મારી પાસે આકાશ છે…. ! – પંકજ ત્રિવેદી

[ શ્રી પંકજભાઈ ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘મર્મવેધ’માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : pankajsmit@yahoo.com ]

માણસ ઘરની બહાર નીકળે ત્યારે એક મ્હોરું પહેરીને નીકળે છે. પડોશી મળે છે શેરીના નાકે, પાનના ગલ્લે મળે મિત્ર અને રસ્તે મળે કોઈ નવયૌવના… માણસ મુસ્કુરાતો જાય છે. વાતો કરતો જાય છે. હળવી મજાક કરતો જાય છે. માણસ જાય છે પોતાના કામધંધે….! આ માણસ જઈ રહ્યો છે ને એના મનમાં તો ચાલે છે અનેક વિચારોનું દ્વંદ્વ અને માણસ લાચાર થઈને એના વમળમાં ઘૂમ્યા કરે છે.

આ શહેરમાં, પ્રત્યેક શહેરમાં માણસ છે, એના જીવવાનો અલગ અંદાજ છે. એનો અલગ સ્વભાવ, અલગ મિજાજ, અલગ દેખાવ અને અલગ પીડા છે. દરેક માણસ અલગ-અલગ છે. માણસ પ્રેમ છે, નફરત છે, આંસુ છે, ભભૂકતો જવાળામુખી છે ને એ જ માણસ માછલી જેવો ચંચળ છે. અરે ભાઈ, માણસ આખરે તો એક માણસ છે. માણસના અલગ રંગ-રૂપ છે એટલે એમાં ભેદ છે, એના અલગ જાતિ-ધર્મ છે, એટલે માણસ અલગ છે. આ બધાં વચ્ચે માણસ છે એ હસે છે, અને એટલે તો એ વ્હાલો લાગે છે. વાસ્તવિકતા એ છે, માણસ નહીં પણ એનું મ્હોરું હસે છે. આપણે એકબીજાને ઓળખવાનો દાવો કરીએ છીએ. સુખી-સમૃદ્ધ જીવનના સપના જોઈએ છીએ અને એને સાકાર કરવા પ્રયત્નશીલ રહીએ છીએ. આપણે કોઈને હસાવતા રહીએ છીએ, હસીએ છીએ. આપણો અવાજ આપણને સંભળાતો નથી. આપણે બોલીએ, તે અવાજ અન્ય માણસની જેમ આપણે સાંભળી શકતાં નથી કે અનુભવી શકતા નથી. કદાચ, એટલે જ આપણા અવાજને સાંભળવા માટે ‘ભીતરના ભેરુ’નો સહારો લેવો પડે છે. એ અવાજ સંભળાઈ જાય ત્યારે તેમાં સચ્ચાઈનો રણકો સંભળાય છે અને મનમંદિરમાં ઘંટારવ થાય છે. આ રણકાર બોદો સંભળાય ત્યારે સમજવું કે આપણા અવાજને છાલા પડ્યાં છે.

સમાજમાં દરેક માણસનું અનોખું વ્યક્તિત્વ છે, ઓળખ છે, ઉંમર છે અને એટલે એ સરેઆમ આંસુ સારી નથી શકતો ! ઈચ્છે તે દિલ ખોલીને બોલી નથી શકતો. પડોશી મળે તો કારણ વગર હસવું પડે છે. એમને ‘કેમ છે ?’ પૂછવું પડે છે અથવા એ જ પ્રશ્નના જવાબમાં કહેવું પડે છે – ‘જલ્સા !’ માણસ ખરેખર જલસામાં છે ? ચહેરા પરનું મ્હોરું ખોખલા સમાજ સામે એક વ્યક્તિ તરીકે ભલે ઓળખાવે, પરંતુ સાંજ પડ્યે ઘેર આવીને થાકેલો માણસ જવાબદારીના ઓઢણાથી દબાયેલો ઢળી પડે છે. એની આસપાસ પરીવાર છે, સમાજ છે, નોકરી છે, કશુંક કરવાની પ્રબળ ચાહત છે, હામ છે, પુરુષાર્થ છે, છતાંયે એમાં મૌલિકતાનો અભાવ જોવા મળે તો શું સમજવું ? શક્ય છે કે આખા દિવસમાં કોઈ ઉત્તમ કાર્ય કર્યું હોય તો એની હૂંફમાં માણસ નિરાંતે ઊંઘી પણ શકે. ટેન્શન નહીં લેને કા, ક્યા ? – આવું કહેવું સરળ છે પણ જીવવું ? ‘જેવું જીવીએ એવું કહીએ, જેવું કહીએ એવું જીવીએ’ – આ વિધાન આપણને હળવાફૂલ બનાવી દે એવુંયે બને. આકાશ જેવા અસીમ બનાવી દે ! શક્ય છે, પીડામાંથી પાંગરવાની દષ્ટિ આપે. પ્રેમથી પુરુષાર્થને લઈને ચાલતાં શીખવે અને પ્રારબ્ધના સહારે પરમ તત્વનો ભેટો પણ કરાવી દે !

માણસ પાસે સમય નથી. માણસને પ્રકૃતિ ગમે છે પણ શહેરની જિંદગી સિમેન્ટની જેમ થીજી ગઈ છે, એટલે પ્રકૃતિનો પમરાટ માણી શકતો નથી. એના કાન અવાજના પ્રદૂષણથી દૂષિત છે એટલે ભમરાનો ગૂંજારવ એને સંભળાતો નથી. વાત સાચી છે પણ એક રસ્તો છે. શહેરની સડકો પર વૃક્ષોને બદલે કમર્શિયલ મૉલનો છાંયો ભલે હોય, તોય આકાશ હજીયે ખૂલ્લું છે. આકાશને નિરખવા માટે પ્રેમ જોઈએ, દંભ નહીં ! માણસ પાસે સમયનું બહાનું છે, પ્રેમની ઉષ્મા ફેક્ટરીઓ-વાહનોના ધુમાડામાં ભળીને ઝેરી બની ગઈ છે. એટલે આકાશને નીરખવાનું મન થતું નથી. આકાશના વિવિધ સ્વરૂપને પામવા આખી જિંદગી ઓછી પડે. પ્રત્યેક ક્ષણે આકાશનો મિજાજ બદલાય છે. વાદળોના આકાર, સૂર્યની રોશની અને એ બંને વચ્ચે રમાતી સંતાકૂકડીની રમતથી સર્જાતા રંગોનું વૈવિધ્ય, એની ઝાંય જોવી હોય, સ્વસ્થ થવું હોય તો એકાગ્રતાથી પ્રકૃતિની પરમ ઘટનાને સાધનાના સ્તર સુધી આરાધવાનું ધૈર્ય જોઈએ. પ્રકૃતિને આત્મસાત કર્યા કરવાથી નિજ તત્વમાં આપોઆપ પરિવર્તન આવશે. એનાંથી આપણી ચૈતસિક ક્ષિતિજનો વ્યાપ વધશે અને ચક્ષુથી દિવ્યચક્ષુનો મહિમા ચૈતન્યના દર્શન કરાવશે. જે કાર્ય આપણા ધર્મગ્રંથો કરે છે એ જ કાર્ય આકાશની અસીમતા અને એનાં રંગો-આકારો પણ કરે છે. માત્ર આપણી એકાગ્રતા અને શ્રદ્ધા ખૂટે છે, એનું શું ? જેમ પુસ્તકમાં છપાયેલી વાતને એનાં મૂળ પરિપ્રેક્ષ્યમાં સમજવી જોઈએ એમ આકાશની ભાષાને સમજવી જોઈએ.

માણસ ઘર બહાર નીકળે છે, એજ સ્વરૂપે ઘેર પાછો આવતો નથી. એ બહાર દેખાય છે તેવો ઘરમાં નથી હોતો. ઘરની વાતો જાહેરમાં નથી કરી શકતો. માણસ પ્રત્યેક પળે બદલાય છે. બદલાવું પડે તે માણસની કરુણા છે. આજનો માણસ બાળપણને પણ જીવતો નથી. પરિણામે એની વૃત્તિ એની વૃદ્ધિમાં ફુગાવો જોવા મળે છે. આજનું બાળપણ ફાસ્ટફૂડનું છે એટલે એને ચાંદામામાની વાર્તા સાંભળવી નથી ગમતી. કદાચ, એના માતા-પિતાને પણ નથી આવડતી ! તો એને મામાનો ચહેરો તો ક્યાંથી દેખાવાનો ? હવે દાદીમા કે દાદાજી તો વૃદ્ધાશ્રમની શોભા વધારી રહ્યાં છે એટલે બાળકોને એમની ઢીલી પડી ગયેલી ચામડીનો સ્પર્શ સુંવાળો ક્યાંથી લાગે, ભાઈ ! રામાયણ-મહાભારત કે શ્રવણ-પ્રહલાદની વાર્તા એણે નથી સાંભળી. એને ધ્રુવ તારાની તો ખબર ક્યાંથી હોય ? દાદીમાના ચહેરાની ઊંડી રેખાઓમાં કેટલી વાતો અંકિત થઈ છે, એની જાણ કરવાનો સમય નથી. વડિલોને પગમાં પડીને વંદન કરવાનો વિવેક હવે નથી રહ્યો. હા, આપણા બાળકો બર્ગર, પિત્ઝા, મોબાઈલ અને મૉલમાંથી નવરાં થઈ શકતાં નથી. મલ્ટીપ્લેક્સ અને ડાન્સબારનું કલ્ચર વિવિધ પ્રકારના ડે-ને ઉજવ્યા કરે છે. આ બાળક કે યુવાન આપણા જ સમાજનો માણસ છે. જેનો ઉછેર ફાસ્ટલાઈફમાં ફાસ્ટ થયો છે ને ભાઈ !

મેં ગામડું જોયું છે, બળદગાડું જોયું છે ને હરિયાળા ખેતરમાં લહેરાતા ઘઉંના ડૂંડાને તોડીને એનો પોંક ખાધો છે. મારી પાસે હજી પ્રકૃતિની મૂડી અકબંધ છે. મારી નવ વરસની નાની દીકરીના વાળ ઓળીને, એમાં આંગણામાં ઊગેલું ગુલાબનું ફૂલ શોભાવી શકું છું. એનો હસતો ચહેરો મને દાદીમાની યાદ અપાવે છે. ક્યારેક વાળ ઓળતાં એકાદ લટ સરી પડે ત્યારે દીકરી મીઠો છણકો કરે; ‘શું તમેય પપ્પા….! લાવો હું જાતે જ ઓળી લઉં….’ ત્યારે આંખના ખૂણાની ભીનાશમાંથી એને જોઉં, કદાચ મારી દીકરી મોટી થઈ ગઈ છે…! એ મને છોડીને જતી રહેશે એવા ડરથી આંસુની ઝાંખપ વચ્ચે એને જોઈને કહું : ‘હવે લટ નહીં નીકળે દીકરી, ધ્યાન રાખીશ…’ આટલું કહીને એને મારી સાથે જમાડી, શાળાએ મૂકવા જવાનો સમય મેં હજી બચાવી રાખ્યો છે. મારી દીકરી, મારું આ…કા…શ… છે. હા, હું પણ માણસ છું. મ્હોરાં તો આ પડ્યાં મારી સામે ઢગલાબંધ ! પરંતુ એકપણ મ્હોરું અનુકૂળ નથી થતું મને. કારણ કે મારી પાસે ખેતર છે, ગુલાબ છે, ચાંદો અને સૂરજ છે, આકાશ છે અને વાદળોનો ઢગ છે.

હા, માણસ ક્ષણિક વૈરાગ્યનો જોગી બનીને બધું પ્રાપ્ત કર્યાનો સંતોષ માની હરે-ફરે છે. જોગીના સ્વરૂપમાં રહેલું પોતાનું બાળપણ ખોઈ બેઠો છે માણસ, એટલે તો મ્હોરાં પહેરીને ભટક્યા કરે છે નગર-નગર ! બાળપણ તો ઐક્યથી ઐશ્વર્ય પ્રાપ્ત કરવાનો પ્રારંભ છે. જીવન ત્યાંથી તો શરૂ થાય છે ને ? વ્યસ્તતા વચ્ચે મિલન અને જુદાઈ એક દૌર ચાલે છે. એમાં જ હસવાનું ને રડવાનું હોય છે. બાળપણથી વૃદ્ધત્વની યાત્રામાં માણસે વિચારવાનું છે, વિકસવાનું છે, વિલસવાનું છે અને વિરમવાનું છે. આ પ્રક્રિયા આપણી નિયતિ છે. લાંબા જીવનમાં સુખ-દુ:ખના વાદળો વચ્ચે પણ શક્યતાનો સૂરજ તપે છે. અનંત આકાશ આપણી સામે ફેલાયેલું છે, આપણે એની સાક્ષીએ વિહરવાનું છે. માણસ ઘર બહાર નીકળે છે. કદાચ, એને હવે મ્હોરાંની જરૂર નથી લાગતી ! પડોશી મળે તો સહજ હસી લે છે. મિત્રને ખુલ્લા મનથી મળે છે અને નવયૌવનાને જોઈ ક્ષોભ વગર આંખોને નચાવી મીઠું સ્મિત વેરી શકે છે. આ બધું ગમે છે દરેક માણસને, હવે માણસ પાસે પોતાનો સમય પણ છે ! એ ઘર-પરીવારમાં સૌને મળે છે. એની પાસે ખૂલ્લું આકાશ છે. હવે એ જીવનને સમજી શકે છે અને એનાં મર્મને પણ સમજે છે…!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હર્ષને પામ્યા નહીં – મહેન્દ્ર જોશી
હાસ્યમેળો – સંકલિત Next »   

16 પ્રતિભાવો : મારી પાસે આકાશ છે…. ! – પંકજ ત્રિવેદી

 1. shruti maru says:

  ખુબ સુંદર રચના છે પંકજભાઈ,

  આપે બહુ સરસ વાત કીધી છે કે માણસ ઘર માં જે હોય છે તે બહાર હોતો નથી અને બહાર હોય છે તે ઘરમાં હોતો નથી.

  માણસ પાસે સમય નથી. માણસને પ્રકૃતિ ગમે છે પણ શહેરની જિંદગી સિમેન્ટની જેમ થીજી ગઈ છે, એટલે પ્રકૃતિનો પમરાટ માણી શકતો નથી.

  આભાર

 2. સુંદર રચના…

  ભાષાકર્મ પણ મજાનું થયું છે… આખો સંગ્રહ વાંચવાનું મન થાય એવું છે…

 3. shruti suthar says:

  ખુબજ સરસ લેખ છે.

 4. Nehal Shah says:

  ખુબ જ સુંદર

 5. Nilesh says:

  Excellent Narration.Nature always gives unconditional love,Joy and Peace to everyone who gets closer to it .

 6. Veena Dave,USA. says:

  ખુબ સરસ.

 7. pankaj trivedi says:

  પ્રિય દોસ્તો,
  આપના પ્રતિભાવોથી મળ્યા. કોઇપણ સર્જકને આનઁદ થાય એવો જ મને થયો. આશા કે મારા અન્ય લેખો માટે આપને “મર્મવેધ સઁગ્રહ ગૂર્જર પ્રકાશન, ગાઁધીરોડ, અમદાવાદથી મળી જશે.
  ફરીથી આભાર.
  પઁકજ ત્રિવેદી

 8. pankaj trivedi says:

  મારો મોબાઇલ – ૯૮૭૯૫ ૨૩૩૩૧

 9. SAKHI says:

  VERY NICE

 10. pravin bhatt says:

  best, no more words

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.