ગોકુળમાં આવો તો – માધવ રામાનુજ

ગોકુળમાં કોક વાર આવો તો કાન,
હવે રાધાને મુખ ના બતાવશો;
ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાવ ભલે,
જમુનાને કાંઠે ના આવશો…

તાંદુલની પોટલીએ પૂનમની રાત
ભલે બાંધીને આવો ગોકુળમાં,
અડવાણે નૈં દોડે કોઈ હવે,
વિરહાનાં રાજ નહિ જીતો ગોકુળનાં;
સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,
વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો !

પાંદડે કદમ્બના, પાંપણની ભાષામાં,
લખી લખી આંખ હવે ભરીએ;
જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ
માધવને દ્વારકાના દરિયે :
લખિતંગ રાધાના ઝાઝા જુહાર…
શ્યામ, અંતરમાં ઓછું ના લાવશો !

ગોકુળમાં કોક વાર આવો તો કાન,
હવે રાધાને મુખ ના બતાવશો;
ગાયોનું ધણ લઈને ગોવર્ધન જાવ ભલે,
જમુનાને કાંઠે ના આવશો…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન-નિર્વાહનો સમાન અધિકાર – વિનોબા ભાવે
રંગબેરંગી – સંકલિત Next »   

18 પ્રતિભાવો : ગોકુળમાં આવો તો – માધવ રામાનુજ

 1. Kanchanamrut Hingrajia says:

  માધવ માટે માધવની સુંદર રચના.

 2. માધવ રામાનુજનેી ઉત્તમ રચના વાંચી આનંદ થયો. આભાર સહ !

 3. કેતન રૈયાણી says:

  બહુ જ સુંદર કૃષ્ણકાવ્ય !!!

 4. Paresh says:

  જેટલા અદ્ભૂત કૃષ્ણ છે તેટલાં જ અદ્ભૂત કૃષ્ણકાવ્યો છે. તેમાંય કૃષ્ણ ગોકુળ છૉડી મથુરા ગયા તે પ્રસંગના કાવ્ય ખૂબ જ લાગણીસભર છે. ગોપીઓની વિહ્વળતા, કૃષ્ણ માટેનો તલસાટ હ્રદયને વલોવી નાખે તેવો છે. કૃષ્ણ-કવિ શ્રી માધવ રામાનુજની આ ખૂબ જ સુંદર રચનાઓમાંની એક છે જે હસ્તાક્ષર આલ્બમમાં શ્યામલ-સૌમિલ મુનશીની સ્વરબધ્ધ કરેલ અને કદાચ (અક્ષમ્યભૂલ છે કે કંઠ બાબતે કદાચ લખવુઁ પડે છે) આરતી મુનશીના સ્વરમાં ગવાયેલ આ ગીત ખરેખર માણવા લાયક છે.

  ગોપીઓ દ્વારા ઉધ્ધવજીને ઉદ્દેશીને લખાયેલુ મારું આ પ્રિય ગીત છે.

  હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કહેજો રે
  માને તો મનાવી લે જો રે… હે ઓધાજી…

  એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો,
  ગાયોને સંભાળી જા જો રે… હે ઓધાજી….

  વ્હાલાની મરજીમાં રહેશું જે જોઈએ તે લાવી દેશું,
  કુબજાને પટરાણી કહેશું રે…. હે ઓધાજી….

  તમે છો ભક્તોના તારણ એવી અમને હૈયાધારણ,
  ગુણ ગાય ભોજો ચારણ રે…. હે ઓધાજી….

  ખૂબ જ આભાર

 5. Dilip Shah says:

  કઈ અક્ષમ્ય ભૂલ વિશે વાત કરો છો તે સ્પષ્ટ કરવા વિનંતિ.

 6. Paresh says:

  “ગોકુળમાં કોકવાર આવો તો શ્યામ…” ગીત કોણે ગાયુ છે તે ખબર નથી. આવા સુંદર ગીતને કોણે કંઠ આપ્યો તે પણ ખબર નથી તે ભૂલ.

 7. czpatel.....toronto.....canada says:

  બહુજ સરસ ગેીત્બ ચ્હ્…..મને બહુજ ગમેચ્હ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.