ભાથામાંના તીર – હર્ષિદાબેન શાહ

[‘માનવ’ સામાયિકમાંથી સાભાર.]

ભૂમિકાનો આજે સાસરે પહેલો દિવસ હતો. લગ્ન તો દશ દિવસ પહેલાં થઈ ગયાં હતાં, પરંતુ દશ દિવસ સૌરાષ્ટ્રમાં પિયરમાં ગાળ્યા પછી વડોદરાને ઘેર ભૂમિકા આજે પહેલીવાર આવતી હતી. અલકાપુરીનો બેઠા ઘાટનો બંગલો, ત્રણ દિયર, સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને એક નણંદથી ભરાયેલો હતો. ભૂમિકાનો સમાવેશ તોયે થઈ ગયો. પતિ અનંત એન્જિનિયર હતો. પ્રભાવશાળી પણ હતો અને સરળ હૃદયી હતો. એટલે જ તો એણે લગ્ન પહેલાં ચોખવટ કરી હતી : ‘ભૂમિકા ! બીજું બધું બરાબર છે, પણ મમ્મીનો સ્વભાવ સ્હેજ આકરો છે. સાચવવો મુશ્કેલ લાગશે….’
‘હું તો માનું છું કે ભણેલી યુવતી સાસુ-સસરા અને કુટુંબને અનુરૂપ ના થઈ શકે તો એનું ભણતર એળે ગયું કહેવાય.’ સ્પષ્ટવકતા ભૂમિકાએ પણ સરળતાથી જવાબ આપી દીધો હતો.
‘કહેવું સહેલું છે, ભૂમિકા !’
‘કરવું અઘરું છે, એ હું કબૂલ કરું છું, પણ એ કાંઈ અશક્ય તો નથી જ….’ ભૂમિકાએ જવાબ વાળ્યો.

ભૂમિકાએ પ્રવેશ કર્યો.
‘નસીબદાર લાગો છો, વહુ લાગે છે તો શુભપગલાંની.. હૈયું ઠારશે, માલતીબહેન !’
‘આ એકે ઠાર્યું એવું બીજી ઠારશે…’ માલતીબહેનના સ્વરની કડવાશ બંગડીઓના આછા મીઠા ઝંકારમાંયે ભૂમિકાના કાનમાં ફેંકાઈ ગઈ. ભૂમિકા સહેજ ચમકી. આ તે કેવો આવકાર ! પણ તરત પોતે હાથમાં લીધેલું ‘અઘરું કામ’ યાદ આવી ગયું ને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતી એ ખુરશી પર બેઠી. નાની નણંદ દોડી આવી : ‘ભાભી ! ચાલો ડાઈનિંગ રૂમમાં ! તમે થાક્યાં હશો, આપણે ચા પી લઈએ….’ ભૂમિકા ડાઈનિંગ રૂમમાં આવી. અનંત ત્રણેય ભાઈઓની સાથે બેઠો હતો. જેઠની આમાન્યા રાખવા ભૂમિકાએ સાડીનો પાલવ માથે ખેંચ્યો. જેઠાણી રંજનાએ રસોડામાંથી બહાર આવતાં કહ્યું :
‘મોટાભાઈનું તો માથે નહીં ઓઢો તો ચાલશે, ભૂમિકા !’
ભૂમિકા નીચી નજરે ઊભી રહી.
‘બેસો ને ભાભી.’ દિયરે કહ્યું.
‘બાને આવવા દો ને…’ ભૂમિકાનો ધીમો કંઠસ્વર અંદર પ્રવેશતાં માલતીબહેનના કાનમાં પડ્યો. તત્ક્ષણ તો ભૂમિકા થોડીક ગમી એમને !

ચા-નાસ્તા પછી નાહીને ગુજરાતી ઢબની સાડીમાં જ ભૂમિકા બહાર આવી.
‘ભાભી ! તમને ગુજરાતી ફાવે છે ?’ નણંદ હેતલે હેત કરીને પૂછ્યું. ભૂમિકા નિરુત્તર રહી.
રંજનાએ પણ કહ્યું : ‘બંગાળી પહેરી લે ભૂમિકા !’
‘બાને ગમશે ?’ ભૂમિકાએ મુંઝવણ રજૂ કરી.
‘બાની વાત જવા દો ભાભી ! તમને ને અનંતભાઈને ગમતું હોય પછી…..’
‘તો હેતલબહેન….’
‘ઓ ભાભી ! હેતલની પાછળ બહેન જરાય ‘સૂટ’ નથી થતું.’ નણંદ બોલી અને ભૂમિકા નણદીના નવા નવા હેતે મીઠી મુંઝવણ અનુભવી રહી. રંજનાએ રસોઈમાં બંગાળી મીઠાઈનું નાવીન્ય રાખ્યું હતું. માલતીબહેને ટીકા કરી, ‘નવી વહુને શુકનનો કંસાર જ પીરસાય એ સમજ હજીયે ના આવી તારામાં, રંજના ? તું આવી ત્યારે મેં કંસાર બનાવ્યો હતો તે ભૂલી ગઈ ?’ સાસુના જેઠાણી પ્રતિના સીધા ગુસ્સાથી ભૂમિકા તો ઠંડીગાર જ થઈ ગઈ.

સાંજે દિયરોએ બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. રંજનાના કહેવાથી ને હેતલના આગ્રહથી ભૂમિકાએ બંગાળી ઢબની સાડી પહેરી. અનંતની સહેજ પાછળ એ બહાર નીકળી રહી હતી ત્યારે માલતીબહેને એને ટપારી, ‘બંગાળી સાડી ના પહેરી હોય તો ?’ ભૂમિકા તો સ્તબ્ધ જ થઈ ગઈ. અનંતે માતાનું વાક્ય સાંભળ્યું હતું પણ ચૂપચાપ આગળ વધી ગયો. ભૂમિકાને વડોદરા જોવાનો ઉમંગ ઓસરી ગયો. પણ બહાર જતાં એને જેઠ-જેઠાણી જેવું તો લાગ્યું પણ નહીં, જાણે પોતાનાં જ મોટાભાઈ-ભાભી હોય એટલા સ્નેહથી અને સહૃદયતાથી અમર-રંજના ભૂમિકા સાથે વર્તતાં હતાં, એથી ભૂમિકાના મનનો બોજ સહેજ હલકો થઈ ગયો.

બીજી સવારે ભૂમિકા કાળજી રાખીને વહેલી ઊઠી હતી. રંજનાને પગલે એ રસોડામાં પ્રવેશી કે રંજનાએ કહ્યું : ‘ચાર દહાડા તો ઢેલના પગેય રાતા હોય ભૂમિકા !’ ભાગ્યજોગે માલતીબહેને રસોડામાં એ જ ઘડીએ પ્રવેશ કર્યો, ‘હાસ્તો. હમણાં હમણાં આરામ કરી લો ભૂમિકા ! પછી તો તમારે માથે ઘરનો બોજ આવી પડવાનો છે. જુઓને તમારી જેઠાણીને તો બિચારીને દળવા-ખાંડવાથી માંડીને બધું જ હાથે કરવું પડે છે…’ સાસુના શબ્દોનો હળવો અર્થ લઈને સુધારતાં રંજનાએ કહ્યું, ‘બા ! દળવાની તો ઈલેક્ટ્રીક ઘંટી છે. સ્વિચ પાડી કે દળણું તૈયાર ! પછી શું રહ્યું ?’
નાહી પરવારીને ભૂમિકા પાછી રસોડામાં આવી : ‘બા ! મને પણ કાંઈક કામ બતાવો…’
‘કામ તો હું કરું છું નાની વહુ, તમારે ભાગે તો આરામ.’ સાસુના આ શબ્દોથી મુંઝાઈને ભૂમિકા ચૂપચાપ રસોડામાં ઊભી રહી. ત્યાં જ હેતલે બૂમ પાડી :
‘નાનીભાભી ! અનંતભાઈ બોલાવે છે…’
‘લ્યો આ તમારું કામ ભૂમિકા…’ માલતીબહેન બોલ્યાં. ભૂમિકા જવું કે ન જવું એનો નિર્ણય ઝટ કરી શકી નહીં. ત્યાં તો દિયરે બૂમ પાડી :
‘ભાભી ! તમે આવો છો કે નહીં ? અનંત બોલાવે છે….’
‘જાવ ભૂમિકા ! તમારા વિના ઘર સૂનું લાગતું હતું આજ સુધી ! તમે આવ્યાં તે જીવ આવ્યો છે ઘરમાં !’ ભૂમિકા તો આ કટાક્ષોથી છેક જ મુંઝાઈ ગઈ હતી ને નાહવા ગયેલી રંજના વહારે ધાય તો સારું એવું એ મનોમન પ્રાર્થી રહી હતી. ત્યાં તો અનંત જ અંદર આવ્યો :
‘ભૂમિકા ! કાંઈ ના કરતી હોય તો જરાક વાર બહાર આવ ને !’
‘જો અનંત, તારી વહુને મેં કામમાં બાંધી રાખી નથી તે તું ઉપરાણું લેતો આવ્યો છે… ને રસોડામાં તો હજી પગ મૂક્યો છે….’ અનંત વધુ કાંઈ સાંભળ્યા વિના બહાર નીકળી ગયો પણ ભૂમિકા તો એમ બહાર જઈ શકે એમ નહોતી. સાસુના વાકપ્રહારો ચાલુ હતા. સાસુના સીતમની વાતો એણે વાંચી હતી, સાંભળી હતી ને કશેક એની એકાદી ઝલક જોઈ પણ હતી પરંતુ એ અનુભવવાનો વારો પોતાના જેવી સાલસ અને નમ્ર છોકરીને પણ આવશે એ એના માન્યામાં આવતું નહોતું. તે પણ લગ્નની તદ્દન શરૂઆતના જ દિવસોમાં. માલતીબહેનનો સ્વભાવ આકરો છે એમ અનંતે કહ્યું હતું ત્યારે પોતાને લાગ્યું હતું કે અનંતનો ટેકો સાબૂત હશે તો બીજા વાંધાઓ જખ મારે છે… અનંતના પ્રેમમાં તો એને પૂરો વિશ્વાસ હતો પણ પોતાની એક બીજી ભૂલ આજે એને સમજાઈ હતી. સાથીદારની પસંદગીમાં પોતે કૌટુંબિક વાતાવરણ તરફ જે દુર્લક્ષ્ય સેવ્યું હતું એ આજે એને વધારે પડતું લાગ્યું. પણ હવે ભૂલ થઈ ગઈ હતી તે માત્ર પસ્તાવો કરે ચાલે એમ નહોતું. કોઈક ઉકેલ પણ શોધવાનો હતો.

રંજના બાથરૂમમાંથી બહાર નીકળતાં જ મામલો કળી ગઈ. એણે માલતીબહેનને જ બહાર મોકલી દીધાં અને પોતે રસોડાનું કામકાજ માથે લઈને ભૂમિકાને અનંત પાસે મોકલી આપી. ભૂમિકાને આશ્ચર્ય તો એ વાતનું હતું કે પોતાનો જે કોયડો વણઉકલ્યો રહેતો તે બધાનો જ ઉકેલ રંજના તદ્દન સાહજિકતાથી લાવી શકતી હતી. અઠવાડિયું વીત્યું. માલતીબહેન એમ તો આધુનિક હતાં. દરરોજ સાંજે કલબમાં જવાની એમને ટેવ પણ હતી. અને એ દરમિયાન ભૂમિકા-રંજના વચ્ચેનાં સહીપણાં ગાઢ થયે જતાં હતાં.

ભૂમિકાએ એવી જ એક સાંજે રંજનાને સીધું પૂછી નાખ્યું : ‘ભાભી ! બાનો સ્વભાવ તમે કેવી રીતે જીરવી લો છો ?’
‘ભૂમિકા ! એ બહુ મુશ્કેલ વાત નથી, માત્ર મનને થોડું જાગૃત રાખતી જા, થોડી નમવાની ભાવના ધરતી જા ને મોંમાં મધ રાખવા માંડ. બા જોતજોતામાં તારાં થઈ જશે. મારા લગ્નની શરૂઆતમાં મેં એ બધું જ અનુભવ્યું છે, જે જે તેં અનુભવ્યું છે. એટલે જ મેં અનંતભાઈને ખાસ સૂચના આપી હતી કે ભૂમિકાના મનમાં બાના સ્વભાવની ભૂમિકા તૈયાર કર્યે જજો. ને મેં તો આ બધું સહેતાં સહેતાં નક્કી કરી જ લીધું હતું કે મારી કોડભરી દેરાણીઓને આવી મુંઝવણમાં નહી મુકવા દઉં. બાના મનમાં એક લઘુતાગ્રંથિ ઘર કરી ગઈ છે. એ લઘુતાગ્રંથિથી જ પીડાઈને બા જાણ્યે અજાણ્યે, ઈચ્છા અનિચ્છાએ ય આપણા પર ઘા કરી બેસે છે. આપણે એક ઘા સહન કરી લઈએ તો બમણે વેગે બીજો ઘા કરે છે. કેમ કે આજ સુધી ઘરમાં કોઈએ જ બાના અભિપ્રાયની પૃચ્છા કરી નહોતી, કદર કરી નહોતી. બાને મનમાં થતું બધાં ભણેલાંને એક હું જ અભણ ! એ ઓછપ જ એમની ગ્રંથિને જોરદાર ને તીક્ષ્ણ બનાવતી. પણ એવા ઘા આપણે અવળે હાથે ઝીલી લઈને બાજુ પર મુકી દીધા, ફરી બાની સામે એમના અભિપ્રાયને માટે ફર્યાં કે બાના ભાથામાંનાં તીર ખુટી પડવાનાં ! ને બા યુદ્ધવિરામ જાહેર કરી દેવાનાં. બાકી બા તારી બંગાળી ઢબની સામે વિરોધ કરે એ હું માનું જ નહીં ને ! વિરોધ બાના હૃદયનો નથી, પેલી લઘુતાગ્રંથિનો છે ! એ ગ્રંથિને પોષવાને બદલે આપણે એને દૂર કરવાની છે, ભૂમિકા !’
‘ભાભી ! હું તો કંટાળી જઈને જુદાં રહેવાની વાત વિચારતી હતી.’
‘એટલામાં થાકી ગઈ કે ? તારે રહેવું હોય તો રહે. બા તો માનશે દુખતું હતું તે અંગ કપાઈ ગયું, પણ તને જ ચેન નહીં પડે. તારું તો પિયર બહોળું છે, તને એકલાં રહેવું ફાવશે ખરું ?’
‘ભાભી ! હું તો સંયુક્ત કુટુંબના લાભ જ જોઉં છું. પણ અહીં તો બીજો ઉપાય જ નહોતો દેખાતો આજ સુધી મને….’
‘ને હવે ? આજે ?’
‘આજે તો હવે બાના ભાથામાંના તીરને કેમ ખુટાડવાં એ તમે બતાવી દીધું છે… એ તો સારું છે અનંતને મેં જુદાં રહેવાની વાત નથી કરી. કેમ કે લગ્ન પહેલાના વિચારવિનિમયમાં મેં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હું સંયુક્ત કુટુંબનીપ્રથામાં જ માનું છું એટલે મારો બદલાયેલો અભિપ્રાય જલદીથી એમને કહી દેવાની હિંમત નહોતી ચાલતી. પણ ભાભી ! તમને ધન્યવાદ આપ્યા વિના હું રહી શકતી નથી. તમે મનોવિજ્ઞાન સાથે બી.એ. થયાં છો તે લેખે લાગ્યું હો….’
‘બહુ થયું હવે, બા આવ્યાં લાગે છે… હું રસોડામાં જાઉં છું. તું બાની પાસે બેસ….’

ભૂમિકાના હાથમાંથી પાણીનો ગ્લાસ લેતાં માલતીબહેને ઊંચે સાદે કહ્યું : ‘તું પિયર જવાની છો કે ?’
‘હા જવાની તો છું, પણ ક્યારે એ નક્કી નથી.’
‘તે નક્કી કરવામાં શું બાકી છે ? મનમાન્યું કરવાને છુટાં છો તમે તો ?’
‘બા ! તમારા પૂછવા પર રાખ્યું હતું….’
‘તો પછી મુહૂર્ત શું જોવડાવવાનું છે ? સિધાવો પરમ ચોથે દહાડે…’
ભૂમિકા બોલી : ‘ભલે, તો વાંધો નથી, બા ! પંદરેક દિવસમાં તો પાછી આવી જઈશ…’
‘મારે તારું કશું કામ નથી હોં…’ ભૂમિકાને માલતીબહેનના શબ્દો હાડમાં ઉતરી ગયા. મોઢે જવાબ આવી ગયો કે કામ નથી તો પછી પરણાવી લાવ્યાં હતાં શું કામ ? – પણ જવાબ ગળીને એ અંદર ચાલી ગઈ. ભાથામાંનાં તીર ખુટી ગયાં કે શું ? પણ ભૂમિકાના જતાં પહેલાં જ હેતલને મલેરિયા થઈ ગયો ને ભૂમિકાએ પિયર જવાનું પાછું ઠેલ્યું. રંજનાએ અને માલતીબહેને તો જઈ આવવા આગ્રહ કર્યો પણ એ ન ગઈ. ને ધીમે ધીમે માલતીબહેન જીતાતાં ગયાં. ભૂમિકા હેતલની માંદગીમાં સેવાચાકરી કરતી, ડૉક્ટર સાથે વિવેકથી વાત કરતી, ઘરમાં પણ મદદ કરાવતી ને તે પણ જાગૃતતાથી ! એ બધું જોતાં માલતીબહેન પીગળી ગયાં. રંજના પર તો એમના ચાર હાથ હતા જ, એ હાથ ફેલાતાં ફેલાતાં ભૂમિકાની ઉપર પણ છવાઈ ગયા.

હેતલ સાજી થયા પછી માલતીબહેને જ ભૂમિકાને પિયર મોકલવાની વ્યવસ્થા કરી આપી. અનંતને પણ સાથે મોકલ્યો. અનંત તો આ બધાથી તદ્દન અલિપ્ત જ હતો. એને ભૂમિકા પર વિશ્વાસ હતો એટલે એ નિશ્ચિંત મને બેઠો હતો પણ માની બદલાયેલી વર્તણૂંકે એને ખ્યાલ આવી ગયો કે ભૂમિકાએ માતાને જીતી લીધી છે. ભૂમિકા પિયર જઈ રહી હતી એક મહિના માટે ! માલતીબહેને ગળગળે સાદે કહ્યું :
‘ભૂમિકા ! તારા વિના ગમશે નહીં, ઝટ પાછી આવજે હો…’
ભૂમિકા આપોઆપ યાદ આવેલ પહેલાંનાં વાક્યોને ભૂલી જતાં બોલી : ‘મનેય તમે બધાં ખુબ જ યાદ આવશો હોં બા !’

ભાથામાંનાં તીર ખરેખર જ ખુટી ગયાં હતાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નાગાટોળી – કિરીટ ગોસ્વામી
માતૃદેવો ભવ – સં. સુરેશ દલાલ Next »   

33 પ્રતિભાવો : ભાથામાંના તીર – હર્ષિદાબેન શાહ

 1. gopal says:

  જેઠાણીએ દેરાણીને સચોટ માર્ગદર્શન આપ્યુઁ

 2. Arpita says:

  Really Nice story..It gives a really good message that how love and patience can change anyone. Thanks!!

 3. Namrata says:

  Story is very nice. But i dont think it is relevant in this age now. Anyway, its good to read such stories with positive endings.

 4. Ravi , japan says:

  very nice !!
  its all about patience and love !! can win anyone…

 5. joint famili is best famili

 6. leena shah says:

  very nice story.its gives us lots of lesson when v begun our new life where v reqd.lots of expriance much then just book reading education.like bhumika, i was also faced same problem,but after reading this i feel bit confidance.

 7. Gargi says:

  how to adjust in family for newly married girl……is really interesting…..nice one.

 8. neetakotecha says:

  જો સંયુક્ત કુટુંબ રાખવુ હોય તો ઘર માં રહેલ મોટી વહુ એ જ બીજી નાની વહુ ઓ ને માર્ગદર્શન આપવુ જોઈયે તો જ ઘર માં સંપ રહે છે..

 9. સાચી સમજણ સબંધની એ આનું નામ
  સરસ વાત….

 10. PUThakkar says:

  આખી વાર્તામાં મહત્‍વનું હોય તો, એ કે, કોઇના પણ ઉપર ઉપરથી દેખાતા દોષોમાં જો જેઠાણી જેવું સન્‍ેહ દર્શન હોય અને દોષ દર્શન ના હોય તો, વ્યક્તિઓ જીતાઇ જવા તૈયાર જ હોય છે.બસ સવાલ છે સાચા પ્રેમની ઉષ્‍માનો. તે માટે ધીરજ જોઇએ. આ વાર્તા ઘેર ઘેર માટીના ચૂલા જેવી છે. એ કેટલે અંશે વ્યવહારૂ છે; તે અલગ બાબત છે, પણ ભણી-ગણીને પરણવાને આરે આવેલી છોકરીઓ માટે આ માટેના રીતસરના તાલીમ વર્ગો ચલાવવા જોઇએ. જેથી ઘર તૂટતા બચે અને છેવટે સમાજ ટકે. સામાજિકતા ટકે. સ્નેહનું વાવેતર થાય. પ્રેમ ફેલાય. કારણ કે, બધા તો મોટી વહુ જેવા મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હોય નહી. અને તેવા તાલીમ વર્ગમાં આવી વાર્તાઓ કહીને ઇન્ટરેકશન કરાવવું જોઇએ. અને એ જ રીતે આ વાર્તામાં સુખદ અંત આવે છે, તેના બદલે અનિચ્છનીય પરિસ્થિતી શા માટે સર્જાઇ શકે? તે પણ લગ્નોત્સુક યુવક યુવતીઓને શીખવવું જોઇએ. આવા વર્ગો સ્વૈચ્છીક સંસ્‍થાઓ મારફત યોજીને આવા સમર્થ લેખકોને આમંત્રણ આપીને વક્તા તરીકે બોલાવવા જોઇએ. આખી વારતાનો બોધ મારી દૃષ્ટિએ નીચે મુજબનો છે.

  ખૂબ ખૂબ અભિનંદન લેખિકા હર્ષ‍િદાબેન શાહનેઃ-

  બાના મનમાં એક લઘુતાગ્રંથિ ઘર કરી ગઈ છે. એ લઘુતાગ્રંથિથી જ પીડાઈને બા જાણ્યે અજાણ્યે, ઈચ્છા અનિચ્છાએ ય આપણા પર ઘા કરી બેસે છે. આપણે એક ઘા સહન કરી લઈએ તો બમણે વેગે બીજો ઘા કરે છે. કેમ કે આજ સુધી ઘરમાં કોઈએ જ બાના અભિપ્રાયની પૃચ્છા કરી નહોતી, કદર કરી નહોતી. બાને મનમાં થતું બધાં ભણેલાંને એક હું જ અભણ ! એ ઓછપ જ એમની ગ્રંથિને જોરદાર ને તીક્ષ્ણ બનાવતી. પણ એવા ઘા આપણે અવળે હાથે ઝીલી લઈને બાજુ પર મુકી દીધા, ફરી બાની સામે એમના અભિપ્રાયને માટે ફર્યાં કે બાના ભાથામાંનાં તીર ખુટી પડવાનાં ! ને બા યુદ્ધવિરામ જાહેર કરી દેવાનાં. બાકી બા તારી બંગાળી ઢબની સામે વિરોધ કરે એ હું માનું જ નહીં ને ! વિરોધ બાના હૃદયનો નથી, પેલી લઘુતાગ્રંથિનો છે ! એ ગ્રંથિને પોષવાને બદલે આપણે એને દૂર કરવાની છે, ભૂમિકા !

 11. SAKHI says:

  very nice story Joint family is right choice

 12. pragnaju says:

  અભિનંદન
  લઘુતાગ્રંથિ અને ગુરુતાગ્રંથિ બન્ને માણસને નુકસાન કરે છે. આ બંને ગ્રંથિઓ એકબીજા સાથે ક્યારેક એવી અટપટી રીતે ગૂંથાયેલી હોય છે કે બંનેને અલગ તારવીને પારખવાનું મુશ્કેલ હોય છે. આવી ગ્રંથિઓ ઉદ્ભવવાનો અને વિકાસ પામવાનો મુખ્ય સંબંધ માણસના ઉછેર અને સંજોગો ઉપર રહેલો છે.

 13. Sweta says:

  સાચે જ ખુબ સુન્દર વાર્તા ચે. મારા ઘરે પન એ જ મુશ્કેલિ ચે. મારા દિયેર ખુબ જ કજિયાખોર ચે. ખાસ કરેી ને અમુક બાબતો મા, પહેલા મને પન એવુ લાગ્તુ હતુ કે તે સુધરિ શક્શે નહિ. પન હવે મારા મા હિમત આવિ ગઈ. ખુબ ખુબ આભાર્

 14. vidya says:

  This really seems nice in a story. but in real life people do not change that easily. when i got married i thought my husband would be my second set of parents and i consider them as my mom and dad. but after years of trying i m still the outsider.

 15. Vinod Patel says:

  Very nice story. With love, respect, understanding, and patience, one can slove any relationship problem. Thank you.

  Vinod Patel, USA

 16. Veena Dave,USA. says:

  good story.

 17. બહુ જ સરસ વાર્તા. જેઠાણી-દેરાણી વચ્ચેનો આવો પ્રેમસંબંધ કદાચ એમના ઉચ્ચ શીક્ષણને આભારી હશે? જો કે ત્રણ દાયકા કરતાં વધુ સમયથી પરદેશમાં હોવાથી ગુજરાતમાં આવું પરીવર્તન આવ્યું હોય તો બહુ જ ઉત્તમ. કે પછી આ માત્ર વાર્તામાં જ શક્ય છે? જો કે વર્ષો પહેલાં સાવ નીરક્ષર સાસુના વહુ પ્રત્યેના પ્રેમનું ઉદાહરણ પ્રત્યક્ષ જોવા મળેલું.

  આવી ઉત્તમ વાર્તા બદલ હર્ષિદાબહેનને તેમ જ મૃગેશભાઈને હાર્દીક ધન્યવાદ.

 18. shweta says:

  very nice story…it shows the solution how oone new married girl can win love of her husbands family with her sweet behaviour.thanks…

 19. Paresh says:

  સુંદર વાર્તા. “તેની સાડી મારી સાડી થી સફેદ કેમ? કે મારી સાડી તેની સાડી થી સફેદ કઈ રીતે?” ન પ્રવેશે તો આવું સુંદર Co-ordination શક્ય છે. હર્ષિદાબહેનનો આભાર.

 20. Aparna says:

  a nice story indeed
  particularly liked the idea that education should enable a woman to adjust better with the nature of family members and not drive her away
  but i am not sure if this can be true everywhere
  but a motivating story indeed

 21. priti shah says:

  જે ઘરમા ર્ંજના જેવી જેઠાની હોય ત્યા વીભાજીત કુટુમ્બ નો સવાલજ ન હોય. આપણા સમાજમા મારી સાસુએ મને દુખ આપ્યુ છેો તો હું મારી વહુ ને ત્રાસ કેમ ના આપુ? જેવી માનસિક ભાવના જ્ંયા સુધી નાબુદ નહિ થાય ત્યાં સુધિ સાસુ વહુ જેવુ પ્રાણી આપસમા લડ્યાજ કરવાનુ છે. સયુન્ક્ત કુટુમ્બ્મા રહેલા ફાયદા જો આજ ની પેઢિ સમજિ શકે તો ઘણાં ઘર વીભાજીત થતા બચિ શકે.

 22. payal says:

  Love can change anything… anyone…

 23. Bhavisha says:

  Very nice story for joint family.

 24. Mital Parmar says:

  ખુબ જ સરસ..

 25. nayan bhatt says:

  પ્રેમથિ બધુ જિતિ શકાય દરેક કન્યઆઓ આ વાચે તો સારુ

 26. Sonal Rana says:

  Really Nice Story…

 27. Vaishali Maheshwari says:

  Thank you Ms. Harshida Shah for this wonderful story.

  Time, patience and calm and caring nature can win anyone’s hearts. Maltiben in this story is showed as a stubborn character, but her daughter-in-laws Ranjana and Bhumika used different caring and lovable tactics that helped them win their mother-in-law Maltiben’s heart.

  Very nice.

  Thank you once again.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.