ઘડપણ – માનવ પ્રતિષ્ઠાન

[લેખન-સંપાદન : મૃગેશ શાહ]

[ ગત વર્ષે આપણે ‘કેળવણી’ વિષય અંતર્ગત સચિત્ર સાહિત્યને ‘કેમેરાની આંખે’ માણ્યું હતું. આજે એ પ્રકારે ‘ઘડપણ’ વિષય પર આધારિત ઉત્તમ તસ્વીરો દ્વારા સાહિત્યરસનું આસ્વાદન કરીએ. ‘માનવ પ્રતિષ્ઠાન’ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ આ પુસ્તકમાંની કેટલીક  તસ્વીરો વડે આ અશાબ્દિક કૃતિઓનું આચમન શરૂ કરીએ તે પહેલાં આપણે આ સંસ્થાનો તેમજ તેમની પ્રવૃતિઓનો ફરી એકવાર થોડો પરિચય મેળવી લઈએ.

title

‘માનવ પ્રતિષ્ઠાન’ એટલે શ્રીમતિ વિ.એમ.મોદી ઍજ્યુકેશનલ એન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાજ્યસ્તરે ફોટોગ્રાફી સ્પર્ધા આયોજિત કરતી ગુજરાતની પ્રથમ સંસ્થા. શ્રીમતિ વિ.એમ. મોદીની સ્મૃતિમાં સ્થાપવામાં આવેલ આ સંસ્થાનો હેતુ ફોટોગ્રાફીના વિકાસ અને વિસ્તારનો છે. અમદાવાદમાં આવેલી આ સંસ્થાનો પાયાનો ઉદ્દેશ ફોટોગ્રાફીના માધ્યમ દ્વારા બહોળા લોકસમુદાય સુધી પહોંચવાનો તેમજ ફોટોગ્રાફીનું શિક્ષણ લોકોને આપવાનો છે. આ માટે તેઓ ફોટોગ્રાફીને લગતા વાર્તાલાપો, સ્લાઈડ શો, સ્પર્ધાઓ તથા પ્રદર્શનો યોજતા રહે છે. પ્રતિવર્ષ જુદા જુદા વિષયોને લઈને આ સંસ્થા દ્વારા ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં ગુજરાતમાં વસતો કોઈ પણ નાગરિક વિનામૂલ્યે ભાગ લઈ શકે છે. 2007-08ના વર્ષમાં આ સંસ્થા દ્વારા ‘ઘડપણ’ વિષયને પસંદ કરવામાં આવ્યો હતો; જેમાં પ્રાપ્ત થયેલી તસ્વીરો ત્યારબાદ ‘ઘડપણ’ શીર્ષક હેઠળ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવી હતી. તસ્વીરો પરથી જે કંઈ સહજ અનુભવાયું તેને મારી સમજ પ્રમાણે મેં શબ્દરૂપે સજાવવાની કોશિશ કરી છે. તો ચાલો શરૂ કરીએ…. – તંત્રી, રીડગુજરાતી. ]

[1] તસ્વીરકાર : હરેશ પટેલ, મોડાસા (‘દ્રષ્ટિ’ એવોર્ડ વિજેતા ફોટોગ્રાફ)

gsc1

ઘડપણ એટલે ઘડપણ ! તેમાંય નિરાધાર અને લાચાર સ્થિતિ વધારે દુ:ખદાયી હોય છે. માનવીની લઘુત્તમ જરૂરિયાતો – રોટી, કપડાં અને મકાન જ્યારે ન સંતોષાય ત્યારે જીવન એક બોજ જેવું બની જતું લાગે છે. બિભૂતિભૂષણ બંધોપાધ્યાયની ‘આરણ્યક’નામની કૃતિમાં જંગલમાં વસતો આદિવાસી માણસ એક કથરોટનું વાસણ લેવા માટે એટલો તત્પર થઈ ઉઠે છે કે જાણે કોઈ મોટું જહાજ ખરીદવાનું ન હોય ! કથરોટ હોય તો એમાં બે ટાઈમ ખવાય. એમાં પાણી ભરાય. એમાં લોટ મુકાય…. એક સામાન્ય વાસણની ખરીદીથી તે એટલો ખુશ થઈ ઉઠે છે કે જાણે તેને આ દુનિયાનો સમસ્ત વૈભવ પ્રાપ્ત થઈ ગયો. ઉપરોક્ત તસ્વીર પણ કંઈક એવું જ દર્શન કરાવે છે. ભલે પહેરવાના કપડાં નથી, પરંતુ જમવાના બે પાત્રો તો છે ! દાળ ભરાય એટલું ડોલચું અને એકાદ લોટો પાણી બસ છે જીવવા માટે ! ગરીબીની ચરમસીમા વચ્ચે વૃદ્ધાના હાથમાં સુહાગના પ્રતિકરૂપ ચાર બંગડીઓ શોભી રહી છે. ચૂલાની રાખ ઠારીને જે કંઈ બન્યું તે પતિપત્ની આરામથી આરોગી રહ્યા છે. ધ્રુજતા હાથે લોટો ઉપાડવા જતાં કદાચ થોડું પાણી ઢોળાઈ ગયું છે. લીંપણ કરેલો ઓટલો જ અહીં રસોડું બની રહ્યો છે.

[2] તસ્વીરકાર : પરેન અધ્યારૂ, અમદાવાદ

gsc2

વિસર્જનમાં નવસર્જન ! દાદાજી જાણે હમણાં જ તાળું ખોલીને રૂમમાં પ્રવેશ્યા છે. ડેસ્ક પર તાળું મૂકેલું છે. આવેલી બે-ત્રણ ટપાલો હાથમાં લઈને ઝીણી આંખે, ચશ્મા વગર સરળતાથી વાંચી રહ્યા છે. શું ખબર ? કદાચ શહેરમાં રહેતા કોઈ પુત્રનો પત્ર પણ હોય ! રામનામ જપવાની ગૌમુખી બાજુમાં પડેલી છે. ભેજ લાગેલી જીર્ણ દિવાલો પણ વૃદ્ધાવસ્થાની ચાળી ખાઈ રહી છે. ચામડી પર પડતી કરચલીઓની જેમ જાણે દિવાલને કરચલીઓ પડી ગઈ છે ! ભીંત અને ભોંયના કલર એક સરખા બની ગયા છે. પાટિયું ઠોકીને ગોઠવેલા બે-ચાર પહેરવા કપડાં, પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો થોડો સામાન, જૂના વાસણો, ખૂણામાં પડેલા પાંચ-દશ પુસ્તકો, એક નાનકડું ટેબલ અને ડોલમાં ભરેલું પીવાનું પાણી… બસ, જે ગણો તે આમાં જ જીવન ગુજરી ગયું.

[3] તસ્વીરકાર : અશ્વિન રાજપૂત, વડોદરા

gsc3

ઘડપણના અનેક રૂપ-રંગ હોય છે. કેટલાક લોકો માટે તે નિવૃત્તિકાળ કહેવાય છે. એમાં લોકો તીર્થયાત્રાઓએ જવાનું, હિલ્સ્ટેશન પર રહેવાનું કે છ મહિના દેશમાં અને છ મહિના વિદેશમાં પોતાના સંતાનો સાથે રહેવાનું પસંદ કરે છે. પરંતુ જેને પેટનો સવાલ હોય એને એવા વૈભવ ક્યાંથી હોય ? બાળપણ હોય કે ઘડપણ – જીવન તો બસ આ લારી પર જ વીતવાનું. નવાઈની વાત એ છે કે બાળકોને બાળપણમાં ઉપયોગી થાય એવી તમામ વસ્તુઓ દાદાજી આ ઘરડે-ઘડપણ લારીમાં લઈને બેઠા છે ! રંગબેરંગી ચોક-પેણ વજન પર જોખી આપવા માટે સામાનની સાથે ત્રાજવાની ગોઠવણ પણ રાખવામાં આવી છે. હમણાં પાસે આવેલી સ્કૂલ છૂટશે અને નાના નાના બાળકો કિલ્લોલ કરતાં દોડી આવશે કે…. ‘દાદાજી…દાદાજી… પેલી મેજિક વાલી પેન્સિલ આપો ને….’ અને આ વડીલનું બોખું મોં ખખડખડાટ હસી પડશે !

[4] તસ્વીરકાર : જયેશ પટેલ, માલપુર-સાબરકાંઠા

gsc4

વૃદ્ધાવસ્થા ક્યારેક વજનદાર પણ હોય છે. એ વજન ભૌતિક, આર્થિક કે સામાજિક પણ હોઈ શકે. શ્રમને કારણે શરીર નબળું પડવા માંડે અને માણસ હાંફી જાય ત્યારે આ સંસારના તમામ ભૌતિક સુખો જાણે ભસ્મીભૂત થઈ ગયા હોય એમ લાગે. વરસાદની અછતમાં ખેતીનો પાક નિષ્ફળ ગયો હોય ત્યારે દીકરીનું આણું કરવાની જવાબદારી માથે લઈને ફરતો બીચારો ગરીબ બાપ કરે તો પણ શું કરે ? બે ટંક ખાવાનું પૂરું કરવા માટે મજૂરી કર્યા વગર છૂટકો જ નથી. થાક લાગે અને બેસી પડાય ત્યારે મન વિચારે ચઢી જાય છે પણ વિચારો કર્યે શું વળે ? સંસારના બોજ જ એવા પાંચ મણિયા છે કે ક્યારેક વગર વૃદ્ધાવસ્થાએ પણ કમ્મર તોડી નાખે છે. કોઈક ચિંતામાં વ્યસ્ત, ઉદાસ આંખે થોડો પોરો ખાઈ રહેલા આ આદરણીય શ્રમજીવીને તસ્વીરકારે આબાદ ક્લિક કર્યા છે. અને હા, ‘આદરણીય’ સંબોધન એકદમ બરાબર છે કારણકે વિનોબાજીએ કહ્યું છે કે શરીર તોડીને મહેનતનો રોટલો ખાનાર સૌથી પહેલો આદરણીય પુરુષ છે. તે વેદકાળના ઋષિ જેટલો જ મહાન છે.

[5] તસ્વીરકાર : સમીર ભટ્ટ, ભૂજ-કચ્છ

gsc5

વૃદ્ધાવસ્થામાં બધું ધીમે ધીમે જર્જરિત થાય છે. જેમ પહેલાં ભીંતોમાં તીરાડ પડે છે, કાંગરા ખરે છે, છતમાં પોલાણ સર્જાય છે, બારણાને ફાટો પડે છે એમ ઘડપણમાં આંખોનું તેજ ઓછું થાય છે, દાંત વિદાય લે છે, પગે સોજા ચડે છે. અને પછી નરસિંહ મહેતા કહે છે તેમ ઉંબરા ડુંગરા થાય છે. અંતે શરીર ખંડેર જેવું બની જાય છે તેમ આ તસ્વીર સંદેશો આપી રહી છે. ‘જૂનું તો થયું દેવળ…’ એ પંક્તિ અહીં યાદ આવ્યા વિના ન રહે. ક્યારેક બધું એક સામટું ધસી પડે છે અને માણસ સાવ નિરાધાર બની જાય છે.

[6] તસ્વીરકાર : રાજેશ પટેલ, કાલોલ-પંચમહાલ

gsc6

કહેવાય છે ને કે બાળપણ અને ઘડપણ વચ્ચે બહુ ઓછું અંતર હોય છે. જુવાની તો જવાની ! ઘોડિયાનું લાકડું ક્યારે વૃદ્ધાવસ્થાની લાકડી બની જાય છે તેનો ખ્યાલ નથી રહેતો ! એક પાતળી દોરી એટલે કે જુવાનીના માત્ર ચંદ વર્ષો જેટલું બંને વચ્ચે છેટું હોય છે. બીજી દષ્ટિએ જોઈએ તો આ તસ્વીર એવું સૂચન કરે છે કે બાળપણ અને ઘડપણ બંને અકર્મ અવસ્થા છે. એમાં કશું નવું થઈ શકતું નથી. મોટો સમય શરીરની સંભાળ લેવામાં અને ઊંઘવામાં જ જાય છે. તો પછી, આ સંસારમાં કરવા જેવા કામ યુવાનીમાં શા માટે જલ્દીથી ન કરી લેવા ? ત્રીજી રીતે જોઈએ તો ઘડપણ અને બાળપણને સીધું કનેકશન છે. બંને અવસ્થામાં માણસની ચિત્તવૃત્તિ જાણે એકસરખી બની જાય છે. બંનેને પરસ્પર એકબીજાનો આધાર હોય છે. બંનેને જોડતી દોરી તેનું પ્રતિક બની રહી હોય તેમ લાગે છે.

[7] તસ્વીરકાર : સંયુક્તા, અમદાવાદ

gsc7

માનવીનું જીવન ગજબ છે. પાંચ રોટલીથી પેટ ભરવાની દોડમાં નરમ મુલાયમ હાથ ક્યારે રુક્ષ બની જાય છે તેની ખબર નથી રહેતી. પેટ માટેની વેઠ આખી જિંદગી ચાલ્યા જ કરે છે. જીવનની આ દોડમાં કશુંક સુખપ્રદ હોય તો એ છે કે બાળપણને વૃદ્ધાવસ્થાના ખોળાની હૂંફ અને વૃદ્ધાવસ્થાને બાળકના મૃદુ, કોમળ હાથોનો સ્પર્શ. એકને ભવિષ્ય માટેની તૈયારી કરવાની છે જ્યારે બીજાએ ભૂતકાળના સંસ્મરણો વાગોળવાના છે. નદી-નાવ સંજોગની જેમ બંનેનું કેવું સુભગ મિલન સર્જાયું છે ! બાળકના મુક્ત હાસ્ય અને પ્રસન્નચિત્તને કદાચ કોઈની નજર લાગી શકે છે પણ જેને જીવનભર કરેલા શ્રમથી કાળા દોરા જેવી નસો શરીર પર ઉપસી આવી હોય એને કોની નજર લાગે ?

[8] તસ્વીરકાર : હરિવદન મિસ્ત્રી, અમદાવાદ

gsc8

ઘટાકાશ અને મહાકાશ – એટલે કે ઘટમાં (ઘડામાં) રહેલું આકાશ અને વિશાળ મહા-આકાશ. ઘડો ફૂટી જાય છે ત્યારે તેની અંદર રહેલું ઘટાકાશ મહાઆકાશમાં વિલીન થઈ જાય છે એ જ રીતે મૃત્યુ દ્વારા માનવીની ચેતના એ પરમચેતના સાથે ભળીને એકરૂપ બની જાય છે. ઘડો એ માનવીના ખોળિયાનું પ્રતિક છે. સર્જન તેનું વિસર્જન એવી રીતે જન્મ તેનું મૃત્યુ. પરંતુ તેમ છતાં વૃદ્ધાવસ્થામાં સહજ કર્મને રોકી દેવાની વાત નથી. ઘડપણ એ તો અનુભવોનો સરવાળો છે. તેનો લાભ બીજાને આપીને કોઈકના જીવનરૂપી ઘડા પર સરસ મજાની ભાત ચીતરી શકાય છે. મિત્ર સાથે ગોષ્ઠી કરતાં રહીને જીવનની સંધ્યાનો સર્જનાત્મક ઉપયોગ કરી શકાય છે.

[9] તસ્વીરકાર : નિમેશ, વડનગરા-અમદાવાદ

gsc9

વડ જેવું જેનું વિશાળ દિલ હોય એનું નામ ‘વડીલ’. વૃદ્ધ એટલે પ્રબુદ્ધ. જીવનના અનુભવોમાંથી પસાર થયેલ. જીવનનો તડકો-છાંયો અનુભવેલ વ્યક્તિ એ જ સાચો વૃદ્ધ. વૃદ્ધ એટકે એક અર્થમાં વિકસીત એમ પણ કહેવાયું છે. જીવનનો સાર જેણે પકડ્યો એ પરમ સુખી. વળી, જીવનનો સાર શું ? આનંદ અને પ્રસન્નતા સ્તો ! અહીં જાણે બાળપણની બે સખીઓ એકબીજાને મળવા તત્પર બની હોય એવો આનંદ એક બીજાના ઉરે ઉમટી રહ્યો છે. માતાજી તો બારણાને ઉંબરે આવીને ક્યારના રાહ જોઈને બેઠા હશે. જેવી તેમની સહેલી આવી કે હરખના માર્યાં ખડખડાટ હસી પડ્યા ! એમને જોઈને બાજુ પર ઉભેલા ભાભાના મોં પર પણ સ્મિત ફરકી ગયું. કેવા મોજમાં રહેતા હળવાશ ભર્યા ઉત્સાહથી એકબીજાને આવકારતા માણસો ! આજના ગણતરીભર્યા જીવન વચ્ચે કાશ કોઈ અચાનક આમ આવી ચડે અને આપણે બધું છોડીને ઉત્સાહથી એને મળવા દોડી જઈએ તો એ કૃષ્ણ-સુદામાના મિલનથી કમ નહિ કહેવાય.

[10] તસ્વીરકાર : યોગેશ બારિયા, વડોદરા

gsc10

‘અલી તેં સાંભળ્યું ? પાછળ રહેતી મીનાડી પેલા સંજય જોડે ભાગી ગઈ… પાછી કોઈને કે’તી નહીં કે મેં કીધું હતું !!’ ઘડપણ એટલે થોડી ગુસપુસ. ઘડપણમાં માણસનું મન બાળક જેવું બની જાય. વાતે-વાતે રોઈ પડે, ઘરનાથી જ જાણે કશું છુપાવે ! વાત સાવ નાની હોય, પણ ઘણી વાર વતેસર થઈ જાય. હવે જો કે પરિસ્થિતિ એવી નથી. લોકોની સમજ અને સામાજિક સ્તર સુધર્યા છે પરંતુ પહેલાં તો ઓટલે બેસીને ડોશીમા પાલવને છેડેથી છાનામાના બે રૂપિયા કાઢે અને શેરીમાં રમતા છગનિયાને ઈશારો કરીને બોલાવે. ત્યારબાદ ઝીણી આંખે ધીમે રહીને એના કાનમાં કહે કે : ‘મારી હારુ 50 ગ્રામ ચવાણું લઈ આય ને જા તો !’ ઘરની વહુઓ બધુ જ જોતી અને જાણતી હોય પણ અંદર અંદર હસ્યા કરે. ગમે તે હોય, વૃદ્ધો પાસે વાતોનો ખજાનો હોય. એમાંની કેટલીય વાતો એવી હોય જે કોઈને ખબર ન હોય !

[11] તસ્વીરકાર : સમીર ભટ્ટ, ભૂજ-કચ્છ

gsc11

મનુષ્યનો પશુ-પક્ષી અને પ્રકૃતિ સાથે અતૂટ નાતો છે. ભલે એ કોઈ પણ સ્વરૂપે હોય. તેમાંય શ્વાન જેવા પ્રાણીઓનું પૂછવું શું. આપણે ત્યાં ‘શ્વાનવૃત્તિ’થી જીવવું એમ કહેવાયું છે – એટલે કે ઓછું ખાવું, જેનું ખાતા હોઈએ તેને વફાદાર રહેવું અને તમસમાં (અંધકારમાં) જાગૃતિ રાખવી. કૂતરાં ને એક રોટલો નાખો એ તેનો ગુણ કદી ભૂલતું નથી. મનુષ્યનો તે વફાદાર સાથી છે. ઉંમરને કારણે પોતાના માલિકની આંખોનું તેજ ભલે ઓછું થાય, પણ તે સલામ ભરવાનું કદી ચૂકતો નથી. ઈતિહાસના ચોપડે આ મુક પશુની વફાદારીના અનેક કિસ્સાઓ નોંધાયા છે. જેનું કોઈ સગું ન હોય, કોઈ પૌત્ર-પૌત્રી ન હોય, કોઈનો આધાર ન રહ્યો હોય, પતિ દેવલોક પામ્યો હોય… તેવી અસહાય, નિરાધાર વૃદ્ધાનું બેલી કોણ ? પ્રેમ અને હૂંફ એ મનુષ્યના ખોળિયાનો ઈજારો નથી. ઈશ્વર કોઈપણ સ્વરૂપે પ્રગટે છે અને માનવીય સંવેદનાની જ્યોતને પ્રજ્વલિત રાખે છે.

[12] તસ્વીરકાર : સુરેશ માંછી, વડોદરા

gsc12

કેવા એ દિવસો હતા ! જ્યારે સૌ બાળમિત્રો હાથમાં હાથ પરોવીને આંબેથી પાડેલી બદામને ચાવતા ચાવતા સ્કૂલે ભણવા જતાં હતાં ! કેટલી મજાની વાતો હતી… કેવી કેવી મસ્તી કરતા હતા… તે હિ નો દિવસા ગતા:… ક્યાં ચાલ્યા ગયા એ દિવસો ? સાથે ભણનારા મિત્રો તો હવે દેવલોક પામી ગયા. વૃદ્ધાવસ્થાથી શરીર કથળ્યું. બાળપણમાં મમ્મી સ્વેટર પહેરવાનું કહેતી તો બહાર ઓસરીમાં પડેલું દફતર લઈને છૂપી છૂપી ભાગી જતાં અને આજે સ્વેટર પર શાલ વીંટીને પણ માંડ માંડ નીકળી શકાય છે. જુવાનીમાં સાઈકલ પર બેસીને પ્રિયાની રાહ જોવાના દિવસો પણ હવે ચાલ્યા ગયા છે. એના સ્વર્ગવાસ પછી હવે કોની યાદમાં જીવવું ? પણ ખેર, જીવન હૈ ચલને કા નામ…. ચલતે રહો સુબહ હો શામ…

[13] તસ્વીરકાર : કેતન મોદી, અમદાવાદ

gsc13

‘સ્વરસેતુ’ આયોજિત ‘કેમેરાને આંખ અને કલમને પાંખ’ નામના એક નવતર પ્રયોગ ટાણે તસ્વીરકાર કેતન મોદીની તસ્વીર પરથી ડૉ. રઈશ મણીયારે લખેલી નીચેની કવિતા પ્રસ્તુત ફોટોગ્રાફ વિશે ઘણું બધું કહી જાય છે. ડૉ.સાહેબના શબ્દોમાં જ તેને માણી લઈએ…

વૃધ્ધા મોઢું ફેરવી તાકે દૂર દૂરનો પ્રદેશ
પીઠની પાછળ અંદર તો અંધારું કેવળ શેષ…

ઉખડેલા રંગોમાં વાંચી લઈએ વિતેલા વર્ષોનો ઈતિહાસ
સાત ને દશ થઈ, વહુ સુતી છે, ચા ને બદલે પી લઈએ અજવાસ

તડકાની ચુસકીમાં ઓગળે મનમાં બાઝી મેશ
વૃધ્ધા મોઢું ફેરવી તાકે દૂર દૂરનો પ્રદેશ… અંદર તો અંધારું કેવળ શેષ….

જર્જર જર્જર દરવાજાનું સિંહાસન, રોજ ઘટે છે થોડી થોડી આણ
કૃષ્ણ સમી પગની પાનીમાં સમયનું ખુપ્યું, નહિં દેખાતું બાણ
શરણાગતિનો ધ્વજ ફરકાવે શ્વેત, આ માથે કેશ
વૃધ્ધા મોઢું ફેરવી તાકે દૂર દૂરનો પ્રદેશ… અંદર તો અંધારું કેવળ શેષ….

રંગ તો કેવળ વૃધ્ધાની સાડીમાં બચ્યા શેષ… છે, વૃધ્ધ તો નિતર્યો સફેદ
વૃધ્ધામાંથી સરી ગયેલી મુગ્ધા ખોઈ એનો ભૂલવા ખેદ,
વૃધ્ધ આંખથી ગટગટ પીતો આખું સિને સંદેશ
વૃધ્ધા મોઢું ફેરવી તાકે દૂર દૂરનો પ્રદેશ… અંદર તો અંધારું કેવળ શેષ….

[ સ્પર્ધામાં ભાગ લેવા તેમજ વધુ માહિતી માટે આ સરનામે સંપર્ક કરવો : ‘માનવ પ્રતિષ્ઠાન’, ‘આશુતોષ’ એ-2, જયમીન અપાર્ટમેન્ટ્સ, કીર્તિમંદિર સોસાયટીની સામે, ચંદ્રનગર બસ સ્ટોપ પાસે, પાલડી, અમદાવાદ-380007. ફોન : +91 9825347813.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભુલાઈ ગયેલો ટહુકો – વસુધા ઈનામદાર
ભ્રમણા – ‘આસિમ’ રાંદેરી Next »   

28 પ્રતિભાવો : ઘડપણ – માનવ પ્રતિષ્ઠાન

 1. Hiral Thaker "Vasantiful" says:

  આને સારુ કહેવા શબ્દો નથી મળતા ખરેખર.

  “કૃષ્ણ સમી પગની પાનીમાં સમયનું ખુપ્યું, નહિં દેખાતું બાણ”

 2. Balkrishna Shah,Vile Parle says:

  ખાલી શબ્દોથી ઘડપણને બીરદાવ્યું હોતતો જે અસર તસ્વીરના સંગે પડે છે તે કદાચ ન પડત
  આતો તસ્વીરમાં બોલતા શબ્દો છે.અને લખાણ તસ્વીરને અનુરુપ છે એટલે એક બીજાના સથવારે
  ઘડપણની ગરિમા ખીલી ઉઠે છે. મ્રુગેશભાઈને અભિનંદન.

 3. આંખમાંનો ભેજ ન વધે અને ડૂમો જેવો ન ભરાય તો જ નવાઈ !!!

  અદભૂત !!

 4. Devina says:

  SPEECHLESS.

 5. I can’t explain….in words….but….tought my heart….

 6. shruti maru says:

  આ લેખ વખાણ કરવા માટે મારી પાસે શબ્દ નથી.
  ઘડપણ એ માનવજીવન ની વાસ્તવિકતા છે.
  એકદમ લાગણી સભર લેખ છે.
  આભાર.

 7. sudhakar hathi says:

  old age નેસતસવિર ની રેખા મા ખુબ સુન્દર રીતે કન્ડાર સૌ તસ્વીરકાર ને આભીનદન

 8. Navin N Modi says:

  ઘડપણની વિવિધતા દર્શાવતી તસ્વીરો સાથે અનુરુપ સુંદર લખાણ જોઈ આનંદ થયો.એમાંય છેલ્લા ચિત્ર નીચેની કવિતા વાંચી ભાવ વિભોર થઈ જવાયું. એ સાથે, આપણે ઉછેરી મોટા કરેલ સંતાનોને જ્યારે આપણું ઘડપણ સાચવતા, મહમાનને સાચવીએ એ રીતે, આપણું ધ્યાન રાખતા જોઈ અનુભવાતી લાગણી વિશેનું એક મુક્તક યાદ આવ્યું.

  એ વાતથી હેરાન (આશ્ચર્યચકિત) છું,
  કે મારા જ ઘરમાં હું હવે મેમાન છું.

 9. Naresh Kumar Chandwar. says:

  There is a jain bhajan -Charkha Chalta Nahin Re, Charkha Hua Purana. These pictures tell the same story.One day we all will loose this youth and meet the same fate.We shold not forget this fact for amoment even.

 10. dipak says:

  I have no word to express my feelings about this article & photographs.Excellent work by all.Thanx & congrats to all.

 11. Hetal says:

  Amazing ……………….. but think for minute what we are doing to them and one day we will be one of them………..this all picture made me cry not because of they are old but because of we are adding more sorrow to their pain by hurting them emotionally.

 12. govind shah says:

  DEAR MRUGESHBHAI,

  tHANKS LOT ON YR COMMENTRY/ NARRATION ON EACH PICTURE. YR. NARRATION IS VERY APPR0PRIATE , THOUGHT PROVOING,& TELLING TOO MUCH IN VERY SHORT. pICTURES ARE ALSO VERY HEART APPEALING.– GOVIND SHAH V. V.NAGAR

 13. charulata desai says:

  અવર્ણનીય!!!!! ખૂબજ ભાવ વિભોર થઈ જવાયું.

 14. jasama says:

  ghadhpanni jivatijagati tasviro joyne, aapane pan aa avtham aavvana chie.mate atyare kai saru kam kariye, badhane madad t hay evu kravu,jethi jivan sarthk thay. thank u 4 giving these jivata pictures sathe lkhan. jasama gandhi.

 15. Rajni Gohil says:

  It is said that picture is worth Thousand Words……………………………. and pictures with words? …………….Sky is the limit.

  મૃગેશભઇએ શબ્દોની સહાયથી તસ્વીરોમાં પણ પ્રાણ પૂરી દીધા છે. અમારા મનમાં જે ભાવ ઉત્પન્ન થયા છે તે દર્શાવવા શબ્દો ખૂટે છે.

  એક તસ્વીરકાર તો માલપુર (સાબરકાંઠા)નાં છે, જ્યાં હું આઠ વર્ષ ભણ્યો. આનંદની અવધિ ન રહી.

  તસ્વીરકારોને અભિનંદન. અને મૃગેશભઇને તો જેટલા અભિનંદન અપીએ એટલા ઓછા છે.

 16. તસ્વિર બનાતા હું બનતી નહિ ……મુઝસે તો મેરી તક્દીર સંવરતી નહિ…
  વાહ મૃગેશભાઇ,
  તમે તો તસ્વિરાને બોલતી કરી દીધી….મને પણ હવે મારૂં ઘડપણ નજરે આવવા માંડ્યુ….
  વાહની સાથે કેટલીક તસવિર નિહાળી આહ પણ નીકળી ગઈ…

 17. Vinod Patel says:

  Mrugeshbhai, you brought me to my senses. Thank you.

  Vinod Patel, USA

 18. Veena Dave,USA. says:

  Mrugeshbhai,
  very good article and pictures. Thanks.
  Truth is everybody has to face the old age.

 19. Vikram Bhatt says:

  સરસ તસ્વીરો સાથે સરસ caption.

  માહિતી પુરતુ જ કે ૧૩મી તસ્વીરના લખાણમાં “સ્વરસેતુ” આયોજીત જણાવેલ છે તે “શબ્દસેતુ” આયોજીત કાર્યક્રમ હતો. હા, પ્રાયોજકો બંનેના એક જ છે.

 20. Amit Patel says:

  ચિત્રો દ્વારા સુંદર (કરુણ) નિરુપણ છે.

  ભારતમા વૃધ્ધો માટે નિવૃત્તિ વેતન, વિમા સુવિધા, આરોગ્ય સુવિધા પહોંચતા ઘણી વાર લાગશે. અત્યારે ભારતમા વસતા લોકોની સરેરાશ ઉંમર ઓછી છે. જ્યારે તે વધશે ત્યારે ઘણી સમસ્યાઓ પણ લાવશે.

  આઇ. ટી. તથા અન્ય ક્ષેત્રોમા તેની કેવી અસરો થશે તે અભ્યાસનો વિષય છે.

 21. nayan panchal says:

  જેટલી સુંદર તસવીરો તેટલું જ સુંદર વર્ણન.

  હું હોંન્ગકોન્ગમાં હતો ત્યારે એક વૃધ્ધને રસ્તાની બાજૂ પર બેસીને બિલોરી કાચથી પુસ્તક વાંચતા જોયા હતા. તેમની પુસ્તકો વાંચવાની જિજીવિષા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

  વૃધ્ધો માટે વપરાતો બૂઢ્ઢા શબ્દ બુધ્ધ પરથી આવ્યો છે. આપણે પણ જલ્દી બૂઢ્ઢા થઈએ એવી ઈચ્છા.

  નયન

 22. SAKHI says:

  true story spechless. heart touching artical

  Thanks
  Murgeshbhai

 23. ભાવના શુક્લ says:

  પથેર પાંચાલીના “ઇન્દીર ઠાકુરણ” યાદ આવી ગયા… એક ઘડપણ એક યુગના આથમવાની એટલી રળીયામણી સંધ્યા છે જે જીવનના અનેક રંગોથી ખીલેલી ખીલેલી.. જો નિખાલસતા સાચા અર્થમા માણવી હોય તો એક વૃધ્ધની પાસ જઈ બેસવુ.

 24. Rasendu C. Vora says:

  This Photo-feature is most heart rendering. If BALPAN and YUVANI are to be cherished, the VRUDHHATVA is to be relished. It is said that the OLD AGE is the Balance Sheet of the Childhood and Youth and it is mirror of our whole life. Of course, one may like it or not, accept or reject, but this mirror is without mirror-images as it reflects our life as we spent it, and somebody hiding within us knows it to be true.

  Does the number of images presented here, 13, reflect anything ?
  The Last Supper !

  My sincere Thanks and congratulations for such a high taste presentation.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.