ને શ્યામ ?
ભીડમાં ને ભીડમાં ખોવાતી ચાલી હું,
ક્ષણનું એકાંત મને ધરશો ને શ્યામ ?

કેટલા યુગોથી અહીં આવન ને જાવન છે,
હું તો એ સાગરનું બિંદુ,
બંધનની માયા ને માયાનું બંધન છે,
સમજણને નામે બસ મીંડું.
વમળોમાં વીંટાતી વિખરાતી ચાલી હું,
એમાંથી મારગ કંઈ કરશો ને શ્યામ ? પ્રશ્નોની……

ઝંખનામાં મારે તો મોરલીના સ્વર અને
મોરપિચ્છનો કૂણો સ્પર્શ,
યમુનાના જળ ઉપર લહર થઈ વિહરવા
કેટલી હું થઈ ગઈ પરવશ !
ગોકુળની ગોપી હું બનવા ચાહું છું, તો
મટકીઓ મારી પણ ફોડશો ને શ્યામ ? પ્રશ્નોની….

[3] શાયરનું ઘર છે અક્ષર

અક્ષર નામે પરમેશ્વર,
શાયરનું ઘર છે અક્ષર.

જીવન ધબકે શ્વાસોથી,
મોજાંથી ધબકે સાગર.

ચાલોને આપણ થાઈએ,
વસ્તરની નીચે અસ્તર.

માનવને માટે ખીણો,
દેવોને માટે ડુંગર.

પૂજા સૌની પામે છે,
એક જ એવો છે પથ્થર.

રેખા મારા હાથોની,
એ તો તારા હસ્તાક્ષર

[4] ફૂલ અને પંખી

ફૂલ અને પંખીની સુંદરતા પામવી હો,
ખુશ્બૂ ને ટહુકાને પામી લો,
ફૂલ અને પંખીની કોમળતા જાણવી હો,
હળવેથી સ્હેજ એને સ્પર્શી લો.

લીલીકચ ડાળી પર ઊગેલું ફૂલ,
એની નીચે તો ઊગ્યાં છે શૂળ;
સ્મિત તો ય ઝળકે છે કણકણમાં,
ફૂલને જાળવવા પોતાનાં મૂળ;
ફૂલ અને ખુશ્બૂની એકતાને પારખવા,
પોતાના ભીતરને જોઈ લો… ફૂલ…..

પંખીની પાંખો તો ઊડવાનું જાણે ને
નીલરંગી આભલાને માણે,
ટહુકાને અવકાશે પાથરતું પંખી તો,
પારધીથી પીડને પિછાણે;
પંખીના ટહુકાને વિખરાતો જાળવવા,
ડાળી પર એને બસ ઝૂલવા દો… ફૂલ…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જોગમાયા – અમિત દેગડા
વિકાસની ગતિ – શીતલ દેસાઈ Next »   

22 પ્રતિભાવો : સ્પર્શ આકાશનો – સંધ્યા ભટ્ટ

 1. Rajni Gohil says:

  માત્ર વિશ્વાસ તું વધારી જો,
  વ્હાણ આખું જ તુજ તરી શકશે.

  આ સુંદર વાત કેટલી સરસ રીતે જીવનનું તત્વજ્ઞાન સમજાવી જાય છે. ભગવાન પર વિશ્વાસ વધારતાં ૧૦૦% સુધી પહોંચીએ પછી જીવનમાં પરમ સુખ મળે જ ને! પછી નીચેની પંક્તિઓમાંથી શંકા જતી રહે.

  ગોકુળની ગોપી હું બનવા ચાહું છું, તો
  મટકીઓ મારી પણ ફોડશો ને શ્યામ ? આવશે જ એમા શંકા ન રહે.
  અને
  રેખા મારા હાથોની,
  એ તો તારા હસ્તાક્ષર…. ….પોતાના ભીતરને જોઈ લો. પછી આખું વિશ્વ ઈશ્વર પરના પ્રેમને લીધે.
  ઈશ્વરમય લાગે. ખુબ જ સુંદર સમજવા લાયક જીવનમાં ઉપયોગી કૃતિઓ આપવા બદલ શ્રીમતી સંધ્યાબેનને હાર્દિક અભિનંદન.

 2. nayan panchal says:

  સુંદર રચનાઓ.

  આભાર.

  નયન

 3. જીવન ધબકે શ્વાસોથી,
  મોજાંથી ધબકે સાગર.

  ટૂંકી બહેરની ગઝલ રચવી સામાન્ય રીતે મુશ્કેલ હોય છે … પણ ખુબ સુંદર ગઝલ…

 4. kalpana desai says:

  Sandhyaben,tame shakyatana pradeshmaan praveshi chukya chho karanke tamarun swapna sachu padi rahyun chhe.Tunkmaan ghanu kahi devani tamari shaili sunder ghazalo aape e j Aasha.

 5. patel.v.m says:

  ઓક્ક્

 6. રેખા મારા હાથોની,
  એ તો તારા હસ્તાક્ષર
  મનને આરામ તો મળી શકશે,
  આ વિચારો અગર શમી શકશે.

  વાહ મઝા આવી..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.