- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

માતૃદેવો ભવ – સં. સુરેશ દલાલ

[માતૃવંદનાનો સુંદર સંદેશ આપતા અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષાના સંકલિત સુવાક્યોના પુસ્તક ‘માતૃદેવો ભવ’માંથી સાભાર.]

[1] કવિ : હર્ષદેવ માધવ

કલ્પવૃક્ષની લેખણ લઈને
લખતી સરસ્વતીને
કહેજો કે
ઈશ્વરના ગુણો ખૂટી જાય તો
એમાં ઉમેરી લે
માના ગુણો

[2] સુનિલ પંડ્યા

બાના સ્વભાવમાં હાસ્ય અને રમૂજની વૃત્તિ ભારોભાર હતી અને તેમને હસાવવાનું કામ જરાય અઘરું નહોતું. મને એક પ્રસંગ બરાબર યાદ છે. ઘરના કોઈ વડીલે મને કહ્યું કે મારે મારા પિતાને ‘પિતાજી’ કહેવું જોઈએ. મેં આ વાત તો તરત માની લીધી પણ સાથે આપોઆપ બાને ‘બાજી’ કહ્યું. આ સાંભળી બા ખડખડાટ હસી પડેલાં. અને મને કહેલું ‘એવું ના કહેવાય. હું તે કાંઈ રમવાની બાજી છું ?’ આ પછી કેટલાય દિવસો સુધી અમારે ઘરે આવતા મુલાકાતીઓને બા આ પ્રસંગ હસતાં હસતાં કહેતાં.

[3] જ્યોતિબહેન થાનકી

પોતાનાં બાળકોને કેવાં બનાવવાં, એ માતાના હાથની વાત છે. ભગવાને માતાને એ શક્તિ આપી છે. જો માતા એ શક્તિ પ્રત્યે જાગ્રત હોય અને સભાનપણે બાળકોના જીવનઘડતરમાં એનો ઉપયોગ કરે તો તે પોતાનાં બાળકોને જીવનમાં જેવાં જોવા ઈચ્છતી હોય તેવાં જ ઘડી શકે છે. પણ એમાં માતાનું જીવન સંપૂર્ણપણે બાળકોમય બની જવું જોઈએ. એનું આગવું જીવન, એનું પોતાનું અલગ વ્યક્તિત્વ, એની પ્રતિભા, બધું જ એનાં બાળકોના ઘડતરમાં વિલીન થઈ જાય ત્યારે જ એમાંથી સર્જાય છે શંકરાચાર્ય, નેપોલિયન, શિવાજી કે રામકૃષ્ણ.

[4] પ્રીતિ સેનગુપ્તા

એક વાર અમદાવાદના એક પાછલા રસ્તા પર થઈને હું જતી હતી. કોઈ મકાન ત્યાં ચણાતું હતું, ને કેટલાંક મજૂર-મજૂરણ કામ કરતાં હતાં. આઠ-નવ વર્ષનો એક છોકરો એક બાજુ એના નાના ભાઈને સાચવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રમકડું તો એની પાસે શું હોય ? એક પવાલીમાં પથરા ખખડાવતો હતો. બાળક રડતું બંધ થતું નહોતું. મને એમ કે ભૂખ લાગી હશે. ઊભાં રહીને પૂછ્યું : ‘એને ભૂખ લાગી છે તેથી રડે છે ?’ તો છોકરો એની બોલીમાં કહે : ‘ભૂખ નથી લાગી. એ મા માટે રડે છે. એને મા જોઈએ છે.’ એની મજૂરણ માતા પાસે બાળકને ગોદમાં લેવાની એ ઘડીએ ફુરસદ નહોતી.

[5] મોરારિબાપુ

સાવરકુંડલામાં વાઘરીના બે-ત્રણ કૂબા. હું કથા કરીને આવું. એને બિચારાને ખબર નહિ કે કોણ કથાકાર અને નામ કદાચ સાંભળ્યું હશે એટલે મને પોતાને ઈચ્છા થઈ કે હું એ લોકોને મળું એટલે હું નીચે ઊતર્યો. એક વાઘરી બેઠો બેઠો બીડી પીવે અને એણે એ બીડી મૂકીને એની પત્નીને કહ્યું : ‘જલદીથી બહાર નીકળ; આ બાપુ આવ્યો છે એને દર્શન આપ.’ આ શબ્દો એના હતા. મને બહુ ગમ્યું. મારી સાથે હતા એમણે કહ્યું કે બાપુ આ કઈ રીતની ભાષા બોલે છે. તમને દર્શન આપે ? મેં કહ્યું હું એટલે જ ઊતર્યો છું. વાઘરણ સ્ત્રીએ કહેલું, ‘બાપુ હોય તો ભલે હોય. ઊભો રહેશે. પહેલાં હું મારા બાળકને ધવારાવી દઉં.’ એ જે એક ભાવ છે એ ધાવણ જ એને માટે રામકથા હશે. એ ધાવણ જ એના માટે ગીતાનું જ્ઞાન હશે. એ ધાવણ જ એના માટે ઉપનિષદના મંત્ર હશે અને ગીતા હશે.

[6] એ તો એનું ચાલતું નથી…. – જયન્ત પાઠક

એ તો એનું ચાલતું નથી એટલે,
બાકી તો –
મા જાણે છે કે દેહથી અલગ કર્યા પછી
એ મોટો થવાનો છે ને દૂર જવાનો છે.
ખોળમાં પડ્યો પડ્યો એ પયપાન કરશે
કેડે ચડશે, આંગળી ઝાલીને ફરશે
માના હાથનો કોળિયો મોમાં લેશે
-ને આંગળીને વ્હાલમાં બચકુંય ભરી લેશે ! –

પણ આ બધું તો
ધીમે ધીમે દૂર થવા માટે જ જાણે…
પછી તો એ ખોળામાંથી ઊતરી પડશે
કેડેથી કૂદી પડશે
હોંસે હોંસે ખાતાં શીખી જશે;
ખોળામાંથી ઉંબર બ્હારો આંગણામાં ને શેરીમાં
કેડેથી ઊતરી કેડીમાં ને એમ દૂર દેશાવરમાં……
કાગળ લખશે રોજ પ્રથમ તો
પછી માસે-બે-માસે
ક્ષમાયાચના કરશે, કાન પકડશે, સોગન ખાશે
કહેશે : ભૂલ્યો નથી મા તને, પરંતુ ખૂબ કામમાં વ્યસ્ત
તારે ખોળે ફરી આવવું છે મા – લખશે
(જાણે છે કે અશક્ય છે એ, એ ના સાચુ પડશે.)

છેવટે બીજા ગ્રહ પર જાણે હોય એટલો દૂર
-ને અંતર તો પાછું ના સ્થલનું કે નહીં સમયનું
પણ, બે અંતર વચ્ચેનું-
મા જાણે છે કે આમ જ થવાનું છે.
એ તો એનું ચાલતું નથી એટલે
બાકી તો
એને દેહથી અળગો જ ન થવા દે.

[7] ઉશનસ્

સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું.
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી.
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.

[8] વર્ષા દાસ

સાચું કહું તો હું મા બની ત્યારે મને સમજાયું કે આજે હું જે અસ્તિત્વ ભોગવું છું તે મારાં બાને કારણે છે. એ પહેલાં હું માત્ર દીકરી તરીકેના અધિકારોને જ જાણતી હતી, કર્તવ્યને નહિ. મારી દીકરી માટે મેં કેટલીયે રાતોના ઉજાગરા કર્યા ત્યારે જ મનમાં પ્રશ્ન જાગ્યો કે મારાં બાએ પણ મારા માટે આવું બધું કર્યું હશે ને ? ઈશ્વરને મારી એક જ પ્રાર્થના છે કે જે રીતે મારો ઉછેર થયો તેવી રીતે હું મારાં બાળકોને ઉછેરી શકું તેવી શક્તિ અને સદબુદ્ધિ ઈશ્વર મને આપે.

[9] હરીન્દ્ર દવે

એક વાર એક મા-દીકરા વચ્ચે ઝઘડો થયો. દીકરાએ કહ્યું : ‘તેં મને મોટો કર્યો, એ તારો ઉપકાર. પણ એમાં તેં જે કંઈ કર્યું એ બધાનો બદલો હું ચૂકવી દઈશ. બોલ, મારી પાછળ તેં કેટલો ખરચ કર્યો ? કેટલા મારાં કપડાં પાછળ ખરચ્યા, કેટલા મારા જમવા પાછળ ખરચ્યા, કેટલા દવાદારૂમાં ગયા, બધું લખાવ. હું વ્યાજ સાથે તને ચૂકતે કરી દઈશ. લખાવ…’
‘લખાવું તો ખરી, દીકરા પણ ક્યાંથી લખાવું ?’
‘કેમ ? જન્મ્યો ત્યારથી. પહેલા દિવસથી.’
‘પહેલા દિવસે તને મેં છાતીએ વળગાડી દૂધ પાયું’તું અને પછી તને ખોળામાં લઈ તારી સામે જોઈ હરખનાં આંસુ વહાવ્યાં હતાં. બોલ, એ દૂધ કેટલા રૂપિયે લિટર લખીશ ? અને એ આંસુનાં ટીપાંની ક્યા કૉમ્પ્યુટર પર ગણતરી કરીશ અને પ્રત્યેક ટીપા માટે કેટલા સિક્કા આપીશ ?’
પુત્રનો બધો જ રોષ ઊતરી ગયો. એણે માતાના ખભે માથું મૂકી દીધું અને ધ્રુસકે ધ્રુસકે રડતાં કહ્યું : ‘મને માફ કર મા, મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું.’

[10] ફાધર વાલેસ

માતાની ગમે તેટલી ઉંમર હોય તોય દીકરાના જીવન ઉપરનો એનો મંગળ પ્રભાવ કદીય પૂરો થતો નથી. તેથી માતા જેમ લાંબુ જીવે તેમ દીકરાને માટે સારું છે. માતાની શુભ અસર સંસ્કારો દ્વારા, ઘડતર દ્વારા, પેટમાંના નવ મહિના દ્વારા, ઘરમાં સર્જેલા વાતાવરણ દ્વારા, રોજના સંવાદ દ્વારા, કુટુંબમાં સ્વીકારેલાં મૂલ્યો દ્વારા પાલનપોષણ દ્વારા જ થતી રહે છે. પણ સૌથી વિશેષ પ્રેમ દ્વારા સિદ્ધ થાય છે. માનવીના વિકાસ માટે જેમ દેહને ખોરાકની જરૂર હોય છે તેમ હૃદયને હૂંફની પણ જરૂર છે. પ્રેમ ખોરાક છે, દવા છે, પ્રાણવાયુ છે; અને ઉત્કૃષ્ટ પ્રેમ તો માતાનો જ પ્રેમ છે. માટે એ જિંદગીનું સૌથી મોંઘું ઔષધ છે.

[11] સુરેશ દલાલ

ભગવાનને પ્રાર્થના કરતા નાના બાળકને પૂછીએ કે ભગવાનનો ચહેરો કેવો છે, તો એ વર્ણન કરશે તે ચહેરો એની માતા જેવો જ હશે. માની આંખમાં આંસુનું તળાવ, હોઠ પર સ્મિતનાં કમળ અને આસપાસ સુવાસ અને સંગીત હોય છે.

[12] ખલીલ જિબ્રાન

માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા; અને સહુથી સુંદર સાદ કોઈ હોય તો તે સાદ છે ‘મારી મા’. એ એક એવો શબ્દ છે, જે આશા અને પ્રેમથી ભરેલો છે, એક મધુર અને માયાળુ શબ્દ, જે હૃદયનાં ઊંડાણમાંથી આવે છે. મા સઘળું છે – શોકમાં તે આપણું આશ્વાસન છે. દુ:ખમાં તે આપણી આશા છે, દુર્બળતામાં તે આપણી શક્તિ છે. તે પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે.

[કુલ પાન : 84 (મોટી સાઈઝ), કિંમત રૂ. (માહિતી અપ્રાપ્ય), પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 1-2, અપર લેવલ, સૅન્ચુરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 26560504. ઈ-મેઈલ : info@imagepublications.com ]