જીવનનો મર્મ – ડૉ. વસંત પરીખ

[જીવનમાં અનેક સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક કાર્યો કરનાર આદરણીય શ્રી વસંતભાઈ પરીખની પુણ્યસ્મૃતિમાં પ્રકાશિત થયેલ ‘ફોરે સુગંધ વસંતની’પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ડૉ. વસંત પરીખ સ્મૃતિગ્રંથ સમિતિ’ના તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ]

vasantbhai1એક ઘટનાનું સ્મરણ થાય છે. ડૉ. કેલીના જીવનની ઘટના છે. બાર વર્ષના છે, અભ્યાસ કરે છે, સાથે કમાવાનું કામ. એક દિવસે ઘણું ફરવા છતાં ખપત ના થઈ. સરવાળે હતાશ અને ભૂખથી પીડાયા. નિર્ણય કર્યો, કોઈને ત્યાં જઈ ભોજન માગવું. એક ઘેર ગયા. એક બહેને પૂછ્યું કે ‘બહુ થાકી ગયા છો નહીં ?’
‘હા, પાણી પીવું છે.’ કેલીએ કહ્યું.
બહેન અંદરથી દૂધ ભરેલો મોટો ગ્લાસ લઈને આવી. આ તો પી ગયો. સમય જતાં કેલી ડૉકટર બન્યો, નિષ્ણાત, આંતરડાંઓના વ્યાધિનો. બન્યું એવું કે આ બહેન બીમાર થયાં. વ્યાધિ પકડાયો નહીં, તેથી મટે નહીં. ત્યાંના સ્થાનિક ડૉક્ટરે ડો. કેલી પાસે જવાની સલાહ આપી. કેસ પોતાની પાસે આવ્યો. ગામનું નામ પરિચિત લાગ્યું. તપાસ્યાં. ઘટના સ્મરી. ખાસ્સો સમય રહેવું પડ્યું હોસ્પિટલમાં. બહેનની આર્થિક સ્થિતિ મધ્યમ. સાજાં તો થયાં. મનમાં ભારે ચિંતા, બિલ ચૂકવવાની. રજાના દિવસે કેલીએ વ્યવસ્થાપકને સૂચના આપેલી કે આ કેસનું બિલ હું બનાવીશ. હાંસિયામાં તેમણે લખ્યું ‘દૂધનો ગ્લાસ’ ! જીવનનો આવો જ મર્મ હોઈ શકે ? મારો પ્રશ્ન છે !

જીવન તો નહીં, પણ જિંદગી વાસનાની-ઉપાસનાની યાત્રા નથી લાગતી ? જન્મ આપણો વાસનામાંથી જ થાય છે. અનેક અનેક ‘વાસના’ , ‘કામના’, ‘ઈચ્છાઓ’ના ઢગ નીચે જીવન કરમાતું જાય છે. વાસનાને ઉપાસનામાં ફેરવવાનો પુરુષાર્થ આદરવો પડે છે. એક વિદ્વાને કહ્યું છે કે : ‘જીવન એક અવસર છે, જે ઝડપી લે તેને માટે… જીવન સંઘર્ષ છે જે પોતાની તમામ તાકાતથી સામનો કરે છે તેને માટે…. જીવન એક પડકાર છે, જે સહર્ષ સ્વીકારે છે…. જીવન એક યજ્ઞ છે, જે જ્ઞાન અને શાણપણપૂર્વક બધું જ ‘સ્વાહા’ કરવા તૈયાર છે…. જીવન એક સંગીત છે, જે જીવનમાંથી સંવાદના, સંગીતના મધુર સ્વર નીકળે એવું વાદ્ય બને છે. કૃષ્ણની મોરલી બની અધરે ચઢી જાય છે. જીવન એક જાગરણ છે, પ્રત્યેક કર્મ-તંદ્રારહિત, મૂર્ચ્છા વિના વિવેક અને જાગૃતિપૂર્વક નમ્રતાથી કરે છે તેન માટે. જીવન-આપણું પદ-આપણને મળેલું ગૌરવવતું પદ-સન્માન છે. એના માટે જેની તૈયારી હશે કે આ પદથી હું રાજીનામું નહીં આપું-આ પદને ન શોભે એવું કોઈ કાર્ય હું નહીં કરું, તે શોભશે.

એક જિજ્ઞાસુ એક ગુરુ પાસે જઈ આવેલો. થોડા સમય પછી બીજા ગુરુ પાસે જાય છે, અને કહે છે, ‘આપ બીજા છો, જેની પાસે હું જાણવા આવ્યો છું.’ બીજા ગુરુ એને પૂછે છે કે, ‘પ્રથમ ગુરુએ શું શીખ આપેલી ?’ તો કહે, ‘Learn to accept life and death.’ આ ગુરુ પ્રશ્ને છે, ‘તો હવે, What have you come here for ? અહીં શું જાણવું છે ?’ તો કહે કે ‘How to live inbetween ?’ ‘જન્મ અને મૃત્યુની વચ્ચે જીવનયાત્રા છે – એ કેમ વિતાવવી ?’ આ મર્મ, રીત, પદ્ધતિ, રસ્તો, પથ અનેક હોઈ શકે. એક આધારશિલા, ગમે તે પથે જાઓ, પણ જોઈશે. મહાદેવી કહે છે કે, ‘આપણે દર વર્ષના માર્ચથી મે સુધી દરિયાકિનારે જઈ પ્રાર્થના સાગરને નથી કરતા, કે હે દરિયાદેવ, સૂર્યને તારું જળ આપજે, વર્ષા સારી થાય. રાતે વહેલા જાગીને કે સંધ્યા સમયે નિત્ય સૂર્યને વિનવતા નથી, સવારે જરૂરથી આવજો. વાયુ-પવનને ક્યારેય વિનંતી કરતા નથી કે તું સદાય આવતો રહેજે. જેથી હું શ્વાસ લઈ શકું. કારણ એ છે કે આપણને ખાતરી છે કે આ બધું ક્રમ-નિયમબદ્ધ ચાલે છે. અપવાદ ક્યારેક હોય. તો જીવન પણ સુપેરે ચાલશે, એવી આસ્થા તો હોવી જ જોઈએ.’

રવીન્દ્રનાથના જીવનનો પ્રસંગ છે, ઈંગ્લૅન્ડ ગયા છે. સાંજે એક જલસામાં દૂરના પરામાં જવાનું નિમંત્રણ છે. રેલગાડીમાં જવાનું હતું. નીકળ્યા. ઠંડીના દિવસો, સ્ટેશનનું નામ ખબર, ગાડી ઊભે કે જુએ. સ્ટેશન ડાબી બાજુ આવે. નામ જુએ. એમ કરતાં ગાડી ઊભી-એક સ્ટેશને. કવિએ ડાબી બાજુએ જોયું પાટિયું નહીં. ગાડી ઊપડી. પણ પછી બીજું સ્ટેશન આવ્યું, જમણી બાજુ-તો તો આવતાં જોયેલું એ જ, પૂછ્યું કો’કને. ‘મારે આ સ્ટેશન જવાનું છે’. તો કહે, ‘તમે ત્યાંથી તો આવ્યા !’ એ એક જ સ્ટેશન જમણી બાજુ હતું. એ રવીન્દ્ર ચૂકી ગયા. પછી તો ગાડી જે મળે તે બહુ મોડી પહોંચાડે તેમ હતું. કવિવર જલસો ચૂક્યા. બસ, આ જ જીવન છે. આપણે એક જ બાજુ જોતા રહીશું તો જીવનનું સત્વ, જીવનનો આનંદ, જીવનનો મર્મ ચૂકી જઈશું. પછી તો ઘણું મોડું થઈ ગયું હશે. આપણા મૂળાક્ષરો લ્યો. ક, ખ, ગ, ઘ વગેરે. ‘ક’ અને ‘ખ’ લઈએ કે ‘ક’ અને ‘જ’ લઈએ, તો બે અક્ષર સાથે થયા, પણ અર્થ નીકળે ? પરંતુ ‘ક’ અને ‘ર’ એટલે ‘કર’, ‘ખ’ અને ‘મ’ એટલે ‘ખમ’ – બે જ અક્ષર છે, પણ શબ્દ બન્યો, અર્થવાળો. જીવનમાં આપણે જોડાવાનું છે, ઘણે ઠેકાણે. તો એવી રીતે ગોઠવાવું પડશે કે કંઈક જીવ્યાનો ‘અર્થ’ નીકળે-સાર્થક થાય. એવી રીતે બીજા સાથે, બીજા માટે જીવવું જોઈએ, એમ નથી લાગતું ?

પૂજ્ય પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ તો કહે છે, ‘પુણ્ય તો આંગળિયાત છે.’ હું સમજ્યો નહીં. વિચાર કરતાં-ફરીથી આખો લેખ વાંચ્યો. દાન કર્યું, પુણ્ય મળ્યું. દાનથી પૂણ્ય મળ્યું. દાન કેમ થઈ શક્યું ? ઉદારતાથી. તો ઔદાર્ય ગુણ થયો. ગુણને કારણે પુણ્ય થયું. પુણ્ય ગુણની આંગળી પકડીને આવે છે માટે. વિનોબાજી પણ એ જ અર્થમાં સમજાવે છે, જીવનમાં ‘ગુણવિકાસ’ જીવનનો મર્મ છે. બીજાના ગુણ જુઓ. આદર કરો. તમારા પણ ગુણ જ જુઓ. જે ગુણ આગળ પડતો હોય તેને વિકસાવો. આ ગુણ પૂર્ણપણે વિકસે-એટલે એ ‘ભગવાન’ (ભાગ્યસંપદાવાન). જીવન બીજગણિત છે. ક્યારેક X=20 ક્યારેક X= -10 તો જીવનનું બીજગણિત કેવું ? બે દાખલા આપણને આપ્યા. તરત M2A પહેલામાં ત=ત્યાગ બમણો, ભ=ભોગ અડધો. M2A ચિંતન Meditation બરાબર ચિંતન કરો Action-પછી કર્મ કરો.

હવે વ્યાકરણની નજરે જીવનનો મર્મ તપાસો. અહંકાર પુલ્લિંગ, આસક્તિ સ્ત્રીલિંગ એ બેનાં લગ્ન. પ્રસવ થશે તો શાનો ? કોનો ? અસત્યનો. અસત્ય કેવું ? નપુંસકલિંગ-મતલબ નિરર્થક-હાનિકારક. સુખ-નિરુક્તિ શબ્દમાંથી અક્ષર લઈ અર્થ કાઢીએ તો સુ=સુલભતા – સરલતા. ખ=આકાશ. (ખગ જે આકાશમાં ગતિ કરે તે ખગ પક્ષી) સહેલાથી આકાશ મળે એ સુખ. એ ન્યાયે આપણામાંથી ઘણાંને નથી. મોક્ષ = મોહનો ક્ષય – જીવનનો મર્મ આ ન બની શકે ? મોહનો ધીરે ધીરે ક્ષય થાય તો કર્મ થાય ? એક પ્રસિદ્ધ ભજનની પંક્તિ છે ને ! ‘હરિ, તારાં નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી ?’ એમ સુખનાં સરનામાં આપણી પાસે કોઈ માગે તો આપણે આટલા વ્યક્તિઓ બેઠા છીએ, એટલાં સરનામાં થાય. અનેક સરનામાં, સંપત્તિ, સંતાન, ગાડી, ટેક્સાસનો વિઝા. ખરેખર, સુખ પતંગિયા જેવું છે. જો પાછળ પડશો, તો ઊડી જશે. જરા વિવેક, જરાક શાંતિ રાખી બેસી રહેશો તો ખભે આવીને બેસશે. ‘અજગર કહે, સબકા દાતા રામ’ એ દોહાના અર્થમાં હું નથી કહેતો, કેમ કે સુખ તો પરસેવો અને આંસુથી બનેલું ઘરેણું છે. એમને એમ નથી મળતું. पुरुषकारम् अनुवर्तते दैवम् ચાણક્યે કહ્યું તે અમથું ? આમ તો પાંચ-છ વાતો ‘સુખ’ આપણને આપી શકે :
[1] જેટલો સ્નેહ વાવીશું એટલું સુખ ઊગશે.
[2] ‘આત્મ દીપો ભવ’ થઈશું એટલે ‘સુખ’નો પ્રકાશ સાંપડશે.
[3] ભીતરની હિંમત-આત્મવિશ્વાસ હશે એટલે અડચણના પહાડ ઓળંગીશું.
[4] પૂર્વગ્રહો, પરિગ્રહો, દુરાગ્રહોથી જેટલા દૂર એટલા સુખની સમીપ.
[5] મન-મસ્તિષ્કની બારીઓ જેટલી ખુલ્લી એટલો સુખનો પવન પમાશે.
[6] ચારિત્ર્યનું ચલણ જેટલું સવિશેષ-એ મનમાં-ઘરમાં સુખનું ચલણ.
[7] સર્વત્ર ફૂલ પાથરીએ. કારણ એવું લાગે છે કે જીવન નિશ્ચિત-બાંધ્યા પગારની નોકરી-નથી. અરે ! ‘સરકારી’ નોકરી જેવી પણ નથી. જીવન ‘ખેડૂત’ છે. ખેડૂતને વરસાદ, જમીન, ખાતર, બીજ, મહેનત કરીને પણ ઘણી વાર અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે – એમ જ જીવનનું છે.

તેથી જીવનનો મર્મ, આશાનું વૃક્ષ બધે ઉછેરવા પ્રયાસ કરવો સારો છે. આશાના વૃક્ષને જેટલી કળીઓ બેસે, તેટલાં ફૂલો ના થાય. અરે, ક્યારેક તો કેવળ પત્તાં જ વૃક્ષ પર હોય, તોયે તમને ખાતરીથી એટલું તો કહેવાયને કે છાંયડો તો આપશે જ. દુ:ખનું વિજ્ઞાન-દર્શન જેટલું નજીકથી કર્યું – શૈશવથી અનુભવી, સંધ્યાએ ઢગ દુ:ખ ભેગું થયું છે. એના આધારે કહું. દુ:ખ તો આવવાનું. દુ:ખી થવું કે નહીં, એ આપણા હાથની વાત. વેદનાનો નકશો પાથરો, તમારી સોસાયટીનો. તમારું દુ:ખ જુઓ. માત્ર અલ્પવિરામ કે પૂર્ણવિરામ જેવું લાગશે. આપણને થશે કે લાવો એની વેદનામાં ભાગીદાર થઈએ. અને કોઈની વેદના કાળજે વાવી, કરુણાની વર્ષા કરી – તો પેલાને શાંતિની લહેરખી જેટલી અડે તે ખરી – પણ આપણે લીલાંછમ રહીશું. અને એ વાત ભૂલાય નહીં, તો હિતમાં છે કે આપત્તિ-દુ:ખ એ જીવનનો ચુકાદો – ફેંસલો નથી. એ તો એના કરકમલે કશોક પાઠ, અવસર, ડહાપણ, શીખ લઈને આવી છે. એને ઉવેખીએ નહીં. વિવેકાનંદે કહ્યું, બળદના શિંગડે મચ્છર બેઠો – એને દુ:ખ શું લાગે ? દુ:ખને એ રીતે લેવું.

હવે આપણે સૌ મનમાં સાથે વિચારીએ તો આટલાં તારણો પર પહોંચાશે.
[1] આપણા પગ તો સ્વાર્થની ધરતી પર ટેકવવા જ પડે. અને સતત યાદ રાખવું પડે કે પરમાર્થના આકાશથી જ આપણને લીલાલહેર છે. પરમાર્થ સ્વરૂપ નામ સ્મરણ કે જે આપવું હોય તે.
[2] આપણું જીવન અનેકોના અહેસાનથી નિર્માયું છે. એની નિસ્બત રાખવી રહી. ટપાલી, રિક્ષાવાળા ભાઈ, ધોબી, ઘરમાં સહાય કરનાર શ્રમજીવી, પત્ની, પતિ, સંતાન, શિક્ષક, પાડોશી, એમનું કરેલું ધોઈ ન નાખીએ. સ્વામી વિવેકાનંદ બોસ્ટનમાં પ્રવચને. કૂક નામની જ્ઞાની બાઈ શ્રોતા. ઘણાને સાંભળેલા. ન પ્રભાવિત, ન પ્રકાશિત. પણ નરેન્દ્રભાઈ અને મહુવાવાળા આપણા જૈન જ્ઞાની વીરચંદભાઈ બેઉ પ્રભાવી. વિવેકાનંદને સાંભળી પ્રસન્ન થઈ ગઈ. હાથ મિલાવ્યો. ત્રણ દિવસ સુધી હાથ ધોયો નહીં. એ પવિત્રતા રગેરગમાં, રક્તકણોમાં, અણુઅણુમાં ઓગળે માટે. આવો જીવનનો મર્મ હોઈ શકે ને ?

જીવનમાં બેય કરુણા છે. ખૂબ ઝંખીએ અને મરતાં સુધી ન મળે અને ઝંખેલું ઝટપટ મળી જાય તોપણ કરુણા. પછી જીવનમાં ઉત્સાહ, કર્મઠતા, તરવરાટ આથમી જાય. આપણે અધિકાર, સત્તા, પદ, ગમે તેટલું પામીએ, પણ હેઠા તો ઊતરવું જ પડે છે. જુઓ, મોર કેવો સુંદર-મનોહર ! રાષ્ટ્રીય પક્ષી ! ભારેખમ-નર્તન કરવા તો નીચે જ આવવું પડે. આપણું સમગ્ર કૈશલ્ય આપણાથી હેઠે છે, ત્યાં રહે એ જામે. ટૂંકમાં, નહાવું હશે તો ભીંજાવું પડશે. જીવનવિકાસ માટે સલામતી છોડવી પડશે. વહાણો કાંઠે બાંધવાં નથી. કાંઠે સલામત ખરાં. અર્થ શું ? સાર્થકતા દોડવામાં નહીં, સમય પર નીકળવામાં છે. જીવનનો મર્મ મથવામાં-મથીને પામવામાં છે. રીંછનું બચ્ચું, માને પૂછે છે : હે મા, મારે ચાલવાનું શીખવું છે. તો પહેલા આગલો ડાબો પગ મૂકું કે આગલો જમણો પગ ? બેઉ ડાબા કે બેઉ જમણા ? બધા પ્રશ્નો થઈ રહ્યા એટલે મા કહે છે કે બેટા, શરૂ કર. આપમેળે શીખી જઈશ. આવી ગૂંચવણો જીવનનો મર્મ ન બની શકે.

જીવન છે તો આ ત્રણ કામ આપણે ફાળે છે જ :
[1] Live well and fully.
[2] Die well – try it.
[3] In between fix what is broken.
છેલ્લે, ત્રણ વસ્તુ મફત મળી છે, એ જીવનનો મર્મ, ધર્મ, કર્મ સમજાવે છે : (1) શરીર (2) સૃષ્ટિ (3) સમાજ. ત્રણેયના ઋણી છીએ. ઋણ વાળવા (1) શરીર માટે તપ (2) સૃષ્ટિ માટે જાગરણ, યજ્ઞ, શ્રમ, જ્ઞાન (3) સમાજ માટે દાન ઈચ્છનીય છે.

આટલું સઘળું તમને યાદ રહી જાય એવું કવિએ કહ્યું :

‘આંખ મીંચું તો અંધારાં,
…..આંખ ખોલું તો અજવાળાં,
તેજ-તિમિરના શ્રીહરિએ
…..અજબ કર્યા સરવાળા !
કમળ-કેદમાં ભમરો કેવળ અંધકાર જાણે,
નભે ઊડતું પંખી ઝળહળ અજવાળું માણે’

અન્ય એક કવિતા :

રાત પડે ને રડવું નહીં,
……ને દિવસ પડે કે હસવું નહીં;
ભડભડ ભડભડ બળવું નહીં,
…….ને થીજી જવાય એવું ઠરવું નહીં.

કારણ વગર કોઈને મળવું નહીં,
…….ને કોઈ સાથે ઝઘડવું નહીં.
નાવની જેમ ઊપડવું નહીં,
……ને મોજાંની જેમ ઊછળવું નહીં.

પંથ વહે તો વહેવા દો,
…..પંથની સાથે ચાલવું નહીં,
વૃક્ષની જેમ ઊભા રહી,
…..ફોરમની જેમ વહેવું અહીં.

[ કુલ પાન : 270 (ગ્લોસી પેપર્સ), કિંમત : રૂ. 300. પ્રાપ્તિસ્થાન : શ્રી મહેન્દ્ર ચોટલિયા, 8, જાનકી એપાર્ટમેન્ટ, નૂતન કલબ પાસે, વલ્લભવિદ્યાનગર. ફોન : +91 9879528129.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે વાર્તાઓ – હરિશ્ચંદ્ર
બંદા – રમણીક સોમેશ્વર Next »   

20 પ્રતિભાવો : જીવનનો મર્મ – ડૉ. વસંત પરીખ

 1. Ravi , japan says:

  Dr. sir , very touchy article..
  with so many fruitful examples..

 2. shruti maru says:

  ‘આંખ મીંચું તો અંધારાં,
  …..આંખ ખોલું તો અજવાળાં,
  તેજ-તિમિરના શ્રીહરિએ
  …..અજબ કર્યા સરવાળા !

  …. જીવન એક સંગીત છે, જે જીવનમાંથી સંવાદના, સંગીતના મધુર સ્વર નીકળે એવું વાદ્ય બને છે.

  આભાર ડો.પરીખ સર આવો સુંદર લેખ આપવા બદલ

 3. Naresh Machhi says:

  પંથ વહે તો વહેવા દો,
  …..પંથની સાથે ચાલવું નહીં,
  વૃક્ષની જેમ ઊભા રહી,
  …..ફોરમની જેમ વહેવું અહીં.
  વાર્તા બહુ જ ગમી. ઉદાહરણો સારા લાગ્યા.કાવ્ય પન્કિત ઓ બહ જ ગમી.
  આભાર ડો.પરીખ આવો સુંદર અને મર્મિકલો લેખ આપ્યો.

 4. Dinesh Gajjar says:

  Good one..

 5. pragnaju says:

  ામારા એક આદર્શ વ્યક્તીની વારંવાર ચીંતન મનન કરવા જેવી વાત

 6. ભાવના શુક્લ says:

  જીવનના મર્મને જીવન અને મૃત્યુ વચ્ચેની પળો માજ માણવો રહ્યો. સુંદર આલેખન..

 7. Veena Dave,USA. says:

  very good and helpful article to live good life.

 8. asha jhaveri says:

  thank you very much

 9. કલ્પેશ says:

  One of the best article so far !!

 10. reenadesai says:

  ‘આંખ મીંચું તો અંધારાં,
  …..આંખ ખોલું તો અજવાળાં,
  તેજ-તિમિરના શ્રીહરિએ
  …..અજબ કર્યા સરવાળા !

  પંથ વહે તો વહેવા દો,
  …..પંથની સાથે ચાલવું નહીં,
  વૃક્ષની જેમ ઊભા રહી,
  …..ફોરમની જેમ વહેવું અહીં.
  આ પનક્તિઓ જિવનમા ઉતારએ તો જિન્દગિ સફલ થૈ જાય.

 11. sonal says:

  This Article is Really Awesome, and explanation is Amazing.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.