દરેક વિદ્યાલય બને મનુષ્યત્વનું માળી – મનસુખ સલ્લા

[સુપ્રસિદ્ધ કેળવણીકાર તેમજ લેખક શ્રી મનસુખભાઈની સુંદર કૃતિઓ આપણે અગાઉ માણી ચૂક્યા છીએ. ‘પ્રકાશ પ્રતિષ્ઠાનું પર્વ : દીપાવલી’ તેમજ ‘અવણા ગણેશ સવળા કરીએ’ વગેરે તેમના મનનીય લેખો છે. કોઈ પણ વિષયના ઊંડાણમાં જઈને તેમાં ઉદ્દભવતા પ્રશ્નો અને તેના ઉકેલો વિશે વિસ્તારપૂર્વક અને પદ્ધતિસર સમજૂતી રજૂ કરવાની તેમની કુશળતા છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે મનસુખભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 98240 42453.]

આ સૃષ્ટિમાં અન્ય કોઈ જીવ માટે શાળાની રચના કરવામાં નથી આવી. કેવળ મનુષ્યમાં જ વૈધિક શાળાની રચના થયેલી છે. શા માટે આવો ફરક છે ? એનાં મૂળમાં જઈને તપાસીશું તો જણાશે કે અન્ય તમામ જીવો કુદરતે આંકેલી રેખા (આહાર, નિદ્રા, ભય, મૈથુન) ની અંદર જ જીવે છે. એ માટેના આવેગો જાગે છે અને જીવ એને અનુસરે છે. તેમાં તેની સ્વતંત્ર પસંદગી નથી હોતી. એટલે કે આવેગોથી ઉપર ઊઠવાનું, આવેગો કરતાં જુદી રીતે વર્તવાનું મનુષ્યેત્તર સૃષ્ટિ માટે શક્ય નથી હોતું. હા, તાલીમથી થોડી પસંદગીઓ બદલાય, કેટલીક ક્રિયાઓ કરાવી શકાય અને પ્રાણી હુકમ મુજબ વર્તે તેવું બની શકે, પરંતુ ઉપરોક્ત મૂળભૂત બાબતમાં તેનો સ્વતંત્ર નિર્ણય નથી હોતો.

મનુષ્યને પણ આ ચારે આવેગો મળેલા છે, પરંતુ તેને પસંદગીનું સ્વાતંત્ર્ય અને એ માટેની વિચારશક્તિ મળેલ છે. એથી મનુષ્ય કૃષ્ણ બની શકે છે અને કંસ પણ બની શકે છે. માણસ અતિ માત્રામાં ખાઈ શકે છે. જમ્યા પછી તરત ખાઈ શકે છે અને સ્વેચ્છાએ ઉપવાસ પણ કરી શકે છે. નિદ્રામાં પડી રહી શકે છે અને જાગરણ પણ કરી શકે છે કે અલ્પ નિદ્રાથી પણ સ્ફૂર્તિવાન રહી શકે છે. ભયનો સામનો નિર્ભય રીતે કરી શકે છે. મૃત્યુના ભયને પણ જીતી શકે છે. વાસનાનો કીડો બની શકે છે અને બ્રહ્મચર્ય પણ ધારણ કરી શકે છે. આ પસંદગી જ મનુષ્યને અન્ય જીવોથી અલગ પાડે છે. તેથી જ અન્ય જીવોને ખાસ પ્રકારની કેળવણી મળે તેવો પ્રબંધ કરવાની જરૂર પડતી નથી. તેમના જીવનવ્યવહારોની જ મર્યાદા છે. મનુષ્યમાં વિકાસની અનંતવિધિ શક્યતાઓ રહેલી છે. એ શક્યતાઓ પ્રગટ થાય તેમાં કુટુંબ, શાળા, ધર્મસંસ્થા, કલા વગેરે ફાળો આપે છે.

પહેલો અને જીવનભરનો ફાળો તો કુટુંબ જ આપી શકે છે. એટલે દરેક ઘર ‘શાળા’ હોવું જોઈએ. બાળકની સુટેવો અને સંસ્કારોના ઘડતરમાં કુટુંબ અસાધારણ ફાળો આપી શકે છે. દરેક મા-બાપ પ્રેમાળ હોય પરંતુ જ્ઞાની ન પણ હોય. માતા-પિતા બાળકના ઉછેરમાં સમતુલા અને દષ્ટિપૂર્વક ન પણ વર્તે. એ અધૂરપની પૂર્તિ વિદ્યાલય કરે તેવી અપેક્ષા છે. કારણ કે વિદ્યાલય બાળકના વિકાસ માટે સુઆયોજિત વાતાવરણ પૂરું પાડે છે. આવી ગંભીર અને અસરકારક કામગીરી કરશે તેવી સમજથી મનુષ્ય જાતિમાં વિદ્યાલયની રચના થયેલી છે. કેવળ જુદા જુદા વિષયો શીખવે, પરીક્ષામાં ઉત્તીર્ણ કરે, પ્રમાણપત્ર આપે એ તો વિદ્યાલયનું બહુ ઉપરછલ્લું કાર્ય છે. એ જરૂરી કાર્ય છે, પરંતુ તેટલાથી જ ઈતિશ્રી નહિ માની શકાય. મનુષ્યમાં પૂર્ણત્વ પામવાની અપાર શક્યતાઓ રહેલી છે. પ્રશ્ન એ થાય કે તો પૂર્ણત્વ પ્રગટ કેમ નથી થતું ? કારણ કે મનુષ્યના આંતર સ્વરૂપ ઉપર અનેક પડળો ચડેલાં હોય છે – ઉછેરનાં, સંબંધના, વલણોનાં, માન્યતાનાં, પસંદગીઓ અને ટેવોનાં. તેથી તેનું સાચું સ્વરૂપ ઢંકાઈ જાય છે. મૂળ સ્વરૂપ નષ્ટ નથી થતું પરંતુ ઢંકાયેલું અપ્રગટ રહે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસે આ સ્થિતિને એક ઉત્તમ રૂપક દ્વારા સમજાવી છે :

લાકડાનો મૂળભૂત ગુણધર્મ પાણીમાં તરવાનો છે. એ એનો સ્વભાવધર્મ છે. એના અસ્તિત્વ સાથે જોડાયેલો ધર્મ છે. પરંતુ જો લાકડા ઉપર માટીનું એક પડ ચડાવી, તેની ઉપર કપડાનું પડ ચડાવી, તેને સૂકવીને, એમ દસ વખત દસ પડ ચડાવીએ પછી લાકડાને પાણીમાં નાખશું તો એ પાણીમાં તરશે નહિ, તળિયે જઈને બેસશે. એનો મૂળ ગુણધર્મ નાશ નથી પામ્યો. દબાઈ ગયો છે. પછી જેમ જેમ પડ ઓગળતાં જશે તેમ તેમ લાકડું ઉપર આવતું જશે. જ્યારે તમામ પડ ઓગળી જશે ત્યારે લાકડું પોતાના સ્વભાવધર્મ પ્રમાણે પાણીની સપાટી ઉપર તરવા લાગશે. રામકૃષ્ણદેવ કહે છે કે મનુષ્યનું પણ આવું છે. તેની ઉપર ચડેલાં પડળોને કારણે તેનું મૂળ રૂપ ઢંકાયેલું રહે છે. મનુષ્યનું મૂળરૂપ પ્રગટ ન થવાને કારણે તે ભેદની દીવાલોમાં વિભાજિત થઈ જાય છે. જ્ઞાતિ, જાતિ, લિંગ, પદ, પૈસો, સત્તા વગેરે આવી દીવાલોનું કામ કરે છે. તે એક મનુષ્યને બીજા મનુષ્યથી અળગો કરે છે. ઊંચ-નીચ, પ્રતિષ્ઠિત-હીનના ભેદોમાં બાંધે છે. સ્થૂળ દીવાલો કરતાંય આ સૂક્ષ્મ દીવાલો વધુ મજબૂત અને પાકી હોય છે. તેમાં પુરાયેલો માણસ અન્ય પ્રત્યે અત્યંત કઠોર, વિચારહીન બનીને દુષ્કૃત્યો આચરી શકે છે. આવી દીવાલો જ અસમાનતા અને અન્યાય સર્જે છે, હિંસા અને વિનાશને નોતરે છે. મનુષ્યજાતનો મૂળભૂત કોયડો અહીં છે. દરેક મનુષ્યમં સારપ છે, શુભતત્વ છે, ગુણસમૃદ્ધિ છે પરંતુ માન્યતાનાં, અવિચારીપણાનાં, ટેવોનાં પડળો ચડ્યાં હોવાથી માણસ સાચું દર્શન કરી શકતો નથી, સાચી પસંદગી કરી શકતો નથી, સાચા સંકલ્પો કરી કે પાળી શકતો નથી. એટલે આવેગો ખેંચે તેમ ખેંચાઈ જાય છે. પ્રકૃતિદત્ત મળેલ પસંદગીન સ્વાતંત્ર્યનો સાચો ઉપયોગ કરી શક્તો નથી. મનુષ્ય તરીકેના ગુણધર્મો ભૂલીને નીચલી કક્ષાએ ઊતરીને આવેગોના ચક્રમાં ફસાઈ જાય છે.

કોઈ પણ વિદ્યાલયનું ખરું કામ મનુષ્યત્વના સાચા રૂપને પ્રગટાવવામાં સહાયક થવાનું છે. એમાં ઊભી થયેલી માનસિક દીવાલોને તોડવાનું છે. ખોટી માન્યતાઓ કે ટેવોનાં પડળો ઉતારવાનું છે. વિદ્યાલયો આવું અસાધારણ કાર્ય કરી શકે છે કારણ કે તે બધાં ભેદોથી પર એવું સૌહાર્દપૂર્ણ, આત્મીય, શૈક્ષણિક વાતાવરણ સર્જી શકે છે. તેમાંથી નિરપેક્ષ સ્નેહસંબંધનું રસાયણ જન્મે છે. આત્મનિરીક્ષણ અને સહજકર્મ દ્વારા દરેક પગલે ઊર્ધ્વારોહણ શક્ય બને છે. જે વિદ્યાલય આ કરી શકે છે તે મનુષ્યત્વના માળીનું કાર્ય કરે છે. ત્યાં સંબંધો નિરામય હોય છે, કાર્યભાત ભાતૃભાવની હોય છે, પસંદગીનું સ્વાતંત્ર્ય સહજ હોય છે, શુભ પ્રત્યેની અભિમુખતા અનાયાસ હોય છે. એટલે વિદ્યાર્થીને ખબર પણ ન પડે તેમ તે કેળવાતો જાય છે. તેનાં પડળો ઊતરવાનું શરૂ થાય છે. ભેદની દીવાલો તૂટતી જાય છે. વિદ્યાલયનું સાચું અવતારકૃત્ય આ છે.

એથી શિક્ષક કશુંક શીખવી દેનાર, માહિતી પ્રદાન કરનાર ભારવાહક નથી, પરંતુ વિદ્યાર્થી સર્વાંગી રીતે વિકસે, બંધનમુક્ત બને તે માટેનું અનુકૂળ વાતાવરણ સર્જનાર દષ્ટિવાન આયોજક છે. આ કાર્ય કેવળ વાણીથી નહિ થાય. સાચી કેળવણી તો જીવન દ્વારા જ થાય છે. વિમલાતાઈ કહે છે કે ‘જીવન સંબંધોમાં છે.’ સંબંધોના સ્વરૂપ દ્વારા જીવન પ્રગટ થાય છે. આવો વિશિષ્ટ, આત્મીય, સહજ સંબંધ જ વિદ્યાર્થીને મુક્ત થવા, ઊર્ધ્વગામી થવા પ્રેરે છે. વિદ્યાર્થીને કશુંક શીખવી દેવું એ વિદ્યાલયનું કાર્ય નથી, વિદ્યાર્થી જાતે જ્ઞાનની ખોજ કરતો થાય, જીવનને સુક્ષ્મ રીતે ઓળખતો થાય, કોઈપણ પ્રકારની ભેદની દીવાલોને ઓળંગીને જીવનને વ્યાપક સંદર્ભમાં પામતો થાય, પોતાની પસંદગીથી શુભના સ્વીકાર માટે પ્રવૃત્ત થાય તે માટેની શૈક્ષણિક રચના કરવી, એવી સંબંધશૈલી નિપજાવવી, એને અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરવું એ વિદ્યાલયનું મૂળભૂત કાર્ય છે. કેવળ મનુષ્યજાતે વિદ્યાલયની વૈધિક શિક્ષણની રચના આવો હેતુ પાર પાડવા માટે કરેલી છે. એમાં એક વિવેક કરવો જરૂરી છે કે મકાનો, સાધનો, સુવિધાઓ, બેંકબેલેન્સ, પરીક્ષાનાં પરિણામોની ઊંચી ટકાવારી, કાર્યક્રમો વગેરે મીંડા છે – એકડો તો શિક્ષક-વિદ્યાર્થીનો આત્મીય સંબંધ છે. એ હશે તો બાકીનાં તમામ મીંડા એની કિંમત અનેકગણી વધારી દેશે. એ વિનાનાં મીંડા ગમે તેટલી સંખ્યામાં હોય પરંતુ એની કિંમત નથી.

આની સાથે સંબંધિત એક પ્રશ્ન તપાસવાની જરૂર છે કે મનુષ્યમાં વારસો મહત્વનો છે કે વાતાવરણ ? વિદ્યાલયના અસ્તિત્વ અને સાર્થકતા સાથે જોડાયેલો આ મુદ્દો છે. અનેક વિચારકોએ વારસાનું મહત્વ દર્શાવ્યું છે. શારીરિક ક્ષમતાઓ, કેટલાક રોગ, બુદ્ધિઆંક વગેરેમાં વારસો અસરકારક બને છે એ સાચું છે. પરંતુ ગુણસમૃદ્ધિ એ વારસાનું પરિણામ નથી. તેથી સ્તો હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ જન્મી શકે છે. હિરણ્યકશિપુ અત્યંત અભિમાની, ઉદ્દંડ, દુષ્ટ, પરપીડક હતો. ઈશ્વરનો નકાર કરીને પોતે જ સૃષ્ટિનો કર્તાહર્તા છે એમ માનતો હતો. એને જ ઘેર પુત્ર તરીકે જન્મેલો પ્રહલાદ શ્રદ્ધાવાન ભક્ત, ઉદાર વલણવાળો મનુષ્ય બની શકે છે. દુષ્ટ મનુષ્યનો પુત્ર દુષ્ટ જ હશે તેવું નથી હોતું. અનેક ધનવાન લોકોનાં સંતાનોએ ધનલાલસા છોડીને સાવ સાદું જીવન જીવીને ગરીબોની સેવામાં પોતાનું જીવન હોમી દીધું છે. તેવાં અનેક દષ્ટાંતો છે. એક કથા બહુ જાણીતી છે. એક જ મા-બાપનાં બે સંતાનોને અલગ અલગ રીતે ઉછેર્યાં. એક બાળકને વિદ્વાન બ્રહ્મ ઉપાસક એવા શ્રદ્ધાવાનને ઘેર ઉછેર્યો તો એ બાળક જીવનનાં સૂક્ષ્મ તત્વોનો ચાહક, ધર્મમય જીવન જીવનારો થયો. બીજો બાળક દુષ્ટ મનુષ્યને ઘેર રહી ઉછર્યો તો તે હિંસક મનોવૃત્તિવાળો, પરપીડક થયો. બંનેનો વારસો તો સમાન હતો પરંતુ ઉછેરમાં ફરક હતો તેથી બંનેના વ્યક્તિત્વની ખીલવણી ભિન્ન થઈ. આ કથા સૂચવે છે કે વાતાવરણની મનુષ્યના ઘડતરમાં કેવી સૂક્ષ્મ અને ગંભીર અસર પડે છે.

અહીં મનુષ્ય વિશેની એક શ્રદ્ધા પણ મહત્વની છે. દરેક મનુષ્યને મૂળભૂત રીતે શુભનું આકર્ષણ હોય છે. તેના મૂળ સ્વરૂપ ઉપર પડળો ચડ્યાં હોવાથી ઊલટે માર્ગે ચાલ્યો હોય તો પણ મનુષ્ય પાછો વળી શકે છે; સાચી વાટ પકડી શકે છે. એટલે કે વાલિયો લૂંટારો વાલ્મીકિ બની શકે છે. અંગુલિમાન (માણસોનો વધ કરીને તેની આંગળી કાપી લઈ, તેની માળા બનાવી પહેરતો હતો તે) ભગવાન બુદ્ધની કરુણા અને સમતાના પરિચયમાં આવી મહાન ધર્મપુરુષ બની શક્યો હતો. એટલે વારસો અમુક ક્ષેત્રમાં અમુક હદ સુધી નિર્ણાયક બને છે, પરંતુ મનુષ્યત્વના વિકાસમાં, પૂર્ણત્વની પ્રાપ્તિમાં વાતાવરણ અને સત્સંગ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ શિક્ષક અને શિક્ષણ સંસ્થાનું મહત્વ છે. સંવાદપૂર્ણ, સર્જનાત્મક, આત્મીયતાભર્યું વાતાવરણ રચીને વિદ્યાલય વિદ્યાર્થીની અનેક અપ્રગટ શક્તિઓ અને ક્ષમતાઓને પ્રગટવાની તક આપી શકે છે. આવું વાતાવરણ પામનાર વિદ્યાર્થી સંકુચિત વફાદારી, સાંકડી મનોવૃત્તિ, ખોટી કે અંધ માન્યતા કે સ્વાર્થી વલણોની દીવાલોને ભેદી શકશે. મનુષ્યત્વના ઉચ્ચત્તમ શિખરે પહોંચી શકશે.

વિદ્યાલયનું ખરું કાર્ય આ છે. માટે જ અન્ય કોઈ જીવ માટે વૈધિક શાળાની રચના નથી થઈ, પરંતુ મનુષ્ય માટે થયેલી છે. જે વિદ્યાલય આવી સિદ્ધિ પામી શકે છે તે મનુષ્યની ખીલવણીમાં અસાધારણ ફાળો આપે છે; સમાજજીવનને ઉત્તમ ધોરણો પૂરાં પાડે છે. મુક્ત મનુષ્યના, ઉમદા નાગરિકના પ્રગટીકરણમાં ફાળો આપવો એ વિદ્યાલયનું મૂળભૂત કાર્ય છે. આ આદર્શને કેન્દ્રમાં રાખીને વિદ્યાલયોએ પોતાની દિશા અને કાર્યપદ્ધતિ નક્કી કરવાં જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંબંધોનાં સમીકરણ – ડૉ. આઈ. કે. વીજળીવાળા
ચપટી – આશા વીરેન્દ્ર Next »   

10 પ્રતિભાવો : દરેક વિદ્યાલય બને મનુષ્યત્વનું માળી – મનસુખ સલ્લા

 1. સાચુ શિક્ષણ આપતો લેખ. વિદ્યાલયો બદલાય તો ઘણુ બદલાઈ શકે.

 2. Hiral Thaker "Vasantiful" says:

  સાવ સાચી વાત. પરિક્ષાલક્ષી શિક્ષણ ની જગ્યાએ કેળવણી લક્ષી શિક્ષણ જ જીવન જીવવામાં મદદરુપ બને છે.

 3. nayan panchal says:

  વિદ્યાનુ સાચુ આલય એ છે જેમાં મા લક્ષ્મીને બદલે મા સરસ્વતીને પૂજવામાં આવે.

  વિચારવાલાયક લેખ.

  મનસુખભાઈના અગાઉના લેખો પણ ખૂબ જ સરસ છે.

  આભાર.

  નયન

 4. shruti maru says:

  વિદ્યાલય ની સાચી વ્યાખયા મનસુખભાઈ સલ્લા એ કરી છે.

  વિદ્યાલય એ સરસ્વતી દેવી ને પુજવા નુ સ્થાન છે લક્ષમી દેવી ત્યા વાસ કરે તો તે ન રહે.

  આભાર લેખકજી આવો સુંદર લેખ આપવા બદલ

 5. shruti maru says:

  વિદ્યાલય એ સરસ્વતી દેવી ને પુજવા નુ સ્થાન છે લક્ષમી દેવી ત્યા વાસ કરે તો તે વિદ્યાલય ન રહે.

  આમ પણ કહેવત છે લક્ષ્મી દેવી અને સરસ્વતી દેવી સાથે ન રહી શકે.

 6. Rajni Gohil says:

  અન્ય તમામ જીવો કુદરતે આંકેલી રેખા (આહાર, નિદ્રા, ભય, મૈથુન) ની અંદર જ જીવે છે…….
  અને આ રીતે જ જીવનાર મનુષ્ય, મનુષ્ય-જીવન નહીં પણ પશુ તરીકે જ જીવી રહ્યો છે એમ કહેવું અસ્થાને નહીં ગણાય……..પરંતુ તેને પસંદગીનું સ્વાતંત્ર્ય અને એ માટેની વિચારશક્તિ મળેલ છે. એથી મનુષ્ય કૃષ્ણ બની શકે છે અને કંસ પણ બની શકે છે. મનુષ્યમાં વિકાસની અનંતવિધિ શક્યતાઓ રહેલી છે.

  સંવાદપૂર્ણ, સર્જનાત્મક, આત્મીયતાભર્યું વાતાવરણ રચીને વિદ્યાલય વિદ્યાર્થીની અનેક અપ્રગટ શક્તિઓ અને ક્ષમતાઓને પ્રગટવાની તક આપી શકે છે…… મનસુખભઇએ આજના સમયમાં જેની તાતી જરૂર છે તેની ખૂબ જ સુંદર છણાવટ કરી છે. આપણને સવાલ થાય કે આજના સમયમાં આવું વિદ્યાલય બની શકે ખરું? હા. આપણા માટે આનંદની વાત છે કે સત્ય સાંઈબાબાએ શરૂ કરેલા વિદ્યાલયો પુટ્ટપાર્થીમાં આ કાર્ય કરી રહ્યા છે. હવે જરૂર છે કે બીજા વિદ્યાલયો પણ મનસુખભઇના કહેવા પ્રમાણે મીંડા આગળ એકડો મૂકતા થાય. મનસુખભઇએ વિદ્યાલયોના રોગનું નિદાન કરી સુંદર ઉપાય બતાવ્યો. એમને ખૂબ ખૂબ અભિનંદન.

 7. Veena Dave,USA. says:

  very good article.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.