આસમાની – રમેશ ર. દવે

‘આજકાલ કંઈ બહુ ગુમસૂમ રહો છો !’
‘એમ ?’
‘કોઈ ચિંતા કરતું હોય ત્યારે સામો સવાલ પૂછવાનો ?’
‘ના, સૉરી…. પણ….’
‘પણ શું ? ડાઈનિંગ ટેબલ પર કે રાતે ટીવી જોતાં ત્રણચાર દિવસથી તમારી ચટાકેદાર, ડૉલી જેને અફલાતૂન કહે છે એ કૉમેન્ટ્સ સાવ બંધ છે ને સૂતી વખતે પણ નિસાસા…..’
‘હા… પણ એ તો….’
‘હોય એમ જ ને ? હોય – એની તો હુંય ક્યાં ના પાડું છું. માણસ છીએ એટલે…. પેલી નાટકમાં ગવાતી’તીને એ ગઝલ ‘એક સરખા દિવસો…’ વારાફેરા તો આવે પણ જે ‘કંઈ’ હોય એનુંય કોઈ ને કોઈ કારણ હોય અને જો કારણ જાણવા મળે તો એને થઈ શકે એમ હોય તો દૂર પણ કરી શકાય…..’
‘બ્રેવો ! તેર તાળીનું માન. શું લાજવાબ એનાલિસિસ થયું છે ! લૉજિક કોણ ભણાવતું હતું ? કેટલા માર્ક્સ આવતા હતા ?’
‘ના, મન ન હોય તો ભલે ન કહેશો પણ એમ ખોટાં વખાણ કરીને ચણાના ઝાડ પર ચડાવીને વાતને આડે પાટે ન ચડાવશો.’
‘ન કહેવાનું તો શું હોય ને વાતને આડે પાટે પણ શું કામ ચડાવું ? તારાથી કદી છાનો શ્વાસ પણ લઈ શકાય એવું ક્યાં રહ્યું છે ? પરણ્યા પછીની જિંદગી તો તેં તારી આંખે જ જોઈ છે ને એ પહેલાંની….’
‘રજેરજ તમે કહી છે ! એટલે તો કહું છું, હાલ મન ન વધતું હોય તો કંઈ નહીં; કાલ-પરમ દિવસે, નિરાંતે પછી કહેજો. પણ મને તો એમ થાય કે પથારીમાં પડતાંવેંત પડખું ફર્યા નથી ને તરત સૂઈ જનારા આ ભલા માણસ મણ મણના નિસાસા કેમ મૂકે છે, એટલે યાદ રાખીને પૂછ્યું !’
‘કેટલા વાગ્યા હશે ?’
‘કેમ ? ક્યાંય જવાનું છે ?’
‘અગિયાર તો થયા હશે ને ?’
‘અરે હોય ? સાડા અગિયારે તો હું આવી ટીવી બંધ કરીને. ઓછામાં ઓછા પોણાબાર તો થયા જ હશે.’
‘ત્યારે હવે રહેવા દે. ચાલ, પીઠ પંપાળી દે ઘડી વાર એટલે ઊંઘ આવી જાય !’
‘વાંસો તો પંપાળું પણ રહેવા નથી દેવું. શું કહેતા હતા ? કહો જોઉં !’

‘એક કાગળ આવ્યો છે. પણ અત્યારે વાંચીશ તો અમસ્તી તારીય ઊંઘ ઊડી જશે. સવારે વાત…’
‘ના, સવારે તો ઊઠતાંવેંતે હું ચકરભમરડી હઈશ બાર વાગ્યા સુધી… ક્યાં છે કાગળ ? કોનો છે ?’
‘યાદ નથી; કદાચ ઑફિસમાં જ હશે, વનિતાની કોઈ શામલી કરીને પુત્રવધૂ છે. પાછું હવે એ ન પૂછતી શું કામ લખ્યો છે !’
‘તમને જુઠ્ઠું બોલતાં કદી આવડ્યું છે ? આવો કાગળ તમે કદી ઑફિસમાં મૂકતા હશો ? વાંચવા જેવો ન હોય તો કંઈ નહીં શું કામ ને શું લખ્યું છે એ કહી દો એટલે મને નિરાંત થઈ જાય ને તમને ઊંઘ આવી જાય….’
‘ના, એ કરતાં તો તું જ વાંચ. જો, બ્રીફકેસમાં આસમાની રંગનું કવર છે, જડશે ને ?’
‘તમે જડી ગયા છો આવા સારા ને પાછા પૂછો છો…..’
‘હા, હા હું બહુ સરસ છું એ તો પીઠ ખણવા – ખંજવાળવાનું કોરાણે મૂકીને આ ચાલ્યા એનાથી જ પરખાઈ આવે છે. પણ જો સાંભળ, અત્યારે માત્ર પત્ર વાંચવાનો જ હં… જોકે એય ખાસ્સો લાંબો છે ને સાંભળ, પેટાપ્રશ્નો ને સલાહસૂચનો વગેરે વગેરે બધું કાલે; બરાબર ?’
‘યસ સર !’ કહેતાં કૌશલ્યાએ બ્રીફકેસ ખોલી કવરમાંથી પત્ર કાઢીને મનવંતરાયના હાથમાં મૂક્યો.
‘વાહ ! શાં આજ્ઞાંકિત છે અમારાં….’
‘એ તો છીએ જ ને ?’
મનવંતરાય ઘડીપળ કૌશલ્યાના રૂપેરી થઈ રહેલા વાંકળિયા વાળને તાકી રહ્યા પછી પત્ર લંબાવ્યો. કૌશલ્યાએ ટયૂબલાઈટ બંધ કરી રીડિંગ લૅમ્પ કર્યો અને પત્ર પર નજર કરતાં કહ્યું : ‘અક્ષરો હજુ કાચા છે, શામલી નાની લાગે છે…’
‘હા પણ અક્ષરો જ. પર્સનાલિટી તો…. પણ એ તો તું પત્ર વાંચશે એટલે તને….’ મનવંતરાયનું વાક્ય અધૂરું રહ્યું ને કૌશલ્યા પત્રમાં પહોંચી ગઈ…

આદરણીય મુરબ્બી શ્રી મનવંતરાયજી,
શામલીના સાદર પ્રણામ. આટલું વાંચતાં તમને થશે કે આ ઓળખાણ-પિછાણ વિના સાદર પ્રણામ કરવાવાળી શામલી વળી કોણ છે અને ક્યાંથી ફૂટી નીકળી ? આમ થાય એવો જ તાલ છે. એટલે બીજું કંઈ લખું – કહું એ પહેલાં હું મારો પરિચય આપી દઉં : હું શામલી વિનાયક. એટલે તમારાં યુવાનીનાં બહેનપણી વનિતાજી એટલે કે અમારાં બાની પુત્રવધૂ…. સૉરી, માત્ર પુત્રવધૂ નહીં, બીજા નંબરની અને એટલે નાની પૂત્રવધૂ. વિનાયક મારા પતિનું નામ નથી. એમનું નામ તો મનીષ પણ વિનાયક એટલે અમારા દાદાજી. અમે બધાં આજે ‘વિનાયક્ઝ’ તરીકે જ ઓળખાઈએ છીએ. આટલું વાંચ્યા પછી, ધારું છું કે વાયા વાયા પણ ઓળખાણ પડી હશે. તેમ છતાંય જો કંઈ યાદ ન આવતું હોય – આવ્યું હોય તો બાએ મહામહેનતે સમજાવ્યું છે કે મારે તમને એમની ઓળખાણ આપવા માટે તમારા હોમટાઉનના રેલવે સ્ટેશનની સામે આવેલા શિવાલયના મોટા બધા મેદાનમાં એક જ લાઈનમાં ઊભેલાં કૈલાસનાં ત્રણ ઝાડ અને એનાં, અદ્દલ શિવલિંગ અને એના થાળા જેવા ફૂલની યાદ અપાવવી. આ વાત વાંચ્યા પછીય જો તમને કંઈ યાદ ન આવે તો બાએ લખાવ્યું છે કે આ પત્ર આગળ વાંચવાની જરૂર નથી. કૃપા કરીને એને ફાડીને ફેંકી દેજો. જોકે હું ધારું છું એમ નહીં જ થાય. પહેલા પરિચય-પ્રેમની કેટકેટલી નજીવી વાતો પણ….

‘છોકરી જબરી સ્માર્ટ છે !’ કૌશલ્યાથી બોલી જવાયું. મનવંતરાય મરક મરક હસતા રહ્યા.

‘….તો હવે આ પત્ર લખવાનું કારણ જણાવું ? અમારાં બાએ સંથારો કર્યો છે. ના, અમે જૈન નથી. પણ માણસ જાતે ચાહીને દેહ છોડવાનું નક્કી કરીને ખોરાક લેવાનું બંધ કરી દે એને સંથારો જ કહેવાય ને ? મેં બાને આ શબ્દ કહીને પૂછ્યું તો એમણે શું કહ્યું, ખબર છે ? બા કહે : ‘બેટા, સંથારો તો સાધુસંતો કરે અને એય કંઈ મારી જેમ થાકી-હારીને નહીં; સાવ સાજાસારા સમાધિ લે ! જ્યારે હું તો….’ કહેતાં કહેતાં એમની આંખો ઊભરાઈ ગઈ હતી ને મેં આંસુ લૂછતાં વાર કરી હતી. રડવું આવે તો ભલે રડી લે. મને રડી શકનારા માણસો ગમે છે, પણ બા હવે થાકી ગયાં છે. ચાર વર્ષથી સતત બેડરિડન છે. મેં હમણાં કહ્યું નહીં, આંસુય આપણે લૂછીએ તો લુછાય, પૅરૅલિસિસ. બસ, એક હૈયું સાબૂત છે ને આ કાગળ છે એનો પુરાવો. જોકે વાતો તો કરે પણ એ મને – અમને ટેવવાળાને જ સમજાય. એક દિવસ અમે બે એકલાં જ ઘેર હતાં. હું શિવાજી સાવંતની નવલકથા ‘મૃત્યુંજય’ વાંચી સંભળાવતી હતી. ઘરનાં સૌને કંઈ કામધંધો છે ! હું એક જ ખાલી છું. મને ઘર ગમે છે. બાનું કંઈ કામ ન હોય તો ઘરનાં બેચાર કરવાં જેવાં કામ પણ કરી લઉં. એ પછી હું બાની સાથે અને એમની આસપાસ…. કહેવા જતી હતી, પડછાયાની જેમ પણ પથારીમાં સૂતેલા માણસનો પડછાયો ક્યાં પડે ? બીમારીની વાત જ એવી…. રાતે બાની બીજી બૂમેય બાપાજી ન જાગે તો હું અમારા રૂમમાં સડાક કરતી બેઠી થાઉં પણ મનીષ મને વારે ! હા, પણ હું વાત કરતી’તી બાએ મને વાંચતી અટકાવીને પૂછેલા પ્રશ્નની :
‘શામલી, બેટા, મારું એક કામ કરીશ !’
‘આમ પૂછો છો કેમ ?’
‘કામ એવું છે ને, એટલે…’
‘તમારું કયું કામ; ક્યારે નથી કર્યું ?’
‘બધું જ કરે છે ને તોય કામ જાણ્યા પછી ન ગમે તો તું ના પાડીશ તો મને ખોટું નહીં લાગે; તું તારે…’
‘પણ એક વાર તમે કહો તો ખરાં !’
‘એમ ઝટ દઈને કહેવાય એવી વાત નથી શામલી !’
‘સંથારે સૂતાં છો બા તોય….’
‘માણસનું મન બહેન, બીજું શું ? તારી વાત સાચી છે. પરવારી જવા બેઠી છું ને છતાં.. પણ જવા દે, તું સાચું કહે છે એવો મોહ આ અવસ્થાએ…’
‘ના, ના મારું એમ કહેવું નહોતું. મેં તો કહ્યું કે તમારે વળી, સારી ને નરસી એવી વાત શી હોય ? તમારે તો મનમાં આવે એ કહી દેવાનું, બીજું શું ?’
‘તોય શોભતી વાત શોભે !’
‘ના, હવે તો કહેવું જ પડશે. લો, હાથમાં હાથ મૂકીને કહું છું કે ઘરમાં સૌથી નાની છું પણ તમે કહેશો તેમ કરીશ ને હકદાવે કરાવવું પડશે તો કરાવીશ પણ ખરી. જોકે બાપાજીએ તમારી કઈ વાત ટાળી છે ? આ સંથારાની જીદ તમે કરી તો એય બાપાજીએ હૈયું કઠણ કરીને હસતે મોઢે સ્વીકારી જ છે ને ? બાકી તમારા આ નિર્ણયથી એમનું હૈયું કેવું ભડભડ બળતું હશે એ તો તમારાથી વધારે કોણ જાણે ?’
‘એટલે તો વળી વળીને થાય છે કે રહેવા દઉં ! માણસ છું એટલે મન ગોથું ખાઈ ગયું પણ તું તારે આગળ વાંચ…’
‘ના, બા હવે ન કહો તો તમને મારા જ નહીં મનીષના સોગન !’
‘સાવ ગાંડી છોકરી છો તું ! તારા પોતાના ઓછા હતા તે મનીષના સોગન દીધા ? તું કંઈ મારે મનીષથી કમ છે બેટા ?’
‘બસ ત્યારે, ડાહ્યાં થઈને મનની વાત કહો, પાછું હમણાં કોઈ આવી ચડશે….’
‘તારે એક કાગળ લખવાનો છે….’
‘મારે ? કોને ?’
‘કહું છું – મનવંતને.’
‘એ કોણ ? આપણાં શું થાય ?’
‘આમ ગણો તો કશુંય નહીં પણ આમ ગણો તો…. તો ઘણું બધું !’
‘એટલે ?’
‘લુચ્ચી, જાણીકરીને પૂછે છે ને !’
‘ચાલો, જાણી કરીને નહીં પૂછું; તમે જ કહો, કોણ આ મનવંતરાય ?’
‘છે નહીં, હતાં.’
‘એટલે કે હાલ નથી એમ ?’
‘ભગવાન એમને સો વરસના કરે. એ તો એ બેઠા મજાના અમદાવાદ. પણ હવે એ આપણાં એટલે કે મારા કંઈ થતા નથી.’
‘પણ પહેલાં તો કંઈક થતા હતા ને ? એ કહોને !’
‘એમ બધું ફોડ પાડીને કહેવાની જરૂર છે ?’
‘ના, સમજાઈ તો ગયું છે પણ તમારે મોંએ સાંભળવું છે.’
‘તુંય જબરી બલા છો, બીજું તો શું હોય ? અમે નક્કી કરેલું, લગ્ન કરીશું !’

ઓહ માય ગોડ ! સંથારે સૂતેલી, લગભગ સાવ અપંગ થઈ ગયેલી સ્ત્રી આટલી સુંદર, મોહક લાગી શકે – એ વાત, જો મેં જાતે વનિતાબાને જોયાં ન હોય તો માની જ ન શકત. કેવા કમનસીબ છો મનવંતરાય ? જોકે ના, કમનસીબ શેના ? મૃત્યુની રાહ જોવાની પળે વનિતાબા તમારું સ્મરણ કરે છે અને એ પણ કેવાં મુગ્ધ થઈને ! મીઠી અદેખાઈ આવે છે તમારી. પણ રહો, પહેલાં બાની વાત પૂરી કરી લઉં – મેં પૂછ્યું :
‘તો હવે ?’
‘બસ, એક વાર જોવાનું મન થયું છે. તું એમને કાગળ લખીશ કે મળી જાય ઊભાઊભ ! મને થાય છે કે…’
‘સરનામું ?’
‘સરનામું તો….’
‘નથી ?’
‘સાવ એવું તો નહીં, અમદાવાદમાં ઑલ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીમાં મોટા ઑફિસર છે.’
‘ઘરનું સરનામું નથી ?’
‘ના, એટલે તો કહું છું રહેવા દે !’
‘અરે, હોતું હશે ? અમદાવાદ ક્યાં અમેરિકા છે ? જરૂર પડશે તો જાતે જઈને ખોળી કાઢીને લઈ આવીશ.’
‘પણ તારા સિવાય કોઈને ખબર ન પડવી જોઈએ, હોં !’
‘બાપાજી પણ નથી જાણતા ?’
‘ના, વીતી વાતોનો શો મોહ ?’
‘ને અત્યારે તમે કરો છો એ ?’
‘તું તો સ્ત્રી છે, મારી દીકરી….’ કહેતાં વનિતાબાની આંખો ફરી ચૂઈ પડી. પાલવથી આંસુ લૂછી એમની આંખો ચુમાઈ ગઈ મારાથી. પછી કહ્યું : ‘હવે તમારે શાંતિથી મારો ખેલ જોવાનો. મારા દૂરના ફુઆ જે આફ્રિકાથી લંડન જઈને વસ્યા છે એ તમને વંદન કરવા આવશે, બરાબર ? પણ બા, હું એમને ઓળખીશ કઈ રીતે ? કોઈ ફોટોગ્રાફ, ચહેરા પર દેવદાસે પારુને કરી આપી હતી એવી કોઈ નિશાની ?’
‘એ સવાલ તો મનેય થયો હતો પણ અમારા જમાનામાં ફોટાની તો વાત જ ક્યાં હતી ? અને પચાસ વર્ષ પહેલાંની વાત….. એ કેવા લાગતા હશે – કેમ કરીને કહું ? અને શામલી, મૂળ વાત તો હુંય એમને યાદ રહી હઈશ ખરી ? જવા દે ને દીકરા, આ બધું !’
‘ના, મને માત્ર એટલું કહો, કપડાં કેવા પહેરતા ? આઈ મીન ફેવરિટ રંગ કયો ?’ તમે નહીં માનો પણ બાની આંખોમાં તેજ છવાયું અને એમણે કહ્યું : ‘એમનો નહીં પણ મારો ગમતો રંગ આસમાની; એ રંગનું શર્ટ એમને ખૂબ ફળતું-શોભતું !’
‘ધેન ઓકે ! નાવ ડોન્ટ વરી. તમારા મનવંતરાય ઉર્ફે મારા દૂરના વિદેશવાસી ફુઆજી આસમાની રંગનું શર્ટ પહેરીને તમને મળવા… નો… નો.. તમને વંદન કરવા આવે છે, બરાબર ?’
‘તારો આ ઉપકાર, આમ સંથારે સૂતી છું ને કહું છું – ખોટું નહીં બોલું – આ ઉપકાર ફેડવા તારી દીકરી થઈને અવતરવું પડશે શાલુ બેટા !’
‘તો પછી શાલુ બેટા શેનાં કહો છો ? આજથી જ પ્રેક્ટિસ શરૂ કરી દો ‘આઈ’ કહેવાની; શામલી આઈ ! ખોટું કહું છું ?’

તો મનવંતરાયજી સમજાઈ ગયું ને આ પત્ર લખવાનું કારણ ? અને આવો છો ને ? તમારા આવવાનાં તારીખ, સમય, મને મારી બહેનપણીનાં કાગળના અંતે લખેલા સરનામે, તમારે તમારા ઑલ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીના ખાખી કવરમાં જણાવવાનાં અને ઘેર આવો ત્યારે યાદ રાખીને અચૂક સ્કાય બ્લ્યૂ એટલે કે આસમાની રંગનું શર્ટ, બાની પસંદગી મુજબનું અને સફેદ પેન્ટ મારા સંકેતો માટે પહેરવાનાં, બરાબર ? આટલું ભૂલ્યા વિના કરજો નહીંતર એંધાણી વિના હું ક્યાંક આંધળે બહેરું કૂટી મારીશ !

તો, તમે આવો છો મનવંતરાય. જોકે આમ, મનવંતરાય – મનવંતરાયજી લખું છું – કર્યા કરું છું એ ફાવતું નથી. તમને તમારાં સંતાનોનાં સંતાનો શું કહે છે ? દાદાજી ? તો દાદાજી તમારા પગે મારા હાથ મૂકી, એને વળતાં આંખ-માથે અડાડીને માગું છું, તમે આવશો ને ? બાને ખાતર… જોકે હવે તો મનેય તમને જોવાનું-મળવાનું બહુ મન છે; અને હોય જ ને ? તમે મારા દૂરના પણ ફુઆ થાઓ છો ! ફોઈને જાણ્યા-જોયા વિના આ સંબંધ…. પણ મેં એમને જોયા તો ક્યાંથી હોય ? ખુદ બાનેય એમના નામની ખબર નથી પણ એ અજાણ્યાં ફોઈને, આમ, ગાંડી વાત લખનારી ગાંડી ભત્રીજીનાં પ્રણામ કહેશો ને ? કાગળ સડસડાટ લખ્યો છે – લખાયો છે. મૂળે વાત જ એવી છે કે કદાચ મોં-માથું મેળમાં ન હોય તો તમે ધડ બેસાડી લેજો. હા, બાનો એકેએક શબ્દ યાદ રાખીને ટાંક્યો છે. મૂળ વાત તો એમની જ છે ને ? એમની આવી, ચાહવી ગમે એવી અંતિમ ઈચ્છા હું આ કાગળ લખીને તમને પહોંચાડી શકી હોઉં તો ભયો ભયો. ઘરમાં અન્ય સૌને ઘટિત. પત્રમાં ઘર અને ઑફિસના ફોન નંબર પણ ભૂલ્યા વિના લખશો ને ?

-તમારી શામલીનાં ફરી સાદર પ્રણામ.

મારી બહેનપણીનું સરનામું :
કુસુમ કુલકર્ણી
2/21 બીચક્વીન એપાર્ટમેન્ટ્સ,
35/બી આઝાદ રોડ, જૂહુ. મુંબઈ-4000049.

કૌશલ્યાએ પત્ર પૂરો કરી મનવંતરાય સામે જોયું. એમની આંખોમાં આતુરતા હતી પણ એને વારી લેતી સ્વસ્થતાથી એમણે પહેલાં કૌશલ્યાના વાળની લટને કપાળ પરથી સહેજ આઘી કરી અને પછી રીડિંગ લેમ્પ બંધ કર્યો.
*****

વળતી રાતે ફરી રીડિંગ લૅમ્પ થયો અને કૌશલ્યાએ ફરી પત્ર વાંચતાં વાંચતાં પૂછ્યું : ‘આમાં સૌથી વધારે સરસ વાત કઈ છે ?’
‘એટલે ?’
‘એટલે એમ કે કયો ફકરો સૌથી વધારે ગમે છે ?’
‘પણ એનું શું કામ છે ?’
‘એક વાર કહો તો ખરા !’
મનવંતરાયે પત્ર હાથમાં લીધો અને આમતેમ નજર કરતાં કરતાં, પાનાં ફેરવતાં છેલ્લા પાને અટકી જઈ, ઊંડાં શ્વાસ લઈ વાંચ્યું : ‘તમને તમારાં સંતાનોનાં સંતાનો શું કહે છે ? દાદાજી ? તો દાદાજી તમારા પગે મારા હાથ મૂકી, એને વળતાં આંખ-માથે અડાડીને માગું છું, તમે આવશો ને ? બાને ખાતર…’
‘સરસ છે ! હવે મને કયો ફકરો વધારે ગમ્યો એ કહું ?’
મનવંતરાયે હકારમાં પોપચાં ઢાળ્યાં પછી પત્ર કૌશલ્યાને આપીને ઉત્સુકતાથી જોઈ રહ્યા. કૌશલ્યાએ પત્રની ગડી વાળી એને ઓશીકા નીચે મૂકી મનવંતરાય સામે અપલક જોઈ કહ્યું : ‘મને તો ગમે છે આ વાક્ય….: અમે નક્કી કરેલું, લગ્ન કરીશું’ અને એ વાક્ય બોલાયું એ સમયની વનિતાની મન:સ્થિતિનું શામલીએ કરેલું વર્ણન : ‘ઓહ માય ગોડ ! સંથારે સૂતેલી, લગભગ સાવ અપંગ થઈ ગયેલી સ્ત્રી આટલી સુંદર, મોહક લાગી શકે – એ વાત, જો મેં જાતે વનિતાબાને જોયાં ન હોય તો માની જ ન શકત. કેવા કમનસીબ છો મનવંતરાય ? જોકે ના, કમનસીબ શેના ? મૃત્યુની રાહ જોવાની પળે વનિતાબા તમારું સ્મરણ કરે છે અને એ પણ કેવાં મુગ્ધ થઈને ! મીઠી અદેખાઈ આવે છે તમારી !’
‘એ પણ સરસ છે. જોકે આમ તો આખો મર્મ જ…. પણ’
‘પાછું ‘પણ’ આવ્યું ? પણ શું ?’ કૌશલ્યાએ લુચ્ચું હસતાં વળતો પ્રશ્ન કર્યો.
‘બીજું શું આ પત્ર….’
‘પત્ર આખો સરસ છે, બીજું શું ?’
‘ના, તું એમ મને વધુ મૂંઝવ નહીં; ચોખ્ખેચોખ્ખું કહી દે. મને કંઈ સૂઝતું નથી, એક બાજુ એમ થાય છે કે જવું જોઈએ પણ…..’

‘તમે પુરુષો આવી બાબતે કેમ કમઅક્કલ જ સાબિત થતા હશો ? આમાં પણ ને બણની વાત જ ક્યાં છે ? આખી વાત દીવા જેવી સાફ છે. અને તમને ગમતા પૅરેગ્રાફ જ કહી દે છે કે તમારે જવું જ જોઈએ. ને છતાં તમે ન જવાના હો તો મને ગમેલા પૅરેગ્રાફની દુહાઈ દઈને કહું છું : ‘તમારે જવું જ જોઈએ તમે નહીં જાઓ તો મને અજંપો રહેશે જીવનભર ને જશો તો તમને એક સારું, સરસ કામ કર્યાનો સંતોષ થશે. મને કંઈ આ આપણી ભત્રીજી શામલી જેવું કહેતાં – માંગતાં ન આવડે પણ તમે જાઓ તો….’
‘પણ, આમ સાવ સંધ્યા ટાણે, કોઈના ઘેર સાવ અજાણ્યા….’
‘સંધ્યાવેળાનું તો મહત્વ છે અને સાવ અજાણ્યા તો તમે બીજા બધાં માટે ને ? વનિતાને કેવું સારું લાગશે ? અને આપણી શામલી ખરું નંગ છે – એ પૂરી કાબેલ છે – એના ઉપર જ છોડી દો ને કાગળ લખી દો, જો જો પાછા ફોન નંબર ભૂલતા નહીં; નહીંતર એનું સરનામું…. જોકે એની બહેનપણીનું સરનામું તો છે ને ?’ – કહેતાં કહેતાં ઊભાં થઈ કૌશલ્યાએ કબાટ ઉઘાડી, બૉક્સ લઈ, બે હાથે મનવંતરાયની સામે ધરી હંમેશના આદેશાત્મક સૂરે કહ્યું : ‘ખોલો ને જુઓ !’

મનવંતરાયે સેલોટેપ ઉખાડીને બૉક્સ ખોલ્યું ને આભા બની ઘડી પળ કૌશલ્યા સામે, ઘડી પળ બૉક્સમાં જોઈ રહ્યા : ઝોડિયાકના આસમાની રંગના શર્ટના ખિસ્સામાં ભરાવેલા નાના એવા કાર્ડમાં લખ્યું હતું : ‘વિથ બેસ્ટ વિશિઝ.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous છાત્રાલયનું પ્રવેશ ફોર્મ – નટવર પંડ્યા
ધોરી – કીકુ ઈનામદાર Next »   

24 પ્રતિભાવો : આસમાની – રમેશ ર. દવે

 1. first love never ferget

 2. D says:

  એક સ્ત્રી જ બીજી સ્ત્રી ને સમજી શકે છે.

 3. Ravi , japan says:

  Wow what an amzing story !!
  thats called first love = true love = always remember

 4. Sapna says:

  I like whole letter not only one paragraph, very touchy writing.

 5. payal says:

  very original, very convincing story… love the writer’s style and choice of words.. the story just flows and I didn’t want to pause even for a second. excellent!

 6. jinal says:

  ખુબ જ સરસ વાર્તા …પ્રેમ તો નિર્દોશ હોય છે અને આ તો પાછો પહેલો પહેલો પ્રેમ ..કોઇ કેવી રીતે ભુલી શકે..

 7. પ્રેમ એટલે પ્રેમ !
  સરસ વાર્તા! પેમની પરિભાષા શું? પ્રેમને કોણ સમજી શક્યુ છે?
  આવી જ પ્રેમની વાર્તા મારા બ્લોગ પર વાંચવા કૃપા કરશો.

 8. Naimisha says:

  what a lovely story….

 9. GIRISH H. BAROT says:

  bahu j saras ane heart touching story,ekdam saral rajuat,vanchi ne aankh ma ‘ansu’ ubharya.lekhashri ne mara khubh j bhav bhina ‘abhinandan’.

 10. Urmila says:

  beautiful story –

 11. Shruti Shastri says:

  આ વાર્તાની સારામાં સારી વાત એની ભાષામા રહેલી પારદર્શકતા છે. લાગણીને સરળ ભાષા મા રજુ કરવુ એટલુ સહેલુ નથી હોતુ અને છત્તા પણ એને સમજાવાની એનાથી ઉત્તમ રીત નથી હોતી.

 12. payal says:

  Very nice story….. very very touching…..

 13. Rajshri says:

  Very nice story. Very big heart of Kaushalya. Last para was very touching and full of depth. Nobody can understand her’s feeling.

 14. ambika prasad says:

  નારિ તે નારિ જ …બાકિ બધા તેનિ પાસે ભરે પાનિ…..

 15. Vaishali Maheshwari says:

  Beautiful story Mr. Ramesh Dave.

  Very different than all those stories that I have read so far.
  The letter that Shamli had written, described in this story, has wonderful wordings. It was enjoyable to read this letter.

  Enjoyed reading the story overall also.

  Good job.
  Keep it up!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.