ધોરી – કીકુ ઈનામદાર

[‘કુમાર’ સામાયિક જૂન, 2008માંથી સાભાર.]

અમારું ગામ એટલે ગાયો-ભેંસો-બળદ-ઘેટાંબકરાંનું ગામ. તેમની સંભાળ રાખનાર લોકોનો ખેતીનો વ્યવસાય. કોઈ ફળિયું એવું નહિ હોય જ્યાં આ પશુઓમાંથી કોઈનું કોઈ ન હોય ! બળદ સિવાય બધાં દૂધ આપે. ભેંસ તો અખેપાત્ર. ખેડૂત દેવું કરીને પણ ભેંસ રાખે. આંગણાની શોભા જ ભેંસ અને બળદ. દીકરી પરણે તો ખાતોપીતો બાપ દીકરીને કરિયાવરમાં ભેંસ આપે. ભેંસ દૂધ આપે, પૈસા આપે, ઘી આપે અને ખાતર પણ આપે. પછી આપે પાડી ! ગામમાં ચકલીઓ ઘણી, પણ પાણી આપે તેવી એક ન મળે. ભેંસને પાણી મનમાન્યું જોઈએ. એટલું પાણી કૂવેથી કોણ ભરી લાવે ? એટલે ભાગોળે કૂવા પાસે હવાડો હોય ત્યાં ભેંસો જાય, પાણી પીએ. કોઈ કોઈ ખેડૂત નવડાવી પણ નાંખે. જો ભેંસ પોદળો કરે તો સ્ત્રી દડમાં કૂંડાળું કરીને બોટી રાખે. પાછાં વળતાં પોદળો ભેંસની પીઠ ઉપર મૂકે અને ઘરે આવી વાસીદામાં ઉમેરી દે.

ચોમાસું ગયા પછી આખો ચરો નવા ઘાસથી લીલો થઈ ગયો હોય. બપોરે બાર વાગે રબારી ફળિયે ફળિયે જાય અને ચકલામાં ઊભો રહે. લાંબી લાકડી બોચી ઉપર મૂકેલી હોય, તેને બે છેડે બન્ને હાથની આંટી મારી આંગળીઓ કાનમાં ખોસે, આંખ બંધ કરે ને ‘ધોરી છોડજો….’ એમ લાંબે લહેકે બૂમ પાડે. એટલે ભેંસોનો પ્રવાહ શરૂ થઈ જાય. રસ્તો પોદળાથી ભરાઈ જાય. સ્ત્રીઓ વીણી લે. પોદળો કઠણ હોય તો સીધો જ ઝીલી લે. પછી છાંણાં થાપે. બળતણમાં તેનો ઉપયોગ થતો.

ભેંસોનો પ્રવાહ તળાવમાં ઠલવાય. આખું તળાવ પાણીમાં ડૂબેલા કાળા પથ્થરોથી ભરાઈ જાય. પાણી પીને-નાહીને કાફલો ચરામાં અડ્ડા જમાવે. મન લલચાવે તેવું લીલું ઘાસ ભેંસો ચરે, ફરે અને વિશાળ વડના છાંયામાં ટોળે વળીને બેસે અને વાગોળે. આરામ કરવા રબારીની જેમ આડી પણ પડે. નમતો પોર થાય એટલે રબારી પછેડી ખંખેરી લાંબી ડાંગ સંભાળે અને બૂમ પાડે કે આખો સમૂહ કહ્યાગરા વિદ્યાર્થીઓને જેમ ચાલવા માંડે. રસ્તો એ જ. પછી તળાવ. ભેંસો બપોરે જમી હોય, તપી હોય અને તરસી પણ થઈ હોય એટલે ભરપેટ પાણી પીએ. ટાઢક વળે ત્યાં સુધી નહાય. પાણી ગમે એટલે ડૂબકી પણ મારે. બહાર નીકળી શરીર ખંખેરે. કોઈ ભેંસ ભૂલી નહિ પડે. ખીલે બંધાય ત્યાં તો ગરમ, હૂંફાળા દાણનો ટોપલો તૈયાર હોય. ધાવતા બાળકની જેમ ભેંસ ટોપલાને વળગી પડે. બા દોહવા વળગી પડે. પવાલી દૂધ-ફીણથી ઉભરાય. શેડનું સંગીત પવાલીમાંથી રેલાય. કેવા દૂધ ભરેલા દિવસો ! બા પીઆનો વગાડતી હોય તેમ આંચળ દબાવે ને દૂધ કાઢે. હૂંફાળા દૂધ સાથે સાંજે બાળકો અને દાદા રોટલાનું વાળુ જમે. શાકની કોઈ જરૂર નહિ. સાંભરે પણ નહિ.

સવારે મોટા ભાગનાં ઘરોમાં વલોણું સંભળાય એટલે મોટી કાળી ગોળીમાં બા કાળી દોણીમાંથી દહીં નાખે. બા-બાપુ તેને વલોવે. હૂંફાળું પાણી રેડે. ફરી પાછા નેતરાં પકડે. છેલ્લે ઝૈડકા દે એટલે માખણ ઉપર તરી આવે. છોકરાં વાડકો ભરીને તાજી છાશ લે. તેમાં જીરું મીઠું નાંખે અને લિજ્જતથી પીએ. ક્યાં એ સુવાસભરી છાશ અને ક્યાં આજનાં થમ્સઅપ, કોકાકોલા ને પેપ્સી ! બા ગાતા તે યાદ આવતું:
ઘમ વલોણા ઘમ; છાશ બોલે છમ,
છાશ ખાય છોકરાં ને દૂધ ખાય ડોશી !

મહિને પૈસા ચૂકવે તેવા ગ્રાહકો પણ ખરા. દૂધ, છાશ, દહીંની દુકાનો નહિ. વિચાર પણ ન આવે. તોય દૂધ કસમયે પણ મળે. છાશ ઉપર નભનાર ગરીબ વર્ગની સ્ત્રીઓ કાળી દોણી લઈને છાશ લેવા ઘેર ઘેર ફરે. તેમને તો દૂધથી પણ અધિક મોંઘી છાશ. દોણી ભરાય એટલે ઘર બાજુ. છાશ વેચાય તેવું લાંછન કોઈના દિલમાં નહિ. ‘દૂધ લો તો છાશ ફ્રી’ એવી આજની લુચ્ચાઈએ ખેડૂતોને વટલાવેલા નહિ. કારણ કે એ માણસો હતા ! સવારે ગામનાં લોકો કોઈ શુભ પ્રસંગે બહાર જતાં હોય તો કાળી દોણી સામે આવતી જોઈને અપશુકન થયા જેવું લાગે. કોઈક બબડે પણ ખરા એટલે સ્ત્રીઓ દોણી પાછળ રાખે. આંગણે આવે ત્યારે છાશ માટે ધરે. છાશ વધે તો ખેડૂતપત્ની ઉકરડાને પાય !

ભેંસ બંધાવવા માટે વાઘરીવાડે જવું પડે. વાઘરી પાડો રાખે. હું વહેલી સવારે ભેંસને લઈ જતો. પછી તો ભેંસની લાઈન થાય. વાઘરી ભેંસો પણ મૂંડે. ફળિયાના નાકે ભેંસને બાંધે. પછી મોટો અસ્ત્રો કાઢી મૂંડવાનું શરૂ કરે. પછી ભેંસને નવડાવે. સ્વચ્છ કરે. પછી ભેંસને જુઓ તો ‘બ્યુટી પાર્લર’માંથી નીકળી હોય તેવી સુંવાળી અને ચકચકિત લાગે. કોઈ વખત અસ્ત્રાનો સ્પર્શ શરીર ઉપર દેખાય પણ ખરો. તાજી જન્મેલી પાડી તો છૂટી જ હોય. દોહતી વખતે ભેંસ પાસો મૂકે માટે પાડીને પહેલી ધાવવા દે. બાવલામાં દૂધ ભરાય એટલે પાડીને ખેંચી લે. ખેડૂતપત્ની દોહવા બેસી જાય. એ જ મા પોતાના ધાવતા બાળકને ખેંચવા દેશે ? પોતાની ગેરહાજરીમાં છૂટી પાડી ધાવી ન જાય એટલે પાડીના નાક ઉપર ‘વી’ આકારનું લાકડું બાંધી રાખે, જેથી ધાવવા માટે પાડી માથું મારે તો અણી બાવલામાં પેસી જાય. ભેંસ કૂદે અને ધાવવા ન દે.

વલોણું હોય એટલે ઘેર ઘેર ઘીના ગાડવા ભરાય. આછું, પીળું કણીદાર ઘી હોય. સુવાસ ફેલાય. જોઈને જ ખાવાનું મન થઈ જાય. બા ઘી વેચવા કાઢે ત્યારે હું ત્યાં જ ઊભો હોઉં. ઘી ઉપર ઘરનો, ભેંસનો ખર્ચ નીકળે. અઠવાડિયે બાકરોલથી વાણિયો ઘી ઉઘરાવવા આવે. સાથે છોકરો હોય. તેના ખભે ત્રાજવાં અને ડબ્બો હોય. બા ઘીનો ગાડવો વાણિયા પાસે મૂકે એટલે તે પહેલી બે મોટી આંગળીઓ ઘીમાં ખોસી ઉપર ઘી લે અને મોંમાં મૂકે. આ તેની ચાખવાની રીત. એ ચાખે નહિ, ખાય ! હું ઘી ચાટતા વાણિયાને જોઈ રહું. તાકી રહું. પછી ભાવ નક્કી થાય. ઘી ડબ્બે ભરે પછી બીજે ઘેર, બીજે ફળિયે. તેના ગયા પછી બા મને ઘી આપે. વાણિયો સવાર સવારમાં જ શેર ઘી ઝાપટી જતો હશે ! તેના ગાલ ટામેટાં જેવા. બા અને ફોઈ કહેતાં કે ઘીની ફાંસ વાગે તો છ મહિનાનો ખાટલો થાય. મને નવાઈ લાગે. થીજી ગયેલા ઘીમાં ઊભી આંગળી ખોસો તો નખમાં ઘી પેસે. નખ પાકે. આંગળી સૂજી જાય. ખૂબ કળતર થાય. આ ઘીની ફાંસ ! કોણ કાઢે ?

ખાતા-પીતા ખેડૂતને આંગણે ગાડું અને બળદ હોય. સવારે પરવારી હળ-લાકડાં લઈ ખેડૂત જાય. ખેતરને પસીનો થાય. બપોરે પત્ની ઘરનું કામ પરવારી ભાતું લઈ ખેતરે જાય. બળદ લાંબી રાસે શેઢા ઉપર બાંધ્યા હોય. આંબાનો છાંયો હોય. ઠંડો પવન વાતો હોય. બન્ને સાથે જમવા બેસે એ.સી.ને શું કરવાનું ? તાજો પ્રાણવાયુ બન્ને પીએ ને જમે ને વાતો કરે, થોડો આરામ કરે. પછી પત્ની ઘર તરફ અને ખેડૂત હળ તરફ, બળદ ખેતર તરફ. ખેડૂત બળદને પરોણો નહિ મારે પણ દીકરાની વાત જુદી. નવલોહિયો જુવાન દીકરો તો હાથવાં પરોણો રાખે ને ગાડામાં મનના માણસો બેઠેલા હોય ત્યારે પહેલા પહોંચવાની લાયમાં આરવાળો પરોણો બળદોને ખોસે એટલે બળદો નાસે. જુવાનિયાને મુકામ ઉપર પહેલું પહોંચવું છે. કેટલાક તો છત્રી ઉઘાડ-વાસ કરે, બળદને ભડકાવે, નસાડે. જે પહેલો પહોંચે તેના બળદને ઘી ભરેલી નાળ મળે. દીકરો વટ મારે. ગાડામાં અકસ્માત ન થાય. સ્કૂટરમાં થાય. અખાત્રીજ એટલે ખેતીના શ્રી ગણેશ. જેના આંગણે બળદ હોય તે વહેલા ઊઠી હળ-લાકડાં તૈયાર કરે. નાહી-ધોઈને બળદને ભાલે તિલક કરે. ઘુઘરી-ગોળ-ઘી બળદને જમાડે. પછી ખેતરે સિધાવે. ધનતેરસ ને દિવસે પશુનાં શિંગડાં રંગે. પીઠે કંકુના થાપા દે. ઘાસ-ચારો નીરે. ખેડૂતને એ ધન છે.

સમય બદલાયો.
ગામમાં જે મંદિર હતાં તેમાં ડેરીએ પ્રવેશ કર્યો. જેટલું દૂધ ભરો તેટલા પૈસા. સ્ત્રીઓને પૈસા વહાલા. માપ ઊણું રહે તો પૈસા ઓછા મળે એટલે દૂધનું સાવ વાસીદું વાળે. છોકરાં, દાદા બધાંને દૂધનો ઉપવાસ ! શિવમંદિર હોય તેમ ગામનું દૂધ ડેરી પી જાય. પછી છાશની તો વાત જ ક્યાં રહી ! કેવા વરવા દિવસો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આસમાની – રમેશ ર. દવે
ચિત્રકૂટ કે ઘાટ પર – ભોળાભાઈ પટેલ Next »   

6 પ્રતિભાવો : ધોરી – કીકુ ઈનામદાર

 1. Paresh says:

  શ્વેત ક્રાંતીની કાળી બાજુ ??

 2. Soham says:

  કે માણસ ના સ્વાર્થી સ્વભાવ ની એક વધારે સાબીતી..

  “પોતાની ગેરહાજરીમાં છૂટી પાડી ધાવી ન જાય એટલે પાડીના નાક ઉપર ‘વી’ આકારનું લાકડું બાંધી રાખે, જેથી ધાવવા માટે પાડી માથું મારે તો અણી બાવલામાં પેસી જાય. ભેંસ કૂદે અને ધાવવા ન દે.”

  જેનો હક્ક છે તેને જ નથી આપવું……….

 3. Amit Patel says:

  પરીવર્તન એજ સંસારનો નિયમ.

 4. jinal says:

  જાણવાલાયક માહિતી. શહેર ના બાળકો ને આમાથી ઘણી વાતો નહિ ખબર હોય્ !!

  “દોહતી વખતે ભેંસ પાસો મૂકે માટે પાડીને પહેલી ધાવવા દે. બાવલામાં દૂધ ભરાય એટલે પાડીને ખેંચી લે. ખેડૂતપત્ની દોહવા બેસી જાય. એ જ મા પોતાના ધાવતા બાળકને ખેંચવા દેશે ? પોતાની ગેરહાજરીમાં છૂટી પાડી ધાવી ન જાય એટલે પાડીના નાક ઉપર ‘વી’ આકારનું લાકડું બાંધી રાખે, જેથી ધાવવા માટે પાડી માથું મારે તો અણી બાવલામાં પેસી જાય. ભેંસ કૂદે અને ધાવવા ન દે.”

  કદ્દાચ માણસ આટ્લો સ્વાર્થી ના હોત તો!!

 5. SAKHI says:

  VERY NICE ARTICAL

 6. Dhaval B. Shah says:

  સુન્દર લેખ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.