રવિવારની રજા – ધનસુખલાલ મહેતા

રવિવારની રજામાં શી મજા છુપાઈ છે એ તો માત્ર જેઓએ આખું અઠવાડિયું ઑફિસમાં ગધ્ધાવૈતરું કર્યું હોય તેઓ જ જાણે. બીજાંઓ તો માત્ર અનુમાન જ કરી શકે. એવા એક મોંઘા, અણમૂલા રવિવારે સવારના હું આરામખુરશી ઉપર બેસીને ધુમાડા કાઢતો હતો. મારી પત્ની પલંગ ઉપર બેસીને તકિયાના ગલેફ બદલાવતી હતી. તેવામાં મેં પૂછ્યું : ‘મધુ ! આજે નાટક જોવા આવે છે ? ચાલ જઈએ.’
‘તમારે નાટક જોવાની ખરેખરી જ ઈચ્છા છે ?’ મધુએ સામો પ્રશ્ન પૂછ્યો. ‘જો અમસ્થા જ તમે કહેતા હો તો તો માફ જ રાખો. મને તો એવી અથડામણ ગમતી નથી. અને વળી આજ કેટલા રવિવાર થયાં કૈં ન કૈં કામ અને અડચણ આવ્યાં જ કરે છે એટલે નિરાંતે બેઠાં જ નથી. એટલે હવે આજે તો બસ, આપણે આખો દિવસ શાંતિમાં જ ગાળીએ.’

હું કુંવારો હોત, સ્ત્રીઓના સ્વભાવથી અપરિચિત હોત, માત્ર કવિઓએ વર્ણન કરેલ સ્ત્રીઓનાં સપનાંમાં જ રાચતો હોત તો મધુએ નાટક જોવાની નામરજી બતાવી અને પતિ સાથે બેસીને વાર્તાલાપમાં જ વધારે આનંદ માન્યો એને લઈને મધુનાં પ્રેમપરાયણતા, સ્વાર્થત્યાગ, પતિ પ્રત્યેનો સ્નેહ વગેરે ગુણ સંબંધી હું એક મહાકાવ્ય લખી નાખત. પણ હું પરણેલો છું એટલે મેં તો એટલું જ જાણી લીધું કે મેં નાટકની પહેલી વાત કાઢી એટલે એના મગજે જુદી જ દિશા પકડી. પણ મને પણ નાટક જોવામાં ખાસ આનંદ હતો જ નહીં એટલે મેં એ બાબતમાં વાંધો ઉઠાવ્યો જ નહીં અને નાટકનું પ્રોગ્રામ ઉરાડી જ મૂક્યું. બીજી દસેક મિનિટ અમે બહુ જ શાંતિથી ગપ્પાં માર્યાં એટલામાં જ એક બાજુથી ઘડિયાળમાં આઠના ટકોરા પણ થયા અને બીજી બાજુથી અમારા બાલસ્નેહી ચીમનભાઈનો ઘાંટો શુદ્ધ સુરતી ઢબમાં સંભળાયો :
‘કેમ મદનભાઈઈઈઈ ! ઊઠ્યા છો કે હજી ઊંઘો જ છો ?’

હજી અમે આ ત્રાડ પૂરેપૂરી હૃદયમાં ઉતારી લઈએ નહીં તે પહેલાં તો ચીમનભાઈ હાથમાંની જાડી લાકડી ઠોકતા ઠોકતા, મોંમાથી પાનની પિચકારી મારતા આવી પહોંચ્યા. ‘હા હા હા ! મધુબેન ! મેં મારું વચન પાળ્યું કે નહીં ? મદનભાઈ, કીદાડાથી મધુબહેન મને અહીં આવવાનો આગ્રહ કર્યા કરતાં હતાં (અત્રે એટલું કહી દેવું જોઈએ કે આ માન્યતા સત્યના પાયા ઉપર રચાઈ નહોતી) પણ આપણે સબ બંદરકા વેપારી ! અને આપણો જીવડો એક ને ઘરાક ઘણાં ! એટલે ફુરસદ મળે ત્યારે ને ? પણ આજે કૈં ઈશ્વરે જ એવો તાલ કરી આપ્યો કે આપણે આ બાજુ ઊપડી આવ્યા. એ જરા બે-ત્રણ દિવસને માટે સુરત ગઈ છે એટલે આપણને પૂછનાર કોણ ? અને મુંબઈમાં કોને ત્યાં જઉં, કોને ત્યાં જઉં એવો વિચાર કર્યા કરતો હતો ત્યાં મનમાં કૈં એમ જ થઈ આવ્યું કે ચાલો, બસ, આજે તો મદનભાઈને ત્યાં જ ધામા નાખવા. પણ રસોઈમાં ઉતાવળબુતાવળ નહિ કરતાં હોં કે ! કારણ કે હવે આપણે તો છેક અંધારું થતાં જ પાછા મુંબઈ ઊપડશું. ત્યાં કોણ રાહ જોવાનું હતું ? રામો ઘાટી ! હાહાહાહા….!’ આટલું કહેતાં જ ચીમનભાઈએ ડગલો અને ટોપી ઉતારીને એક ખીંટીએ ભેરવી દીધાં અને એક બીજી આરામખુરશી ખેંચીને તે ઉપર પડ્યા. મેં અને મધુએ સામસામું જોયું. પણ આ સ્થિતિમાં બીજો ઉપાય નહોતો એટલે કરવું પણ શું ?

ચીમનભાઈએ ન્યાતની ઝીણીઝીણી વાતો મધુ સાથે ઉકેલવા માંડી અને નવેક વાગે સગડી સળગાવશું તો પણ વાંધો નથી આવવાનો એવું એ બે જણાએ સર્વાનુમતે નક્કી પણ કર્યું. પોણા નવેકને આશરે મારી ઑફિસના જ ચાર માણસો ‘હલ્લો, મદનભાઈ ! તમે ઠીક મળી ગયા.’ કહેતા આવી પહોંચ્યા. ‘આવો…આવો…’ કહેતાં મેં એમને બધાને બેસાડ્યા, મધુને આંખથી ચા મૂકવાની નિશાની કરી. વાતમાં ને વાતમાં જણાયું કે એમને સાંતાક્રુઝમાં જ ઘર રાખવું હતું એટલે મને ભોમિયા તરીકે સાથે આવવાનો તેમણે આગ્રહ કર્યો. મારી ના કોઈ સાંભળે તેમ નહોતું એટલે ચા પિવાઈ રહી એટલે હું તૈયાર જ થયો. ચીમનભાઈએ મને ધીમેથી કહી દીધું. ‘ચાલો, એ પણ ઠીક થઈ ગયું. તમારો સવારનો વખત પસાર થઈ જશે અને તમે અહીં આવશો ત્યારે રસોઈ પણ તૈયાર થઈ જશે. અને હું અહીં છું એટલે તમારે બજારની ચિંતા તો રાખવી જ નહીં. હું બધાંને પહોંચી વળું એમ છું.’ એમને જવાબની જરૂર નહોતી. મધુએ જતાં જતાં કહ્યું, ‘જેમ બને તેમ વહેલા આવજો.’ મેં ડોકું ધુણાવી હા પાડી અને પછી પેલા મિત્રોની સાથે હું ઘરો શોધવા નીકળી પડ્યો.

પહેલેથી જ હું જાણતો હતો કે એ લોકોને ઘર રાખવાનો વિચાર જ ન હતો છતાં પણ સાથે સાથે ફેરવીને એમણે મારો દમ કાઢી નાખ્યો. આખરે બરાબર બાર વાગ્યાની ટ્રેનમાં મેં એમને વિદાય કર્યા. હું પાછો ઝડપથી ઘેર ગયો ત્યારે રસોઈ તો ક્યારની તૈયાર થઈ ગઈ હતી; પાટલા પણ મંડાઈ ગયા હતા અને ચીમનભાઈ કાંદા અને કેરીની કચુંબર કરવામાં રોકાઈ ગયા હતા. મેં ઝડપથી નાહી લીધું અને પછી અમે પાટલા ઉપર બેસવાનો આરંભ કરતા હતા અને ચીમનભાઈ ‘મધુબહેન, તમે પણ સાથે જ જમવા બેસી જાઓ ને.’ એમ કહેતાં કહેતાં મધુને આગ્રહ કરતા હતા તેવામાં જ બારણું ઊઘડ્યું. અમે ત્રણેએ જોયું. ‘ઓહોહોહો ! મદનભાઈ ! તમે તો ભારે કરી ! ક્યાં છેક છુપાઈને બેઠા છો ! અમે તો તમારું ઘર શોધી શોધીને થાકી ગયા.’ આમ બોલતાં બોલતાં અમારી સાતમી પેઢીનાં સગાં ધીરાભાઈ, તેમનાં પત્ની અને બે છોકરાં, તેમના નાનાભાઈ અને તેમનાં પત્ની અને એક નાનું છોકરું એટલાં માણસો આવી પહોંચ્યાં. તડકામાં ફરી ફરીને એમનાં મોં લાલચોળ થઈ ગયાં હતાં અને બે છોકરાં મોટેથી રડતાં હતાં એટલે એ બધાં બહુ જ રખડ્યાં હશે એ વાત તો માની શકાય એવી જ હતી. મધુ રસોડામાંથી બહાર આવી. બધાને બેસવાનું કહ્યું અને સાથે સાથે જમવાનું પણ કહ્યું.
‘હાહાહા ! મધુ ! તેં ન કહ્યું હોત તોપણ અમે તો અહીં જ જમત, હોં કે !’ ધીરાભાઈએ મોટેથી હસતાં હસતાં કહ્યું. ‘મદનભાઈ, તમે તો જાણો છો ને મધુ મારી આઘેની ભાણેજ થાય છે ! એ બિચારી તો શું જાણતી હોય ! અમે હજી કાલે જ મુંબઈ આવ્યાં. તમે જાણતાં નથી ? અમે તો બધાં જાત્રાએ ઊપડ્યાં હતાં ! હવે મુંબઈમાં ત્રણચાર દિવસ રહીને પાછાં સુરત ઠરીઠામ થઈ જઈશું. મધુને જાત્રાની છબી આપવાનું ભૂલતી નહિ હોં ! નહીં તો વળી કોઈક દિવસ એ મહેણું મારશે કે મામા જાત્રા જઈ આવ્યા પણ એક છબી સરખી નહીં લઈ આવ્યા ! હા હા હા !’

મધુનું ધ્યાન છબીમાં તે વખતે નહોતું. તેણે તો ઝડપમાં ફરીથી રસોઈ કેવી રીતે કરવી એનો વિચાર કરવાનો હતો. આખરે રસોઈ થઈ. અમે દોઢ વાગે જમ્યા અને પછી બે વાગ્યાની ટ્રેનમાં ધીરાભાઈ અને તેમનું કુટુંબ પાછાં મુંબઈ ઉપડી ગયાં. મારો વિચાર થયો કે ‘લાવ, હવે જરા કલાકેક ઊંઘી તો લઉં.’ પણ જોઉં છું તો મારા પલંગ ઉપર ચીમનભાઈ ઘસઘસાટ ઊંઘતા હતા ! હું આગલા ઓટલા ઉપર જ સાદડી નાખીને પડ્યો. મધુ પણ એવી જ રીતે સાદડી લઈ આવીને સૂવાની તૈયારી કરતી હતી તેવામાં તેણે આઘેથી એક મોટું ટોળું આવતું જોયું. હું હજી તો સાદડી ઉપરથી બેઠો થઈને જોઉં છું ત્યાં તો નવ છોકરાં, પાંચ બૈરાં અને ચાર મરદોનું વૃંદ અમારે ઓટલે ચઢી ગયું. એ આખું ટોળું મધુનાં પિયરિયાં જે ચાલમાં મુંબઈ રહેતાં હતાં તે જ ચાલમાં રહેતું એટલે સાંતાક્રુઝ જોવાને માટે અમારે ત્યાં આવી પહોંચ્યું હતું. ચીમનભાઈ તો ઊંઘમાં હતા એટલે એમને તો આથી કૈં હરકત પડી નહિ. પણ મારે તો ક્યાં બેસવું અને કોની જોડે કેવી વાત કરવી એની પણ મૂંઝવણ થઈ ગઈ; કારણ કે હું આ ટોળામાંથી કોઈને પણ ઓળખતો નહોતો. એ ટોળાની આખાની મધુ દીકરી હોય તેમ તે ટોળું તો વર્તતું હતું અને એમાંનાં નવ છોકરાંઓએ પણ અમારું ઘર એમનું જ ઘર છે એમ માની લીધેલું જણાતું હતું. હું ગભરાઈ તો ઘણો ગયો પણ મધુના માથા ઉપર ભાર મૂકીને મારે નાસી જવું એ મને ઠીક નહીં લાગ્યું એથી હિંમત ધરીને હું તો એ ટોળાંની આગતાસ્વાગતા કરવામાં મચી પડ્યો. ચા થઈ. મમરા પણ વઘારવામાં આવ્યા, અને પછી અમે બધાં દરિયા તરફ ઊપડી ગયાં. ચીમનભાઈએ તો થાકી ગયાનું બહાનું કાઢીને ઘેર જ બેસવાનું પસંદ કર્યું.

અમે દરિયે ફર્યાં અને સાંજે સાડાસાતની ટ્રેનમાં એ આખું ટોળું મુંબાઈ ઊપડી ગયું. રાતના હવે જમવું નહીં પણ માત્ર એકેક ચાનો કપ લઈને જ બસ રાખવું એમ મેં સૂચના કરી અને તેને ચીમનભાઈ અને મધુ બંનેએ ટેકો આપ્યો. આજના આખા દિવસમાં પડેલી જહેમત વિશે અમે હસતાં હસતાં વાતો કરતાં હતાં એટલામાં જ મારા સાઢુભાઈ અને તેમનાં પત્ની આવી પહોંચ્યાં.
‘અહો બહેન ! તમે અહીં ક્યાંથી, આટલે વાગ્યે ?’ મધુએ પૂછ્યું….
‘અરે ભાઈ, કૈં વાત જ નહીં કરવાની,’ બહેને જવાબ દીધો. ‘અમે મુંબઈથી તો બહુ વહેલાં નીકળેલાં. બોરીવલી ગયેલાં અને ત્યાં જરા મોડું થઈ ગયું. અમારે તો બોરીવલી જમીને જ આવવું હતું પણ ત્યાં જરાક અડચણ જેવું જણાયું એટલે પછી મનમાં એમ જ થઈ ગયું કે પાછાં મુંબાઈ જઈને જમીએ એના કરતાં સાંતાક્રુઝ જઈને મધુને ત્યાં જ જમીને જઈશું. તું પણ ઘણીવાર કહ્યા કરતી હતી ને !’
આ સમસ્યા સમજવી મુશ્કીલ નહોતી એટલે મધુએ તરત જ રસોડામાં જઈને રસોઈ શરૂ કરી. રસોઈ તૈયાર થઈ. અમે રાતે સાડા નવે જમવા બેઠાં. ચીમનભાઈની ભૂખ પણ ઊઘડી હતી એટલે તે પણ જમવા બેઠા. સાઢુભાઈ સાડાદસે મુંબાઈ ઉપડ્યા અને છેવટે ચીમનભાઈ સાડા અગિયારની ટ્રેનમાં મુંબાઈ જવા નીકળ્યા. જતાં જતાં કહેતા ગયા કે ‘આજ ખૂબ આનંદ થયો હોં ! કેમ ખરું ને ? વળી કોઈ દિવસ નિરાંતે આવી ચઢીશું.’

ચીમનભાઈ ગયા. અમે દીવા ઝાંખા કર્યા. ખમીસનું બોરિયું જમીન ઉપર પડી ગયું હતું તે લેવા હું વાંકો વળ્યો હતો એટલામાં મધુએ કહ્યું. ‘નાટક જોવા ગયાં હોત તો કૈં ખોટું નહોતું !’
‘હા, મને પણ હવે એમ જ લાગે છે.’ મેં જવાબ દીધો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે મુલાકાત – દીપક દોશી
ન મે શિક્ષા ન મે જ્ઞાનમ (ભાગ-2) – ધ્રુવ ભટ્ટ Next »   

23 પ્રતિભાવો : રવિવારની રજા – ધનસુખલાલ મહેતા

 1. Hiral Thaker "Vasantiful" says:

  😀

  અલ્ભ્ય રીતે મળેલા એક ફુરસદ વાળા રવિવારનું સુરસુરિયું…!!

 2. મનિષ શાહ says:

  ખુબ જ સરસ લેખ. મઝા આવી ગઇ.

 3. Rasendu C. Vora says:

  ખુબ જ સરસ લેખ. મઝા આવી ગઇ. તેમની જ અન્ય કૃતિ અમે બધા માથી પણ કઇક આપવા વિનતિ.

 4. “અમે બધાં” માં પણ જે મજા એમણે કરાવેલી એવી જ મજા રવિવારને ઉજવવામાં કરાવી… !! મજાનો લેખ…

 5. હાસ્યલેખ ઘણો ગમ્યો.
  હાર્દીક અભીનંદન અને ખુબ ખુબ ધન્યવાદ.

 6. Bhupendra says:

  મન મા વિચાર આવે તે પુરો કરિ દેવો હતોને રવિવારે મઝા મા જાતને..

 7. shruti maru says:

  રવિવાર નું મહત્વ સ્કુલ ના વિધ્યાર્થી અને ઓફિસ ના કર્મચારી સમજે….હા…હા…હા…

 8. mayuri says:

  હાસ્ય લેખ મા રજા નિ મજા ક્યારે ….ક્, આવિ ,,આપનિ પણ થતિ હોય પણ સુથાય અતિથિ દે ભવ ,,,,

 9. ઈન્દ્રેશ વદન says:

  ખરેખરો હાસ્ય લેખ.
  સોમ થી શુક્ર રજાની રાહ જોયા પછી જ્યારે રજા આવે અને ભોગવવા ન મળે, તો ધૂંધવાટ તો થાય જ.

 10. Chirag says:

  હા હા હા હા…. બઉ મજા પડી ગઈ…. Excellent…. full of tipical day… tipical life… but the story tytle should have been… “એક સાધારણ રવિવાર.”

  Thank you,
  Chirag Patel

 11. ભાવના શુક્લ says:

  મુંબઈના દરેક રવિવારો લગભગ આવા જ હોય.. સ્પષ્ટ ઉપાય એ છે કે મુંબઈમા રવિવારે ઘરે જ રહેવાનો પ્રોગ્રામ એટલે “વગર પગારનો ઓવર ટાઈમ”. ખુબ હળવી રજુઆત..

 12. priti shah says:

  આ લેખ વાન્ચિને ખરેખર ભારત યાદ આવિ ગયુ. હળવા લેખ માટે ઘણો ઘણો આભાર!

 13. dimple says:

  very interesting story. Really you made me remember my sundays. I’ve gone through such situation.

 14. Rajesh Vachhani says:

  It’s really appreciable & completely applicable to my home also….!!!!

 15. Gunvant says:

  અધમૂઓ છું, ક્યારેક પૂરો મારજો,
  મ્હેમાનો ઓ વ્હાલાં પુન: પધારજો !

  http://www.readgujarati.com/sahitya/?p=3413#more-3413

 16. nitin dave says:

  ખુબ મજા આવિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.