વિકાસની ગતિ – શીતલ દેસાઈ

[‘વિચારવલોણું’ સામાયિક જાન્યુ-09માંથી સાભાર]

એકવીસમી સદી એ બધા જ ક્ષેત્રોમાં વિકાસની સદી છે, તે વાત સૂર્યપ્રકાશ જેટલી સ્વયંસિદ્ધ છે. ટેકનોલોજીએ ભરેલી હરળફાળે વિશ્વને નજીકમાં લાવી દીધું છે. ચમત્કારી કહી શકાય તેવી યાંત્રિક વ્યવસ્થા આ યુગમાં સંભવી છે. તેથી દુનિયાના એક ખૂણે બેસી, બીજા કોઈ પણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ સાથે તાત્કાલિક વાત કરવાનું, માહિતીની આપ-લે કે સંદેશાવ્યવહાર કરવાનું શક્ય બન્યું છે. પ્રશ્ન એ છે કે આ વિકાસની ગતિ કઈ તરફ છે ? આ બધા આવિષ્કાર વડે માનવ વિકસિત બન્યો છે ખરો ? કે તેણે આ બધાથી વિશ્વને વિકસિત કર્યું છે ખરું ?

ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનો વિકાસ અતિસગવડપ્રદ કારમાં પરિણમ્યો. મધ્યમવર્ગના માનવીનું ‘કાર’ લેવાનું સ્વપ્ન સિદ્ધ થયું. રસ્તા પર ફરતી કાર જ નહીં – સ્કૂટર, બાઈક બધામાં વધારો થયો. આને પહોંચી વળાય તે માટેની વ્યવસ્થા બધા શહેરોમાં છે ખરી ? જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ખોદાયેલા જોવા મળે, તે દશ્ય નવું નથી અને આ રસ્તાઓ મહિનાઓ સુધી ખોદાયેલા જ રહે છે. કારણ ખાડો ખોદનાર અને તેના પર આગળ કામ કરનાર કોન્ટ્રાક્ટર અલગ અલગ હોય, તે દરેક કઈ રીતે કામ કરે છે તે સર્વવિદિત છે. રસ્તાની બિસ્માર હાલત, પૂરતા ટ્રાફિક સિગ્નલનો અભાવ – આ બધું આપણને એટલું કોઠે પડી ગયું છે કે તેની કોઈ ફરિયાદ કરતું નથી. આટલું ઓછું હોય તેમ ટ્રાફિકની ઐસી-તૈસી કરી ભરચક રસ્તા પર બાઈક ઊડાવનારાની સંખ્યા ઓછી નથી. આ આડેધડ ટ્રાફિકમાં ડ્રાઈવ કરવા ઉપરાંત હોર્નનો સતત ત્રાસ વેઠવો પડે છે. ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટ હોવા છતાં ખોટા હોર્ન મારનારાઓનાં જીવને ક્યાં જંપ છે ? પીક-અવર્સમાં બૅંગ્લોર કે અમદાવાદમાં જ નહીં, વિદ્યાનગર જેવી નાની નગરીમાં સમય અને શક્તિ બરબાર થાય છે. એક જમાનો હતો જ્યારે લોકો માનતા કે ‘બસમાં બેસીને બહાર જવાતું હોય, તો રિક્ષા ના જ કરાય.’ આપણે એ ક્યારે સમજીશું કે વધતા જતા ટ્રાફિકની અને તેના કારણે ઉત્પન્ન થતી પ્રદૂષણની સમસ્યાને ઉકેલવા પબ્લિક ટ્રાન્સ્પોર્ટ સિવાય છૂટકો જ નથી !

લંડનમાં એક મલ્ટીનેશનલ કંપનીનો પ્રેસિડેન્ટ ટ્યૂબટ્રેનમાં પ્રવાસ કરી શકે છે. સ્ટેશનથી ગંતવ્ય સુધી પહોંચવા સાયકલનો ઉપયોગ કરી શકે છે, પણ તે જ કંપનીનો ભારતીય મેનેજર ભીડભરી મુંબઈ નગરીમાં શોફર ડ્રીવન કારમાં બોરીવલીથી નવી મુંબઈ જાય છે. તે ડ્રાઈવરનો ખર્ચ કરે છે. બે-પાંચ ટોલનાકા પર પૈસા ભરે છે. મસ મોટી ગાડી જેમાં બાકીની સીટ ખાલીખમ છે – તેને હંકારે છે. પણ તેને કાર-પુલીંગનો વિચાર ભૂલમાં પણ નથી આવતો – વિકાસની આ કઈ દિશા છે ?

મોબાઈલથી સગવડ વધી પરંતુ તેનો ઉપયોગ ક્યાંક અશ્લીલ ક્લીપીંગ માટે થાય. આ માટે આપણી છીછરી માનસિકતા જવાબદાર છે. આજના જુવાનિયાઓને જો હેન્ડસેટ ખોવાઈ જાય તો તેના વિરહમાં એક દિવસ પણ કાઢવો મુશ્કેલ બને છે. તે એટલા દુ:ખી થઈ જાય છે જાણે શરીરનું એક અંગ કપાઈ ગયું ન હોય ! ડ્રાઈવ કરતી વખતે મોબાઈલ પર વાતો કરવી કે મ્યુઝીક સાંભળવું હાનિકારક છે, તે ક્યારે સમજાશે ? બ્લ્યૂટૂથથી ડેટા-ટ્રાન્સફર સુવિધાએ તો ખરે જ ગજબ કર્યો, મોટી ક્રાંતિ લાવી દીધી. પણ તેનો ઉપયોગ ખરેખર જ્ઞાનની કે માહિતીની આપ-લે માટે ક્યાં કેટલો કેમ થાય છે તેનો સર્વે કરવા જેવો છે. નાના માણસ પાસે મોબાઈલ આવ્યો છે પણ તેનું જીવન ધોરણ ખરેખર કેટલું સુધર્યું છે તેનો અભ્યાસ કરવા જેવો છે.

ઈન્ટરનેટ સર્ફીંગથી નવી બારીઓ ખૂલી છે. પણ એ બારી કઈ તરફ ખોલવી તે આપણા હાથમાં છે. ગૂગલ અર્થમાં આપણી દુનિયાનો વિસ્તાર મેળવી ચક્તિ થઈ જવાય પણ તેનો ઉપયોગ આતંકવાદી નિશ્ચિત નિશાન સાધવા કરે ત્યારે દુ:ખ થાય. તેમાં મારું ઘર-નાનું ટપકાં જેવું ઘર જોઈ રોમાંચ થાય છે. તેનું સ્થાન આ વિશાળ વિશ્વમાં ટપકું માત્ર છે, એવું સમજાય ત્યારે જ વિકાસને સાચી દિશા સાંપડે.

જે બાબતોને તેની બૂરી અસરો ભોગવી ચૂક્યા પછી યુરોપીય દેશો ત્યાગી રહ્યા છે, તેને આપણે વિકાસના નામે અપનાવી રહ્યા છીએ. ‘ઈન્ટીગ્રેટેડ ટાઉનશીપ’ – જેમાં જીમ, ટેનિસ કોર્ટ,… વગેરે બધું જ હોય નો વિચાર પશ્ચિમનાં દેશોમાં એક સમયે ખૂબ ચાલ્યો. સમયાંતરે લોકોને સમજાયું કે તે કેટલું ખર્ચાળ છે. તેઓ જરૂર પ્રમાણે બહાર જીમ કે ટેનિસકોર્ટમાં જવાનું પસંદ કરવા લાગ્યા. મોલમાંથી ખરીદી કરવાના બદલે નાના સ્ટૉર્સમાંથી જરૂર પડે ત્યારે અને તેટલી જ વસ્તુ લાવવાનું ચલણ વધ્યું. અને ભારત જેવા ‘વિકાસશીલ’ (આ શબ્દ ગરીબ દેશને આપેલ રૂપાળું નામ છે) દેશના લોકો ઈન્ટીગ્રેટેડ ટાઉનશીપમાં રહેવામાં ગર્વ અનુભવવા માંડ્યા. આરઓ સીસ્ટમ કે ગીઝર જેવી સુવિધાઓ (!) માટે લાખો રૂપિયા વધારે ખર્ચવા તૈયાર થઈ ગયા. ગામે-ગામ ફૂટી નીકળેલા મોલની વધતી જતી સંખ્યા પરથી આપણે જે તે ગામની પ્રગતિનો અંદાજ માંડીએ છીએ.

જે દેશમાં ‘મેન-પાવર’ની કોઈ કમી નથી અને ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા પણ ઓછી નથી તે દેશમાં પણ ઈલેક્ટ્રીક ઉપકરણોની ઘેલછા વધી છે. એક કામવાળી ઘેર ઘેર કામ કરી પોતાના કુટુંબ માટે આજીવિકા રળે છે ત્યારે પોષાઈ શકે તેવા લોકો વોશિંગ મશીનને તિલાંજલિ આપી માણસ રાખે તો જ સમતુલા જળવાઈ રહે. આજે ઘરની સમૃદ્ધિનો આંક ઘરમાં ટી.વી., ફ્રીજ, ઘંટી, એ.સી. છે કે નહીં તેના પર છે, ઘરમાં કેટલાં પુસ્તકો છે તેના પર નહીં. એ.સી.ના વધારે ઉપયોગથી પર્યાવરણ પર જોખમ વધે છે. ‘ગ્લોબલ વોર્મિંગ’ની અસર ફેલાઈ રહી છે ત્યારે જરૂર છે વિકાસની પરિભાષાને બદલવાની. જરૂર છે તેને સાચી દિશામાં લઈ જવાની. તો જ એકવીસમી સદી એક વસમી સદી બનતાં બચશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્પર્શ આકાશનો – સંધ્યા ભટ્ટ
સ્ટ્રેસ મેનેજમેન્ટ – હરેશ ધોળકિયા Next »   

17 પ્રતિભાવો : વિકાસની ગતિ – શીતલ દેસાઈ

 1. Rajni Gohil says:

  ભગવાને આપણને ઈચ્છા શક્તિ અપી છે તેથી ચપ્પુથી શાક કાપવું કે કોઈનું ગળું કાપવું તે આપણા પર અધાર રાખે છે. ઝડપથી વધતા વિશ્વની ગતીનો આધાર માનવીની ઈચ્છા શક્તિ પર છે. આ લેખ આપણને બતાવે છે કે અમર્યાદિત સાધનો નવા પ્રોબ્લેમ ઉભા કરે છે. સંતોષી નર સદા સુખી એ જીવન મંત્ર અપનાવીને વધારે સુખી બની શકાય.

 2. Navin N Modi says:

  વિકાસ માટેની ગાંધીજીની વિચારધારાને પ્રતિબિંબીત કરતો સુંદર લેખ.

 3. સુરેશ જાની says:

  બહુ વીચારપ્રેરક લેખ.
  એક વીચારવાલાયક વીચાર –
  તમારા કામની ગુણવત્તામાં તીવ્ર અસંતોષ અને ફળ માટે સદા સંતોષ.

 4. Veena Dave,USA. says:

  very true.

 5. Sandhya Bhatt says:

  શીતલબેનની વાત સાવ સાચ છે. બન્યું એવુ કે,આપણે વિચારીને જીવવાનું સાવ જ છોડી દીધું છે.
  ગતાનુગતિક રીતે જીવવાનુ આપણને કોઠે પડી ગયુ છે. Let us hope for the better.

 6. nayan panchal says:

  વિકાસ માટેની ગાંધીજીને વિચારધારાને પ્રતિબિંબીત કરતો લેખ, જેણે દેશને ફાયદા કરતા નુકસાન વધુ કર્યુ છે.

  નયન

 7. Bhumish says:

  IT is a new idea for all of us and it’s true!I shall think for it you will if u can

 8. Nirupam Avashia says:

  ખુબજ સુંદર લેખ.શીતલબ્હેને નાના લેખમાં ઘણી મોટી વાત કરી છે.અભિનંદન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.