ક્યાં સુધી સહેશો પત્નીઓનો ત્રાસ ? – વિનોદ જાની

[ હળવા લેખોના પુસ્તક ‘જોજો કોઈને કહેતા !’ માંથી સાભાર.]

પુરુષો જાગો.
સ્ત્રી સમોવડા બનવા તમારા અધિકાર માગો.
કયાં સુધી સહેશો પત્નીઓનો ત્રાસ ?
રોજેરોજ તમે ઘરવાળીના કોઈ ને કોઈ નવા વટહુકમના તાબેદાર થતા જાવ છો. જરા વિચારો, તમે જે જમો છો, તમે જે વસ્ત્ર ધારણ કરો છો, તમે જે બૂટ-ચંપલ પહેરો છો, આ બધું તમારી પસંદગીનું હોય છે ? અરે તમે તમારી પસંદગીની સ્ટાઈલના વાળ પણ કપાવી શકતા નથી. તમારાં ચશ્માંની ફ્રેમ કોણ પસંદ કરે છે ? તમે ફસાઈ ગયા છો દોસ્ત. તમારા માટે બધું જ તમારાં પત્ની પસંદ કરે છે. તમારા નામે બધું પસંદ થાય છે પણ તેમાં તમારી પસંદગી હોતી નથી. એકવાર ભૂલમાં પત્ની પસંદ કરી લીધા પછી બીજી કોઈ પસંદગી માટે તમારો હક બનતો નથી. તમે નહીં માનો પણ હવે પુરુષોનું બજાર બેસી ગયું છે. અમારા શાંતિકાકા તો કહે છે, પુરુષ પેદા થયો છે ત્યારથી એની માર્કેટવેલ્યુ ડાઉન થયેલી છે. આજકાલ મહિલાઓનો જમાનો છે.

પત્નીઓથી પરેશાન અમારા કેટલાક મિત્રોની એક ખાનગી સભા મળી હતી. અમારા મિત્ર રસિક રોકડીનાં શ્રીમતીજી એમના પિયર ગયાં હોઈ સભાસ્થળ રસિક રોકડીનું ઘર જ હતું. આ સભામાં લલ્લુ, મનુ મસાલો, રમણ ખોપરી, ચંદુ માસ્તર, ચમન છીંકણી, મંગુ મારવાડી, હું અને જગો જોષી જેવા પત્નીઓથી ત્રાસેલા ધુરંધરો ભેળા થયા હતા. ચર્ચાનો વિષય હતો ‘પુરુષો સ્ત્રી સમોવડા ક્યારે થશે ?’

અમારો મિત્ર લલ્લુ એક સમયે રથયાત્રામાં મગની થેલી સાથે સૌની આગળ રહેતો. આજની ચર્ચાનો પ્રારંભ પણ તેણે જ કર્યો. ‘આપણા દેશમાં જાતજાતના દિવસો ઉજવાય છે : શિક્ષકદિન, બાળદિન, વૃદ્ધદિન, સૈનિકદિન, મહિલાદિન, અપંગદિન, અંધદિન જેવા અનેક દિનની ઉજવણી થાય છે. એક પુરુષદિનની ઉજવણી થતી નથી. આપણે પુરુષો જો સંગઠિત બનીએ તો ‘પુરુષદિન’ની ઉજવણીનો પ્રારંભ કરી શકીએ. પછી મહિલાઓની તાકાત છે કે……’ લલ્લુ આગળ બોલે ત્યાં ટેલિફોનની ઘંટડી રણકી, રસિક રોકડીએ ફોન ઉપાડ્યો. સામે છેડેથી લલ્લુનાં શ્રીમતીજીનો ગુસ્સા સાથેનો ઘોઘરો અવાજ સંભળાયો.

રસિકે લલ્લુને ફોન આપતાં કહ્યું, ‘લે ભૈ લલ્લુ…. તારી ઘરવાળી તો અહીં પણ તારો પીછો છોડતી નથી.’ લલ્લુ ગભરાયો. કથામાં જવાનું બહાનું કાઢીને લલ્લુ અહીં આવ્યો હતો. લલ્લુ ઢીલો પડી ગયો. એને પરસેવો થવા માંડ્યો. ફોન પર થોથવાતા અવાજે એ બોલ્યો, ‘હલો….. હું બોલું છું તારો લલ્લુ…’ એ આગળ કંઈ બોલે તે પહેલાં તો તેની પત્નીનો પ્રચંડ અવાજ આખા ઓરડામાં પથરાઈ ગયો. ‘કથાનું બહાનું કાઢીને ગયા છો, પણ હવે ઘેર આવો એટલે તમારી કથા કરું છું. હું તમારી રાહ જોઈને બારણે જ ઊભી છું.’ બસ પ્રેમની આટલી જ વાત ને ફોન ધડાક દઈને મુકાઈ ગયો. લલ્લુને ચક્કર આવી ગયા.
‘પુરુષદિન’ ઉજવણીનો કાર્યક્રમ શું રહેશે લલ્લુભાઈ ?’ ચમન છીંકણીએ છીંકણીની દાબડી ખોલી તેમાંથી ચપટી ભરી તેનો સડકો લેતાં પૂછ્યું.
‘હમણાં મારું મગજ કામ કરતું નથી.’ લલ્લુએ ધ્રૂજતા અવાજે કહ્યું.
‘હા, સેફટી ફર્સ્ટ. કાર્યક્રમ મોડો કે વહેલો થાય તે ચાલે પણ એવો કાર્યક્રમ કરવા જતાં ક્યાંક લેવાના દેવા પડી જાય તો પાછી ઉપાધિ.’ ચંદુ માસ્તરે ઠાવકાઈથી કહ્યું.

લલ્લુને કળ વળે ત્યાં બારણાની ઘંટડી રણકી. રસિક સફાળો ઊભો થઈ ગયો. ત્યાં પડેલી એશટ્રે ઉપાડીને દોડ્યો અંદર. થોડી વારે બહાર આવ્યો ત્યારે તે તેના ભીના હાથ નેપ્કિનથી લૂછતો હતો.
‘રસિક, હાથ ધોઈ આવ્યો ભાઈ ?’ રમણ ખોપરીએ ઠંડકથી પૂછ્યું.
‘ના. કપરકાબી ધોઈને આવ્યો.’ રસિક રોકડીએ ફરજ અદા કર્યાના ગૌરવ સાથે જવાબ આપ્યો અને ઉમેર્યું, ‘યુ.સી… રમણ, તારાં ભાભીને બધું વ્યવસ્થિત ગમે. મેં કર્યું હોય તો વધારે ગમે.’ રસિકે ઘરમાં બધું વ્યવસ્થિત છે તેની નોંધ લઈ પછી ધીમેથી બારણું ખોલ્યું. રસિકની ધારણા હતી કે તેનાં શ્રીમતીજી આવ્યાં હશે, પણ નીકળ્યો પસ્તીવાળો.’
‘શું છે ?’ રસિકે પૂછ્યું.
‘પસ્તી…’
‘બહાર ગઈ છે…’ એટલું બોલી રસિકે બારણું બંધ કર્યું. બધા મિત્રો ખડખડાટ હસ્યા. રસિકને સમજાઈ ગયું. પોતે પત્નીને ભૂલમાં ‘પસ્તી’ સાથે સરખાવી બેઠો હતો.

‘આપણા કોઈની કુંડળીમાં સ્ત્રી સમોવડા થવાના ચાન્સ નથી.’ જગા જોશીએ અમારા ગ્રહો સાથે રૂબરૂ મળીને વાત કરી હોય તેમ કહેવા માંડ્યું.
‘તમે બધા સ્ત્રીઓની જોહુકમીમાંથી મુક્ત થવા ઈચ્છો છો પણ મારા જ્યોતિષ પ્રમાણે તો આવનારા દિવસોમાં પુરુષજાત વધુ ને વધુ સ્ત્રીઓની ગુલામી થતી જશે.’
‘તે હેં જગલા ! સાલો આપણો તો જમાનો જ નહીં આવે ?’ મનુ મસાલાએ નિરાશા વ્યક્ત કરતાં પૂછ્યું.
‘આવશે… જરૂર આવશે..’ એટલું બોલી જગા જોશીએ બન્ને હાથની આંગળીઓનાં વેઢાં ગણવા માંડ્યાં.
‘પૂરાં તો છે ને ?’ ચંદુ માસ્તરે પૂછ્યું.
‘શું ?’ જગાએ સામે પૂછ્યું.
‘તારી આંગળીઓનાં વેઢાં’ ચંદુ માસ્તરના આવા જવાબથી જગો ખીજાયો. ‘હું તો તારી ભાભીએ મને સોંપેલાં આજનાં કામ ગણતો હતો.’
‘આટલાં બધાં કામ તારે કરવાનાં હોય તો પછી અમારાં ભાભીએ શું કરવાનું ?’ મંગુ મારવાડીએ પૂછ્યું.
‘હું જો કોઈ કામ કરવાનું ભૂલી જાઉં તો તે મને યાદ કરાવવાનું કામ એનું.’ જગાએ સ્પષ્ટતા કરી.
‘તારા કરતાં મારી સ્થિતિ સારી છે.’ હાથમાંનો મસાલો ચોળતાં મનુ મસાલાએ કહ્યું, ‘એઠાં વાસણ ભેળાં કરી એ જ ચોકડીમાં મૂકી દે પછી મારું કામ શરૂ થાય.’ મનુ મસાલાની ચોખવટથી લલ્લુના ચહેરા પર ચમક આવી. માણસ પોતાની નબળાઈ પર દુ:ખી થાય છે પણ એ જ નબળાઈ બીજામાં જુએ છે ત્યારે તેનું અડધું દુ:ખ દૂર થઈ જાય છે.

આમ છતાં સ્ત્રી સમોવડા થવા માટે થાય તે કરવું જ જોઈએ એવા નિશ્ચયથી આ સભાજનો ડગ્યા નહીં.
‘આપણાથી પુરુષોના ઉદ્ધાર માટે કંઈ થઈ શકે તેમ ન હોય તો તે અંગે આપણે સ્ત્રીઓની સલાહ લેવામાં સંકોચ ન રાખવો જોઈએ.’ રમણ ખોપરીએ નવો પ્રસ્તાવ રજૂ કર્યો.
‘હા, મને લાગે છે આપણે સૌએ આપણાં શ્રીમતીજીઓનું જ માર્ગદર્શન મેળવવું જોઈએ.’ ચમન છીંકણીએ ઉત્સાહમાં આવી જઈને રમણની વાતમાં સૂર પુરાવ્યો.
‘એકદમ બરાબર છે, ગમે તેમ તો તેઓ આપણી અર્ધાંગિનીઓ છે. આપણે એમનાથી વધુ કોનામાં વિશ્વાસ મૂકી શકીએ ?’ મનુ મસાલાએ ગમતી વાત આવી એટલે ઝંપલાવ્યું.
‘ભૈ વાત પત્ની સુધી આવી છે એટલે હું મારો સાચો મત વ્યક્ત કરું છું. આપણી પત્નીઓ આપણા પર જે અધિકાર ભોગવે છે એનું તો આપણને ગૌરવ હોવું જોઈએ. આફટરઑલ પત્ની જરા રૂઆબદાર હોય તો ગમે. મને તો ગમે છે. સાચું કહું, પત્નીના આદેશ પ્રમાણે કામ કરવાનો આનંદ આવે છે યાર !’ રસિક રોકડીએ મનની વાત પ્રગટ કરી દીધી.
‘અરે યાર રસિક, તેં તો મારા હોઠ પરની જ વાત છીનવી લીધી.’ લલ્લુએ ઊભા થઈ દિલની વાત કહેવા માંડી. ‘સાચું કહું, મને તો પત્નીથી લાગતા ડરની મજા આવે છે. એનાં કપડાંને ઈસ્ત્રી કરતાં ક્યાંક કરચલી રહી જાય છે ત્યારે તે મને સાવ ડફોળ કહે છે તે સાંભળવાની મજા પડે છે. આપણે સ્ત્રી સમોવડા થવા જતાં આવો આનંદ ખોઈ બેસીશું.’ લલ્લુના ચહેરા પર અનોખી ચમક છવાઈ ગઈ.

‘ઈશ્વરે આપણને બચાવી લીધા છે. અંતે આપણે સત્યને માર્ગે આવી ગયા છીએ. સ્ત્રીઓ કેટકેટલી સંભાળ લે છે આપણી ! ભોજન, કપડાં, જૂતાં વગેરેની પસંદગી માટે સમય ફાળવે છે. આપણું આરોગ્ય જળવાય તે માટે આપણને સતત ઘરકામમાં ડુબાડી રાખે છે. આપણી કમાણીના સર્વ રૂપિયાનો વહીવટ સંભાળી આપણને હિસાબની કડાકૂટમાંથી બચાવે છે. આપણે સ્ત્રીઓનો આભાર માનીએ તેટલો ઓછો છે.’ ચમન છીંકણીએ હૈયું હળવું કરતાં કહ્યું.
હવે મારામાં પણ હિંમત આવી. મેં સાનંદ કહ્યું, ‘આપણે સૌ હ્રદયથી શુદ્ધ છીએ. છેવટે આપણે જે માનીએ છીએ તે જ વાત બહાર આવી છે. આપણા પર સ્ત્રીઓનો અંકુશ ન હોત તો આપણો આટલો વિકાસ થયો જ ન હોત. સ્ત્રીઓએ આપણને પતિનું પદ આપીને આપણું સન્માન કર્યું છે. સ્ત્રીઓમાં જાગૃતિ છે માટે આપણે જાગૃત થવાની જરૂર નથી. સ્ત્રીઓની આપણા માટેની પસંદગી ઉત્તમ જ હોય છે. તેમના આદેશ પ્રમાણે જીવવાની મજા બીજે ક્યાં મળવાની ? આપણે સ્ત્રી સમોવડા નથી થવું. ઈશ્વર સ્ત્રીઓને વધુ ને વધુ શક્તિ આપે જેથી તેઓ આપણા જીવનની જવાબદારી સંભાળી શકે.’

મારી વાત પૂર્ણ થતાં જ સૌ ગેલમાં આવી જઈ ઊભા થયા અને સમૂહમાં ગાવા લાગ્યા…
‘કે ભાઈ અમારે સ્ત્રી સમોવડા નથી થાવું,
કચરાપોતાં કરવા, અમારે કપડાં વાસણમાં ગૂંથાવું,
કે ભાઈ અમારે સ્ત્રી સમોવડા નથી થાવું….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પુન:સંધાન – બકુલ દવે
સંધ્યાટાણું – દિનકર જોષી Next »   

22 પ્રતિભાવો : ક્યાં સુધી સહેશો પત્નીઓનો ત્રાસ ? – વિનોદ જાની

 1. shruti maru says:

  બહુ મજા આવી ગઈ વિનોદભાઈ.
  પણ બધી સ્ત્રી આવી થોડી જ હોય. કંઈકં પણ હોય સુધરવાની જરુર પતિ અને પત્ની બંન્ને ને છે.જો સુધરી જાય તો આ લેખ લખવા નો સમય જ ન આવે.હા…હા….હા…..

 2. parthrawal says:

  બહુ મજા આવી ગઈ વિનોદભાઈ

  સાર ઉક્તઓ
  એકવાર ભૂલમાં પત્ની પસંદ કરી લીધા પછી બીજી કોઈ પસંદગી માટે તમારો હક બનતો નથી.
  માણસ પોતાની નબળાઈ પર દુ:ખી થાય છે પણ એ જ નબળાઈ બીજામાં જુએ છે ત્યારે તેનું અડધું દુ:ખ દૂર થઈ જાય છે.
  ઈશ્વર સ્ત્રીઓને વધુ ને વધુ શક્તિ આપે જેથી તેઓ આપણા જીવનની જવાબદારી સંભાળી શકે.’

  પારથ

 3. Soham says:

  માણસ પોતાની નબળાઈ પર દુ:ખી થાય છે પણ એ જ નબળાઈ બીજામાં જુએ છે ત્યારે તેનું અડધું દુ:ખ દૂર થઈ જાય છે. — એક દમ સાચી વાત..

  વિનોદ ભાઈ નું કહેવુ ન પડે.

 4. મનિષ શાહ says:

  બહુ મજા આવી ગઈ વિનોદભાઈ. પ્રીન્ટ કરીને ઘરે પત્નિને વંચાવવા લઈ જાઉં છું. 🙂

 5. shruti says:

  Very nice story..

 6. pragnaju says:

  મઝાનો વ્યંગ…હંમણા નારીની વિચારસરણીને ધ્યાનમાં રાખીને એક સર્વે કરવામાં આવ્યો ત્યારે આવું તારણ નીકળ્યું હતું.રસોઇની આવડત એ સ્ત્રીની લાગણી છે. ઘરમાં કઇ વ્યક્તિને કેવો ખોરાક પસંદ છે તેની જાણ રસોઇની રાણી અને ઘરની મહારાણીને જ ખબર હોય છે. આ વિશે સાઇક્યિટ્રીસ ડોક્ટરોનું પણ કહેવું છે કે, ‘આજ- કાલ પતિ- પત્ની વચ્ચેના સંબંધઓમાં મીઠાશ કરતા દરાર વધુ જોવા મળે છે તેની પાછળના કારણમાં રસોઇ પણ એક કારણ છે. દરેક પતિની ઇચ્છા હોય કે તેની પત્ની તેના માટે ભાવતંુ ભોજન બનાવે. જે આજના જમાનામાં શક્ય નથી. ટિફિન કે રસોઇયાએ બનાવેલી રસોઇ જમવાની, એમાં પણ ક્યારેક તો એકલા પણ જમી લેવું પડે. આમ વારંવાર થવાથી પ્રેમની જે લાગણી હોય તે ઓછી થતી જાય છે.’

 7. ભાવના શુક્લ says:

  ખુબ સરસ કે
  ……………..
  ‘આપણે સૌ હ્રદયથી શુદ્ધ છીએ. છેવટે આપણે જે માનીએ છીએ તે જ વાત બહાર આવી છે. આપણા પર સ્ત્રીઓનો અંકુશ ન હોત તો આપણો આટલો વિકાસ થયો જ ન હોત. સ્ત્રીઓએ આપણને પતિનું પદ આપીને આપણું સન્માન કર્યું છે.

  સ્ત્રીઓમાં જાગૃતિ છે માટે આપણે જાગૃત થવાની જરૂર નથી.

 8. rutvi says:

  ‘શું છે ?’ રસિકે પૂછ્યું.
  ‘પસ્તી…’
  ‘બહાર ગઈ છે…’ એટલું બોલી રસિકે બારણું બંધ કર્યું. બધા મિત્રો ખડખડાટ હસ્યા. રસિકને સમજાઈ ગયું. પોતે પત્નીને ભૂલમાં ‘પસ્તી’ સાથે સરખાવી બેઠો હતો.

  હા…હા……..હા હા……

 9. mohit says:

  સ્વ. વિનોદ જાની સાહેબ, ઉત્તમ હાસ્ય લેખક, ઉત્તમ નાટ્ય લેખક અને ઉત્તમ શિક્ષક !
  શ્રી વિધ્યાનગર માધ્યમિક શાળામાં તેમના શિક્ષણનો લાભ મેળવવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. સ્વ. જાની સાહેબની કૃતિ આપવા બદલ ધન્યવાદ!

 10. mukesh thakkar says:

  it was nice and funny.

 11. shilpaprajapati says:

  good, very nice way

 12. Dipak Patel says:

  Its a wondarful

 13. Dipak Patel says:

  Its wondarful I Like very much

 14. nayan panchal says:

  સો વાતની એક વાત, એકવાર ભૂલમાં પત્ની પસંદ કરી લીધા પછી બીજી કોઈ પસંદગી માટે તમારો હક બનતો નથી.

  વિનોદ ભટ્ટના પરમ મિત્ર વિનોદ જાનીજીનો સરસ હાસ્યસભર લેખ.
  મને પરણ્યાને હજી ૨ મહિના પણ નથી થયા, પણ મારે સહમત થવુ જ પડશે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.