બોસ, તમારા બોસ કેવા છે ? – મન્નુ શેખચલ્લી

[હાસ્યલેખ – ‘હવામાં ગોળીબાર’ પુસ્તકમાંથી સાભાર.]

ઘણા લોકો એવું માને છે કે ત્રાસવાદની સમસ્યા ફક્ત કાશ્મીર જેવાં સરહદી રાજ્યોમાં જ છે. પણ એવું નથી. આજકાલ દરેક ઑફિસમાં એક ત્રાસવાદી બેઠેલો હોય છે. એને બોસ કહેવામાં આવે છે. આવા ત્રાસવાદીઓને સૌથી પહેલાં તો આપણે ઓળખી લેવા જોઈએ અને પછી એમના ત્રાસવાદને કાબૂમાં રાખવાના ઉપાયો કરવા જોઈએ.

મેગાફોન છાપ બોસ :
આ લોકો જન્મથી જ બોસ થવા માટે સર્જાયેલા હોય છે, કારણ કે એમનો ઘાંટો જન્મથી જ મોટો હોય છે. મેગાફોનછાપ બોસ હંમેશાં એમ માનતા હોય છે કે ઊંચા અવાજે બોલવાથી જ ઑફિસનાં બધાં કામો થતાં હોય છે. અરે ઑફિસ તો છોડો, ટ્રાફિક વચ્ચે કાર ચલાવતી વખતે પણ તેઓ હોર્નને બદલે પોતાના ગળાનો ઉપયોગ કરતા હોય છે. ઑફિસમાં પટાવાળાથી માંડીને સૌથી મોટા એક્ઝિક્યુટિવને ધધડાવી નાખવા માટે એમને કારણ શોધવાની જરૂર જ હોતી નથી. ‘સચિન તેન્ડુલકર આઉટ થઈ ગયો ?’ કાન ફાડી નાખે તેવા અવાજે તેઓ ગર્જના કરશે, ‘અલ્યા, તમે લોકો મને કહેતાય નથી ? અને હું કહું છું કે તમે લોકો શું કરતા’તા ? કોઈને કંઈ કરવું જ નથી ! બસ, બધાને જલસા જ કરવા છે ! લો, થઈ ગયોને સચીન આઉટ ?’

સાઠ વરસના કરસનકાકા જેને ક્રિકેટના કક્કાનીયે ખબર ન પડતી હોય તેની ધૂળ કાઢી નાખશે, ‘જરા ધ્યાન રાખતા જાવ, ધ્યાન રાખતા જાવ ! આ રીતે સચીન આઉટ થઈ જાય પછી આપડે શું કરવાનું ? તાળીઓ વગાડવાની ?’ રિસેપ્શનિસ્ટ રીટાને ખખડાવી નાખતાં બડાશ મારશે, ‘અને તું શું કરે છે, આખો દા’ડો ? મને કહેવાય નહીં ? જો ગઈ મેચમાં મેં ધ્યાન રાખેલું તો સચીને સેન્ચુરી કરેલી ! કરેલી કે નહીં રીટા ? ને આ વખતે ? બસ, મેં સહેજ ઢીલું મૂક્યું એટલે તો બધા ઊંઘવા જ માંડે છે !’ આજુબાજુ ઊભેલા સ્ટાફને હુકમો કરશે, ‘હવે ઊભાંઊભાં મારું ડાચું ન જોયા કરો ! જાવ, કંઈ કરો ! મને સાંજ સુધીમાં સચીનનો રિપોર્ટ જોઈએ !’ હવે તમને થશે કે આ તો હદ કહેવાય ! સચીન આઉટ થયો એમાં સ્ટાફ-મેમ્બરો શું કરી શકે ? પણ તમે ખાસ માર્ક કરજો, આ પ્રકારના બોસ હંમેશાં આવા જ વાહિયાત મુદ્દાઓ ઉપર સ્ટાફને ધધડાવી નાખતા હોય છે.

‘ડીઝલના ભાવ વધી ગયા ? અલ્યા કેટલી વાર કીધું કે ધ્યાન રાખો ! ધ્યાન રાખો ! તોય વધી જ ગયાને ?’. ‘લાઈટો ગઈ ? તો તમે લોકો બધા શું કરો છો ? હું બધાને મફતનો પગાર આપું છું ? આ લાઈટો શેની જાય છે વારેઘડીએ ?’ – ખાસ કરીને જે માણસને જે કામ સાથે જરાય લેવાદેવા ન હોય તે જ પોઈન્ટ ઉપર એનો ઊઘડો લેવા માંડશે. ટેન્ડરો પાસ ન થયાં હોય તો પટાવાળાની ધોલાઈ કરશે અને ફેક્ટરીમાં પ્રોડક્શન ઓછું નીકળે તેમાં બિચારા સિનિયર કલાર્કને લેકચર સાંભળવું પડે ! મેગાફોનછાપ બોસનો મુદ્દો હંમેશાં વાહિયાત હોય છે, પણ એમની સાથે દલીલ કરવી કઈ રીતે ? કારણ કે એમનો ઘાંટો જ એટલો મોટો હોય છે કે….
પણ ઘાંટાનો એક ઉપાય છે.

મેગાફોનનો ઉપાય :
બોસ જ્યારે ઘાંટાઘાંટી કરીને તમને ખખડાવી રહ્યા હોય કે ‘હવે આમ બાઘની જેમ ઊભા શું રહ્યા છો ? કંઈક બોલો !’ ત્યારે શાંતિથી એમની સામેની ખુરશીમાં બેસી જવું અને કાનમાં આંગળી વડે ખંજવાળતાં કહેવું કે : ‘સહેજ મોટોથી બોલો ને, સર ? મને જરા કાનમાં તકલીફ છે !’
‘મોટેથી ?’ બોસની તરત જ છટકશે, ‘ક્યારનો તમારી આગળ ઘાંટા પાડીપાડીને તો બોલી રહ્યો છું ! હજી કેટલા ઘાંટા પાડું ?’
તરત જ ‘ઘાંટા’ નું ‘કાંટા’ કરી નાખો. ‘કાંટાને ? એ તો ગુલાબમાં આવવાના જ ! મેં એક વાર આપણા માળીને કહેલું પણ ખરું કે આ કાંટા….’
‘અરે કાંટા નહીં ઘાંટા…. ઘાંટા…!!’ બોસનો અવાજ ફાટી જશે, ‘આ ઘાંટા પાડવામાં તો મારું ગળું બેસી જશે !’
‘કાળુ ? કાળુ આજે મોડો આવવાનો છે. કાલે કહીને ગયેલો !!’ તમારે શાંતિથી મમરો મૂકવો.
‘અરે કાળુ નહીં, ગળું ! હું મારા ગળાની વાત કરું છું !’
‘કલાબહેન ? એ તો ત્રણ દિવસની રજા પર છે !’
તમે જોજો, થોડા જ દિવસમાં તમારા બોસ કમસે કમ તમારી આગળ ઘાંટા પાડતાં બંધ થઈ જશે !

રોમિયોછાપ બોસ :
ચાળીસી વટાવી ગયેલા તમારા બોસને ‘રોમેન્ટિકપણા’નો રોગ લાગુ પડતો હોય છે. ધોળા થઈ ગયેલા વાળમાં કલપ લગાડે છે, દિવસમાં બે વાર દાઢી છોલે છે, બિહામણા રંગનાં શર્ટ પહેરે છે અને દસ ફૂટ દૂરથી ગંધાય એવું સેન્ટ લગાડવા લાગે છે. આવા બોસ તેમની ટેલિફોન ઓપરેટર, ટાઈપિસ્ટ કે રિસેપ્શનિસ્ટને વારેઘડીએ કૅબિનમાં બોલાવ્યા કરે છે અને સાવ નક્કામાં સવાલૂ પૂછ્યા કરે છે : ‘આજે બે ચોટલા વાળ્યા ? આ સાડી સરસ છે, ક્યાંથી લાઈ ? માધુરી હવે બુઢ્ઢી થઈ ગઈ નંઈ ? ફલાણું મુવી જોયું ? તને પૂરી-પકોડી ભાવે ? નવી બંગડીઓ લીધી… જોવા દે તો…’ આ બધા સવાલો પછીનો છેલ્લો અને સ્ટાન્ડર્ડ સવાલ આ હોય છે : ‘આજે સાંજે શું પ્રોગ્રામ છે તારો ?’ તમારો રોમિયોછાપ બોસ તમારો સાંજનો પ્રોગ્રામ ઘડી નાખવાની વાત પર આવે ત્યારે તેને સીધો દોર કરવો હોય તો શું કરવું ?

રોમિયોનો ઉપાય :
ઉપાય સાવ સહેલો છે. જ્યારે તમારા બોસ કોઈ ખાસ કામસર બહાર ગયા હોય ત્યારે તેમના ઘરે ફૉન કરવો. અને સહેજ અવાજ બદલીને, જરા માદક સૂરમાં આવી વાત કરો :
‘હલો ! સુધીર છે ?’
જો ફોન ઉપર એમનાં પત્ની હોય તો સમજો કે તમારું કામ થઈ ગયું. એ કહેશે, ‘સુધીરભાઈ તો નથી. તમે કોણ ?’
ત્યારે બની શકે એટલા માદક અવાજે કહેવું, ‘હું માધુરી ! સુધીર ક્યાં ગયો છે ?’
‘એ તો અત્યારે ઑફિસમાં હશે.’ એમનાં પત્ની કહેશે.
‘જુઠ્ઠાડો છે સુધીર ! એ અત્યારે ઑફિસમાં છે જ નહીં !’ તમારે ચલાવવાની. ‘તમે કોણ છો ? કામવાળી બાઈ છો ?’
‘એ બહેન ! જરા વિચારીને બોલો !’ પત્ની બગડશે. ‘હું એમની વાઈફ છું, શીલા !’
‘હાય હાય ! સુધીર પરણેલો છે ? એ તો મને કહેતો હતો કે….’ તરત એ વાત પડતી મૂકીને પૂછવું, ‘એની વે, સુધીર ક્યારે આવશે ? મારે જરા…. પર્સનલ કામ હતું !’ પતી ગયું ! જો તમે ‘પર્સનલ’ શબ્દ ઉપર યોગ્ય ભાર આપ્યો હશે તો તમારા બોસની આવી બનવાની ! આવા ત્રણચાર ફોનો કર્યા પછી પણ જો તમારા રોમિયોછાપ બોસના લક્ષણ કૂતરાની પૂંછડીની જેમ ફરી વાંકા થઈ જાય તો છેલ્લો ઉપાય અજમાવવો.

જ્યારે તમારા બોસ કોઈ ખાસ કામ માટે મુંબઈ જવા રવાના થઈ ગયા હોય એ જ સવારે શીલાબહેનને ફોન જોડો.
‘હાય સુધીર !’ મધમીઠા અવાજે શીલાબહેનનું સ્વાગત કરવું. ‘ફોન ઉપાડતાં કેટલી વાર લગાડી ? શું કરતો હતો ?’
‘સુધીરભાઈ તો બોમ્બે ગયા છે. તું કોણ બોલે છે ?’ શીલાબહેનનો અવાજ ફરી જ ગયો હશે.
‘હું માધુરી ! મને ના ઓળખી ? એની વે, સુધીરને કહેજોને કે મારી એક આન્ટીને આજે પેટમાં બહુ દુ:ખે છે ને, એટલે હું આબુ નહીં આવી શકું !’ શીલાબેનના પ્રેશરકૂકરની સીટી વાગે એ પહેલાં જ સ્વીટ સ્વીટ અવાજે કહેવું, ‘સુધીરને આટલો મેસેજ આપી દેશો ? પ્લી…ઈ…ઝ ?’

બોસ મુંબઈથી પાછા આવ્યા પછી જ્યારે ઑફિસમાં આવે ત્યારે એમની સિકલ જોવા જેવી હશે ! આવે વખતે માધુરીની વાત કાઢવી. ‘પેલી માધુરી સાવ બુઢ્ઢી દેખાય છે નહીં સર ?’
‘અરે એ માધુરીએ તો મોંકાણ કરી નાખી છે !’ બોસ બોલી ઊઠશે.
તરત જ તક ઝડપીને સવાલ કરવો : ‘કેમ શું થયું ? મુંબઈમાં માધુરી દીક્ષિતની કાર જોડે તમારો એક્સિડેન્ટ થઈ ગયેલો ?’ મોં મચકોડીને ઉમેરવું, ‘જવા દો ને ? એ માધુરી તો છે જ એવી !’

ઘડિયાળછાપ બોસ :
આ પ્રકારના બોસ ઘડિયાળના કાંટા જેવા સાવ મામૂલી શસ્ત્રો વડે આખી ઑફિસમાં ત્રાસવાદ ફેલાવતા હોય છે. ઑફિસનો સમય સાડા નવનો હોય તો અચૂક સાડા નવ ને પાંચે મસ્ટરનો ચોપડો એમની કૅબિનમાં પહોંચી ગયો હોય. માત્ર પાંચ મિનિટ લેટ આવનાર કર્મચારીના નામ સામે લાલ રંગની સ્કેચપેનથી ‘લેટ’ની રિમાર્ક લગાડવાથી બોસના અતૃપ્ત આત્માને અજબ શાંતિ મળતી હોય છે. સાંજના ઑફિસ છૂટવાના સમયે ઘડિયાળછાપ બોસ વોચમેનની ભૂમિકામાં આવી જાય છે. ઑફિસના મુખ્ય દરવાજેથી કોઈ શિકાર છટકી ન જાય એ માટે તેઓ અચૂક સાડા પાંચ વાગ્યે ત્યાં આવીને આંટાફેરા કરવા માંડે છે. આવા બોસોને બરાબર સાડા પાંચ વાગ્યે ‘મોસ્ટ અરજન્ટ’ કામો યાદ આવવા લાગે છે. ‘પટેલભાઈ, જરા આટલું પતાવીને પછી નીકળજોને ? હજી તો સાડા પાંચ જ થાય છે !’ અને સ્વાભાવિક છે એ અરજન્ટ કામ તમારા આઠ વગાડી દેવાનું છે. સાંજે સાડા છ વાગે ત્યારે ઘડિયાળછાપ બોસને કામ કરવાનું શૂર ચડે છે. અને કેટલીક વાર તો એ શૂર એટલું ઝનૂની કક્ષાનું હોય છે કે જાણે આવતી કાલે સવાર પડવાની જ નથી ! બધાએ સમયસર આવવું જોઈએ એવું માનનારા બૉસ અવશ્ય એવું માનતા હોય છે કે બધાએ સમયસર જવું ન જોઈએ !

ઘડિયાળછાપનો ઉપાય :
જો આખો સ્ટાફ સંપીને પ્લાનિંગ કરે તો ઘડિયાળછાપ બોસને સીધા કરી શકાય. શનિવારે રાત્રે મોડે સુધી કામ કર્યા પછી જતાં પહેલાં ઑફિસની તમામ ઘડિયાળો એક કલાક પાછળ કરી દો ! સોમવારે સવારે બા-કાયદા એકએક જણાએ બરાબર એક કલાક મોડા આવવું. સવારે નવના ટકોરે હાજર થઈ જતા બોસનું સ્વાગત પહેલાં તો તાળાથી થશે ! પછી ઝાડુવાળો તાળું ખોલતાં ખોલતાં કહેશે, ‘કેમ સાહેબ ? આજે સવાર સવારના ?’

બરાબર એક કલાક સુધી ખાલીખમ ઑફિસમાં આંટા મારી-મારીને ધૂંધવાઈ ગયેલા સાહેબનું રિસેપ્શનિસ્ટે અભિવાદન કરવું : ‘ગુડ મોર્નિંગ સર ! જુઓ, આજે તો હું દસ મિનિટ વહેલી આવી છું !’
‘ધૂળ દસ મિનિટ ? તું એક કલાક લેટ છે ! દસ ને વીસ થઈ ગઈ !’
‘અરે હોય ?’ તરત જ પટેલભાઈએ ઍન્ટ્રી મારવી, ‘તમારી ઘડિયાળ બગડી ગઈ લાગે છે. હજી તો નવ ને વીસ થાય છે !’ પટેલભાઈ પોતાની કાંડાઘડિયાળ બતાડીને કહેશે. ત્યાર પછી આવનારા તમામ સ્ટાફ મેમ્બર ધીરજથી પરંતુ મક્કમતાપૂર્વક સાહેબના મગજમાં એવું ઠસાવી દેવાનું કે, ‘સર, તમારી જ ઘડિયાળ આગળ છે !’

સાંજે પણ આ જ દાવ કરવો. આખા સ્ટાફે સંપી જઈને તમામ ઘડિયાળો એક કલાક આગળ કરી દેવી ! બીજે દિવસે સંપી જઈને લંચ-ટાઈમ અડધો કલાક વહેલો પાડી દેવો ! અને પછી એ જ લંચ-ટાઈમ ઘડિયાળોના કાંટા ફેરવીને બીજો અડધા કલાક લંબાવી દેવો ! ત્રણ વાગ્યાની એપોઈન્ટમેન્ટવાળાને અઢી વાગ્યે કૅબિનમાં ધકેલી દેવો. સામુહિક કાવતરું કરીને સાહેબની સવા સાત વાગ્યાની ફ્લાઈટ છૂટી જાય તેવું માળખું ગોઠવવું. રવિવારે સવારે તમને આઠ વાગ્યે ફૉન કરવાનું કહ્યું હોય તો પોણા સાત વાગ્યે ફોન કરીને અચૂક કહેવું, ‘સાહેબ, તમારા ઘરની ઘડિયાળ પણ બગડી ગઈ લાગે છે !’

છેવટે, બોસ સમયપાલન વિશે લેક્ચરર આપતા હોય ત્યારે બધા લોકોએ પોતાના હાથ વિવેકપૂર્વક પાછળ રાખીને ઘડિયાળના કાંટા આગળ ફેરવી દેવા. સાહેબનું સંભાષણ પતે એટલે કહેવું, ‘આજે તો સાહેબ તમે સમયપાલન ઉપર પૂરી પિસ્તાળીસ મિનિટ બોલ્યા !’ ઘડિયાળછાપ બોસના મગજના તમામ કાંટા ફરી જાય ત્યાં લગી આ ઉપાયો ચાલુ રાખો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્ટ્રેસ મેનેજમેન્ટ – હરેશ ધોળકિયા
પ્રજ્ઞા-પ્રાસાદ – મકરન્દ દવે Next »   

25 પ્રતિભાવો : બોસ, તમારા બોસ કેવા છે ? – મન્નુ શેખચલ્લી

 1. vimal shah says:

  અફ્લાતુન. સવાર સુધ્રરિ ગઇ.

 2. dhiraj thakkar says:

  ખૂબજ ઊપયોગી લેખ

  આભાર મન્નુભાઈ

 3. kalpana desai says:

  મન્નુભૈ,તમે તો બોસને ચેતઈ દિધા!

 4. shruti maru says:

  બહુ મજા આવી ગઈ.સવાર એકદમ fresh થઈ ગઈ.

  આભાર

 5. nayan panchal says:

  મજા આવી ગઈ.

  ખૂબ આભાર.

  નયન

 6. Amit Patel says:

  સાચી વાત છે.
  જ્યારથી શેર market down છે ત્યારથી બોસનો ત્રાસ વધી ગયો છે.

  આખો દિવસ કામ ના હોય તો પણ કામ આપે છે.
  વાંચીને આનંદ થયો.

 7. Chirag Thakkar says:

  મનુભઈ ને અભિનંદન.

 8. bhv says:

  વાહ મજા આવિ ગઇ.

  ખૂબ આભાર.

 9. મજાનો લેખ .. !! 😀

 10. Sandip Kotecha says:

  Manu shekhchalli is pen name of mr. lalit lad and is a excellent author with great sense of humour. His article on reddif gujarati is memorable. Keep it up ….

 11. ઈન્દ્રેશ વદન says:

  હાસ્ય લેખ ઓછો અને મગજને ટીપતો હથોડો-લેખ વધુ લાગે છે.

 12. jayesh says:

  i like this and requst you send me all copy like this

 13. Vishal Jani says:

  ઘણી વખત હથોડૉ એટલે હાસ્ય એવુ લેખક સમજતા હોય છે. બાકી આંનદ આંનદ

 14. Rajni Gohil says:

  Tit fir tat. સીધી અંગળીએ ઘી ન નીકળે એ વાત સુંદર રમુજ સાથે રજુ કરવા બદલ મન્નુભઇ શેખચલ્લીનો આભાર.

 15. jini says:

  I like this author, I am regular reader of ‘Hava ma Godibar’.

 16. ભાવના શુક્લ says:

  બોસ કરતા દરેક “છાપ” બોસના ઉપાયો વધુ મજાના લાગ્યા..
  ભૈ વાહ…

 17. SAKHI says:

  very good Manubhai

  Boss is Boss never change.

 18. Dipak says:

  જલ્સા કરો જેન્તીલાલ……..

 19. bipin bhatt says:

  Enjoyed lot, Good joking.

 20. bipin bhatt says:

  Veri fine comic, Enjoyed lot.

 21. Bhumish says:

  Very enjoying

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.