સંધ્યાટાણું – દિનકર જોષી

smd-83865

સંધ્યાકાળ શબ્દ સાંભળતાવેંત આપણને સાંજનો સમય યાદ આવે છે. સંધ્યાકાળ એટલે સાંજ એવું શી રીતે બન્યું હશે એ તપાસ કરવા જેવો વિષય છે. ખરેખર આ સંધ્યાકાળ શબ્દ સંધિકાળમાંથી બન્યો છે. દિવસ અને રાત એટલે કે પ્રકાશ અને અંધકાર જે ક્ષણે પરસ્પરને મળે છે, એ ક્ષણ સંધિકાળ થાય છે. આવો સંધિકાળ સૂર્યોદય અને સૂર્યાસ્ત એમ બંને સમયે થતો હોય છે. વૈદિક પરંપરામાં જે સંધ્યા વંદન કરવાનું કહેવામાં આવ્યું છે, એમાં સવાર અને સાંજ બંને સમય અભિપ્રેત છે. આ સંધ્યાકાળ માટે પારંપારિક અર્થમાં સાંજ, દીવાટાણું, ગોરજ વેળા, મા’રાજ મેર બેસવાનું ટાણું, રૂઝ્યું વળવાનું ટાણું, ઝાલર ટાણું – આવા આવા અનેક પર્યાયવાચી પ્રયોગો આપણે ત્યાં પ્રચલિત છે. આ બધા શબ્દોમાં આપણા ગ્રામ્યજીવનનું જ દર્શન થાય છે. આમાં, ક્યાંય નગરસંસ્કૃતિ નથી. આમાંના ઘણાખરા શબ્દોની અસલિયત વચ્ચેથી પસાર થવાનું સદભાગ્ય મને મળ્યું છે.

બંધ ડેલામાં ચાર ભાઈઓનો પરિવાર વસતો હોય એટલે એક જ ઓસરીએ પણ સામસામા દરવાજે ચાર ઘર હતા. સમયનું માપ તડકા ઉપરથી લેવાતું. તડકો ફળિયામાં ક્યાં સુધી પહોંચ્યો કે કેટલો આગળ વધ્યો એના આધારે સાંજ પડવા આવી, એવું નક્કી થાય. સાંજ પડવાનું પહેલું સૂચન, અંદરના ઓરડેથી એક-બે ફાનસ અને એક-બે ટમટમિયા લઈને બહાર ઓસરીમાં આવી પહોંચતી ઘરની વહુવારુ જ સહુથી પહેલું કરે. ફાનસની ચીમની ઉતારીને એને ચૂલાની રાખથી સાફ કરે અને પછી એની વાટ પર આગલી રાતે જો મોઘર બળી ગઈ છે, એવું લાગ્યું હોય તો કાતરથી કાપીને સરખી કરે. ફાનસની સાફસૂફી પૂરી થાય એટલે ટમટમિયું હાથ પર લેવાય. ટમટમિયાનો પ્રકાશ ઓછો પડે પણ ઘાસતેલય ઓછું બળે. જ્યાં ડીમલાઈટની જરૂર હોય ત્યાં ટમટમિયું ખપમાં લેવાય. ચીમની સાફ થઈ જાય, વાટ સરખી થઈ જાય પછી એમાં ઘાસતેલ પુરાય. એક ફાનસ રસોડામાં મુકાય. આ રસોડાને અમે રાંધણિયું કહેતાં. રાંધણિયામાં એક લાકડાનો હડફો હતો. આ હડફામાં દૂધ, દહીં, રોટલાનું ગરવું વગેરે વગેરે સામગ્રી રાખવામાં આવે. વખત જતાં આ હડફાની જગ્યાએ પાંજરું આવ્યું હતું. લાકડાના આ પિંજરોને ઝીણી જાળીવાળા દરવાજા હતા. ઝીણી જાળીમાંથી હવા આવજા કરે એટલે અંદર મૂકેલા ખાદ્યપદાર્થો જલદી બગડે નહીં.

ફાનસ પેટાવ્યા પહેલાં ઘરની દેવપૂજા જ્યાં રાખી હોય એ ગોખલામાં ઘીનો દીવો પ્રગટે. ફળિયામાં ક્યારામાં તુલસીનો છોડ હોય, ત્યાં પણ અગરબત્તી થાય. એ પછી પ્રકાશ ઓઝપાઈ ગયો હોય અને અંધકાર વિસ્તરતો જતો હોય ત્યારે ફાનસ પેટાવવામાં આવે. પેટાવેલું પહેલું ફાનસ ઘરના ઉંબરાના બારસાખમાં વચ્ચોવચ એક ખાસ ખીંટીંમાં ભેરવીને ગોઠવવામાં આવે. ઘરમાં પ્રગટેલા પ્રકાશનું પહેલું કિરણ માત્ર ઘરના ઓરડાને જ અજવાળે એ પૂરતું નથી. એ કિરણનો પ્રકાશ બહાર ઓસરીમાં અને એથીય આગળ વધીને ફળિયામાં એટલે કે શેરી સુધી પહોંચવો જોઈએ. પ્રકાશનો જે સ્ત્રોત ઘર અને બહાર એમ બંનેને ઉજાળે એ સ્ત્રોત જ વધુ આવકાર્ય કહેવાય. વચલા ઓરડામાં ટમટમિયું ચાલે, કેમ કે અહીં રસોડાના અને ઉંબરાના એમ બંને ફાનસનો પ્રકાશ ઠલવાતો હોય.

આ દીવાબત્તી ટાણા જેવી જ કામગીરી ઝાલર ટાણાની પણ થાય. ગામના ઠાકર દુવારે આ વખતે રામપંચાયતનની આરતી કરવા માટે પૂજારી પહોંચી જાય. ગામના પાદરમાં બીજું એક શિવમંદિર. આ શિવમંદિરની આરતી અમારા પરિવારમાંથી જ કોઈને કોઈ કરતું હોય. ઝાલરટાણું થઈ ચૂક્યું છે એટલે આરતીમાં આવી પહોંચવાનો સંકેત કરતી હોય એવી એક દાંડી નગારા ઉપર ટીપવામાં આવતી. નગારાની આ દાંડી સાંભળીને આસપાસના ઘરોમાંથી જેમને આરતીમાં હાજર રહેવું હોય તેઓ પહોંચી જાય. પહેલાં રામજી મંદિરે આરતી થાય અને ‘શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ’ આ સ્તુતિ ગવાય. આરતી પૂરી થાય એટલે પ્રસાદ પણ વહેંચાય. અને આ રામજી મંદિરની આરતીની ઝાલર જેવી શાંત થઈ જાય કે તરત જ શિવમંદિરની ઝાલર રણકી ઊઠે. રામજી મંદિરેથી જમણા હાથની હથેળીમાં પ્રસાદ લઈને એકઠાં થયેલા સહુ શિવમંદિરે પહોંચી જાય અને પછી ‘પ્રથમ સોરઠી સોમનાથ, નિત દર્શન દેજો’ની આરતી ગવાય. શિવ મંદિરે આરતી પૂરી થાય પછી પ્રસાદ ન મળે. શિવજીના લિંગ ઉપર લટકાવેલી ગળતી ઉતારી લેવામાં આવે.

સંધ્યાકાળ માટે વપરાતો ત્રીજો શબ્દ ‘ગોરજણું’ અથવા ‘ગોધૂલિવેળા’ હતો. ગામના પાદરને વળોટીને ખુલ્લા વગડામાં ચરવા ગયેલું ગાયોનું ધણ લઈને ભરવાડ આ ટાણે ગામમાં પાછો ફરે. અમારા ગામમાં ગાયોના ધણ ઉપરાંત ભેંસોનું ખાડું પણ ભરવાડ વગડામાં લઈ જતો. આ ઉપરાંત ઘેટાંબકરાં પણ ખરાં. મૂળ શબ્દ ગોરજ અથવા ગોધૂલિ છે એમાં માત્ર ગાયો જ અભિપ્રેત છે. આ ધણ ગામમાં દાખલ થાય એટલે એની ખરીઓને કારણે કેડાની ધૂળ ઊડે. આ ધૂળ અથવા ગોધૂલિ કહેતા. ગામમાં કોઈનાં લગ્ન હોય તો હસ્તમેળાપ સંધ્યાટાણે જ થાય અને છપાયેલી કંકોતરીમાં હસ્તમેળાપનો સમય ગોરજટાણે કે ગોધૂલિવેળાએ એટલું જ લખવામાં આવે.

‘મા’રાજ મેર બેસવાની વેળા થઈ’ એવો પ્રયોગ પણ અવારનવાર થતો. આ મા’રાજ એટલે ભગવાન સવિતાનારાયણ અને મેર એટલે છેડો અથવા અંત. (આ મેર શબ્દનો અર્થ છેડો અથવા અંત થાય છે એ તો ઘણા વરસ પછી ‘ભગવદગોમંડળ’માં જોયું ત્યારે જ સમજાયું હતું. મેઘાણીના ગ્રંથો ‘રસધાર’ કે ‘બહારવટિયાઓ’માં મા’રાજ મેર બેસવાની વેળા થઈ’ આવો પ્રયોગ અનેક વખત વાંચ્યો હતો ખરો.) સૂર્ય રાજાઓનો રાજા એટલે મહારાજ છે. આ મહારાજના ઊગવા અને આથમવા ઉપર આખીય સૃષ્ટિનો ક્રમ બંધાયો છે. વરસની ઠંડી, ગરમી અને વર્ષા પણ આ મહારાજને જ આભારી. લોકબોલીએ એનો સ્વીકાર કર્યો. મા’રાજ મેર બેસવાની વેળા થઈ – આમ કહેતી વેળાએ મેર શબ્દને પુરાણકાળના મેરુ પર્વત સાથે સંબંધ છે એ આપણને યાદ નથી આવતું. મેરુ પર્વતના અનેક કાવ્યમય કથાનકો પુરાણોમાં ઠેર ઠેર મળે છે. આ મેરુને લોકબોલીમાં મેર કહ્યો છે. મેર એટલે શિખર આવો અર્થ ભગવદગોમંડળે પણ સ્વીકાર્યો છે. રાજાઓનો રાજા એવો મહારાજ સૂર્ય જ્યારે દૂર દૂર દેખાતા શિખરની ટોચ ઉપર જઈ પહોંચે, ત્યારે હવે દિવસ આથમવાની વેળા થઈ એવો એમાં સંકેત છે. લોકબોલીમાં તદ્દન સાહજિકતાથી પ્રયોજાતા શબ્દો પાછળ કેવી રમ્ય કલ્પના હોય છે, એનું આ સુંદર ઉદાહરણ છે.

આવો જ, સાંજ માટે પ્રયોજાતો બીજો લોકબોલીનો શબ્દ રૂઝ્યુ વળવાની વેળા પણ છે. અહીં મૂળ શબ્દ રૂઝવું છે. કોઈ જખમ, ઘા કે પીડા જ્યારે શમવા માંડે ત્યારે દર્દમાંથી મુક્તિ મળવા માંડે છે. આને આપણે રૂઝવું કહીએ છીએ. મૂળ અર્થ પ્રમાણે રૂઝવું એટલે શાતા વળવી, આરામ થવો. લોકબોલીએ આ રૂઝવુંનું રૂઝ્યુ કરી નાખ્યું છે. દિવસભરની દોડધામ અને જીવનનિર્વાહના પરિશ્રમ પછી સૂરજ આથમી જાય, અંધકાર વ્યાપી વળે એટલે આરામ, નિદ્રાનો સમય થાય. આ નિદ્રામાં દિવસભર કરેલા પરિશ્રમનો ખંગ વળી જાય, શાતા મળી જાય. એટલે લોકબોલીએ દિવસ આથમવાની આ પળને રૂઝ્યુ વળવાની વેળા – આમ કહીને આવકારી છે.

પાદરના શિવમંદિર પાસે એક તળાવ હતું. આ તળાવને કાંઠે પીપરના બે તોતિંગ વૃક્ષો જબરો પ્રસ્તાર કરીને ઊભાં હતાં. દાદા એમ કહેતા કે એ જ્યારે અમારી જેવડા હતા ત્યારે ભેરુબંધો સાથે આ પીપરની ડાળ ઉપર ચડીને હીંચકા ખાતા. પીપરની ઉંમર કેટલી હશે એ તો કોણ જાણે ! પણ શિવમંદિરે જેવો ઝાલર નગારાંનો નાદબ્રહ્મ શમી જાય કે તરત જ આ પીપરની શાખાઓ ઉપર સેંકડો પક્ષીઓના વિવિધ કલરવો હવામાં ફેલાઈ જતા. આ પક્ષીઓ રોજેરોજ એ જ વૃક્ષની એ જ શાખા ઉપર પોતાના સ્થાને બેસતા હશે કે પછી ગમે ત્યાં રેનબસેરા કરતા હશે ? એવો સવાલ ત્યારે એક વાર અમારા બાળમાનસને થયેલો. વડીલો તો આ સમસ્યાનું નિરાકરણ આપી શકે એમ નહોતા એટલે અમે જાતે જ એનું નિરાકરણ શોધવાનો પ્રયત્ન કરેલો. સાંજ ઢળી ગઈ હોય અને અજવાળું ઓઝપાઈ ગયું હોય એટલે પીપરના થડ પાસે જઈને નિરાંતવા નિરીક્ષણ કરવાની તો હિંમત ચાલતી નહોતી. તળાવના સામે કાંઠે ક્યાંક ભૂતપ્રેતનો વાસ છે, એવીય લોકવાયકા હતી. ભૂત તળાવનું પાણી વળોટીને આ કાંઠે ન આવે એવો સધિયારો લોકોમાં હતો, પણ દિવસના આ સધિયારાને સાચો માનતું મારું બાળમાનસ અંધારામાં આ સધિયારાને સ્વીકારતું નહિ. શિવમંદિરે હજુ વડીલો હાજર હોય એટલી જ વાર અમે બહાદુરીપૂર્વક આ પીપર પાસે ઊભા રહીને શાખાઓ ઉપર બેસી જતા પક્ષીઓની નોંધ કરી હતી. આ નોંધનું કોઈ ફળદાયી પરિણામ અમે મેળવી શક્યા નહોતા. આ પક્ષીઓનેય પોતાના સરનામાં હશે કે નહિ એ તો રામ જાણે ! પણ આ શોધ પછી અમે માંડી વાળેલી.

પ્રકાશ અને અંધકારના આ સંધિકાળનું એક વિશેષ મહત્વ પણ છે. પ્રાણાયામ કરનારાઓ જાણે છે કે શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં શ્વાસ અને ઉચ્છવાસ એમ બે ક્રિયાઓ બનતી હોય છે. પ્રાણવાયુ જ્યારે અંદર જાય છે ત્યારે એને આપણે શ્વાસ લીધો એમ કહીએ છીએ અને વાયુમાં રહેલા પ્રાણને ગ્રસી લીધા પછી વધેલા તત્વોને વાયુરૂપે જ્યારે બહાર ફેંકીએ છીએ, ત્યારે એને ઉચ્છવાસ કહીએ છીએ. આ ઉચ્છવાસ અને પુનર્શ્વાસની વચ્ચે એક અત્યંત સુક્ષ્મતમ ક્ષણ બચે છે, જેના વિશે આપણે મુદ્દલ સભાન નથી. આ સંધિકાળ છે. યોગાભ્યાસ કરનારાઓને જે સિદ્ધિ સાંપડે છે, એ આ સંધિકાળમાં સાંપડે છે. જ્યાં કશું નથી, શૂન્યાવકાશ છે. દશ્ય કે અદશ્ય પણ નથી. આ પરમની પળ છે. બ્રહ્મનો સાક્ષાત્કાર અહીં થાય. સાંજ અને વહેલી સવાર પણ આવું સંધિટાણું છે, એટલે પરમની પળ છે. આ પળને વેદોના ઉદ્દગાતાઓએ મન ભરીને ગાઈ છે.

મહાનગરો પાસે સવાર, બપોર કે સાંજ કશું હોતું નથી, રાત અને દિવસ પણ હોતાં નથી. અહીં જો કોઈ મહારાજ હોય તો એ માત્ર ઘડિયાળ છે અને આ મહારાજ ક્યારેય મેર બેસતા નથી. એ નથી ઊગતો કે નથી આથમતો. ઊગવા, આથમવાની આ પ્રક્રિયા અલોપ થઈ જવાને કારણે પેલો સંધિકાળ પણ આપણે દુર્ભાગ્યે ખોઈ નાખ્યો છે. આ સંધિકાળ ખોઈ નાખવાથી, આપણે શું અને કેટલું ખોયું છે – એનોય આપણને અણસાર રહ્યો નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ક્યાં સુધી સહેશો પત્નીઓનો ત્રાસ ? – વિનોદ જાની
હિમાલયની પહેલી શિખામણ – કાકા કાલેલકર Next »   

23 પ્રતિભાવો : સંધ્યાટાણું – દિનકર જોષી

 1. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સુંદર.

  “મહાનગરો પાસે સવાર, બપોર કે સાંજ કશું હોતું નથી, રાત અને દિવસ પણ હોતાં નથી. અહીં જો કોઈ મહારાજ હોય તો એ માત્ર ઘડિયાળ છે અને આ મહારાજ ક્યારેય મેર બેસતા નથી. એ નથી ઊગતો કે નથી આથમતો. ઊગવા, આથમવાની આ પ્રક્રિયા અલોપ થઈ જવાને કારણે પેલો સંધિકાળ પણ આપણે દુર્ભાગ્યે ખોઈ નાખ્યો છે.”

  સુંદર સોનેરી સાંજે ઘરના સભ્યો સાથે બેસી ચા માણવા નો અવસર કે ગોષઠિનો અવસર હવે શહેરી જીવનમાં રહ્યો જ નથી, તે સમય શહેરી જીવનમાં ટ્રાફિકમાં અટવાવાનો ને ‘પીક અવર્સ’ નો થઇ ગયો છે.
  શહેર વાંઝણું છે – ન સવાર નામનો દિકરો કે ન સંધ્યા નામની દિકરી.

 2. Navnit says:

  આવો સુંદર લેખ આપવા બદલ આભાર.

  ઘરમાં પ્રગટેલા પ્રકાશનું પહેલું કિરણ માત્ર ઘરના ઓરડાને જ અજવાળે એ પૂરતું નથી. એ કિરણનો પ્રકાશ બહાર ઓસરીમાં અને એથીય આગળ વધીને ફળિયામાં એટલે કે શેરી સુધી પહોંચવો જોઈએ.

 3. shruti maru says:

  મહાનગરો પાસે સવાર, બપોર કે સાંજ કશું હોતું નથી, રાત અને દિવસ પણ હોતાં નથી. અહીં જો કોઈ મહારાજ હોય તો એ માત્ર ઘડિયાળ છે અને આ મહારાજ ક્યારેય મેર બેસતા નથી. એ નથી ઊગતો કે નથી આથમતો. ઊગવા, આથમવાની આ પ્રક્રિયા અલોપ થઈ જવાને કારણે પેલો સંધિકાળ પણ આપણે દુર્ભાગ્યે ખોઈ નાખ્યો છે. આ મહાનગરો પાસે સવાર, બપોર કે સાંજ કશું હોતું નથી, રાત અને દિવસ પણ હોતાં નથી. અહીં જો કોઈ મહારાજ હોય તો એ માત્ર ઘડિયાળ છે અને આ મહારાજ ક્યારેય મેર બેસતા નથી. એ નથી ઊગતો કે નથી આથમતો. ઊગવા, આથમવાની આ પ્રક્રિયા અલોપ થઈ જવાને કારણે પેલો સંધિકાળ પણ આપણે દુર્ભાગ્યે ખોઈ નાખ્યો છે. આ સંધિકાળ ખોઈ નાખવાથી, આપણે શું અને કેટલું ખોયું છે – એનોય આપણને અણસાર રહ્યો નથી.

  વાહ દિનકરભાઈ વાહ.આપે સંધ્યા નું વર્ણન ખુબ સુંદર કર્યુ છે. આપે સરસ કહ્યુ છે કે મહાનગરો પાસે સવાર, બપોર કે સાંજ કશું હોતું નથી, રાત અને દિવસ પણ હોતાં નથી. આ સંધિકાળ ખોઈ નાખવાથી, આપણે શું અને કેટલું ખોયું છે – એનોય આપણને અણસાર રહ્યો નથી આપે મારા હર્દયની વાત લખી છે.
  લેખજી આભાર

 4. સંધ્યા પછી હવે પ્રભાતનો વારો ક્યારે આવશે?

  શહેરની સંધ્યા તો ક્યારેક સવારે સવારે જ શરૂ થતી હોય છે. પ્રદુષણ અને ઘોંઘાટ એ આપણા મહાનગરોનો મહારોગ બની ગય છે. હાલે જ મેં દેશની મુલાકાત લીધી અને હોર્ન પ્રિય આપણી પ્રજાને કારણે મારા કાન હજુય બહેરા બની ગયા હોય એમ લાગે છે.
  અને સ્કૂટરો, રિક્ષાઓ અને ક્યારેક ટ્રકોના સાયલંસરો પણ કામ કરતા હોતા નથી!

  કોન્ક્રિટના જગલમાં સુર્યનારાયણ પણ બિચારા ભુલા પડી જાય !!
  પક્ષીઓનો કલરવ પણ વાહનોના હોર્ન અને ઘોંઘાટમાં ગુંગળાય જાય..

 5. dipak says:

  ખુબજ સરસ લેખ.શહેરોમા સવાર, બપોર કે રાત.સત્તત ઘડિયાલને સહારે પસાર કરવુ પડતુ જીવન.ગામડા જેવી મજા નથી.

 6. ભાવના શુક્લ says:

  સંધ્યાકાળ ને આટલી નમણાશ હતી તે અવનવા શબ્દ પ્રયોગો દ્વારા માણવાની ખુબ જ મજા આવી..
  ખાસ કરીને ગામડા ગામમા ટમટમીયુ અને ફાનસ સંધ્યાને એક આગવી ઓળખ આપે છે..

 7. Veena Dave,USA. says:

  verygood article. ‘Hadfo’, it is a kathiawadi word. There are many kathiawadi words in this article, I like those.

 8. butabhai g patel says:

  very good ખુબ સરસ્

 9. Ravi , japan says:

  Joshi uncle .. as usual..
  very touchy and knowledgeable article !!

 10. mohit says:

  જે લોકોને ગામડાના સવાર અને સાંજ માણવાના અભરખાં હોય તેમણે કાયમ માટે શહેર છોડીને ગામડામાં રહેવા જતુ રહેવું જોઈએ. ત્યાંની ગંદકી અને અભાવગ્રસ્ત જીંદગીમાં બે દિવસ પણ મુશ્કેલીથી નીકળશે. શહેરમાં રહીને ગામડાની સુંદરતાની વાત કરવી સહેલી છે, પરંતુ ત્યાં ગયા પછી જ તમને ત્યાંનો અને શહેરનો standard of living નો ભેદ સમજાશે. અમસ્તાં જ કંઈ ગામડાના લોકો શહેર તરફ દોટ મૂકે છે. અને આમેય જે oscar award મેળવવા ભારતને ઉણું ચિતરવું જરુરી છે, તેમ લખાણોમાં પણ શહેરને વખોડીને ગામડાનાં ગુણગાન ગાવાનો વણલખ્યો નિયમ આપણા લેખકોએ વર્ષોથી જાળવી રાખ્યો છે. by the way, શ્રીમાન ગ્રામ્યપ્રેમીઓને એક સવાલ કે તમે જો ગામડામાં સંધ્યાકાળ માણતા હો તો પછી readgujarati સુધી પહોંચ્યા હોત કે કેમ? મારી દ્રષ્ટિએ તો ગ્રામ્યજીવન ત્યાંના લોકોની પસંદગીની પરિસ્થિતિ કરતાં પરિસ્થિતિવશ કરવામાં આવતી પસંદગી વધુ છે.So, you can appreciate the village life if you like but don’t always curse citylife to glorify the village. All the glitter may not be gold everytime.

 11. SAKHI says:

  Very nice story

 12. nayan panchal says:

  સુંદર લેખ.

  મુંબઈ જેવા મહાનગરોમાં તો સૂર્ય પણ જાણે મનુષ્યએ ગોઠવેલી વ્યવસ્થાનો જ એક ભાગ હોય તે રીતે વર્તે છે. સવારે ઘરેથી ઓફિસ જવાની લ્હાયમાં અને સાંજે પાછા ઘરે જવાની ઉતાવળમાં સૂર્યોદય કે સૂર્યાસ્તને જોવાનુ પણ ભૂલી જાય છે. બસ, ટ્રેનમાં બેઠા બેઠા પણ ક્યા તો અધૂરી ઊંઘ પૂરી કરતો હશે, ક્યાં તો પેપર વાંચવુ અથવા આવેલા કે ગયેલા દિવસનો હિસાબ કિતાબ.

  સૂર્ય સામે નહીં જોશુ તો એ બીજા દિવસે નહીં ઊગે તેવુ થોડું થશે.

  નયન

 13. jaimin says:

  તમારો આ લેખ ખુબજ સરસ લગ્યો.
  સાજ એક એવો સમયચ્હે જે તમને તમા

 14. jaimin says:

  sanj ek evo samay 6 je tamne tamari andar na vyakti ni pratiti karave 6e.
  jyare pan tame koi shant jagyae tamara ekant ni sathe zina kalarav ne sambhadata tamnne mandir no ghantarav sambhaday e avaj tamne azib shanti prasarave 6.
  lekhak ni aa kalpnao mane pan mara bhut kal ni yad apavi mari andar ni umione fari taji kari didhi fari var mane maro callage no samay yad avyo…,
  ane ghanu badhu je mara mann ni andar kyank valopat kartu hatu jene aje SHANTI mali thanks to all of you who provide as this!!!!!!1

 15. ગ્રામ્યજીવન પર પ્રકાશ ફેંકતું સંધ્યાટાણું… જેણે અનુભવ્યું હોય તેની આંખ આગળથી સંધ્યાટાણે સજૉતા દ્રશ્યો ખસવા મુશ્કેલ છે.

  ગોધુલિ વેળાએ શિસ્તબધ્ધ ગાયોનું ધણ વગડાને સવારે મળવાનું વચન આપી ગામમાં પ્રવેશ કરે તે જોયું છે. સંધ્યા ટાણે મહાદેવ-મંદિરે ઝાલર પણ વગાડી છે. સંધ્યા ટાણે ડુબતા સુરજદાદાને પણ દીઠા છે.
  ડુબતા સુરજદાદા પોતાનો આકરો સ્વભાવ છોડી લાલાશ વેરતા વેરતા અલોપ થઈ જાય.

  ગામની પાદરે આવેલ તળાવની વચ્ચે ડુંગરીની પડખે ક્રિકેટ રમતાં રમતાં આવાં દ્રશ્યો નિહાળવા તે રોજનો નિત્યક્ર્મ હતો..!!

  ક્યાં ગયા તે દિવસો…અદ્રષ્ય થઈ ગયા શહેરનાં સિમેંટ કોંક્રિટના જંગલમાં.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.