રંગબેરંગી – સંકલિત

[1] ઝીણી ઝીણી નોંધ – રાધેશ્યામ શર્મા

આખાયે ગામમાં માત્ર એક જ મોચી હતો.
ગામ હતું ખાણમાં કામ કરતા ગરીબ ખાણિયાઓનું. ખાણિયાઓને જ્યારે ભરપૂર ઊંઘ આવી જતી ત્યારે સપનામાં ભેખડો તૂટી પડતી એમના પર અને સફાળા બેઠા થઈ પોતાના બૂટ ઉપાડી ઘર બહાર નાસી નીકળતા. બૂટ ઉપર એમનો મદાર – જેટલો ત્રિકમ પાવડા કૉશ ઉપર. કેમ કે મોટે ભાગે બધાઓની પાસે બૂટની એક જ જોડી રહેતી – કહોને એકના એક દીકરા જેવી ! એક બૂટની જોડી ધરાવતા ખાણિયાઓના ગામમાં એક જ મોચી !
ખાણ પણ એક જ.
એક બૂટ, એક મોચી અને એક ખાણ….
કેવી ત્રિમૂર્તિ !

મોચી ધાર્મિક ખરો. દેવળના પાદરીએ એને તાકીદ કરેલી કે પ્રભાતે જેવો કૂકડો બોલે ત્યારે તારે પ્રાર્થના અચૂક કરવી. પણ બાપડો મોચી શું કરે. કૂકડાના કૂકૂ કે કૂકડે કૂક જેવા અવાજો એના કાને નહોતા પડતા. મધરાતે થાક્યો પાક્યો સૂઈ જતો તે સૂરજ ઊગ્યે સવાર પડજો મોડી. પ્રાર્થના લટકી રહી જતી. મોચીને આ ખોટ સાલતી. કાંટાની જેમ હૈયે ખૂંચતી. ગુરુજીએ કહ્યું છતાં આજ્ઞાનું પાલન નહોતું થતું. કોઈક દહાડો જ પ્રાર્થના થતી. અફસોસના કાંટાનો ઉપાય જાણવા પાદરી ગુરુ પાસે જઈ જઈ તે બોલ્યો :
‘ગુરુજી, ખાણમાં ખોદકામ કરવા જતા ભાઈઓને ખાસ જાતના બૂટ પહેરવા પડે છે અને તે વારેવારે ફાટી જતા હોય છે. ખાણિયા ભાઈઓ મારી પાસે એમના ફાટ્યાતૂટ્યા જોડા લઈને આવે ત્યારે મારે દોરા-સોંય લઈ બૂટો સીવવા બેસી જવું પડે છે, રાતોરાત. આવા બધાના બૂટ ના સીવી દઉં તો એ બચાડાની બીજી દિવસની રોજી જાય અને ભૂખ્યે તો ભજન પણ નથી થતાં બાપજી…. શું કરવું મારે ? આખી રાત દીવા બાળી બૂટ સીવવા પડે એટલે વહેલા ઊઠી ભરભાંખળે પ્રાર્થના નથી થતી…’

મોચીની, વચ્ચેથી વાત ઠેલી પાદરીએ પૂછ્યું : ‘પ્રાર્થના નથી થતી ત્યારે તને શું થાય ?’
મોચી : ‘વહેલા ના ઉઠાય તે દા’ડો સો મણનો નિસાસો નીકળી જાય બાપજી !’
પાદરી : ‘તો આજથી તારે પ્રાર્થના ના થાય તો એનો લગારે દખધોખો કે પસ્તાવો નહિ કરવાનો.’
મોચી : ‘કેમ એમ ?’
પાદરી : ‘તારો આ સો મણનો નિસાસો એક હજાર પ્રાર્થનાની પુણ્યૈ જેટલો માનજે. ખાણિયાઓના બૂટને જેટલા ટાંકા મારે છે એના અવાજની પ્રભુજી પાસે ઝીણી ઝીણી નોંધ રહે છે !’

[2] નિર્ણય – અરુણ પારેખ

એક શેખ રાજ્યનો પ્રવાસ કરતા હતા. એક ગામમાં તેમનો ઘોડો લંગડો થઈ ગયો. બીજા ઘોડાની જરૂર પડી. રાજાએ પોતાના સેવકોને હુકમ કર્યો કે આખા ગામના ઘોડા અને તેના માલિકને હાજર કરો. પોત-પોતાનો ઘોડો લઈને ગભરાતા-ગભરાતા બધા હાજર થઈ ગયા. પોતાનો ઘોડો બચાવવા બધા રજૂઆત કરવા લાગ્યા. એકે કહ્યું : ‘હજૂર, મારો ઘોડો હાંફી જાય છે.’ બીજાએ કહ્યું : ‘હજૂર, મારો ઘોડો ભડકે છે…’ શેખે બધાના બહાના સાંભળી લીધા. પછી વિચારીને કહ્યું, ‘સારું. અમે બધા ઘોડાની દોડવાની સ્પર્ધા ગોઠવીશું. જે ઘોડો પ્રથમ આવશે તેને અમે રાખી લઈશું.’

ઘોડાના માલિકો પોતાનો ઘોડો દોડવામાં પહેલો ન આવે તેની યુક્તિ વિચારવા લાગ્યા અને પછી ઘોડાદોડ માટે તૈયાર થઈ એક કતારમાં ઉભા રહી ગયા. સ્પર્ધા શરૂ થતાં પહેલાં શેખે પોતાનો નિર્ણય જાહેર કર્યો : ‘હવે બધા પોતાનો ઘોડો છોડી એક-બીજાના ઘોડાની પીઠ પર સવાર થઈ જાવ અને યાદ રાખજો કે જે ઘોડો પહેલો આવશે તે મારો થઈ જશે.’ (‘અરબસ્તાનની લોકકથા’)

[3] માયાળુ શબ્દો – જોન ફુર્લ્ટન

ખુશનુમા પ્રભાત થતાંની સાથે જ ખેતરમાં ખેડૂત બી વેરે છે અને તે ક્યાં ક્યાં વેરાય છે તે જોવાની પરવા નહિ કરતાં બાકીનું કામ ઈશ્વરને સોંપે છે કે જે ઈશ્વર વરસાદ અને સૂર્યનાં ચળકતાં કિરણો મોકલે છે અને પાક વખતે સો ગણું આપે છે. એ જ પ્રમાણે માયાળુ શબ્દો અને માયાળુ કાર્યો પણ ભૂલાં પડેલાં, એકલાં અને દુ:ખી પ્રાણીઓ પ્રત્યે જરૂરિયાતને પ્રસંગે ખરેખરા પવિત્ર હૃદયથી બોલવામાં તથા કરવામાં આવશે તો વખત જતાં પુષ્કળ માયાળુ કાર્યો અને માયાળુ શબ્દો જગતમાં ફેલાતા જણાશે.

[4] ઈશ્વરી સંકેત – દાસાનુદાસ

તું ભલે ઈશ્વરની ગમે એટલી સેવાપૂજા અને માળા પ્રદક્ષિણા કર્યા કરે, પરંતુ એ ઈશ્વર તારા ઉપર ક્યારે ખુશ થશે એ તને ખબર છે ? જ્યાં સુધી તું નિંદકની નિંદા અને ક્રોધીના ક્રોધને સહન કરીને નિંદક તથા ક્રોધીનો રાજીપો નહિ મેળવે ત્યાં સુધી તું એ અનંત ઈશ્વરનો રાજીપો કેવી રીતે મેળવી શકીશ ? શું ક્રોધી તારા ઉપર જે ક્રોધ કરે છે તેમાં અને નિંદક તારી જે નિંદા કરે છે તેમાં ઈશ્વરનો સંકેત નથી ? અરે, ઈશ્વરના સંકેત સિવાય કોઈથી કંઈ પણ બોલી શકાતું નથી, તેમજ કાંઈ પણ કાર્ય કરી શકાતું નથી. માટે ક્ષણે ક્ષણે થતી ક્રિયાઓમાં તું ‘ઈશ્વરની ઈચ્છા’ એમ દઢતાથી સહન કરતો તારા મૂળ ધ્યેય તરફ એટલે કે અનંત ઈશ્વર તરફ ચાલ્યો જજે. તેમાં જ તને ઈશ્વરી દિવ્ય આનંદ પ્રાપ્ત થશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગોકુળમાં આવો તો – માધવ રામાનુજ
મોક્ષદા મૈત્રી – સુરેશ એમ. પરમાર ‘સૂર’ Next »   

24 પ્રતિભાવો : રંગબેરંગી – સંકલિત

 1. પ્રેરણારૂપ બોધકથાઓ વાઁચવેી હઁમેશા ગમતેી હોય છે

 2. payal says:

  ખુબ જ સુદર.

 3. Natver Mehta says:

  ‘નિર્ણય’ ભાઈશ્રી અરૂણભાઇની અરબસ્તાનની લોકકથા આજના સંદર્ભમાં વિચારતા ઘણી જ અસરકારક લાગે અને આરબો આજે બીજાના ઘોડા પર જ સવાર થઇને આખી દુનિયા પર રાજ કરી રહ્યા છે. એમની પાસે ઓઈલ છે. અને એના પર સવાર થઈને દુનિયાને દોડાવી રહ્યા છે.

 4. Kanchanamrut Hingrajia says:

  ટચૂકડી બોધકથાઓ તો સાહિત્યની ફૂલદાની છે.

 5. rashmikant pithwa says:

  ખુબજ સુન્દર વન્ચ્વા જેવો

 6. Veena Dave,USA. says:

  સરસ.

 7. Maharshi says:

  વાહ વાહ…. ખુબ જ સરસ…

 8. ઈન્દ્રેશ વદન says:

  ખૂબ જ સરસ સંકલન.
  આવી ટૂંકી વાર્તાઓ પબ્લીશ કરતા રહેવાને વિનંતી.

 9. nayan panchal says:

  આ અરબી ભાઈ કોઈ ગુજરાતી તો નહોતો ને, જબરુ ભેજૂ વાપર્યુ.

  સુંદર લેખો.
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.