હાસ્ય મેવ જયતે !! – સંકલિત

[ ‘ચક્રમ-ચંદન’ સામાયિકમાંથી સાભાર.]

[1] કૂતરાથી ચેતતા રહેજો – મધુસૂદન પારેખ

મારામાં ધર્મરાજ યુધિષ્ઠિરનો અંશ હોવો જોઈએ એમ મને લાગે છે. હું એમનાં જેવો સત્યવાદી છું એવો મારો દાવો નથી. મેં નરો વા કુંજરો વા પણ કર્યું નથી. જુઠ્ઠું બોલવાની મને સારી ફાવટ છે એટલે નરોકુંજરો કરવાની મને જરૂર જ પડતી નથી. હું ધર્મરાજાનો થોડેક અંશે વારસદાર એટલા માટે કહું છું કે જેમ એક કૂતરો ‘શ્વજન’, એમનો સ્વજન બનીને છેક સ્વર્ગ સુધી એમની પાછળ પાછળ ગયો હતો, તેમ આ યુગના બધા શ્વાન મને જુએ છે કે તરત મારી પાછળ પડે છે ! એમની અભિલાષા કદાચ એવી હશે કે આ સ્વર્ગમાં જાય તો આપણે પણ તેની પાછળ પાછળ જઈએ. પણ મારી હાલ પૂરતી સ્વર્ગમાં જવાની બિલકુલ ઈચ્છા નથી. હજુ મારી વીમાની પૉલીસીઓ પાકવાની બાકી છે, પત્નીને ફ્લેટનો વાયદો કર્યો છે તે પાળવાનો છે… હજુ પૃથ્વી પર મારે ઘણાં બધાં કામ છે અને ઘણાં ઘણાં લોકોને મારું પણ કામ છે. હું સ્વર્ગમાં વિદાય થાઉં તો મારા ઊઘરાણીવાળાઓ ‘વિધવા’ની સ્થિતિમાં મુકાઈ જાય. મારો દરજી, દૂધવાળો, કાપડિયો, કરિયાણાવાળો બધા હું જીવતો રહું એમ ઈચ્છે છે.

પણ કૂતરા આ વાત સમજતાં નથી. મને જુએ છે ને એમના હૈયામાં કૈં થાય છે. હું એમનાથી છૂટવા છેટો જ રહું છું. પણ એ મને વળગવા આતુર હોય છે. કૂતરાને દૂરથી જોતાં જ મને હૉસ્પિટલ, મોટી લાઈન અને મોટ્ટું ઈન્જેકશન મારવાની તૈયારી કરતો ડૉક્ટર દેખાવા માંડે છે.

એકવાર હું એક મિત્રને બંગલે ગયેલો. બંગલાની ભીંત પર ઊંચા કડક કાનવાળા, હમણાં જ બચકું ભરી લેશે એવી મુખમુદ્રાવાળા કૂતરાના ચિત્રવાળું ‘પાટિયું’ લટકાવ્યું હતું અને એના પર અંગ્રેજીમાં ‘બિવેર ઑફ ડૉગ’ અને ગુજરાતીમાં ‘કૂતરાથી ચેતો’ એવું સૂત્ર લખ્યું હતું. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. શેક્સપિયરના હેમ્લેટને ‘ટુ બી ઑર નોટ ટુ બી’નો મહાપ્રશ્ન મૂંઝવતો હતો તેમ મને પણ ‘ટુ એન્ટર ઓર નોટ ટુ એન્ટર’ – અંદર જવું કે ન જવું ? નો સવાલ મૂંઝવી રહ્યો. દ્વારિકા ગયેલા સુદામા જેમ કૃષ્ણનો રાજમહેલ જોઈને ક્યાંથી તેમાં દાખલ થવું તેની મૂંઝવણમાં કોટની આસપાસ આંટા મારતા હતા તેમ હું પણ ક્યાંથી કમ્પાઉન્ડમાં પ્રવેશ કરવો એની વિમાસણમાં આંટા મારવા માંડ્યો.

મારા નસીબજોગે કમ્પાઉન્ડ વાળનારો એમાં પ્રવેશ્યો. હું પણ ‘મહાજનો ગતા: યેન સ પન્થા:’ એ ન્યાય મુજબ એ મહાજનની પાછળ પ્રવેશ્યો. એણે તો એની વાળવાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી. હું ચારે બાજુ શંકાથી ને ભયથી નજર ફેરવતો ફેરવતો આગળ ચાલવા માંડ્યો. ડાઘિયો ક્યાંકથી દોટ મૂકીને આવશે તો મારા ઊઘરાણીવાળાઓનું શું થશે એની મને ફિકર થવા માંડી. મનમાં શંકરનો જાપ જપવો કે હરિનો જાપ જપવો, કૂતરાથી મને ઉગારવા માટે ક્યા દેવનું સ્મરણ કરવું એ પ્રશ્નો મનમાં ઊછળતાં હતાં. છેવટે ગુરુ દત્તાત્રયનું સ્મરણ કરતો હું આગળ વધ્યો. મારા મિત્રના બંગલાનો ઓટલો થોડાંક જ મીટર દૂર રહ્યો હશે અને હું હવે ત્યાં પહોંચી શકીશ એવી આશા સાથે હું કદમ માંડતો હતો ત્યાં તો કોણ જાણે ક્યાંથી વાઘ જેવા કૂતરાએ મને જોયો. મારાં ગાત્રો ગળી ગયાં. હું દોડ્યો એટલે એ પણ મારી પાછળ દોડ્યો. હું છલાંગ મારીને ઓટલા પર ચડી ગયો. કૂતરો પણ હાઈ જમ્પ કરવામાં એક્સ્પર્ટ હતો. એય મારી પાછળ ધસી આવ્યો.

ઓટલા પર એક નેતરના સોફામાં હું બેસી પડ્યો ને કૂતરાને સી…સ…સી…સ… કરવા માંડ્યો, પણ કૂતરો જાણે મારો પૂર્વજન્મનો પ્રેમી હોય તેમ મારાં ચરણોમાં આવી ઊભો. અને અમારી વચ્ચે એટલું અંતર પણ એનાથી ન વેઠાતું હોય તેમ છલાંગ મારીને સોફા પર ચડી ગયો. એની પૂંછડી પટપટ થતી જોઈ એટલે મને સહેજ રાહત થઈ. જે કૂતરા પૂંછડી પટપટાવે એ એકદમ કરડતાં નથી એવું મેં ક્યાંક વાંચ્યું હતું. પણ એ ક્યારે પૂંછડી પટપટાવવાનું બંધ કરે ને ક્યારે બચકું ભરે તેનો ભરોસો શો ? હું સોફા પરથી ઊભો થવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ કૂતરો મારા ખોળા પર આક્રમણ લાવવા માંડ્યો. હું એકદમ કૂદયો. બારણાં પર બેલનું બટન શોધવા માંડ્યો પણ બટન મળે નહિ ! મને એ મિત્ર પર ગુસ્સો આવી ગયો. બારણાં પાસે કૂતરો રાખે છે ને બેલ રાખતો નથી ! કૂતરાની દિલ્લગી મને પસંદ ના પડી. હું ઓટલા પરથી નીચે ઊતરી ગયો ને બંગલાની પાછળની બાજુ જવા માંડ્યો. કૂતરોય મારી પાછળ ને પાછળ…! મારો ગભરાટ વધતો ગયો. એણે હવે મારા ઝભ્ભાનો છેડો પકડવાનો પ્રયત્ન કરવા માંડ્યો હતો. હું હવે એનાથી કેવી રીતે છૂટવું તેની અકળામણમાં હતો.

મને મિત્ર પર ખૂબ ગુસ્સો આવ્યો. આપણને મળવા બોલાવે ને પછી કૂતરાને સ્વાગત કરવા માટે તૈયાર રાખે ! હું બંગલાનું ચક્કર લગાવી આવ્યો પણ બધાં બારણાં બંધ…! મને થયું, આજે ખરી પનોતી છે ! એટલામાં કૂતરો કોણ જાણે શું શૂર ચડી આવ્યું તે ભસવા માંડ્યો. એને ભસતો જોઈને ભરશિયાળે મને પરસેવો છૂટી ગયો. હું એ કમ્પાઉન્ડમાં એક જરા નીચું ઝાડ હતું તેના પર ચડવાનો પ્રયત્ન કરવા લાગ્યો એટલે કૂતરો રીસે ભરાયો હોય તેમ જોરથી ભસવા લાગ્યો. મારાથી ઝાડ પર ચડી શકાયું નહિ. મને આપણાં ભણતર પર ફિટકાર આવી ગયો. પુસ્તકો ગોખ્યાં ને પરીક્ષાઓ આપી એના કરતાં ઝાડ પર ચડવાનું શીખ્યો હોત તો જીવનમાં ઉપયોગી તો નીવડત !

એટલામાં બંગલાનું બારણું ખૂલ્યું. મારો મિત્ર નાહીને ટુવાલ પહેરીને ઓટલા પર સૂર્યનારાયણની પૂજા કરવા આવ્યો. મેં એકદમ એને બૂમ પાડી :
‘કમલેશ…. કમલેશ….’
કમલેશની નજર મારા પર પડી. મને એ ત્યાંથી પૂછવા માંડ્યો, ‘ત્યાં ઝાડ પાસે ઊભો ઊભો શું કરે છે ?’
મેં આંગળીથી કૂતરો બતાવ્યો. એ મિત્ર હસવા માંડ્યો. મેં ચીડથી કહ્યું :
‘તું હસે છે ને આ તારો શ્વજન ભસે છે. મારું તો હાર્ટફેલ થતાં રહી ગયું.’
મિત્ર કહે : ‘હાર્ટફેલ નહિ થાય, તું ગભરાયા વિના આવ…. કૂતરાને દાંત જ નથી !’
.

[2] બિમાર કા હાલ… ! – પલ્લવી મિસ્ત્રી

માણસજાતમાં ઘણા વિચિત્ર રિવાજો છે. ખબર કાઢવા જવાનો રિવાજ આમાંનો એક છે. ઘણા તો કોઈની જરા સરખા બીમારીની ખબર સાંભળી નથી કે ખબર કાઢવા દોડ્યા નથી. રખે ને પેલા હોસ્પિટલમાં જ ઢબી જાય અને પોતે ખબર કાઢવા જવાના રહી જાય તો ! ઘણાં તો ખબર કાઢવા જાય તે એટલો સમય ખબર કાઢે કે ચા-નાસ્તો અને ઘણીવાર તો સાંજનું જમવાનું પણ દરદીનાં સગાંવહાલાંઓ સાથે હૉસ્પિટલમાં પતાવીને પછી જ ઘરે પાછા ફરે. ઘણા હોસ્પિટલમાં ખબર કાઢવા જાય, ત્યારે ‘કદાચ સ્મશાને પણ જવું પડે’ એવી મનોમન તૈયારી કરીને જ જાય. ઘણા દરદીને એટલા બધા સવાલો પૂછપૂછ કરે કે દરદીને થાય કે આના કરતાં તો મરી ગયો હોત તો જવાબ આપવામાંથી તો મુક્ત થાત ! કેટલાક લોકોને ખબર કાઢવા જતાં ઘણો સંકોચ થતો હોય છે. એવાઓ માટે કેટલાંક સૂચનો અહીં આપું છું, જે યાદ રાખવા જેવાં છે.

[1] દરદી પ્રત્યે પોતાને સાચી સહાનુભૂતિ છે એ પ્રગટ કરવા ખબર લેવા જનાર વ્યક્તિ હંમેશાં ‘દિવેલિયું ડાચું’ રાખીને જાય છે. પણ આ રીત યોગ્ય નથી. તમારું મોઢું હસતું રાખો, જેથી ખબર પડે કે દરદી કોણ છે.

[2] બીમાર વ્યક્તિના ઘરે ખબર લેવા જાઓ ત્યારે જઈને કહો, ‘ભાભી, કંઈ ચા, નાસ્તો-બાસ્તો હોય તો લાવો. તમારા હાથની ચા પીધા વિના જવાય જ નહિ.’ જેથી ભાભીનું મન પ્રસન્ન થશે અને તમારું પેટ પણ.

[3] બીમાર વ્યક્તિ પાસે તમે જાણતા હો એટલા તાજા-વાસી જોક્સ કહી સંભળાવો. જેથી બીમાર વ્યક્તિને આરામથી ઊંઘ આવી જશે અને એનાં સગાંવહાલાંઓને થોડો આરામ મળશે.

[4] બાળકો તો પ્રભુનાં પયગંબરો (???) છે. ખબર કાઢવા જાઓ ત્યારે આવા એકાદ-બે પયગંબરોને સાથે રાખો. જેથી ‘મોન્ટુ, ટીવીની સ્વિચને ના અડાય, બેટા. ક્યારેક કરંટ લાગે. પિન્કી, પલંગ પર ચઢવું હોય તો પહેલા સેન્ડલ કાઢી નાખ જોઉં. જુઓ, બન્ને ઝઘડો નહિ, આન્ટી તમને બીજાં બિસ્કિટ આપશે. અન્કલને બા….બા… બ્લેકશીપ સંભળાવો જોઉં. હા… જરા મોટેથી, બેટા.’ વગેરે વગેરે સૂચના આપવામાં તમારું અને બીમાર વ્યક્તિનું તથા તેનાં સગાંવહાલાંઓનું ધ્યાન રોકાયેલું રહેશે અને એટલો સમય બીમારી ભુલાઈ જશે.

[5] દરદીની પાસે બેસીને શેરીથી માંડીને રાજધાની સુધીના સમાચાર અને છમકલાથી માંડીને પાણીપતની લડાઈ સુધીના સમાચાર સવિસ્તાર કહો, જેથી દરદીનો અને તમારો સમય સારી રીતે પસાર થશે.

[6] દરદીને થઈ છે એવી બીમારી અગાઉ કોને કોને થયેલી, એમાંથી કેટલા રામશરણ થયેલા, એમાંથી કેટલા રામશરણ થયેલા અને કેટલા બચી ગયેલા તે દરદીને કહો. તમે પોતે જે જે બીમારી ભોગવી ચૂક્યા છો તે વિશે અને થોડીક કાલ્પનિક ભયાનક બીમારીની વાત કરો. જેથી તમને સાજાસમા જોઈને દરદીને આશ્વાસન લેવું હોય તો આશ્વાસન લઈ શકે અને અફસોસ કરવો હોય તો અફસોસ કરી શકે.

[7] બીમારી દરમિયાન શું શું ખાવું અને શું શું ન ખાવું, કઈ કંપનીની દવા સારી અને કઈ કંપનીની દવા બોગસ, ક્યા ડૉક્ટર હોશિયાર અને કયા બુડથલ, એલોપથી દવા સારી કે આયુર્વેદિક કે હોમિયોપેથીક એ વિશેની વિગતવાર માહિતી દરદીને આપો. (એનો જીવ અને એનું માથું ખાઈ જાઓ) કે જેથી દરદીના મનમાં ચાલતી ગડમથલ દૂર થઈ જાય.

[8] દરદીના ઓળખીતા-પાળખીતા રસ્તામાં મળી જાય તો તેમ, નહિતર એ સર્વેના ઘેર જઈને દરદીની બીમારીની ખબર તેમને આપો કે જેથી તેઓ બધા ખબર કાઢવા જઈ શકે.

[9] હોસ્પિટલમાં મિત્રની ખબર કાઢવા જાઓ ત્યારે કચોરી, બફવડા, સમોસા, પાતરા જેવી મસાલેદાર આઈટમ લેતા જાઓ. ત્યાં જઈને કહો, ‘ભાભી, હું બેઠો છું. તમારે ઘેર જઈ જમી-બમી આવવું હોય તો જાઓ. રસોડું-બસોડું પતાવીને શાંતિથી આવજો.’ ભાભી ઘેર જાય ને ભાઈ એટલે કે તમારા મિત્ર એકલા પડે ત્યારે એન મસાલેદાર ચીજ ખાવા આપો. કડવી દવા પી પીને કંટાળેલો અને ઘરની રાબ-કાંજી-ખીચડી ખાઈને કંટાળેલો તમારો મિત્ર આવી મસાલેદાર આઈટમ ખાઈને ખુશખુશાલ થઈ જશે અને તમે બીમાર પડશો ત્યારે એ બદલો વાળી આપશે. ભાભી જમીને પાછાં આવે ત્યારે કહો, ‘ભાભી, આને હમણાં જ મોસંબી-સફરજન ખવડાવ્યાં છે અને નાળિયેર પાણી પણ પિવડાવ્યું છે. કાંજી સાંજે પાજો.’ બસ, એટલું યાદ રાખજો કે તમે કરેલા નાસ્તાની એકેય નિશાની (પડીકાનો કાગળ સુદ્ધાં) ત્યાં રહેવી ન જોઈએ. નહિતર તમારાં અંજળપાણી એ કુટુંબ સાથે પત્યાં સમજજો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરસેવાનો મહિમા – ગુણવંતરાય આચાર્ય
એક દૂજે કે લિએ – અવંતિકા ગુણવંત Next »   

22 પ્રતિભાવો : હાસ્ય મેવ જયતે !! – સંકલિત

 1. shirish says:

  કુતરાવાળી વાત કરી તે ભારે કરી.

 2. sujata says:

  આ લેખ વાંચી ને અમે દાંત કાંઢ યા ………….

 3. ૨) આ તો છાંટોપાણીની આદત વાળા દર્દીની ખબર કાઢતી વખતે લીલા નાળીયેરમાં વોડકા ભરીને લઈ જવા જેવી સલાહ આપી!

  મજા પડી. 🙂

 4. Soham says:

  મજા પડી ગઈ….

 5. pragnaju says:

  ‘હોસ્પિટલમાં મારી ખબર કાઢવા જાઓ ત્યારે કચોરી, બફવડા, સમોસા, પાતરા જેવી મસાલેદાર આઈટમ લેતા જાઓ.’
  આ તો મારી વાત-ગંમ્મતમાં લીધી??
  બન્ને રમુજોનું મઝાનું સંકલન

 6. Devendra Shah says:

  મધુસદનભાઈએ તો !!!!!! શુ કહેવુ એક્દમ્મ જ મજા પડી ગઈ.
  …..અને પલ્લવિબેન તમેય શુ! સરસ આનન્દ થઈ ગયો.

 7. PARMANAND says:

  મજા પદિ મારા મૈલ પર મોકલ્જો આ હસ્ય

 8. hasmukh says:

  મજા પડી ગઈ હો

 9. Dhaval B. Shah says:

  મજા આવી ગઈ.

 10. Neha Pancholi says:

  મજા આવી ગઈ.

  કુતરાની વાત કરો તો હુ પણ આજ કસ્તિની સવાર.

  Very funny.
  Thanks
  – Neha

 11. Aparna says:

  first story is mind blowing
  i could visualise the whole situation and i could not stop myself from laughing aloud
  (people outside my office are staring at me!! 🙂

 12. Chetan says:

  ખુબ જ સરસ !

 13. bhavesh says:

  બહુ મજા નો લેખ છે.આવા લેખો લખતા રેજો .ભાષા પણ ઘણી સરળ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.