સુચિત્રાબહેનનું સમર્પણ – પ્રિયકાન્ત પરીખ

સુચિત્રા બહેનની ખુશીનો પાર નહોતો. તેમનો એકનો એક પુત્ર આકાશ ડૉકટર બની જતાં એમણે કૃતકૃત્યતાની લાગણી અનુભવી.

ભરયુવાનીમાં જીવનનાં અંતિમ શ્વાસ લેતા પતિએ સુચિત્રા બહેન પાસે વચન માંગેલું, ‘સુચિત્રા, તારી સાથે પ્રેમલગ્ન કરી, તારા અને મારા પરિવારજનો સાથે સંબંધોના અંકોડા તોડી આપણે દસેક વર્ષના દામ્પત્યજીવનમાં ખૂબ સુખથી જીવેલાં. તેં આકાશને જન્મ આપી, દુનિયાભરની ખુશી મારી ઝોળીમાં ઠાલવી દીધેલી. હું જાણું છું મારી લકવાગ્રસ્ત સ્થિતિમાં શિક્ષિકાની નોકરીની સાથે ટયૂશનો કરીને ઘર ચલાવે છે. એક વધુ બોજ તારા પર નાખું છું. હું ઈચ્છું છું કે આકાશ ડૉકટર બને…’ ‘હું વચન આપું છું. હું મહેનત મજદૂરી કરીને આકાશને ડૉકટર બનાવીશ એનું વચન આપું છું…’ સુચિત્રાબહેને અશ્રુઓને પી જઈને, ઉચ્ચારેલા રુદનભીના શબ્દો સાંભળ્યા, ન સાંભળ્યા અને આકાશના પિતાનો પ્રાણ અપાહિજ નશ્વરદેહની માયા મૂકી ઊડી ગયો. ત્યારે સુચિત્રાબહેનની ઉંમર છત્રીસ વર્ષની અને આકાશની ઉંમર ચૌદ વર્ષની હતી. બસ, ત્યારથી સુચિત્રાબહેને નોકરી કરતાં કરતાં, ઘરકામ કરતાં કરતાં, આકાશને ભણાવતાં ભણાવતાં ટયૂશનો કરીને શરીરને કાંતી નાખ્યું. એ જ આશાએ કે, આકાશ ડૉકટર બને.

આખરેસુચિત્રાબહેનનું સમર્પણ લેખે લાગ્યું. આકાશ ડૉકટર થઈ ગયો. આકાશે સુચિત્રાબહેનનો ચરણસ્પર્શ કર્યો, ‘બા, તમે આપેલા સમર્પણથી પરિચિત છું. બાપુજીને તમે આપેલું વચન પૂરું કરવા જે પરિશ્રમ કર્યો છે તે મારી આંખો સમક્ષ તરવરે છે. આશીર્વાદ આપો બા.’
‘બેટા, જીવનમાં ખૂબ પ્રગતિ કરો, ખૂબ સુખી થાવ એવા એક માના આશીર્વાદ છે.’
ડૉ. આકાશે MBBS થઈ, સુપર સ્પેશિયાલિસ્ટ થવાનું માંડી વાળી જનરલ પ્રેકટિશનર તરીકે દવાખાનું ચાલું કર્યું. ત્રણેક વર્ષમાં તો આકાશ તેના હસમુખા, મિલનસાર સ્વભાવ, વ્યક્તિત્વ અને આવડતથી ખૂબ જામી ગયો. સેટેલાઈટ વિસ્તારમાં ડિસ્પેન્સરીની નજીક ત્રણ બેડરૂમનો ફલેટ લીધો. કાર લીધી. એક દિવસ આકાશે કહ્યું, ‘બા, હવે તો શિક્ષિકાની નોકરી છોડો. તમે ખૂબ પરિશ્રમ કર્યો છે. હવે તો તમારો પુત્ર ખૂબ કમાય છે. આરામથી રહો.’
સુચિત્રાબહેને કહ્યું, ‘નોકરી છોડીને ઘરમાં એકલી એકલી શું કરું ? તું તો દવાખાનાને ઘર સમજી ત્યાં જ રહે છે. માંડ બપોરે ત્રણેક કલાક ઘેર રહે છે. તેમાંય પેશન્ટનો ફોન આવે, દોડી જાય છે ! આકાશ, હવે તું છવ્વીસ વર્ષનો થયો. તારે માટે આપણા ફલેટના સાતમા માળે રહેતા જમનાદાસભાઈએ એમની બે ગ્રેજ્યુએટ થયેલી છોકરીઓ માટે મને વાત કરી છે. બન્ને દેખાવડી છે, સંસ્કારી છે. બાળપણથી ઓળખું છું. તું કહે તો….. !
‘બા, મેં છોકરી પસંદ કરી લીધી છે. તમને કહેતાં અચકાતો હતો.’
સુચિત્રાબહેનનો ચહેરો હસી ઊઠયો, ‘કઈ જ્ઞાતિની છે ? કેટલું ભણેલી છે ? શું નામ છે ? શું કરે છે?’
‘બા, માધવી એનું નામ છે. બી.એ થયેલી છે. મારી પેશન્ટ છે, પણ….’
‘કેમ અચકાયો ?’
‘એની જ્ઞાતિ…’
‘કઈ જ્ઞાતિ છે ?’
‘મહારાષ્ટ્રીઅન છે.’
સુચિત્રાબહેન વિચારમાં પડી ગયાં.
‘તમને વાંધો ન હોય તો હું મારી લાગણી પર પથ્થર મૂકી દઈશ. તમારું દિલ દુખવીને મારે લગ્ન નથી કરવું.’
‘હું જૂનવાણી-રૂઢિચુસ્ત નથી કે માત્ર જ્ઞાતિભેદને લીધે વિરોધ કરું. નવી પેઢીને દ્રષ્ટિદાન કરતી શિક્ષિકા છું. જ્ઞાતિભેદ સંસ્કાર અને રહેણીકરણીની દીવાલ ચણી શકે છે. એટલું ધ્યાન ખેચું છું. તને માધવી ગમતી હોય તો મને વાંધો નથી. લગ્ન એ તારો અંગત મામલો છે.’
‘તમારા આશીર્વાદ છે ને ?’
‘માના આશીર્વાદ પુત્ર-પુત્રીના માથે વરસતા જ હોય છે. તારું સુખ એ મારું સુખ છે.’

ડૉ.આકાશ અને માધવીના લગ્ન થઈ ગયાં. માધવી ખૂબ રૂપાળી હતી. જોતાં જ નજર આંચકી લે એટલી આકર્ષક હતી. સુચિત્રાબહેનને આકાશની પસંદગી ગમી. આકાશના આગ્રહથી સુચિત્રાબહેને નોકરી છોડી દીધી. માધવીને ગુજરાતી સંસ્કારોથી ઘડવાના પ્રયત્નો કરવા લાગ્યા. પરિણામ ઊલટું જ આવ્યું.

માધવીનો સ્વભાવ ખૂબ જ તેજ-તીખો હતો. ઘરમાં એનું ચિત્ત ચોંટતું નહોતું. કશું શિખવાની તૈયારી કે તત્પરતા દર્શાવી નહોતી. સુચિત્રાબહેનનું અસ્તિત્વ ખૂંચવા લાગ્યું. જુદા રહેવા જવાની યુક્તિ-પ્રયુક્તિ કરવા લાગી. સુચિત્રાબહેનના કોઈ ને કોઈ શબ્દો પકડી વાંધા-વચકાં પાડવા લાગી. આખો દિવસ એની રૂમમાં ભરાઈ રહેતી. ટી.વી અને વીડીયો પર ફિલ્મો જોયા કરતી. આકાશ ડિસ્પેન્સરીથી પાછા આવે ત્યારે સુચિત્રાબહેનની રસોઈ બગાડી, કોઈને કોઈ બહાનું ઊભું કરીને આકાશનો હાથ પકડી, હોટલમાં ખેંચી જતી.

એક દિવસ સૂચિત્રાબહેને સૂચન કર્યું, ‘માધવી, તમે લોકો હોટલો કે કલબોમાં જમવા જતાં હોય તો વાંધો નથી, પણ અગાઉથી જાણ કરી હોય તો દર બે-ચાર દિવસે રસોઈ તો ન બગડે.’
‘તો આજે સાચું કહું. તમારા હાથની રસોઈ મને ભાવતી નથી. સવારે પરાણે બે કોળિયા ભરી લઉં છું, પણ રાતે તો જમવા જોઈએ ને ? ભુખે મરવાની ય એક હદ હોય છે.’
‘માધવી, બા સાથે ઊંચા સાદે વાત ન કરાય.’ આકાશ માધવીને સમજાવવા મથતો.
‘તમારી બાએ કેટલો ભોગ આપ્યો છે એ અંગેની એકની એક રેકોર્ડ તમારા મોઢેથી સાંભળી હું બોર થઈ ગઈ છું. મા-બાપ સંતાનો પેદા કરે છે તો એને ભણાવી-ગણાવી લાયક બનાવવાની ફરજ છે. જો, સંતાનો ઠેકાણે ન પડ્યાં હોય તો જીવનભર મા-બાપ પર બોજ બની જાય છે. તમને ડૉકટર બનાવ્યા એટલે તમારે માથે એની ચિંતા તો નથી ને ? હવે તમારી બાના ત્યાગ-બલિદાનની વાત કરશો તો હું મારા બાપને ઘેર ચાલી જઈશ. તમે આટલા માવડિયા હશો એની ખબર હોત તો હું લગ્ન કરવા તૈયાર ન થાત. હું તો વ્યક્તિત્વશાળી ડૉકટર આકાશને પ્રેમ કરીને પરણી છું, સમજ્યા ?’

આકાશે સુચિત્રાબહેન સામે લાચારીથી જોયું.
સુચિત્રાબહેન સમજી શક્યાં કે તેઓ આકાશના જીવનમાંથી હટી નહીં જાય તો આકાશ સુખી નહીં થઈ શકે. મારું અસ્તિત્વ માધવીને ખૂંચે છે. સુચિત્રાબહેને નોકરી કરવાનો નિર્ણય કર્યો, ‘હું મુંબઈમાં નોકરી કરીશ એ આકાશને નહીં ગમે અને મુંબઈમાં જ આકાશ જુદો રહે એ મને નહીં ગમે.’
સુચિત્રાબહેને અમદાવાદ બહારની રેસિડેન્સીઅલ સ્કૂલોમાં પ્રયત્નો કરવા માંડ્યા. સુચિત્રાબહેનને દિલ્હીની રેસિડેન્સીઅલ સ્કૂલમાં શિક્ષિકા કમ લેડિઝ હોસ્ટેલની મેટ્રન તરીકે, અનુભવ અને વ્યક્તિત્વના આધારે સર્વિસ મળી ગઈ.

એક રાતે સુચિત્રાબહેને કહ્યું, ‘આકાશ, પ્રવૃત્તિ વગર કંટાળી ગઈ હતી. મને દિલ્હીની સ્કૂલમાં શિક્ષિકા અને મેટ્રન તરીકે સર્વિસ મળી ગઈ છે. મેં સર્વિસ સ્વીકારી લીધી છે. આવતા ગુરૂવારે ઉઘડતી સ્કૂલે મારે દિલ્હી જવાનું થશે. ટ્રસ્ટ ખૂબ સધ્ધર છે. મને પ્લેનની ટિકિટ પણ મોકલી આપી છે. યાદ છે, ગયા મહિને હું અમારા ‘મહિલા મંડળ’ ની ટૂરમાં વૈષ્ણવદેવી ગઈ હતી ત્યારે ઈન્ટરવ્યૂ આપી આવી હતી.’
‘બા, મારાથી આટલાં બધાં દુભાયાં છો કે મને છોડીને જવા તૈયાર થયા છો ? આકાશ ગળગળો બની ગયો.
‘આકાશ, તું તારી દુનિયામાં સુખી હોઈશ તો હું મારી દુનિયામાં સુખી રહી શકીશ. આકાશ, સંસાર માંડ્યો છે તો નભાવી જાણજે. આપણાં બધાંના સુખ માટે મુંબઈ છોડું છું. તમારા પ્રત્યેનો પ્રેમ સ્થળ છોડવાથી ઓછો છૂટી જવાનો છે ? માધવી, મને શ્રદ્ધા છે કે તું આકાશને સુખી કરી શકીશ. વય પ્રમાણેવૃત્તિઓમાં પરિવર્તન થતું જ રહે છે. તમે સુખી થાવ એવા મારા આશીર્વાદ છે.’
ચૂપચાપ બેસી રહેલી માધવી બોલી, ‘પ્રવૃત્તિ તમારા મનને તાજગી બક્ષશે. પ્રવૃત્તિ વગર મન માંદલું બની જાય છે. વેકેશનમાં આવતાં રહેજો. નહીં તો આકાશ દિલ્હી દોડધામ કર્યા કરશે.’
સુચિત્રાબહેન હસ્યાં, ‘તારી વાત સાચી છે.’

સુચિત્રાબહેનનો જવાનો દિવસ આવી પહોંચ્યો. સુચિત્રાબહેન અને આકાશ એરપોર્ટ પર ઊભાં હતાં. આકાશની આંખો ભીની બની. ‘આકાશ, મને હસતાં હસતાં વિદાય આપ. મારો પુત્ર અમ ઢીલો બની જાય એ મને નહીં ગમે. જીવન એક કર્તવ્ય યજ્ઞ છે. આખરે તો સુખની શોધ માનવ-જીવનનું અંતિમ ધ્યેય છે.’
‘passengers are requested….’ ની સૂચના સંભળાઈ.
’બા, આશીર્વાદ આપો.’
‘ઈશ્વર તમને સુખી રાખે. આવજે, બેટા.’
આકાશે સુચિત્રાબહેનની અદ્રશ્ય થતી પીઠને જોઈ ડૂસ્કું મૂક્યું, ‘બા, હું તમારા સમર્પણનો બદલો ન ચૂકવી શક્યો. હું તમારો ગુનેગાર છું. મને માફ કરજો.’

પ્લેન દિલ્હી તરફ ઊડતું હતું, આકાશની કાર ઘર તરફ દોડતી હતી…..

(સત્યઘટના – પાત્રોનાં, ગામોનાં નામો કલ્પિત છે.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હાસ્યનો અવતાર – વિનોદ ભટ્ટ
વ્હાલપની વર્ષા – મનિષ મિસ્ત્રી ‘સર્જન’ Next »   

17 પ્રતિભાવો : સુચિત્રાબહેનનું સમર્પણ – પ્રિયકાન્ત પરીખ

 1. Neela Kadakia says:

  આ કહેવાતા મૉર્ડન જમાનાની સાચ્ચી હકીકતનો સુંદર દાખલો છે. આ જમાનામાં દરેક જણાએ આ હકીકત સ્વીકારવી જ રહી.

 2. jawaharlal nanda says:

  sir, very simple and good story of this true world. the story of most affected families. go ahead to continue like this fine story. athankyou

  non -gujarat reader of this site

  jawaharlal nanda

 3. Gira says:

  wow, very nice story. but these new generation is so selfish, and dumb. i know that a mother and a son has accepted the reality of the world and went on… but does culture goes like that? i don’t know much about it though, but i think it’s totally wrong. anyways, if it’s comfertable to them, then there is no objection.

  but it is nice example for reserved people in this world.
  thanks.

 4. અમિત પિસાવાડિયા says:

  ઘણી લાગણીસભર કથા છે ,

 5. Raj says:

  Aaj kal ni yuvatione sasu-sasara kanta jeva lage chhe, pan teo bhuli jay chhe ke aa kanta jeva sasu-sasara na hot to temano aa Gulab jevo pati atyar sudhi pinkhai gayo hot. Aa kanta jeva sasu-sasara e j tamara ful jeva pati ne sachavyo chhe.

 6. sanjay says:

  badhi ma putra ne maro dikro maro dikro kari kari ane moto kare che ane ek paraki jani avi ne putra ne anchki jai che . pan tej paraki jyare ek putra ni ma bane che ane fari teno putra biji paraki jani avi rite j anchaki jai tyare tene sachi dasha nu bhan thai che. pan je jivte jiv radi na sakiya te mari gaya pachi kagvash nakhe te fakta gujrati ma j bane che. doso marto pan nathi ane marva deto pan nathi tibiyal. aam jyare saga dikrav kahe tyare ghani taklif thai che. khair sansar che chaliya karvanu che. kalasya tasmay namh:

 7. chetna bhagat says:

  માનવિય સમ્બન્દો નુ જિવન્ત ચિત્રણ..પણ સુચીત્રા બહેને ઍક આદર્શ વ્યકિતત્વ નો દખલો આપ્યો છે…..ચેતના.કે.ભગત..મુમ્બઈ..

 8. Hiral says:

  mane ej samjatu nathi k hamesha vahu ane sasu mathi ek to kharab hoy j che!
  aa prashna no ukel mane koi aapi shake to kadach hu emno aabhar chukavish!

 9. Jigna says:

  આધુનિસ જમાના નુ બહાનુ આનો રસ્તો નથિ. પન દિકરિ ને સારા સન્સ્કઆર, પ્રેમ્ , સેવાભાવિ અને એક સારિ મા બનાવ વનિ જવાબ્દારિ નભાવે તો હ્ર રેક ઘ ર સ્વ્ર્ગ બનિ જાય્.

 10. nayan panchal says:

  ખૂબ જ હ્રદયસ્પર્શી વાર્તા.

  સુચિત્રાબહેને બહારથી તો આટલુ મોટુ સમર્પણ કરી દીધુ, પરંતુ અંદરથી તો તેમને કેટલી તકલીફ થઈ હશે તે એ જ જાણે… આખરે તો તેઓ પણ માણસ જ છે ને.

  ઘણીવાર આપણે જેમને સૌથી વધુ પ્રેમ કરતા હોઇએ તેમના સુખ માટે તેમનાથી દૂર થઈ જવુ પડતુ હોય છે. આમ તો તે ક્ષણો પીડાદાયી હોય છે, પરંતુ તેમનુ સુખ વધુ મહત્વનુ છે.

  નયન

  “આપણાં બધાંના સુખ માટે મુંબઈ છોડું છું. તમારા પ્રત્યેનો પ્રેમ સ્થળ છોડવાથી ઓછો છૂટી જવાનો છે ?”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.