ન મે શિક્ષા ન મે જ્ઞાનમ (ભાગ-2) – ધ્રુવ ભટ્ટ

[ ગઈકાલે ભાગ-1 માં આપણે જોયું કે ગીરના અંતરિયાળ વિસ્તારોમાં ભાષા સુધરે અને લોકો શિક્ષિત બને, શહેરના વધુ ભણેલા શિક્ષકોની ત્યાં નિમણૂંક થાય એ માટે લેખક તેમના મામીના કહેવાથી જાતે એકલા નીકળી પડે છે. અલબત્ત, મામીની ઈચ્છા હોય છે કે ત્યાંના લોકલ શિક્ષકો રાખવા જોઈએ. પરંતુ લેખક માને છે કે શહેરી શિક્ષકોથી જ શિક્ષણનું સ્તર સુધરશે. આ બાબતની તપાસ કરવા લેખક જાતે એ જંગલ વિસ્તારમાં નીકળી પડે છે. માર્ગમાં સાંસાઈ નામની યુવતી તેમને સાથ આપે છે. રમજાના નામની સિંહણનો સાક્ષાત્કાર થતા લેખક થથરી ઊઠે છે પણ ત્યાંની આ આદિવાસી યુવતી સહજ રીતે ઝાંઝર ખોલીને ત્યાં નાખી દે છે અને છેવટે લેખકનો હાથ પકડીને ત્યાંથી ચાલી નીકળે છે. બીજે દિવસે ફોરેસ્ટર તેના ઝાંઝર લેખકને પહોંચાડે છે. લેખક સાથે તેની મુલાકાત થાય છે અને બંને જણ પેલી યુવતીને મળવા તેના નેસ પર જવાની તૈયારી કરે છે. હવે ત્યાંથી આગળ…. ]

અમે નીચે ઊતર્યા ત્યારે મુસ્તુફા પાસે નાની લાકડી સિવાય કંઈ નહોતું. તે હથિયાર કદાચ જીપમાં જ ભૂલી ગયો હોય માનીને મેં પૂછ્યું : ‘તમારું હથિયાર ?’
‘આ છે ને’ મુસ્તુફાએ લાકડી બતાવી કહ્યું, ‘સિકારી આ જ રાખે.’
‘શિકારી ?’ એક ગાર્ડ પોતાને શિકારી કહે તે મને નવું લાગ્યું.
‘આ નામ નવાબના વખતથી હાલ્યું આવે છ. એ ટેમે શિકાર થાતા. અમારા જેવા, કુકો કરીને સાવજને હાંકી લાવે ઈ બધા સિકારી કે’વાતા. અમે બોલાવીએ’ ને સાવજ આવે એટલે નવાબુ કે સાયેબુ સિકાર કરે.’
‘નવાઈ કહેવાય’ મેં કહ્યું, ‘કામ રક્ષણનું અને નામ શિકારી !’
‘કાયદેસર નોકરીમાં તો સિકારી નો કે’વાઈએ. ગાર્ડ નીકર ફોરેસ્ટર કે’વાઈએ’ મુસ્તુફાએ કહ્યું, ‘આ તો જૂનાં વખતનાં નામ હાલ્યાં આવે એટલે જાણકાર માણસું સિકારી બોલે. ટૂરિસ્ટ તો અમને ગાર્ડ જ કેય.’
‘એકલી લાકડી લઈને જાવ અને સિંહ મળે તો બીક ન લાગે ?’ મેં પૂછ્યું. તે સાથે મને ગઈ કાલનો પ્રસંગ યાદ આવી ગયો. આજ સુધી ક્યારેય હું ગઈ કાલે પામેલો એટલો ભય પામ્યો નહોતો.
‘દીપડાથી ચેતવું પડે. એનો ભરોસો નો કરાય.’ મુસ્તુફાએ કહ્યું. ‘પણ સાવજની વાત જુદી. અમે ઈની મોટી આમન્યા રાખીએ. ઈ અમારી રાખે. આવું હાલે. તોય કાંય કે’વાય નંઈ. સાવજ તો રાજા છે. ઈનો મોભો નો રેય તો પછી તો અમારાથીય સું થાય ? આ તો ગર્યનો મામલો.’
‘હજી સુધીમાં કોઈ ટૂરિસ્ટને કંઈ થયાના દાખલા છે ?’ મારી જિજ્ઞાસા વધી હતી.
મુસ્તુફા આ બાબતે વિચાર્યા વગર કંઈ કહેવા માગતો ન હોય તેમ થોડી વાર બોલતો અટકી ગયો. પછી કહે, ‘અમે હારે હોંઈ એટલે ટૂરિસ્ટને ગાડી હેઠ ઊતરવા જ નો દંઈ. કો’ક વાર મોટા માણસું આવે ઈવે વખતે ગાર્ડને સાવજની સોબત કેવી છે ઈનાં ઉપર આવીને વાત ઊભી રેય.’
‘તમે આવું જોયું છે ?’ મેં મુસ્તુફાને વાતમાં ખેંચી રાખવા કહ્યું.

‘કેટલીય વાર. સિકારીનું તો જીવવાનું સાવજ હારે. પછી હેત લાગી જાય અને બેય એક-બીજાનું માનતા થઈ જાય. ઈની એક હદ હોય. ઈ નો વટાય.’ મુસ્તુફા બોલ્યો અને હસ્યો. પછી ગળું જરા ખોંખારીને તેણે વાત માંડી, ‘તમને કઉં, અમારે એક અબલાબાપા હતા. ઈ માણાંને સાવજની એક એક વાત્યની ઓળખ. એકેએકને જુદો ઓળખી બતાવે એવી ઈંની જાણકારી. ઈંના વખતમાં જ મને રોજમદારીમાં દાખલ કરેલો. એક વાર સાહેબે અબલાબાપાને કામ સોંપ્યું. બનેલું એવું કે મૂળે ગુજરાતના પણ બીજા રાજમાં રેય એવા કો’ક મેમાન આવ્યા’તા. સાહેબે કીધું, ‘આ આવ્યા છે ઈ કવિ છે. અબલાભાય, સમજ્યા ને ? તમે એની હારે રહેજો અને જીપમાં નો લઈ જાતા. બને તો હું આવીસ, મારી ગાડી લઈને જાસું.’
‘હં.’ મેં સૂર પુરાવ્યો.
‘ક્યાંક, ઠેઠ ગુજરાત બાર’થી આવ્યા’તા.’ મુસ્તુફાએ દોહરાવ્યું. તે કોણ હશે તે બાબત મને બહુ જિજ્ઞાસા ન થઈ. મેં પૂછ્યું : ‘પછી.’
‘પછી અબલાબાપાએ ‘મુસ્તા, તુંય હારે હાલ્ય, તારો કુકવો સારો પડે છે….’ કરીને મને હારે લીધો. ઓલા મેમાન, સાહેબ પોતે, અબલાબાપા ને હું. અબાલાબાપા કેય ગાડી કમલેસર ડેમે લઈ લ્યો.’ મુસ્તુફાની વાત જામતી જતી હતી. માર્ગ કપાતો હતો. મેં તેને હોંકરો આપ્યા કર્યો. તેણે આગળ કહ્યું :
‘ડેમ આવું થાય ને બરાબર રોડ માથે બે સાવજ, તૈણ સિંહણ ને બે પાઠડાં હાલ્યાં આવે. મેમાન તો પમ્મર થઈ ગ્યા.’
‘એટલે ?’ મેં પૂછ્યું. મનમાં થયું, શી ગામડિયણ ભાષા ! મારો પ્રશ્ન મુસ્તુફાએ અવગણ્યો કે તે સમજ્યો નહીં. ગમે તે હોય તેની વાતોમાં ભંગ પડાવીને મારે મારો પ્રશ્ન દોહરાવવો નહોતો.
‘મેમાન સાહેબને કેય, ઓહો, આ તો નરસીં ભગવાન. આપ રજા આપો તો નીચે ઊતરીને પ્રાર્થના કરી લઉં.’ કહીને મુસ્તુફા મારા સામે જોઈ હસ્યો અને કહ્યું : ‘ઈવડા ઈ પોતાની ખાસ અગરબત્તીય હારે લાવેલા.’
‘પછી ?’
‘સાહેબ મૂંઝાણા’ કહીને મુસ્તુફા હસી પડ્યો. પણ મેમાનને કઈ દીધું કે આપને ભલે એનામાં નરસીં ભગવાન કળાતા હોય. પણ કાં’ક આઘું-પાછું થાશે તો ઈવડા ઈ આપનામાં કવિરાજ કે મારામાં ડી.એફ.ઓ. જોવા ઊભા નંઈ રે. એટલે આ વિધિ રે’વા દઈએ તો ઠીક.’

મુસ્તુફાની બોલવાની ઢબ જોઈને મને હસવું આવી ગયું. મુસ્તુફાએ પણ હસી લીધું અને આગળ કહ્યું, ‘ઈ ટાણે અબલાભાયે સાહેબને કીધું ‘આપણે ગર્યમાં હોંઈ’ને આપડા સાવજમાં નરસીં અવતાર ભાળે એવા મેમાન એમનેમ પાછા જાય તો આ અબુ જાફરનું આંયા કામેય શું છે. ઊતરવા દ્યો તમતમારે મેમાનને. હું આગળ ઊભો રઉં છું.’ કે’તા અબલાબાપા ઊતર્યા. આગળ જઈને સાવજના મોઢા’ગળ જઈને ઊભા’ર્યા. મેમાન ગાડીમાંથી ઊતરીને ગાડી પાંહે જ ધૂળની ઢગલીમાં અગરબત્તી ખોસતા’તા’ને અબલાભાયે કીધું, ‘આંયાં, આંયાં પાંહે વયા આવો.’ મેમાનને જોખીમ લાગ્યું. કેય, ‘એવું નથ કરવું.’ પછી ગાડી પાંહે બેસીને અગરબત્તી કરી, ઊંધા પડીને પગે લાગ્યા. મેમાન ગાડીએ બેઠા ન્યાં લગી અબલાબાપા સાવજનો મારગ રોકીને ઊભા. અબલાબાપા ગાડીમાં બેઠા પછી હાલ્યા ગ્યા. મો’બત આવી હોય.’

વાત પૂરી થતાંમાં તો સાંસાઈનો નેસ દેખાયો. મુસ્તુફા મને છેક નેસના ઝાંપા સુધી મૂકી ગયો અને બૂમ પાડીને કહ્યું, ‘વડીઆઈ, સાંસાઈને કે’જો એના મેમાનને પોગાડી દીધા.’ કહીને મુસ્તુફા બહારથી ચાલ્યો ગયો. નેસની ઝૂંપડીમાંથી સાદ આવ્યો તો કહે, ‘મારે લોકેશનમાં પોગવાનું છે.’ હું અંદર જતાં અચકાયો. માલઘારીના નેસમાં કૂતરા તો હશે જ તેમ માનીને મેં ઝાંપા વચ્ચે રહીને બૂમ પાડી, ‘સાંસાઈ છે કે ?’
‘ઈ તો સવારની ગઈ જામવાળે. હવે તો બે દા’ડા કેડે આવે.’ કહેતાં એક માજી સામેથી આવતાં દેખાયાં.
‘ઠીક. આ ઝાંઝરી સાંસાઈની છે. એને પહોંચાડવાની હતી’ મેં કહ્યું અને માજી નજીક આવે તેની રાહ જોઈને ઊભો.
‘તે બેટા, અંદર તો આવ્ય. તુંય બારોબાર હાલ્યો જાઈસ ?’ માજીએ મને કહ્યું અને બીજી તરફ ચાલ્યા જતાં જરા મોટેથી બોલ્યાં, ‘નાગલા, લાવ્ય ખાટલો ઢાળ. હું છાસ્યું લેતી આવું.’ હું ઝાંપામાંથી ફળિયામાં ગયો. ચારે તરફ કાંટાની વાડથી ઘેરાયેલા સ્વચ્છ ચોગાનમાં એક તરફ પાણીનો હેન્ડ-પમ્પ હતો. સામી બાજુ ગારમાટીની, નળિયાથી છવાયેલી નાની ઓરડીઓ. ઓરડીના તળિયે અને આંગણામાં છાણમાટીનું લીંપણ કરેલું હતું. ઓરડીથી જમણી તરફ લીંપણવાળી દીવાલ અને જાડી, વાંકીચૂકી ડાળોની થાંભલી પર વાંસ ટેકવીને બનાવેલું ઘાસછાયું એકઢાળિયું. લાંબી કોઢ કે ગમાણ જેવી તે જગ્યાએ એક યુવાન માટીના ચૂલા પર લોખંડની કડાઈ ચડાવીને તેમાં તવેથો હલાવીને કંઈક કરતો હતો. સુગંધ ઉપરથી લાગ્યું કે તે દૂધ ઉકાળે છે.

હું જરા વાર ઊભો ત્યાં એક આઠેક વરસનો છોકરો ખાટલો લઈ આવ્યો. તેના પર ધાબળો પાથર્યો અને જાણે તે મારો મિત્ર હોય તેમ કહે, ‘લ્યો બેહો. કાલ ખાખીને વડલે સાવજ ભેગા થઈ ગ્યા કેમ ?’
‘હા’ મેં કહ્યું, ‘તને કેવી રીતે ખબર પડી ?’
‘સાંસાઈયે કીધું’ કહીને તે હસી પડ્યો.
‘કેમ હસે છે ?’ મને લાગ્યું સાંસાઈએ આ બાળક સામે મારી ઠેકડી ઉડાવી હશે. જોકે હું ખરેખર ડરી જ ગયો હતો અને તે સ્વીકારવામાં મને કોઈ વાંધો પણ નહોતો.
મેં કહ્યું : ‘મને કેવી બીક લાગી ગઈ હતી તેની વાત કરી હશે કેમ ખરુંને ?’
‘તે તમે બી ગ્યા’તા ?’ નાગલાને નવાઈ લાગી હોય તેમ તેણે પૂછ્યું અને ઉમેર્યું, ‘સાંસાઈ તો કે’તીતી કે તમીં મરદ થઈને ઊભા’ર્યા’તા. બીજો કોક હોત તો રામાણ્ય કરત. કમઠાણ થ્યા વગર નો રે’ત,’ નાગલાએ કહ્યું તેમાંથી અડધા શબ્દો હું તરત તો સમજી ન શક્યો.
‘મને થોડી બીક લાગી હતી. પણ બે સિંહણ સામે સાંસાઈને એકલી મૂકી ભાગું એવું તો ન કરાયને ?’ મેં વાત વાળીને મારા પક્ષે કરી પણ મને મારા પર જ હસવું આવી ગયું.
‘તે સાંસાઈને સું થાવાનું હતું ?’ નાગલાએ મારી આટલી બધી બહાદુરી તેને મંજૂર ન હોય તેમ કહ્યું, ‘રમજાના ઈને કાંય નો કરે.’
‘શું કાંઈ ન કરે ?’ મેં દલીલ કરી, ‘બેય સિંહણ પૂંછડાં ઊંચા કરીને ઊભી થઈ ગયેલી.’
‘ઈ તો તમીં હાર્યે હતાં ઈ કને બેય જણીયું ઝંડો કરી ગઈ. બાકી બીજી કોઈ એવું કરે તોય રમજાના કોય દી સાંસાઈને મોઢે ઝંડા કરતી હશે !’
‘તો એમ હશે. સાંસાઈ નહીં બીતી હોય. મને તો બીક લાગેલી,’ શરણાગતિ સ્વીકારી લેવા સિવાય મારાથી બીજું કંઈ થઈ શકે તેમ નહોતું. મારા મને બીજું એ નોંધ્યું કે ગઈ કાલે સાંસાઈએ સિંહણોને ‘બેય જણી’ કહીને સંબોધી હતી. આજે આ નાગલો પણ એ જ શબ્દોથી સિંહણોને ઓળખાવે છે. એટલું જ નહીં આ તો ‘બીજી કોઈ’ જેવો શબ્દ પણ બોલે છે. ખેર નાગલો અમારી નિશાળે ભણવા આવશે પછી તેને સમજાશે કે આવાં સર્વનામો મહદંશે માનવી માટે જ વપરાય.

નાગલાએ સાવ શરણાગતિ ગમી નહીં. તેણે કહ્યું : ‘તમીં કાંય બીતા નો’તા. બચોળિયાંવાળી સિંહણ પેલીવારે જોઈ. ને ઈવડી ઈ સામે ઝંડા કરી ગઈ, તોય તમીં નો ભાગ્યા ઈ વાત્ય કાંય ઓછી નો કેવાય. બાકી ભલભલાના ભુક્કા બોલાવી દેય. ટૂરિસ તો મંડે રોવા’ને ભાગવા. કો’ક એવો હોય તો ઈ તો પમ્મર થઈ જાય.’
‘પમ્મર ! એટલે શું ?’ સવારે મુસ્તુફાને પૂછેલો પ્રશ્ન મેં અત્યારે નાગલાને પૂછ્યો.
‘પમ્મર એટલે….’ આગળ કેવી રીતે સમજાવવું તે નાગલો નક્કી ન કરી શક્યો. થોડું અટકીને કહે, ‘ઊભા’ર્યો, બતાવું…’ કહીને તે દોડતો સામેની ઓરડીમાં ગયો. નાગલો શું બતાવવનો હશે તે વિચારતો હું બેઠો હતો ત્યાં અંદરથી માજી બહાર આવ્યાં. કાંસાની ચમકતી તાંસળી લઈને મારી સામે બેઠાં. તાંસળીમાં છાસ રેડતાં કહે, ‘સાંસાઈને બરકવા ગોવિન કાલ સાંજકનો આવ્યો’તો. આજ ભળકડે તો ઈ ગઈ. બધા વરસે ઈ કેપમાં જાય.’
‘ત્યાં જામવાળામાં શું છે ?’ માજી શાની વાત કરે છે તે હજી મને સમજાતું નહોતું. માજીએ મને આટલું કહેવા છતાં મને કંઈ સમજાયું કેમ નહીં તેની મૂંઝવણમાં હોય તેમ ઝૂંપડી તરફ ફરીને બોલ્યા : ‘કાના તું હવે પેંડા પડતા મૂક. આ આવ્યો છે ઈને જબાપ દે.’
પેલા ઢાળિયામાં કડાઈ સાચવતા યુવાને અમારા તરફ જોયું અને કહ્યું, ‘એ જામવાળામાં ગોવિંદભાયનો કેમ્પ છે. હવે મારું આ પૂરું થાવા જ આવ્યું છે. હમણેં ન્યાં જ આવું છું.’ કહેતાં કાનાએ ત્યાં બેઠાં બેઠાં જ કડાઈ નીચેથી લાકડાં બહાર કાઢીને તેના પર પાણી રેડ્યું. તેના મોઢા પર રાખ ઊડી છતાં તે ત્યાં જ બેસી રહ્યો તે મને ગમ્યું નહીં. તે દૂર ઊભો રહીને લાકડાં ઠારી શક્યો હોત. પણ મેં તેને કંઈ ન કહ્યું. એટલામાં નાગલો પાછો આવ્યો. તેના હાથમાં લાકડાનો ભમરડો અને દોરી હતાં. આવતાં વેંત તેણે ખાટલા સામેની જમીન થોડી સાફ કરી અને મને કહ્યું : ‘જોજો, આ ગરિયા સામે જોઈ રે’જો’ કહીને એણે ભમરડા પર દોરી વીંટીને તેને જોરથી ફેરવ્યો. થોડી વાર આમતેમ ભાગીને ભમરડો સ્થિર થઈને ડોલતો રહ્યો. ‘જોઈ લ્યો, સમાધિ લાગી ગઈને ? ઈને આવું થાય તંયે ઈ પમ્મર થઈ ગ્યો કે’વાય.’ નાગલાએ કહ્યું.

ગરિયો ફરતો અટક્યો ત્યાં સુધી તે અને હું બંને એકધારું તેને જોતા રહ્યા. પછી નાગલો ગરિયો લઈને બહાર તરફ ગયો. મારી નજર ઢાળિયા તરફ ગઈ. અહીં આવવા માટે કાનો બેઠો બેઠો જ, ઘસડાઈને અમારા તરફ ફરવાની કોશિશ કરતો હતો. તેના પગ પાતળા અને ઘૂંટણથી વળેલા હતા. નાનપણે થયેલા પોલિયોનું પરિણામ હોય.
‘અરે, તમે ત્યાં જ રહો. હું ત્યાં આવું છું’ મેં કહ્યું અને ઊભો થઈને કાના પાસે ગયો. ત્યાં એક ખાલી ડબો ઊંઘો કરીને તેના પર બેઠો. કાનાએ કડાઈમાં માવો તૈયાર કર્યો હતો. તે મને ચાખવા આપ્યો. કહે, ‘ઘરની ભેંસોના દૂધમાંથી પેંડા બને છે. ગર્યનાં દૂધ-ઘી મલકમાં વખણાય. એમ આ પેંડાય વખણાય.’
મેં માવો ચાખ્યો અને પૂછ્યું : ‘તમે વેચવા બનાવો કે કોઈ પ્રસંગે’
એટલામાં પેલાં માજી આવીને બેઠાં. કહે, ‘વેચીયે છ. આ કાનજી મારે મોટો. ઈને પગ નંઈ. એટલે ઈને બેઠે બેઠે પેંડાનું હાલે. ઈના હાથના પેંડા સંધાયને ભાવે એટલે આવે ઈ લઈ જાય.’ એક અપંગ માણસ આ પરિવેશની તકલીફો વચ્ચે પોતાનું અને કુટુંબીજનોનું ભરણ-પોષણ કરવા મથતો હોય તે મને સારું લાગ્યું. મનોમન મેં નક્કી કર્યું કે હું રામભાઈને નેસ પર શક્ય ધ્યાન આપવાનું કહીશ. આ વિચાર આવતાં જ મેં પૂછ્યું :
‘ભેંસો વધારો તો ?’
‘ખાડું ચારે કોણ ? હમણેં તારી હાર્યે રમતો’તો ઈ નાગાજણ ? આ બેયના બાપ હતા ત્યાં લગણ તો ભર્યું ખાડું હતું. વીહ વીહ ભેંસ્યું હારે વાળતા. હવે આ બે વરહથી કાઢી નાખી. બે-તૈણ રાખી છ તે હું કાંક ઓરા ઓરામાં ચારિયાવું. કાં’ક સાંસાઈ ચારિયાવે.’
‘પેંડા શા ભાવે આપો ?’ મેં પૂછ્યું.
‘પાંતરીના શેર.’
કડાઈમાં માવો જોઈને બે કે ત્રણ કિલોથી વધારે નહીં હોય તેવો અંદાજ બાંધ્યો. રોજ આટલા પેંડા બને અને સિત્તેર રૂપિયે કિલોના ભાવે જતા હોય તો રોજની આવક ખાસ કંઈ નહીં હોય. પણ આ લોકોને અત્યારે કંઈ કહેવાનું મને યોગ્ય ન લાગ્યું. મેં રજા માગી અને ચાલતો થયો. માજીએ મારાં દુ:ખણાં લીધાં અને ‘અહીં આવતો રહેજે’ તેમ કહ્યું. નાગાજણ બહાર જ રમતો હતો. તેણે પણ મને આવજો કહ્યું.

ગામમાં આવ્યો. જમીને જામવાળા જવાનું મન થયું. એક તો શિબિર જોવામાં મને રસ હતો. વળી રણજિતસિંહ અને ગોવિંદનો પરિચય થાય. જામવાળા કેવી રીતે પહોંચાય તે ખબર નહોતી. રામભાઈને પૂછ્યું તો ખબર પડી કે એમને ગીરગઢડા જવાનું છે અને જામવાળા રસ્તામાં પડે. વહેલા પહોંચાય એટલે રામભાઈનાં કામો સમજવાની ઉતાવળ રાખી અને બાકીની વાત તે મારી સાથે કારમાં આવે એટલે કરવી તેવું ગોઠવ્યું. જામવાળા ગયા તો ખબર પડી કે કેમ્પ સાઈટ તો બથેશ્વરમાં છે. રામભાઈએ મને બથેશ્વર પહોંચાડવાનો ખૂબ આગ્રહ રાખ્યો, પરંતુ હું મારી બધી જ ઓળખ લઈને કેમ્પ પર જવા માગતો નહોતો. ગામમાંથી કોઈ મારી સાથે આવે તેમ હોય તો એક-બે જગ્યાએ પૂછી જોયું. ફરસાણની દુકાનેથી ખબર મળ્યા કે બથેશ્વરથી બે-ત્રણ જણ કાંઈક ખરીદી માટે ગામમાં આવ્યા છે. એ લોકો પાછા જવાના હશે. મને ચાલતો જવા દેવા રામભાઈ રાજી નહોતા. મેં આગ્રહ કરીને તેમને મારી ગાડીમાં જ રવાના કર્યા અને ડ્રાઈવરને સૂચના આપી કે એમને ઉતારીને સીધો પાછો બથેશ્વર આવીને મને લઈ જાય. તે લોકો ગયા પછી હું ગામમાં ફર્યો, થોડી તપાસ કરી તો એક જગ્યાએ દસ-બાર વરસની બે છોકરીઓ અને તેના વડીલ જેવો માણસ ખરીદી કરતાં મળ્યાં.
‘તમે અત્યારે બથેશ્વર જવાનાં છો ?’ મેં પૂછ્યું.
‘હા.’
‘મારે પણ ત્યાં જવું છે. રવુભા અને ગોવિંદભાઈનો ત્યાં કેમ્પ છે તેમાં.’ મેં કહ્યું.
‘હાલો અમારી હારે,’ જવાબ મળ્યો, ‘બસ, આ થોડું પેક કરી લઈએ એટલે પછી ચાલીએ. પણ કોઈ વાહન નથી હોં.’
‘ભલે. ચાલીશું.’ કહીને હું એક તરફ ઊભો રહ્યો. એ ત્રણે થેલીઓ ભરતા હતા. થોડી વારે એક છોકરી બોલી, ‘ગોવિનભાય, થઈ ગ્યું.’
‘ઓહ, તમે જ ગોવિંદભાઈ ?’ મેં પૂછ્યું.
‘હા’ તેણે કહ્યું અને છોકરીઓ તરફ જોઈને કહ્યું, ‘રાજી-મુક્તિ ચાલો, તૈયારને ?’
‘અમીં તો ત્યાર જ સીવી. તમીં હાલવા મડો એટલે હાલીયેં.’

રસ્તામાં ગોવિંદ છોકરીઓ સાથે વાતો કરતો, તેમને ઝાડ-પાન ઓળખાવતો જરા આગળ હતો. હું અત્યાર સુધી સાંભળેલી ભાષા કરતાં સાવ જુદી, નિરાળી ભાષા સાંભળવામાં ધ્યાન આપતો તે બધાથી થોડો પાછળ હતો. બેઉ છોકરીઓ શબ્દને નિરાંતે બોલતી હોય તેમ થોડા લાંબા લહેકાથી બોલતી હતી. છોકરીઓને વૃક્ષોનાં નામ જાણવાની મજા પડતી હતી. ગોવિંદને ઉતાવળ હતી છતાં નવું વૃક્ષ આવે ત્યાં ઊભો રહીને તે છોકરીઓને કહેતો : ‘આ જોયું ?’
‘અમીં ક્યાંથી ભાળ્યું હોય ?’ બેઉ બાળા આંખો વિસ્તારીને પૂછી બેસતી. ‘અમીં રેવી સીવી ન્યાં કણે આવાં ઝાડવાં નો હોય. વડલા, પીપર હોય.’ ત્યાં વળી એકાદને યાદ આવી જતું, ‘બીજાંય થોડાંક હોય…’ કહીને તે એકાદ-બે નામ વધારે ગણાવતી. ઉનાળાની અસર અહીં પણ વર્તાતી હતી. સાંજ પડી એટલે હવા ઠંડી હતી. જળહીન ભૂમિ પર રસ્તાની બેઉ બાજુ છવાયેલાં જંગલમાં સૂકાં વૃક્ષોને કારણે ઊંડે સુધી જોઈ શકાતું હતું. આ વૃક્ષ તળે અચાનક સિંહ નહીં તો દીપડો પણ જોવા મળે તેવી ઝંખના રહેતી હતી.
‘તમને કંટાળો નથી આવતોને ? આ છોકરીઓ છેક ડોળિયા અને સુદમડા બાજુથી અહીં આવી છે. એને જોવા જેટલું બતાવી દઉં. આપણે પછી નિરાંતે વાત કરીએ.’ ગોવિંદને ખ્યાલ આવ્યો કે હું પાછળ મૂગો મૂગો ચાલ્યો આવું છું.
‘ના, તમે સમજાવો છો એમાં મને તો મજા પડે છે.’ મેં કહ્યું.
‘અમારો કેમ્પ મોટે ભાગે શિયાળામાં કરીએ. ઉનાળામાં ગીરમાં કેમ્પ હોય એવું આ પહેલી વખત બન્યું.’ ગોવિંદે કહ્યું.
‘હા. ઉનાળામાં તકલીફ પડે. પાણીથી માંડીને બહાર નીકળવા સુધીની મુશ્કેલી. મને અત્યારે તો આ જંગલ જ નથી લાગતું.’ મેં કહ્યું. ગોવિંદ ઊભો રહ્યો. હું તેની નજીક પહોંચ્યો એટલે કહે, ‘અહીં રહો તો સમજાય. ગીરનો મિજાજ દર બબ્બે મહિને નવો. ચાન્સ મળે તો હવે ચોમાસાની ગીર જોજો. પછી શરદની ગીર. ઋતઋતુની ગીર જેને જોવા મળે એને તો બખિયા થઈ જાય.’
‘તો પણ સપ્ટેમબરથી માર્ચ વચ્ચે કેમ્પ વધુ ફાવે.’ મેં કહ્યું.
‘બરાબર,’ ગોવિંદે જવાબ આપ્યો, ‘આ છોકરીઓને ગીર અને દરિયો બેય દેખાડવા’તા એટલે લાંબો સમય જોઈએ. વેકેશન જોઈને આ બહેનોનો કેમ્પ ખાસ ગોઠવ્યો.’
‘આ છોકરીઓ કઈ શાળાની છે ?’ મેં પૂછ્યું.
‘અમીં ક્યાં નિસાળે જાવી સીવી. નંઈ રાજી ?’ એક છોકરીએ કહ્યું.
‘હંક. હુંય નથ જાતી, મુક્તિય નથ્ય જાતી, આયાં આવી ઈમાંથી કોય કે’તા કોય સોકરિયું ભણવા નથ જાતી.’ રાજીએ કહ્યું, ‘અમીં ડોળિયે સન્સ્થા સે ન્યાં જાવીં. એક વરહ ન્યાં રંઈ એટલે સનસ્થાવાળા અમારા નામ નિસાળે દાખલ કરાવી દેસે. પસી જાસું.’ એટલે જ એમની ભાષા આટલી અધૂરી છે. કોઈ માંડ સમજે તેવી. મેં વિચાર્યું. ચાલતાં ચાલતાં વાતો થતી રહી. રસ્તાની એક તરફથી હરણાંનું ટોળું દોડી ગયું. અમે બધા ઊભા રહી ગયા.
‘જોયાં ?’ મેં છોકરીઓને પૂછ્યું.
‘આવ્યાં તે દીનાં રોજ જોવી સીવી. આંય આવતાં’તાં તયેં બસમાંથીય નકરાં જોયાં’તાં.’ રાજી બોલી અને અમે ચાલતાં થયાં.

વાતો ચાલતી રહી. સંધ્યા થવાને થોડી વાર હતી અને અમે કેમ્પ સાઈટ પર પહોંચ્યા. સામે લાંબો ચણેલો ઓટલો અને તેના પર હારબંધ છએક તંબુ. મંદિરવાળા જે ભૂ-ભાગ પર અમે હતાં તેને બે બાજુએથી ઘેરીને વહેતી નદીઓ. હું સ્થળની મોહિનીમાં પડી જઉં તે પહેલાં એક ચાલીસ-પિસ્તાલીસ વરસના સાદા દેખાવના ભૂરું પેન્ટ અને ખાખી જેવું શર્ટ પહેરેલા માણસે મારા તરફ આવીને હાથ લંબાવતાં મને લાગલું જ પૂછ્યું : ‘ઝાંઝરિયું પહોંચાડવા ઠેઠ અહીં સુધીનો ધકો કર્યો ?’ પછી હાથ મેળવતાં કહે, ‘રવુભા.’
‘તો મારી વાતો અહીં સુધી પહોંચી ગઈ છે ?’ મેં પૂછ્યું, ‘સાંસાઈએ બધું બકી માર્યું હશે. એ ક્યાં છે ?’
‘છોકરિયુંને શિંગોડામાં ના’વા લઈ ગઈ છે.’ રવુભાએ કહ્યું, ‘પણ સાંસાઈ તો રમજાનાની વાત કરતી હતી એમાં તમારો થોડો રેફરન્સ આવ્યો. બીજું તો કાંઈ બોલી નહોતી. કેમ ગોવિંદભાઈ ! આપણે સાંભળ્યું કંઈ ?’
‘ના’ કહીને ગોવિંદભાઈ હસ્યા. હું સમજી ગયો કે રવુભા બધું જાણે તો છે જ ઉપરાંત તે સમયે મારી દશા કેવી થઈ હશે તે કલ્પી પણ શકે છે. મારી મજાક કરવામાં ગોવિંદ તેને સાથ આપે છે. પહેલી જ મુલાકાતમાં મારી મજાક થાય એનું મને ખરાબ લાગવું જોઈતું હતું. કોણ જાણે મને તેવું લાગ્યું નહીં. ગોવિંદનો અને રવુભાનો સ્વર મને મિત્રો વચ્ચેની વાતચીત જેવો જ લાગ્યો. મેં કંઈ કહ્યું નહીં.
‘ચા પીશું ?’ ગોવિંદે પૂછ્યું. મને લાગ્યું કે ગોવિંદ માટે બીજાની ચિંતા કરવાનું અને બનતી મદદ કરવાનું બહુ જ સહજ છે. મેં કહ્યું, ‘છોડો. અત્યારે કોણ બનાવશે ?’
‘બનાવવાની નથી. તૈયાર રાખી છે.’ રવુભાએ કહ્યું, ‘અહીં અમે મહેમાનોને પહેલો અડધો કલાક તો સાચવી લઈએ પછી જાતે બનાવવી પડે.’ મને લાગ્યું કે રવુભાની બોલવાની ખાસિયત જ આવી છે.

ચી પીતાં મેં પૂછ્યું : ‘તમે બંને શો વ્યવસાય કરો છો ?’
‘માસ્તર. હાઈસ્કૂલમાં ભણાવું છું.’ રવુભાએ કહ્યું. ‘ને આ ગોવિંદભાઈ એલ.આઈ.સી.ની નોકરીમાં છે.’
વધુ થોડી વાતો થઈ પછી મેં પૂછ્યું : ‘આ સાંસાઈ તમારા કેમ્પમાં દર વરસે આવે છે ?’
‘આવતી નથી. અમે બોલાવીએ છીએ.’ રવુભાએ કહ્યું.
‘સાંસાઈને તો બોલાવવી જ પડે.’ ગોવિંદે કહ્યું. હું હજી કારણ પૂછું ત્યાં છોકરીઓ નાહીને આવી. ત્રીસ-પાંત્રીસ બાળકીઓ સાથે સાંસાઈ પણ ચાલી આવતી દેખાઈ. છોકરીઓ દોરી બાંધીને ભીનાં કપડાં સૂકવવામાં પડી. અચાનક એક બાળા અમે બેઠા હતા ત્યાં આવી અને પૂછ્યું : ‘રવુભા, કાલે આપડે નાતા’તા ન્યાં ઓલો મોટો કાળો પાણો હતો ને ?’
‘હા હતો. તમે એની ઉપર ચડીને તો ધુબાકા મારતા હતા.’
‘આજ ઈ પાણો નથ્ય.’ પેલી બાળાએ કહ્યું.
બીજી એક બાળા દોડી આવી અને રેખાનો હાથ ખેંચતા બોલી : ‘રેખલી, તને કીધું તો ખરું કે આજ બીજે ના’વા લૈ ગ્યા’તા. તોય ગાંડા સું લેવા કાઢી સી ?’
‘જાને હંસાડી, કઉં છું બીજે નો’તા લૈ ગ્યા. તું તારું કામ કર્ય,’ રેખા પોતાની લીધી વાત મૂકતી નહોતી.
રવુભાએ જરા હસીને કહ્યું : ‘જો રેખા સાંભળ, હવે કાલે તમે જતાં રહેવાનાં ને એટલે હવે પાણો એકલો રહીને શું કરે ? એય જતો રહ્યો.’ એ વખતે સાંસાઈએ ભીના વાળ ઝટકોરતાં અટકીને રેખાને કહ્યું : ‘રેખાબેની, એનું કંઈ માનતી નૈં હોં, ઈ તને બનાવે છે.’
એ વખતે પેલી હંસાએ પણ સૂચન કર્યું : ‘રેખલી, અલી તું ઈને સામું પૂછ પારેવાં ઊડી જાય. કોઈ દી કૂવો ઊડી ગ્યો ભાળ્યો છે ?’ રેખા જરા છોભીલી પડી ગઈ. ગોવિંદે તેને કહ્યું : ‘કાલ તમે ધાતરવાડીમાં નહાયાં હતાં. આજે શિંગોડામાં નહાયાં.’

મેં આ સાંભળ્યું. જાણે મૂઢ હોઉં તેમ મેં દૂર કપડાં સૂકવતી હંસાને જોયા કરી. ઘેરાતી જતી સંધ્યાએ આ અરણ્યવાસી મહાદેવના મંદિરને ઓટલે બેસીને મને લાગ્યું કે રેખાએ મને દિશાસૂચન કર્યું છે. તે સાથે જ અચાનક મને નાગલાનો ભમરડો યાદ આવ્યો. નાનપણે અમે ભમરડા ફેરવ્યા છે. આજે પણ ભમરડો મળે તો ફેરવવાનું મન તો થાય જ, છતાં તે સાત-આઠ વરસના ગીરનિવાસી બાળકને લાકડાના ભમરડા સાથે રમતાં રમતાં જે સીધીસાદી સમજ મળી છે તેવી સમજની તો હું આજ સુધી ક્યારેય કલ્પના પણ કરી શક્યો નથી. એક ગામઠી શબ્દ સમજાવવા નાગલાએ ગરિયો ફેરવીને બતાવ્યો. સાવ સહજ રીતે આ સતત ગતિશીલ, સ્થિર છતાં સભાન મસ્તીમાં હોય તેમ ડોલતા ગરિયાની, નિર્જીવ લાકડાના રમકડામાં તે એક અવસ્થાને જોઈ શક્યો, દર્શાવી શક્યો અને તેને ‘સમાધિ’ તરીકે ઓળખાવી શક્યો.

આ અજાણી બાળા હંસા. પોતે રોજ જોતી હશે તે હકીકતને પોતાની અભિવ્યક્તિમાં કેટલી સરળ રીતે ઢાળી ગઈ ! પાંચાલના કાળમીંઢ પથ્થરો વચ્ચે ઊછરતી મસ્તીખોર અને અલ્લડ દેખાતી, કદી શાળાએ ન ગયેલી એક નાની બાળકી આવડી મોટી વાત સાવ સરળતાથી કરી ગઈ તે મારા કાને સાંભળ્યા અને આંખે જોયા છતાં હું માની ન શક્યો. આ અસીમ બ્રહ્માંડમાં કોને, ક્યાં, ક્યારે અને કેવું દર્શન થશે તે કહી શકવું અઘરું છે. જડ પદાર્થોમાં પણ અવસ્થાઓ જોઈ શકનારી આ પ્રજા જો સિંહણને ‘જણીઓ’ કે ‘બીજી કોઈ’ કહે તો મારે એ સમજવું જોઈએ કે તે માત્ર ભાષાનો પ્રશ્ન નથી. તેમની માન્યતાઓ પણ છે. હા, તે આમ માને છે. પૂરી સભાનતાથી. સાદા, પોતીકા સત્ય રીતે. એ સાથે જ મને બીજું એ સમજાય છે કે ‘વાઈડીનાવ, ઈ જંગલ નથી, ગાંડી ગર્ય છે.’ એવું મામાનું, ‘આ બધી ગર્ય છે.’ એવું સાંસાઈનું કે ‘આ તો ગર્યનો મામલો’ એ મુસ્તુફાનું. આ બધાં માત્ર વાક્યો નથી. એ કથન છે. હોશો-હવાસમાં કરેલું સ્ટેટમેન્ટ.

હા, આ જંગલ નથી. આને અરણ્ય પણ ન માનું. ન તો આ અટવી છે ન તો વન. અરે વિપીન, ગહન, ગુહિન, કાનન, ભિરુક, વિક્ત, પ્રાન્તર… ભાષા પાસે વન શબ્દના જેટલા પણ પર્યાય હશે તેમાંના એક પાસે પણ આ પ્રદેશના પૂર્ણ સ્વરૂપને વર્ણવવાનું સામર્થ્ય નથી. હા, આ ગીર છે. માત્ર ગીર. રૈવતાચલની પરમ મનોહર પુત્રી, જગતના તમામ ભૂ-ભાગોથી અલગ, આગવું અને પોતીકું વાતાવરણ ધરાવતી, હંમેશાં જીવતી, સદામોહક ગીર. સાંસાઈની ગર્ય, મામાની ગાંડી ગર્ય. જગસમસ્તમાં નારીવાચક નામે ઓળખાતી આ એકમાત્ર વિકટ-ભૂને ગીર સિવાયનાં બધાં જ વર્ણનો, બધાં જ સંબોધનો ટૂંકા પડે.

સાંજની રસોઈ તૈયાર થવામાં હતી. એટલામાં ડ્રાઈવર મને લેવા આવી ગયો. મેં બધાને આવજો કહ્યું. ગોવિંદ અને રવુભા સાથે હાથ મેળવ્યા અને નીકળ્યો. ઉતારે પહોંચીને રાત છતાં મેં મંદારનો મોબાઈલ જોડ્યો અને કહ્યું, ‘મંદાર, અહીં મારે લોકલ શિક્ષકો જ જોઈશે. ભલે સાત કે દસ ચોપડી ભણેલા. પણ અહીંના.’
‘ઓકે સર… પણ…..’ કહીને મંદાર અટકી ગયો.
‘ઓકે.’ કહીને મેં ફોન મૂક્યો. મંદારના મનમાં જાગેલી દલીલ વિષે મારે તેને જવાબ આપવો નહોતો તેવું નહોતું, પણ મને લાગ્યું કે એ કામ માટે તો આખી ગીર પડી છે.

[સમાપ્ત]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રવિવારની રજા – ધનસુખલાલ મહેતા
સંવાદના સરોવર – સંકલિત Next »   

35 પ્રતિભાવો : ન મે શિક્ષા ન મે જ્ઞાનમ (ભાગ-2) – ધ્રુવ ભટ્ટ

 1. Trupti Trivedi says:

  Khub j SaRas.

 2. Arpita says:

  Amazing story. It has been really long time to hear such a great story regarding GIR and local people. I visited it twice and I truly enjoyed the nature and BHATIGAD language.. Thank you so much Mrugeshbhai for posting it and Dhruvji, you did really nice work and well organized.

 3. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ.

  “આ અસીમ બ્રહ્માંડમાં કોને, ક્યાં, ક્યારે અને કેવું દર્શન થશે તે કહી શકવું અઘરું છે. જડ પદાર્થોમાં પણ અવસ્થાઓ”

  દ્રષ્ટિ તેવી શ્રુષ્ટિ. જડ વસ્તુમાં પણ ક્યારેક કોઇ ગતી ભાળી શકાય છે જો દ્રષ્ટિ હોય તો.

 4. Margesh Raval says:

  Really nice story….i was amazed reading about the beuty of GIR in different times of the year….really nice story…and really its fun reading and understanding the typical local language of the area….Pls give more n more stories from ‘Dhruv Bhatt’.

 5. darshana says:

  amazing ..really..hu to story vanchta pammar thai gai…
  regards..

 6. “… જડ પદાર્થોમાં પણ અવસ્થાઓ જોઈ શકનારી આ પ્રજા જો સિંહણને ‘જણીઓ’ કે ‘બીજી કોઈ’ કહે તો મારે એ સમજવું જોઈએ કે તે માત્ર ભાષાનો પ્રશ્ન નથી. તેમની માન્યતાઓ પણ છે. હા, તે આમ માને છે. પૂરી સભાનતાથી. સાદા, પોતીકા સત્ય રીતે. એ સાથે જ મને બીજું એ સમજાય છે કે ‘વાઈડીનાવ, ઈ જંગલ નથી, ગાંડી ગર્ય છે.’ એવું મામાનું, ‘આ બધી ગર્ય છે.’ એવું સાંસાઈનું કે ‘આ તો ગર્યનો મામલો’ એ મુસ્તુફાનું. આ બધાં માત્ર વાક્યો નથી. એ કથન છે. હોશો-હવાસમાં કરેલું સ્ટેટમેન્ટ.”

  આપણે શહેરોમાં ઉછરેલા, ભણેલા(??!!!), વસેલા(કે વસવાની મથામણમાં પડેલાં !!), સુધરેલી પ્રજામાં પોતાને ખપાવતાં “જણ”, વિના કોઇ જાતઅનુભવે વિના કારણે એવું માની લઈએ છીએ કે ગામડાના લોકો કે જેમણે અક્ષરજ્ઞાન નથી લીધું, એઓ તદ્દન ગમાર અને જીવનની ફિલસુફીથી અજાણ હશે … પણ હકીકત તો આ રીતે લેખકની જેમ જ્યારે એમની વચ્ચે રહીએ, એમની જીવન અંગેની આગવી સમજ અને પોતીકી ફિલસુફી જાણીએ ત્યારે જ સમજાય કે આપણે ક્યાંય કેટલાંય વર્ષોના ભણતર પછીયે અમુક ચીજોની સાચી સમજ નથી મેળવી શકતાં તે ત્યાંના બાળકોય સમજી જાણે છે…

  ધન એકઠું કરવાની લ્હાયમાં ને લ્હાયમાં જીવનપર્યંત માથાકુટ કરે રાખવા સિવાય રૂટીન બાહારનું બીજું કાંઈ જો અનાયસે કરી શકીએ તો ધન્ય માનનારા આપણે ક્યારેય રોજનાં ૭૦ રૂપિયાના પેંડા વેચીને વગર ચિંતાએ (ખાસતો અમેરિકાની વિદેશનીતિ, રીસેશન, અજમલ કસબ, સોનિયા કે આડવાણીની કુટનીતિઓ વગેરેની !!) આવનારા મે’માન ને ઢાળીયો ઢાળીને, છાશ્યું પાઈને, ગરિયો ફેરવીને એને “પમ્મર” ખવડાવીને બતાવી શકીએ છીએ !!!??

  આ અને આવી અન્ય વાર્તાઓએ સાચે જ જીવનમાં સંતુલન કેળવવાની જરૂરિયાતને જેટલી હદે પુનઃજીવિત કરી છે, (ઍટલિસ્ટ, મારી અંદર) એટલું કદાચ જ કોઈએ કરી હશે … !!

  અદભૂત વાર્તા, અદભૂત વર્ણન, અને “ગર્ય”ની અદભૂત કથની… !!

 7. ખુબ સરસ વાર્તા. હાર્દીક અભીનંદન ધ્રુવભાઈ અને મૃગેશભાઈ.

 8. Nishant says:

  A heart touching storry… really i read such story after a long time which makes an impact on the life… very well presented yaar!!
  To Read Gujarati: Please keep posting much more stories like this!!

 9. Maharshi says:

  વાહ વાહ…. મજા આવી ગઇ… સીતારામ

 10. Rajni Gohil says:

  ભાષા કરતાં હૃદયના ભાવોનું મહત્વ છે તે દર્શાવતી ધ્રુવભઇની વાર્તા છેવટ સુધી વાચકને જકડી રાખવામાં સફળ થઇ છે. લેખકને પણ જાત અનુભવથી સાચી પરિસ્થિતિનું ભાન થતાં “લોકલ શિક્ષકો જ જોઈશે. ભલે સાત કે દસ ચોપડી ભણેલા. પણ અહીંના.” ફેરવિચારણા કરી કહેવા પ્રેરે છે.

  આપણે પણ ભાષાના મોહમાંથી બહાર નીકળી હૃદયથી સમજવાનું આ વાર્તા પરથી શીખીશું અને ધ્રુવભઇને ફક્ત અભિનંદન આપીને બેસી નહીં રહીએ એ જ વધુ યોગ્ય ગણાશે.

 11. DHRUV BHATT says:

  અભિવનન્દન ના અધિકારી તો ગર્ય્ ના લોક કે જેણે અમને આ સમજાવ્યુ. અને બીજા તમે બધા કે અમે ત્યા રહીને જે અનુભવ્યા તે જ સમ્વેદનો તમે માત્ર વાચીને અનુભવી ગયા. તમારા બધાની આવી જીવન્ત સમ્વેદના જ મને લખતા રહેવા બળ આપ્ય કરે બાકી ધ્રુવ ભટ્ટ્નુ આમા કાય નો મળે.

 12. Kumi Pandya says:

  ઘણી સરસ વાર્તા – બે ભાગમા વાંચી એટલે બીજો ભાગ વાંચવાની ખૂબ ઉત્કંઠા જાગેલી

 13. yogesh says:

  Superb story. The amazing thing about this story is, it literally visualized all characters from this story in front of my eyes. I felt that i was right there in gir while each and every event was happening, especially sansai’s encounter with the lioness. Great way of storytelling.
  Thanks

 14. Veena Dave,USA. says:

  વાહ્, ખુબ સરસ. I like the title of the story and story.

 15. ઈન્દ્રેશ વદન says:

  સરસ વાર્તા, સુંદર ભાવવાહી વર્ણન સાથે.

  પરંતુ, લેખકનો શિક્ષકો વિષેનો વિચાર બદલાવા પાછળનું કોઈ મજબૂત કારણ રજૂ નથી કરાયું. સાત-દસ ચોપડી ભણેલા શિક્ષકોના વિદ્યાર્થીઓ કેટલું ને કેવુંક ભણશે એ વિચારવાની વાત.

  સાંસાઈ ને આટલે દૂર મળવા આવ્યા પછી પણ તેની જોડે કોઈ વાર્તાલાપ નથી.

 16. shivani says:

  ‘પારેવાં ઊડી જાય. કોઈ દી કૂવો ઊડી ગ્યો ભાળ્યો છે ?’વાહ ખુબ સહજ ને અદભુત વાત.

 17. Ashish Dave says:

  Simply a superb way of telling the story. Reminded my WWF camp in Gir about 25 years back…

  Ashish Dave
  Sunnyvale, California

 18. મૃગેશભાઈ,

  આ ગીરની વાત એટલે મારા વતનની વાત ! એટલો આનંદ થયો કે વાત ન પૂછો. મારા પિતાએ આ પ્રદેશ(તાલાલા -ગીર)માં સૌ પ્રથમ આંબાનો બગીચો કરેલ જે આજે પણ છે પણ હવે ગામની વચ્ચે છે. વર્ષો પહેલાં વાવ્યા ત્યારે વગડો હતો.1964 (કદાચ સાલમાં ભૂલ હોય)માં લેખક હરીન શાહે ‘ગુજરાત'(મારા ખ્યાલથી દિલ્હીથી પ્રગટ થતાં) નામના મેગેઝીનમાં “સાવજનું પગેરૂ” નામનો લેખ લખેલ જે સાવજ અમારી આંબાવાડીમાં આવેલ ત્યારે તેઓ હાજર હતા તેનું વર્ણન છે. આ લેખ ક્યાંયથી મળે તેમ હોય તો મને જોઈએ છે. અમારા ન્હાવાના કુંડમાં રાતે પાણી પીવા સિંહ અને દીપડા લગભગ રોજ આવતા એ જ ફળીમાં મારા પિતા અને ભાઈઓ સૂતા હોય. એની અમને ત્યારે નવાઈ નહોતી. હજુ ગયા વર્ષે પણ સિંહ અમારી આ આંબાવાડીમાં આવેલ અને એક આંબા નીચે સૂતો હોવાથી કોઈને એ તરફ જવાની મનાઈ ફરમાવેલી. મારા ભાઈ સાથે અમે અવારઅવાર મહેમાનોને સિંહ જોવા લઈ જઈએ સિંહરાજાની ખાસિયતોથી વાકેફ અમને એનો જરાય ડર ન લાગે એમાં 1982માં અમારી જ્ઞાતીની એક મારા જેવી એક સ્ત્રીએ પોતાના બાળકને સિંહના મોંમા ભાળતા એવી દોટ મૂકી કે ઓચિંતા આક્રમણથી ડરીને સિંહ તે બાળકને મૂકી જતો રહ્યો. આ ગીરની બાળાઓને મારી જેમ શિક્ષણનો લાભ મળે તે માટે કંઈક કરવાની મારી ભાવના ઘણા વર્ષોથી છે. મેં ત્યાં ગીરમાં શિક્ષિકા તરીકે છ વર્ષ કામ કરેલ છે. એક તોફાની છોકરો એના માબાપનું કે કોઈનું નહોતો માનતો તેને એકવાર મેં લાગણીવશ થઈને લાફો મારેલ તેણે છેલ્લે હું વતનમાં ગઈ ત્યારે પગે લાગીને મારો આભાર માન્યો ત્યારે હું એને ઓળખી શકી નહોતી એવો સારો નાગરીક થઈ સરકારી સેવામાં જોડાયેલ હતો.
  મને યાદ છે ત્યાં સુધી એકવાર UNO નેી બેઁકમાઁથેી લોનનેી મઁજૂરી અંગે પાણીના તળ તપાસવા મોટી મશીનરી અમારી વાડીમાં ઉતરી ત્યારે મારા પિતાએ હસીને એમની સાથે વાડીમાં આંટો મારીની ફક્ત લાકડી ઠપકારીને તે પરથી ક્યાં ક્યાં પાણી છે તે કહી બતાવ્યુ અને એમના મશીનોથી ખાતરી કરી લેવા પડકાર કર્યો હતો. એમની આ સૂઝથી દુષ્કાળમાં આજુબાજુ બધે ગામમાં અને નદીમાં પાણી ખૂટ્યા ત્યારે અમારી વાડીમાં પાણી ખૂટ્યુ નહોતુ અને અનેકની તરસ છીપાવી હતી. પૂજ્ય મોરારીબાપુ એમને સારી રીતે પિછાણતા અને ગીરનો સાવજ કહી નવાજતા. ઘણી કથાઓ આસપાસ વણાયેલી છે. ભારતમાં બીજા નંબરનું અને ગુજરાતમાં પહેલાં નંબરનું ઈનામ એમના આંબાની કેસર કેરીને મળેલ. તેઓ તો હવે હયાત નથી પણ તમે મુલાકાત લો તો મારા ભાઈના મહેમાન થવા મને જાણ કરશો તો મને આનંદ થશે. ધૃવભાઈ ભટ્ટનો ખુબખુબ આભાર ! સ્વાર્થ વગર સ્મિત પણ ન આપી શક્તા કેટલાક શહેરી શિક્ષિત લોકોની સરખામણીમાં આ મુક્ત હાસ્ય ધરાવતા લોકો વધુ માનવીય અને કેળવાયેલ જોવા મળે તો નવાઈની વાત નથી.

 19. ભાવના શુક્લ says:

  ગરવી ગુજરાતી ભાષાના બચાવમા અનેક ચર્ચાઓ-વિચારણાઓ સભાઓ ભરાતી હશે… ગરવી તળપદી ગુજરાતીને “ભાષા સુધારણા” નો ભુજંગ ભરખી ના લે તો સારુ..
  ધરતી સોરઠ જગ જુની ને મારો ગઢ જુનોય ગરનાર…
  સાવજડાને સેંજળ પીએ, એના નમણય નર ને નાર..

 20. Nikita says:

  સમાધિ લાગી ગઈ.

 21. Navneet says:

  વધારે નથી લખતો, પણ રીડ ગુજરાતી પર વાંચેલા ખુબ સરસ લેખોમાંથી એક !

 22. DHRUV BHATT says:

  Rekhbe sugested to meet his brother at TALALa, When we go to Gir, we stay at Bhalchhel village about 28 km from Talala. If we get name and phone number of brother, we definetly will see them.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.