બંદા ઝૂકી ડાળ જ્યાં બેઠું પંખી એક
કાગળ લઈ શું ચીતરો, છોડો છેકાછેક
બંદા ફરરરક ઊડિયું, પંખી નભને ઘાટ
કંપે ઝીણું ડાળખી, જોતી પાછી વાટ !
બંદા બારી ખોલીએં સાંભળીએં આલાપ
મળતાં મારગ મોકળો, આવી મળશે આપ
બંદા બેઠા બારીએ, કરે પવનથી છેડ
બોલે ત્યાં તો આભલું, મને કાખમાં તેડ
બંદા થોડું ચાલીએં, થોડું રહીએં જોઈ
થાય જળાશય બહાવરું પડછાયાને ખોઈ !
બંદા દર્પણ તૂટતું, તૂટે ક્યાં પરછાંઈ
ઝીણું વસ્તર જાતનું, વણતા બેઠા સાંઈ
બંદા બબડક બોબડા, બોલે ક્યાંથી બોલ
કૂંચી આપું હાથમાં, ખોલ શકે તો ખોલ.