સલાટોનું સ્મૃતિમંદિર – કાન્તિ મેપાણી

અમારા ગામના પાદરમાં પાંસઠ વર્ષ જૂનું મહાદેવનું એક મંદિર ઊભું છે. એ મંદિરના સર્જનની વાત જાણવા જેવી છે. જૈન દેરાસરનું કામ કરવા આવેલા વિસનગરના સલાટોએ જોયું કે ગામમાં મહાદેવનું મંદિર એકેય નથી અને એમણે મનોમન નક્કી કર્યું કે ગામ પાસેથી પાઈપૈસો લીધા વગર ગામને એક મંદિર બનાવી આપવું અને એ કામે લાગી ગયા.

આખુંય મંદિર ભોંયતળિયાથી માંડી શિખર સુધી પથ્થરનું બનાવ્યું છે. મંદિરની અંદર તો બધેય આરસ વાપર્યો છે. શિવલિંગ, પાર્વતીજી, ગણપતિ, પોઠિયો, કાચબો – આ બધુંય સાચા ભાવથી બનાવ્યું છે એટલે નમૂનેદાર બન્યું છે. મંદિરનો દરવાજો, પગથિયાં, પગથી જોઈને તો નજર ઠરે. અને મંદિરના શિખરને તો સોનાના પતરાથી મઢવામાં આવ્યું છે. આખાય પરગણામાં મંદિરની અને એના બનાવનારની વાહ વાહ બોલાઈ ગઈ.

મંદિર બનાવવાનું કામ એક વરસ ચાલ્યું હશે. ગાડાં ભરીભરીને પથ્થર આવતા. સિમેન્ટની થેલીઓ આવતી. બારીઓ, દરવાજા માટે લાતીમાંથી લાકડું આવતું. તારચૂંકો, ખીલી, ખીલાસરી, સ્ક્રૂ, મિજાગરાં આવતાં. કળીચૂનાના અને રંગના ડબ્બા આવતા. આ બધોય સામાન મંદિરના ચોકમાં ભેગો થતો. સવારથી સાંજ સુધી કડિયા, મજૂરો, સુથારો કામ કરતા. ગામની વસ્તીએ નક્કી જ કરી નાખ્યું હતું કે જો સલાટો એમના કામના પૈસા ન લે તો અમે અમારા કામના શું કરવા પૈસા લઈએ. મંદિર તો ગામનું છે, અમારું છે. અમારા માટે સલાટો એ બનાવી રહ્યા છે.

ચણતર કામમાં પાણી જોઈએ. તળાવેથી પાણી લાવવા માટેય ગાડાવાળા તૈયાર. સહુને રાજી રાખવા માટે એનાય વારા બાંધવામાં આવ્યા – જેથી કોઈ એમ ના કહી જાય કે મને કામ નથી મળ્યું. અને બીજી ખૂબીની વાત તો એ વખતે એ બની કે આ મંદિરતો હિન્દુઓનું, પણ એ બનાવવામાં ગામની મુસલમાન વસ્તીય હોંશેહોંશે જોડાઈ – અને એ પણ એક પાઈપૈસો લીધા વગર : ‘હમારે ગાંવકા મંદર હૈ, હમ ક્યોં પૈસા લેવેં ?’

મંદિરનું કામ અમ નાના છોકરાઓ માટે તો પ્રદર્શન જેવું થઈ ગયું. રોજ સાંજે નિશાળેથી છૂટીને એક આંટો મંદિરે મારી આવવાનો. કેટલું કામ થયું છે એનો અહેવાલ બાને આપવાનો. સાંજે વાળુપાણીથી પરવારીએ એટલે બેસી ભાઈબંધ દોસ્તારો સાથે એની વાતો કરવાની. મંદિર બની રહ્યું ત્યાં સુધી અમારો આ જ નિત્યક્રમ રહ્યો. ગામ તો મંદિર જોઈને એવું તો રાજીના રેડ થઈ ગયું કે એણે ભારે દબદબાથી એની પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું. ભાદરવા સુદ આઠમનું મુહૂર્ત નીકળ્યું. અને આઠ દિવસનો ઉત્સવ ગોઠવાયો. એના માટે ગામેગામ નોતરાં મોકલવામાં આવ્યાં. નિશાળે પણ એ આઠ દિવસ રજા રહેશે એમ જાહેર કર્યું. ગામ આ ઉત્સવની તૈયારીમાં પડ્યું. આવનારા માણસોની ગણતરી કરી એમની બધાની રહેવાની, નાહવાધોવાની, ખાવાપીવાની વ્યવસ્થા કરવા માંડી. નવાઈની વાત તો એ છે કે ગામનું નાનું-મોટું – સૌ કોઈ આ તૈયારીમાં જ લાગી ગયું. પોતાના ઘરમાં લગ્નનો અવસર હોય એવો આનંદ વર્તાઈ રહ્યો. બધાય પોતાનો કામધંધો છોડીને આ ઉત્સવની તૈયારીમાં લાગી ગયા. ગાનારા અને સાજિંદાઓને બોલાવવમાં આવ્યા.

ગામમાં તો જાણે ઉજાસ પથરાઈ રહ્યો. ત્યારે વીજળીના દીવા હજી આવ્યા નહોતા. પણ બધાયના મોઢા પર ઉલ્લાસનું તેજ હતું, આનંદની ભરતી હતી. ઉત્સવનો દિવસ આવી પહોંચ્યો. ગામમાં તો માણસ સમાય નહિ. ગામની વસ્તી કરતાં બમણું-ત્રણ ગણું માણસ આવ્યું હતું. આટલું બધું માણસ એવડા ખોબા જેવડા ગામમાં કેવી રીતે સમાયું હશે ? પ્રશ્ન થાય છે. અત્યારે આપણે ઘેર એક-બે મહેમાન આવે અને બે દિવસથી વધારે રહી જાય તોય ખમાતું નથી ત્યારે આટલું બધું માણસ એ વખતે ગામની વસ્તીને કેવી રીતે ખમાયું હશે ? એમની પાસે શું હતું અને આપણી પાસે શું નથી ? તોય આપણે એક-બે સગાંસ્નેહીને જીરવી શકતાં નથી.

જમણમાં દૂધપાક, શિખંડપૂરી અને ખમણ-ઢોકળાંનું જમણ નહિ. ત્યારે આ વાનગીઓ ગામડામાં પહોંચી નહોતી. સવારમાં બાજરાના રોટલા અને ભેંશના શેડકઢા દૂધનું શિરામણ અને બપોરના જમણમાં ફાડા ઘઉંની લાપસી, ચોળાનું શાક, ભાત અને સાથે વલોણાની તાજી છાશ. અને સાંજના જમણમાં ખીચડી અને કઢી. જમનારાઓ ખાતાં થાકે એટલું અને એવું પિરસનારાઓએ આગ્રહ કરી-કરીને પીરસ્યું-ઉત્સવના આઠેય દિવસ. ગામના પાદરમાં જ મંદિર અને ગામનાકૂવાની વચ્ચેની જમીનમાં એક મોટો મેળો ભરાણો હતો. મેળામાં ખાવાપીવાની દુકાનો તો હોય જ, પણ ભાતભાતનાં રમકડાં, બંગડીઓ, ચાંદલાનું કંકુ, માથામાં નાખવાની પિનો અને રંગબેરંગી બૉપટ્ટીઓની હાટડીઓ લાગી ગયેલી. ગામેગામથી આવેલી ભજનમંડળીઓ એકતારા અને ઢોલકના તાલે રાતના મોડે સુધી નરસિંહ અને મીરાંના ભજન ગાય. કુસ્તી કરનારા મલ્લકુસ્તીના દાવ દેખાડે, મદારીઓ વાંદરા, માંકડા અને રીંછના ખેલ દેખાડે. અત્યારે સવાલ થાય છે કે ત્યારે બસ અને રેલગાડીની સગવડ તો હતી નહિ તો આટલા બધા માણસ આવ્યા હશે કેવી રીતે ? આટલા બધા માણસોની રહેવાની, ખાવાની વ્યવસ્થા થઈ અને હારોહાર બળદ, ઊંટ, ઘોડાનીય રહેવા-ખાવાની વ્યવસ્થા થઈ. ખૂબીની વાત તો એ છે કે આવડું મોટું કામ ગામની વસ્તીએ વહેંચી લીધું.

પ્રતિષ્ઠાનો દિવસ આવી પહોંચ્યો. કેશામહારાજે ગ્રહોના સ્થાનની ગણતરી કરી, નક્ષત્રો, ચોઘડિયાં મેળ મેળવી ભાદરવા સુદ આઠમનું સવારનું નવ વાગ્યાનું મુહૂર્ત કાઢી આપેલું. એ જ વખતે મંદિર પર ધજાદંડ ચઢાવવાનો હતો. એની બોલી બોલાઈ, મંદિરના દ્વાર ઉઘાડવાની બોલી બોલાઈ, શિવલિંગ, પાર્વતી, ગણેશ, પોઠિયો, કાચબો વગેરેની પૂજા કરવાની બોલી બોલાઈ. લોકો ઉત્સાહપૂર્વક બોલી બોલ્યા. મંદિર બનાવવામાં વપરાઈ હશે એના કરતાંય મોટી રકમ ભેગી થઈ ગઈ. મંદિર પર જ્યારે ધજાદંડ ચડ્યો ત્યારે લોકોએ જે હર્ષનાદ કર્યો એનાથી તો જાણે આખું બ્રહ્માંડ ગાજી રહ્યું. મંદિરની ધજા એના દંડ પર ફરફર કરતી ઉપર ચડતી અત્યારેય દેખાય છે, ચારેકોર ઊમટેલો માનવ-મહેરામણ અત્યારેય જાણે દેખાય છે.

ઉત્સવ તો પૂરો થયો. મંદિર બનાવનાર સલાટો ગામની વિદાય લેવા આવ્યા. એમણે તો કશાય લાભની આશા રાખ્યા વગર માત્ર ભક્તિભાવથી આ મંદિર બનાવી ગામને ભેટ ધર્યું હતું, પણ ગામ એમ નગુણું કેવી રીતે રહી શકે ? ગામે મંદિર બનાવનાર સલાટો આગળ બોલીમાં ઊપજેલી બધીય રકમનો ઢગલો કર્યો. પણ સલાટો એમ માને ખરા ? એમણે કયાં પૈસા રળવા માટે આ કામ કર્યું હતું ? એ મંદિરની ઊપજમાંથી એક પાઈ સરખીય લેવા રાજી થાય ખરા ?

ગામ પણ સલાટોને પૈસા આપવા માટે જીદ પર આવી ગયું. સલાટોને સમજાયું કે ગામ પૈસા આપ્યા વગર એમને જવા નહિ દે. ખૂબ ચર્ચા-વિચારણા થઈ. છેવટે એમ નક્કી થયું કે એમની સામે મૂકેલા ધનના ઢગલામાંથી પોતાને ઠીક લાગે એ રકમ સલાટો લઈ લે. અને એમણે શુકનનો સવા રૂપિયો લીધો. આમ સવા રૂપિયામાં તૈયાર થયેલું મહાદેવનું આ મંદિર એને બનાવનાર બે સલાટો વીરચંદ અને લક્ષ્મણદાસના સ્મૃતિમંદિર જેવું આજે પણ ગામના પાદરમાં ઊભું છે અને સૈકાઓ સુધી ઊભું રહેશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નર્મદા-યોજના : મહેન્દ્ર શાહ
શ્રી વલ્લભાચાર્યજયંતી વિશેષ Next »   

11 પ્રતિભાવો : સલાટોનું સ્મૃતિમંદિર – કાન્તિ મેપાણી

 1. Suresh Jani says:

  Rreally inspiring story. This is power of faith.
  However i read the whole story three times, but could not find the name of village and where it is located.

 2. Neela Kadakia says:

  GOOD INFORMATION WITHOUT ANT INDICATION OF LOCATION OF MANDIR AND STATE. SO PLS DO WRITE NAME OF PLACE.
  THANX.
  NEELA

 3. Neela Kadakia says:

  GOOD INFORMATION WITHOUT ANY INDICATION OF LOCATION OF MANDIR AND STATE. SO PLS DO WRITE NAME OF PLACE.
  THANX.
  NEELA

 4. Hetal says:

  If it is real story then please give us details about location of the temple. so, we can visit there.

  Best regards,
  Hetal

 5. nayan panchal says:

  અદભૂત માની ન શકાય તેવી વાર્તા. આને કહેવાય સાચી માનવતા. જો મંદિર આટલી શુધ્ધ ભાવનાથી બનાવવામાં આવે તો તે ભવ્ય ન બને તો જ નવાઈ.

  નયન

 6. pratap bhatt says:

  અને આ ને જ ખરુ મન્દિર કહેવાય.પેલા તો આમા જેને પન પોતાનો ………તેને પ્રનામ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.