બે વાર્તાઓ – હરિશ્ચંદ્ર

[1] પરંપરા

દત્ત રોય ચૌધરીના ખાનદાનમાં જાણે બૉમ્બ પડ્યો ! એવી ખબર પડી કે સતીશચંદ્રની એકની એક દીકરી ભૈરવી પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની છે. સતીશચંદ્રના પિતા કાલીચરણ ચૌધરી અને કાલીચરણના પિતા રાધારમણ ચૌધરી અને રાધારમણના પિતા દત્ત રોય ચૌધરી. એમનું આ ખાનદાન. તેમાં ક્યારેય આવું બન્યું નથી. કોઈએ આવો વિચાર સુદ્ધાં નથી કર્યો. લગ્ન તો વડીલોએ જ ગોઠવવાનાં હોય. આ તો પેઢી દર પેઢીની ચાલી આવતી પરંપરા ઉપર ભારે મોટો આઘાત ! આવી રીતે તો ખાનદાનનું ધનોતપનોત નીકળી જાય.

બહારની દુનિયા ગમે તેટલી બદલાઈ હોય, પણ દત્ત રોય ચૌધરીના ખાનદાનમાં કશું નથી બદલાયું. આજે પૂરા ત્રીસેક સભ્યોનું આ એક બહોળું સંયુક્ત કુટુંબ છે. લગભગ સો-સવા સો વરસ પહેલાં દત્ત રોય ચૌધરીએ બાંધેલા મકાનમાં જ બધાં સાથે રહે છે. તેનું ફર્નિચર પણ નથી બદલાયું અને ઘરમાંના રીતરિવાજો પણ નથી બદલાયા. જુવાન પેઢી હવે બહારની દુનિયામાં હસતી-ફરતી થઈ છે, પણ કોઈએ કદી ખાનદાનની અને વડીલોની અમાન્યા નથી તોડી. તેવા વાતાવરણમાં આવી ઘટનાથી બૉમ્બ જ પડે ને ! ભૈરવી પણ આ જ ખાનદાનમાં જન્મી ને ઊછરી. આ જ પરંપરાથી તે પણ રંગાઈ. તેમ છતાં પહેલેથી તે જરીક જુદી હતી. ઘરમાં બધાં જાણતાં કે ભૈરવી એક વાર કાંઈક નક્કી કરે એટલે તેમ કરીને જ રહે. એ હતી ઘણી વિનયી, સંસ્કારી, કોઈનાયે દિલને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખનારી. તેમ છતાં એટલી જ મક્કમ. ઘરમાં બધાં જ કહે કે છોકરી તે કોઈ દિવસ ડૉક્ટર થાય ? પણ ભૈરવી પોતાની વાતને વળગી રહી, વિજ્ઞાન શાખામાં જ દાખલ થઈ અને હવે એકાદ વરસમાં ડૉક્ટર થઈ જશે. તેણે પસંદ કરેલો આશિષ તેની સાથે જ ભણતો હતો.

ભૈરવીએ આ વાત પહેલાં પોતાની માને કહી. મા તો સાંભળીને હેબતાઈ જ ગઈ. તેના માન્યામાં જ ન આવ્યું. મા તેર વરસની ઉંમરે વહુ તરીકે આ ખાનદાનમાં પ્રવેશેલી. ત્યારથી આજ સુધી આવી અવનવી વાત તેણે ક્યારેય નહોતી સાંભળી. ‘બેટા, આ તું શું કહે છે ? તારી આ વાત કોઈ માન્ય નહીં રાખે. ઘર, ખાનદાન, મોભ્ભો કશુંયે જોયા વિના લગ્ન કરવાનાં ?’
‘પણ મા, તું આશિષને ઓળખે છે. આપણે ત્યાં ઘણી વાર આવી ગયો છે. મારી સાથે જ ડૉક્ટર થશે. પછી તેમાં વાંધો શો ?’
‘નહીં, બેટા ! તું આ વાત ભૂલી જા. આપણા ખાનદાનમાં આવું ન થાય. લગ્ન તો વડીલો જ ગોઠવે. તારા આવા પ્રેમલગ્ન સાથે કોઈ સંમત નહીં થાય.’ અને એવું જ બન્યું. બધાંએ જ્યારે જાણ્યું, ત્યારે જાણે બૉમ્બ પડ્યો ! ઘરનું વાતાવરણ તંગ થઈ ગયું. અને પછી એક રાતે આખું કુટુંબ ભેળું થયું. આવો પ્રશ્ન અગાઉ ક્યારેય નહોતો ઊભો થયો.

મોટાકાકાએ શરૂઆત કરી : ‘ભૈરવી, અમે જાણ્યું કે તું તારા પસંદ કરેલા છોકરા સાથે લગ્ન કરવાની છે. શું આ સાચું છે ?’
‘હા, સાચું. પણ હવે એ છોકરો નથી, મોટો ડૉક્ટર થઈ રહ્યો છે. મારી સાથે ભણે છે, અને કાયમ પહેલો નંબર રાખે છે.’
‘એ હશે. પણ તને ખબર નથી કે આપણા ખાનદાનમાં આવું અગાઉ કદી થયું નથી ? લોકો શું કહેશે ? દત્ત રોય ચૌધરીના કુટુંબની દીકરીએ પ્રેમ-લગ્ન કર્યું !’
‘મને આમાં કશું ખોટું જણાતું નથી. બલ્કે, પ્રેમ સિવાય પરણવાનું હું વિચારીયે શકતી નથી.’
‘શું તારું એમ કહેવું છે કે અમારા બધાંનાં લગ્ન વડીલો દ્વારા ગોઠવાયાં તો તેમાં પ્રેમ નથી હોતો ?’ – તેના પિતા વચ્ચે જ ગરજ્યા.
મોટા કાકાએ ઉમેર્યું : ‘અને આ બધાં પ્રેમ-લગ્નોના શા હાલ થાય છે, તે તું નથી જોતી ? જરીક વાંકું પડ્યું કે પ્રેમ-બ્રેમ તો જાય ઊડી ! બે-પાંચ વરસમાં જ છૂટાછેડાની નોબત આવે.’
‘એવું તો વડીલોએ ગોઠવેલાં લગ્નોમાંયે ક્યાં નથી થતું ? મારી માસીની દીકરી બે વરસમાં જ ઘરે પાછી આવી ને !’

હવે પિતાએ અલ્ટીમેટમ આપી દીધું : ‘બસ, બહુ થયું હવે ! મારે વધુ નથી સાંભળવું. જો, કાન ખોલીને સાંભળી લે ! આપણા ખાનદાનની પરંપરા વિરુદ્ધ કાંઈ પણ થતું અમે નહીં સાંખી લઈએ. જો તું તારી હઠ પકડી રાખીને આવી રીતે લગ્ન કરશે, તો પછી આ ઘર સાથે તારો કોઈ સંબંધ નહીં રહે. અમે તને મરી ગયેલી માનીશું.’ ભૈરવી સડક થઈ ગઈ. તેની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. ઘરમાં વિરોધ થશે, એમ તો તેણે માનેલું. પણ આટલી હદે થશે, તેની તેને કલ્પના નહીં. એકદમ સોપો પડી ગયો. ત્યાં વયોવૃદ્ધ દાદીમાનો ધીરગંભીર અવાજ સંભળાયો : ‘એવું જ થશે, તો મારો સંબંધ પણ તમારા કોઈ સાથે નહીં રહે. મને આ લગ્નમાં કોઈ વાંધો જણાતો નથી.’
‘મા, તમે આ શું કહો છો ? સવાલ પેઢી પર પેઢી ચાલી આવતી ખાનદાનની પરંપરાનો છે.’
દાદીમા કશાયે ખચકાટ વિના દઢ સ્વરે બોલ્યાં : ‘પરંપરા પોષવા માટે છે, મારવા માટે નહીં. તમે લોકો લાખ પ્રયત્ન કરશો, તોયે ભૈરવી માટે આનાથી સારો સાથી શોધી શકાશે નહીં. ત્યારે એક વસ્તુ સારી છે અને સાચી છે, તો તમારી પરંપરામાં આટલો સુધારો નહીં કરી શકો ? નવી પેઢીને નવી પરંપરા પાડવાનો હક નથી ? પરંપરાને વહેતું ઝરણું રહેવા દો. બંધિયાર ખાબોચિયું થશે તો ગંધાઈ ઊઠશે.’

દાદીમાએ ભૈરવી પાસે જઈ તેના માથે વહાલથી હાથ ફેરવતાં કહ્યું, ‘બેટા, હું તારી સાથે છું. તારી પસંદગી મને માન્ય છે. આ લગ્ન માટે મારી પૂરેપૂરી સંમતિ છે.’ ભૈરવીને ત્યાં બેઠેલા સહુમાં સૌથી વધારે વૃદ્ધ દાદીમા સૌથી વધારે જુવાન લાગ્યાં.
(શ્રી નંદિતા ચૌધરીની બંગાળી વાર્તાને આધારે.)
.

[2] પોતીકાપણાની ઉષ્મા

‘મેડમ ! તમારો આરામ હજી પૂરો નથી થયો ? સાંજના સાત વાગ્યા !’
આંખો ચોળતી હું ઊભી થઈ ગઈ… ‘બાપ રે ! સાત વાગી ગયા ?’
‘આ નાચીજ આઠ કલાકનું વૈતરું કરીને આવ્યો છે. એક કપ ચા મળશે ?’
ઝટ ઝટ હાથ-મોં ધોઈને હું રસોડામાં ગઈ, તો સોનલ ચા બનાવી રહી હતી. ‘અરે, બેટા ! હું બનાવું છું ને !’
‘કાંઈ નહીં, મમા. તમે આટલાં થાકેલાં છો ! હું બનાવીશ તો શું થઈ ગયું ? અને હવે દીદી નથી તો એના ભાગનું થોડું થોડું કામ મારે કરવું જ જોઈએ ને !’

આ રમતિયાળ છોકરી આવું વિચારતી થઈ ગઈ, એ જોઈ મને આશ્ચર્ય થયું, પણ સાથે જ ઘણું સારું લાગ્યું. બાકી એના બાપે તો કેવું મ્હેણું મારેલું ! કાલે મેં કહ્યું કે, ‘અદિતી વિના ઘર કેવું સૂનું-સૂનું લાગે છે !’
તો એ બોલ્યા : ‘આમ તો એટલું સૂનું-સૂનું ન લાગવું જોઈએ. ઘરમાં બીજાંયે બચ્ચાં છે. પણ હા, એ તારાં ક્યાં છે ?’ મને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. અત્યંત ખિન્નતાથી ઋક્ષ સ્વરે મેં કહ્યું, ‘સારું થયું, તમે યાદ દેવડાવ્યું, નહીં તો હું ભૂલી જ ચૂકી હતી કે એ મારાં નથી. મારા ખ્યાલથી બાળકોનેય આ વાત યાદ નથી રહી.’ ખરે જ, મેં એમને ક્યારેય પારકાં માન્યાં નથી અને એમણેય મારા પ્રેમનો મને ભરપૂર પ્રતિસાદ દીધો છે. મેં જોયું કે સોનલે ફક્ત ચા જ નહોતી બનાવી, શાક પણ સમારી રાખેલું અને લોટ પણ બાંધી રાખેલો. મારી આંખ ભરાઈ આવી.

મારી પિતા વિનાની દીકરી અદિતીને બાપનું સુરક્ષિત છત્ર મળે એ દષ્ટિથી મેં ફરી આ લગ્ન કરેલાં. બદલામાં બે અબોધ બાળકોનું માતૃત્વ સ્વીકારેલું. સચીન ત્યારે ત્રણ વર્ષનો ને સોનલ પાંચ વર્ષની. અદિતીની ઉંમર દસ વર્ષની. અદિતીએ નાની ઉંમરમાંયે ઘણી પરિપક્વતા દાખવી. નવી પરિસ્થિતિને એ એકદમ અનુકૂળ થઈ ગઈ. બહુ જ સહજતાથી બંને નાનાં ભાઈ-બહેનોની એ વહાલી દીદી બની ગઈ. તેણે તો એમનેય પોતાના પિતા જ માની લીધા. પ્રેમથી એમનું ઝીણું-ઝીણું ધ્યાન રાખતી, એમનાં નાનાં-મોટાં કામો કરી આપતી. જો કે એ તેની સાથે અતડા જ રહ્યા. એમના મનમાંથી તેના માટેનું પારકાપણું ગયું નહીં. પણ જો કે ત્રણેય બાળકો એકમેક સાથે એટલાં બધાં હળીભળી ગયેલાં કે મને ક્યારેય ઓછું ન આવ્યું. મેંય ત્રણેયને કશાયે ભેદભાવ વિના ઉછેર્યાં. ત્રણેય ઉપર મેં મારું માતૃત્વ અઢળક ઢોળી દીધું.

આજે અદિતીને સાસરે વળાવીને મારી એક મોટી ફરજ પૂરી થઈ હતી. પણ મન ઉદાસ હતું. મને કંઈક સાંત્વનની જરૂર હતી, દિલાસાની જરૂર હતી. એમની પાસેથી અપેક્ષા હતી કે અદિતીના પિતાની હેસિયતથી એ મારું દુ:ખ વહેંચી શકે. એમની છાતીમાં મોં છુપાવીને હું મન ભરીને રોઈ લઈ શકું. પરંતુ એમની પાસે આવી આશા રાખવી વ્યર્થ હતી. એ એવા પુરુષ હતા, જેમનો પ્રેમ દેહથી શરૂ થઈને દેહમાં જ સમાપ્ત થઈ જતો. એમના સ્પર્શમાં, બોલચાલમાં, સહવાસમાં ધણીપણું હતું, સમવેદન કે સાહચર્ય બિલકુલ નહીં.

યંત્રવત મેં રસોઈ કરી. બધાંને જમાડ્યાં. રસોડું આટોપ્યું. એ ટીવી સામે જઈ બેઠા. સચીન-સોનલ પોતાના રૂમમાં ગયાં. હું ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેસી ગઈ. મન ઉદાસ હતું. સૂનું-સૂનું લાગતું હતું, એકલાપણું લાગતું હતું. ક્યાંય સુધી સૂનમૂન બેઠી રહી. તેવામાં મારી નજર રસોડામાં પડેલા ત્રણ મગ ગ્લાસ પર પડી. આ જ મગમાં અદિતી રોજ રાતે ત્રણેય માટે દૂધ લઈ જતી. હું ઊઠી. દૂધ ગરમ કરીને બે મગ ભર્યા. લઈને હું સચીનના ઓરડામાં ગઈ. એ કોમ્પ્યુટર સામે બેઠો હતો. પગલાંનો અવાજ સાંભળી બોલ્યો, ‘દીદી, તે દિવસે ડિસ્કવરીમાં જોયું હતું ને….’ અને બોલતાં બોલતાં ચૂપ થઈ ગયો. પાછળ ફરી મને જોઈ બોલ્યો, ‘સૉરી મમા, હું સમજ્યો કે…. મને યાદ જ ન રહ્યું કે દીદી….’
મેં મગ ટેબલ ઉપર મૂક્યો અને અત્યંત વહાલથી એના માથે હાથ ફેરવ્યો.
પછી હું સોનલના રૂમમાં ગઈ. એ રૂમમાં નહોતી. જોયું તો બાલ્કનીમાં ઊભી હતી. મેં ધીરેથી કહ્યું, ‘સોનલ !’ તેણે પાછા ફરીને જોયું, તો એનો ચહેરો આંસુથી ભીંજાયેલો હતો.
‘શું થયું બેટા ?’
‘કાંઈ નહીં, મમા !… દીદીની યાદ આવી રહી હતી.’
મને એટલું તો સારું લાગ્યું ! બંને બાળકો મને એટલાં તો વહાલાં લાગ્યાં ! મારી જેમ અદિતીની યાદમાં ભીંજાનારાં બીજા પણ કોઈ છે !

સોનલને પલંગ પર બેસાડતાં મેં કહ્યું, ‘બેટા, હવે એના વિના જીવવાની આદત પાડવી પડશે. મુશ્કેલ તો છે, પણ ધીરે ધીરે આદત પડી જશે.’ કહેતાં-કહેતાં હું ઢીલી થઈ ગઈ, અને એકદમ રોઈ પડી. સોનલ મારે વાંસે હાથ ફેરવતી સાંત્વન આપી રહી હતી. થોડી વારે એ બોલી, ‘મમા, આજે રાતે તમે મારી પાસે સૂઈ જશો ? દીદી નથી ને !…. માત્ર આજનો દિવસ. પછી તમે કહો છો ને તેમ ધીરે ધીરે આદત પડી જશે.’ હું કાંઈ કહું તે પહેલાં સચીન પણ ત્યાં આવી ગયો. બંને ભાઈ-બહેનને મારી અગલબગલમાં લઈ હું ક્યાંય સુધી બંનેને વહાલથી પસવારતી રહી. મારા હૈયામાં વાત્સલ્યનો ઝરો ફૂટ્યો હતો.
ત્યાં એ બારણે આવી ઊભા. એમની આંખોમાં કુતૂહલ હતું : ‘શું ગુફતેગો થઈ રહી છે ?’
‘કાંઈ નહીં. બંને જરા એકલતા અનુભવતાં હતાં, એટલે પાસે બેઠી.’
‘બીજું પણ કોઈ એકલતા અનુભવી રહ્યું છે.’
‘તો તમેય આવી જાવને ! બંનેને સારું લાગશે.’ – કહી મેં મારા પગ સંકોરી જગ્યા કરી આપી. મારે કહેવું હતું કે તમેયે પોતીકાપણાની આ ઉષ્માનો અનુભવ કરો. પણ કહી ન શકી. કહ્યું હોત તોયે ખબર નહીં, એમને સમજમાં આવતે કે નહીં !
(શ્રી માલતી જોશીની હિંદી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાબુલીવાલા – રવીન્દ્રનાથ ટાગોર
જીવનનો મર્મ – ડૉ. વસંત પરીખ Next »   

23 પ્રતિભાવો : બે વાર્તાઓ – હરિશ્ચંદ્ર

 1. mohit says:

  ‘પરંપરા પોષવા માટે છે, મારવા માટે નહીં
  નવી પેઢીને નવી પરંપરા પાડવાનો હક નથી ?
  પરંપરાને વહેતું ઝરણું રહેવા દો. બંધિયાર ખાબોચિયું થશે તો ગંધાઈ ઊઠશે.
  very true & inspiring for our elders!

 2. shruti maru says:

  પરંપરામાં આટલો સુધારો નહીં કરી શકો ?
  નવી પેઢીને નવી પરંપરા પાડવાનો હક નથી ?
  પરંપરાને વહેતું ઝરણું રહેવા દો. બંધિયાર ખાબોચિયું થશે તો ગંધાઈ ઊઠશે.’
  આ વાત ખુબ સરસ છે . ગમે તેવી મજબુત દોરી ને ખેંચવામાં આવે તો તે તુટી જ જશે તેના કરતા તેને યોગ્ય રીતે વાપરવી જ વધુ યોગ્ય છે તેમ પરંપરા પણ જો પકડી રાખવાંમાં આવે તો તે તુટી જાય પણ તેને સમજપુર્વક નિભાવવામાં આવે તો તે પરંપરા પરંપરા ન રહેતા એક સુંદર ઝરણું બનેશે અને યુગ યુગ સુધી વહેતુ રહેશે.

  આભાર હરિશ્ચદ્રભાઈ ખુબ સુંદર વાર્તા છે.

 3. Ravi , japan says:

  Supperb !!
  No words for both the story..

 4. leena shah says:

  regding PARAMPARA……its necessary in our life but with flexibilty……v r social ppl,but v’ve our own life,fm where v recd happiness + love.so bcoz of PARAMPARA, & RUDHIWADI RIVAJ, somewhere v feel very much alone in this global world……nice inspiration recd fm this story.

 5. Naimisha says:

  very nice stories…

 6. pragnaju says:

  સર્વોદયના ભેખધારી બન્ને બેનોની આદર્શને અનુરુપ સર્વાંગ સુંદર સંકલીત વાર્તાઓ

 7. ભાવના શુક્લ says:

  પરંપરાને વહેતું ઝરણું રહેવા દો. બંધિયાર ખાબોચિયું થશે તો ગંધાઈ ઊઠશે.
  …………………………………
  સામાજીક અને વૈચારીક ક્રાન્તીને દેખીતી કોઈ પાંખો હોતી નથી…. તેતો બસ એકાદ શબ્દ ચીનગારી ઉઠે અને જુવાળની જેમ તન-મનમા વ્યાપી જાય.
  સુંદર વાર્તા.
  …………………………………
  “તમેયે પોતીકાપણાની આ ઉષ્માનો અનુભવ કરો”, કહ્યું હોત તોયે ખબર નહીં, એમને સમજમાં આવતે કે નહીં !
  ………………………………….
  કદાચ કહીને શરુઆતતો કરી જ શકાત… લાગણીનો પડઘો આપણે ધારીએ એ પ્રમાણે જ ના પડે તો તેને “બંધીયાર વ્યાખ્યા” મા બાંધવાની કોશીશ કરી જાતે જ નિર્ણય લેવો એ પણ કેટલે અંશે વ્યાજબી!!

 8. Veena Dave,USA. says:

  Wah wah, khub saras.

 9. કલ્પેશ says:

  એકદમ યોગ્ય સમયે પરંપરા પર લેખ (જ્યારે મેંગલોરમા પબમા હાજર છોકરીઓ પર હુમલો કરવામા આવ્યો એને થોડા પરંપરાના કહેવાતા રખવાળાઓ કહે કે આ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે)

 10. કલ્પેશ says:

  નોંધઃ આ કહેવાતા ઠેકેદારો એમ કહે કે પબ સંસ્કૃતિ(?) ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. તો ભારતીય સંસ્કૃતિમા પણ સ્ત્રીઓ પર જુલમ કરવો, એમ ક્યા કહ્યુ છે?

 11. Vaishali Maheshwari says:

  Awesome short stories.

  (1) Parampara – In order to cope up with the generation gap, the parents and the other elderly family members should not try to impose any decisions on children. They should talk discuss with children by keeping their thinking horizons wide.

  Bhairavi was in love with Ashish. He was a good human being and professionally a doctor. The family members were not ready to accept him as Bhairavi’s husband, just because it was not arranged, but a love marriage. This is very sad. There are end number of families in India, who still think that love marriages are nuisance and so they want their children to do arranged marriages only. This is not fair according to me, but to eradicate this custom, children have to become determined like Bhairavi and we need some people like Bhairav’s grandmother too, who would be ready to accept, if they think that the match is good.

  (2) Potikapana ni ushma – I could not stop my tears while reading this story. The story is described in such a manner that I could feel it. May be because all the sentences are narrated in direct speech and even I am missing my cousins (brothers and sisters) here in USA. Very nice.

  Thank you Author for these inspiring and sentimental stories respectively.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.