કાર્ય ક્યારે ઉત્તમ બને ?

બાદશાહ અકબર દરબાર ભરીને બેઠા હતા. તાનસેન હજી આવ્યા નહોતા. દરબારમાં અલકમલકની વાતો ચાલતી હતી. ત્યાં મધુર કંઠે ગવાતું ભજન સંભળાયું. ગાયકના સૂર, તાલ અને મીઠાશ એટલાં સરસ હતાં કે આખો દરબાર મંત્રમુગ્ધ થઈ સાંભળી રહ્યો. છેલ્લો અંતરો ગાયક ધીમા સ્વરમાં દોહરાવી રહ્યો હતો તે વખતે બાદશાહે ચાકરને હૂકમ કર્યો, ‘જાવ કોણ ગાઈ રહ્યું છે, તેની તપાસ કરી આવો.’ ચાકરે અટારીમાં જઈ જોયું અને આવીને બાદશાહને કહ્યું કે એક ફકીર ગાઈ રહ્યો છે. બાદશાહે હુકમ કર્યો કે એ ફકીરને બોલાવી લાવો.

થોડીવારમાં તાનસેન આવ્યા. દરમિયાન ચાકર ફકીરને પણ બોલાવી લાવ્યો. તેને નીચે બેસાડી ચાકરે બાદશાહને જાણ કરી. પોતે એકલો બેઠો હતો એટલે ફકીરે બીજું ભજન ઉપાડ્યું. તાનસેન સહિત આખો દરબાર સાંભળી રહ્યો. ભજન પૂરું થતાં બાદશાહે તાનસેનને પૂછયું, ‘તાનસેન, ગાનારની ગાયનકલા કેવી લાગી ?’
તાનસેને જવાબ આપ્યો, ‘અદ્દભુત !’
બાદશાહ જરા આગળ વધ્યા, ‘તાનસેન, એક સામાન્ય ફકીર એ ગાઈ રહ્યો હતો. તમે ગાવ છો ત્યારે પણ હું આટલો રસતરબોળ થઈ જતો નથી. શું એ તમારા કરતાં ઊંચો ગાયક છે?’

તાનસેને વિનાસંકોચ કબૂલ કર્યું, ‘અલબત્ત, એ ઊંચો ગાયક છે. તેના સૂર-તાલમાં ક્યાંય ચૂક નથી, ગળાની મીઠાશ અજબ છે અને એકાગ્રતા ઉત્તમ છે.’
બાદશાહે પૂછયું, ‘તાનસેન, તમારી પાસે આટલી તાલીમ છે, રિયાજ છે અને સાજ-સંગીત છે તોય ફકીરનું ગાન ચડિયાતું કેમ ?’

તાનસેન થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, ‘બાદશાહ સલામત, હું મારી શ્રેષ્ઠતા જાળવવા ગાઉં છું, મારામાં અહમ છે કે હું શ્રેષ્ઠ ગાયક છું, હું માણસોને પ્રસન્ન કરવા ગાઉં છું, તમારી તહેનાતમાં ગાઉં છું, ધન-કીર્તિ માટે ગાઉં છું. ફકીરમાં કોઈ અહમ નથી, ગાનની શ્રેષ્ઠતા કે ઉત્તમતાની એને કંઈ પડી નથી, તે માણસોને પ્રસન્ન કરવા કે કોઈની તહેનાતમાં ગાતો નથી. તે ઈશ્વરને પ્રસન્ન કરવા ગાય છે. તેના ગાવાનું કોઈ પ્રયોજન નથી, પ્રેમમાં તરબોળ થઈ તે ગાય છે. મારી સરખામણી તેની સાથે ન થઈ શકે. તેની આગળ હું તુચ્છ છું.’

તાનસેનનો જવાબ સાંભળી બાદશાહ અકબર અને બધા દરબારીઓ ચૂપ થઈ ગયા. ઈશ્વરના પ્રેમ ખાતર, નિષ્પ્રયોજન કરેલું કામ ઉત્તમ છે. તેની સાથે બીજું કોઈ કામ બરોબરી ન કરી શકે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માનવતાના મશાલચી – કરસનદાસ લુહાર
માથેરાન – હર્ષદ કાપડિયા Next »   

10 પ્રતિભાવો : કાર્ય ક્યારે ઉત્તમ બને ?

 1. અમિત પિસાવાડિયા says:

  ખરી વાત છે , નિષ્કામ કર્મ ઉમદા છે , સારી વાર્તા છે.

 2. chetna bhagat says:

  ઉત્તમ બોધ કથા..

 3. दर्शन त्रिवेदी says:

  न सतईश की तमन्ना न सिले की परवा ,
  गर नही है मेरे अशआर मे मानी न सही ।

 4. nayan panchal says:

  અરે વાહ! તાનસેનની વાત એકદમ બરાબર. નિઃસ્વાર્થ ભાવે અને પૂરી તન્મયતાથી કરેલુ કામ ઉત્તમ ન હોય તો જ નવાઈ.

  સરસ લેખ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.