ફૂલપંખ – સંકલિત

[1] એકલા હોય છે ! – સુધીર પટેલ

[રીડગુજરાતીને આ સુંદર ગઝલ મોકલવા માટે સુધીરભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : Sudhir.Patel@flextronics.com ]

સમય નામની એ બલા હોય છે,
નકર માનવી સૌ ભલા હોય છે !

ભલે હોય કપડાં ફકીરોના જીર્ણ,
કરમ ક્યાં કદી ફાટલા હોય છે ?

પીનારા ભરે છે સદા મહેફિલો,
તૃષાતુર બધે એકલા હોય છે !

બધાની તરક્કીના પાયા મહીં,
અનુભવ અહીં પાછલા હોય છે !

ભલે રાત હો કાળી ડિબાંગ પણ,
દિશા ચીંધવા તારલા હોય છે !

જવાબો મળે છે, પરંતુ ‘સુધીર’,
અહીં પ્રશ્નો પણ કેટલાં હોય છે !
.

[2] સફર – પ્રિયાંક વોરા ‘પ્રેમ’

[વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ એવા શ્રી પ્રિયાંકભાઈ થોડાક મહિનાઓથી મિશિગન, અમેરિકા ખાતે સ્થાયી થયા છે. છંદવિધાન તેમજ કાવ્ય બંધારણની પર્યાપ્ત માહિતી તેમની પાસે ઉપલબ્ધ ન હોવા છતાં સતત કંઈક નવસર્જન કરતા રહેવાનો ઉમંગ તેઓ ધરાવે છે. પ્રસ્તુત રચના તેમની પ્રથમ કૃતિ છે. રીડગુજરાતીને આ રચના મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hands2care@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

રાહ બની થોભ્યો,તો કોઇની સફર બની ગયો,
સહુને યોગ્ય થતાં હું ‘બધું’ બની ગયો.

કર્યા હતા સજદા દિવસ રાત જેને કાજ,
એને જ મન હું એક બુરી દુઆ બની ગયો.

ગંભીરતાથી લીધા તારા સહજ વાયદા,
ને ઇંતેજાર એવો કર્યો કે હું ઉંમર બની ગયો.

તારા ઇશારા સામે ઉભી રહી મારી સમજ,
વણઉકેલાયેલો હું તો ગુંચવાડો બની ગયો.

જોઇ નહોતી કદી એ નશીલી ગલીઓ,
બેબસ થયો એવો કે મયખાનો બની ગયો.

કહ્યું ખુદાને કે એની હો મરજી બધી કબુલ,
ને ખુલી આંખ ત્યાં તો હું ગૈર બની ગયો.

અદા કરી છે કિંમત કૈં એવી દિલ દીધાની,
કે એ દિવસથી ‘પ્રેમ’ પત્થર બની ગયો.
.

[3] કીડી જગતમાં દેતી બોધ – ચિરંતન પટ્ટણી ‘પ્રાર્થક’

[ શ્રી ચિરંતન ભાઈ વ્યવસાયે કંપની સેક્રેટરી (C.S.) ની ફરજ બજાવી રહ્યા છે પરંતુ તે સાથે અનોખી વાત એ છે કે તેમણે ગુજરાતી સાહિત્યને ત્રણ ઉત્તમ પુસ્તકો આપ્યાં છે જેમાં ‘રતન જતન’ બાળવાર્તા સંગ્રહ, ‘ૐ પથિકાય નમ:’ નામની નવલકથા અને જેમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે તે અબાલ વૃદ્ધ માટેના કાવ્યસંગ્રહ ‘સમીપતા’ નો સમાવેશ થાય છે. રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા માટે ચિરંતનભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : chirantanpatni@rediffmail.com ]

રોજ રોજ કીડી હેતથી કહેતી,
વરસોથી હું આરોગું તમ ધાન
કદી કરો મુજ આંગણું પાવન,
એકદા બનો તમો મારા મહેમાન

હોંશે પહોંચતાં કીડીના દરે,
‘પ્રવેશવું કેમ ?’ તે મન વિચારે.
હૃદયથી તેણે તેડી લીધો જ્યારે,
ખબર નથી હું પ્રવેશ્યો ક્યારે ?

વિચારતો કીડીને હું કાઢતો બહાર,
શું મુજ હૃદયના બંધ હતાં દ્વાર ?
વિશાળ મારું કહેતો હું ઘર,
છતાં દર આગળ નાનું મુજ ઘર.

ફરી કીડીઓ થઈ કાર્યમાં વ્યસ્ત,
કામથી થાકું હું આળસમાં મસ્ત.
કીડીની રહેણી ને હૃદયમાં કંઈ શોધ,
‘પ્રાર્થક’ કીડી જગતમાં દેતી બોધ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બાળકને મારશો નહીં – કિરણ ન. શીંગ્લોત
ઈશારે એ નચાવે છે… – એન. જે. ગોલીબાર Next »   

14 પ્રતિભાવો : ફૂલપંખ – સંકલિત

 1. BOTH PEOM ARE VERI NICE

 2. Abhijeet Pandya says:

  પીનારા ભરે છે સદા મહેફિલો,
  તરસ્યા બધે એકલા હોય છે !

 3. Abhijeet Pandya says:

  પીનારા ભરે છે સદા મહેફિલો,
  તરસ્યા બધે એકલા હોય છે !

  શેરમાં સાની મિસરામાં એટલે કે બીજી પંક્તિમાં શરુઆતનો લ ગા ગા નો લ ખુટે છે જે
  ‘ને તરસ્યા બધે એકલા હોય છે ! કરવાથી શેર છંદોબધ્ધ બને છે.

  અભીજીત પંડ્યા – ભાવનગર.

 4. parthrawal says:

  આવા સુન્દર કવિતા કોપિ કરિ રાખવા શુ કરવુ ?

 5. sujata says:

  ત્ર ણે ને સા થે એ મ ક હી શ કું

  ત્ ર સ્યા ર હી ને ઉ મ ર ભ ર નો બો ધ મે ળ વી શ ક યા……………….

 6. Samir says:

  ભલે હોય કપડાં ફકીરોના જીર્ણ,
  કરમ ક્યાં કદી ફાટલા હોય છે ?

  Excellent wordings + thoughts of Shri Sudhirbhai ………..

 7. sudhir patel says:

  શ્રી અભિજીતભાઈ છંદ પર પણ ધ્યાન રાખો છો તે જાણી આનંદ.
  મેં શ્રી મૃગેશભાઈને ગઝલ મોકલી ત્યારે જ જણાવેલું કે આ સાની મિસરામાં ‘તરસ્યા’ ને બદલે ‘તૃષાતુર’ કરવા વિનંતી. તો મૃગેશભાઈને ફરી જણાવવાનું કે એ સુધારો કરી આપે. આભાર.
  હું પણ ભાવનગરી છું અને ‘બુધસભા’ અને ‘ગદ્યસભા’ માં નિયમિત હાજરી આપતો હતો તે જાણ.
  સુધીર પટેલ, શાર્લોટ, અમેરિકા.

 8. Soham says:

  સુંદર … મજા આવી ગઈ….

  મને લાગે છે કે મારે હવે છંદ નુ પુસ્તક વસાવી ને અભ્યાસ શરુ કરવો પડશે…

 9. Editor says:

  શ્રી સુધીરભાઈ તેમજ શ્રી અભિજીતભાઈ,

  ધ્યાન દોરવા બદલ આભાર. ભૂલ સુધારવામાં આવી છે જેની નોંધ લેશો.

  ધન્યવાદ, તંત્રી.

 10. sudhir patel says:

  આભાર, મૃગેશભાઈ.
  સુધીર પટેલ.

 11. રાકેશ vapi says:

  સુધીરભાઇ, ઘણા વરસ પછી તમારી ગજલ વાંચી. બહુ આનંદ થયો. તમે મને પત્રો દ્વારા ગજલના છંદ શીખવી માર્ગદર્શન આપેલુ. પણ હું સમય ના ફાળવી શક્યો તેનો અફસોસ છે. રાકેશ ઠક્કર, વાપી

 12. Dholakia Angel says:

  તમારિ ગઝલ વાચિ. ખુબ્બજ સુન્દર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.