- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

શૂન્યમાંથી સર્જન કરનાર એક કર્મયોગી – અવંતિકા ગુણવંત

[સમાજના ખૂણે ખૂણે ઉત્તમ કાર્ય કરનારા સજ્જનોની લેખિકાએ લીધેલી મુલાકાતોનો સંગ્રહ ધરાવતા પુસ્તક ‘માનવતાની મહેક’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી અવંતિકાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે : avantika.gunvant@yahoo.com અથવા આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505]

શહેરની સગવડ-સુવિધાભરી અમનચમનની નિશ્ચિત જિંદગી નજર સામે તૈયાર દેખાતી હોય ત્યારે એ રાજપાટ છોડી અગવડો, તકલીફો અને મુશ્કેલીઓભરી ગામડાની જિંદગીને સ્વેચ્છાએ વરનારને જ્યારે હું જોઉં છું ત્યારે નવાઈ પામી જાઉં છું; ને એ અગવડો-તકલીફો શું કામ વેઠવાની, પોતાના માટે ? ના, પોતાના માટે નહિ, પરંતુ પરાયા માટે. સાવ પરાયા માટે, અજાણ્યા માટે. પોતાના અંગત સ્વાર્થ વિસરીને પારકાના હિત માટે પોતાની સરળ, સુખચેનભરી જિંદગી છોડીને સંઘર્ષભર્યા રાહે ચાલનારને જોઉં છું ત્યારે મારું મસ્તક આદરથી ઝૂકી જાય છે. આવા માર્ગે ચાલવું કઠિન છે. ખૂબ કઠિન, પણ અસંભવ તો નથી જ. નહિ તો ખેડા જિલ્લાના દેથલી ગામના પાદરે પ્રાચીન ઋષિ-મુનિઓના ગુરુકુળ જેવી વિશાળ શિક્ષણસંસ્થા પાંગરી ના હોત. આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, તપોવન છાત્રાલય, ઉત્તર બુનિયાદી છાત્રાલય, ગાંધીઘર વિભાગ. આ બધું માત્ર એક જ માનવી શ્રી પરસદરાય શાસ્ત્રીનું સાકાર થયેલું જીવનસ્વપ્ન છે. જીવનભર શ્રદ્ધા અને નિષ્ઠાથી પુરુષાર્થ કર્યો, તપશ્ચર્યા કરી તો સંકલ્પ ફળ્યો.

કોણ છે આ પરસદરાય શાસ્ત્રી ? પિતા શ્રી દિનમણિશંકર શાસ્ત્રી. માતા ચંચળબા અને મૂળગામ દેવાતાજ. પણ જન્મ વાસદમાં, 1927માં. ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક બન્યા અને ગાંધીજીએ કહ્યું, લોકજાગૃતિ માટે, ઉપેક્ષિત માનવી શિક્ષણ પામે માટે છેવાડાના ગામડામાં જાઓ. અને પરસદરાયે એમના આરાધ્યદેવ ગાંધીજીના આદેશ અનુસાર જ્યાં વીજળી નહિ, પાણી નહીં, ગામને જોડતો પાકો રસ્તો નહીં, મુખ્યત્વે શરાબ અને ગુનામાં રાચતા બારૈયાની વસ્તી ધરાવતું દેથલી ગામ પસંદ કર્યું. ત્યાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું. તેથી વહેમ, વ્યસન, કલેશ, કુસંપ, કુરિવાજ વધારે. 1952માં ખભે બગલથેલો, એમાં બે જોડ કપડાં. થોડાં પુસ્તકો ને એક બિસ્તરો લઈને પરસદરાયે દેથલીમાં પ્રવેશ કર્યો ને ગામના નારાયણદેવના મંદિરે મુકામ કર્યો. આરંભકાળના થોડો સમય મગનભાઈ પટેલ એમની સાથે હતા. પણ પછી તો આ એકલવીર એકલા. ગામલોકો અચરજભરી નજરે આ સુઘડ, સંસ્કારી, ભાવનાશીલ યુવકોને જોઈ રહ્યા. તેઓ સાંજે બાળકોને એકઠા કરીને પ્રાર્થના કરાવે, ભજનો ને રાષ્ટ્રગીતો ગવડાવે, સુભાષિતો શિખવાડે, જીવનઘડતરની વાતો કરે.

બાળકોને રસ પડવા માંડ્યો ને બાળકો રાત ત્યાં રોકાવા લાગ્યા. સવારે વહેલા ઊઠવાનું, વ્યાયામ કરવાનો, સ્વાધ્યાય કરવાનો, પ્રભાતફેરીમાં જવાનું, કાંતવાનું, બાળકોને ગમવા માંડ્યું. સાથે સાથે ગામની સફાઈ શરૂ કરી. બ્રાહ્મણનો દીકરો ઝાડુ લઈને ભંગીનું કામ કરે ! ગામલોકોને આંચકો લાગ્યો. પણ અસ્પૃશ્યતાના નિવારણ માટે એ જરૂરી હતું ને મક્કમ મનના શાસ્ત્રીજીએ નીડરતાથી પોતાના વિચારો આચરણમાં મૂક્યા માંડ્યા. ગામલોકોને એકઠા કરીને રામકથા વાંચતા. કથા વાંચતાં વાંચતાં તેઓ માણસે ક્યા ગુણો વિકસાવવા જોઈએ એની વાત કરે. સચ્ચાઈ, પ્રામાણિકતા ને ‘સર્વમાનવ સમાન છે’ ની વાતો કરતા. લોકો રસ ને આદરથી સાંભળતા. માત્ર બાળકો નહિ, એમનાં માતાપિતા, સમગ્ર સમાજને કેળવવાનો હેતુ હતો. કામ કપરું હતું. શરૂઆતમાં કેટલાક લોકો શંકાની નજરે જોતા ને માર્ગમાં વિધ્નો નાખતા પણ શાસ્ત્રીજી કાયર ન હતા. કાચી માટીના ન હતા. તેમણે ધીરજ અને ખંતથી પરિશ્રમ જારી રાખ્યો. સમજુ અને વિકાસપ્રિય ગામલોકોનો સહકાર મળતો ગયો અને ગામની સિકલ બદલાઈ ગઈ. તેમણે ગામમાં ઘર ભાડે રાખ્યું ને સંસાર શરૂ કર્યો.

‘આપના માતાપિતાએ આવા અંતરિયાળ ગામડામાં જઈને વસવાની, ત્યાંની ધૂળમાટીમાં દાટવાની અનુમતિ આપેલી ?’
શાસ્ત્રીજી હસ્યા. કહે : ‘મારા પિતા પણ આ જ માર્ગે હતા. તેઓ ગુજરાત કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા. શેરબજારની ધીકતી આવક હતી. અમદાવાદમાં મોજથી જીવતા હતા. પણ કોચરબ આશ્રમમાંથી ગાંધીજીએ દેશપ્રેમની એવી હવા ફેલાવી કે 1920માં તેઓએ અમદાવાદ છોડ્યું ને વાસદમાં રાષ્ટ્રીય વિનય મંદિરના સંચાલન અને આચાર્યપદની જવાબદારી લીધી. ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાતી નહિ પણ વિદ્યાર્થીઓ રોજ બે કલાક કાંતણપીંજણનો ઉદ્યોગ કરે ને જે આવક થાય એમાંથી શાળા-શિક્ષકોનો ખર્ચ નીકળતો.
‘નમક સત્યાગ્રહ વખતે લોકમાનસ તૈયાર કરવાની કામગીરી જે સ્વયંસેવકોને સોંપી હતી તેમાં પિતાજી પણ હતા. ચંચળબા સ્વયંસેવકો માટે રસોડું ચલાવતાં.’ આમ, ત્યાગ ને સ્વાર્પણ, સ્વાશ્રય ને દેશદાઝના સંસ્કાર ગળથૂથીમાં જ મળેલા છે. એમના પિતા કહેતા, ‘મુશ્કેલીઓ ગમે એટલી આવે પણ પાછાં પગલાં નહિ ભરવાનાં.’

હું વિચારમાં પડી ગઈ. શાસ્ત્રીજીની વાત હજી હમણાંની છે. પાંચેક દસકા પહેલાંની. પણ જાણે સતયુગની વાત હોય એટલી પ્રાચીન-પુરાણી લાગે છે. આપણાં જીવનમૂલ્યો, જીવનદષ્ટિ કેટલી ઝડપથી બદલાવા માંડ્યાં છે ! ભૌતિકવાદનો આ જમાનો છે. આજે સૌ માબાપો પોતાનાં સંતાનો શું ભણે તો સંપત્તિ-પ્રતિષ્ઠા પામે, કઈ જૉબ લે તો અઢળક કમાણી કરે એની જ ગણતરી કર્યાં કરે છે. આપણે આપણી પ્રગતિની જ ચિંતા કરીએ છીએ. મેં શાસ્ત્રીજીને કહ્યું, ‘આપની મુશ્કેલીઓની વિગતે વાત કરો ને’
પણ મુશ્કેલીઓને મુશ્કેલીઓ જ ના ગણતા હોય એ એની વાત શું કરે ! હિંમત હારવાનું એમના લોહીમાં નથી. શાળા અને છાત્રાલય, પુસ્તકાલયનાં મકાનો ઊભાં કરવાં, ક્યા ક્યા પ્રયત્ન નહિ કર્યા હોય ! ક્યાંક સારો અનુભવ થયો હશે, ક્યાંક માઠો. વિદ્યાર્થીઓને સ્વાવલંબનનું શિક્ષણ આપવા, ગ્રામ્ય વિસ્તારના છોકરાઓને ખેતીનું અને પશુપાલનનું શિક્ષણ આપવા જમીન જોઈએ, ખેતીવાડીનાં સાધનો જોઈએ. દાતાઓ અને ગામલોકો પાસેથી ધીમે ધીમે જમીન મેળવી. છાત્રોને જરૂરી અનાજ એ ખેતરોમાં પાકે છે, એક ગૌશાળા પણ છે. ફળોનાં વૃક્ષો છે. બધી માવજત શિક્ષકો ને વિદ્યાર્થીઓ સાથે મળીને કરે છે. કઠિન સેવાવ્રતમાં હરેક પગલે એમને સાથ આપનાર એમનાં પત્ની વિદ્યાબહેનને આશ્રમશાળાના જીવનની તકલીફો વિશે પૂછ્યું, તો મધુર હસીને કહે, ‘આ જીવન પસંદ કરતાં પહેલાં ખબર જ હતી કે આ જીવન સરળ નથી. પછી ફરિયાદ શું હોય ?’

વાત સાચી છે, સેવાધર્મના માર્ગે ચાલતાં અનેક આંતર-બાહ્ય કસોટીમાંથી પસાર થવું પડે છે. તોય ક્યારેક એકદમ ઉચાટ થઈ જાય. ગભરાઈ જવાય.
‘મારો દીકરો અશોક માંદો પડ્યો ત્યારે ખોઈમાં નાખીને માઈલો ચાલી ડૉક્ટરના ત્યાં જવું પડેલું. ત્યારે જીવ અદ્ધર થઈ ગયેલો. પણ આવું જીવન કેમ પસંદ કર્યું એવો અફસોસ નહોતો થયો. અન્ય ગામલોકો પણ આવું કષ્ટ ભોગવતા હતા ને !’
કેવું કરુણાભર્યું હૈયું. છાત્રાલયમાં રહેતા વણજારા અને આદિવાસી બાળકો માંદાં થાય ત્યારે શાસ્ત્રી દંપતી માબાપના હેતથી ચાકરી કરે. દવાખાને લઈ જાય. ખેતરાઉ જમીન. ક્યારેક સાપ, વીંછી કરડે ત્યારે કેવી દોડાદોડ કરવી પડતી હશે, એ બધાંની તો કલ્પના કરવાની રહે. નટુભાઈ વાટલિયા કહે, ‘સ્વચ્છતા અને સુઘડતાના કેટલાય પાઠ અમને વિદ્યાબહેને જ શીખવ્યા છે.’

ત્યાં એક નાની બાળા મલકાતી, શરમાતી મારી પાસે આવી. પૂછે, ‘હું તમને કાગળ લખું તો મને જવાબ આપશો ?’ મેં હા કહી. તો કહે, ‘સરનામું લખાવશો ?’ એટલા વિનયથી એ પૂછે ! મને થયું, ક્યાંથી આવ્યો આ વિવેક, રીતભાત. મારા જેવી અપરિચિતાને પત્ર લખવાનો રસ, ઉમંગ ! એણે મારું નામ અને સરનામું લખ્યું, એકદમ વ્યવસ્થિત, ચોખ્ખા અક્ષરે. સાચી જોડણી ! ત્યાંના બાળકો સાથે વાતો કરી ઈતિહાસ, ભૂગોળ ને સામાન્ય જ્ઞાનમાં, ક્યાંય પાછાં ના પડે. વાચનનો શોખ બધામાં કેળવાયો છે. આખું પરિસર ચોખ્ખું. મકાનો, ઓરડાઓ, આંગણા, ક્યાંય કચરો નહિ. વાસણો ચકચકિત. રસોઈઘરમાં પણ પૂરી સ્વચ્છતા.
‘કોણ કરે છે આ બધાં કામો ?’
‘અમે ટુકડીઓ પાડી છે, કામ વહેંચી નાખ્યાં છે.’
‘કામ કરવું ગમે છે ?’ એક બાળકને મેં પૂછ્યું.
‘હા, મઝા આવે છે.’
દરેક કામમાં રસ પડે, એની ઉપયોગિતા સમજાય, કોઈ કામ કરતાં શરમ ના આવે, કંટાળો ના આવે એ કેટલી આવશ્યક તાલીમ છે. બાળકોને લખતાં-વાંચતાં આવડે એટલું જ પર્યાપ્ત નથી, એમનાં હૃદય, મન, આત્મા સંસ્કારી બને, ઉદાર બને, વિકાસ પામે એ જ સર્વાંગી કેળવણી. આ માટે શાસ્ત્રીજી પ્રવાસ અને પદયાત્રા યોજે છે. રાષ્ટ્રીય તહેવારોની સાથે સાથે રામનવમી, ગુરુપૂર્ણિમા, ગીતાજયંતી, જન્માષ્ટમી જેવા તહેવારો ઉજવાય છે ને ભારતીય સંસ્કારનું સિંચન કરાય છે.

આજે શાસ્ત્રીજીના વિદ્યાર્થીઓ જુદા જુદા ક્ષેત્રોમાં ગોઠવાયા છે. એમના જ વિદ્યાર્થી નટુભાઈ સંસ્થાનો કાર્યભાર સંભાળે છે. 1985થી શાસ્ત્રીજી નિવૃત્ત થયા છે. જોકે એના સંચાલન સાથે જોડાયેલા છે. શાસ્ત્રીજીના પ્રયત્ને દેથલી ગામ સાચા અર્થમાં દેવસ્થલી થયું છે. માત્ર દેથલી ગામ નહિ પણ આજુબાજુનાં બીજાં ગામોની ઉન્નતિ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ ગીતાના ઉપાસક છે, પ્રવૃત્તિ કરે છે પણ અનાસક્તભાવે. કોઈ નોંધ લે, માન-સન્માન આપે, ઍવોર્ડ આપે એવી કોઈ ખેવના નથી. એમના હૈયે એક જ લગન છે, સર્વોદયની. એટલા માટે સમિતિ ને કેન્દ્રો સંભાળે છે. ગાંધીમેળા અને સર્વોદયમેળાનું આયોજન કરે છે.

[કુલ પાન : 200. કિંમત રૂ. 105. પ્રાપ્તિસ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]