મનની કડવાશ – ભૂપત વડોદરિયા

અન્ય વ્યકિતઓ સાથેના વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક આપણા દિલમાં પેદા થયેલી કડવાશને દૂર કરવાની આપણે ખાસ જરૂર જોતા નથી. આ કડવાશ દૂર કરવાની જરૂર બીજા કોઈને માટે નહીં પણ આપણી પોતાની માનસિક તંદુરસ્તી માટે પણ હોય છે. સ્વ. વિજિયાલક્ષ્મી પંડિતે વર્ષો પહેલા એક લેખ લખ્યો હતો. ધી રીડર્સ ડાઈજેસ્ટ નામના અંગ્રેજી માસિકમાં પ્રગટ થયેલા એ લેખનું મથાળું આવું હતું : ધી બેસ્ટ એડવાઈસ આઈ એવર હેડ. ગુજરાતી ભાષામાં તેનો ભાવાર્થ કરીએ તો મને જિંદગીમાં મળેલી સર્વોતમ સલાહ એવો થાય. વિજયાલક્ષ્મીએ એમાં પોતાની જિંદગીને એક ગંભીર ઘટના વિશે લખ્યું છે. વિજયાલક્ષ્મીના પતિ રણજિત પંડિતનું અવસાન થયું હતું. વિજયાલક્ષ્મીના શ્વસુર રાજકોટના શ્રીમંત રહીશ હતા. સારી જાગીર ધરાવતા હતા. વિજયાલક્ષ્મીને પુત્ર ન હતો. પુત્રીઓ હતી. વિજયાલક્ષ્મી તો સુશિક્ષિત, ખૂબ આગળ વધેલાં અને નવા વિચારનાં. એમને તો કલ્પના પણ ક્યાંથી આવે કે મારા સસરા મારી બાળકીઓ માટે મારા પતિની મિલકતમાંથી ભાગ આપવાની ના પાડશે !
રણજિત પંડિતના પિતા હતા સજ્જન પણ જૂના જમાનાના માણસ એટલે તેમણે તો હિન્દુ કુટુંબનો કાયદો આગળ કર્યો અને કહ્યું, દિકરો હોય તો ભાગ પડે. દીકરીને ભાગ ના મળે. ભરણપોષણની જવાબદારી કુટુંબની ખરી પણ એ માટે તેમને જિવાઈ મળે. અંહી રાજકોટ આવીને રહેશો તો તમને પાળીશું.

વિજયાલક્ષ્મી કહે છે મારું મન કડવાશથી ભરાઈ ગયું. મારું મન અંહીથી ઊઠી ગયું. મેં નક્કી કરી નાખ્યું કે મારી બાળકીઓને લઈને મારે અમેરિકા ચાલ્યા જવું અને ત્યાં જ આપમેળે સ્થિર થઈ જવાની કોશિશ કરવી. હું ગાંધીજીને મળવા ગઈ. અમેરિકા જતાં પહેલાં બાપુના આશીર્વાદ લેવા હતા. બાપુએ પૂછ્યું કે રાજકોટ પંડિત સાહેબના આશીર્વાદ લઈ આવ્યા કે નહીં ? જાણે દુખતા ભાગમાં ઠેસ લગાવી. મેં મારી સાથે તમણે કરેલા વહેવારની વાત કરી. મારું દિલ બરાબર ઘવાયું હતું. એમના જુનવાણી ખ્યાલોના પડદા પાછળ મને સ્વાર્થી લુચ્ચાઈ અને લોભ દેખાયાં હતાં.

પણ ગાંધીજી તો આવા બધા ખરાબ વિચારોથી મનને કલુષિત કરવામાં માનતા જ નહીં. રાજકોટ જઈને સસરા પાસે આશીર્વાદ લેવા જવાની વાત વિજયાલક્ષ્મીને આકરી લાગી પણ ગાંધીજી એ સમજાવ્યું કે તમારે ક્યાં ભાગ લેવા જવાનું છે ? તમારે તો આશીર્વાદ જ માગવા જવાનું છે અને તેમ કરવું તે તમારું કર્તવ્ય છે. તમારા પોતાના કલ્યાણની જ આ વાત છે. સામી વ્યકિતનું દષ્ટિબિંદુ સમજવાની કોશિશ કરવી. સામી વ્યકિતના વર્તનમાં ખરાબમાં ખરાબ આશયોનું એકદમ આરોપણ કરીના દેવું. આપણે ધારી લઈએ છીએ એટલા માણસો ખરાબ નથી હોતા. વળી તમે જ્યારે પરદેશ નવું જીવન શરૂ કરવા જાઓ છો ત્યારે હળવા હૈયે શું કામ નથી જતાં ? હૈયામાં આવી કળવાશ ભરીને શું કામ જાઓ છો ? યાદ રાખજો, આવી કડવાશ સૌથી તો તેને સંઘરનાર માણસને પોતાને જ વધારે ને વધારે નુકશાન કરે છે. વિજયાલક્ષ્મી પંડિતે નોંધ્યું છે કે , કચવાતા મને પણ હું રાજકોટ મારા શ્વસુરને મળવા ગઈ. મારી બાળકીઓને સાથે લઈને ગઈ. સસરા ગળગળા થઈ ગયા. હું અમેરિકાં પહોંચી ગઈ. મારા મન પર હવે ભાર નહતો. થોડા વખત પછી સસરાનો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે હિંદુ સંસારનાં રૂઢિ, રિવાજ જે હોય તે, હું મારી દીકરીઓને વારસાથી વંચિત નહીં રાખું. તમારે જે ઘર-જમીન જોઈએ એ તમારાં. વિજયાલક્ષ્મી પંડિતને મહાત્મા ગાંધીની એ સલાહ આખી જિંદગી સંભારવા જેવી લાગી. મનમાં કળવાશ ભરવી નહીં. કડવાશ સંઘરવાથી સૌથી વધુ નુકશાન આપણી પોતાની જાતને જ થતું હોય છે. આપણને ખબર નથી હોતી પણ આપણે જેને આપણા હિતશત્રુઓ માનતા હોઈએ છીએ એ હિતસાઘકો પુરવાર થતા હોય છે.

ગાંધીજી તો મહામાનવ હતા પણ બીજા ઘણા માનવીઓનો આ જાતઅનુભવ છે કે આપણે જેને આપણું અહિત કરનારા માની ને વેરવૃત્તિ કેળવવા માંડીએ છીએ તે આપણું અહિત કરતા હોતા નથી. જેઓ આપણને ખૂબ અન્યાય કરી રહ્યા છે તેવું આપણે માનીએ છીએ તેઓ આવો સાચો કે માની લીધેલો અન્યાય જાણીબૂઝીને ન પણ કરતા હોય તેવો પૂરો સંભવ છે. આપણે ધૂંધવાઈ ઊઠીએ છીએ કેમ કે આપણી પોતાની દષ્ટિની મર્યાદામાં જ બધો વિચાર કરીએ છીએ. એકવાર મનમાં કડવાશ તમે કાઢી નાખશો તો પછી તમને ચારે તરફ તમારા સમાજમાં, તમારી ઓફીસમાં, તમારા વર્તુળમાં અદીઠ દુશ્મનોનું દળ દેખાશે નહીં. હરેક ચહેરા પાછળ સંતાયેલો શત્રુ નહીં દેખાય. કડવું બોલનારામાં પણ મિત્ર કે હિતચિંતક દેખાશે. બીજું તો ઠીક, મનમાં કડવાશ નહીં હોય તો જ તમે જિંદગીની ઘણીબધી મધુરતાને કલુષિત બનતી બચાવી શકશો. આપણું પોતાનું જીવન આપણને ઝેર જેવું લાગે છે. તેમાં સૌથી મોટો ફાળો આપણા પોતાના જ અંતરની કડવાશનો હોય છે.  

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સોના વાટકડી
ફરસી પૂરી Next »   

18 પ્રતિભાવો : મનની કડવાશ – ભૂપત વડોદરિયા

 1. nayan panchal says:

  “હૈયામાં આવી કળવાશ ભરીને શું કામ જાઓ છો ? યાદ રાખજો, આવી કડવાશ સૌથી તો તેને સંઘરનાર માણસને પોતાને જ વધારે ને વધારે નુકશાન કરે છે.”

  ક્ષમા વીરસ્ય ભૂષણમ. કોઈને સાચા દિલથી ક્ષમા આપી હોય તો આપણો હ્રદય પરનો ભાર અત્યંત હળવો થઈ જાય છે.

  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  મનમાં કડવાશ નહીં હોય તો જ તમે જિંદગીની ઘણીબધી મધુરતાને કલુષિત બનતી બચાવી શકશો. આપણું પોતાનું જીવન આપણને ઝેર જેવું લાગે છે. તેમાં સૌથી મોટો ફાળો આપણા પોતાના જ અંતરની કડવાશનો હોય છે.

  જેમ આપણે રંગીન ચશ્મા પહેરીએ અને પછી જે જોઈએ તે રંગીન લાગે તેવી રીતે આપણે મનમાં જો કડવાશ રાખીએ તો આખુએ જગત કડવું ઝેર જેવું લાગે છે અને જો મનમાં મીઠાશ હશે તો સઘળું મધુર મધુર.

 3. mukesh says:

  ખુબ જ સાચિ વાત કહિ, પરન્તુ ખુ બ જ અઘરિ તેને ઉતારવિ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.