નાગાટોળી – કિરીટ ગોસ્વામી

childrens

હું, બાબુ, ભૂરિયો, ભરતો ને ગોપાલ ! અમે પાંચેય પાક્કા ભેરુ ! પણે ‘પાંડવ’ નહીં, અમારો ‘પંચ’ શેરીમાં ને નિશાળમાં ‘નાગાટોળી’ તરીકે પ્રખ્યાત ! એનું કારણ અમારા તોફાનોને અલ્લડપણું ! નાના બાળકથી માંડીને ઘરડાં ડોશીમા સુધીનાં બધાં જ અમારી મસ્તીની હડફેટે ચડી જાય ! કોઈને બાકાત નહીં રાખવાનાં; કોઈનું માન પણ નહીં રાખવાનું ! એ જ અમારી ટોળીનો નિયમ ! નદી, નિશાળ, સીમ ને પાછલો વરંડો એ ચાર અમારા અડ્ડા ! અમારું કાયમી સરનામું જ આ ચારેય સ્થળ ! આમાંથી જ્યાં હોઈએ ત્યાં અમારાં તોફાનો તો શરૂ જ હોય….

ઉનાળાની રાત્રે તરગાળાનો વેશ જોઈને અમે ધોળે દિવસે પાછલા વરંડામાં તરગાળાનો ખેલ માંડીએ ! સૌથી પહેલાં તો વરંડાની બધી જ દીવાલો પર કાંટા ગોઠવી દઈએ ! ને આવવા-જવાની એકમાત્ર ખડકીના બારણામાં પડેલાં અસંખ્ય બાકોરાં, ગારાથી છાંદી દઈએ; કારણ કે અમારો ખેલ કોઈ મફતમાં જોઈ ન જાય ! વરંડામાં ખેલ જોવાને પ્રવેશવાની ટિકિટ રૂપે અમે પૈસાને બદલે ખેલ કરવામાં ઉપયોગી થાય એવી ચીજ-વસ્તુઓ પ્રેક્ષકોની પાસેથી ઉધારાવી લઈએ ! પ્રેક્ષકો પણ કેવાં કેવાં ! પાંચ-સાત બાલમંદિરિયાં છોકરાં, ત્રીસ વરસનો વાંઢો પાગો, પેમી ગાંડી અને થોડાક નિશાળના ચોર હોય એવા ભેરુબન્ધ ! કેશુકાકાનો પવલો એમાં મુખ્ય હોય ! એક જ ધોરણમાં ચાર-ચાર વરસ સુધી રોકાઈ રહેનાર ઢગો પવલો અમારા ખેલનો સહુથી મોટો ‘સ્પૉન્સર’ ! પોતાના ખર્ચે જ એ અગરબત્તી, દીવો, અમારા શણગાર અને અડધાં-પડધાં ‘કૉસ્ચ્યુમ’ પણ પવલો જ લઈ આવે ! વધ્યુંઘટ્યું પાગો લાવે અને એમ સત્તર સલાડિયા કરીને અમારો ખેલ શરૂ થાય ! શરૂઆતની અંબાજીની સ્તુતિ અમે ગાતાં હોઈએ ને ક્યારેક પેમીને એવું તો શૂરાતન ચડી જાય કે વચ્ચે એય કૂદી પડે ! પછી તો એ એવી ગરબે ઘૂમે, એવી ગરબે ઘૂમે કે અમારે તરગાળાનો ખેલ પડતો મૂકીને નવરાત્રિ જ મને-કમને ઊજવી નાખવી પડે !

કલાકાર અમે પાંચ અને ખેલમાં પાત્રો ઝાઝાં હોય એટલે એકના એક કલાકાર જ, વારાફરતી ઝાઝાં પાત્રો ભજવે ! ‘માલવપતી મુંજ’, ‘દેવરો-આણલદે’, ‘જેસલ-તોરલ’, ‘ખેમરો-લોડણ’,ને એવાં તો અનેક નાટક થાય ! પછી તો એની અસર કેટલાંય દિવસો સુધી મનમાંથી જાય નહીં. મુંજ બનેલો ભરતો, ચાલુ નિશાળે વિલાસ બનેલ ભૂરિયાની જોડે પ્રેમથી બે-ચાર વાતો કરે ત્યાં જ અમારાં માસ્તરાણી લીલાબેન, મૃણાલવતીની જેમ વરસી પડે !

ચોમાસું અમારી પ્રિય મોસમ. પહેલો વરસાદ વરસે ને નદીમાં પાણી આવે પછી અમે રાજા ! નિશાળમાં તો હાજરી પુરાવવા પૂરતું જ જવાનું ! સવારે પ્રાર્થનામાં જ એક આંખ ખુલ્લી રાખીને ન્હાવા જવાની યોજના અમે ઘડી કાઢીએ ! હાજરી પુરાઈ જાય એટલે અમે નિશાળમાંથી છૂ ! નદીના વ્હેણમાં ધુબાકા મારતાં મારતાં ડૂબકીદાવ અને ‘કૂલે-કૂલે થેપલી કી દા’ રમવાનું ચાલુ થાય પછી સાંજ ક્યારે પડી જાય એનું ભાન પણ ન રહે ! ક્યારેક મસ્તીનો છાક વધી જાય તો એકબીજાની ચડ્ડી સંતાડવાની અથવા પાણીના વ્હેણમાં ચડ્ડી નાખી દેવાની રમત પણ રમાય ! ને એમ ક્યારેક પાંચેયની ચડ્ડી તણાઈ ગયાનું પણ યાદ છે ! પછી તો રાત પડવાની જ રાહ જોવાની રહે ! અંધારું થાય પછી જ અમે નદીનાં પાણીમાંથી બહાર નીકળીએ ! અંધારું જ અમારી ચડ્ડી ! છેક ઘર સુધી એકબીજાની પાછળ સંતાતા-સંતાતા અમે પાછા ફરીએ ત્યારે શેરીમાં કોઈને ખબર પડી જાય તો તાળી વગાડીને કો’ક અમારાં ગીત ગાય ‘મગ ઢોળાય, કો’કના દરશન થાય !’ આવાં ગીત ગાવામાં શેરીનાં ટાબરિયાં જ મોખરે હોય ! ને ઘેર આવીએ એટલે વડીલો પણ અમને આવી હાલતમાં જોઈને ‘નાગા, સાલ્લા !’નું બિરુદ આપી જ દે !

નિશાળના રસ્તા પર એક વિધવા ડોશીનું ઘર આવે. એનું નામ મૂરીબાઈ ! એના બે દીકરાઓ વિદેશ રહે. વગડા જેવડા ફળિયામાં ડોશી એકલાં જ રહે. ગામનાં લોકો કહેતાં કે મૂરીબાઈની પાસે ઘણું બધું સોનું છે એટલે એ રાત્રે ઊંઘતાં પણ નથી ! અમારી નાગાટોળીને આ મૂરીબાઈની મજાક કરવાનું મન થયું ને ફટાફટ યોજના ઘડાઈ ગઈ ને અમલમાં પણ મૂકવાનું શરૂ કર્યું. બપોરની જમવાની રીસેસમાં અમે પાંચેય પાછા નિશાળે જતા હોઈએ ત્યારે મૂરીબાઈના મોટા ડેલાની સાંકળ ખખડાવીએ અને મોટેથી કહીએ ‘મૂરીબાઈ ! મૂરીબાઈ ! તમારા ડેલામાં સાપ ઘૂસ્યો….’ ને આટલું સાંભળતાં તો મૂરીબાઈ ફટાક દઈને ઘરમાંથી કૂદીને ફળિયામાં ને ફળિયામાંથી સીધાં ડેલા બહાર આવીને બોલે : ‘મરી ગઈ ! મરી ગઈ ! ક્યાં છે સાપ ? મરી ગઈ !’ અમે ઠીઠીઆઠોરી કરતાં દૂર ભાગી ગયા હોઈએ ને મૂરીબાઈ સાપની શોધખોળ કરતાં રહે ! દસેક દિવસ આવું ચાલ્યું ત્યાં તો મૂરીબાઈને ખબર પડી ગઈ કે આ તો નાગાટોળીનું ‘પરાક્રમ’ છે ! એટલે અગિયારમે દિવસે અમને પાઠ ભણાવવા એમણે અમારી યોજનાની સામે ‘પ્રતિ-યોજના’ ઘડી કાઢી હતી !

જેવા અમે રીસેસમાં પાછા વળ્યા ત્યાં તો ડેલો ખુલ્લો જ હતો ! મૂરીબાઈ ખાટલા પર બેઠાં હતાં ને રસ્તા પર એમણે એક મોટો વાંસડો મૂક્યો હતો ! અમને એમની યોજના સમજાઈ નહીં, પણ આજે ઝાઝી ચતુરાઈ કર્યા વિના ચૂપચાપ અહીંથી નીકળી જવામાં જ ભલાઈ છે એમ વિચારીને જેવા અમે નીચું જોઈને વાંસડા પરથી પસાર થવા ગયા કે તરત જ મૂરીબાઈએ વાંસડાનો એક છેડો ખેંચીને અમને પાંચેયને પછાડ્યા ! ને પછી અમારી તરફ વાઘણની જેમ દોટ મૂકી ! આંખ મીંચીને અમે ઊભા થયા ન થયા ને દોડ્યા ! પાછળ મૂરીબાઈ, આગળ નાગાટોળી ! મૂરીબાઈ બોલતાં હતાં ‘મરી ગિયાંવ ! રોજ મને હેરાન કરો છો ! સાપ આઈવો ! સાપ આઈવો ! આજે સાપ તમારા પાટલૂનમાં ન ઘાલું તો હું મૂરીબાઈ નહીં !’ પણ એમ મૂરીબાઈનાં હાથમાં આવે તો તો નાગાટોળી શાની ? અમે દોડીને ક્યાંય આગળ નીકળી ગયા ને મૂરીબાઈ થાકીને પાછાં વળી ગયાં ! પછીથી અમે જો કે નિશાળે જવાનો રસ્તો કાયમ માટે બદલી નાખ્યો !

અમે શહેરની નિશાળમાં દાખલ થયા. પરીક્ષા આવી. પરીક્ષાનો સમય બપોરનો. બપોરે એકેય બસની સગવડ નહિ એટલે અમારે મોડી સવારે જ નીકળી જવું પડે. વહેલા પહોંચીને અમે બાલાહનુમાનમાં બેસીને વાંચીએ. પરીક્ષાના સમયથી પંદર મિનિટ વહેલાં અમે નિશાળે જવા નીકળીએ.

એક દિવસ અમે પાંચેય એ રીતે જઈ રહ્યા હતા. એ દિવસે ગણિતનું પેપર હતું. મને ભરતાને અને ગોપાલ્યાને ગણિત બિલકુલ ન ફાવે ! ગોપાલે રસ્તે ચાલતાં એક યોજના બતાવી. એ યોજના અનુસાર અમે સૌથી વહેલાં નિશાળે જઈને પ્રમેય અને બીજી થોડીક આકૃતિઓ જો ભીંત પર દોરી કાઢીએ તો આજના પેપરમાં પાસ થઈ જવાય ! પણ સમય ટૂંકો હતો ને રસ્તો લાંબો ! ત્યાં જ અમને યાદ આવ્યું. રસ્તામાં એક તળાવ આવે છે. તળાવ સુક્કું છે. એમાંથી જો ચાલીને નીકળી જઈએ તો સીધા નિશાળના પાછલા દરવાજે પહોંચી જવાય ! અમે તરત જ તળાવમાં કૂદ્યા ! થોડે આગળ ચાલ્યા ત્યાં તળાવનો સુક્કો કાદવ આડે આવ્યો. પહેલાં તો એના પર ચાલવાની અમારી હિંમત ના થઈ, પણ ગોપાલ સૌપ્રથમ થોડે સુધી ચાલ્યો પછી અમે ચારેય જણ ચાલ્યા ! પાંચેય ધીમે ધીમે આગળ વધતા હતા ત્યાં અચાનક અમારા પગ ઊંડા ઉતરવા લાગ્યા ! અમે પાંચેયે એકબીજાના હાથ પકડી લીધા ! પણ જોતજોતામાં તો કેડ સુધી અમે કાદવમાં ખૂંપી ગયા ! અમે ભરબપ્પોરે આ તળાવની વચ્ચે ‘બચાવો…! બચાવો…..!’ની બૂમ તો ખૂબ પાડી, પણ અહીંથી અમને બચાવે કોણ ? એક કલાક જેટલો સમય અમે કાદવમાં રહ્યા અને આખરે એકબીજાની મદદથી જ અમે બહાર નીકળ્યા ! નીકળ્યા તો ખરા પણ મારા બન્ને બૂટ કાદવમાં રહી ગયા ! ભૂરિયાનું પાટલૂન કાદવે છીનવી લીધું ! ભરતાના હાથમાં અમારા બધાંના ચોપડા હતા એ પણ કાદવમાં હોમાઈ ગયા ! ને બાબુનું તો રડવાનું જ બંધ ના થાય ! થોડી વાર ત્યાં બેસીને પછી અમે ઘેર પાછા વળ્યા ! ટૂંકે રસ્તે પાસ થવાની લ્હાયમાં અમારું પેપર જ ચૂકાઈ ગયું ને અમે પાંચેય નાપાસ થયા ! બાબુ અને ભૂરિયા પર તો ઘરનાં વડીલો એવાં ગુસ્સે ભરાયા કે બન્નેને તાબડતોબ દૂર હૉસ્ટેલમાં ભણવા મોકલી દીધા ! ગોપાલ અને ભરતો એ જ વરસે ખેતીમાં લાગી ગયા ! એકલોઅટૂલો હું નિશાળમાં ને પછી તો ગામમાંય રહ્યો.

આમ, નાગાટોળીમાં ભંગાણ પડ્યું તે પડ્યું. પછીથી ક્યારેય અમારો ‘પંચ’ એક ના થઈ શક્યો ! પછીથી ભણતર અને ગણતરનાં તો કૈક વસ્ત્રો પહેરાયાં પણ મન તો સાલ્લું, હજીય ઘણી વાર થઈ જાય છે નાગું ! પણ એ ટોળી ક્યાં ?

(photo courtesy : Rarindra Prakarsa : http://photo.net/photodb/folder?folder_id=789741 )

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈશ્વરને તેનું કામ કરવા દો – ગોવિંદ શાહ
ભાથામાંના તીર – હર્ષિદાબેન શાહ Next »   

20 પ્રતિભાવો : નાગાટોળી – કિરીટ ગોસ્વામી

 1. Arpita says:

  Childhood is the best time of life…At some point in life , one has to leave friends even if he doesn’t wish but remember them forever ….really nice story and reminded me of my childhool friends and total “Masti”..

 2. Bhargav says:

  wow….remind me my childhood pranks….and my gnag..
  we guys were the same…. but the adultery 😉

  missing those days…still some times when one or two see each other they called others and we have a telephonic talk….
  we have talked about all those stories millions of times but still can’t get enough…

  missing u my frnds…

 3. Sam says:

  સારેી વારતા છે. મજા આવેી.

 4. Amit Patel says:

  🙂
  સરસ બાળપણની યાદો તાજી થઇ ગઇ.

 5. asha says:

  ઓ બહજ મજા આવિ આભાર

 6. Pradip says:

  ઍ ભાઈ, હવે ઈ ખહ ને ઈ ખાટલા ગ્યા મારા બાપલિયા.

 7. dipak says:

  very nice srory.i am also missing that golden period & childhood friends.” na duniya ka gam,na risto ke bandhan.badi kubsurat thi voh jindagani.

 8. એક ભજન યાદ આવી ગયું…

  નાના બાળક બનવામાં કેવી મઝા,
  એને નિત્ય મળે રમવાની રજા,
  એના મુખે ફરફતી હાસ્‍ય ધજા,
  એના મનમાં તો રાગ કે દ્વેષ નથી,

  આ કવિતા જેવા ભજનના રચયિતા કોણ છે, જાણો છો ?

  સંત શ્રી પુનિત મહારાજ.

 9. SAKHI says:

  Thanks to remind such good childhood we are same all boys and girls areplaying same we are 14 now only one or two are in same place .last year I went India and I met some of them.

 10. Bhadresh says:

  To the editor,

  Isn’t it good to give credit to the photographer/artist (Rarindra Prakarsa) for the image used for this article?

  http://photo.net/photodb/photo?photo_id=6106700
  http://photo.net/photodb/folder?folder_id=789741

  I believe you must have taken the permission to publish the image. But it’s unfortunate that due credit is not given.

  BTW, nice article.

  Regards,
  Bhadresh

 11. Veena Dave,USA. says:

  ઊમર વધે એમ બચપન વધુ યાદ આવે.સરસ લેખ.

 12. સરસ વાર્તા. રસપુર્વક વાંચી. અમારી ત્રણની ટોળીની યાદ અપાવી, પણ આવું તોફાન નહીં. હા, નીશાળમાંથી ગુલ્લી મારવાનું ખરું. ધન્યવાદ.

 13. Paresh says:

  ભાગ્ય જ એવુ કોઈ હશે જેને નાનપણમાં કોઈ ભાઈબંધ નહી હોય. તમામ યાદ આવી ગયા. આભાર તસ્વીર લેનાર ભાઇ શ્રી રવિન્દ્રને પણ અભિનંદન, સુંદર તસ્વીર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.