જીવન-નિર્વાહનો સમાન અધિકાર – વિનોબા ભાવે

સર્વોદય એટલે સહુનું ભલું. કોઈનું ઓછું અને કોઈનું વધુ ભલું નહીં – સહુની સમાન ચિંતા અને સહુ માટે સમાન પ્રેમ. જેમ માનો પોતાનાં બધાં સંતાનો પર સમાન પ્રેમ રહે છે, તેમ સમાન પ્રેમથી સમરસ સમાજ-રચના કરવી. આમ ન થવાથી જ સમાજમાં ગરીબ-તવંગર, મજૂર-માલિક વગેરે અનેકાનેક ભેદ ઊભા થયા છે. આ બધા ભેદોને નાબૂદ કરીને સમાજમાં સમરસતા લાવવી, એમાં જ માણસની ચતુરાઈ છે. હવે, કેટલાક લોકો કહે છે કે આવી સમાજરચના કરવા બેસશો, તો પછી માણસને કામ કરવાનો ઉત્સાહ ઓછો થઈ જશે. વધારે પુરુષાર્થ કરીશું તો વધારે સંપત્તિ મળશે, એવી આશા હોય, તો જ માણસ વધારે મહેનત કરશે. પણ આ સાચું નથી. ઘરમાં બાપ વધારે કામ કરે છે, તે શું એટલા જ વાસ્તે કે પોતાને વધારે મળશે ? ઘરમાં બધા માણસો પ્રેમથી બધાનો સમાન હક માને છે. પરિવારમાં એવું નથી હોતું કે જે જેટલું કમાતો હશે, એટલું જ એને ખાવા મળશે. ઓછું-વત્તું કમાવા છતાં સહુને ખાવા-પીવાનું સમાન મેળવવાનો હક છે, એવું પરિવારમાં સ્વીકારાયેલું છે. અને છતાં તેને લીધે કાંઈ કોઈનો કામ કરવાનો ઉત્સાહ મંદ પડતો નથી.

તો જેવું પરિવારમાં, એવું જ સમાજમાંયે હોવું જોઈએ. માણસો તો કોઈક વધારે શક્તિશાળી તો કોઈક ઓછા શક્તિશાળી, કોઈક વધારે બુદ્ધિશાળી તો કોઈક ઓછા બુદ્ધિશાળી, કોઈક વધારે કાર્યક્ષમ તો કોઈક ઓછા કાર્યક્ષમ, એવું રહેવાનું. બધા એક સરખો પરિશ્રમ પણ નહીં કરી શકવાના. ઉપરાંત, પરિશ્રમમાંયે શારીરિક ને બૌદ્ધિક પરિશ્રમ, એવો ભેદ રહેવાનો. પછી શારીરિક પરિશ્રમાંયે કોઈક સાધારણ તો કોઈક કુશળ, એવું રહેવાનું. પરંતુ આવા બધા ભેદો છતાં જો કોઈ માણસ આળસ કર્યા વિના સચ્ચાઈથી, પોતાની શક્તિ અનુસાર કોઈ પણ જાતનું લોકોપયોગી કામ કરતો હોય, તો તેને પોતાનો જીવન-નિર્વાહ મેળવવાનો સમાન અધિકાર છે. આ વાત સમાજમાં નિર્વિવાદપણે પ્રસ્થાપિત થઈ જવી જોઈએ.

આમ છતાં, હજીયે કેટલાક એમ કહે છે કે પરિવારની વાત અલગ છે, પણ સમાજમાં તો વધારે કમાઈશ તો વધારે ભોગવીશ, એમ હોય તો જ માણસ પુરુષાર્થ વધારે કરશે. પરંતુ હું આ માનવા તૈયાર નથી. એટલું જ નહીં, આને હું અત્યંત અધાર્મિક, અમાનવીય વિચાર માનું છું. ઠીક છે, આજે સમાજમાં આવું ચાલે છે. પણ એમ તો સમાજમાં આવી તો બીજી કેટલીયે બુરાઈઓ નથી ચાલતી ? આપણે સમાજમાંથી આવી બધી બુરાઈઓ, આવા બધા ખોટા ખ્યાલો દૂર કરવાના છે. હું એમ કહેવા માગું છું કે આ ખોટા ને અમાનવીય વિચારથી કર્મની નહીં, સંગ્રહની પ્રેરણાને પ્રોત્સાહન મળે છે તેને પરિણામે આળસ વધે છે, જેને લીધે આખરે કર્મ-પ્રેરણા ક્ષીણ થાય છે. માટે સહુને સમાન જીવન-નિર્વાહની ખાતરી મળવાથી કર્મ-પ્રેરણા ઓછી થશે, એમ માનવું એ નર્યો વહેમ છે. આજના આ પૂંજીવાદી સમાજમાં આવા તો કેટલાયે ભ્રમ ઘર ઘાલી ગયા છે ! જ્યાં સુધી આવા બધા ભ્રમોમાંથી મુક્તિ નહીં મેળવીએ, ત્યાં સુધી માણસને સાચી આઝાદીનો, સાચાં સુખ-શાંતિનો અનુભવ જ નહીં થઈ શકે.

જો કે હજીયે કેટલાક એવી દલીલ કરે છે કે જ્યારે ભગવાને જ બધાંને જુદી-જુદી અને ઓછી-વત્તી અક્કલ આપી છે, તો બધાંને સમાન ઐશ્વર્ય શી રીતે પ્રાપ્ત થાય ? તો હું એમ કહું છું કે પરિવારમાંયે શું અલગ-અલગ ને ઓછી-વત્તી અક્ક્લ નથી હોતી ? પરંતુ બુદ્ધિ ઓછી-વત્તી હોવા છતાં જો પ્રેમ સમાન હોય, તો સમાન ઐશ્વર્ય હોઈ શકે છે. મારું એમ કહેવું નથી કે આપણે સમાજમાં બધાંની બુદ્ધિ સમાન કરી દઈશું. તે આપણા હાથની વાત નથી. પરંતુ એટલું સાચું કે આપણે જો સમાજમાં દરેકેદરેકને પૂરતી તક આપીએ, પૂરતી કેળવણી આપીએ, પૂરતી તાલીમ આપીએ, તો આજે એકબીજાની બુદ્ધિમાં જેટલી વિષમતા દેખાય છે, તેટલી વિષમતા નહીં રહે. છતાં એટલું કબૂલ કે બુદ્ધિમાં ફરક રહેવાનો. તેમ છતાં સમાજમાં જો આપણે સહુનું ભલું ઈચ્છીશું, સહુ ઉપર સમાન પ્રેમ રાખીશું, તો સમાન ઐશ્વર્ય પણ રહેશે. આમાં સવાલ માણસ જે કામ કરે છે, તેનું મૂલ્ય આંકવાનોયે છે. કામનું મૂલ્ય શું પૈસામાં આંકીશું ? વળી, દરેક કામનું મૂલ્ય શી રીતે આંકી શકાય ? જો કોઈ માણસે ડૂબતા માણસને બચાવ્યો, તો તેની એ સેવાનો હિસાબ તમે શી રીતે માંડી શકશો ? માતા પોતાના બાળકની સાર-સંભાળ રાખે છે, કોઈ માણસ કોઈકને કાંઈક મદદ કરે છે, એવી બધી સેવાની કિંમત તમે પૈસામાં શી રીતે આંકશો ? કેટલાંક કામો તો અમૂલ્ય છે.

માટે કામનો ભૌતિક હિસાબ કરવાને બદલે, દરેક કામનું નૈતિક મૂલ્ય માનીને, દરેક માણસને જીવન-નિર્વાહ મેળવવાનો સમાન અધિકાર છે, એમ જ સમાજમાં મનાવું જોઈએ. જે માણસ નિષ્ઠાપૂર્વક પોતાની શક્તિ અનુસાર પૂરું કામ કરે છે, તેને જીવન-નિર્વાહ મેળવવાનો સમાન અધિકાર છે, એ વાત સમાજમાં નિર્વિવાદપણે પ્રસ્થાપિત થઈ જવી જોઈએ. જેમ કામનું નૈતિક મૂલ્ય સમાન છે, તેમ તેનું ભૌતિક મૂલ્ય પણ સમાન હોવું જોઈએ. તેમાં થોડોઘણો ફરક ભલે હોય, બાકી જમીન-આસમાનનો ફરક ન જ હોય. કામની આર્થિક કિંમતની બાબતમાં આજે છે એવી વિષમતા હરગિજ ન હોવી જોઈએ. આજે શારીરિક શ્રમ ને બૌદ્ધિક શ્રમના વળતરમાં જે બેસુમાર વિષમતા છે, તે સમાજમાં ભેદની ઊંડી ખાઈ ઊભી કરે છે અને તેનાથી સમાજનું પતન થાય છે, સમાજમાં અશાંતિ ઊભી થાય છે. તેનાથી એક રાહુ-કેતુનો સમાજ ઊભો થાય છે. એકને કેવળ માથું છે, હાથ-પગ નથી ! બીજાને હાથ-પગ છે, પણ માથું નથી ! જીવનમાં શારીરિક ને બૌદ્ધિક શ્રમનું સંતુલન સધાશે, તો જ માણસ સ્વસ્થ બનશે અને સમાજ પણ સ્વસ્થ બનશે, અને સમાજમાં સુખ-શાંતિ આવશે.

મૂળમાં, શ્રમ કરનાર માણસને નીચો માનવો, એ બહુ મોટું પાપ છે. તેને નિર્મૂળ કરવાનું છે. એટલું જ નહીં, શ્રમની સમાજમાં પ્રતિષ્ઠા હોવી જોઈએ અને કોઈએ પણ શ્રમ કર્યા વિના ખાવું એ પણ એક પાપ ગણાવું જોઈએ. સમાજમાં ઘણા બધા માણસોની શ્રમ ટાળવાની વૃત્તિ જ દુનિયામાંની આજની અશાંતિનું એક મુખ્ય કારણ છે. પરિશ્રમ કર્યા વિના સુખ ભોગવવાની જે વૃત્તિ છે, તે જ યુદ્ધો ઊભાં કરે છે. પરિશ્રમ ન કરનારને ખાવાનો અધિકાર નથી, એ વાત આપણે ત્યાં પહેલેથી ઘૂંટાતી આવી છે. આપણા ઋષિ-મુનિઓ ઉત્પાદક શરીર-પરિશ્રમનું મહત્વ જાણતા હતા અને તેનો એમણે મહિમા કરેલો. ‘ઋષિ’ અને ‘ઋષભ’ એ બંને શબ્દો એક જ ધાતુ પરથી બન્યા છે. ઋષભ એટલે જમીનને ખેડનાર બળદ અને ઋષિ એટલે એ બળદની પાછળ-પાછળ ચાલનારો ખેડૂત. તેને માટે શરીર-પરિશ્રમ એ સાધનાનું એક અંગ છે, જીવનનું એક અંગ છે. વેદમાં આવે છે કે જો, આ પરમાત્માની સાધના માટે કૃષિની સેવા કરી રહ્યો છે, પોતાના પરસેવાની આહુતિ દઈ રહ્યો છે. આમ, શ્રમનિષ્ઠાનું જીવનમાં એક અનિવાર્ય સ્થાન છે. માણસે શરીરશ્રમ લાચારીથી નહીં, સ્વેચ્છાથી હોંશે-હોંશે કરવો જોઈએ. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે એક ગીતમાં કહ્યું છે કે પરિશ્રમ વિનાનું જીવન એ બધાં દુ:ખોની જનની છે. જિંદગી પરિશ્રમથી ભરી હોય એ ગર્વની વાત છે. કામને તો ‘ડિગ્નિટી ઑફ લેબર’ (શ્રમનું ગૌરવ) કહે છે. જે લોકો શ્રમને તપસ્યા માનીને કરે છે, એમની મહેનતનું દિવ્ય રૂપાંતર થઈ જાય છે. તેમાંથી તો નિત્ય નૂતન સૃષ્ટિ નિર્માણ થાય છે. માટે શ્રમનિષ્ઠાપૂર્વક જીવવાથી આપણું જીવન સાર્થક થશે તેમ જ લોકજીવન પણ પાવન થશે.

જીવનમાં માણસને શ્રમ ને ચિંતન બંનેની જરૂર છે. એ ઠીક છે કે કોઈ શરીર-શ્રમનું કામ વધારે કરશે, તો કોઈ બૌદ્ધિક પરિશ્રમનું, પરંતુ બંનેએ બંને કામ કરવાં જોઈએ. જેમની પાસે બુદ્ધિશક્તિ છે, તેઓ જો થોડો-થોડો શરીરશ્રમ કરશે, તો કાંઈ ગુમાવશે નહીં, બલ્કે કાંઈક મેળવશે. એમના ચિંતનમાં વધુ તાજગી આવશે, વધુ સંતુલન આવશે. આ વાત હું મારા પોતાના અનુભવથી કહી રહ્યો છું. મેં જેટલું અધ્યયન કર્યું, તેનાથી શરીરશ્રમ ઓછો નથી કર્યો. મેં રોજના ચાર-છ કલાક જાતજાતના શરીર-પરિશ્રમનાં કામોમાં આપ્યાં છે. તેને લીધે મારી બુદ્ધિની તેજસ્વિતા ઓછી નથી થઈ, બલ્કે વધી જ છે. આવી જ રીતે મજૂર પણ દિવસ આખો કલાક સુધી શરીર-પરિશ્રમ જ કરતો રહે, એવું ન હોવું જોઈએ. તેને પણ રોજ બે-ત્રણ કલાક બૌદ્ધિક કામ કરવાનોયે મોકો મળવો જોઈએ. આપણી સમાજરચના એવી હોવી જોઈએ કે દરેક માણસનો પૂર્ણ વિકાસ થાય. બુદ્ધિમાન માણસો થોડો શરીરશ્રમ કરતા થશે, તો સમાજને એક બીજોયે લાભ થશે. તેનાથી ધીરે ધીરે કામની ગુણવત્તા વધશે અને શરીરશ્રમ કરવામાં જે વધુ પડતી વેઠ કરવી પડતી હશે, તે નિવારવાના ઉપાયો શોધાશે. આનાથી શ્રમિકોની સ્થિતિ સુધરશે. આજે એમને પોતાની મહેનતનું બહુ ઓછું વળતર મળે છે, તેમાં ફરક પડશે. બુદ્ધિમાન માણસો વિજ્ઞાનની મદદ લઈને નવાં-નવાં ઓજારો શોધશો કે જેથી ઉત્પાદન વધે અને માણસને કરવી પડતી વેઠ ઓછી થાય.

વળી, હું તો એવી સ્થિતિ લાવવા માગું છું કે માણસ ત્રણ કે ચાર કલાક શ્રમનું કામ કરે, તેમાંથી તેને પોતાની આજીવિકા જેટલું મળી રહેવું જોઈએ. અને તો જ માણસ પોતાના સર્વાંગી વિકાસ માટે અન્ય સાંસ્કૃતિક બાબતોમાં પોતાનો સમય આપી શકે. આ બધું તો જ બને, જો માત્ર મહેનત કરી છૂટનારા શ્રમિકો જ નહીં પણ તેમાં દિમાગને પરોવનારા બુદ્ધિમાનો પણ શ્રમનાં કાર્યો કરતા થાય. તો જ આપણે આજના રાહુ-કેતુના સમાજને બદલે માણસનો સર્વાંગી સમતોલ વિકાસ થાય એવો નવો સમાજ ઊભો કરી શકીએ.

સારાંશ કે, શ્રમનિષ્ઠાનું જીવનમાં એક અનિવાર્ય સ્થાન છે. શ્રમનિષ્ઠાપૂર્વક જીવવાથી જ આપણું વ્યક્તિગત જીવન તેમ જ સમાજ-જીવન સાર્થક થશે. શ્રમનિષ્ઠાથી જ સર્વોદય સધાશે. સહુને જીવન-નિર્વાહ મેળવવાનો સમાન અધિકાર શ્રમનિષ્ઠા વિના સિદ્ધ થઈ શકશે નહીં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – ખલીલ ધનતેજવી
ગોકુળમાં આવો તો – માધવ રામાનુજ Next »   

13 પ્રતિભાવો : જીવન-નિર્વાહનો સમાન અધિકાર – વિનોબા ભાવે

 1. Vinod Patel, USA says:

  In today’s times, Vinobaji seems to be irrational because of his views. But he was not hypocrite. All his life, he worked hard selflessly to solve problems of average Indians. He preached and lived accordingly. He was indeed rushi, scholar, thinker and writer.

 2. Kanchanamrut Hingrajia says:

  ખરેખર વિનોબજી કલ્પે છે તેવા સમાજનું નિર્માણ થાય તો ! તો સ્વર્ગ શોધવા બહાર ન જવું પડે.

 3. pragnaju says:

  પ્રણીપાતેન…સહુને જીવન-નિર્વાહ મેળવવાનો સમાન અધિકાર શ્રમનિષ્ઠા વિના સિદ્ધ થઈ શકશે નહીં-સીધી સોંસરવી ઉતરી જાય તેવી વાત

 4. dilip desai says:

  Perfect solution of economy,war,caste ,religions .Dilip desai

 5. સરસ વાત…

 6. કલ્પેશ says:

  કૃષ્ણ ભગવાન જેમ કહે છે “વસુધૈવ કુટુંબકમ”.
  જો આ ભાવના આપણે કેળવીએ તો કોઇ ભુખ્યુ/નિરાધાર ન રહે.

  આપણે ધર્મનો ખરો અર્થ કદાચ સમજ્યા જ નથી? ગીતા/કુરાન વાંચવા અને મંદિર/મસ્જિદ જવાથી આપણે ધાર્મિક થઇ ગયા?

 7. Maharshi says:

  કામનો ભૌતિક હિસાબ કરવાને બદલે, દરેક કામનું નૈતિક મૂલ્ય માનીને, દરેક માણસને જીવન-નિર્વાહ મેળવવાનો સમાન અધિકાર છે, એમ જ સમાજમાં મનાવું જોઈએ.

  Great! Indeed 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.