પુન:સંધાન – બકુલ દવે

[‘ટીનએજ’ યુવકના ભાવ, સંવેદન, આક્રોશ, વિચાર, ભય, ઉત્સાહ વગેરે ભાવોનું સુક્ષ્મ આલેખન કરતી સુંદર વાર્તા ‘શબ્દસૃષ્ટિ’ સામાયિકના ‘દીપોત્સવી ગદ્યવિશેષાંક’માંથી સાભાર.]

શ્યામૂની આંખો ખૂલી ગઈ. એ સફાળો જાગી ગયો. થોડી વાર એને ન સમજાયું કે એ ક્યાં છે. એણે આસપાસ જોયું ને સ્મરણ થયું કે એ ટ્રેનમાં છે. છેલ્લા બાર કલાકથી એ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. ઘરથી અને પપ્પા-મમ્મીથી અલગ થઈ એ દૂર દૂર નીકળી ગયો છે. એણે ગૃહત્યાગ કર્યો છે એ એનાં પપ્પા-મમ્મીને હવે સમજાયું હશે. શ્યામૂ વિચારવા લાગ્યો. એના ઘર ત્યજીને ચાલી ગયા પછી ઉદ્દભવેલી તંગ પરિસ્થિતિ કાયમ હશે ને એ પ્રતિક્ષણે દ્વિગુણિત બનતી જતી હશે. એની શોધખોળ ચાલુ હશે. એના પપ્પાએ પોતાના એકના એક પુત્રની ભાળ મેળવવા સગાં-સંબંધીઓને ટ્રંકકોલ કર્યા હશે. કદાચ એમણે પોલીસમાં ખબર આપી હશે ને છાપામાં જાહેરાત પણ. ઘર છોડી નાસી છૂટેલી અને ખોવાઈ ગયેલી વ્યક્તિઓની છબિ નીચે સમાચારપત્રોમાં અવારનવાર દષ્ટિ તળેથી પસાર થઈ ગયેલું ચીલા ચાલુ લખાણ એની છબિ નીચે પણ છપાશે : ‘શ્યામૂ, જ્યાં હોય ત્યાંથી ઘેર આવી જા. તને કોઈ વઢશે નહિ. અમે સૌ તારી રાહ જોઈએ છીએ. તારી મમ્મી તારા વિના કલ્પાંત કરે છે….’

અચાનક જ શ્યામૂને એની મમ્મીનું સ્મરણ થઈ આવ્યું. વિચારોની પગદંડી પર ચાલતાં ચાલતાં કશું શૂળ જેવું ભોંકાયું. શ્યામૂના મન:ચક્ષુ સામે એની મમ્મીનો ચહેરો ઊપસી ગયો. ગૃહત્યાગ કરી ગયેલા પોતાના એકના એક પુત્રની વિરહવેદના અને ચિંતાથી કરમાઈ ગયેલો ચહેરો ને તે ચહેરા પર પ્રતીક્ષારત આંસુભીની બે આંખો. શ્યામૂ અસ્વસ્થ બની ગયો. એ ભીતરથી હલબલી ગયો. કંઈ કંઈ થઈ ગયું એના હૃદયમાં. એને ઘેર પાછા ફરવાનું મન થઈ ગયું એક ક્ષણ માટે. પછી તરત જ એણે વિચાર્યું કે ઘેર પાછા ફરવાનું હવે એના માટે શક્ય નથી રહ્યું. હવે એ કદીયે ઘેર પાછો નહીં ફરે. એ ચહેરા પર કઠોરતા ધારણ કરી, મક્કમ મન રાખી નિશ્ચલ બેસી રહ્યો. એને થયું, અમસ્તું જ લાગણીમાં તણાઈને એણે ઘેર પાછા ફરવાનું શા માટે વિચારવું જોઈએ ? કોઈના ય માટે બહુ પ્રેમ દર્શાવવો એ પણ સારું નથી. ગઈકાલે જ આ શબ્દો એના પપ્પાએ કહેલા તે એને યાદ આવ્યું. એના પપ્પાએ કહ્યું હતું કે વધુ પડતો સ્નેહ જ સંતાનને બગાડતો હોય છે. એની મમ્મી પણ પપ્પા સાથે સહમત હોય તેમ કશું જ બોલી નહોતી. શ્યામૂ ઉદાસ બની ગયો. પપ્પા તો ગમે ત્યારે ગમે તે કહીને વઢી નાખે છે પણ મમ્મી-હંમેશા પાલવ નીચે ઢાંકીને રાખતી હતી તે મમ્મી આવી પાષાણ જેવી કઠોર બની જાય, નિર્મમ બની જાય એ કેટલું અસહ્ય લાગે. કદાચ, હમણાં જ રડી જવાશે ધ્રુસકે ધ્રુસકે એવું જણાતાં શ્યામૂએ વિચારોને બીજી દિશામાં વાળવા કોશિશ શરૂ કરી. એણે સમજી-વિચારીને ઘર છોડ્યું છે તો પછી એ વિષે એણે હવે શા માટે વિચારવું જોઈએ ? સ્નેહથી એ બગડી રહ્યો છે એવું માનતાં પપ્પા-મમ્મીનો સ્નેહ પામવા માટે એણે શા માટે તલસવું જોઈએ ? શા માટે ?

કોઈ નાનકડું સ્ટેશન આવ્યું ને ગાડી ઊભી રહી ગઈ. શ્યામૂના વિચારોની ગતિ પણ અટકી. એણે આંખો પટપટાવી ને એક લાંબું બગાસું ખાધું. આખી રાત એણે લગભગ જાગતા-ઊંઘતા જ પસાર કરી હતી. આટલી અગવડભરી મુસાફરી એણે અગાઉ ક્યારેય કરી નહોતી. ઘણુંખરું એ પપ્પા-મમ્મી સાથે લકઝરી બસમાં કે ફર્સ્ટકલાસમાં જ મુસાફરી કરતો હતો. ગઈ રાત ટ્રેનમાં એણે અનિદ્રા વેઠતાં, ટટ્ટાર બેસીને પસાર કરી હતી. તેથી એ શિથિલતા અનુભવી રહ્યો હતો. અંગઅંગ દુખતું હતું. માથું ભારે લાગતું હતું ને આંખો બળતી હતી પુષ્કળ. ફરી એક બગાસું ખાઈને શ્યામૂએ સહેજ પગ લંબાવ્યો ને તરત જ એણે પગ પાછો ખેંચી લીધો. એ ફરી હતો તે રીતે પગ બાંધીને બેસી ગયો. એનો પગ લંબાવવાથી સામે બેઠેલી યુવતીના પગને સ્પર્શી જતો હતો. શ્યામૂના પગની આસપાસ પણ એ યુવતીનો સામાન ખીચોખીચ પડ્યો હતો. મુક્ત હલનચલન ન થવાથી શ્યામૂના પગ બંધાઈ ગયા હતા ને સાંધામાંથી દુખતા હતા. પગમાં ખાલી ચડી ગઈ હતી. પગના તળિયામાં કશુંક ખૂંચ્યા કરતું હોય એવું લાગતું હતું સતત.

યુવતીનો સામાન લાત મારી દૂર ફેંકી દેવાનું મન થઈ આવ્યું શ્યામૂને. પણ એ યુવતીને અહીં, એના પર પાસે સામાન ગોઠવવા માટે એણે જ સંમતિ આપી હતી તે યાદ આવતાં એ સમસમીને બેસી રહ્યો. યુવતીએ સામાન શ્યામૂના પગ પાસે રાખતાં અગાઉ એને પૂછ્યું હતું : ‘તમને કૈં વાંધો ન હોય તો તમારા પગ પાસે મારો સામાન મૂકું.’ યુવતીની આકર્ષક દંતપંક્તિ, એનું મોહક-મધુર સ્મિત અને રણકતો અવાજ સાંભળી થોડી વાર માટે શ્યામૂ ભાન જ ભૂલી ગયો હતો. એ નિનિર્મિષ યુવતીના સુંદર સુદર્શન ચહેરા સામે જોઈ રહ્યો હતો. ફરી એક વાર યુવતીએ એને પૂછ્યું હતું : ‘તમને કૈં વાંધો ન હોય તો…’
શ્યામૂની કલ્પનાસૃષ્ટિ અચાનક જ સંકેલાઈ ગઈ હતી. સરસ દીવાસ્વપ્ન વીખરાઈ ગયું હતું. હૃદયમાં ઉદ્દભવેલાં સ્પંદનો પર નિયંત્રણ રાખવાની કોશિશ કરતાં, સહેજ થોથવાતાં એણે કહ્યું હતું : ‘મને….મને શું વાંધો હોઈ શકે ? મારા પગ પાસે તમે ખુશીથી સામાન મૂકી શકો છો…’
‘થેંક્યું’ યુવતીએ ફરી મોહક સ્મિત કર્યું હતું. શ્યામૂએ કૃતકૃત્યતા અનુભવી હતી. યુવતીએ પોતાના પગ પાસે મૂકેલો સામાન પાછળથી નડતરરૂપ બનશે એનો શ્યામૂને તે સમયે ખ્યાલ જ રહ્યો નહોતો. કશું જ વિચાર્યા વિના યુવતીને સામાન મૂકવા માટે સંમતિ આપી દીધી તે માટે એને પોતાની પર ગુસ્સો આવી ગયો. અમસ્તું જ મોહક સ્મિત વેરી દઈને પોતાનું કામ કઢાવી લેનાર સહયાત્રી યુવતી પર પણ શ્યામૂને રોષ ઉપજ્યો. એણે યુવતી ભણી જોયું. કોને ખબર કેમ, પણ યુવતીને જોતાં જ એનો રોષ કપૂરની જેમ હવામાં ઊડી ગયો. યુવતીને વહેલી સવારે ઝોકું આવી ગયું હતું. બર્થને પીઠ અઢેલી એ સૂતી હતી. એનો ચહેરો એક બાજુએ, ડોક સહેજ નમી જવાથી ઝૂકી ગયો હતો – પુષ્પ પવનની લહેરથી દાંડી પર ઝૂકી જાય તેમ. એના કાળા સઘન કેશ વીખરાઈ ગયા હતા. એણે લીંબુ કલરનું ચૂડીદાર પહેર્યું હતું. એ પોશાકમાં એની સપ્રમાણ દેહયષ્ટિને ઉઠાવ મળતો હતો. લીંબુ કલરનો પારદર્શક દુપટ્ટો એના ખોળામાં સરકી પડ્યો હતો.

શ્યામૂ યુવતીને એકટક જોઈ જ રહ્યો. યુવતીનો ચહેરો અત્યંત આકર્ષક અને નમણો હતો. લગભગ અઢાર-ઓગણીશ વર્ષની ઉંમર હશે. ટીનએજર્સ છોકરીના ચહેરા પર હોય એવી તાજગી એના ચહેરા પર પણ હતી. નિદ્રાવસ્થાએ એના ચહેરા પર સૌંદર્યનું નવું જ પરિમાણ ઉમેર્યું હતું. થોડા સમય અગાઉ શ્યામૂએ એક અંગ્રેજી ચલચિત્ર ‘સ્લિપિંગ બ્યૂટી’ જોયું હતું. એનું શીર્ષક, અચાનક જ લીલા ઘાસની પત્તીઓ પરથી મુલાયમ પવનની લહર પસાર થઈ જાય તેમ સ્મૃતિને હળુહળુ સ્પર્શીને વહી ગયું. યુવતીનો લંબગોળ ચહેરો, બંધ પોપચાં પર નિદ્રાનો ભાર, કલાત્મક રીતે શૅઈપ આપેલી ભ્રમર, તીક્ષ્ણ નાસિકા અને પાતળા બંધ હોઠ…. કોને ખબર કેમ, પણ અત્યંત તનાવભરી સ્થિતિમાં પણ શ્યામૂને એ યુવતીની સામે જોતાં રહેવાથી જ માત્ર કશુંક સુખ મળતું હતું, શાતા મળતી હતી. યુવતીની નજીક એક વયસ્ક સ્ત્રી બેઠી હતી. કદાચ, એ યુવતીની મમ્મી હોઈ શકે, શ્યામૂએ અનુમાન કર્યું. એ સ્ત્રીને જોતાં જ શ્યામૂને એની મમ્મીનું સ્મરણ થઈ આવ્યું. જે ભૂલવા પ્રયત્ન કરતો હતો તે જ ફરી ફરીને યાદ આવવા લાગ્યું એને. પવનના તીવ્ર ઝપાટાથી સળગતા કોલસા પરની રાખ ઊડી જતાં તે વધુ પ્રજ્વલિત બને તેમ શ્યામૂનાં સ્મરણો સળગી ઊઠ્યાં. એનાં પપ્પા મમ્મી સાથે ગઈ કાલે સવારે જ ઉગ્ર રીતે થયેલી શાબ્દિક ટપાટપીના શબ્દો એના શૂન્યચિત્તમાં પડઘાવા લાગ્યા. જે કૈં બની ગયું હતું તે અનિચ્છાએ પણ એના મન:ચક્ષુ સામે પ્રસ્તુત થવા લાગ્યું…

ગઈ કાલે સવારે શ્યામૂનું બારમા ધોરણનું પરિણામ જાહેર થયું હતું. એ ફરીથી બારમા ધોરણમાં નાપાસ થયો હતો. શ્યામૂની નિષ્ફળતાથી એનાં પપ્પામમ્મી અત્યંત નિરાશ થઈ ગયાં હતાં. શ્યામૂ માટે ત્રણ શિક્ષકોનાં ટ્યૂશન રાખ્યાં હોવા છતાંય એ ત્રીજીવાર કેવી રીતે નાપાસ થયો તે એમને સમજાયું નહોતું. શ્યામૂ પણ એની નિષ્ફળતા માટે દ્વિધામાં હતો. એણે પોતાની આગળ બેઠેલા હોશિયાર વિદ્યાર્થીની ઉત્તરવાહીમાંથી જ કેટલાક પ્રશ્નોના ઉત્તરો સીધા જ ઉતારી દીધા છતાંય એ કેમ નાપાસ થયો હશે તે એને સમજાયું ન હતું. એ પેપર તપાસનાર પરીક્ષક પર ધૂંધવાયો હતો. શ્યામૂ અસ્વસ્થ મનોદશા અનુભવતો હતો ત્યારે જ એના પપ્પાએ એને ઠપકો આપ્યો હતો :
‘ભણવામાં થોડું ધ્યાન આપે તો આવું પરિણામ ન આવે…’
‘એવું શા પરથી માની લીધું કે હું ભણવામાં ધ્યાન નથી આપતો ?’
‘તો પછી નાપાસ કેમ થયો ?’ શ્યામૂના પપ્પાએ એને પ્રતિપ્રશ્ન કર્યો હતો.
‘કેમ નાપાસ ન થવાય ? નાપાસ થવું એ કૈં ગુનો છે ?’ શ્યામૂન અવાજમાં રુક્ષતા આવી ગઈ હતી.
‘ના. નાપાસ થવું, નિષ્ફળ જવું એ ગુનો નથી. એટલું જ નહીં, પણ નિષ્ફળતા જીવનમાં અનિવાર્ય છે અમુક હદ સુધી. નિષ્ફળતામાંથી માણસ કૈં શીખી શકે તો તે ઉપકારક નીવડે, પણ વારંવાર એનું પુનરાવર્તન થતું રહે તે બરાબર ન કહેવાય. તું ત્રીજી વાર નાપાસ થયો એટલે…’
શ્યામૂ છંછેડાઈ ગયો હતો : ‘ત્રણ વાર નહીં, ત્રીસ વાર પણ ફેઈલ થવાય. મેં મારાથી બનતી કોશિશ કરી, પણ હું ફેઈલ થયો એમાં મારો કૈં દોષ ?’ શ્યામૂના પપ્પા સમસમી ગયા હતા ને કૈં બોલી શક્યા ન હતા. પણ શ્યામૂની મમ્મીએ એને ધમકાવ્યો હતો : ‘કેમ, આવું નાખી દેવા જેવું બોલે છે ? શું તારો કૈં જ દોષ નથી ? તું રખડવાનું ઓછું કરે, ફિલ્મો ઓછી જુએ તો વધુ સારી રીતે અભ્યાસ કરી શકે, પણ તેં એમ ન કર્યું ને ખરાબ રીતે નાપાસ થયો ફરીવાર.’ અવાચક બનીને શ્યામૂ એની મમ્મી સામે તાકી રહ્યો હતો. મમ્મી આવું કદીયે બોલી નથી એને. એ આવું ન ગમે એવું બોલી શકે ? એ પણ પપ્પાની ‘હા’માં ‘હા’નો સૂર પુરાવવા લાગી !

શ્યામૂ ઉશ્કેરાઈ ગયો હતો : ‘તું પણ પપ્પા સાથે મળી ગઈ ને ? મમ્મી, હું નાપાસ થયો એનું મનેય દુ:ખ છે. આ સમયે તમારે મને સાંત્વન આપવું જોઈએ પણ એના બદલે તમે તો…’ શ્યામૂના શબ્દો એની મમ્મી પર અસર કરી ગયા હતા. એણે શ્યામૂના વાળમાં વાત્સલ્યથી હાથ ફેરવ્યો હતો : ‘અમે જે કહીએ છીએ તે શાંતિથી સાંભળ, બેટા ! છેવટે અમે તારાં માતાપિતા છીએ….’
‘તમે મારી સાથે જે રીતે વર્તો છો, બોલો છો તે જોતાં મને લાગે છે કે દુનિયામાં જાણે હું સાવ એકલો જ છું… મારું કોઈ જ નથી….’ પિક્ચરનો સંવાદ બોલતો હોય તેમ શ્યામૂએ કહ્યું હતું.
‘પણ બેટા….’ શ્યામૂની મમ્મીના અવાજમાં ભીનાશ હતી.
‘તું આઘી ખસ. માથું કાપી પાઘડી બાંધવાનો અભિનય કરીશ નહીં. તમે લોકો કેવા છો તે હું જાણું…’ શ્યામૂ બોલવાનું પૂરું કરે તે પહેલાં જ એના પપ્પાએ એના ગાલ પર એક સણસણતી લપડાક લગાવી દીધી હતી. શ્યામૂ સ્તબ્ધ બની ગયો હતો, ક્ષુબ્ધ બની ગયો હતો. એકાએક જ શું બની ગયું તે એને સમજાયું નહોતું. એનું માથું સુન્ન થઈ ગયું હતું. એ માથું બે હાથમાં પકડી બેસી ગયો હતો. શ્યામૂની મમ્મી હાંફળીફાંફળી પાણીનો પ્યાલો લઈ આવી હતી. શ્યામૂએ પગની ઠેસ મારી પાણી ઢોળી દીધું હતું.
શ્યામૂના પપ્પા વધુ ગુસ્સે થયા હતા : ‘તારે મનસ્વી રીતે વર્તવું હોય તો મારા ઘરમાં રહીશ નહીં. જા બહાર રખડી ખાજે….’ એના પપ્પાના શબ્દો શ્યામૂના હૈયા સોંસરવા ઊતરી ગયા હતા. કદીયે હાથ પણ ન ઉપાડે તે પપ્પાએ એને સણસણતી લપડાક મારી ઘર છોડી ચાલ્યા જવાનું કહ્યું તે એને હાડોહાડ લાગી આવ્યું હતું. એણે ત્વરિત નિર્ણય લીધો હતો ઘર છોડવા વિષે. એણે નક્કી કર્યું હતું કે જ્યાં એનું માન નથી ત્યાં હવે એ નહીં રહે.

અને કોઈને ખ્યાલ ન આવે એ રીતે ગઈ કાલે સાંજે જ શ્યામૂ ઘરને અલવિદા કહી સ્ટેશન આવ્યો હતો ને ઊપડતી ટ્રેનમાં બેસી ગયો હતો. હજી ય ટ્રેન ઊભી હતી. આ નાનકડા સ્ટેશન પર બીજી ટ્રેન સાથે ક્રૉસિંગ થતું હતું આ ટ્રેનને. બીજી ટ્રેન મોડી હતી. એની રાહ જોતી હોય તેમ શ્યામૂ બેઠો હતો તે ટ્રેન સુસ્તાતી હોય એમ ફેલાઈને રેલવેટ્રૅક પર પડી હતી. શ્યામૂની સામે બેઠેલી યુવતી જાગી ગઈ હતી. એ ચૂપચાપ કશું વિચારી રહી હતી. યુવતીથી થોડે જ દૂર, બર્થના છેડા પર હમણાં જ એક બાવો આવીને બેસી ગયો હતો. એણે મેલા રંગનો ભગવો ઝભ્ભો અને એવા જ રંગની લૂંગી પહેર્યાં હતાં. એના ગળામાં રુદ્રાક્ષની અને પ્લાસ્ટિકના લાલપીળા મણકાની માળાઓ હતી. એણે લાંબા જટિયાપટિયા વાળનો અંબોડો બાંધ્યો હતો. એની લાંબી દાઢી છેક છાતી સુધી આવતી હતી ને એમાં સફેદ-કાળા વાળ હતા. એનો વર્ણ સીસમ જેવો શ્યામ હતો. સતત ધૂમ્રપાન કરવાથી એના હોઠ શુષ્ક અને કાળા પડી ગયા હતા. એની આંખોમાં લાલ ડોરા છવાયેલા હતા. બાવા સાથે શ્યામૂની દષ્ટિ એક થતાં જ એ વિહવળ બની ગયો. બાવાથી ડરવાની એની ઉંમર નહોતી છતાંય ન સમજી શકાય એવો ભય એને ઘેરી વળ્યો. એનું હ્રદય ધબકતું જ અટકી જશે એવું લાગ્યું એને. એણે બાવા સામેથી દષ્ટિ હટાવી બારી બહાર જોવા માંડ્યું….

સવાર પડી છે એનો અણસાર આપતો વહેલી સવારનો સોનવરણો તડકો ચમકી રહ્યો હતો. સ્ટેશન પર હજી ખાસ અવરજવર શરૂ થઈ નહોતી કે પછી આ નાનકડા સ્ટેશન પર રોજ સવારે આવું જ શાંત વાતાવરણ રહેતું હશે તે શ્યામૂથી નક્કી ન કરી શકાયું. થોડે દૂર એક મકાનની તાજી જ વ્હાઈટવૉશ કરાવેલી દીવાલના છેડે ચામડીનાં દર્દો મટાડવાની દવાની જાહેરાત ચિતરાઈ ગઈ હતી. એ દીવાલ્ની પાસે આંબલીનું ઘટાદાર વૃક્ષ હતું. એની પર પુષ્કળ કાતરા લટકતા હતા. વૃક્ષની નીચે નાનકડી ચાની કેબિન હતી. કેબિનની અંદરની તરફ મોટો પ્રાયમસ મોટા અવાજ કરતો સળગી રહ્યો હતો. પ્રાયમસ પર એલ્યુમિનિયમના તપેલામાં ચા ઊકળતી હતી. દસ-બાર વર્ષનો એક છોકરો ઊકળતી ચાને ગળણીથી હલાવી રહ્યો હતો. કેબિન પાસે વૃક્ષની છાયામાં લાકડાની બેંચ પર કેટલાક ગ્રાહકો બેઠા હતા. બે-ત્રણ ખિસકોલીઓ પકડદાવ રમતી હોય એમ એકમેકની પાછળ દોડાદોડી કરી રહી હતી. વારંવાર તે આંબલીના થડ પર ચડતી હતી ને ઊતરતી હતી. વૃક્ષની ઘટામાંથી જ ટેલિફોનના તાર પસાર થતા હોવાથી એક મોટી ડાળી કાપી નાખવામાં આવી હતી. કપાયેલી ડાળના ઠૂંઠાને આધારે શહેરમાં ચાલતી ફિલ્મનું પોસ્ટર રાખેલું હતું. પાટિયા પર ચીપકાવેલા પોસ્ટરમાં ભેગા અક્ષરોમાં લખાયેલું ફિલ્મનું નામ શ્યામૂ ન વાંચી શક્યો, પણ બંને હાથમાં પિસ્તોલ રાખીને ઊભેલા અમિતાભ બચ્ચને એ તરત જ ઓળખી ગયો. અમિતાભ એનો પ્રિય કલાકાર છે. એનો એ ચાહક છે. અમિતાભની પોસ્ટરમાં છે તે અદા, બંને હાથમાં પિસ્તોલ રાખીને ફોડવાની એની સ્ટાઈલ માટે જ એણે આ ચિત્ર દસેક વાર જોયું હશે. એ ફિલ્મ જોયા પછી એણે અમિતાભની વિવિધ અદાઓવાળાં સ્ટિકર્સ, પોસ્ટર્સ અને ફોટોગ્રાફસ એકઠાં કર્યાં હતાં. એ ફિલ્મના ડાયલૉગ્સની કૅસેટ પણ એણે ખરીદી હતી ને થાક ન લાગે ત્યાં સુધી સાંભળી હતી. એને ફિલ્મના બધા જ સંવાદ લગભગ યાદ રહી ગયા હતા – અનાયાસે જ.

એ હિન્દી ચલચિત્રના નાયકની સાથે શ્યામૂથી પોતાની પરિસ્થિતિની તુલના થઈ ગઈ. ફિલ્મમાં નાયકના – અમિતાભના જીવનમાં બને છે એવી જ ઘટના એની સાથે પણ બની ગઈ હતી. ફિલ્મમાં પણ નાયક-અમિતાભ પિતા સાથે નજીવા કારણસર ઉદ્દભવતા મતભેદને લઈને ઘર છોડે છે. એ પણ શ્યામૂની જેમ પહેર્યાં કપડાંમાં ચાલી નીકળે છે ઘરમાંથી. ગૃહત્યાગ પછી નાયક કપરી પરિસ્થિતિમાં મુકાય છે. એના જીવનમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સંઘર્ષ શરૂ થાય છે. પણ હિંમતથી, ધૈર્યથી અને આત્મબળથી એ કપરી પરિસ્થિતિને પહોંચી વળે છે. સૌના બધા જ દિવસો કૈં સરખા જતા નથી. નાયકના જીવનમાં પણ નસીબનું ચક્કર એક નાની અમથી ઘટનાથી ફરી જાય છે. એક વાર કોઈ ખૂબસૂરત યુવતી – નાયિકા – બસસ્ટૉપ પર ઊભી હોય છે. એક ગુંડો એના હાથમાંથી પર્સ છીનવી દોડી જાય છે. નાયક-અમિતાભ પણ ત્યાં હોય છે એ સમયે. એ ગુંડાનો પીછો કરે છે ને એને પકડી પાડે છે. પછી જબરજસ્ત મારામારી થાય છે. ઢિશૂમ…ઢિશૂમ… મારામારીનું એ દશ્ય શ્યામૂને યાદ રહી ગયું હતું. ગજબની ફાઈટ હતી એ. ગુંડાની ધુલાઈ કરી, ચહેરા પરનો પ્રસ્વેદ શર્ટની બાંયથી લૂછતા નાયક અમિતાભ-પર્સ ખૂબસૂરત નાયિકાની નાજુક હથેળીઓમાં મૂકે છે. નાયિકા ખુશ થઈ એને ઈનામ આપવા જાય છે ત્યારે અમિતાભ એને રોકે છે : ‘રહને દિજીએ મૅડમ યે સબ મૈંને કુછ પાને કે લિએ નહિ કિયા…’
યુવતીનો નાજુક હાથ સ્થિર થઈ જાય છે. એ પોતાની સામે ઊભેલા અમિતાભના ચહેરા સામે મોટીમોટી, કાજળકાળી આંખો નોંધીને જોઈ રહે છે ટગરટગર. તારામૈત્રક રચાય છે. ક્ષણવારમાં જ બંને એકબીજાનાં બની જાય છે. નાયિકાના પિતા અમીર હોય છે. અમીર પિતાની ખૂબસૂરત પુત્રી સાથે રખડુ નાયકને પ્રેમ થઈ જાય છે ને પછી…..

‘સાહેબ, ચા લાવું ? ભજિયાં ગરમ ?’ એક ખાખી કોટવાળા છોકરાએ શ્યામૂને વિચારોમાંથી ઢંઢોળ્યો. શ્યામૂએ માથું ધુણાવી એને ના પાડી. રોજ સવારે શ્યામૂને ચા-નાસ્તો કરવાની ટેવ હતી. એને કૈંક ખાવાની ઈચ્છા થઈ પણ ખિસ્સામાં માત્ર દસ રૂપિયા જ હતા. એ ઘર છોડીને નીકળ્યો ત્યારે ઉતાવળમાં પૈસા લેવાનું પણ વીસરી ગયો હતો. હવે એની પાસે રહેલી દસ રૂપિયાની નોટ એણે જીવની જેમ સાચવવાની હતી.

શ્યામૂની સામે બેઠેલી યુવતી ચા મંગાવીને પીવા લાગી. ચાના કપમાંથી ઊઠતી ગરમગરમ વરાળને એ જોઈ રહ્યો. સવારના જાગતાં જ શ્યામૂને ચા જોઈએ જ. હજુ સુધી ચા નહીં મળવાથી એના પેટમાં વિચિત્ર અવાજો થઈ રહ્યા હતા ને ચૂંથારા જેવું પણ થતું હતું. સામે બેઠેલી યુવતી ગરમગરમ ચાની ધીમે ધીમે ચુસ્કીઓ લેતી હતી. શ્યામૂએ એના પરથી દષ્ટિ હટાવી લેવા કોશિશ કરી, પણ એને નિષ્ફળતા સાંપડી. યુવતીએ હોટલબૉયને પૈસા ચૂકવવા પર્સની ચેઈન ઉઘાડી. પર્સમાં ઘણા પૈસા હતા. શ્યામૂને થયું, આ ક્ષણે જ યુવતીનું પર્સ કોઈ ગુંડો છીનવી લે અને દોડી જાય તો ? એવું થાય તો એ ગુંડાનો પીછો કરે – પેલી ફિલ્મમાં અમિતાભ કરે છે તેમ. ગુંડા સાથે ઝાપઝપી થાય ને છેવટે એ પર્સ લાવી યુવતીને સોંપે. યુવતી એને કશી બક્ષિસ આપવા જાય ત્યારે એ એને અટકાવે. ખૂબસૂરત યુવતી અહોભાવથી ચિત્રની નાયિકા અમિતાભ સામે જોતી હતી તેમ એની સામે જુએ. તારામૈત્રક રચાય અને… અને…

એકાએક યુવતી ઊભી થઈ ગઈ ને બારી બહાર જોવા લાગી. બહાર કોલાહલ હતો. શ્યામૂએ પણ બારીમાંથી બહાર જોવા માંડ્યું. બીજા અનેક મુસાફર બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. કેટલાક નીચે ઊતરી ગયા હતા ટ્રેનમાંથી. સૌના ચહેરા પર કુતૂહલ હતું – શું થયું ? શું બની ગયું ? છેવટે શું બન્યું છે તે જાણી શકાયું. હમણાં જ એક ટ્રેન પસાર થઈ હતી તે રેલવે લાઈન પર એક યુવાને આત્મહત્યા કરી હતી. ત્યાં એક મોટું ટોળું જમા થઈ ગયું હતું. શ્યામૂ ક્ષુબ્ધ બની ગયો. કોણ હશી કમનસીબ યુવાન ? શા માટે એણે જીવન ટૂંકાવી દીધું હશે ? શું સમસ્યા હશે એના જીવનમાં ? શ્યામૂના મનમાં ઉદ્દભવેલા બધા જ પ્રશ્નોનો અંત પણ યુવાનની જિંદગી સાથે જ આવી ગયો હતો. કદાચ આ મનુષ્યશરીર જ બધી સમસ્યાઓનું કારણ છે, શ્યામૂએ વિચાર્યું. શરીરનો અંત આવી ગયા પછી બધું જ ખતમ થઈ જતું હોય છે….

ગાડીમાં બેઠેલા મુસાફરો અંદરો અંદર પણ આ દુર્ઘટના વિષે જ ચર્ચા કરી રહ્યા હતા. દરેકના માટે આ એક ઘટના હતી. સાવ સામાન્ય ઘટના. દુનિયામાં અનેક મનુષ્યો મૃત્યુ પામે છે એવી એક ક્ષુલ્લક ઘટના. મરનાર યુવાન કોઈનો પરિચિત નહોતો, એના મૃત્યુનો કોઈને શોક નહોતો, વ્યથા નહોતી. સૌને સમય પસાર કરવા માટે એક વિષય મળ્યો હતો. શ્યામૂની આંખ સામે ટ્રેન નીચે કપાઈ ગયેલા એક મહત્વાકાંક્ષી, તરવરતા અને ઉત્સાહી યુવાનની લાશ તરવરવા લાગી. એણે આંખો મીંચી દીધી. એને થયું, આ જગતમાં કોઈ કોઈને ઓળખતું નથી. સૌ પોતાનામાં વ્યસ્ત છે, મસ્ત છે. સૌ સંવેદનાહીન અને નિર્મમ કેમ બની ગયા હશે ? શું મનુષ્યનું સાચું રૂપ આ છે ? આવું વરવું રૂપ છે એનું ? કદાચ પોતાનું પણ આ ક્ષણે મૃત્યુ થાય તો ? શ્યામૂને પ્રશ્ન થયો. એ પ્રશ્ન કરોળિયાની જેમ એની ફરતે એક જાળ રચી રહ્યો. એ પહેલાં સહેજ છટપટ્યો ને પછી સંપૂર્ણ રીતે પ્રશ્નબદ્ધ થયો હોય તેમ સ્થિર થઈ ગયો. એને થયું, કદાચ એનું મૃત્યુ થાય તો પણ સૌ આમ જ નિસ્પૃહ થઈને જ રહે. એણે ચોમેર દષ્ટિ ઘુમાવી. મેલા ભગવા ઝભ્ભાવાળો બિહામણો બાવો બંને પગ બર્થ ઉપર રાખી ચલમના કશ લઈ રહ્યો હતો. શ્યામૂની સામે બેઠેલી યુવતી કોઈ ફિલ્મી સામાયિક વાંચતી અમસ્તું જ એનો લાંબો ચોટલો ગૂંથી રહી હતી. એક યુવાનનું થોડી વાર પહેલાં જ ખરાબ રીતે મૃત્યુ થઈ ગયું તે અતિ કરુણ ઘટના પણ કોઈને આંદોલિત કરી શકી નહોતી. કોઈના ય ભાવસરોવરમાં નાની અમથી કાંકરીની જેમ ફેંકાઈને આછેરા કંપ પણ પેદા કરી શકી નહોતી. કદાચ આ ક્ષણે પોતાનું આકસ્મિક મૃત્યુ થાય તો અહીં બેઠા છે તે સૌ જેમ કરે છે તેમ જ કરતા રહે. શ્યામૂથી નિશ્વાસ નંખાઈ ગયો. શૂન્ય આંખે, ઉદાસીનતાથી એ સૌને જોતો રહ્યો. એ મૃત્યુ પામે તો પણ પેલો બાવો બર્થ પર પગ રાખી ચલમના ઊંડા કશ લેતો જ રહે, એની સામે બેઠી છે તે યુવતી પણ ફિલ્મી સામયિક વાંચતી એનો લાંબો ચોટલો ગૂંથતી રહે અને બીજા મુસાફરો એના મૃત્યુને ટ્રેન ઊપડે ત્યાં સુધી સમય પસાર કરવાનો વિષય બનાવે. બસ એટલું જ. એનાથી વધુ એના મૃત્યુનું કોઈના ય માટે વિશેષ મહત્વ નહીં હોય.

શ્યામૂ ઉદ્વિગ્ન બની ગયો. અચાનક જ એને એનાં પપ્પા-મમ્મીનું સ્મરણ થઈ આવ્યું. એમના ચિંતાગ્રસ્ત ચહેરા એના મન:ચક્ષુ સામે ઊપસી આવ્યા. પોતાના એકના એક પુત્રની ચિંતામાં એ બંને દેહભાન ભૂલી ગયાં હશે, કિંકર્તવ્યમૂઢ બની ગયાં હશે. એને સ્કૂલમાંથી ઘેર આવવામાં થોડુંય મોડું થઈ જાય તો બેચેન બની જતી એની મમ્મીની સ્થિતિ-છેલ્લા બાર કલાકથી એણે ઘર છોડ્યું છે તે દરમ્યાનમાં – કેટલી કફોડી અને દયાજનક થઈ ગઈ હશે એ વિચારતાં શ્યામૂની આંખ ભીંજાઈ ગઈ. એની મમ્મી કદાચ રડીરડીને બેહોશ થઈ ગઈ હશે. એને કદીયે કશું કહેતા નહોતા એ પપ્પા પોતે ઉતાવળ કરી પુત્રને ઠપકો આપવા બદલ પોતાને કોસી રહ્યા હશે. હૃદયમાં કડવાશ હતી તે ઝડપથી, કાળા પાટિયા પર ભીનું પોતું ફરે તેમ ભૂંસાતી જતી હતી. કશુંક છૂટી ગયું હતું એની સાથે પુન:સંધાન થઈ રહ્યું હતું. શ્યામૂએ અમસ્તું જ બારી બહાર દષ્ટિ કરી. એની દષ્ટિને રોકતી એક ટ્રેન ઊભી હતી તેથી હવે એ અગાઉ જોઈ શકતો હતો તે ચાની કેબિન, આંબલીના ઘટાદાર વૃક્ષની આસપાસ દોડતી ખિસકોલીઓ અને વૃક્ષની કપાયેલી શાખા પર રહેલું અમિતાભની ફિલ્મનું પોસ્ટર હવે અદશ્ય બન્યાં હતાં. એની આગળ એક પડદો પડી ગયો હતો.

શ્યામૂએ જોયું કે સામેની લાઈન પર ઊભેલી ટ્રેન વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. એણે ડબ્બાની ઉપરના ભાગમાં ટ્રેન ક્યાંથી ક્યાં જઈ રહી છે તે દર્શાવતું બોર્ડ વાંચ્યું ને રોમાંચ અનુભવ્યો. સામે ઊભેલી ટ્રેન એના ગામ જઈ રહી છે. એમાં એ બેસી જાય તો સાંજે એનાં પપ્પામમ્મી પાસે પહોંચી જાય. શ્યામૂના મનમાં વિચારોની આવનજાવન ઝડપથી થવા લાગી. અચાનક શ્યામૂએ વ્હિસલ સાંભળી. એ બેઠો હતો તે ટ્રેન હવે ઊપડવાની તૈયારીમાં હતી. ઊપડતાં પહેલાં એક ધક્કો લાગ્યો. શ્યામૂએ પણ ભીતર કશુંક ધક્કા જેવું અનુભવ્યું. એ ઊભો થઈ ગયો ને ધીમે ધીમે ગતિ પકડી રહેલી ટ્રેનમાંથી નીચે ઊતરી ગયો. થોડી વારમાં જ ટ્રેન પસાર થઈ ગઈ. એણે હળવાશ અનુભવી. કશુંક વિચારતો એ ઊભો રહ્યો ક્ષણાર્ધ માટે. કંઈક છૂટી ગયું હતું એની સાથે એ ફરી જોડાઈ રહ્યો હતો – પુન:સંધાન અનુભવી રહ્યો હતો. પપ્પામમ્મી પાસે પહોંચી જવાની ઝંખના તીવ્ર બનતી જતી હતી. એ પોતાના ગામ ભણી જઈ રહેલી ટ્રેનમાં વધુ કૈં જ વિચાર્યા સિવાય બેસી ગયો ને એના ઊપડવાની રાહ જોવા લાગ્યો….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લડત – ગિરીશ ગણાત્રા
ક્યાં સુધી સહેશો પત્નીઓનો ત્રાસ ? – વિનોદ જાની Next »   

24 પ્રતિભાવો : પુન:સંધાન – બકુલ દવે

 1. સરસ લાગણીપ્રધાન વાર્તા. સુંદર વર્ણન.

  ” એનો ચહેરો એક બાજુએ, ડોક સહેજ નમી જવાથી ઝૂકી ગયો હતો – પુષ્પ પવનની લહેરથી દાંડી પર ઝૂકી જાય તેમ.”

  હાર્દીક અભીનંદન.

  -ગાંડાભાઈ.

 2. mohit says:

  o.k. story. Writer has concentrated much on narration but it could have been more insightful if he had expressed the child’s thought process more precisely rather than describing the surroundings which doesn’t go well with the story.

 3. shruti maru says:

  good artical

 4. સુંદર વાર્તા !! … આ વાર્તા બાળકોને સુસાહિત્ય સાથે સાંકળવાની જરૂરીયાતનું મહત્વ દર્શાવતી કદાચ એક વધુ સફળ કોશીશ પુરવાર થઈ શકે એમ છે… બસ, એ જરૂરીયાતને મૂળભૂત જરૂરીયાતોની યાદીમાં અનિવાર્યપણે સમાવી લેવામાં આવે તો….

  જે સમયગાળા દરમિયાન વૈચારિક ક્ષમતા અને કલ્પન ક્ષમતા અનેકગણી ઝડપે વિકસી રહી હોય ત્યારે જો ફિલ્મો અને નકામા સાહિત્યની સાથે-સાથે સુસાહિત્ય પણ જો મળી રહે તો મારું માનવું છે કે ખુબ મોટા પાયે બાળકો-યુવકોને અનૈછિક રસ્તે વળતાં અટકાવી શકાય …

  શાળાઓ જો આ કાર્ય કરવામાં નિષ્ફળ જતી હોય તો શાળાઓ પર દોષારોપણ કરવાને બદલે ઘરમાં જ જો આ પ્રકારનું વાતાવરણ વિકસાવવાની કોશીશ કરવામાં આવે તો મને લાગે છે કે કોઈ મા-બાપને કદાચ વાર્તામા બતાવેલા સંવાદો બોલવના નહિ આવે …

 5. PARESH PATEL says:

  ખુબ સરસ ઇન્ટરનેટ ઉપર આવી વાર્તા એ એમનું જમા પાસુ છે.

 6. Rajni Gohil says:

  માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ જેવા સંસ્કારો જ બાળકોને અણીને સમયે ઉગારી લેવામાં સહાયભૂત થતા હોય છે. શ્યામૂ પણ આવેશમાં આવી ખોટું પગલું ભરી બેસે છે પણ છેવટે સાચા રસ્તે આવી જાય છે એમાં એને મળેલા કોઇ સંસ્કારોનો ફાળો હશે.

  ફિલ્મની કેવી વિપરીતે અસરો થતી હોય છે એ બધાને ખબર છે. આની માઠી અસર ઘાતક ન બને તે માટે પ્રયત્ન કરવાનો સમય પાકી ગયો છે. નહીંતર અબ પછતાયે હોત ક્યા જબ ચીડિયા ચુગ ગયી ખેત જેવો વારો ન આવે. વાર્તા સરસ છે.

 7. ઈન્દ્રેશ વદન says:

  સારી વાર્તા. પરંતુ ઘણું સાધારણ આલેખન.

  ઝાડ હતું, ખિસકોલીઓ હતી, ટેલિફોનના તાર હતા, એલ્યુમિનિયમની તપેલી હતી…
  શું આ બધું હોવું જરૂરી હતું?!! WTH ?

 8. Balkrishna Shah,Vile Parle says:

  માતા પિતા સાથે ઝગડો થવાથી બાળક ઘર છોડી જાય તે વિષય હવે સામાન્ય કહેવાય. છતાં આવા
  વિષયને આગવી રજુઆતથી ચોટદાર બનાવી શકાય. હવે જમાનો ટુકા અને ચોટદાર આલેખનનો છે. આ
  વાર્તામાં વધુ પડતું લંબાણ અને બીન જરુરી હકીકતો છે. તેમ મારુ માનવું છે. શ્યામનું ઘર છોડવું અને
  પાછા વળવું વચ્ચેના પ્રસંગોમાં યુવતીની અને બાવાજીની હાજરી અપ્રસ્તુત લાગ્યાં. ઘર છોડવાની
  મનોભૂમિકાનું વિશ્લેષણ કર્યા પછી ગાડીમાં જ એકાદ ટૂંકો પણ ચોટદાર પ્રસંગ ઉભો કરી વાર્તાને સારી એવી
  ટૂંકાવી શકાઇ હોત.

 9. ભાવના શુક્લ says:

  એક તરુણ યુવકનુ મનોમંથન, અત્યંત સુક્ષ્મ મનોભાવો નુ સરળ ભાષામા આલેખન..છેક સુધી જકડી રાખતુ ક્રમશઃ ઘટના ચક્ર વળી ફ્લેશબેક ભાવો સાથે ભરાતુ જતુ વાર્તા તત્વ….. તરુણાવસ્થાની વિચારશૈલીને શબ્દોમા ભરવી એ ખુબ જ કપરુ છે જે અહી લેખને સરળતાથી લાદ્યુ.. અને એવુ કે વાચકને તમામ સ્પર્શી રહે..
  વાર્તાનુ મથાળુતો વળી છોગા સમાન…

  ખુબજ અને ખરેખર ખુબ સરસ વાર્તા.

 10. nayan panchal says:

  ટીનએજરોએ ખાસ વાંચવા લાયક વાર્તા. જીવનમાં આ હકીકત જો યોગ્ય સમયે સમજાઈ જાય તો પછી પૂછવુ જ શું ? જાગ્યા ત્યાંથી સવાર.

  આભાર,

  નયન

  નિષ્ફળ જવું એ ગુનો નથી. એટલું જ નહીં, પણ નિષ્ફળતા જીવનમાં અનિવાર્ય છે અમુક હદ સુધી. નિષ્ફળતામાંથી માણસ કૈં શીખી શકે તો તે ઉપકારક નીવડે, પણ વારંવાર એનું પુનરાવર્તન થતું રહે તે બરાબર ન કહેવાય.

  કદાચ આ મનુષ્યશરીર જ બધી સમસ્યાઓનું કારણ છે, શ્યામૂએ વિચાર્યું. શરીરનો અંત આવી ગયા પછી બધું જ ખતમ થઈ જતું હોય છે….

 11. Vaishali Maheshwari says:

  Thank you Mr. Bakul Dave.

  The minute description in this story made the story more live.
  While reading this story, I could feel each and every scenario myself.
  You have done a wonderful job of describing the smallest things so keenly.

  This story teaches a good lesson. If our parents scold us for something, we should not be hurted so much. We should try to improvise in the mistakes that we might have committed before. When sometimes we feel depressed or angry on our parent’s or anyone’s scoldings, we can always think the good times that we shared with them, the care and love that they have imparted to us, etc. etc. This way our anger will get dissolved and we will not think of going on a wrong track.

  Mistakes always happen, but we need to learn something from our mistakes and make sure that we do not keep continuing the mistakes just like Shyamu did.

  Thank you once again.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.