મોક્ષદા મૈત્રી – સુરેશ એમ. પરમાર ‘સૂર’

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી સુરેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. તેઓની અનેક કૃતિઓ પ્રતિષ્ઠિત સામાયિકો અને અખબારોમાં પ્રગટ થયેલી છે. ટૂંકી વાર્તા અને પ્રવાસવર્ણન ક્ષેત્રે તેઓ સુંદર લેખનકાર્ય કરે છે. બેંક ઑફિસર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ વડોદરામાં આવેલી સર્જકોની સંસ્થા ‘શબ્દાંકન’ ના પણ સભ્ય છે. આપ તેમને આ સરનામે પ્રતિભાવો મોકલી શકો છો : soor789@yahoo.co.in]

લોહીની સગાઈ કરતાં પણ જે સગાઈનું શ્રેષ્ઠ સ્થાન આંકવામાં આવ્યું છે,તે સગાઈ છેઃ મૈત્રીની સગાઈ. આ મૈત્રીની સગાઈનો આધાર પ્રેમ છે, અને પ્રેમ પણ કેવો! સહજ પ્રેમ.જે સગપણનું કારણ લોહીની સગાઈ છે, ત્યાં પ્રેમ પ્રાયઃ, કર્તવ્ય તરીકે અથવા ફરજ બનીને રહી જાય છે, જયારે મિત્રતામાં એવું નથી હોતું. હકીકતમાં તો મિત્રતા,એ પ્રેમનો જ પર્યાય છે. આજ કારણથી મિત્રતાની આત્યંતિક પ્રેમદશાના; એ રાધા-કૃષ્ણ, કૃષ્ણ-સુદામા,કૃષ્ણ-અર્જુન,શબરી-રામ,રામ-સુગ્રીવ,રામ-વિભીષણના સંબંધો માટે કહેવાતું હશે, “સબસે ઊંચી પ્રેમ સગાઈ.” ગુજરાતીભાષામાં ભાઈબંધ, દોસ્ત, યાર, સાથી, ભેરુ, સખા, રફીક, હમસફર, હમરાઝ, હમદમ વગેરે, મિત્ર શબ્દના પર્યાયવાચી તરીકે પ્રયોજાય છે. અંગ્રેજીમાં ફ્રેંડ(Friend),પાર્ટનર(Partner), કંપેનીયન (Companion)જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. આ શબ્દોનું અર્થઘટન ક્રમશઃ નીચે મુજબ થઈ શકે.

[1] ભાઈબંધઃ અર્થાત જે બે વ્યકિત વચ્ચે સગાભાઈઓ જેવું બંધન છે. આજના જમાનાના સંદર્ભમાં આ ભાઈબંધ શબ્દ, મારા માનવા પ્રમાણે મિત્રતા સૂચવવા યોગ્ય નથી. બાપદાદાની મિલકત કે જમીનની વહેંચણી માટે એક બીજાનું માથું ઉતારી લેવા તત્પર; ગ્રામ્યપ્રદેશના ભાઈઓ હોય અથવા રીલાયન્સ ગ્રુપ ઓફ કંપનીઝ જેવો વિશાળ કારોબાર વહેંચતા, મેટ્રોપોલીટન શહેરમાં વસતા ભાઈઓ હોય, મિત્રતા શબ્દ માટે ભાઈઓ જેવું બંધન સહજ સ્વીકાર્ય નથી.

[2] દોસ્તઃ ફારસીભાષામાં દસ્ત શબ્દનો “જુલાબ અથવા રેચ”શબ્દાર્થ છોડી દઈએ તો બીજા અર્થ હાથ, સત્તા, અધિકાર થાય છે. એ મુજબ હાથમાં હાથ આપે અને સત્તા અથવા અધિકાર મેળવવામાં મદદરૂપ બને તે મિત્ર.

[3] યારઃ એટલે આશિક અથવા જાર. સ્ત્રી-પુરૂષનો શારીરિક સંબંધ અને તેમાં એકબીજાને ભાગીદાર થનાર. આવાં કામને જાર-કર્મ પણ કહેવામાં આવે છે.

[4] સાથીઃ સાંસારિક કાર્યોમાં સાથ આપનાર અથવા સાથે ચાલનાર.

[5] ભેરુઃ રમતના ભિલ્લુ અથવા ગોઠિયાને પણ મિત્ર કહેવામાં આવે છે. ભિલ્લુ એટલે મારા પક્ષમાંનો સાથી, કે જે મને ગોઠતો હોવાથી, ગમતો હોવાથી મારી પસંદગી પામ્યો છે.
[6] સખાઃ સંસ્કૃત શબ્દ સખા તેમજ સખી, અનુક્રમે પુરૂષ-મિત્ર તથા સ્ત્રી-મિત્ર માટે વપરાય છે. સખીનો અર્થ દાની,ઉદાર એમ પણ થાય છે; એટલે કે એવી વ્યકિત જે મિત્ર માટે પોતાની ચીજ-વસ્તુઓ પર માલિકી ભાવનો આગ્રહ રાખતી નથી. આ સંદર્ભે કદાચ સખાવત શબ્દ પ્રયોજાતો હશે.
[7] રફીકઃ અરબી ભાષામાં “રબ્ત” શબ્દનો અર્થ, પ્રીતિ-સ્નેહ થાય છે. આ રબ્ત શબ્દનું અપભ્રંશ ‘રફત’ થયું હોય અને પ્રીતિ રાખનાર, સ્નેહભાવ રાખનાર ‘રફીક’ એટલે મિત્ર, એવો શબ્દ પ્રયોગ શરૂ થયો હોય. અહીં મને એવું પણ સ્વીકારવાનું મન થાય છે કે, પ્રીતિસ્વરૂપ પરમાત્મા, સ્નેહસ્વરૂપ પરમાત્મા માટે પ્રયોજાતો “રબ” શબ્દ પણ, આ ‘રબ્ત’ શબ્દ પર આધારિત હોય !

[8] હમસફર, હમરાઝ અને હમદમ: આ શબ્દોમાં ફારસી ભાષાનો ઉપસર્ગ “હમ”લાગેલો છે, જેનો અર્થ થાય છે , “તેની બરાબરનું” અથવા “સાથેનું, સમકક્ષ.” એ રીતે સફરમાં બરાબરીનો સાથ આપનાર ‘હમસફર’, જેને આપણા રાઝમાં ભાગીદાર બનાવી શકાય એ ‘હમરાઝ’ અને જેના શ્વાસોશ્વાસ પણ એકમેકની સાથે ચાલે છે, એ ‘હમદમ’, એવા શબ્દોનો પ્રયોગ શરૂ થયો. આવી જ રીતે, એક જ પ્યાલામાં પાણી પીનાર, સાથે બેસીને ભોજનના કોળિયા ખાનાર તથા એક જ દેશના વતની માટે અનુક્રમે ‘હમપિયાલા’, ‘હમનિવાલા’ અને ‘હમવતન’ જેવા શબ્દો બન્યા, જેને મહદઅંશે મિત્ર શબ્દના સંદર્ભમાં સ્વીકારાયા છે.

[9] ફ્રેંડઃ એકમેકના કલ્યાણ અને પરસ્પર લાગણીના ભાવને લીધે જે અન્ય સાથે જોડાયેલું છે,તે. (One joined to another in mutual benovelance & intimacy) એમુજબના સંબંધોને ફ્રેન્ડશીપ (Friendship)કહેવામાં આવે છે.

[10] પાર્ટનરઃ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જે સહભાગી થાય છે તે. ધંધા-રોજગારમાં પાર્ટનર હોય છે, તેમ લાઈફનાં સુખ-દુઃખમાં ભાગીદાર થનારને (Life-Partner) “લાઈફ પાર્ટનર” કહેવાય છે.

[11] કંપેનિયનઃ (One Who associates) એકબીજા સાથે જોડાઈને જે સાથ(Company) આપે છે તે.

મિત્રતા શબ્દની આસપાસના આ બધા શબ્દોની સ્પષ્ટતાનું તાત્પર્ય એટલું જ કે, મોટા ભાગે શબ્દાર્થ દ્વારા મૈત્રીનાં ઉચ્ચતર આયામ અછૂતાં જ રહી જાય છે. મૈત્રીપૂર્ણ ભાવદશા તો સંબંધને શ્રેષ્ઠતમ શિખરો પર પહોંચાડીને એવી પાંખો આપેછે, કે ત્યાંથી સમગ્ર અસ્તિત્વના કોઈ પણ વિસ્તારમાં ઉડાન ભરી શકાય છે. ઘણાનું કહેવું છે કે, અણીના વખતે મદદરૂપ થાય તે સાચો મિત્ર.(A friend in need, is a friend indeed) પરંતુ મને કોઈએ મદદ કરી છે, માટે હું તેની મદદ કરૂં અથવા તો ભવિષ્યમાં કોઈ અણીના વખતે મને મદદ મળી રહે તે માટે મદદ કરૂં, એમાં માત્ર વ્યવહારથી વિશેષ બીજું શું છે ? એવું પણ વાંચવામાં આવ્યું છે કે, પુસ્તકો ઉત્તમ મિત્રની ગરજ સારે છે. પરંતુ વાસ્તવમાં તો પુસ્તકો દ્વારા આપણે સમય પસાર કરી શકીએ છીએ અથવા થોડીઘણી વિશેષ જાણકારી મેળવીને જીવનમાં સરળતા લાવી શકીએ છીએ. પુસ્તકોમાં વર્ણવેલા અનુભવો લેખકના પોતાના હોય અથવા પાત્રોમાં પ્રયત્ન કરીને ગૂંથી લીધેલા હોય, આપણે તેનું ચિંતન-મનન કરીને આપણા જીવનમાં તે મુજબનું આયોજન કરવા શકિતમાન બનીએ છીએ. વળી પુસ્તકમાં જીવંતતાનો અભાવ હોય છે એટલે સ્વભાવતઃ તેમાં મૈત્રીની ઉષ્મા પણ અનુભવી શકાતી નથી. તો પછી જે મિત્રતા મુકિત અપાવે છે, એવી “મોક્ષદા-મૈત્રી”શું છે ? એ જાણવા માટે આપણે મૈત્રીનું ગુણાત્મક વિશ્લેષ્ણ કરવું પડશે.

સમગ્ર અસ્તિત્વ, તમસ-રજસ અને સત્વ ગુણોની ત્રિગુણાત્મક મૈત્રીમાં ઓત-પ્રોત છે. તમામ જડ-ચેતન પદાર્થ, પ્રત્યેક ક્ષણે જન્મ, સ્થિતિ અને લય પામતો રહે છે. આપણે આપણી આંખો દ્વારા માત્ર પદાર્થની સ્થિતિ જ જોઈએ છીએ, પરંતુ પદાર્થમાં પ્રતિપળ, તમસગુણ દ્વારા કશું બનતું રહે છે અને સત્વગુણ દ્વારા કશું મટતું રહે છે. આમ તમસમાં જન્મ, રજસમાં સ્થિતિ અને સત્વમાં લય થતો રહે છે. સત્વગુણ દ્વારા લય થતો હોવાથી પ્રકૃતિમાં પદાર્થની સમતુલા જળવાઈ રહે છે, અને તેથી જ સંહાર કરતા ચૈતન્યને આપણે ભગવાન શિવ અથવા શંકર, અર્થાત કલ્યાણ કરનાર દેવ તરીકે માનએ છીએ. આ ત્રણે ગુણોના પ્રભાવથી મનુષ્ય પણ અલગ નથી. પ્રતિપળ માણસના શરીરમાં લાખો-અબજોની સંખ્યામાં સૂક્ષ્મ અણુઓ જન્મ લે છે, નાશ પામે છે અને સાથે સાથે વિકાસ માટે પોષણની પ્રાપ્તિ પણ કરતા રહે છે.આ પ્રક્રિયા દરમ્યાન જે તે મનુષ્યમાં તમસ-રજસ અને સત્વ ગુણોની જેવી જેવી પ્રાધાન્યતા હોય છે, તેવી તેવી તેની જીવન જીવવાની શૈલી પણ હોય છે. જીવનની મળેલી તકનો લાભ ઊઠાવી મનુષ્ય પોતાના જીવનમાં ગુણાત્મક વિકાસ પણ અર્જીત કરતો હોય છે. તેના મૈત્રી સંબંધો તમસ-રજસ અને સત્વ ગુણો પર આધારિત, મહદઅંશે આવા હોઈ શકે છે.

[1] તમસાધારિત મૈત્રીઃ જેના જીવનમાં તમસગુણનું પ્રાધાન્ય છે, તેવી વ્યકિત કાંઈ પણ કર્યા વગર કશું મેળવવા, તેના જેવી જ વ્યકિતની પસંદગી પોતાની મિત્રતા માટે કરે છે. આ માટે તે ગમે તેવી નિમ્ન કક્ષાએ ઊતરી શકે છે. જે બે મિત્રો વચ્ચે માં-બહેનસમી ગાળો બોલવાનો સંબંધ હોય છે, તેમની મૈત્રી તમસગુણ આધારિત હોય છે. આપણે ભલે એમ માનતા હોઈએ કે જુઓ બે જણની કેવી મિત્રતા છે ! પરંતુ જેમની મૈત્રી સામાન્ય રીતે અપેક્ષિત સૌજન્યતા પણ નથી દાખવી શકતી, એમની મૈત્રી તમસમાં સરકી પડી છે, એમ ચોક્કસ કહી શકાય. ખેતરમાં કોઈના ઊભા પાકને બાળી મૂકનાર કે તેનો નાશ કરનાર બે ખેડૂત-મિત્રો આવી મૈત્રીને પ્રદર્શિત કરે છે. માં-બાપને મારી નાંખીને માલ-મિલકત હાથવગી કરનાર અને તે માટે એકબીજાને સાથ આપનાર બે મિત્રો, આવી મૈત્રી પ્રદર્શિત કરે છે. જે કક્ષા સુધી સમાજ વિકસિત થયો હોય, તેની અપેક્ષા અને સામાન્ય સમજ કરતાં ય નીચલાં ધ્યેય માટે જે બે વ્યકિતઓ મિત્રતા કેળવે છે, તેને આપણે તમસાધારિત મૈત્રી કહીશું.

[2] રજસાધારિત મૈત્રીઃ પ્રવર્તમાન સમયમાં ઠેક ઠેકાણે આ રજસાધારિત મૈત્રીનાં દર્શન થતાં રહે છે. આવી મૈત્રીનો આશય મોટેભાગે ધન-પતિ યા ગાદી-પતિ થવાનો જોવા મળે છે. ધનપ્રાપ્તિના આશયથી બે વ્યકિતઓ મિત્રતા કરે છે અને સતત કંઈ ને કંઈ કરતા જ રહે છે. તેમાંય ગાદી-પતિ થવાનો મોહ વિશેષ જોવા મળે છે. ગાદી રાજકારણની હોય કે ધર્મની, ખરૂં જોતાં તો ગાદી મેળવીને સત્તા અને સત્તા દ્વારા શકિત પ્રાપ્ત કરવાની ઈચ્છા વધારે હોય છે. જેની પાસે શકિત હોય છે, તે યેનકેન પ્રકારે સહેલાઈથી ધનપ્રાપ્તિ કરી શકતા હોય છે. આખી દુનિયા પર પોતાનું વર્ચસ્વ જમાવવા માગતા અમેરિકા અને ઈંગ્લેન્ડ દેશોની મૈત્રી, અર્થાત પ્રધાનોની મૈત્રી રજસાધારિત મૈત્રી છે. પાંડવોને એક તસુભર જમીન ન આપવી અને પોતાની ધન-દોલતમાં કોઈનો પણ ભાગ ન હોવો જોઈએ, એવી દુર્યોધનની હઠને સાથ આપતી, કર્ણ-દુર્યોધનની મૈત્રી પણ રજસાધારિત મૈત્રી હતી. રજસ મૈત્રીમાં કંઈ કરવાનો તથા કરતા રહેવાનો મુખ્ય ભાવ સમાયેલો હોય છે. આવા મિત્રો એકબીજાને જંપવા નથી દેતા અને સાથે સાથે તેમની સાથે જોડાયેલાં સગાં-સંબંધીઓને પણ નથી જંપવા દેતા.

[3] સત્વાધારિત મૈત્રીઃ લાગણી કે સહાનુભૂતિને વશ સેવાનું કાર્ય કરનારી અથવા પોતાના સુખમાં અન્યને પણ ભાગીદાર બનાવવાની ઈચ્છા રાખતી બે વ્યકિતઓ વચ્ચે જે મૈત્રી થાય છે, તે સત્વગુણનું પ્રાધાન્ય ધરાવતી મૈત્રી,એટલે કે સત્વાધારિત મૈત્રી કહેવાય છે. આવી મૈત્રીમાં અકબીજા પ્રત્યે સન્માન અને આદરભાવ જોવા મળે છે. આપત્તીના સમયમાં મિત્રની તકલીફનો અગાઉથી જ બીજા મિત્રને અંદાજ આવી જતો હોય છે, અને મિત્રને માગ્યા વગર જ મદદરૂપ થતો હોય છે. જીવનમાં સત્કાર્યમાં પ્રવૃત્ત વ્યકિત, તેના મિત્રને પણ સહભાગી બનાવતો હોય છે. સત્વગુણની પ્રધાનતા વાળી આવી બે વ્યકિતઓ વચ્ચેની મિત્રતાને સત્વાધારિત મૈત્રી કહી શકાય.

[4] મોક્ષદા મૈત્રીઃ અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ, જો સમગ્ર અસ્તિત્વ તમસ-રજસ અને સત્વગુણોથી ઓત-પ્રોત હોય, તો માણસના જીવનમાં પણ ત્રણે ગુણો એક યા બીજી રીતે આવશ્યક બની રહેતા હોવા જોઈએ, એ વાત નિર્વિવાદ પણે સ્વીકારવી રહી. તમસ અને રજસ ગુણો કાંઈ સત્વગુણની સરખામણીમાં સહેજ પણ ઉતરતા નથી. દિવસભર રોજ-બરોજનું કાર્ય કરીને થાકેલો માણસ, રાત્રે તમસ ગુણના સહારે જ નિંદ્રાધીન થાય છે અને વિશ્રામ દ્વારા પુનઃ તાજગી મેળવી લેતો હોય છે. એ જ રીતે રજસ ગુણ, તેને કર્મમાં પ્રવૃત્ત કરવા શકિતનો સંચાર કરી પ્રેરક બળ પુરૂં પાડતો હોય છે. આ ત્રણે ગુણોમાં જીવન યાપન કરતો માણસ મુકિત અપાવે તેવી, “મોક્ષદા મૈત્રી”માં કેવી રીતે પ્રવેશ કરી શકે? એ બાબતને ઉજાગર કરવા “ગુણાતીત-મૈત્રી”નો ખ્યાલ કરવો પડશે. ગુણાતીત એટલે ત્રણે ગુણો રહિત નહીં, પરંતુ ત્રણે ગુણો સહિતની, વિવેકપૂર્ણ અને સહજ મૈત્રી. જે વ્યકિતનો મૈત્રીપૂર્ણ ભાવ, વિવેક દ્વારા ત્રણેગુણોનો સહજ રીતે સમ્યક ઉપયોગ કરતો રહે છે, તેના થકી રચાતા મૈત્રી-સંબંધો, મોક્ષદા-મૈત્રી તરફ અવશ્ય લઈ જાય છે. આંખો બંધ કરીને આપણે જો કોઈ આવી વ્યકિતનું નામ લેવું હોય, તો આપણા માનસપટ પર પૂર્ણ-પુરૂષોત્તમ શ્રીકૃષ્ણનું નામ સહજ અંકિત થઈ જાય છે. પોતાના વિવેક દ્વારા જરૂરિયાત સમજીને, જરાસંઘ સાથે લડતાં લડતાં સત્તર વાર રણમેદાન છોડી જતા અને તેથી “રણછોડ રાય”એવા નામથી ઓળખાતા, તેમજ પગ પર પગ ચઢાવીને વાંસળી વગાડી વિશ્રામમાં ઊતરી જતા, તો વળી બાળપણમાં માખણચોરી કરતા શ્રી કૃષ્ણ, તમસગુણનો સમ્યક ઉપયોગ કરતા જોવા મળે છે. કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાજ્ઞાન આપતા, દ્રોપદીની લાજ રાખવા ચીર પૂરતા, તો કદી પ્રેમવશ વિદૂરને ઘેર ભાજીનું ભોજન સ્વીકારતા શ્રી કૃષ્ણ, સત્વગુણનો સમ્યક ઉપયોગ કરતા જોવા મળે છે. તેમના રજસગુણના સમ્યક ઉપયોગથી તો કોણ માહિતગાર નથી ?

“મનઃ એવં મનુષ્યાણામ કારણમ બન્ધ મોક્ષયોઃ।” અર્થાત મનુષ્યના બંધન અને મુકિતનું કારણ મન જ છે. અર્જુનના વ્યકિતત્વમાં ક્ષત્રિયતા છલોછલ ભરેલી હતી. સ્વભાવતઃ તેનો સ્વધર્મ, રજસગુણના કર્મમાં પ્રવૃત્ત થવાનો હતો. પરંતુ યુદ્ધમાં પોતાના લીધે સગાં-સંબંધીઓ હણાશે, એવા મોહાંધ-વિચારને કારણે તેના મનમાં હજારો પ્રકારના સંદેહો ઊભા થાય છે. અર્જુનના તરફથી તો શ્રીકૃષ્ણ પ્રત્યેની મૈત્રી દુનિયાદારીની જ મૈત્રી હતી. પરંતુ પોતાની જ બહેન સુભદ્રાનું હરણ કરાવવામાં જે શ્રી કૃષ્ણએ તેની મદદ કરી હોય, તે તેના કલ્યાણનો જ ખ્યાલ કરશે, એવો તેને પૂરો વિશ્વાસ હતો. જયારે અર્જુનનો વિશ્વાસ, શ્રદ્ધામાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે તે મનના તમામ સંશયોમાંથી મુકત થઈને, શ્રી કૃષ્ણ સાથે મોક્ષદા-મૈત્રીનો અનુભવ કરે છે. લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં, બુદ્ધ ભગવાને તેમના ભિક્ષુઓને ઉપદેશ આપતાં કહયું હતું કે તેઓ લોકોના “કલ્યાણ-મિત્ર” બને. ભિક્ષુઓ ચૈતન્ય જાગરણની સાધના કરતાં જે અનૂભવો કરે, તે અનુભવો તેઓ લોકોના કલ્યાણ માટે મૈત્રીભાવે વહેંચે, કારણ કે મૈત્રીપૂર્ણ ભાવદશામાં અંતઃચેતના સાથે સરળતાથી સંવાદ સ્થાપી શકાતો હોય છે. આમ જીવનનાં તમામ દુઃખોથી મુકિત અપાવતી મોક્ષદા-મૈત્રીનો જ તેમણે ઉપદેશ આપેલો. જીવનની પાછલી ક્ષણોમાં બુદ્ધ ભગવાને એમ પણ કહેલું કે, તેઓ ભવિષ્યમાં જયારે આ પૃથ્વી પર પુનઃ અવતરણ કરશે, ત્યારે તેમનું નામ “મૈત્રેય” હશે.

પતિ-પત્નીને પણ એકબીજાનાં મિત્રો માનવામાં આવે છે. પતિ શબ્દ, “પત”શબ્દ ઉપરથી બનેલો છે. પત શબ્દનો અર્થ પતિ તો થાય છે જ, તે ઉપરાંત તેના “આબરૂ “તથા “વિશ્વાસ”એવા પણ અર્થ થાય છે. એમ સ્ત્રીની આબરૂનો, વિશ્વાસનો જે માલિક છે તે પતિ અને પતિના વિશ્વાસને જે પાત્ર છે, તે પત્ની. જે બે જણની આબરૂ અથવા વિશ્વાસ, અન્યોન્યાશ્રિત હોય તેવા પતિ-પત્નીને મિત્રો માનવામાં આવે તે વ્યાજબી છે. આવી સમાજ- સ્વીકાર્ય મૈત્રી જયારે યાજ્ઞવલ્કય-મૈત્રેયી જેવાં પતિ-પત્નીની મિત્રતાની ઊંચાઈઓને સ્પર્શે છે ત્યારે મોક્ષદા-મૈત્રીનો જન્મ થાય છે. યાજ્ઞવલ્કયની બીજી પત્નીનું નામ કાત્યાયિની હતું. યાજ્ઞવલ્કયને વેદ-વેદાંત તથા ઉપનિષદોની એટલી ઊંડી જાણકારી હતી કે રાજાઓની સભાઓમાં, બીજા પંડિતોને બ્રહ્મચર્ચામાં પરાસ્ત કરી અઢળક સંપત્તિના માલિક બન્યા હતા. પરમ ચૈતન્યનો તેમને સ્વાનુભવ નહોતો, તેથી જયારે પરમ તત્વની શોધમાં બધું ત્યાગીને જવા નીકળે છે, ત્યારે સંપત્તિના બે સરખા હિસ્સા કરીને બન્ને પત્નીઓને વહેંચી આપે છે. તે સમયે મૈત્રેયી યાજ્ઞવલ્કયને પ્રશ્ન પૂછે છે, કે તમે જેની તલાશમાં જાવ છો, તે મને શું આ સંપત્તિમાં મળી શકશે ? યાજ્ઞવલ્કય તરફથી “ના”માં જવાબ મળતાં, તે તેના હિસ્સાની સંપત્તિ કાત્યાયિનીને આપી દઈ, પતિની સાથે જવાની ઈચ્છા પ્રદર્શિત કરે છે. પતિની તમામ સંપત્તિ મેળવીને કાત્યાયિની પ્રસન્ન થાય છે પરંતુ મૈત્રેયી આત્મિક સ્તરે પરમધન પામ્યાની અનુભૂતિ કરે છે. મૈત્રેયી પત્નીની કક્ષાથી પણ ઊંચે ઊઠીને “સહધર્મચારિણી”બની જાય છે. મૈત્રેયી અને યાજ્ઞવલ્કય વચ્ચે મોક્ષદા-મૈત્રીના સંબંધો સ્થાપિત થાય છે. “મૈત્રેયી”નામમાં અંતર્નિહિત મિત્રતાનો જીવંત અર્થ તેનામાં પ્રગટ થાય છે.

એકવીસમી સદીમાં મોક્ષદા-મૈત્રી : યુગોના યુગો પૂર્વે, અદ્વૈત પુરૂષ દ્વારા જે ક્ષણે દ્વંદ્વાત્મક પ્રકૃતિની રચના થઈ, તે સનાતન કાળથી મોક્ષદા-મૈત્રીનું અસ્તિત્વ છે. આપણે આજના સમયમાં એ મુકિતદાયક મૈત્રીના ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશી શકીએ, એ વાતનો ઉલ્લેખ કર્યા વિના આ લેખની કોઈ સાર્થકતા રહેશે નહીં. આપણું મન કહેશે,કયાં છે એ શ્રીકૃષ્ણ? જે મને મોક્ષદા-મૈત્રીનો સ્વાદ કરાવે ! કોઈ સ્ત્રીનું મન કહેશે, કયાં છે યાજ્ઞવલ્કય જેવો પતિ ? જે મને મુકિતદાયક મૈત્રીમાં પ્રેવેશ કરવા સાથ આપે ! લોકો તર્ક લગાવી પૂછશે, કયાં છે ભગવાન બુદ્ધના”કલ્યાણ-મિત્ર”ભિક્ષુઓ? જેમના પર અમોને મિત્રતાનો વિશ્વાસ બેસે ! પ્રશ્ન તો બધા બરાબર લાગે છે, પરંતુ બરાબર લાગતા બધા જ પ્રશ્નોની દિશા બરાબર હોય એવું જરૂરી નથી. શ્રીકૃષ્ણના દેહલયથી લગભગ ૪૫૦૦ વર્ષ બાદ પણ મીરાં તેમની ચેતના સાથે જોડાઈ શકે છે. મોક્ષદા-મૈત્રી તો સદૈવ ઉપલબ્ધ છે, પરંતુ હું મારા તરફથી કરવા યોગ્ય શરૂઆત ન કરૂં, તો એ વાત નિશ્વિત થઈ જાય છે કે હું જ મારો દુશ્મન બની રહ્યો છું.

અહીં દુશ્મન શબ્દ પણ ખાસ સમજવા જવો છે. દુશ્મન એટલે વિચારબોધની શકિતનો ખરાબ, દુઃખમય અને નકારાત્મક ઉપયોગ કરતું મન. દુશ્મન શબ્દની ખાસ ખૂબી એ છે કે તે પર-કેન્દ્રી નથી પરંતુ સ્વ-કેન્દ્રી શબ્દ છે. એનો મતલબ એ થયો કે, સમગ્ર અસ્તિત્વ મારા તરફ મૈત્રી પૂર્ણ હોવા છતાં, મારૂં પોતાનું જ મન, દુશ્મન હોઈ શકે છે. મિત્ર શબ્દના પર્યાયવાચી શબ્દ તરીકે, “સૂર્ય “ને લેવામાં આવે છે. સૂર્ય સમસ્ત જગતનો મિત્ર છે. તે અનુપસ્થિત રહીને અંધારાને મોકળાશ આપે છે કે જેથી બીજનું અંકુરણ થઈ શકે, માતાના ગર્ભના અંધારમાં બાળકનો જન્મ સંભવી શકે. ઉપસ્થિત રહીને, તે ચૈતન્યનો સંચાર કરે છે, શકિત આપે છે, ફળ-ફૂલનું સર્જન કરે છે, ક્ષુધાગ્નિ દ્વારા ભૂખ લગાડે છે અને જઠરાગ્નિ દ્વારા પાચન પણ કરાવે છે. ના પ્રકાશ કે ના અંધારૂં, જેવી સંધ્યાકાળની ઘડીઓમાં, ચૈતન્યનાં રહસ્યો સાથે મૈત્રી સાધવાની આપણને અમૂલ્ય તક પણ આપે છે. મુકિત તરફ લઈ જતી પરમ મૈત્રી માટે જે કાંઈ કરવાનું છે, તેની જવાબદારી આપણા પર જ આવી જાય છે. મનુષ્ય સિવાયના અન્ય જીવો પાસે એવું મન નથી કે જે દુશ્મન થઈ શકે, તેથી તેઓ પ્રાકૃતિક રીતે જ આ વિશ્વમાં મૈત્રીપૂર્ણ જીવન જીવી જાય છે. હા, તેમને મોક્ષદા-મૈત્રીમાં પ્રવેશ કરવો હોય, તો અનિવાર્યરૂપેણ મનુષ્ય થવું જ પડે અને મનુષ્ય થયા પછી દેવત્વમાં પ્રવેશ કરવાની અભીપ્સા પણ કરવી પડે. માણસને સંબોધીને વેદ-વચન કહે છે, “ચરૈ વેતિ,ચરૈ વેતિ। ” અર્થાત “ચાલતો રહેજે, ચાલતો રહેજે.” પરંતુ આ વચન વિચાર માગી લે તેવું છે. માણસ તેના પગ દ્વારા જીવનભર ચાલતો જ હોય છે, તો પછી “ચાલતો રહેજે” એમ શાથી કહ્યું હશે? એટલા માટે જ, કે તે પગ દ્વારા ચાલીને બીજે ગમે તે ઠેકાણે જાય, પરંતુ પોતાની અંદર પહોંચી શકતો નથી. પોતાની અંદર પ્રવેશીને તે આત્મસ્થ થઈ શકે અને એ રીતે સમગ્ર અસ્તિત્વ સાથે જોડાઈ શકે એ પ્રયોજનથી આ વેદ વચન,”ચાલતો રહેજે,ચાલતો રહેજે” એમ કહે છે.

પ્રથમ તો ચોવીસ કલાકમાંથી આપણે અંતર્મુખ થવા માટે, ઓછામાં ઓછો એક કલાકનો સમય અવશ્ય ફાળવવો જોઈએ. એકાદ કલાક આખો બંધ કરીને જે કાંઈ દેખા્ય તેનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. આપણું ધ્યાન સવારમાં ઊઠતાંની સાથે જ, આપણા પોતાનાથી અન્ય દિશા તરફ જવા લાગે છે. ઊંઘમાં સ્વપ્ન જોતી વખતે પણ આપણી દ્રષ્ટિ અન્ય તરફ હોય છે. આપણી આ ટેવમાંથી બહાર આવતાં થોડો સમય જરૂર લાગશે, પરંતુ આત્મ-નિરીક્ષણની પ્રગાઢતા જેમ જેમ વધશે, તેમ તેમ બધું સ્પષ્ટ થતું જશે. આપણને આપણા જ શરીરનો પ્રથમ વાર અહેસાસ થશે. આગળ જતાં મન અને તેની વિચાર પ્રક્રિયા પણ સ્પષ્ટ થશે. આપણી હઠાગ્રહી, દુરાગ્રહી આદતવશ કોઈને કારણ વગર દુઃખ પહોંચાડયાનાં પ્રસંગો તાદ્દશ થતાં થોડો અહંકારને ઓગળવાનો મોકોય મળશે. કલાકની આ પ્રક્રિયાને પૂજા-પાઠ, યોગ, તપ, ધ્યાન જેવું કોઈ પણ નામ આપવાની લેશમાત્ર આવશ્યકતા નથી. આ પ્રયોગનો ઉલ્લેખ ભગવદ્દગીતાના અધ્યાય-૫,શ્લોક-૨૭,૨૮ તેમજ અધ્યાય-૬,શ્લોક-૧૦ થી ૧૪માં કરેલો છે. આત્મસ્થ થવાના આ સિવાયના પણ ઘણા બધા પ્રયોગો અમલમાં મૂકવાનો સંકલ્પ કરનારને મળી જ રહેશે. બીજી એક વાત પોતાના જ પ્રેમમાં પડવાની છે. આપણા જેવું જ શરીર લઈને જન્મેલા કબીર, રામ-કૃષ્ણ પરમહંસ, નાનક, મીરાં, સહજો, ગંગાસતી વગેરે જીવાત્માઓ જો મોક્ષદા-મૈત્રીમાં પ્રવેશ કરી શકયા હોય, તો આપણા માટે પણ એ દ્વાર બંધ નથી થઈ ગયાં. મારા શરીરમાં સ્થિત આત્મા પણ મુકિતદાયી મૈત્રીમાં પ્રવેશ કરવાની ક્ષમતા ધરાવે છે, એ ખ્યાલથી આનંદિત થવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ કયાં છે ? અને આમ પણ પોતાની સાથે મૈત્રી પૂર્ણ રહ્યા સિવાય, સમગ્ર અસ્તિત્વ સાથે કદાપિ મિત્રતા સાધી શકાતી નથી.

એકવીસમી સદીની દુનિયા મનના કેન્દ્ર પરની દુનિયા છે. સ્વની સાથે ન જોડાયેલો માણસ માનસિક તણાવમાં છે. મનોદૈહિક રોગો નવાં નવાં નામો ધારણ કરીને તેને પરેશાન કરતા રહે છે. આવા સમયમાં આત્મસ્થ થઈને મોક્ષદા-મૈત્રીને તલાશનારા, ભલે ગણ્યા ગાંઠયા હોય પણ અસ્તિત્વ એ ગણ્યા ગાંઠયા માણસોને પોરસાવીને, તેમના દ્વારા જ કાંઈક આવો સાદ દઈ રહ્યું છે : मे अकेला ही चला था जानिबे मंजिल मगर; लोग मिलते रहे, और कारवां बनता गया । એ સાદને પ્રતિસાદ આપીશું ? અસ્તુ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રંગબેરંગી – સંકલિત
જીવનનો કલાધર – ઉમાશંકર જોશી Next »   

12 પ્રતિભાવો : મોક્ષદા મૈત્રી – સુરેશ એમ. પરમાર ‘સૂર’

 1. Ramchandra says:

  ખરેખર આજના જમાનામા મૈત્રિ અને સગાય શુ છે તેનિ ખબર અને તે વિશે ની સમજ ખુબજ સરસ રીતે સમજાવેલ છ લેખ વાચવાની ખુબ મઝા આવી
  રામચન્દ્ર દેસાઇ

 2. વાહ સુરેશભાઈ,
  આપને અભિનંદન. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે એ યાદ દેવડાવી દીધું આપે તો.
  મૈત્રી પર થોડાં શબ્દોમાં લખાયેલ જાણે મહાનિંબધ.
  અને મૃગેશભાઈનો પણ આભાર! આવો સરસ મહાનિંબધ રજુ કરવા બદલ.
  નટવર મહેતા

 3. Maharshi says:

  “તમસ અને રજસ ગુણો કાંઈ સત્વગુણની સરખામણીમાં સહેજ પણ ઉતરતા નથી. દિવસભર રોજ-બરોજનું કાર્ય કરીને થાકેલો માણસ, રાત્રે તમસ ગુણના સહારે જ નિંદ્રાધીન થાય છે અને વિશ્રામ દ્વારા પુનઃ તાજગી મેળવી લેતો હોય છે. એ જ રીતે રજસ ગુણ, તેને કર્મમાં પ્રવૃત્ત કરવા શકિતનો સંચાર કરી પ્રેરક બળ પુરૂં પાડતો હોય છે.” આટલો ભાગ સ્વિકારવામાં કઠિન જણાયો… આ વાત પર, શ્રીશાંકર ભાશ્યમાં વિસ્તૃત છણાવટ જોવા મળે છે… એકંદરે લેખ ખુબ સરસ લાગ્યો..

 4. nayan panchal says:

  શાંતિથી બેસીને મમળાવવા લાયક મૈત્રીપુરાણ.

  ખૂબ જ સુંદર લેખ.

  આભાર,

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.