- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પરસેવાનો મહિમા – ગુણવંતરાય આચાર્ય

ધંધુકાના ગામ રાણપુરમાં આ એક બનેલી સત્ય ઘટના છે. વાતને નજરોનજર જોનારા કોઈ વૃદ્ધજન હજી પણ ત્યાં જીવતા ભેટશે. રાણપુર ગામ આશરે પાંચેક હજારની વસતીનું છે. આ ગામ સુખભાદર અને ગોમતી નદીના સંગમ પર આવ્યું છે. એમાં સુખભાદરનો પટ ગામને સ્પર્શતો જાય. ગામની આખી લહર આ નદીના પટ ઉપર. ગોમતી ઉપરથી આવે, ને ગામના ઉપલા પાદરમાંથી ધંધુકા જવાની સડક જાય છે ત્યાં સુખભાદરને મળે છે. ગામની લહર નદીકાંઠે, ગામનું એ પાદર પૂરું થાય ત્યાં એક રસ્તો નદી ઊતરવાનો. અરધા ગામનો પનિહાર પણ એ જ રસ્તે. ત્યાં નદીને કાંઠે એક ભાંગેલું મંદિર પડતર, અપૂજ અને સાવ ભુલાયેલું એવું.

મંદિર સાવેસાવ ખંડેર. ક્યા જમાનાનું ખંડિયર એમ ના કળાય. એનું શિખર ભાંગી ગયેલું. એનો ઓટલો ભાંગી ગયેલો ને એ ભાંગેલા ઓટલામાં ધીંગાં ઝાડ ઊગેલાં. મંદિરમાં શિવનું લિંગ ખરું પણ નિજમંદિર સાવ બિસ્માર. શિવનું લિંગ ઉખડીને આડું પડેલું. જળાધારી સાવ ભાંગી ગયેલી. એના ચોકની દીવાલ પણ બિસ્માર ભાંગી ગયેલી. ક્યાંક ક્યાંક એના થોડા ભાંગેલા કટકાજ દેખાય. દરવાજા તો હોય જ શાનાં ? એક બે ઓરડીઓ હશે મૂળ, પણ સાવ હાથ બે હાથનાં ભીંતડીં સિવાય કાંઈ નહિ શેષ. કાટમાળ કાંઈક સડીને પડેલો ને કાંઈક આસપાસના લોક ઉપાડી ગયેલા. નજીકના વાસામાં ક્યાંક મકાન સમારવાં હોય તો લોક ત્યાંથી પાણા લઈ આવે. ચોક એટલે અગોચર જંગલ જ. ઝાડપાનનાં મૂળ ન દેખાય ને ન પકડાય એવું ગીચ રાન. ગામની ગાયો એમાં ક્યારેક બેસે. કૂતરાંનો અખાડો ને ક્યારેક ક્યારેક તો રાની પશુઓ-જંગલી બિલાડા, કૂત્તી દીપડા, ઘોરખોદાં જેવાં જનાવરો એમાં વાસો પણ કરે. આવું એ ભંગાર બિસ્માર મંદિર. મંદિર પણ નહિ ખંડિયેર, ખંડિયેર પણ નહિ, ખંડિયેર નું યે ખંડિયેર !

એકાદ એક બાવો ભમતો ભમતો રાણપુરમાં આવી ચડ્યો. ઉંમર જુવાની વટી ગયેલી. ભમવાનો એને થાક ચડેલો, એટલે આ અપૂજ નધણિયાતું ખંડિયેર જોયું. એમાં એણે પોતાનો ધૂણો નાખ્યો. સવારે ગામમાં માગવા નીકળે ને પછી આખો દિવસ મંદિર સાફ કરે. પહેલાં હાથેથી ને પછી લુહાર પાસેથી એક કોદાળી માગી લાવ્યો. ગામે જાણ્યું કે બાવો નવરો છે ને વગડો સાફ કરે છે. ભલે કરતો. એ રસ્તે જતી આવતી પનિહારીઓ મનમાં મશ્કરી કરતી જાય. શું કામ આ બાવો જડભરતની જેમ આ મહેનત કરતો હશે ? દર તો જુઓ ! કોઈ મણઝર નાગ નીકળીને વળગશે તો ? ચોક સાફ કર્યો. પછી બાવો આસપાસ સીમમાં રઝળવા જાય. આંહીથી એક, આંહીથી બીજો, એમ નાનામોટા ઈંટના ટુકડા, પથરાઓ બાવાએ સારી સારીને ચોકમાં એકઠા કર્યા. ત્યારેય કોઈને આ બાવાની આ વાત સમજાઈ નહિ હોય. નવરાને કાંઈક કામ તો જોઈએ ને. ને ભલે ને ખેતરોમાંથી સાંઠીઓ ઝૂડતો. ખેતરો સાફ થાય છે ને વળી બાવો રાજી થાય છે. એ પછી તો બાવાએ ખેતરમાંથી ફાંટ ભરી ભરીને માટી લાવવા માંડી. પછી આખો દિવસ રસ્તા ઉપર આમ ને તેમ ફરે-ને એ ઘોડાની લાદ ભેગી કરવા માંડ્યો. ત્યાર પછી નદીમાંથી પોતાને ખભે ઘડે ઘડે પાણી લાવે. બાવો સૌને જડભરત લાગે. બાવો કોઈ સાથે વાત ના કરે. સૌને મૂંગો ને મૂરખ લાગે. ઘણાયને એની આ બધી રીત ગાંડા જેવી જ લાગે.
એ રસ્તે જતી પનિહારીને પણ મનમાં ધાક લાગે ! કોઈ સાથે બોલવું નહિ, બોલાવવું નહિ. એમ મૂંગો મૂંગો બાવો વરસ એકની મહેનત પછી મંદિરના ચોકમાં ખેતરાઉ માટીને ઘોડાની લાદની ગાર ખૂંદવા માંડ્યો. બોલે નહિ, ચાલે નહિ, પણ ગાર જ ખૂંદે. પાણી સારે, પાણી રેડે ને ગાર ખૂંદે. ગોઠણ સુધી માટી ચોંટી હોય એવો આ બાવો શું કરે છે એ કોઈને સમજાયું નહિ. ને એ ગાંડાને ધૂની માણસને કોઈ બોલાવતું નહિ. જે વાત આપણને સમજાતી નથી, એ વાત સમજવા જેવી નથી એમ માનનારા આ જગતમાં ક્યાં ઓછા છે ? હવે બાવાએ ગારો, ઈંટ ને પથ્થર ગોઠવીને મંદિરને સુધારવાનું માથે લીધું. ને જ્યારે આખા ગામને ખબર પડી કે બાવાની આ બધી વાતો તો મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની છે ત્યારે તિરસ્કારનું એક અટ્ટહાસ્ય ગામમાં ફરી વળ્યું. આમ તે કાંઈ દેવનાં મંદિર બંધાતા હશે ? પુરુષો હસ્યા ને સ્ત્રીઓ હસી. બ્રાહ્મણ હસ્યા, વાણિયા હસ્યા. રસ્તે જનારો માણસ પણ તીખી ને તિરસ્કારભરી ટકોર બાવાને સંભળાવવાનું ચૂકતો નહિ.

એવામાં એક બનાવ બન્યો.
ગામમાં એક વણિક ગૃહસ્થની પુત્રી ભરબપોરે નદીએ કપડાં ધોવાં ગયેલી. નદીને સામે કાંઠે એક વાડી ને એ વાડીમાં એક કોળી સથવારા તરીકે કામ કરે. નદીમાં નાહીને કાંઠે જ બાઈને કપડાં ધોતી જોઈને કોળીની દાનત બગડી. મધબપોર, એકાંત જગ્યા, કોળીએ બાઈની છેડતી કરી. ને કપડાં એમ ને એમ મૂકીને બાઈ ભાગી. નદીનો પહોળો પટ પસાર કરીને એનો રસ્તો બાવાજીના ભગ્ન મંદિર પાસેથી જાય. બાવો પોતાનું કામ કરતો હતો. એનું ધ્યાન હાંફળી ફાંફડી દોડતી ભાગતી બાઈ ઉપર પડ્યું. હાથમાંથી ઘડો નીચે મૂકીને કાદવવાળા હાથે જ એ આવ્યો. પૂછ્યું :
‘શું છે મા ?’
બાઈને હાંફ એટલી ચડેલી, વેગમાં દોડતી જ જાય. એમાં બાવાજી આગળ જરા ઊભવાનું થયું એટલે ઢગલો થઈને નીચે પડી. ‘મારાં કપડાં… મારાં કપડાં…. મારાં કપડાં….’ સામે કાંઠે આંગળી ચીંધી. વધારે બોલાયું નહિ. કેવળ થાકથી હાંફી જ રહી.
‘સમજી ગયો, મા ! તું અહીં જ બેસજે !’ એમને એમ બાવો ઉપડ્યો. નદી પાર કરી કોળીને એમને એમ ઉપાડ્યો. ઉપાડીને ફેંક્યો. પાછો ઉપાડ્યો, પાછો ફેંક્યો… ‘સૂવરકા બચ્ચા… બોલ.. બોલ… હું તારી ગાય એમ બોલ… નહીં તો પટકી પટકીને જીવ લઈશ તારો… !’ ચારપાંચ વાર બાવાએ કોળીને ઉપાડીને ફેંક્યો. જટાઝૂંડ બાવાનું કાળસ્વરૂપ જોઈને કોળી બાવાને પગે પડ્યો.
‘બાવા મને છોડો, હું તમારી ગાય.’
‘સારું કપડાં ઉપાડ.’
કોળીને માથે બાવાજીએ કપડાં ઉપડાવ્યાં અને લાવ્યો પેલી બાઈની પાસે.
‘કપડાં નીચે મૂક.’ બાવાએ કહ્યું. કોળીએ કપડાં નીચે મૂક્યાં.
‘પગે પડ. બોલ, તું મારી મા.’
બાવાજીની ધાક કોળીને એવી તો પેઠેલી કે એ પગે પડ્યો : ‘તું મારી મા.’
‘ઉપાડ કપડાં…’ કોળીના માથે કપડાં ઉપડાવીને આગળ કોળી, પાછળ બાવો ને પાછળ બાઈ.. સરઘસ ઊપડ્યું ગામમાં ને બાવાજીએ બાઈને એને ઘેર પહોંચતી કરી.

ત્યાર પછી ગામના નારી સમુદાયમાં બાવાના કામ માટે મમતા પ્રગટી નીકળી. અરધા ગામનો એ પનિહાર ને બ્રાહ્મણ વાણિયા, રજપૂત, કોળી સુતાર, કુંભાર, દરજી જે બાઈ નીકળે એ બાવાજીને ત્યાં ઘડો ઠાલવતી જાય. પહેલાં બાવાજી અધરાત સુધી પાણી સારતા. હવે પાણી ભરવામાંથી એમને નિરાંત વળી. કુંભારો રસ્તે જતાં એક બે છાલડાં માટી નાખતા જાય ! ભઠ્ઠાવાળા થોડી ઈંટો મંદિરની જમીનમાં મૂકતા જાય. બેચાર જણા બાવાજીને મદદ કરવા વહેલા આવે ! એક ગોકળી આવીને મંદિરનાં આંગણામાં બકરી બાંધી ગયો. બાવાને નિરાંત વળી એટલે રોજ રાતે એકલા પડે ત્યારે એકલા બેસીને આવડે એવાં ભજન, આવડે એવા રાગે ગાવા બેઠા ને ધીમે ધીમે બાવાજીનો સાથ વધવા માંડ્યો.

ધીમે ધીમે પરંતુ નિશ્ચલ ચોકસાઈથી દીવાલો બંધાઈ, ઓરડીઓ બંધાઈ. ઓટલો બંધાયો, મંદિર બંધાયું, સદંતર એકલા હાથે વીણેલા પથ્થરને-ખેતરાઉ માટીનું. સાત વરસે ગામના લોકોએ નરી અજાયબી અનુભવી. બાવો તો ભાઈ ગાંડો ન હતો. ધૂની ન હતો, મૂંગો નહતો, કેવળ જાત મહેનતમાં માનનારો હતો ને એકલે હાથે એણે મંદિર ઊભું કર્યું. ને પછી તો ભાવિકોની ભીડથી ને ભજનની ધૂનોથી એ માટીનું મંદિર ગુંજી ઉઠ્યું. આજે એ બાવાનું બાંધેલું મંદિર નથી. એની જગ્યાએ ભાવિકોએ ઊભું કરેલું પથ્થરનું ચૂનાબંધ મંદિર છે. પણ માટીના મંદિરે એ મંદિરનો જે મહિમા બાંધ્યો તે તો આજે પણ છે.

આપણા દેશની દશા પણ એ ભાંગેલા મંદિર જેવી છે. એનો ઉદ્ધાર કરવાને જોઈએ છે એમાં પરસેવાની સુગંધ ને પુરુષાર્થની હામ પૂરનારા ! બસ, એ એક જ કામનો ધૂણો ધખાવીને બેઠેલા બાવાઓ. તમે કોઈ દિવસ એક માણસે, એકલે હાથે, પથ્થરો વીણીને, માટી ખૂંદીને ઊભું કરેલું મંદિર મનમાં પણ કલ્પ્યું છે ? છતાં એમ બન્યું છે. જમાનાઓથી એ મંદિરના ખંડિયરોએ જીણોદ્ધાર થવાને માટે કોઈ સખી, દાતાર, દાનેશ્વરીની રાહ જોઈ હતી. જમાનાઓથી એ મંદિરે કોઈ જીર્ણોદ્ધાર કમિટિ કે સમિતિ કે ફંડફાળાની રાહ જોઈ હતી. જમાનાઓની એની રાહ નકામી ગઈ હતી. કાંઈ જ આવ્યું નહિ. કોઈ જ આવ્યું નહિ. પણ આખરે ખંડિયેરનો સાદ સાંભળીને એક બાવો આવ્યો. એણે કંઈ ના કર્યું, કેવળ પોતાનો પરસેવો એ મંદિર ઉપર છાંટ્યો. ને સાચે જ જાણે જાદુ હોય એમ એ પરસેવામાંથી પુરાતન જહોજલાલીનેય ભુલાવી દે એવું મંદિર ઊભું થયું.

જેમ મંદિર ઊભું થયું તેમ પરસેવાથી ઘણું ઊભું થાય. શું ન થાય ? રસ્તા થાય, શાળાઓ થાય, બંધો થાય, નહેરો થાય. આ જગતમાં પૈસા વડે થનારાં કામોમાં હજી કેટલાંક કામો અશક્ય હશે, માણસના પરસેવાની સામે તો કોઈ અશક્ય છે જ નહીં. એક ખાખી બાવાએ કર્યું એ શું આપણે સમજુ ને શાણા માણસો હજાર ને લાખ હાથે ના કરી શકીએ ? કરી તો શકીએ બધું જ, જો આપણે હાથ ચલાવીએ ને મોઢું બંધ રાખીએ તો. પંખીઓની દુનિયામાં પોપટ એક અજબ પંખી છે. પંખીઓમાં પોપટ એ વધારેમાં વધારે વાતોડિયો ને ઓછામાં ઓછું ઉડનારો છે. આપણે કુદરતનો એ બોધપાઠ બરાબર સમજીએ. જેને વાતો કરવી છે એનાથી ઉડાશે નહિ, ને જેને ઉડવું છે એને વાતો કરવી પાલવશે નહિ.

કૃપયા બોલવાનું ઓછું રાખો અને તમારું જે કાર્યક્ષેત્ર હોય તેમાં ફટાફટ મંડી પડો. દુનિયાને તમારે જે સંદેશો આપવો હોય તે તમારા કામથી આપો, માત્ર ભાષણો કરીને નહીં.