મરમ ગહરા – સં. રાજુ દવે

[‘નવનીત સમર્પણ’ સામાયિકમાં આવતી નિયમિત કૉલમ ‘મરમ ગહરા’માંથી સાભાર.]

[1]
એક મહાત્માનો અંતકાળ નજીક આવ્યો. સાત્વિક જીવન. ઉચ્ચ વિચારો, તેવું જ આચરણ, છતાં પણ શરીરને અનેક રોગોએ ઘેરી લીધું હતું. ખૂબ પીડા થતી હતી. શિષ્યો અને ભક્તો ખડેપગે સેવામાં હતા. પણ શરીરની પીડા વધતી જ જતી હતી. શિષ્યોએ વૈદ્યને બોલાવ્યા. મહાત્માએ ઉપચાર કરાવવાની ના પાડી દીધી.

મહાત્માના નિર્ણયથી બધા જ નિરુપાય થઈ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા કે મહાત્મા જલદી સ્વસ્થતા પ્રાપ્ત કરે. મહાત્માએ જ્યારે આ જાણ્યું ત્યારે તેઓ રડી પડ્યા.
શિષ્યએ પૂછ્યું : ‘ગુરુજી બહુ પીડા થાય છે ને ?’
મહાત્માએ કહ્યું : ‘હું એ પીડા માટે નથી રડતો. એ તો મટી જશે. પ્રાણ ચાલ્યો જશે એટલે એમાંથી તો છુટકારો થઈ જશે. પણ આજે આટલાં વર્ષોની સાધના પછી મને લાગે છે કે મારું જીવન મેં વેડફી નાખ્યું.’
શિષ્ય આ સાંભળી નવાઈ પામ્યો. બોલ્યો, ‘આપ આવું કેમ કહો છો ? આપે તો ઈશ્વરનાં કેટલાં બધાં કાર્યો કર્યાં. કેટલા સાધકોને સત્યનો માર્ગ બતાવ્યો. કેટલાયનું જીવન ધન્ય બન્યું, એમાં આપ નિમિત્ત બન્યા.’
મહાત્માએ કહ્યું, ‘એટલે જ રડવું આવે છે. મોટું નામ મળ્યું. મોટાં કામ થયાં એમાં ઈશ્વરે મને નિમિત્ત કર્યો. હું તો જાણું છું કે મને તેણે દોર્યો એમ હું દોરાયો છું. મને એની ચિંતા નથી. પણ તમે બધા જે રીતે મારી શુશ્રૂષા કરો છો, ચિંતા કરો છો, મને જ મોટો સમજો છો, મને જેણે મોટો બનાવ્યો તે તરફ તમારું દુર્લક્ષ્ય જોઈને મને મારા હોવાપણા વિશે શરમ આવે છે. દુ:ખ થાય છે. રડવું આવે છે અને ઈશ્વરની પાસે મેં માગણી કરી છે કે હવે પછીના જન્મે મારી આસપાસ તારી સિવાય કોઈ ન હજો. ફક્ત હું અને તું. આ બધી જવાબદારીઓ… પછી ભલે એ તારું કામ કરવાની હોય. મારે કંઈ ન જોઈએ. એ માટે કોઈ બીજાને શોધી લે જે.’ શિષ્ય પરમ વિસ્મયથી ગુરુને નીરખી રહ્યો. મહાત્માએ આંખો મીંચી દીધી.

[2]
એક દિવસ રાજા ભોજ અને કવિ માઘ વેશપલટો કરી ફરવા નીકળ્યા. સંધ્યા સમય વીતી ગયો. રાત્રીનો અંધકાર છવાયો. બન્ને જંગલમાં ભૂલા પડ્યા. બે રસ્તાઓ ફંટાતા હતા. ત્યાં ઊભા રહી ગયા. બન્ને મૂંઝાયા. હવે કઈ તરફ જવું તે ન સમજાયું. ત્યાં નજીક એક ડોસી બેઠી હતી. રાજાએ ડોસીને પૂછ્યું :
‘આ રસ્તો ક્યાં જાય છે ?’
ડોસીએ કહ્યું : ‘રસ્તો તો ક્યાંય નથી જતો. હા, આ રસ્તે યાત્રીઓ અવરજવર કરે છે. તમે કોણ છો ?’
રાજા : ‘અમે યાત્રી જ છીએ.’
ડોસી : ‘યાત્રી તો બે જ છે. સૂર્ય અને ચંદ્ર. તમે કોણ છો ?’
રાજા : ‘અમે અતિથિ છીએ.’
ડોસી : ‘અતિથિ બે જ છે. એક ધન અને બીજી યુવાની.’
ભોજ : ‘હું રાજા છું.’
ડોસી : ‘રાજા પણ બે જ છે. એક ઈન્દ્ર અને બીજો યમ.’
રાજા : ‘અમે પરદેશી છીએ.’
ડોસી : ‘પરદેશી પણ બે હોય. એક જીવ અને બીજું વૃક્ષપર્ણ.’
રાજા : ‘અમે સાધક છીએ.’

ડોસી : ‘સાધકને પ્રશ્નો ન હોય. તે તો ઈશ્વરની ઈચ્છામાં જીવતો હોય. તે ભૂલો પડે તો પણ ઈશ્વરકૃપાએ જે માર્ગે ભૂલો પડે ત્યાંથી આગળ વધીને પોતાના ગંતવ્યસ્થાને પહોંચી જાય. મને ખબર છે તમે ભોજ છો અને આ સાથે છે તે કવિ છે. બન્ને જુદા માર્ગના પ્રવાસી છો, છતાંય સાથે છો એટલે ભૂલા પડ્યા છો. તમે બન્ને ઈશ્વરે તમને જે કાર્ય કરવા મોકલ્યા છે તેને વફાદાર રહો એટલે સાચે માર્ગે આવી જશો. રાજા…. તારે સાધનાને માર્ગે જવાની હજી વાર છે. પહેલાં રાજધર્મ તો બજાવ. જા… આ માર્ગે વળી જા… ઉજ્જૈન પહોંચી જઈશ. અને કવિ…. તું તો શબ્દ દ્વારા સાધના કરે જ છે… તું નક્કી કરી લે… તારે રાજાની સાથે જવું છે કે પછી…!’ ડોસીની વાત સાંભળી રાજા અને કવિ બન્ને તેને વંદન કરી, પોતપોતાને માર્ગે વળી ગયા. રાજા ઉજ્જૈન ગયો અને કવિએ ડોસીને ગુરુપદે સ્થાપી સાધના શરૂ કરી.

[3]
એક ધર્મસ્થાન પાસેથી એક મહાત્મા પસાર થઈ રહ્યા હતા. તેમણે જોયું કે એક રાંક, સુકલકડી, માયકાંગલો માણસ તે સ્થાનકની પ્રદિક્ષણા કરતો મંત્રોચ્ચાર કરી રહ્યો હતો. તેને જોઈ મહાત્માને કુતૂહલ પેદા થયું. તેમણે પેલાને ઊભો રાખી પૂછ્યું : ‘સાધના કરે છે ?’
પેલાએ જવાબ આપ્યો : ‘હા.’
ફરી મહાત્માએ પૂછ્યું : ‘તારો ઈશ્વર તારાથી દૂર છે કે નજીક ?’
પેલાએ ઉત્તર આપ્યો, ‘એકદમ નજીક.’
મહાત્માએ ફરી પ્રશ્ન પૂછ્યો : ‘તે તને અનુકૂળ છે કે પ્રતિકૂળ ?’
પેલાએ જવાબ આપ્યો : ‘અનુકૂળ.’
તેનો ઉત્તર સાંભળી મહાત્માએ કહ્યું : ‘કેવી આશ્ચર્યની વાત છે, તારો ભગવાન તારી નજીક છે, તને અનુકૂળ છે તોય તારી આ દશા ?’
પેલાએ જવાબ આપ્યો : ‘તમને ખબર નથી લાગતી… દૂર રહેલા પ્રતિકૂળ સખાના ભય કરતાં નજીક રહેતા અનુકૂળ સખાનો ભય વધુ હોય છે, કારણ કે તેમાં તરત સજા થવાની શક્યતાઓ અનેકગણી વધુ હોય છે !’ આ સાંભળી મહાત્માએ પૂછ્યું, ‘અચ્છા…. એટલે તારી દશા આવી થઈ ગઈ છે !’ આ સાંભળી પેલા માણસે કહ્યું : ‘મહાત્મા…. ફરી તમે ભૂલ્યા. અનેકગણી શક્યતાઓ છતાં તે પરમ સખા મને શિક્ષા નથી કરતો. તેની કરુણા, તેનો નિર્હેતુક પ્રેમ, તેની દયાના અનુભવની અનુભૂતિને હું અહર્નિશ ઝીલી નથી શકતો એટલે મારી આ દશા છે, તમારી આ તાર્કિક દશા નાશ પામો એવી હું પ્રાર્થના કરું છું.’

[4]
મહર્ષિ ઔતિથ્ય મૃગાસન પર બેસીને વેદમંત્રોના પાઠ કરી રહ્યા હતા. તેઓ પ્રાણીઓની ભાષા જાણતા. એક ડરેલું હરણ ભાગીને તેમની કુટિયામાં ઘૂસી ગયું. ત્યાં થોડી વાર પછી એક સિંહ આવ્યો. તેણે મહર્ષિને પૂછ્યું : ‘મારો શિકાર અહીં સંતાયો છે ?’
સત્યવકતા મહર્ષિ અસમંજસમાં પડી ગયા. તેઓ જીવનમાં કદી અસત્ય નહોતા બોલ્યા. અસત્ય તેમના માટે જીવનનો સહુથી મોટો અપરાધ હતો. પોતાને શરણે આવેલાનું રક્ષણ કરવું તેને તેઓ ધર્મ સમજતા. જો તેઓ હરણ સિંહને સોંપે, તો મહા પાપ થાય. વનરાજે ફરી વખત પ્રશ્ન પૂછ્યો. મહર્ષિ બોલ્યા, ‘હું તને કેવી રીતે કહી શકું ? કારણ કે જોવાનું કામ આંખ કરે છે અને બોલવાનું કામ મોઢાનું છે. આંખો બોલી નથી શકતી અને મોઢું જોઈ નથી શકતું. બોલી શકે તે ઈન્દ્રિયને તું જોવા બાબતનો પ્રશ્ન પૂછે છે. જે જોઈ નથી શકતું તે મોઢું તને કેવી રીતે જવાબ દે ? જેણે જોયું તે બોલી નથી શકતું. આ પરિસ્થિતિમાં હું તારા પ્રશ્નનો જવાબ આપવા અસમર્થ છું.’

મહર્ષિનો જવાબ સાંભળી સિંહ ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ મહર્ષિના મુખેથી નીકળેલા શબ્દોએ એક નવા શાસ્ત્રને જન્મ આપ્યો : ‘તર્કશાસ્ત્ર.’

[5]
શિષ્ય અને ગુરુ વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો.
શિષ્યએ કહ્યું, ‘મન બહુ અડચણ પેદા કરે છે. નામ-સ્મરણ કે ધ્યાન વખતે ભટકે, એ તો થાય જ છે. પણ જેવા તેમાંથી નવરા પડ્યા એટલે જાત જાતની માગણી કરે છે. આપને હું વર્ષોથી આમ જ નિર્ગંથ…. નિષ્કિંચન જોઈ રહ્યો છું. તો આપે આ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી ? આપને કોઈ ઈચ્છા દર્શાવતા મેં કદી નથી જોયા.’

ગુરુ મર્માળુ હસ્યા અને કહ્યું : ‘હું દંભ કરું છું. ઈચ્છાઓ તો મને પણ થાય છે. પણ ઈચ્છાપૂર્તિ પછી તેનાં પરિણામો મને ડરાવે છે એટલે શાંત રહું છું. બોલતો નથી. આજે પણ હું સાધક જ છું. કદાચ… તમારાથી એકાદ ડગલું આગળ હોઈશ. પણ હું સાધક અવસ્થાની મારી શરૂઆતની વાત કરું…. આશ્રમમાં રોજ પૂરી અને શાક અમને એક ટંક મળતાં. એક દિવસ મને મીઠાઈ ખાવાનું મન થયું. અમારા ગુરુ પાસે વાત કરતાં શરમ આવી. તેમણે મને બોલાવ્યો, સાધન વિશે પૂછપરછ કરી. મેં સરસ જવાબો આપ્યા. તેમણે કહ્યું કે ‘મન નવરું પડે ત્યારે શારીરિક શ્રમ કરવો. શરીરને થકવી નાખવું. એટલે તેની માગણીઓ ઓછી થશે, બદલાશે. બંધ નહીં થાય. પણ પ્રયત્ન કરવો. હું બીજા દિવસે ગામમાં આવ્યો. મીઠાઈ ખાવાની ઈચ્છા હજી હતી જ. ત્યાંથી એક બળદગાડું નીકળ્યું. મેં તેને રોક્યું. ગાડાના માલિકને કહ્યું, ‘ભાઈ…. આ બળદને બદલે જો તું મને જોતરે તો શું આપીશ ?’ પેલો કહે, ‘બે આના….’ મેં કહ્યું : ‘કબૂલ.’ તેણે મને જોતર્યો. એક બળદ અને બીજો હું. બે-ત્રણ કલાકમાં તો શરીરનાં અંગેઅંગ તૂટવા લાગ્યાં. માલિકે મને છોડ્યો અને બે પૈસા આપ્યા. હું માંડ-માંડ કંદોઈની દુકાન સુધી આવ્યો. પછી મનને કહ્યું બોલ… કઈ મીઠાઈ ખાવાની ઈચ્છા છે ? પણ મન કહે અત્યારે જો સુંદર પથારી મળે તો આરામ કરવો છે. તે જ ક્ષણે મને મારા ગુરુની વાત સમજાઈ. તેમણે કહ્યું તેમ કરતાં કરતાં ઈચ્છાઓ તેની જાતે જ દબાતી ગઈ. બહુ સંઘર્ષ કરવો પડ્યો. પણ શું છે કે પ્રક્રિયામાંથી પસાર થયા વિના કંઈ મળતું નથી. આ સિદ્ધિ નથી. અનુભવ છે. ઈચ્છા થાય તો અજમાવજે.

[6]
એક સાધકે પુષ્કળ સાધના કરી. તેને લાગ્યું કે હવે તે બધું પામી ગયો છે, વધુ કંઈ કરવાની જરૂર નથી. એક દિવસ નદીકિનારે તેણે જોયું કે એક માણસ સ્ત્રી સાથે બેસીને પાસે પડેલા પાત્રમાંથી કંઈક પી રહ્યો હતો. તેણે વિચાર્યું, ‘કેવો અવિચારી છે, સ્ત્રી સાથે જાહેર જગ્યાએ બેસી મદિરા પી રહ્યો છે, એના કરતાં તો હું ક્યાંયે ચઢિયાતો છું.’ ત્યાં એની નજર નદી તરફ ગઈ. વધુ વજનથી એક નાવ ઊંધી વળી ગઈ. તેમાં છ પ્રવાસી હતા, તેઓ ડૂબવા લાગ્યા. અચાનક સ્ત્રી સાથે બેઠેલા પેલા માણસે નદીમાં ઝંપલાવ્યું, એક પછી એક છએ જણને બચાવી વારાફરતી કિનારે આવ્યો. સાધકને નવાઈ લાગી, તે તેની નજીક ગયો અને પેલા માણસને શાબાશી આપી કહ્યું : ‘તેં જે ખરાબ કર્મ કર્યું છે, તેમાંથી બચાવવા ઈશ્વરે તારી પાસે આ સદકર્મ કરાવી લીધું.’ આ સાંભળી પેલા માણસે કહ્યું : ‘મારી વાત મૂક, તારું શું થશે એ વિચાર્યું છે ?’
સાધકે કહ્યું, ‘મૂર્ખ…. મેં તો વર્ષો સુધી સાધના કરી છે. મારું અહિત થઈ જ ન શકે.’
પેલા માણસે કહ્યું : ‘તેં તો સજાગ-જાગ્રત થઈને સાધના કરી, જે સાધન કર્યું તેનો હિસાબ રાખ્યો છે. ગણતરીપૂર્વક સાધન કર્યું અને હું પામી ગયો છું એવો ભ્રમ ઊભો કર્યો. સાધના વ્યક્તિની ભ્રમણા તોડે, તારી સાધના કેવી કે તારી ભ્રમણા બમણી થઈ ? આ હું જે પીઉં છું તે નદીનું જળ છે અને આ સ્ત્રી મારી મા છે બેવકૂફ. તું શું વિચારતો હતો, તે કહું તને ?’

સાધક પેલા માણસના પગે પડી ગયો, ‘મેં આટલું કર્યું એના અહંકારમાં જ આટલો સમય રાચ્યો.’ તેણે ક્ષમા માગી. પેલા માણસે કહ્યું : ‘જા… તારો અંધાપો દૂર થશે, સમજ્યા વગર કોઈ વિશે કંઈ ધારવાની ભૂલ ન કરીશ, ઘણી વાર આંખે દેખ્યું પણ અસત્ય હોય છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હાસ્યમેળો – સંકલિત
ન મે શિક્ષા ન મે જ્ઞાનમ (ભાગ-1) – ધ્રુવ ભટ્ટ Next »   

23 પ્રતિભાવો : મરમ ગહરા – સં. રાજુ દવે

 1. Veena Dave,USA. says:

  સરસ્ પણ ૬ સુઉથી સરસ.

 2. Jignesh says:

  સરસ

 3. Saumil says:

  રાજા : ‘અમે યાત્રી જ છીએ.’
  ડોસી : ‘યાત્રી તો બે જ છે. સૂર્ય અને ચંદ્ર. તમે કોણ છો ?’
  રાજા : ‘અમે અતિથિ છીએ.’
  ડોસી : ‘અતિથિ બે જ છે. એક ધન અને બીજી યુવાની.’

  બહુજ સરસ્!!!

 4. kantibhai kallaiwalla says:

  Whenever Navnit Samarpan is avaiable I buy and read this one page Marham Gahra at least 3 times. Excellent, marvellous.

 5. pragnaju says:

  છયે છ જાણીતા પ્રેરણાદાયક પ્રસંગો
  સંકલનકર્તા રાજુ દવેને ધન્યવાદ્

 6. મનભાવન રસથાળ આભાર ! જાણેીતા પણ વારઁવાર મમળાવવા જેવેી બોધકથાઓ.

 7. ઈન્દ્રેશ વદન says:

  વધુ એક અતિસુંદર પોસ્ટ.

  પાંચમી વાર્તા વધુ ગમી. ગુરુએ સારુ કહ્યુ કે, ઈચ્છાઓ તો મને પણ થાય છે, પરંતુ ઈચ્છાપૂર્તિ પછીના પરિણામોથી ડરું છું.

  સર્વોત્તમ જ્ઞાનની વાત પણ જાણવા મળી કે અતિથિઓ ફક્ત બે જ છે – ધન અને યુવાની.

 8. nitin dave says:

  પ્રેર્નાદાયિ લેખો.

 9. Palak says:

  Excellent

 10. akshay panchal says:

  ખુબ સરસ

 11. ભાવના શુક્લ says:

  સજાગ્ર સાધનાના ભ્રમમા તો અનેકવાર ફસાઈ જવાની બહુ ગમી. હુ કરુ, મે કર્યુ ની અંધતામા રાચનારને સમજવા જેવી સુંદર માર્મીક વાત.

 12. પહેલી વાર્તામાં સરસ બોધ છે. તેને લોજીકલી લેવાની નથી. જેમ કે, પોતાની સેવા કરે તો પણ ગુરુજી રડે? ગુરુજી દુઃખી થઇ જાય છે, તો બધાને ઇશ્વરની મહત્તા વિષે કેમ સમજાવવામાં નિષ્‍ફળ ગયા? તેમના શિષ્‍યોને ગુરુજી શા માટે ઇશ્વરકેન્દ્રીત ના કરી શક્યા? આ બધા પેદા થઇ શકતા પ્રશ્નોને છોડી દઇને સમજવાનું છે કે,

  સમાજમાં દંભ ખૂબ પ્રવર્તે છે. મહાત્માનું મહાત્માપણું ‘અમારે’ લીધે છે; તેમને મોટા ‘અમે’ બનાવીએ છીએ – જેવા વિચારોવાળા શિષ્‍યોનો પ્રેમ મહાત્‍માને ખપતો નથી. આવી વિચારધારા હોય ત્યાં ઇશ્વર નથી હોતા. પ્રેમ ગલી બહુ સાંકડી છે. પ્રેમ અને દંભ બે વિરોધી બાબતો છે. એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી. ગુરુજી માત્ર ઇશ્વરને ચાહે છે – નહીં કે ‍સાચો પ્રેમ ના ધરાવતા શિષ્‍યોને. શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીએ એક ગીત રચેલું છે. શબ્દો કંઇક આ મુજબ છેઃ

  My Lord, I will be thine always,
  Devotees may come devotees may go,
  but I will be thine always.

 13. kishor dodiya says:

  BAHU SARAS DAREK VARTA SACHOT CHHE

 14. બીજી વાર્તાઃ જ્યાં સુધી દુન્‍યવી બાબતોમાં માણસ સફળ ના થઇ શકે ત્યાં સુધી, આધ્યાત્મિક માર્ગે પણ તેની સફળતા અંગે ઘણાં સંશયો રહેવાના. રાજાએ તેનો રાજધર્મ નિભાવવાનો બાકી હતો. તે સમયે રાજધર્મ જ તેની આધ્યાત્મિકતા હતી. એટલે જ જ્ઞાનરૂપી પ્રતિકાત્મક ડોસી કહે છે; ‘‘તારે સાધનાને માર્ગે જવાની હજી વાર છે. પહેલાં રાજધર્મ તો બજાવ. જા… આ માર્ગે વળી જા… ઉજ્જૈન પહોંચી જઈશ. અને કવિ…. તું તો શબ્દ દ્વારા સાધના કરે જ છે… તું નક્કી કરી લે… તારે રાજાની સાથે જવું છે કે પછી…!’’ આમ, દરેકના માર્ગ અલગ અલગ હોવાના. માત્ર દેખા દેખીથી કરી નાંખેલા ગુરુ પોતાનું કે શિષ્‍યનું બેમાંથી એકેયનું શ્રેય કરી શકતા નથી. સાચા ગુરુ સાધકની કક્ષા મુજબ શિક્ષણ આપે છે.

 15. ત્રીજી વાર્તાઃ કંઇ કેટલીય ઘટનાઓ બનવા માટેની અમાપ અને અગણિત શક્યતાઓ દરેક પળે હાજર હોય છે.

  આપણે કેટલી બધી વખત રસ્તા પર મુસાફરી કરીએ છીએ. અકસ્માત થવા વિષેની શક્યતાઓ હોય જ છે. છતાં આપણને હંમેશા અકસ્માત નડતો નથી.

  બહારનું ખાઇએ છીએ જેમાં વાયરસ અને બેક્ટેરીયા હાજર જ હોય છે. પણ ખાણી-પીણીના દરેક પ્રસંગ પછી આપણે માંદા પડતા નથી.

  ખરેખર ઇશ્વરકૃપા દરેક પળે વરસી જ રહી છે. આપણાં દરેક નાડી-ધબકાર સાથે એ પરમ ચૈતન્ય તેમની હાજરીનો પ્રત્યક્ષ પુરાવો આપી રહ્યા છે!! જો આપણે અન્ય બાબતોથી વિમુખ થઇ તે ચૈતન્ય તરફ નજર દોડાવીએ તો, પરમચૈતન્યની આછી તો આછી પણ ઝાંખી થઇ શકે.

  ઇશ્વરની વિષેની કલ્પના બધા માટે અલગ અલગ હોઇ શકે.
  પરંતુ તે સિવાય મનને શાંત કરી નાંખવામાં આવે તો ?

 16. Hiren says:

  હ્રદય સ્પર્શિ લેખ જીવન મા ચોક્ક્સ પરિવર્તન લાવે છે.

  ધન્યવાદ.

  હિરેન ટેલર
  ટોરોન્ટો , કેનેડા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.