ન મે શિક્ષા ન મે જ્ઞાનમ (ભાગ-1) – ધ્રુવ ભટ્ટ

[ધ્રુવભાઈ ભટ્ટની વાર્તાને કશો જ પરિચય આપવાની જરૂર ન પડે. ‘તત્વમસિ’, ‘સમુદ્રાન્તિકે’ જેવી ઉત્કૃષ્ટ નવલકથાઓ ગુજરાતી સાહિત્યને આપનાર ધ્રુવભાઈની તમામ રચનાઓ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી છે. વળી, તેમાંય તેમના ગીતો અને પદ્ય રચનાઓ વિશે તો શું કહેવું ! થોડાક વર્ષો અગાઉ ‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત થયેલી તેમની આ પ્રસ્તુત વાર્તા બે ભાગમાં અહીં પ્રકાશિત કરવામાં આવે છે; જેનો બીજો ભાગ આપણે આવતીકાલે માણીશું. આપ તેમનો આ સરનામે dhruv561947@yahoo.com અથવા આ નંબર પર +91 9426331058 સંપર્ક કરી શકો છો.]

મામી સાથે હું બોલતો નહીં, દલીલ તો મેં ક્યારેય કરી નહોતી છતાં તે દિવસે મારાથી કહેવાઈ ગયું : ‘તમને ત્યાંના શિક્ષકોએ જ ભણાવ્યાં છે, જુઓ તમારી ભાષા. મામા પણ કેવી ગામઠી ભાષા બોલતા. એટલે હું કહું છું કે ત્યાં બહારના, સંસ્કારી અને સારું ભણેલા શિક્ષકો….’ બોલતાં બોલતાં જ મારું ધ્યાન મામીના ચહેરા પર ગયું. મામી મને જોઈ રહ્યાં હતાં. તેમની આંખોમાં મેં તેમનો ઉપહાસ કર્યાની પીડા કે રોષ કંઈ ન હતું. જાણે તે મારી દયા ખાતાં હોય તેમ ધીમું હસતાં મને તાકી રહ્યાં હતાં. હું અટકી ગયો એટલે તે બોલ્યાં :
‘કઈ દીધું ભાણાભાય ?’
મેં કંઈ જવાબ ન આપ્યો. મામી છેવટનો નિર્ણય લેતાં પહેલાં મને તક આપતાં હોય તેમ બોલ્યાં : ‘એમ કરો, એક ફેરા તમે પોતે ન્યાં જયા’વો. પછીય તમને ન્યાંના માસ્તરું નો ગમે તો હું આડી નંઈ આવું.’

મામીને વતન પ્રત્યે અપાર મમતા હોય તેની ના નથી. મામા હતા ત્યાં સુધી તે બેઉ જણ દર બે વરસે પંદર-વીસ દિવસ વતનમાં જતાં. ન જવાયું હોય તો મંદિરને કે મહાજનને દાન મોકલતાં. બેઉ જણનું પ્રાથમિક શિક્ષણ વતનને ગામડે થયેલું. દસ ધોરણ સુધી તાલુકે જઈને ભણ્યાં. પછી જીવનભર સુરત રહ્યાં છતાં તેમની ભાષા ન બદલાઈ. મામાની ભાષા તો મામી કરતાંય વધુ ક્લિષ્ટ લાગતી. આવો અભણ, અણઘડ માણસ ધંધામાં આટલો સફળ કઈ રીતે થયો હશે તે હું સમજી ન શકતો. મામાને માટે મને માન અને પ્રેમ બંને હતાં. છતાં મેં તેમનો ધંધો સંભાળ્યો ત્યારે ‘તમારા મામા જેવો માણસ જડવો મુશ્કેલ’ એવું વારે વારે સાંભળવાનું થતું તે મને ઓછું ગમતું. મામા ઓચિંતા ગયા. મામીને ટેકો કરવા હું તેમની સાથે રહ્યો. પછી ધંધો સંભાળતાં, વિકસાવતાં, ક્યારે બધું જ મારા માથે આવી ગયું તે સમજાયું નહીં. મામી કહેતાં, ‘ભાણાભાય, લગન કરીને ફરવા જાવાની ઉંમરે અટયલું બધું નો કરાય. ધંધો હાલવો હસે તો હાલસે. તમારા મામાય વરસેદા’ડે નવરાશ કાઢતા, તમે હા પાડો તો છે એક જણ.’ મામીનું એક જણ એટલે એમના વતનની કોઈ બહેન, બહેનપણીની પુત્રી કે ભત્રીજી. મારે એ અભણ ભાષા, અભણ સંસ્કારમાં પડવું નહોતું.

બધું બરાબર ચાલતું હતું અને મામીને વતનમાં સારાં કામો કરવાનું મન થઈ આવ્યું. મામાની ઈચ્છા મુજબ જ હશે. ખાસ તો તેમણે નિશાળો માટે રીતસરની જીદ પકડી. તે માટે જુદું ટ્રસ્ટ પણ બનાવી નાખ્યું. શિક્ષકો શોધવાની વાત આવી ત્યારે મારે મામી સામે દલીલો કરવાનું થયું, મામીની ઈચ્છા હતી કે ત્યાંનાં જ સાત કે દસ પાસ છોકરા-છોકરીઓને લેવાં. મેં ના પાડી. કહ્યું કે ઉચ્ચ શિક્ષણ મેળવેલા, બહારના શિક્ષકો મૂકીને શહેરમાં મળતું શિક્ષણ વતનનાં બાળકોને આપવાનું લક્ષ રાખવું જોઈએ. મામી કોઈ હિસાબે માન્યાં નહીં અને મને અહીં આ વગડાઉ જગ્યાએ ધકેલ્યો. જિંદગીમાં પ્રથમ વખત આ વિસ્તારમાં આવ્યો છું. ટ્રસ્ટનાં વિવિધ કામો માટે મુખ્ય માણસો નીમી દીધા છે. સાડાનવે રામભાઈ સાથે મિટિંગ છે. સવારે વહેલો ઊઠ્યો એટલે ચાલવા નીકળ્યો અને જરા દૂર નીકળી આવ્યો.

ગામ હજી દેખાતું નથી. રસ્તો તો બરાબર જ છે તે ખાતરી સાથે હું જતો હતો ત્યાં પાછળથી કોઈએ કહ્યું : ‘ન્યાં જ રોકાઈ જા.’
અવાજ એટલો ધીમો હતો કે જરા કોલાહલવાળા સ્થળે બોલાયું હોત તો કદાચ હું સાંભળી શક્યો ન હોત. આ નીરવ વનોમાં ખરેલાં પાંદડાંમાં નાનાં જીવડાંનો કે હવાનો સંચાર જણાઈ આવે છે તેવે સ્થાને આ શબ્દો સ્પષ્ટપણે સાંભળી શકાયા. મેં પાછળ ફરીને જોયું. તરત તો કોઈ દેખાયું નહીં. હું સામે બૂમ પાડીને પૂછું તે પહેલાં ઢોળાવ પર અર્પણ વૃક્ષો વચ્ચે માથા પર કથ્થાઈ કહી શકાય તેવા રંગની ઓઢણી, કમ્મરથી નીચે વીંટાળેલું ભરત ભરેલું કાપડું પહેરેલી છોકરી દેખાઈ. તેણે તરત જ પોતાના હોઠ પર આંગળી મૂકીને મને ચૂપ રહેવાનો અને તે મારી સાથે આવે છે તેમ જણાવતો ઈશારો કર્યો. આવી અજાણી જગ્યાએ અહીંનું રહેવાસી લાગે તેવું કોઈ મને કંઈક કહે તો મારે તે માનવું જોઈએ તે મને સમજાતું હતું. હું મૌન તો ઊભો. ઉનાળો ખાઈને સુકાતી જતી આ વનરાજીમાં એ છોકરી એકલી જતાં ડરતી હશે તે વિચાર મને આવી ગયો. હું કંઈ પૂછું તે પહેલાં તો તે છોકરી નજીક આવીને ગણગણતી હોય તેમ કહ્યું : ‘હું મોર્યે હાલું છું. તું વાંહે રેય.’ આવી ભાષા તો મેં મામાને મોંએ પણ સાંભળી નહોતી. હું થોડો બઘવાઈને ઊભો રહ્યો. મને પ્રતિક્રિયા રહિત ઊભેલો જોઈને તેણે જરા ગુસ્સાથી કહ્યું : ‘કીધુંને ? આગળ નો હાલતો. મને મોર્ય થાવા દે. કરમદાંના ઢૂંહાં વાંહે રમજાના બેઠી છે.’
‘કોણ રમજાના ?’ મેં તેના જેવો ધીરો અવાજ કાઢવાની કોશિશ કરી.
જવાબમાં પહેલાં તો તે હસી પડી પછી એકદમથી બોલી : ‘મારી મા. ન્યાં પુગીએ કે સામી ભળાસે. તારી આંખ્યે જોઈ લેજે. હવે મૂંગો રે.’

આ બોલી સાંભળીને મને મંદાર સાંભર્યો. તેની ભાષાની અને વ્યવહારની શિષ્ટતા મને ગમી જતી, ગયા મહિને જ મેં તેને રોક્યો છે. મેં તેને મારી ઓફિસે બોલાવેલો અને કહેલું : ‘જો મંદાર, શિક્ષકોની પસંદગીમાં કોઈ બાંધછોડ નહીં કરતો. મામી ભલે ગમે તે કહે. આ એજ્યુકેશનનો પ્રોગ્રામ હું જાતે જોઈશ. પાણી અને ખેતી-બેતીનાં કામ રામભાઈ જોશે. આ નિશાળોવાળું કામ તો મારે જાતે જ જોવું છે.’
‘જી. આપણા શિક્ષકો અનન્ય હશે.’ મંદારે કહ્યું.
‘સરસ. તો આ અનન્યવાળો વિચાર પકડી રાખજે. ગુજરાત આખામાં તપાસ કર. ડિસ્ટિંકશનવાળા શોધી કાઢ. મામાના વતનના છોકરા તારી જેવું અનન્ય બોલતા થઈ જાય એવું કરવું છે. આવતા મહિને હું ત્યાં જાઉં છું. રામભાઈવાળાં કામો જોઈ લઉં. પછી તારાં. તું પંદરમી મે સુધીમાં બધું લઈને ત્યાં આવ. હું બધાના બાયોડેટા અંગત રીતે જોઈ જવા માગું છું. શાળાઓ માટે ગામડાં નક્કી કરીને જોઈ લઈએ.’
‘સર, બહારના શિક્ષકોને પગાર સારો આપવો પડશે.’
‘પૈસાની ચિંતા તારે નથી કરવાની.’ મેં કહ્યું, ‘પણ લોકલ છોકરાનું તો વિચારતો જ નહીં. એમનાં તો બોલવાનાંય ઠેકાણાં હોતાં નથી.’ કહેતાં કહેતાં મને મામા સાંભરી આવ્યા હતા. મોટા માણસો સાથે એમનાથીયે મોટા સોદાની ચર્ચા કરતા હોય તો પણ તેઓ મારું વાલું, વાયડું, કર્ય વાત્ય એવું કંઈક સહજ બોલી જતા.

હવે આ મંદાર મહેનત કરશે. અમે શાળાઓ ખોલીશું. અભણ લોકોનો ભાષાનો અને સમજનો સ્તર જરૂર ઊંચો આવશે પછી મામીને સાચું સમજાશે. આ બધા વિચાર કરતો અત્યારે તો હું આ છોકરી પાછળ ચાલતો આસપાસનું વન જોતો જઉં છું. કોઈ વડ કે કોઈ ઉનાળુ વૃક્ષ સિવાયનું સહુ કાંઈ પાંદડાં વિનાનું. જમીન પર પડેલાં સુકાઈ ગયેલાં પાન, ખુલ્લી પથરાળ લાગતી ટેકરીઓ. આ જગાને અરણ્ય શી રીતે કહેવાય તે હું સમજતો નહોતો. ધંધાના કામે જતાં મેં હિમાલયની તરાઈનાં ગાઢાં વનો જોયાં છે. દક્ષિણનાં વર્ષાવનો જોયાં છે. અરે ગુજરાતમાં જ મેં દિવસે પણ સૂર્ય જમીનને ન સ્પર્શી શકે તેવાં મહાલનાં ગાઢાં અરણ્યો જોયાં છે. કંબોડિયા, મધ્ય એશિયા અને આફ્રિકાનાં વનોની તસવીરો જોઈ છે. આમાંના કોઈની તોલે આવી શકે એટલી વનરાજી આ સ્થળે નથી. કેટલાંક સ્થળો તો એવાં ભાસે છે કે લોકો આને જંગલ શા કારણે કહેતા હશે તે સમજી ન શકાય ! મામાના મિત્રો ક્યારેક તેમને જંગલી કહીને તેમની મજાક કરતા તો મામા કહેતા, ‘વાઈડીનાવ, ન્યાં જંગલ નથી. ગર્ય છે. ગાંડી ગર્ય.’

મારા વિચારો છોડીને મેં છોકરી સાથે વાત કરવા ધાર્યું તો એ તો એકધારી ગતિએ આગળ ચાલી જતી હતી. હું જરા ઉતાવળે ચાલી ગયો કે પેલી છોકરીએ હાથ આડો કરીને મને પોતાની આગળ જતાં રોક્યો. મને થોડી ચીડ ચડી. હું કંઈ કહું કે કરું તે પહેલાં તે છોકરીએ પાછળ ફરીને મારા સામે જોયું. આંખો વિસ્તારી, હોઠ જરા ભીંસીને બીડ્યા. પળમાં તો જાણે શું શું કરીને ડોકું કંઈક એ રીતે નમાવ્યું કે મને ચોખ્ખું સમજાયું કે હું તેના શાસન હેઠળ છું. આ છોકરી શા માટે આમ કરે છે તે હું સમજી શકતો નહોતો. મારી ધીરજ ખૂટી ગઈ અને હું પૂછી બેઠો, ‘આ બધું શું છે ?’
‘આ બધી ગર્ય છે.’ છોકરી બોલી અને વોંકળામાં ઊતરીને સામી બાજુ ચડતાં અટકીને મને કરમદાંનાં ઝુંડ તરફ જોવા ઈશારો કર્યો. દશ્ય જોવાની, સહેવાની કે માણવાની ચરમ સીમાઓ હોય છે તેવું મેં સાંભળ્યું છે. પરમ મનોહર કે ભીષણતમ દશ્યો જોનારાઓનું કહેવું છે કે એવે સમયે તેમને પોતાની વાચા હરાઈ ગયાનો અનુભવ થયો હોય છે. આવા જનોને, જોયેલા દશ્યનું વર્ણન કરતાં કરતાં એક સીમાએ મૌન અટકી જતા મેં જોયા, સાંભળ્યા છે. આમ છતાં એ પળે તે બધાની અનુભૂતિ શી હશે તેની કલ્પના હું કદી પણ કરી શકતો નહોતો. કરમદાંની ઝાડી તરફ જોતાં જ મને એવી સ્થિતિ, તેવી પળે થતી અવસ્થા તેના તમામ સ્વરૂપે સમજાઈ ગઈ. મારી સામે અચાનક ખૂલેલા આ દર્શનને રમ્ય કહેવું હોય તો મારા મન પર છવાઈ જઈ સમગ્ર દેહમાં વ્યાપેલા ભયને શું કહેવું તે હું સમજી ન શક્યો. મારા હૃદયના ધબકાર ગતિશીલ હોવા છતાં જાણે મૌન થઈ ગયા હોય તેમ હું સાવ અવાક, મૂઢ, પથ્થર સમો ઊભો રહીને માત્ર જોયે ગયો, જોયે જ ગયો.

સામે જ માંડ દશેક મીટર જેટલે દૂર, ભૂખરી, ચમકતી, માંસલ દેહલતા, ચમકતી આંખો અને ભવ્ય અસ્તિત્વની સ્વામિની સિંહણ લંબાઈને સૂતી હતી. સામે બીજી એક સિંહણ બેઠી હતી. તે બેઉની પાસે જ બે સિંહબાળ એકબીજા ઉપર આળોટતાં જઈ રમતાં હતાં. કેટલી ક્ષણો આમ ગઈ તે ખબર ન પડી. પેલી છોકરીએ મારા સામે જોયા વગર મને કહ્યું : ‘આ આડી સૂતી ઈ રમજાના.’ પછી મને જોઈ શકતી ન હોવા છતાં મારી સ્થિતિને પામી ગઈ હોય તેમ આગળ બોલી, ‘હવે આમ પાળિયો થઈ જા મા. મારી વાંહે હાલવા મંડી જા.’ અમે ત્યાંથી જતાં જ રહ્યાં હોત, પેલી છોકરીની પાછળ જ મેં પણ ચાલવા માટે પગ ઉપાડ્યો. બરાબર એ જ પળે છોકરીની ઝાંઝરી રણકી. છોકરી તત્ક્ષણ અટકીને ઊભી રહી. પાછળ હું પણ સ્થિર ઊભો. મારા મનમાંથી ભય હજી દૂર થયો નહોતો. તે હવે વધ્યો. આ રણકારથી પેલાં બેઉ સિંહબાળની નૈસર્ગિક રમતમાં ભંગ પડ્યો. નવા પ્રકારનો સ્વર ક્યાંથી આવ્યો તે જાણવા તેમણે પોતાના કાન તંગ કર્યા. વળતી પળે આંખોમાં અપાર આશ્ચર્ય ભરીને બેઉ બચ્ચાં છોકરીના પગને તાકી રહ્યાં. થોડી વારે એક બચ્ચું બીજી સિંહણ ભણી ગયું અને બીજું ઊભું હતું ત્યાંથી એક ડગલું આગળ વધીને છોકરીના પગ તરફ આવ્યું.

આ જોતાં જ બીજી સિંહણ સાવધ થઈ. સહેજ ઘુરકાટ કર્યો. રમજાના આડી પડી હતી તે માથું ઊંચુ કરીને બેઠી થઈ, પોતાના પગ આગળ તરફ લંબાવીને અમારી સામે જોતી શાંત બેઠી. બચ્ચું હજી આગળ આવશે તો આ બંને સિંહણો અમારા પર આવી પડશે તે ભયે મારાં ગાત્રો ગળવા માંડ્યાં. આસપાસ ઉપર ચડી શકાય તેવું કોઈ વૃક્ષ હોય તો મેં નજર કરી. છોકરી સ્થિર ઊભી હતી. તેણે મને કહ્યું : ‘બીતો નંઈ અને ભાગતો તો નંઈય જ.’ પછી તરત બેઠી થયેલી સિંહણ તરફ જોઈને ધીમેથી બોલી, ‘રમજાના, બીતી મા. હું સું. હું સાંસાઈ.’ પોતે સિંહણ સાથે વાત કરતી હોય એમ કંઈનું કંઈ બબડ્યે રાખતાં એ સાંસાઈ નામની છોકરીએ પોતાનો એક પગ ગોઠણથી પાછળની બાજુએ વાળ્યો. એટલી સિફતથી તે પગને છેક સાથળ નજીક લઈ ગઈ કે સિંહણો કે સામે ઊભેલું બચ્ચું કોઈ તેના પેરણાની હલચલ સુદ્ધાં જોઈ શક્યું નહીં હોય. થોડી વાર એક પગ ઉપર સ્થિર ઊભા રહીને સાંસાઈ પોતાના બેઉ હાથ પીઠ પાછળ લાવી. હાથને પગ પાસે લઈ જઈને જરા પણ અવાજ ન થાય તેમ તેણે ઝાંઝરીની કડી ખોલી નાખી. સાંસાઈ કંઈક કરે છે તેવી સમજ સામે ઊભેલાં બચ્ચાંને આવી ગઈ હોય તેમ તે આગળ વધતું અટકીને શંકાભર્યા ધ્યાનથી સાંસાઈને જોવા લાગ્યું. મારાં ગાત્રો ગળી ગયાં હતાં. હું પડી જઈશ તો શું થશે તે વિચાર મેં પરાણે રોકી રાખ્યો.

થોડી વારે સાંસાઈએ અગાઉની રીતે જ બીજા પગની ઝાંઝરી પણ કાઢી નાખી. મને હતું કે હવે અમે અહીંથી ચાલતાં થઈશું. જેમ બને તેમ જલદી આ સ્થળ છોડી જવાની ઈચ્છા મેં કઈ રીતે દબાવી રાખી તે હું પોતે સમજી શકતો નહોતો. મારા આશ્ચર્ય વચ્ચે સાંસાઈએ બેઉ ઝાંઝરી હાથમાં રાખી બચ્ચાંનું ધ્યાન ખેંચતી હોય તેમ રણકાવી. બચ્ચું થોડું ગભરાયું, થોડું નવાઈથી સાંસાઈના હાથને જોઈ રહ્યું. બીજી પળે સાંસાઈએ બેઉ ઝાંઝરીનો ઘા કર્યો. રૂમઝૂમ રણકતી ઝાંઝરી સિંહણની એક બાજુએ થઈને દૂર જઈ પડી. બેઉ સિંહણો ઊભી થઈ ગઈ અને પૂછડાં ઊંચાં કરીને હુમલો કરવાની હોય તેમ આગળ ધસી. સાંસાઈએ સામો હાથ ઉગામ્યો અને ‘હાં માડી હાં.’ એવું કંઈક બોલી. ઝાંઝરીની જોડ દૂર જઈ પડી તેની પાછળ જ પેલું સિંહબાળ પણ તે તરફ દોડી ગયું. રમજાના પાછી બેસી ગઈ. બીજી સિંહણ પોતાના બચ્ચાની પાછળ જતાં જતાં અમારા તરફ નજર રાખતી ગઈ. મને લાગ્યું કે હું રડી પડીશ. એ ઘડીએ સાંસાઈએ મારો હાથ પકડી લીધો અને કહ્યું : ‘બેય જણીયે પૂંછડાના ઠાલા ઝંડા કર્યા. આપણને ડારો દઈને આઘાં રાખવા. હવે બચોળિયાં ઈનીં પાંહે છે એટલે ઈ આંય નંઈ આવે. હાલ્ય, હવે આગળ થા. ઓલીપા નીકળી જા.’ હું સાંસાઈ પાછળથી નીકળીને બીજી દિશામાં ચાલ્યો. થોડે દૂર પહોંચીને પાછળ જોયું તો સાંસાઈ પણ ચાલવા માંડી હતી. મારી પાસે આવીને તેણે ફરી મારો હાથ પકડ્યો અને કહ્યું : ‘તાવ ચડે તો કરિયાતું લઈ જાજે.’ પછી વાતાવરણને હળવું કરતાં પૂછ્યું : ‘ક્યાંથી આવ્યો છ ?’
‘કોણ હું ?’ મેં વિચારહીન અવસ્થામાં જ સામું પૂછ્યું.
‘તો આંય તીજો કોઈ તને ભળાય છે ?’ સાંસાઈ હસતી હસતી આગળ નમી ગઈ.
‘હા. હું સુરતથી.’ હું હજીયે સ્વસ્થ થઈ શક્યો નહોતો.
‘ઠીક.’ સાંસાઈ અધિકારિણી હોય તેવો અભિનય કરીને બોલી, ‘પણ બારો નીકળ તયેં જંગલખાતના સિકારીને હાર્યે લેવાના. એકલા નો નીકળવું. કોક દી વાયડું પડી જાશે.’ પછી ઊમેર્યું : ‘ટૂરિસોને એકલા નીકળવાનો કાયદો નથ. ખોટું નથ કેતી. આ તો ગર્ય કે’વાય.’

હું વિચારમાં જ ચાલતો રહ્યો. સાંસાઈ આસપાસ જોયા કરતી હતી. ક્યારેક મારા સામે પણ જોઈ લેતી. અડધોએક કલાક ચાલ્યા હશું કે ગામ નજરે પડે એટલે પહોંચ્યા.
‘હવે વયો જાઈશ કે ઠેઠ લગણ મેંકી જાંવ ?’ જાણે દુનિયાના કોઈ પણ છેડે મને સલામત પહોંચાડવાની હોય એવા લહેકાથી સાંસાઈ બોલી.
મને હસવું આવી ગયું : ‘ના, હવે તો જતો રહીશ. તારે ક્યાં જવાનું છે ? હું મૂકી જઉં ?’
‘ના રે,’ સાંસાઈએ હસવું દબાવ્યું. ‘બઉ લાગતું હોય તો કાલ મારી ઝાંઝરિયું પાછી લાવી દેજે. ન્યાંની ન્યાં જ પડી હશે.’ સાંસાઈ વ્યંગ કરતી હતી તે જાણીને મને લાગી આવ્યું. મેં કહ્યું : ‘કાલ સવારે વહેલા જ લઈ આવીશ. તને ક્યાં પહોંચાડું ?’
‘તારે નથ જાવું. હું તો અમથી કઉં છું. એકાદ સિકારીને કઈસ એટલે ઈ લેતા આવસે.’ સાંસાઈનું મોં પડી ગયું.
‘તું ચિંતા કર મા. તું ક્યાં રહે છે એટલું કહે ને.’ મેં કહ્યું.
‘આયાં આ હું જાંવ ઈ દશ્યે સીધો વયો આવજે, જડી જાસે. કોક મળે તો સાંસાઈનો નેસ પૂસી લેજે.’ સાંસાઈએ કહ્યું અને ચાલવા માંડી.

ઉતારે પહોંચીને નાહ્યો. નાસ્તો આવ્યો. સાડાદસે રામભાઈ તેમનું કામ લઈને આવવાના હતા. મારી ગાડીને અભયારણ્યમાં લઈ જવાની પરવાનગી લેવાનું, બપોરે ક્યાં જમવાનું તે બધું રામભાઈ માથે હતું. તેમની સાથે કદાચ એકાદ આસિસ્ટન્ટ હોય તો એ બધા માટે ચા-નાસ્તો તૈયાર રાખવાનું કહેણ મેં મોકલી આપ્યું. રામભાઈના કહેવા મુજબ તે મને રાત રાખી શકે એવી સગવડ આ ઉતારા સિવાય બીજે ક્યાંય નથી. એટલે રાતે અહીં જમવાનું અને કાલ સવારના નાસ્તાનું નોંધાવતાં મને યાદ આવ્યું કે સાંસાઈનાં ઝાંઝર લેવા જવાનું થશે. એક રીતે તો એ છોકરી ચેલેન્જ કરીને ગઈ છે. રામભાઈ સાથે ફરીને રાત્રે પરત આવ્યા તો ઉતારાના મેનેજર એક પડીકું લઈને આવ્યા. પેકેટમાં ઝાંઝર હતાં. મેં પૂછ્યું : ‘કોણે આપ્યું ?’
‘મુસ્તુફા. અહીંનો ફોરેસ્ટર છે.’ મેનેજરે કહ્યું, ‘મોકલું ?’
‘હમણાં તો હું થાક્યો છું.’ મેં કહ્યું, ‘બને તો સવારે હું ફરવા જઉં ત્યારે તે મારી સાથે આવે તેવું ગોઠવી શકો તો…’
‘એ લોકોને વહેલી સવારે લોકેશનમાં જવાનું હોય. છતાં આપ કહો છો તો સવારે આપને મળી લે એમ કહીશ.’ મેનેજરે કહ્યું અને ચાલ્યા ગયા.

સવારે છ વાગે મારી ચા આવી તેની સાથે એક ખાખી કપડાં પહેરેલો માણસ આવ્યો. આદરથી ઊભા રહીને તેણે કહ્યું : ‘હું મુસ્તુફા. મને બોલાવેલો ?’
‘આ ઝાંઝરી તમે લાવ્યા ?’ મેં પૂછ્યું.
‘કાલ સાંજે અમે ઈ બાજુ જાતા’તા ને સાંસાઈ જીપ ભાળી ગઈ. ઈણેં કીધું ‘મારી ઝાંઝરિયું ખાખીને વડલે સિંહણ બેઠી’તી ન્યાં પડી છે ઈ લેતા આવજો.’ એટલે અમે લાવ્યા. ઈ તમને પોગાડવાનું કે’તી તી.’
‘સિંહણ ક્યાં બેઠી હતી તે તમને શી રીતે ખબર ?’ મેં પૂછ્યું.
‘જનાવર બેઠેલાંનાં નિશાન હોય’ મુસ્તુફા બોલ્યો.
આટલી સાદી વાત મને કેમ ન સમજાણી તેની મને જ નવાઈ લાગી. ‘ઓહ, હા’ મેં કહ્યું, ‘મારે સાંસાઈનો નેસ જોવાનું નક્કી થયું છે.’
‘હું એણીકોર જાવાનો છું. હાર્યે જાસું. બાર બેઠો છું.’ મુસ્તુફા ગયો.
તૈયાર થવામાં ઉતાવળ રાખીને હું દરવાજે ગયો. મુસ્તુફા અને તેના સાથીદારો હજી ચા પીતા બેઠા હતા. મેં પૂછ્યું : ‘મારી ગાડી લઈને જવાશે ?’
‘હાલીને વયા જવાસે. આઘું નથી.’ મુસ્તુફાએ કહ્યું.
‘ભાઈને ક્યાં જાવાનું છે ?’ એક જણે પૂછ્યું.
‘આંયાં, એક નેસડે.’ મુસ્તુફાએ કહ્યું.
‘તે મારી હાર્યે બેહી જાવ. ઉતારી દઈશ.’ પેલાએ મુસ્તુફાને કહ્યું. પછી સાથે પડેલી જીપ તરફ ઈશારો કરતાં મને કહે ‘બેહી જાવ.’ જીપ ચાલી. દસ-પંદર મિનિટમાં એક ત્રિભેટે ઊભી રહી. મારા તરફ જોઈને મુસ્તુફાએ કહ્યું : ‘લ્યો હાલો, આંયથી હાલવું પડશે.’

[બીજો ભાગ વાંચવા માટે : Click Here]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મરમ ગહરા – સં. રાજુ દવે
પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે મુલાકાત – દીપક દોશી Next »   

25 પ્રતિભાવો : ન મે શિક્ષા ન મે જ્ઞાનમ (ભાગ-1) – ધ્રુવ ભટ્ટ

 1. ભૈ બીજા ભાગની રાહ જોતો કરી દીધો!…

 2. Arpita says:

  really nice story ….lookin forward for part 2…

 3. JALPA says:

  i m really eager to read 2nd part.

 4. kumar says:

  હજી ના સમજાણુ …ગર્ય એટલે સુ?

 5. Ramesh Shah says:

  હાલમાં “નવનીત” માં ધ્રુવભાઈ ની જ વાર્તા અકૂપાર આવે છે એનીજ હેડીંગ બદલેલી,એડીટ કરેલી, માત્ર બેકગ્રાઊન્ડ બદલેલી ક્રુતિ લાગે છે.આવું કરવામાં લખનાર ને તો મહેનત ઓછી?

 6. ખુબ સુંદર વાર્તા. જો કે મને સૌરાષ્ટ્રના કેટલાક તળપદા શબ્દો નથી સમજાતા.

  બીજા ભાગની ઘણી જ આતુરતાપુર્વક રાહ જોઉં છું.

  હાર્દીક આભાર.

 7. Ami says:

  ફરીથી આ વાસ્તવિક દુનિયામાં શા માટે આવવું પડ્યું??? !!!!!

 8. Amit Patel says:

  વાહ આ તો પહેલા નવનીત સમર્પણ માં વાંચી હતી.
  હવે તે સાહસ કથામાંથી પ્રેમ વાર્તામાં ફેરવાશે.

  એક વાર ગીરનો પ્રવાસ કરવો જ રહ્યો.

 9. 🙂 સુંદર વાર્તા … કાલની વાટ જોતો કરી દીધો મૃગેશભાઈ તમે તો આ વાર્તાને બે ભાગમાં આપીને !!

 10. Vikram Bhatt says:

  અકુપારના બીજ આમાં હશે?

 11. Maharshi says:

  મૃગેશભાઈ બીજો ભાગ જલદી મોકલો નયતો “કોક દી વાયડું પડી જાશે”… hahahhaha

 12. Veena Dave,USA. says:

  Wah, very good….waiting for tomorrow…..

 13. DP says:

  b t w, ગર્ય મત્લબ ગિર.
  My native is Junagadh and it feels good to read these words again…
  Very eagerly waiting for the second part…

 14. Sapna says:

  Very nice, waiting for second part…..

 15. shivani says:

  વાહ મજા આવિ ગઇ બિજા ભાગ નિ રાહ જોશુ.

 16. ઈન્દ્રેશ વદન says:

  સરસ વાર્તા. ગીરની સેર કરાવી નાંખી.

 17. DHRUV BHATT says:

  તમારા પ્રતિભાવો shows that u all are live. Acually this story is the base for the novel Akupar being written at present. Me and my wife divya stayed in gir ness for two and a half month to understand the Gir and felt that we can not understand it even we stay life-long. Any way, whatever we got, it will come in Akupar.

  This is not an editing of Akupar bt this is the source of Akupar. In fact this story made me to write akupar and hance some comon events are comming in story and the novel

 18. ભાવના શુક્લ says:

  ગરવી ગર્યમા માત્ર કડીયાળી ડાંગના સહારે ગીરવાસીની સાથે નેસડા મા પપ્પા સાથે જવાનુ ફીણ વાળુ દુધ પીવા… બાળપણની યાદો તાજી થઈ

 19. vandana shantuindu says:

  ધ્રુવભાઇ, મને પણ શબ્દનો સનેડૉ ખરો પણ….તમારી વાર્તાઓ નિઃશબ્દ કરી નાખે ……..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.