સંબંધોનાં સમીકરણ – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ પોતાના જીવનના અનુભવો પર આધારિત ડૉ. વીજળીવાળા સાહેબના પુસ્તક ‘સમયને સથવારે’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

1976નું એ વરસ. જૂન મહિનાની બારમી તારીખ. સૌરાષ્ટ્ર પર કાયમ દુષ્કાળ ઝીંક્યે રાખતા ભગવાનને જાણે કે અચાનક જ સૌરાષ્ટ્ર ઉપર દયા આવી ગઈ હોય તેમ વાવાઝોડા સાથે અનરાધાર વરસાદની હેલી પણ મોકલી આપેલી. આખા વરસનો પૂરો દસ ઈંચ વરસાદ પણ માંડ ભાળતી જમીન માથે ફક્ત આઠ જ કલાકમાં દસ ઈંચ વરસાદ ધાબડી દીધેલો. માત્ર બે જ દિવસમાં અઢારેક ઈંચ વરસાદ પડી ચૂક્યો હતો. દસમી જૂનથી શરૂ થયેલ એ વરસાદી તાંડવ બારમી જૂને અટકવાનું તો ઠીક, ધીમું પડવાનું પણ નામ નહોતું લેતું.

એ વખતે અમે જેને અમારું વહાલું ઘર ગણતા એ કાચી માટીની દીવાલોથી બનેલું હતું. ઉપર પતરાં ગોઠવીને છાપરું બનાવેલું. કાચી માટીની દીવાલોની એટલી ત્રેવડ જ નહોતી કે આટલા દે-માર વરસાદની ઝીંક જીલી શકે. દર વરસે આ કાચી દીવાલોના રક્ષણ માટે અમે દક્ષિણ તથા પશ્ચિમની દીવાલો આડા સાંઠીઓમાંથી બનેલ કટલાં ગોઠવી દેતાં. (સાંઠી એટલે કપાસના સૂકા છોડની દાંડીઓ અને કટલાં એટલે આવી સાંઠીઓ ગૂંથીને બનાવેલ પાતળી દીવાલ જેવું જે માટીની દીવાલ આડે મૂકી દેવાથી એને સીધા વરસાદના મારથી બચાવી શકે.) આ વખતે પણ અમે આવા સાંઠીના કટલાં ગોઠવેલા પરંતુ કઠણાઈ એ હતી કે વાવાઝોડું અને આવો ભારે વરસાદ ઉત્તર દિશામાંથી આવ્યાં હતાં. કાયમ નૈઋત્યનો વરસાદ આવે એટલે આવી તો અમને ધારણા પણ નહોતી. એટલે પશ્ચિમ તેમજ દક્ષિણ દિશા તરફની દીવાલો તો સાબૂત રહી શકી, પરંતુ ક્યારેય વરસાદનો માર સહન ન કરનાર ઉત્તર તરફની દીવાલમાંથી માટીના લોંદા ખરવાની શરૂઆત થઈ ચૂકી હતી. એ જોઈ અમને બધાને ચિંતા થતી હતી. કારણ કે જો એ દીવાલ ધસી પડે તો છાપરું નમી જાય કે પડી જાય. છાપરા પરનાં પતરાં ઊડી ન જાય એ માટે અમે બબ્બે મણ વજનના પથ્થર એના પર ગોઠવેલ હતા. છાપરાના નમવા કે પડવા સાથે આ પથ્થર પણ નીચે આવે તેમાં કોઈ શંકા નહોતી. જો એવું થાય તો એ પથ્થરો કોઈને પણ ઈજા પહોંચાડી શકે. હવે શું કરવું એ વિચારતા અમે બધા મૂંઝાઈને બેઠા હતા. ઘર છોડીને નીકળી જવું પડે તેવી નોબત કોઈ પણ ક્ષણે આવી પહોંચે તેવું લાગતું હતું. પરંતુ પ્રશ્ન એ હતો કે આવા અનરાધાર વરસાદ અને વાવાઝોડામાં જવું ક્યાં ?

‘વરસાદ અટકી જાય ત્યાં સુધી કોઈ આપણને બધાને પોતાના ઘરે ન લઈ જાય ?’ અમારામાંથી કોઈક બોલ્યું.
‘ના ભાઈ ના ! કોઈ કોઈનું નથી હોતું. એમાંય કઠણાઈમાં પડેલાથી તો બધા ગાઉ છેટા રહે !’ મારા બાએ કહ્યું. એ સાંભળી અમે સૌ ચૂપ થઈ ગયાં. બહાર ત્રમઝટ વરસાદ વરસતો હતો. બાએ ઉપરના શબ્દો કહ્યા એ પછી ખાસ્સી વાર સુધી કોઈ કંઈ ન બોલ્યું. અમારું મૌન બાની વાતમાં સંમતિ પુરાવતું હતું કે પરિસ્થિતિના કારણે અમે સૌ મૂઢ જેવા બની ગયા હતા એની સાબિતી આપતું હતું એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ હતું. અમે સૌ સૂનમૂન બેઠા હતા. મારાં બા પાસે પણ કહેવા માટે જાણે હવે કાંઈ બચ્યું ન હોય તેમ એ પણ ચૂપ થઈ ગયેલાં.

સાંજના પાંચ વાગવા આવ્યા હતા. વરસાદનું જોર વધતું જતું હતું. વરસતા વરસાદની સાથે બરાબર તાલ મિલાવતો હોય એમ પવન પણ વધારે ને વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ફૂંકાઈ રહ્યો હતો. ‘થપ્પાક્ !’ એવા અવાજ સાથે ઉત્તર તરફની દીવાલમાંથી માટીનો મોટો લોંદો છૂટો પડ્યો. દીવાલની આરપાર જોઈ શકાય એવડું મોટું ગાબડું થઈ ગયું હતું. હવે તો ઘર છોડ્યા વિના છૂટકો જ નથી એવી ખાતરી લગભગ દરેકને થઈ ગઈ હતી. પરંતુ જવું ક્યાં એ પ્રશ્ન વિકરાળ સ્વરૂપ ધારણ કરીને અમને મૂંઝવી રહ્યો હતો અને બીવરાવી પણ રહ્યો હતો. પાછલા ત્રણ દિવસ અને બે રાતથી સતત ઝીંકાતા વરસાદ તેમજ પવનના તોફાનના કારણે ગામમાં ક્યાંય લાઈટ પણ નહોતી. ઘરમાં જે કંઈ લોટ પડેલો એ તો પહેલા દોઢ દિવસમાં જ સફાચટ થઈ ગયેલો. બાકીના દોઢ દિવસથી ખીચડી અને ભાત પર ગાડું ચાલતું હતું. એ બપોરે બાકી બચેલી ખીચડી પણ રંધાઈને પેટમાં પહોંચી ગયેલી. જેમ દુષ્કાળના વખતમાં ધાન (અનાજ) બમણું ખવાઈ જાય તેવું જ તંગીના સમયે પણ થતું હોય છે. અમારી સૌની ભૂખ એટલી બધી વધી ગયેલી કે એવું જ લાગે કે જાણે પહેલાં ક્યારેય જમ્યા જ ન હોઈએ ! એમાંય ઘરમાં હવે ખાવાનું બધું જ ખૂટી ગયું છે એવી ખબર પડે એટલે તરત જ ભૂખ લાગવા માંડે !

સાડા પાંચ થવા આવ્યા ત્યારે વરસાદ સહેજ ધીમો પડ્યો. પવનનું જોર જોકે જરાય ઓછું નહોતું થયું. ઉત્તર તરફની દીવાલમાંથી માટીના વધારે મોટા લોંદા ખરતા જતા હતા. હવે તો એકાદ ફૂટથી વધારે પહોળાઈનું કાણું પડી ગયું હતું.
‘અરે કાસમભાઈ, તમે બધા સલામત તો છો ને ?’ આયા ક્વાર્ટર્સમાંથી થોડાક જણ અમારી ખબર પૂછવા આવ્યા હતાં. અમારા ઘરે આવતાં વેંત એ લોકોએ અમારા ચહેરાના ભાવો અને દીવાલનાં ગાબડાંની ગંભીરતા બંનેને બરાબર માપી લીધાં. પછી બોલ્યાં, ‘કાસમભાઈ ! હવે અહીં નો રહેવાય. ગમે ત્યારે આ ઝૂંપડું બેસી જાય તો કોઈકને લાગી જાય, એટલે તમે અહીંથી નીકળી જાવ !’
‘પણ આટલા બધા અમે રહેશું ક્યાં ?’ મારાં બાએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી જ દીધી.
‘અરે બહેન, એ બધું થઈ રહેશે. ફલાણા ભાઈનું ઘર ખાલી જ છે. એના ઘરના બધા બહારગામ ગયા છે. તમતમારે ત્યાં આવતા રહો.’ એટલું કહી એમણે અમને બધાને પરાણે ઊભાં કર્યાં. આયા કવાર્ટર્સમાં રહેતા એક બ્રાહ્મણ કુટુંબનું ખાલી ઘર ખોલી આપ્યું અને એ પણ અમારા કોઈ પણ વાંધા કે વિરોધને જરા પણ ગણકાર્યા વિના. થોડા-ઘણા સામાન સાથે લગભગ સાંજના સાત વાગ્યે અમે સૌ સલામત રીતે એ જગ્યાએ ફરી ગયા.

નવી જગ્યામાં હજુ તો અમને પંદરેક મિનિટ જ થઈ હશે ત્યાં જ સાક્ષાત દેવીસ્વરૂપ એક સ્ત્રીએ એ ઘરમાં પગ દીધો. એ હતાં હરિભાઈ જોષી નામના રસોઈયા ભાઈનાં ધર્મપત્ની સવિતાબહેન. અમે એમને સવિતામાશી કહી બોલાવતાં. શ્રી હરિભાઈ જીંથરી ટી.બી. હૉસ્પિટલમાં રસોઈયા તરીકે કામ કરતા. એમની આર્થિક પરિસ્થિતિ અમારા કરતાં થોડીક વધારે સારી હતી. અમારે એમની સાથે એવો કોઈ ઘનિષ્ઠ સંબંધ નહોતો. એ લોકો પણ નવાસવા જ રહેવા આવેલા. સવિતામાશી એમની નાની માંદી દીકરીને મારા બાના હાથમાં આપતાં બોલ્યા : ‘બહેન, આને ઘડીક સાચવોને ! કઈ જગુની (ક્યારની) રોયા જ કરે છે !’ એટલું કહી એમની માંદી દીકરીને મારાં બાના હાથમાં સોંપીને એ પાછાં જતાં રહ્યાં. બા એ દીકરીને રમાડવાનો પ્રયાસ કરવા માંડ્યાં. પરંતુ બા સિવાય બાકીના અમે બધા જ સાવ નવરા હતા. બિલકુલ નવરા ! વરસતા વરસાદમાં ફર્યા હતા અને સામાન ફેરવ્યો હતો એટલે પલળવાને કારણે ભૂખ પણ કકડીને લાગી હતી. પરંતુ ઉંમર કરતા વહેલા સમજણા થઈ ગયેલા અમારામાંનું દરેક જણ એ જાણતું હતું કે ભૂખની ફરિયાદ એ દિવસે તો કરવાની જ નહોતી. ઘરમાં જે કંઈ હતું એ બપોરે જ રંધાઈને પેટમાં પડી ચૂક્યું હતું એની સૌને ખબર હતી. જો કાંઈ પડ્યું હોત તો બાએ ક્યારનું બનાવી જ નાખ્યું હોત એમાં પણ શંકા નહોતી જ. ત્રણેક કલાક પહેલાં અમારા માટીના ઘરમાં જે સૂનકાર છવાઈ ગયો હતો એવો જ સુનકાર આ નવી જગ્યાએ પણ છવાઈ ગયો. બધાં સાવ ચૂપચાપ બેઠાં હતાં.

એમ જ એકાદ કલાક જેટલો સમય પસાર થયો હશે. એ પછી બારણે ટકોરા પડ્યા. સવિતામાશી એની દીકરીને લેવા આવ્યાં હશે એવું લાગતું હતું. બા પેલી છોકરીને તેડીને ઊભાં થયાં અને એમણે જ દરવાજો ખોલ્યો. દરવાજો ખૂલતાં જ જોયું તો સવિતામાશી બંને હાથમાં મોટી કથરોટ પકડીને ઊભાં હતાં. ઘઉંની ગરમાગરમ ભાખરીઓથી ભરેલી એ કથરોટ જોઈ અમારી આંખમાં ચમક આવી ગઈ. એમની બરાબર પાછળ જ એમની મોટી દીકરી મધુ હાથમાં શાકનું તપેલું કપડા વડે પકડીને ઊભી હતી. ગરમાગરમ શાક અને ભાખરી લઈને અમારી વહારે આવેલાં એ સવિતામાશી સાથે અમારે એવો વરસો જૂનો કોઈ સંબંધ પણ નહોતો છતાં અમારાં દસ માણસોની રસોઈ બનાવીને એ આપી ગયાં અને એ પણ કોઈ જ જાતના ઉપકારના ભાવ વિના. એ ઘટનામાં કયું સગપણ અને કયો સંબંધ એવાં કોઈ સમીકરણો શક્ય જ નહોતાં. બેચાર વાતો કરી, પોતાની દીકરીને તેડીને એ જતાં રહ્યાં.

બહાર વરસાદ ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો જતો હતો. પવનના સૂસવાટા પણ વધારે બિહામણો અવાજ પેદા કરતા હતા. ફાનસના અજવાળે સવિતામાશીએ બનાવેલું એ ભાખરી-શાકનું ભોજન લેતાં લેતાં મેં મારાં બા સામે જોયું. બા કંઈ બોલ્યાં નહીં, પણ એમની નજર જાણે કહેતી હતી કે ‘ભાઈ, કઠણાઈમાં પડેલાની વહારે પણ કોક ચડી આવે હો ! અને કોઈ કોઈનું નથી હોતું સાવ એવું પણ નથી હોતું !’
****

(એ હરિમામાનું થોડાંક વરસ પહેલાં જ હૃદયરોગમાં દેહાવસાન થયું. જીંથરી હૉસ્પિટલમાંથી રિટાયર થયેલા સવિતામાશી હાલ એમના દીકરા જોડે ભાવનગરમાં જ રહે છે. મધુ નામની એમની દીકરીની દીકરીની દીકરી હાલ મારી દવા લેવા ઘણી વખત આવે છે. હા ! એમના આખા જ કુટુંબના કોઈ પણ વ્યક્તિની તપાસ ફીનો આજ સુધી એક પણ પૈસો મેં લીધો નથી. છતાં પણ હું સવિતામાશીના અન્નનો ક્યારેય બદલો વાળી શકીશ નહીં એવું મને હંમેશાં લાગે છે. હું તો આ બધું અમારા સ્થપાઈ ચૂકેલા સંબંધની રુએ કરું છું, પરંતુ સવિતામાશીએ એ દિવસે ક્યા સંબંધની રુએ એ બધું કરેલું એ સમીકરણનો ઉકેલ માનવતા શબ્દ સિવાય બીજા શેમાંયથી નથી મળતો.)

[કુલ પાનાં : 86. કિંમત રૂ. : 60.00 પુસ્તક પ્રાપ્તિ સ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રજ્ઞા-પ્રાસાદ – મકરન્દ દવે
દરેક વિદ્યાલય બને મનુષ્યત્વનું માળી – મનસુખ સલ્લા Next »   

38 પ્રતિભાવો : સંબંધોનાં સમીકરણ – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. Kumi says:

  સંબંધોના સંમીકરણોનો ઉકેલ માત્ર માનવતા – એ સાવ સાચી વાત. ક્યારેક આપણે તેને “ઋણાનુબંધ” અથવા “લેણાદેણી”નુ નામ આપીએ છીએ પણ તે સાચો ઉકેલ નથી

 2. Girish Parikh says:

  આ હ્રદયદ્રાવક પ્રસંગ વાંચતાં આંખો ભીની થઈ.
  –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલીફોર્નિયા

 3. really nice….manavata nu saxaat example…

 4. નિર્મળ માનવતા … બસ બીજું કશું જ નહિ… !!

 5. shruti maru says:

  it’s a very nice artical,

  ‘ભાઈ, કઠણાઈમાં પડેલાની વહારે પણ કોક ચડી આવે હો ! અને કોઈ કોઈનું નથી હોતું સાવ એવું પણ નથી હોતું !’

  shruti maru

 6. nayan panchal says:

  હ્રદયસ્પર્શી પ્રસંગ. કદાચ કોઈક ઋણાનુબંધ…

  વસાવવાલાયક પુસ્તક.

  આભાર.

  નયન

 7. Vishal Jani says:

  ૧૯૮૩ કે ૮૪માં સવારકુંડલામાં મે વાવાઝોડુ જોયુ હતું અને આવુ જ કાંઇ બન્ય હતું

  મને હંમેશા લાગે છે કે સૌરાષ્ટએ માનવતાનો સમાનાર્થી છે.

 8. rajyaguru mahesh says:

  very good very few people maintain the reciprocating relations with their obligiers. Dr vijaliwala is main taining the same is nice to day the son is leaving his parents and wives are running away form their husbands inthis time he is maintaining as mentioned by him is worth to be saluated. With the same filling I had tried to meet him at his dispensory but he is truelu very busy with duty.

 9. Maharshi says:

  ઉપરવાળો બધાને આવી જ મદદ કરવાની વૃત્તિ આપે…. સીતારામ

 10. dipak says:

  this article(true story) inspires us to.i have seen few person like this,who never forget other people’s obligations.

 11. Pradipsinh says:

  Fari vanchi ne aankh bhini kari. manavata haju mari parvari nathi. hajupan aavu kyank banyaj kare 6.

 12. આ જ તો આપણા દેશની મહાનતા છે. ડો વિજળીવાળાને પણ ધન્યવાદ કે આટલા મોટા દાક્તર થયા પણ સવિતામાશીના નાનક્ડા ઉપકારને ન ભુલ્યા. અને આપણી સમક્ષ એ ઉપકારનો ઉપકાર માની આપણા પર પણ ઉપકાર કર્યો.

 13. maya says:

  it’s a really a nice and a hearttouching. Without any expectation peaople can maintain life long realtionship.!!!!

 14. rekhasindhal says:

  જેનામાઁ પોતાનામાઁ માનવતા હોય તેને વહેલી મોડી માનવતા મળે જ છે અને એ જોઈ પણ શકે છે.

 15. Veena Dave,USA. says:

  wah, wah, once again maru kathiawad……very heart touching…..

  Dr. Vijliwala, you are also great…

  sankat ma manas manas ne madadrup thavo joie. koi e kareli madad bhulavi pan na joie.

 16. ઈન્દ્રેશ વદન says:

  અતિસુંદર લેખ.

  આવા જૂજ માનવીઓ થી જ જગત જીવંત છે.

 17. Virali Dalal, Australia says:

  ‘manavata’ je aaj ni duniya ma loko bhuli gaya che eni upar nano pan bahu ja sundar lekh… so touchy…

 18. nim says:

  Motabhai tamari kalam ma shakshat sarswati chhe.

  ketli sundar vaat kahi tame. tamari paasethi hamesha kaeenk shikhavanu made chche.

  Nim

 19. Dhaval B. Shah says:

  ખૂબ સરસ.

 20. jlal senvaj says:

  કદાચ માનવજીવન સવિતામાસી જેવા માણસોથી જ ટકેલુ સે.

  વધુ વાચવા મલે એવી આશા…સાથે
  માનવતાની મહેક સમા સવિતામાસ ને નમન કરુ સુ!

 21. દિલાવરસિંહ જાડેજા says:

  માનવતા જ જગતનો આધાર છે.

 22. નિર્લેપ ભટ્ટ says:

  God does exist on the earth, in form of people like Savitamasi….what a self-lessness.

 23. જ્યારે માનવ માનવને મદદ કરે છે ત્યારે આંખમાં આંસુ આવે છે. જ્યારે માનવ માનવ ઉપર આઘાત કરે છે ત્યારે પણ આંખમાં આંસુ આવે છે. પણ બંને આંસુમાં કેટલો ફેર છે. સંબધોના સમીકરણ પણ કાઈક આવા જ છે ને – જે હાથ બીજાને ઉપયોગી થવા માટે લંબાય છે તેનો હાથ પકડવા અનેક લોકો તૈયાર હોય છે અને જે હાથ બીજા ઉપર ઉગામવામાં આવે છે તે હાથને કાપી નાખવા પણ અનેક લોકો તત્પર હોય છે. આ જ તો છે સંબધોનું સમીકરણ – “વાવો તેવું લણો” . ચાલો આપણે વધુ ને વધુ આ માનવતાના બીજો આજે અને રોજે રોજ વાવીએ અને પછી માણીએ આ માનવીય સંબધોના અદભૂત સમીકરણો.

 24. ભાવના શુક્લ says:

  માનવતાના મુળ સંસ્કારોમા રોપાયેલા હોય છે. કોઈ પાઠશાળા કે ડીગ્રી જરુરના નથી એ માટે.
  “ટાણુ સાચવવુ” એ માનવતાનુ પહેલુ પગથીયુ છે. આપણે કોઇને ઉપયોગીતો શુ થઈ શકવાના… એવી આત્મવંચના સાથે જીવવુ પણ કેમ પાલવે.. હા કદી તક મળ્યે કોઇનો સમય સાચવી જાણીએ અને સંસ્કારોને જીવી જાણીએ તો ઘણુ..

 25. Ami jasani says:

  નમસ્કાર
  અતિસુંદર લેખ.
  આ હ્રદયદ્રાવક પ્રસંગ વાંચતાં આંખો ભીની થઈ.
  અમી

 26. pradhyumna says:

  આ લેખ વાન્ચિને જાને લાગ્નિઓનો પુનર્જન્મ થયો હોય તેમ લાગ્યુ. આવા સત્ય પ્રસન્ગોથિ જ અપ્દે અપ્દ દેશમા ધાર્મિક એક્તા નુ સ્થાપન કરિ શકિયે.ઋઆજ્કાર્નિઓ પ્ન સૌને અવ્લા માર્ગે ન જૈ શકે તે માતે અપ્દે સહુયે એક થવનિ જરુર ચે.

 27. Nishit Dhruv says:

  khub j saras lekh. Dr. I.K.Vijlivala ni darek books me vanchi che, ane te koi pan vyakti nu jivan badlava mate upyogi che.

 28. chetna.Bhagat says:

  નમસ્કાર.. !!!

  બધા એ આટલુ લખ્યા પછિ હુ વધારે શુ લખુ ??

  બસ એટ્લુજ કે આખો પ્રસન્ગ આન્ખ સામે જિવ્ન્ત થાઇ ગયો…….આંખો ભીની થઈ…..!!!!!!

  વાહ સવિતા માસિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.