- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ગુજરાતનાં અજબ ગામનામો – રમેશ તન્ના

[નોંધ : કોઈ એમ કહે કે ઈટાલી, સિંગાપુર વગેરે ગુજરાતમાં આવેલા છે તો ? આ સાંભળીને કોઈપણ ચોંકી ઊઠે ! જી, હાં પણ વાતેય સાચી છે. ગુજરાતમાં આવા તો અનેક નામોવાળાં ગામો આવેલા છે. માત્ર એટલું જ નહીં, એ નામો પાછળનો ઈતિહાસ પણ રસપ્રદ છે. આ તમામ માહિતી અને સંશોધન પાછળ એક મહિના જેટલી જહેમત કરીને સુંદર લેખ તૈયાર કરનાર શ્રી રમેશભાઈ તન્ના અમેરિકાથી પ્રકાશિત થતા ‘ગુજરાત ટાઈમ્સ’ અખબારના અમદાવાદના નિવાસી તંત્રી છે. ‘ગુજરાત’ના દીપોત્સવી અંકમાં પ્રકાશિત થયેલો તેમનો આ લેખ આપની સામે ગુજરાતનાં ગામડાઓની એવી વિગતો રજૂ કરશે કે જે વાંચીને આપ પણ બોલી ઊઠશો… આફરીન ! ક્યારેય વાંચવા-જાણવા ન મળી હોય તેવી અદ્દભુત બાબતોનો આ લેખમાં ખજાનો ભર્યો છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે rameshtanna@yahoo.com અથવા આ નંબર પર +91 9824034475 સંપર્ક કરી શકો છો. – તંત્રી, રીડગુજરાતી.]

હમણાં એક ગુજરાતી અમેરિકાથી મુંબઈ આવ્યા. તેમના પરદાદા ગુજરાતના. વર્ષોથી તેમનું કુટુંબ તો અમેરિકામાં સ્થાયી થયું છે. તેમને થયું કે મુંબઈ સુધી જાઉં છું તો ગુજરાતમાં મારા વતનના ગામ જતો આવું. તેમના વતનનું નામ રામપુરા. આ રામપુરા ઉત્તર ગુજરાતમાં આવેલું એટલી જ તેમની પાસે માહિતી હતી. એમને વતન શોધવામાં ઘણી તકલીફ પડી. તેનું કારણ એ કે ગુજરાતમાં રામપુરા નામનાં એક નહીં, પણ 39 ગામો છે. (ના, આંકડો લખવામાં કોઈ ભૂલ નથી થઈ. 39 એટલે ચાલીસમાં ફક્ત એક જ ઓછું…તેટલાં રામપુરા નામનાં ગામ ગુજરાતમાં છે.) અમદાવાદ જિલ્લામાં ચાર રામપુરા છે. ખેડા જિલ્લામાં ત્રણ રામપુરા છે. પંચમહાલ જિલ્લામાં ચાર રામપુરા છે. બનાસકાંઠા જિલ્લામાં 13 અને મહેસાણામાં છ રામપુરા છે. વડોદરામાં એક રામપુરા છે. (મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં બે રામપુરા છે. તાલુકો અને જિલ્લો એક જ હોય તેવાં એકસરખાં ગામનામો પોસ્ટ વિભાગ માટે ગૂંચવણ અને મૂંઝવણ ઊભી કરે.) ગુજરાતમાં ‘રામપરા’ નામનાં 19 ગામો છે તે વળી જુદાં. હજી વાત બાકી છે. ગુજરાતમાં ચાર રામપુરી (ચપ્પુ નહીં, ગામ) છે, તો બે રામપોર હૌ છે. અને હા, 17 રામપર વળી જુદાં. છે ને ભુલભુલામણી ! અમેરિકાથી આવેલા વતનપ્રેમી ગુજરાતને જરા થોડી મહેનત કરવાથી તેમનું વતન રામપુરા મળી ગયું, પણ દરેકનું નસીબ એવું નથી. જેમ ગુજરાત અનેક બાબતો માટે વિશિષ્ટ છે તેમ તેનાં ગામનાં નામો પણ વિશિષ્ટ છે. આવો એક લટાર મારીએ ગામનાં નામોના વિશ્વમાં….

ઘેટી, ઘોડી, પાડી, બલાડી, હરણી, હાથણ, વાઘણ, જળકુકડી, ખિલોડી…. આવાં પ્રાણીઓનાં નામ ગુજરાતમાં ગામોનાં નામો પણ છે. ગુજરાત રાજ્યમાં 18,000થી વધુ ગામો છે. આ ગામોનાં નામો માહિતીપ્રદ છે તેમ મનોરંજક પણ છે. વિશિષ્ટ છે, તો વિચિત્ર લાગે તેવાં પણ છે. દસથી વધુ અક્ષરો ધરાવતું ગામનામ છે તો ફક્ત એક જ અક્ષરનું ગામનામ પણ છે. જેનો ચોક્કસ અર્થ થતો હોય તેવાં ગામનામો હૌ છે તો અર્થ વિનાનાં (એટલે કે જે ગામનાં નામોનો કોઈ અર્થ ન હોય તેવાં) ગામનામો છે.

ઘેટી, ઘોડી, પાડી…. વગેરેથી શરૂઆત કરી હતી તો તેનાથી જ વાત આગળ વધારીએ. વાત જાણે એમ છે કે ગુજરાતમાં અનેક ગામો એવાં છે જે પશુ, પંખી, જીવજંતુનાં નામો ધરાવે છે. ઘેટીથી ખિલોડી સુધીની વાત તો ઉપર કરી જ છે. એ સિવાય નહાર, ટીટોડી, બાજ, મોર, સમડી, એરૂ, વીંછણ, વીંછી, કંસારી, કીડી, મંકોડી, માંકડી, માંક એવા પણ ગામનામો છે. આ ગામો ક્યાં આવ્યાં તે જાણવામાં કોઈને રસ હોય તો થોડાંની વાત કરીએ. ગુજરાતમાં એક નહીં ત્રણ ‘કીડી’ ગામ છે. એક છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં, બીજું છે સાબરકાંઠાના મોડાસા તાલુકામાં અને ત્રીજું કીડી આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકામાં. કીડી જોડે મંકોડીની વાત કરી લઈએ તો મંકોડી ગામ આવ્યું વડોદરા જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં. વડોદરાના કરજણ તાલુકામાં ‘માંકણ’ નામનું ગામ છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં એક એક ‘માંકડી’ છે. ‘ઘેટી’ ગામ ભાવનગરના પાલિતાણામાં છે. આવડા મોટા ગુજરાત રાજ્યમાં એક ‘ઘોડી’થી થોડું હાલે ? ગુજરાતમાં ત્રણ ‘ઘોડી’ છે. એમાંથી બે ભરૂચ જિલ્લામાં અને એક ‘ડાંગ’ માં છે. ત્રણ ઘોડીની સામે ‘ઘોડાં’ (નામનાં ગામ) આઠ છે. એમાંથી પચાસ ટકા ‘ઘોડા’ વડોદરા જિલ્લામાં છે. ‘બલાડી’ નામનું ગામ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં છે. ‘હરણી’ વડોદરામાં આવેલું છે.

જામનગરના ઓખામંડળ તાલુકામાં ‘હાથી’ અને ‘હાથણી’ નામના ગામ છે. હાથી અને હાથણી જામનગરમાં છે, પણ તેનાં પગલાં અન્ય જિલ્લાઓમાં છે. વડોદરા (જબુગામ) અને બનાસકાંઠા (દાંતા)માં ‘હાથીપગલા’ નામનાં ગામો આવેલાં છે. ઘેટી, ઘોડી, બલાડી એ તો સમજ્યા, પણ આ ‘વાઘણ’ ક્યાં આવ્યું ? વાઘણ પંચમહાલ જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવ્યું. સાબરકાંઠાવાળાઓને વાઘથી સંતોષ નથી કે વીંછી પણ રાખ્યા છે. આ જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકામાં ‘વીંછી’ ગામ આવેલું છે. જો કે ‘વીંછણ’ અમદાવાદના વિરમગામ તાલુકા કને છે. ભરૂચના વાગરા તાલુકામાં ‘વીંછીઆડ’ છે, પણ બનાસકાંઠામાં તો આખી ‘વીંછીવાડી’ છે. ‘મોર’ શબ્દ હોય તેવાં ઘણાં ગામો ગુજરાતમાં હાજરસ્ટોકમાં છે. થોડા નમૂના… મોરઆંબલી (ખેડા, ઠાસરા), મોરખાખરા (પંચમહાલ, લુણાવાડા), મોરડુંગરા (એક બનાસકાંઠામાં, એક સાબરકાંઠામાં), મોર થાણા (સુરત), મોરદેવી (સુરત, વાલોડ), મોરપુરા (વડોદરા, ડભોઈ). ગુજરાતમાં મોસંબી નામનું ગામ નથી. પણ મોરંગી (અમરેલી, તા. રાજુલા) નામનું ગામ છે. છે ને રંગ-બેરંગી ગામ-નામોય !

જીવજંતુ, પશુપક્ષી, પ્રાણી વગેરેનાં ગામનામો તો છે જ, પણ ગામનાં નામો રાખવા પ્રાણીઓનાં અંગોને પણ છોડ્યાં નથી જુઓ ચાંચ (અમરેલી, રાજુલા), ચાંચપુર (પંચમહાલ, ગોધરા), કરોડ (સુરેન્દ્રનગર, ઉચ્છલ), ખુંધ (વલસાડ, ચીખલી), ઘુંટી (સુરત, માંગરોળ), ડોકી (પંચમહાલ, ઝાલોદ અને દાહોદ). શીર નામનાં ત્રણ ગામ છે. સુરત ક્યાં આવ્યું તે પૂછો ની ! કોઈ સુરતીને ખબર પડશે તો સાંભળશો પાછા ચાર-પાંચ કિલોની ! વસ્ત્ર અને અલંકારને લગતાં ગામનામો હૌ છે. જુઓ ચુંડી, કુંડલ કે અકોટી. ‘ચુડી’ આવ્યું ભાવનગરના તળાજામાં. ચુડી સામે ‘ચુડા’ તો બમણા છે. (એક જૂનાગઢમાં અને એક સુરેન્દ્રનગરમાં). કુંડલ આવ્યું અમદાવાદના ધંધૂકામાં. જો કે ‘કુંડલ નાની’ પાછી અમરેલીના બાબરા તાલુકામાં છે. અકોટી (અકોટી એટલે સોપારી ઘાટનું સ્ત્રીઓના કાનનું ઘરેણું, ઘૂઘરીનાં ઝૂમખાંવાળું લોળિયું) વડોદરાના ડભોઈમાં છે તો બોરસદ તાલુકામાં પણ છે. ચુંદડી નામનું ગામ ક્યાં આવ્યું તે ખબર છે ? ના ખબર હોય તો પંચમહાલ જિલ્લાનો નકશો લઈને બેસી જાઓ. એક નહિ, બે-બે ‘ચુંદડી’ મળશે. એક ગોધરામાં અને બીજી લીમખેડામાં. હવે આપણે ‘શેલુ’ની વાત કરીએ. ‘શેલુ’ નામનું ગામ સુરત જિલ્લાના નિઝર તાલુકામાં છે. જો કે બે ‘શેલા’ અમદાવાદ જિલ્લામાં છે. ‘બાંધણી’ નામનું ગામ આણંદમાં છે. ‘અલંકાર’ને લગતાં નામ હોય તો ગમે, પણ મળ આધારિત ગામ નામ હોય તો ? હોય ‘તો’ નહીં એવાં ગામનામો છે જ. અઘાર અને લીંડી. એક અઘાર આવ્યું અમદાવાદના વિરમગામમાં અને બીજું છે પાટણમાં. વડોદરાના નસવાડી તાલુકામાં ‘લીંડાં’ ગામ છે. વાહનનાં નામવાળાં ગુજરાતમાં બે નામ છે. એક છે ‘ગાડી’ (સાબરકાંઠા, વિજયનગર) અને બીજું જહાજ (આણંદ જિલ્લો, ખંભાત તાલુકો). ખેડા જિલ્લાના પેટલાદમાં ‘ગાડા’ છે. સાબરકાંઠામાં ‘ગાટુ’ છે.

રાસ વખણાય કાઠિયાવાડનો પણ ‘રાસ’ નામનું ગામ આણંદ જિલ્લાના બોરસદમાં છે. ‘લંગડી’ નામની રમત ગામનું નામ બની ગઈ છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં. કોઈને એમ થાય કે ‘વાંસળી’ તો ગોકુળ મથુરાનું પરુ હશે પણ આ નામનું એક આખું ગામ તો છે સાબરકાંઠાન ભીલોડા તાલુકામાં. ‘વીણા’ નામનું ગામ પણ ગુજરાતમાં છે. ‘વીણા’ ખેડાના નડિયાદમાં છે. મહુવર (મહુવર એટલે મદારીની વાંસળી) આવ્યું નવસારી જિલ્લામાં. વાદ્યને લગતાં નામોની જેમ રાગને લગતાં નામ પણ છે. ‘રામગરી’ નામનું ગામ સુરેન્દ્રનગરમાં છે. (આ ‘દસાડા’નું જબરું થયું હતું તે જાણો છો ? ગામો-તાલુકાનું આઝાદી પછી વર્ગીકરણ કર્યું તેમાં ‘દસાડા’ તો રહી જ ગયું હતું. ખ્યાલ આવતાં તેને સુરેન્દ્રનગર જિલ્લામાં ભેળવ્યું, પણ આ ઘટના એક કહેવત જન્માવતી ગઈ : દસાડા દફતર બહાર. કોઈ વ્યક્તિ લટકી પડે ત્યારે ‘આની દશા તો દસાડા જેવી થઈ એમ કહેવાય છે. બાય ધ વે, દસાડાના ભજિયાં વખણાય છે.) ગામનામની પાછળ વાડા અને વિહિર આવતું હોય તેવાં ડાંગમાં ગામો જોવા મળે. જેમ કે અંબાપાડા, કમલવિહિર, ગાડવિહિર વગેરે. ગાંધીનગર, ગાંધીગ્રામ, જવાહરનગર, સરદારનગર જેવાં ગામો નેતાઓનાં નામ સાથે સંકળાયેલાં છે. એવી રીતે ‘સયાજીપુરા’ કે ‘પ્રતાપનગર’ જેવા ગામનામો પણ વ્યક્તિઓનાં નામ આધારિત છે અને આ નામો પ્રાચીન છે, તો ‘ફ્રીલેન્ડગંજ’ (પંચમહાલ, દાહોદ) જેવું નામ નવું છે. ગુજરાતમાં જ્ઞાતિ, જાતિ, ધંધાદારી વર્ગ, દેવ, ચુડેલ વગેરે સાથે સંકળાયેલાં ગામનામો નોંધપાત્ર છે.

કુંવર નામનું ગામ મહેસાણા જિલ્લાના સમી તાલુકામાં છે. અને હા, ગુજરાતમાં કેનેડી, ઈટાલી અને સિંગાપુર નામનાં ગામો પણ છે તેની ઘણા ઓછા લોકોને ખબર હશે. ચુડેલ નામનું પણ ગામ હોઈ શકે ? અરે એકની વાત ન કરો, ગુજરાતમાં બે-બે ‘ચુડેલ’ છે. એક ‘ચુડેલ’ આવ્યું વડોદરાના જબુગામમાં અને બીજું ‘ચુડેલ’ ગામ છે સુરતના માંડવી તાલુકામાં. ઝંડ (એક ભૂત, જીન) નામનું ગામ વડોદરાના સંખેડા તાલુકામાં છે. ભરૂચના દેડિયાપાડા તાલુકામાં ભૂત બેડી ઉર્ફે ભૂતબંગલો નામનું ગામ છે. ‘ભુતરડી’ દાહોદમાં છે. સાબરકાંઠાના ભીલોડામાં ‘ભુતાવડ’ છે. ભાવનગરમાં તો સાક્ષાત ‘ભૂતેશ્વર’ છે અને નવસારીમાં ‘ભૂતસાડ’ છે. ‘ભૂતડી’ને મળવંધ હોય તો હાલ્યા જાવ જૂનાગઢના વિસાવદર તાલુકાના એ નામના ગામે. રાજકોટના ધોરાજી તાલુકામાં ‘ભૂતવડ’ છે. વડોદરાના નસવાડી તાલુકે ‘ભૂતખાન’ છે. પંચમહાલ જિલ્લામાં ‘ભૂતપગલાં’ જોવા મળી શકે. સસ્તા ભાવની દુકાનોમાં ભૂતિયાં રેશનિંગ કાર્ડ હોય છે તે ઠીક મારા ભૈ, ગુજરાતમાં સાત ગામ ‘ભૂતિયાં’ છે. આ ગામો ખરેખર છે કે નહીં તે તપાસનો વિષય છે. ભૂત હોય ત્યાં ભૂવા હોય જ ને ! જૂનાગઢના તાલાળામાં ‘ભૂવાતીરથ’ નામનું ગામ છે, તો પંચમહાલના હાલોલમાં ‘ભુવાડુંગરી’ છે. ‘ભૈરવ’ આવ્યું સુરતના કામરેજ તાલુકામાં. ભૂતો અને ભૈરવથી ચિંતા કરવાની જરૂર નથી. પહેલું કારણ આપણે ત્યાં બે દેવ ગામ છે : એક ખેડા જિલ્લામાં અને બીજું બનાસકાંઠામાં. બીજું કારણ એ કે ‘દેવ’ શબ્દથી શરૂ થતાં હોય તેવાં સચિન તેન્ડુલકરની સેન્ચ્યુરી જેટલાં પૂરાં સો ગામનામ આપણે ધરાવીએ છીએ. હા, ઠીક યાદ આવ્યું. મહારાષ્ટ્રે રાષ્ટ્રને ‘સચીન’ નામનો ખેલાડી આપ્યો તો ગુજરાતમાં તો સચિન નામનું ગામ વર્ષોથી છે. આ સચિન ગામ આવ્યું સુરતના ચોર્યાસી તાલુકામાં, એટલે કે ચોર્યાસી નામના તાલુકામાં. આ ઉપરાંત આયા (સુરેન્દ્રનગર, સાયલા), પનીયારી અથવા પણિયારી (સુરત, વ્યારા), મહિયારી (ખેડા, ખંભાત) નામનાં ગામો પણ છે.

‘શાહ’ અટક તો છે જ, પણ એ નામનું ગામ પણ છે. એ ગામ આવ્યું સુરતના માંગરોળમાં. શાહ ઉપરથી શાહપુર નામનાં તો ઘણાં ગામો છે. જ્ઞાતિની અટક ઉપરથી નામ હોય તેવાં બીજાં પણ ગામો છે. જેમ કે ઐયર (કચ્છ, નખત્રાણા), કોઠારી (જૂનાગઢ, ઊના), માડીત (નર્મદા, નાંદોદ), ડાભી (બનાસકાંઠાના વાવ અને સાંતલપુરમાં તથા મહેસાણાના સિદ્ધપુરમાં). ઢેબર (બે છે, એક જામનગરમાં અને બીજું જૂનાગઢમાં). પંચાલ નામનું ગામ પણ છે. એ આવ્યું સાબરકાંઠાના મેઘરજમાં. ‘પંચોલી’ જૂનાગઢના તાલાળામાં છે. ‘વાઘેલા’ નામનાં બે ગામો છે. એક છે પંચમહાલના લુણાવાડામાં અને બીજું સુરેન્દ્રનગરના વઢવાણમાં. જોકે બે ‘વાઘેલા’ સામે ‘વાઘેલી’ એક જ છે. વાઘેલી આવ્યું વડોદરાના તિલકવાડામાં. મકવાણા ગામ જામનગરમાં છે. ‘રાવલ’ નામનું ગામ પણ જામનગરમાં (તા. કલ્યાણપુર) છે. જોકે ‘રાવલી’ જામનગરમાં નથી. એ છે આણંદના પેટલાદમાં. અટક પરથી ગામનામોમાં વોરાની વાત કરી લઈએ. ‘વોરા’ ગામ વડોદરા જિલ્લાના તિલકવાડામાં છે. રાજકોટના ગોંડલમાં ‘વોરા કોટડા’ છે. ‘વોરા ગામડી’ વડોદરામાં છે. ‘વોરાવાવ’ જવું હોય તો જાવ સાબરકાંઠાના ઈડરમાં. સઈ-સોનીના નામનાં કોઈ ગામ છે કે નહીં ? છે ને. કચ્છના રાપર તાલુકામાં ‘સઈ’ આવ્યું. ‘સોની’ નામનું ગામ બનાસકાંઠાના દિયોદર તાલુકામાં છે. ચેનલ સોની આવી ગઈ, પણ હજી સુધી બોલીવૂડ કે ઢોલીવૂડમાં સોનીકપુર નામનો હીરો કે હિરોઈન આવ્યાં નથી. ‘સોનીકપુર’ નામનું ગામ સાબરકાંઠા જિલ્લામાં છે. સોનીપુર તો ત્રણ છે. સઈની વાત કરી પણ ‘મેરઈ’ રહી ગયા. મેરઈ નામનું ગામ કચ્છના માંડવીમાં છે. તો ખેડાના બાલાસિનોરમાં સુથારીયા છે.

માલણ (બનાસકાંઠા, પાલનપુર), જોગણ (ખેડા, પેટલાદ), માછી (સુરત, કામરેજ) નામનાં ગામો છે. ‘માછલીવડ’ જામનગર જિલ્લાનું ગામ છે. ઓડ નામનાં ગામ ચાર છે. અમદાવાદ, ખેડા, વડોદરા અને સાબરકાંઠામાં એક-એક ‘ઓડ’ આવેલું છે. અમદાવાદના વિરમગામ તાલુકામાં તો ‘ઓકડી’ પણ છે. શીઆ (સીયા) નામનું ગામ બનાસકાંઠાના દિયોદરમાં છે. અટક ઉપરથી ગામનાં નામ હોય તેવાં છે. કાઠી (મહેસાણાના સમી અને હારીજ તાલુકામાં), કાપડી (પંચમહાલ, દેવગઢ બારિયા), કાપડીઆ (વડોદરા, સંખેડા), કુંકણા (વડોદરા, જબુગામ), નીનામા (સુરેન્દ્રનગર, સાયલા), ભાટ (પંચમહાલ, હાલોલ) વગેરે. વસ્તુઓનાં નામ હોય તેવાંય ગામનાં નામો છે. ઉન નામનાં ચાર ગામ છે. બે સુરતમાં, એક વડોદરા અને એક વલસાડ નામનું પણ ગામ છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં તે આવેલું છે. સાકર ઉપરથી બીજાં ઘણાં નામો છે. ‘સાકરપાતળ’ ડાંગમાં છે તો ‘સાકરા’ જૂનાગઢના ઊનામાં છે. ત્રણ ‘સાકિરયા’ છે. ખેડા, વડોદરા અને સાબરકાંઠા જિલ્લામાં. ગુજરાતમાં પાણીનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન છે, પણ ‘પાણી’ નામનું ગામ છે. આ ગામમાં, આપણે આશા રાખીએ કે પાણીનો પ્રશ્ન નહીં હોય. ગોરસ ને મલાઈ નામનાં ગામ જાણીને કોને આનંદ ન થાય ? ગોરસ આવ્યું ભાવનગરના મહુવામાં અને ‘મલાઈ’ તમને મળે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં. સીંગતેલ ખાવામાં અગ્રણી ગુજરાતમાં ‘દીવેલ’ નામનું ગામ છે. ‘સીંગતેલ’ એવું ગામનામ હોય તો સૌરાષ્ટ્રમાં હોય, પણ દીવેલ તો ખેડા જિલ્લાના બોરસદમાં છે. ગોરસ, મલાઈ, તેલ વગેરેને છોડો ને યાર, રોટીની વાત કરો ને ! તો લો, એની વાત કરીએ. રોટલી કે રોટલા નામનું ગામ ગુજરાતમાં નથી, પણ ભાખરી નામનું ગામ જરૂર છે. અરે, એક નહીં બે-બે ‘ભાખરી’ઓ છે. બંને બનાસકાંઠા જિલ્લામાં છે. તાલુકા જોકે જુદા છે. એક છે વાવ તાલુકામાં અને બીજું વડનગર તાલુકામાં. ‘ભાખરી’થી ધરાઈને સીધા ‘ભાત’ ઉપર જઈએ. ભાત નામનું ગામ અમદાવાદના દસક્રોઈમાં તો છે જ, પણ ગાંધીનગરમાં હૌ છે. ભાત અમદાવાદ-ગાંધીનગરમાં છે તો ‘ભાતખાઈ’ છેક સુરતમાં માંડવીમાં છે.

ઈશ્વર, દેવ, દેવી વગેરે સાથે સંકળાયેલાં તો અનેક ગામનાં નામો છે. પાછળ ‘શ્વર’ હોય તેવાં તો ઘણાં નામ છે. જુઓ : અક્તેશ્વર (ભરૂચ, નાંદોલ), અમલેશ્વર (વડોદરા જિલ્લામાં એક ડભોઈમાં, બીજું વાઘોડિયામાં), અંકલેશ્વર (અંકલેશ્વર એટલે અંકલ+ઈશ્વર, એટલે કે કાકા, એ ભગવાન કે કાકાના ભગવાન ?) અરે, ‘અંગારેશ્વર’ પણ છે આપણા રાજ્યમાં. ભરૂચ જિલ્લામાં ‘અંગારેશ્વર’ આવેલું છે. કમલેશ્વર જૂનાગઢના તાલાળામાં છે. કોટેશ્વર તો ચાર છે. એક ગાંધીનગર જિલ્લા-તાલુકામાં, બીજું કચ્છમાં લખતર તાલુકામાં, ત્રીજું બનાસકાંઠાના દાંતામાં અને ચોથું કોટેશ્વર આવ્યું ભરૂચના જંબુસરમાં. ગરુડેશ્વર નર્મદા કિનારે છે. ‘ઘંટેશ્વર’નો નાદ રાજકોટ જિલ્લામાં પડઘાય છે. ઝાડેશ્વર ભરૂચ જિલ્લામાં છે. ઠંડેશ્વર નથી પણ ‘તડકેશ્વર’ છે. તડકેશ્વર આવ્યું સુરતના માંડવીમાં. દખણેશ્વર સાબરકાંઠાના બાયડ તાલુકામાં છે. ધનેશ્વરીનું ઠેકાણું જાણવામાં બધાંને રસ પડે. તો નોંધી લો, ‘ધનેશ્વરી’ નામનું ગામ પંચમહાલ દેવગઢ બારિયામાં છે. ધોળેશ્વર સાબરકાંઠાના માલપુર તાલુકામાં આવ્યું છે. ‘નાગેશ્વર’ જામનગરમાં છે. બીલેશ્વર (જૂનાગઢ, રાણાવાવ)ની સાથે બીલેશ્વરપુરા પણ છે. ‘બીલેશ્વરપુરા’ મહેસાણાના કલોલ તાલુકામાં છે. ‘બથેશ્વર’ની તમને ખબર છે ? આ નામનું ગામ જૂનાગઢના તળાજામાં છે. મોકા પ્રમાણે ભગવાન બદલતા કે ધર્મ પાળતા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. તેમના માટે ગુજરાતમાં ‘મોકેશ્વર’ છે. મોકેશ્વર આવ્યું બનાસકાંઠાના વડગામ તાલુકામાં. ગુજરાતમાં રામેશ્વર એક નહીં, બે છે. લોટેશ્વર છે અને વીરેશ્વર પણ છે. શંખેશ્વર તો જાણીતું છે. હરેશ્વર પણ છે. ગુજરાતનાં અજબ-ગજબ ગામનામોમાં રૂપગઢ અને રૂપઘાટનો સમાવેશ થાય છે. રૂપગઢ અમદાવાદના ધોળકા તાલુકામાં છે અને રૂપઘાડ ભરૂચના ઝઘડિયા તાલુકામાં છે. રૂપનગર, રૂપપુર, પૂપપુરા તો ઘણાં છે. રૂપની સામે રૂપિયાને લગતાં નામ હૌ છે. ખેડાના પેટલાદમાં ‘રૂપિયાપુરા’ છે. એમ તો લક્ષ્મીપુરા પણ ઘણાં છે.

મરાઠી ભાષામાં ‘લવકર’નો ઝટ કર, ઉતાવળ કર એવો અર્થ થાય. વલસાડના ધરમપુર તાલુકામાં ‘લવકર’ નામનું ગામ છે. ધરમપુર તાલુકો ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલો છે. જેમ ડાંગી બોલી ગુજરાતી કરતાં મરાઠી ભાષા સાથે વધુ મળતી આવે છે તેમ સરહદી ગુજરાતનાં ઘણાં ગામનામો મરાઠીની અસર નીચેનાં પણ હોઈ શકે. લવાણા એટલે લુહાણા. ઠક્કરો લુહાણા તરીકે પણ ઓળખાય છે. લવાણા નામનાં બે ગામો ગુજરાતમાં છે. એક પંચમહાલમાં (લુણાવાડા) બીજું બનાસકાંઠામાં (દિયોદર). લાડવાની વાત આવે એટલે હળવદ અને હળવદના બ્રાહ્મણો યાદ આવે, પણ લાડવા નામનું ગામ તો ભરૂચ જિલ્લામાં છે. સુરત જિલ્લામાં ‘લાડવી’ છે. લાડુપુરા પંચમહાલમાં છે. ગુજરાતમાં રબડી નામનું ગામ નથી, પણ ‘લાલુ’ નામનું ગામ છે. (સાબરકાંઠા, બાયડ). ખેડાના કપડવંજમાં ‘લેટર’ નામનું ગામ, તે લેટર લખતી વખતે યાદ રાખજો. બનાસકાંઠાના દિયોદરમાં ‘વખા’ નામનું ગામ છે. બરોડાનું હવે વડોદરા થઈ ગયું છે તે જાણતા જ હશો. એક વડોદરા ગાંધીનગર તાલુકા-જિલ્લામાં પણ છે. અમદાવાદ ધંધૂકા તાકુલામાં ‘વાવડ’ છે તો મહેસાણાના વિસનગરમાં ‘વાલમ’ છે. ‘વાસણ’ નામનાં છ ગામો છે. ‘વાસણા’ તો અનેક છે. ક્યા વાંક-ગુનાને આધારે ગામનાં નામ ‘વાંક’ જ રાખી દેવાતાં હશે ? વાંક બે છે. વાંકા, વાંકી, વાંકુ વગેરે નામનાં પણ ગામો છે. કચ્છના ભૂજમાં આવેલા ‘વાંઢાય’ ગામમાં બધા વાંઢા જ રહેતા હશે ? પોરબંદરમાં ‘શીંગડા’ નામનું ગામ છે તેની તમને આ પહેલાં ખબર હતી ? નર્મદાના દેડિયાપાડામાં ‘સગાઈ’ નામનું ગામ છે. ‘સાગાપરા’ આવ્યું ભાવનગરના પાલિતાણામાં. બીજું બધું ઠીક છે. આપણે આ બે ગામોને માની ગયા ! નામ જ છે સજ્જનપુર. કોઈ વિવાદ જ નહીં. પંચમહાલ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યાં આ ગામો. સરકાર સાથે જોડાયેલું એક ગામ છે : સરકારપુરા, જિલ્લો બનાસકાંઠા. તા. રાધનપુર. વાયા : ખબર નથી ! ગુજરાતમા ધ્રાંગધ્રા છે તો સાંગધ્રા પણ છે. ગુજરાતમાં કેટલાં ગામ સુખી ? નામ પ્રમાણે પૂછો તો 28 ગામ. સુખપુર, સુખપર…. વગેરે ગામો. ગુજરાતમાં ઘણાં ગામનામો એવાં છે, જે ઉચ્ચારતાં હાંફ ચડી જાય. અરે ! હાંફ નામનુંય ગામ વડોદરાના છોટાઉદેપુરમાં છે. એક શ્વાસે આ ગામનાં નામો બોલો, જુઓ હાંફ ચડે છે કે નહીં ! : અલ્લુ, આદ્રી, ઈખર, ઉકીર, એટા, ઓંજલ, કાંઝ, કોંઝા, ઘેજ, ચોંઢા, ઝેઝરી, ઝેંટા, ટેંભી, ઢુંઢર, ઢુંડી, તાઢી, તુંભ, ત્રેન્ટ, દેઢા, ધેંધુ, ધ્રોબા, પોગલું, મુન્દ્રા, ભીસ્યા, મોંઝા, લોંગી, વોંઘ, શેંઠી, સસે, સેંધા, સ્યાદા અને હોન્ડ.

માનવ અને કુદરત વચ્ચેના સંપર્કમાં સાંસ્કૃતિક બળો મહત્વનું સ્થાન ધારણ કરે છે અને જે તે માનવ સમાજની સાંસ્કૃતિક શક્તિ અને પરિબળોની અસરો સ્થળનામો ઉપર હોય છે. ઘણાં ગામનામો વસવાટસૂચક હોય છે. ક્યારેક વસવાટો બંધાવનારનું નામ પણ વ્યક્તિવિશેષ તરીકે ગામના નામની સાથે જોડાય છે. અમદાવાદ, મહેમદાવાદ, હિંમતનગર, સુરેન્દ્રનગર તેનાં ઉદાહરણો છે. કોઈ વ્યક્તિવિશેષ ઉપરથી પણ ગામનામો પડે છે. ગામો, તળાવો, નદીઓ, પર્વતો, સમુદ્રો વગેરેને નામો અપાય છે તેમ ગામનાં નાનાં અંગો જેવાં કે પરંઓ, શેરીઓ, રસ્તાઓ અને મહોલ્લાઓને પણ નામો અપાય છે. જુદાં જુદાં સ્થળોનાં નામ પાડવાની પ્રક્રિયાનું પૃથક્કરણ કરતાં મુખ્યત્વે નૈસર્ગીક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ભાષાકીય એમ ચાર પ્રવાહો જોવા મળે. ગુજરાતનાં ગામનામોનો ભાષાકીય દષ્ટિકોણથી અભ્યાસ થયો છે. (ગુજરાતી ગામનામ સૂચિ, પરામર્શક : ડૉ. હરિવલ્લભ ભાયાણી, સંપાદક : ચંદ્રકાન્ત શેઠ). પરંતુ અન્ય રીતે તેનો અભ્યાસ થવાનો બાકી છે. તેથી ગુજરાતનાં ગામનાં નામો કઈ રીતે પડ્યાં તે વિગતો ચોક્કસ રીતે હજી મળતી નથી.

પ્રજાના ધર્મની અસર નીચે ઘણાં ધાર્મિક સ્થળોનાં તેમ જ તીર્થોનાં નામો પડે છે. આ નામો જે તે ધર્મની અસર બતાવે છે. સ્થળાંતર કરતા લોકો પ્રાચીન સ્થળોનાં નામો નવાં સ્થળોને આપે છે. નવા પરા, નવો વાસ, નવું – આ શબ્દો તેનાં ઉદાહરણો છે. ભાષા માનવસંસ્કૃતિનું આગવું લક્ષણ હોઈ નૈસર્ગિક નામો પણ કોઈ ભાષા અને સાંસ્કૃતિક સમૂહ તરફ નિર્દેશ કરીને સ્થળ નામો પાડનાર પ્રજાના શબ્દસ્મૂહો દર્શાવે છે. ભારતમાં ખૂબ પ્રચલિત ગંગા, અંગ, વંગ, કલિંગ જેવા શબ્દો મૂળ સંસ્કૃત સ્ત્રોતના ન હોવા છતાં આજે આપણી ભાષામાં ઓતપ્રોત થઈ ગયા છે. સ્થળ નામો પૈકી ભૌગોલિક પરિસ્થિતિ સૂચક નામો મુખ્યત્વે જમીનની સપાટીના ફેરફાર સૂચક નામો હોય છે. ગુજરાતની નદીઓનાં નામોમાં સાબરમતીનું જૂનું નામ શ્વભ્રમતી છે. શ્વભ્રમતીનો અર્થ થાય છે કોતરોવાળી નદી. ગિરનાર એ પર્વત પાસેનું નગર એ અર્થ આપે છે. ટેકરા પર વસેલાં ફળિયાં ટેકરા ફળિયું કે ભેખડ પર વસેલાં સ્થળો ખાંભલા, ખાંભલું, ખંભાત વગેરે નામો આપે છે. એ જ રીતે વનસ્પતિજન્ય નામોનું છે. અમદાવાદની બાજુમાં આવેલું બાવળા નામ ત્યાં બાવળ વધુ થાય છે તેના ઉપરથી પડ્યું હોવાનું કહેવાય છે. આજેય ત્યાં વિપુલ પ્રમાણમાં બાવળ જોવા મળે છે. કાદવવાળી જગ્યા માટે ‘ચીખલી’ કે પાણી ભરાઈ રહે એવી જગ્યાનું નામ ‘બોડાં’ કહેવાય. તો ખારવાળી જમીન માટે ‘ખારપાટ’ જેવાં નામો સ્થાનિક વિશિષ્ટ ભૌગોલિક હકીકતો દર્શાવે છે.

ગુજરાત વિદ્યાપીઠના ઈતિહાસ વિભાગના અધ્યાપક માલાભાઈ પરમારે જાણીતા ઈતિહાસકાર ડૉ. રસેશ જમીનદારના માર્ગદર્શન હેઠળ ગામનાં સ્થળ નામો અંગે સંશોધન કર્યું છે. તેમણે સંશોધન માટે બોરસદ, પેટલાદ અને માતર તાલુકાનાં ગામનામો લીધાં હતાં. ગામનાં નામો પડે છે કઈ રીતે તેની આ સંશોધન પરથી ઝલક મળે છે. અલાસરા ગામનામ છે. હાલાર એટલે સીધી સપાટ જમીન. હલારનું અપ્રભંશ થઈ ચલાર થયું. ‘સા’ શબ્દ નાના રહેઠાણ સૂચક શબ્દ છે. અલાસરા એટલે સપાટ જમીન પર વસેલું ગામ. આસરમા ગામમાં આશ્રય કે આશરોની વાત છે. કોઈકના આશ્રયરૂપે આ ગામ વસ્યું. કઠ એટલે ઝાડીવાળો પ્રદેશ. તેના પરથી ગામનું નામ પડ્યું કઠાણા. કણભા કદસૂચક શબ્દ છે. કણભા એટલે નાનું. આ નામનું ગામ ‘થોડા વિસ્તારમાં વસેલું’ હોય તે સહજ છે. કોઠીના વૃક્ષ નજીક વસેલું ગામ છે : કાવિઠા. ‘કાંધરોટી’ નામ કેવી રીતે પડ્યું હશે ? કાંધ એટલે ટેકરો. ઓટી એ નાના વસવાટસૂચક શબ્દ છે. કાંધરોટીનો અર્થ થાય ટેકરા પર વસેલું ગામ. જીલોડ નામ કેવી રીતે પડ્યું ? જીલ એટલે જળાશય, તળાવ. ઓડ શબ્દ વસવાટ સૂચક. જળાશય નજીક વસેલું ગામ એટલે જીલોડ. કોઈ ગામ વેકળાની નજીક વસ્યું હોય તો ‘ઝારોલા’ નામ પામે (ઝાર=વેકળો). પામોલમાં પામ એ એક જાતનું ઝાડ છે. પામ નામના વૃક્ષ નજીક વસેલું ગામ પામોલ. નિસરાયા : નિસર એટલે આશ્રયસ્થાન. કોઈકના આશ્રયરૂપે વસ્યું ગામ તે નિસરાયા. બોરસદ ગામ બદરસિદ્ધિ નામની વ્યક્તિએ વસાવ્યું. અપ્રભંશ થઈને બોરસદ થયું.

બોચાસણમાં બોચા એટલે વત્સ, વાછરડું – કહેવાય છે કે બોચાસણ ગોપાલન જાતિએ વસાવેલું ગામ છે. વિહિર એટલે વેકળો. વહેરા ગામનું નામ વિહિર ઉપરથી પડ્યું હોવાનું કહેવાય છે. ડાંગ જિલ્લાનાં ઘણાં ગામનામો પાછળ વિહિર શબ્દ આવે છે તે વેકળાના અર્થમાં હશે ? ‘શેરડી’ નામ કેવી રીતે પડે ? જે ગામ લંબાઈમાં વસેલું હોય તેનું નામ પડે શેરડી. ચાંગા નામને સુંદરતા સાથે સંબંધ હોય તે માની શકાય ? ચંગ એટલે સુંદર, ચંગનું અપભ્રંશ થઈને થયું ચાંગા. બાંટવા નામ ભૂપૃષ્ઠ સૂચક છે. બાંટવા એટલે વહેચાયેલું. છૂટક છૂટક વસતિવાળું ગામ. ભૂરા નામની વ્યક્તિએ જળાશય નજીક વસાવેલું ગામ કહેવાયું : ભૂરાકૂઈ. ઝૂંપડી નાની હોય, પણ મહેલ તો મોટો હોય. મોટા ગામનું નામ પાડવામાં આવ્યું, મહેલાવ. વટવા નામમાં વટ એટલે સરહદ. ગામની સરહદ ઉપર વસેલું ગામ છે વટાવ. સિંહોલને જંગલના રાજા સિંહ સાથે કશી લેવાદેવા નથી. ફાફડિયા થોરને સિંહ કહેવાય છે. થોરની નજીક વસેલું ગામ : સિંહોલ. પીળી જમીન ઉપર ગામ વસ્યું તેથી તેનું નામ પડ્યું : સુણાવ. ‘સંજાયા’ નામમાં સંજનું મહત્વ છે. સંજ એટલે ભેગું કરવું (યાદ કરો : સંજવારી). ચીજવસ્તુઓ ભેગી કરવાની જગ્યા પર વસેલું ગામ છે સંજાયા. બે ગામની વચ્ચે કોઈ નવું ગામ વસે ત્યારે તેને નામ અપાય આંત્રોલી. આંત્ર એટલે બે ગામની વચ્ચેનું ગામ. કંઠવાડા જગ્યા. ‘વાડા’ એ નાના વસવાટસૂચક શબ્દ છે. લાકડાં ભેગાં કરવાની જગ્યાએ વસેલું ગામ તે કઠવાડા. કલ એટલે ઘાસ ભેગું કરવાની જગ્યા. હવે ‘કલોલી’ નામ કેવી રીતે પડ્યું તે કહેવાની જરૂર ખરી ? ખરેંટી એટલે સુકાઈ અને ફાટી ગયેલી જમીન. ખેરંટી નામનું ગામ તે ઉપરથી પડ્યું હશે.

દલા નામની કોઈ વ્યક્તિએ પાડ્યું તે ગામ બન્યું : દલોલી. આમ તો ગામડાંના લોકો નગરમાં જતા હોય છે, પણ કોઈ જમાનામાં નગરના લોકો ગામડાં વસાવતા હશે. જુઓ આ માતબર જગ્યામાં ગામ વસ્યું, સમુદ્ર ગામ માતબર, પણ અપભ્રંશ થઈને ‘માતર’ બની ગયું. (ઘણા સુખડીને માતર કહે છે.) સાયલા એટલે છેડા પરનું. ગામના છેડા પર વસેલું ગામ સાયલા. પ્રારંભે કોઈનું નામ આવતું હોય તેવાં ઘણાં ગામો છે. જેમ કે ગણેશ મુવાડા, મકાજી મેઘપર, વલ્લભ વિદ્યાનગર, જામ-જોધપુર. એ જ રીતે અંતે નામ આવતું હોય તેવાં ગામો પણ છે : અણિયારી ભીમજી, ગામડી શેખલાલ, ચારણ સમઢિયાણા, જોગણ જેતપુર, ઈજપુરા બારોટ, માતરિયા વ્યાસ જેવાં ગામો પણ છે. બે નામ લાગે તેવાં ગામનામો હૌ છે. ચીરોડા રાજપરા, જેસાપુરા મેઠાપુરા, રાજપુર હીરપુર. ગામના નામની પાછળ ‘મુવાડા’ હોય તેવાં અનેક ગામો છે : અમરાજીના મુવાડા, ગણેશ ખાંટના મુવાડા, વેચાતના મુવાડા, ક્યારેક મુવાડાને બદલે બીજું કંઈ હોય. જુઓ : અખાડાના દેગમડા, કણબીરના મોયલા, ગોલાના પાલ્લા, ચુનીના પરા, ટોચના ગોરાડા, ઠાકોરાના વાઘા. મુવાડાની જેમ મુવાડી પણ છે. કરમચંદ (નું ગાજર નહિ) ખેડુ, ભીમાનું ગામ, બાંડિયાનું તળાવ, નવાનું પાદર, આંબલીનું પાણી જેવાં ગામો છે. આથમણા-ઉગમણા શબ્દોવાળાં ગામો પણ છે. કોટડા આથમણા, ગંગોણ ઉગમણી. આરંગે ઊંચા-નીચી પદાવાલો ગામો છે. આરંભે ‘છોટા’ કે ‘છોટી’ શબ્દોવાળાં ગામો પણ છે. (એ જ રીતે જૂના-નવા અને નાના-મોટા) આગળ અસલ, કાળા-કરવી, ઉજળા, ખારા, ખાટા, ખોડા જમણા વગેરે શબ્દો આવતા હોય તેવાં ગામનામો છે. દૂર અને નજીકવાળાં નામો પણ છે : અંધારવાડી દૂર, ખેડકૂવા નજીક.

જેમ ધર્મ, તેમ ધંધાસૂચક નામો પણ સાંસ્કૃતિક અસરો દર્શાવે છે. મેળા અને બજારો ભરાતાં હોય એવાં સ્થળો માંડવી, ગલેમંડી, મંગળ બજાર વગેરે નામે પ્રચલિત થાય છે. ગામનાં નામો સ્થાનિક બળાબળ પણ દર્શાવે છે. આ નામો વસવાટની પરિસ્થિતિ, ત્યાં વસતા લોકોની જાતિઓ, તેમના રિવાજો, માન્યતાઓ, ધર્મો આદિનાં પ્રતિબિંબ નામો ઝીલે છે. કેટલાંક કારણોથી ગામનાં નામો પણ બદલાય છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાઅં અઘાર ગામ આવેલું છે. થોડા સમયથી ગામલોકોએ અઘાર નામ બદલીને અંબિકાપુર કરી લખ્યું છે. એક રમૂજ આવી છે : સૌરાષ્ટ્રમાં પહેલાં બે ગામ હતાં નાગડી અને પૂતડી. કોઈ અન્ય ગામમાં આ બે ગામોની જાનો ગઈ. બંનેનો ઉતારો એક જ સ્થળે (ધર્મશાળા કે ગામના કોઈ મોટા ઘરમાં) હતો. થોડી વાર પછી કહેણ આવ્યું. જે કહેવા આવ્યો તેણે જોરથી કહ્યું : ‘નાગડીના હોય તે આ બાજુ આવે અને પૂતડીના અહીં બેસી રહે.’ નાગડી ગામ અને પૂતડી ગામ બંનેના લોકોને ચચરી ગયું. એમણે પહેલું કામ ગામનું નામ બદલવાનું કર્યું. પૂતડીવાળાએ શ્રીરામપુરા નામ રાખ્યું અને નાગડીવાળાએ રાખ્યું નાગલપુર. હમણાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મજાદર ગામનું નામ બદલાયું. જાણીતા કથાકાર મોરારિબાપુએ ગામનામ બદલવાના સમારંભમાં હાજરી આપી હતી. મજાદારનું નવું નામ દુલા કાગની સ્મૃતિમાં કાગધામ કરાયું છે.

કહેવતો-રૂઢિપ્રયોગો, ઉદાહરણો વગેરેમાં ગામોના સંદર્ભો જોવા મળે છે. અમુક ગામો નકારાત્મક રીતે યાદ રખાય છે. સુરેન્દ્રનગરનું સાયલા ગામ પણ એ રીતે જાણીતું છે. એવું કહેવાય છે કે જો ‘સાયલા’નું નામ તમે સવારમાં લો તો તમને આખો દિવસ ખાવાનું ન મળે. કચ્છી ભાષામાં એક કહેવત છે : આસરાણી જા અવરા જખ. કચ્છમાં જામ પુંઅરાને મારનાર જખદાદાનાં ઘણાં સ્થાનક છે. કક્કડ ભિટ એમનું મોટું ધામ છે. દરેક સ્થળે જખદાદાનાં મોં પૂર્વ તરફ રાખેલાં છે, પણ આસરાણી ગામના જખનાં મોઢાં પૂર્વને બદલે પશ્ચિમ તરફ રાખવામાં આવ્યાં છે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એવી પણ કહેવત છે. ‘ગામને મોઢે ગળણું ના બંધાય’ એ વાત તો સાચી જ છે ને ! ગામને લગતી થોડીક કચ્છી કહેવતો : ગામ કે ગિનધે ચોર છૂટે ક ન છુટે ? (ગામને લેતાં ચોર છુટે કે ન છુટે ?), ગામ જી ગૂધીને સીમ જી રેયાણ (ગામની ગૂંદીને સીમની રાયણ : સૌ ખંખેરે), ગામ જી લંઘી (આખા ગામની ચર્ચા કરનાર), ગામ જો ગધેડો ન પીએ સે વાટમારગુ પીએ (ગામનો ગધેડો ન પીએ તે વટેમાર્ગુ પીએ); ગામ ન વિગ્નણું, તે જો પંધ નં પૂછણું (જે ગામ ન જવું હોય તેનો અર્થ ન પૂછવો.)

ગામ ગાંડુ કે ઘેલું કરવું એટલે ગુણથી ગામને વશ કરવું. ગામનો ઉતાર એટલે ગામનો સૌથી ખરાબ માણસ. ગામ ભાંગવું એટલે ગામમાં ધાડ પાડવી, લૂંટવું. ગામેગામનાં પાણી પીવાં એટલે ખૂબ મુસાફરી કરી અનુભવી થવું. ગામમાં ઘર નહિ ને સીમમાં ખેતર નહિ – કંઈ પણ સ્થાવર મિલકત વિનાનું હોવું. ગામ વચ્ચે રહેવું એટલે સૌની સાથે આબરૂભેર રહેવું. ‘ગામ તેવાં ગોત્રજ ને દેવ તેવી પૂજા’ તેવી પણ એક કહેવત છે. ગામડાંને લગતું તેના માટે ઘણા ગ્રામ્ય શબ્દ વાપરે છે તે બરાબર નથી. ગામનું વિશેષણ ગ્રામ અથવા ગ્રામીણ થાય. ગ્રામ્ય એટલે તો પછાત, અણઘડ.

ભારતમાં ‘ગામડું’ એક વિશિષ્ટ એકમ છે તે ગામનામો અને તેના વિશેની વાતો પણ વિશિષ્ટ છે.