પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે મુલાકાત – દીપક દોશી

[‘નવનીત સમર્પણ’ ફેબ્રુ-09માંથી સાભાર.]

pandit-ji[વેણુવાદનમાં વેણુના સૂર સમું વહેતું કોઈ નામ હોય તો તે છે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા. વેણુવાદનને લોકહૃદય સુધી પહોંચાડવાનું સેતુકાર્ય એમના ફાળે જાય છે. વાંસળીમાં જરાજ જુદી રીતે ફૂંક મારીને જોઈતા સૂર છેડવામાં તેઓ માહેર ગણાય છે. 1લી જુલાઈ, 1938ના રોજ અલાહાબાદ ખાતે એમનો જન્મ થયો હતો. ત્યાં કુટુંબની કોઈ સાંગિતિક ભૂમિકા વગર પડોશી પંડિત રાજારામ પાસે એમણે 15 વર્ષની નાની વયે સંગીતની તાલિમ શરૂ કરી હતી. પંડિતજીના પિતાશ્રી કુસ્તીબાજ હતા અને પુત્રને પણ કુસ્તીબાજ બનાવવા માગતા હતા. બનારસના પંડિત ભોલાનાથનું વાંસળીવાદન સાંભળીને પંડિતજી વેણુવાદન તરફ પ્રેરાયા. બાબા અલ્લાઉદ્દીન ખાંસાહેબના પુત્રી અન્નપૂર્ણાદેવી પાસેથી એમણે સંગીતનું ગહન જ્ઞાન મેળવ્યું છે. ભારતીય પરંપરા સાથે એમણે પાશ્ચાત્ય સંગીતનો સુમેળ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. જોન મેકલીન, જેન ગેબરેક, યેહૂદી મેન્યુઈન અને જીન પેરી રામપાલ સાથે એમણે જુગલબંધી અને સંગત કરી છે. પંડિતજીને ઈ.સ. 1992માં પદ્મભૂષણ અને ઈ.સ. 2000માં એમને પદ્મવિભૂષણથી વિભૂષિત કરવામાં આવ્યા. એમણે ચાંદની, ડર, લમહે, સિલસિલા, ફાસલે, વિજય જેવી ફિલ્મોમાં શિવકુમાર શર્મા સાથે સંગીત પણ આપ્યું છે. હાલ તેઓ રોટરડેમ મ્યુઝિક કન્ઝર્વેટરીના વર્લ્ડ મ્યુઝિક વિભાગના અધ્યક્ષ છે. પંડિતજીએ બહુ લાંબા સમયથી સેવેલું પરંપરાગત ગુરુકુળનું સ્વપ્ન ઓગસ્ટ 2003માં પૂરું થયું. મુંબઈમાં જૂહુ સ્થિત એમનું ગુરુકુળ છે જ્યાં દેશ-વિદેશના શિષ્યો અભ્યાસાર્થે આવે છે. ત્યાં જ અમને પંડિતજીની મુલાકાતનો અવસર મળ્યો. એમના મનના સૂર અહીં શબ્દોરૂપે વ્યક્ત થયા છે. સાંભળીએ…. – દીપક દોશી.]

પ્રશ્ન : હરિજી, આપની ગુરુકુળની પ્રવૃત્તિ વિશે કંઈ કહો.
ઉત્તર : અહીંયાં લગભગ 50 વિદ્યાર્થી સંગીતનું શિક્ષણ લે છે. અહીં અત્યારે લગભગ વીસથી બાવીસ વિદ્યાર્થીઓ રહે છે. એટલાની જ સગવડ છે. બાકી આવે-જાય છે. અહીં વિદેશથી આવેલા વિદ્યાર્થીઓ છે. કેટલાક પંજાબ, આસામ, કોલકતા અને દિલ્હીથી આવેલા પણ છે. મારી ઈચ્છા છે કે ભવિષ્યમાં આ ગુરુકુળમાં વધુ વિદ્યાર્થીઓ સમાવી શકું તો સારું. એકદમ પારંપરિક ગુરુ-શિષ્ય પરંપરા પ્રમાણે આશ્રમ ચાલે છે. સવારે છ વાગ્યે દિવસ શરૂ થાય છે. રાત્રે નવ વાગ્યા સુધી આશ્રમ પ્રવૃત્તિઓથી ધમધમતો હોય છે. અહીં વિદ્યાર્થી ભણે પણ છે અને સંગીત પણ શીખે છે. અહીં સંગીત માત્ર સાંભળીને કે સંભળાવીને શીખવાનું નથી. અહીં સંગીત ભણી શકાય છે. મોટી લાઈબ્રેરી છે. તેમાં સંગીતને લગતાં પુસ્તકો છે. આર્કાઈવ્ઝ જેવી વ્યવસ્થા છે. જેમાં જુદા-જુદા સંગીતકારોની બંદિશો, રચનાઓ એકઠી કરી છે તે વિદ્યાર્થીઓ સાંભળે છે. વર્લ્ડ-મ્યુઝિક સાંભળી શકે, તે વિશે લખી શકે તેવી વ્યવસ્થા છે. અમે આ સંસ્થા ધંધાદારી નથી થવા દીધી. માત્ર ગુરુકુળ જેવું જ વાતાવરણ અમે ઊભું કર્યું છે. પહેલાંના જમાનામાં જે પરંપરા હતી. તેને જીવંત રાખવાનો પ્રયાસ છે.

પ્રશ્ન : સંગીતનો નાદ ક્યાંથી અને કેવી રીતે લાગ્યો ?
ઉત્તર : નાનપણથી જ આ નાદ હતો. આમ તો હું બીજું કામ કર્યા કરતો. પણ તે સાથે સાથે સંગીતની સંગત સદાય રહી. આ બધી વાતો બહુ થઈ ગઈ છે. પણ હું આજે તમને જે કહીશ તે મારા હૃદયની વાત કહીશ. જે ક્યાંય ન આવ્યું હોય તેવી વાતો આપણે કરીશું.

પ્રશ્ન : તો આપ વાંસળી વિશે કંઈક કહો.
ઉત્તર : વાંસળી વિશે જો કહેવું હોય તો હું એમ કહું કે આ એક એવું વાદ્ય છે જે ફક્ત આપણા ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં પ્રચલિત છે. જેના વિશે આખી દુનિયા જાણે છે. આ વાદ્ય કોઈ ફેક્ટરીમાં નથી બન્યું. જેમ હાર્મોનિયમ ફેક્ટરીમાં બને છે તેમ વાંસળી નથી બનતી. વાંસળી તો આપણા ભગવાન શ્રી કૃષ્ણએ બનાવી છે. તેમના હાથમાં આપણે કાયમ જોઈ છે. તેમણે વાંસળી શોધી, વગાડી અને અવતારે આ વાદ્ય વગાડ્યું એટલે એ વિશ્વમાં પ્રચલિત બન્યું. આ એક જ વાદ્ય એવું છે જે ભગવાનથી જોડાયું છે. કુદરત સાથે જોડાયું છે. વાંસ ઊગે છે, એને કાપીને યોગ્ય છિદ્ર કરીને વાંસળી બને છે. આમાં કોઈ તાર નથી, ચામડું નથી. છતાંય તે વાગે છે અને જ્યારે તે વાગે છે ત્યારે દરેકના દિલને ડોલાવે છે. બીજાં વાદ્યોને તો મેળવવાં પડે છે. ટ્યુન કરવાં પડે છે. આમાં એવી કોઈ વાત નથી. આને તો ફૂંક મારો એટલે સૂરમાં જ વાગવા માંડે. બીજા વાદ્યને મેળવવા માટે બહુ મહેનત કરવી પડે છે. આ વાદ્યને મેળવવા માટે પહેલાં તો આપણે આપણી જાતને મળીને તૈયાર કરવી પડે છે. પોતાને મળવું પડે. મન, મગજ અને હૃદયને મેળવો ત્યારે વાંસળી સાથે મેળ થાય. સ્વયં ભગવાને જે વાદ્યનો ઉપયોગ કર્યો છે તે વાદ્ય એમ ને એમ તો ન મળે. એ માટે જેમ યોગમાં પ્રાણાયામની ક્રિયા કરવી પડે છે તે રીતે વાંસળી સાથે પણ શ્વાસનો અને હૃદયના ધબકાર મેળવવાનો અભ્યાસ કરવો પડે છે. વિદેશોમાં વાંસ ન હોવાથી ત્યાં સ્ટીલની વાંસળી બનાવે છે. વાંસ નથી સ્ટીલ છે, પણ વગાડવાની પદ્ધતિમાં કોઈ જ ફરક નથી. ફરક માત્ર એટલો જ છે કે વાંસની બનેલ વાંસળીનો જે સ્વર છે, નાદ છે, જે ગુંજે છે તે તમને સ્ટીલની બનાવેલી વાંસળીમાં નથી મળતો.

પ્રશ્ન : તમે કહો છો એમ આ વાદ્ય આધ્યાત્મિક છે. સ્પિરિચ્યુઅલ છે. તો તમે જ્યારે તે વગાડો છો ત્યારે તમને કેવી અનુભૂતિ થાય છે ? શું અનુભવો છો આપ ?
જવાબ : હું જ્યારે વગાડું છું ત્યારે તે મારી પ્રાર્થના થઈ જાય છે. સાધના થઈ જાય છે. હું આને વ્યવસાય તરીકે નથી વગાડતો. આ સાધન છે, ઈશ્વરની નજીક જવાનું. આ રોજી-રોટી કમાવાનું સાધન નથી. ઈશ્વરપ્રાપ્તિ માટે થતી ઈબાદત છે. સાધના છે. સ્વર એ વ્યવસાય નથી, સાધના છે. હું ગમે ત્યાં વગાડું, પ્રેક્ષકો સામે બેઠા હોય કે ઘરમાં કે આ ગુરુકુળમાં, જ્યારે વગાડું ત્યારે મારા માટે તે પ્રાર્થના છે, તે સાધના છે. બ્રાહ્મણો જ્યારે શ્લોક બોલે છે તે શબ્દો દ્વારા બોલે છે. હું સ્વર દ્વારા બોલું છું અને વાંસળી મારું માધ્યમ છે. શબ્દ કરતાં સ્વર ભગવાન જલદી સાંભળે છે આવી મારી માન્યતા છે. આ મારી અનુભૂતિ છે. દા…ત, તમે સંકીર્તન કરો, ભજન ગાઓ, ધૂન બોલાવોલ… આ રીતે સંગીતના માધ્યમ દ્વારા જે થાય છે તેને ઈશ્વર તરત સાંભળે છે. સ્વર જે છે તે ઉચ્ચારણ કરતાં જલદી કામ કરે છે. સ્વર તરત લાગી જાય છે. ઉચ્ચારણમાં વાર લાગે છે. કોઈ પણ સાધુ, સંત ગાશે જ, કારણ કે સંગીતના માધ્યમથી જ તે ઈશ્વર સુધી જલદી પહોંચશે. સ્વરો સાથે ભગવાનને સીધો સંબંધ છે. સ્વરોને કદી વાયા, મિડિયાની જરૂર નથી પડતી, કારણ કે સ્વર સ્વયમ્ મહાન છે.

તમે જોયું હશે સવારે પણ મસ્જિદમાંથી જે બાંગ પોકારે છે, તે ગાય છે, બોલતો નથી. બોલે તો તે સંભળાય. ગાય તો જલદી પહોંચાય. ચર્ચમાં પણ પાદરી ગાશે. બોલતો નથી. સ્વરોનું ઈશ્વર સાથે સીધું અનુસંધાન છે. તો આમાં એવું થાય છે કે હું જ્યારે 12/15 કલાક રિયાજ કરતો હોઉં, કોઈ પણ કલાકાર જ્યારે રિયાજ કરતો હોય ત્યારે એટલો સમય તે પ્રાર્થના કરતો હોય છે. તે પ્રાર્થના તેની સાધના બની જાય છે. માણસ કામધંધો કરતો હોય, તેમાં તે ખૂબ કમાતો હોય. તે માટે કાવાદાવા કરે. વધુ પ્રાપ્ત કરે પણ જાય ત્યારે શું સાથે લઈ જાય છે ? બધું જ અહીં મૂકીને જવું પડે છે. મારે એ વાતની શાંતિ છે. બાંસુરીવાદન સિવાય મેં બીજું કંઈ કર્યું જ નથી. ભૌતિક વસ્તુઓ પામવા કંઈ કાવાદાવા નથી કર્યા, એટલે જઈશ ત્યારે લેવાની વાત તો બાજુએ રહી, ઈશ્વરે આપેલું આ ગુરુકુળ અને શિષ્યો તથા મને જે આવડ્યું તે તેમને આપ્યું. તે જ બધું મૂકતો જઈશ. આ જ મારો પરિવાર છે. મારો પરિવાર છે, પણ હું તો હવે અહીં જ, આ જ ગુરુકુળમાં રહું છું, કારણ કે આપણી પરંપરાને આગળ આ બાળકો વધારશે. એટલે હું તેમની વધુ નજીક રહું છું. મારી એક જ ઈચ્છા હતી કે પારંપરિક ગુરુકુળની સ્થાપના કરું, બાળકો રહે, પોતાની જાતને સમર્પિત કરીને રહે. તો તે ઈચ્છા ઈશ્વરે પૂરી કરી દીધી. મુંબઈમાં તો તમે જાણો છો એમ જગ્યાની કેટલી તંગી છે. પણ મેં ઈશ્વર પાસે ઈચ્છા વ્યક્ત કરી. અમુક લોકોને વાત કરી, અને તેમણે આ ગુરુકુળ ઊભું કરી આપ્યું. નહીંતર હું તો સામાન્ય સ્ટેનોગ્રાફર હતો. મારી પત્ની પણ મને ત્યાં જ મળી. મેં નોકરી જ કરી છે. આજે પણ નોકરી જ કરું છું. પણ આજે ભગવાનની નોકરી કરું છું. તેની નોકરીમાં મને રૂપિયા મળ્યા, નામ મળ્યું, આ સ્થાન મળ્યું. આ બધાનાં નસીબમાં નથી હોતું. બધાને નથી મળતું પણ મને મળ્યું, કારણ કે હું ભગવાનની બહુ નજીક રહ્યો. ભગવાન તો જેને જે જોઈએ તે આપે છે. મારે આ જોઈતું હતું તો તેણે મને આ આપ્યું. આજે હું જે આટલાં વર્ષે અનુભવું છું તેની મેં તમને વાત કરી. મારી વેબસાઈટ બહુ વિશાળ છે. તેમાં મારે લગતી ઘણી વાતો છે. અઢળક માહિતીઓ છે. પણ તમને જે વાતો કરી છે તે તેમાં નથી. આ તો આપણો સત્સંગ થઈ ગયો.

પ્રશ્ન : આ ગુરુકુળ સ્થાપીને તમને લાગે છે કે આપણી સંગીતની જે પરંપરા છે તે સચવાશે ?
ઉત્તર : એ પ્રશ્ન જ નથી. પરંપરા તો સચવાશે જ. પણ આ સમયમાં બધું જ પ્રદૂષિત થઈ ગયું છે. દરેકના ઘરમાં એક બોક્સ આવી ગયું છે. ક્યાંક નાનું તો ક્યાંક મોટું. તે બોક્સ જોઈ જોઈને બધાનાં મન પ્રદૂષિત થઈ ગયાં છે. તે બોક્સે બધાનાં મગજ ચકરાવે ચઢાવી દીધાં છે. વિદેશીઓને જોઈ જોઈને આપણે આપણી રીતભાતને ક્યાં સુધી બદલીશું ? એક દિવસ તો એનો અંત આવશે જ. પ્રદૂષણને આપણે વધુ વખત નહીં સંઘરી શકીએ. તે સંઘરાય પણ નહીં. આ ટ્યુબલાઈટ છે તે તો આપણે આપણી વ્યવસ્થા માટે ફિટ કરાવી છે. બાકી આપણને જે જોઈએ છે તે તો સૂરજ અને ચંદ્રનો પ્રકાશ આપણને આપી દે છે, કારણ કે આપણી જે જરૂરિયાત છે તેની વ્યવસ્થા તો ઈશ્વરે કરી જ છે. આ તો આપણે આપણી જરૂરિયાતો વધારીને બીજી વ્યવસ્થાઓ કરી છે. ભગવાને આપણા માટે સૂરજ અને ચંદ્ર બનાવ્યા. પણ આપણે જ ટ્યુબલાઈટમાં મોહાયા. જે ઘરમાં આ ટેલિવિઝનનાં બોક્સ નથી, ત્યાં બધું વ્યવસ્થિત છે. ત્યાં કોઈ પ્રદૂષણ નથી. આ બોક્સે બહુ પ્રદૂષણ ફેલાવ્યું છે. આખું વાતાવરણ ખરાબ કર્યું છે. પણ એ લાંબો સમય નહીં ટકે. આપણે ફરી આપણી ભવ્ય પરંપરા તરફ પાછા વળવું જ પડશે, કારણ કે આપણી પરંપરા સૂરજ અને ચંદ્ર છે. જે શાશ્વત છે. આપણી પરંપરા, આપણું સંગીત શાશ્વત છે.

પ્રશ્ન : આપનાં ગુરુમા (અન્નપૂર્ણાદેવી) વિશે કંઈક કહેશો ? તેઓ કદી બહાર નથી નીકળતાં કે તેમના વિશે લોકો લગભગ કંઈ નથી જાણતા. આપ જણાવશો ?
ઉત્તર : આજે પણ હું શિષ્ય છું. તેમની પાસે જાઉં છું ત્યારે પ્રણામ કરી શીખવા બેસું છું. તેમના વિશે હું શું જણાવું ? તેઓ મહાન છે. તેમનું વિચારવું, તેમનું જીવન, તેમની ફિલોસોફી જરા જુદી છે. હું તેમના જેવો-કદી નહીં થઈ શકું. હવે રહી વાત તેમના વિશે કંઈ કહેવાની. તો તે હું નહીં કહું, કારણ કે તેઓ ઈચ્છતાં નથી કે ક્યાંય પણ તેમનો ઉલ્લેખ થાય કે તેમના વિશે વાતો થાય. પણ હું એટલું ચોક્કસ કહીશ કે મારાં ગુરુમા નારિયેળ જેવાં છે. ઉપરથી કડક પણ અંદરથી બિલકુલ નરમ. હું સદાય તેમના દીર્ઘાયુ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. તેઓ સંત છે. યોગિની છે. તેઓ બધું જ ત્યાગીને બેઠાં છે. તેમના વિશે હું કોઈ વધુ વાત નહીં કરું. તેમની સામે મારી કોઈ હેસિયત નથી. હું ફક્ત તેમના માટે ઈશ્વરને પ્રાર્થના જ કરી શકું. ઘણી વાતો ન જાણીએ તે જ સારું છે અને એમાં પણ સ્ત્રી વિશે તો ન જાણીએ અને એ સ્ત્રી જ્યારે મારાં ગુરુ છે તો તે વિશે વાત કરીને તેમને દૂભવવાનું પાપ હું નહીં કરી શકું, કારણ કે મને તેમના માટે અતિ પૂજ્યભાવ છે.

પ્રશ્ન : આ નામ, આ વૈભવ, આ આશ્રમ, આનું શ્રેય તમે કોને આપશો ?
ઉત્તર : ભગવાનને, સ્વરને, કારણ કે ભગવાન સાથે મને સ્વરે જોડ્યો અને બીજી એક વાત અંડરલાઈન કરજો કે ભગવાન એને જ શક્તિ આપે છે જેનો કોઈ દુન્યવી સહારો ન હોય. કોઈનો આશ્રિત ન હોય તેને ભગવાન આશરો આપે છે. હું આશ્રિત છું ભગવાનનો. હું ચાર વર્ષનો હતો અને મારી માનું અવસાન થયું. તે સમયે મેં મારી જાતને નિરાધાર અનુભવી. બાળકને મા સિવાય બીજું કોણ સમજી શકે ? મા ન રહી. હતાશ થઈ ગયો અને ભગવાનને પ્રાર્થના કરી કે મને પણ તું તારી પાસે બોલાવી લે. અથવા મને એટલી શક્તિ આપ કે હું આપબળે આગળ વધું.

પ્રશ્ન : આપ કોઈ સંદેશો આપશો ?
ઉત્તર : હું તો હજી વિદ્યાર્થી છું. હું પણ હજી શીખું છું. આ ગુરુકુળના વિદ્યાર્થીઓને જોઈને પણ કંઈક શીખું છું. હું એટલું જ કહીશ કે મને પ્રમોશન મળ્યું છે. સ્ટેનોગ્રાફર વાંસળીવાદક થઈ શકે. ભગવાન જેને ઈચ્છે તેને હરિપ્રસાદ બનાવી શકે. બસ શ્રદ્ધા અને સ્વરની સાધના કરશો તો જ્યાં ઈચ્છો છો ત્યાં ઈશ્વર તમને પહોંચાડશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ન મે શિક્ષા ન મે જ્ઞાનમ (ભાગ-1) – ધ્રુવ ભટ્ટ
રવિવારની રજા – ધનસુખલાલ મહેતા Next »   

6 પ્રતિભાવો : પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે મુલાકાત – દીપક દોશી

 1. આ લેખ વાંચી ખુબ આનંદ થયો. બહુ જ સરસ લેખ.
  “સ્વરો સાથે ભગવાનને સીધો સંબંધ છે. સ્વરોને કદી વાયા, મિડિયાની જરૂર નથી પડતી, કારણ કે સ્વર સ્વયમ્ મહાન છે.”

  “વિદેશોમાં વાંસ ન હોવાથી ત્યાં સ્ટીલની વાંસળી બનાવે છે. વાંસ નથી સ્ટીલ છે, પણ વગાડવાની પદ્ધતિમાં કોઈ જ ફરક નથી. ફરક માત્ર એટલો જ છે કે વાંસની બનેલ વાંસળીનો જે સ્વર છે, નાદ છે, જે ગુંજે છે તે તમને સ્ટીલની બનાવેલી વાંસળીમાં નથી મળતો.”

  આ ઉપરાંત ઘણી બધી મહત્ત્વની વાતો- ખુબ જ મહત્ત્વની અને ઉપયોગી.

  મૃગેશભાઈ તથા “નવનીત સમર્પણ”નો હાર્દીક આભાર.

 2. Sahil says:

  આ સમયમાં બધું જ પ્રદૂષિત થઈ ગયું છે. દરેકના ઘરમાં એક બોક્સ આવી ગયું છે. ક્યાંક નાનું તો ક્યાંક મોટું. તે બોક્સ જોઈ જોઈને બધાનાં મન પ્રદૂષિત થઈ ગયાં છે. તે બોક્સે બધાનાં મગજ ચકરાવે ચઢાવી દીધાં છે. વિદેશીઓને જોઈ જોઈને આપણે આપણી રીતભાતને ક્યાં સુધી બદલીશું ? એક દિવસ તો એનો અંત આવશે જ. પ્રદૂષણને આપણે વધુ વખત નહીં સંઘરી શકીએ. તે સંઘરાય પણ નહીં. આ ટ્યુબલાઈટ છે તે તો આપણે આપણી વ્યવસ્થા માટે ફિટ કરાવી છે. બાકી આપણને જે જોઈએ છે તે તો સૂરજ અને ચંદ્રનો પ્રકાશ આપણને આપી દે છે, કારણ કે આપણી જે જરૂરિયાત છે તેની વ્યવસ્થા તો ઈશ્વરે કરી જ છે. આ તો આપણે આપણી જરૂરિયાતો વધારીને બીજી વ્યવસ્થાઓ કરી છે. ભગવાને આપણા માટે સૂરજ અને ચંદ્ર બનાવ્યા. પણ આપણે જ ટ્યુબલાઈટમાં મોહાયા. જે ઘરમાં આ ટેલિવિઝનનાં બોક્સ નથી, ત્યાં બધું વ્યવસ્થિત છે. ત્યાં કોઈ પ્રદૂષણ નથી. આ બોક્સે બહુ પ્રદૂષણ ફેલાવ્યું છે. આખું વાતાવરણ ખરાબ કર્યું છે. પણ એ લાંબો સમય નહીં ટકે. આપણે ફરી આપણી ભવ્ય પરંપરા તરફ પાછા વળવું જ પડશે, કારણ કે આપણી પરંપરા સૂરજ અને ચંદ્ર છે. જે શાશ્વત છે.

 3. Raulji Hardatsinh says:

  ભગવાન જેને ઈચ્છે તેને હરિપ્રસાદ બનાવી શકે. બસ શ્રદ્ધા અને સ્વરની સાધના કરશો તો જ્યાં ઈચ્છો છો ત્યાં ઈશ્વર તમને પહોંચાડશે., બસ આમા જ બધુ આવી ગયુ.

 4. dr bhavna a saraiya says:

  excellent,person who has no loved one,
  God takes care and person gets so much strength that he or she becomes legend.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.