સવાલ – પુષ્પાબેન વ્યાસ

હરિ, બોલો તો બે’ક વાત પૂછવાની થાય,
કહો, ઉત્તર દેવામાં જનમ કેટલાક જાય ?

હરિ, વાસીદાં, આંગણાં નિત નિત વળાય,
કહો, પગરવ થાવામાં જનમ કેટલાક જાય ?

હરિ, ગોળીમાં રાત-દિ’ મહીડાં વલોવાય,
કહો, માખણ થાવામાં જનમ કેટલાક જાય ?

હરિ, કૂવાને કાંઠડે પથરા ઘસાય,
કહો, ગાગર ભરતાં જનમ કેટલાક જાય ?

હરિ, ઘંટીના થાળામાં લોટ ના સમાય,
કહો, કેટલા ઓબાળે એક રોટલો શેકાય ?

હરિ, ભોજનિયાં ભાણામાં ભાવથી ભરાય,
કહો, આસન લેવામાં જનમ કેટલાક જાય ?

હરિ, ચૂંદડી ઓઢું ને નેણ નમણાં થઈ જાય,
કહો, મારગ જોવામાં જનમ કેટલાક જાય ?

હરિ, લીટાં ગણી ગણીને કેટલાં ગણાય ?
કહો, સાબદા થવામાં જનમ કેટલાક જાય ?

હરિ, બોલો તો બે’ક વાત પૂછવાની થાય,
કહો, ઉત્તર દેવામાં જનમ કેટલાક જાય ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કોઈ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ
શૂન્યમાંથી સર્જન કરનાર એક કર્મયોગી – અવંતિકા ગુણવંત Next »   

12 પ્રતિભાવો : સવાલ – પુષ્પાબેન વ્યાસ

 1. Sandhya Bhatt says:

  હરિને વેધક અને મુશ્કેલ પ્રશ્નો પૂછવાની રીત ગમી ગઈ. કવિતા સિવાય તો ઈશ્વરને ક્યાં મળાય?

 2. sujata says:

  હ્રરિ, તો ભાવ અને ભકિત થી ભીંજાય્,,,,એની જ પાસે તો મ ન ના ભેદ ખોલાય્……..

 3. vimal shah says:

  હરિ આ સમયની કેદમા સદિયોથી અમે
  કહો સમયને પેલે પાર કેમ જવાય?

 4. Rajni Gohil says:

  એક માણસ ભગવાનને પૂછે છે ” અમારા લાખ વર્ષ એટલે તમારે મન કેટલા વર્ષ?” ભગવાન કહે છે ફક્ત એક ફક્ત એક સેકંડ. એ માણસ ફરી ભગવાનને પૂછે છે “અમારા કરોડ રૂપિયા એટલે તમારા કેટલા રૂપિયા થાય? ભગવાન કહે છે ફક્ત એક પૈસો. પછી માણસ ભગવાનને કહે છે. મને તમારો એક પૈસો અપોને! એટલે ભગવાન કહે છે ” મને મારી બે મિનિટ વિચારવા દે.”

  ગીતા પણ કહે છે ” બહુનાં જન્મનામન્તે. સમયનો આધાર તો આપણા કર્મો પર આધાર રાખે છે.
  પુષ્પાબહેનનું સુંદર મઝાનું કાવ્ય આપણને આત્મમંથન કરવાનું સુચન કરે છે. ભગવાને બનાવેલું ફૂલ આપણે તેને ચરણે ધરીએ એમાં અપણું કર્તુત્વ શું? ફૂલ તો પ્રતીક છે. આપણે આપણું જીવન ફૂલ જેવું સુગંધીદાર બનાવી પ્રભુ ચરણે ધરીએ એમાં આપણાં જીવનની સાર્થકતા છે.

 5. nayan panchal says:

  હરિ, ગોળીમાં રાત-દિ’ મહીડાં વલોવાય,
  કહો, માખણ થાવામાં જનમ કેટલાક જાય ?

  કેટલી સુંદર વાત!
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.