- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બોરડી-ધોલવડનો સુંદર દરિયાકિનારો – હેતલ દવે

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]

મહારાષ્ટ્રની સરહદમાં આવેલા આપણા સાખ પાડોશી જેવી બોરડી-ઘોલવડનો પ્રવાસ આજે કરાવવો છે. તમને થશે કે બોરડીમાં એવું તે શું હશે ? બહુ બહુ તો નામ મુજબ બોરનાં ઝાડ ? તો જવાબ છે, બોરડીમાં શું નથી ? 17 કિ.મી. લાંબો અણછુપો સમુદ્ર કિનારો, નજીકની ટેકરીઓ, શુદ્ધ હવા-પાણીમાં ઉછરતા રસદાર ચીકુની વાડીઓ અને તેથી વિશેષ નીરવ શાંતિ. બોલો, આથી વધુ શું જોઈએ ? અને તે પણ પાછું સાવ નજીક, તો ઝડપથી બે-ત્રણ દિવસનાં કપડાં તૈયાર કરી લો અને પહોંચી જાવ બોરડી.

[કેવી રીતે જશો ?]

પોતાની કે ભાડાની કાર લઈને જવું હોય તો સુરત-મનોર હાઈવે પર હંકારી દો અને ભિલાડથી નારગોલ થઈ સીધા બોરડી પહોંચી જાવ. ટ્રેનમાં જવું હોય તો, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નજીકના ઘોલવડ સ્ટેશને ઊભી રહે છે. તે ઉપરાંત વલસાડ ફાસ્ટ પેસેન્જર પણ ત્યાં ઊભી રહે છે. ઘોલવડથી બોરડી સુધી રિક્ષાવાળા લઈ જાય છે.

થોડાં વર્ષો પહેલાં બોરડીને કોઈ જાણતું ન હતું. આજુબાજુના દહાણુ, દમણ અને ઉમરગામ સુધી પ્રવાસીઓ આવતા પણ બોરડીનું કોઈ નામ જ નહોતું લેતું. બોરડીની ઉપેક્ષા કરી આજુબાજુના પ્રવાસધામોથી પાછા ફરતા કેટલાક લોકો બોરડીનો સમુદ્રકિનારો જોઈ અટક્યા અને પ્રેમમાં પડી ગયા. આમ, બોરડી શોધાયું. આ કદાચ શાંત બોરડીનો અંત હોઈ શકે. પણ સદભાગ્યે બોરડી બીજું ગોવા નથી બની ગયું. તેના મૂળ સ્વરૂપનું સ્વનિર્ભર ગામડું હજુ ઉપલબ્ધ છે. બોરડીમાં લાંબો સ્વચ્છ સમુદ્રકિનારો, સંજાણ અને ઉદવાડાથી ખસેલા થોડા પારસીઓ અને અત્યારે ફળેલ, રસદાર ચીકુની વાડીઓની ભરમાર છે. બોરડીમાં હરવા-ફરવાનાં ત્રણ મુખ્ય સ્થળો છે : સમુદ્ર કિનારો, બીચ અને દરિયા કિનારો ! હા, અહીં 17 કિ.મી. લાંબો વણછૂપ્યો અને એટલે જ અતિ સ્વચ્છ રહી શકેલ દરિયા કિનારો છે. બીચ શરૂ થાય તે પહેલાંની જમીન મુખ્યત્વે સરૂના વૃક્ષોથી છવાયેલી છે અને તે પછીના રોડની બીજી બાજુએ ચીકુની વાડીઓ છે; જે તમને જુદી જ દુનિયામાં લઈ જાય છે. બોરડીના દરિયા કિનારે, સરૂનાં વૃક્ષો તળે આરામથી લંબાવીને તમે કલાકો સુધી શહેરની દોડધામભરી જિંદગીમાં વાંચી શકાતું નથી તે પુસ્તક વાંચવાની અનેરી તક ઝડપી શકો છો. અહીં તમને ફુગ્ગાવાળો કે બુઢ્ઢીના બાલ (કેન્ડીફ્લોસ) વેચવાવાળો ડિસ્ટર્બ નહીં કરે તેની ગેરંટી છે અને સમુદ્રસ્નાનની મજા માણવી હોય તો, બોરડીનો દરિયો શાંત છે, નિશ્ચિંત થઈ તમારા તન-મનને ભીંજવી દો. અહીં ઓટના સમયે દરિયાના પાણી લગભગ એક કિલોમીટર જેટલા દૂર જતા રહે છે, પણ ભરતીના સમયે તો દરિયાને સરૂનાં વૃક્ષો સુધી પહોંચવું હોય તેમ ઘૂઘવતો હોય છે. તમને માત્ર દરિયો પસંદ નથી ? તો બોરડીમાં બીજું પણ જોવાલાયક છે.

[ અસાવલી ડેમ : ]
માનવસર્જિત અસાવલી ચેકડેમથી રોકાયેલ પાણીની બીજી તરફ પર્વતો આવેલા છે. ઈજિપ્તના વિશ્વવિખ્યાત પિરામિડની જેમ અસાવલી ડેમ મશીનની મદદ વગર માનવ હાથથી બંધાયેલ છે. 1160 ફૂટ લાંબા અને 78 ફૂટ ઊંચા આ અર્થન ડેમના બાંધકામમાં એકની ઉપર એક ગોઠવાયેલ શિલાઓ જોઈ તમે વિચારતા થઈ જશો કે, કાળા માથાનો માનવી ધારે તો શું ન કરી શકે ? ડેમ સાઈટ પર ઊભા રહી દૂર દૂર ક્ષિતિજોમાં ભળી જતી પર્વતરેખાઓ કે શાંત સરોવરના નીર પર રમત કરતી હવાની લહેરખીઓ નિહાળતાં જ દુન્યવી ચિંતાઓ ભૂલી જવાય છે. તમે ઈચ્છો તો, થોડા અંતરે આવેલ દીપચારી ડેમ પણ જઈ શકો, જ્યાનું સરોવર અસાવલી ડેમ કરતાં ઘણું વિશાળ, એટલું જ નિર્મળ અને અતિ શાંત છે.

[ ઉમરગામ : ]
પ્રખ્યાત ટીવી સિરિયલ ‘રામાયણ’નું શૂટિંગ થયું હતું તે વૃંદાવન સ્ટુડિયો ઉમરગામમાં છે તે તો બધાને ખબર છે, પણ તે ઉપરાંત અહીં સુંદર બોટનીકલ ગાર્ડન પણ છે. સાથે સાથે મલ્લીનાથ જૈન મંદિરના દર્શન પણ કરવા જેવા છે. ઉમરગામ બોરડીથી માત્ર 10 કિ.મી. દૂર આવેલું છે.

[ બાહરોટ ગુફાઓ : ]
બોરડીથી અસાવલી ડેમ જોઈ આગળ વધતા બાહરોટ ગુફાઓ આવે છે. જો તમે સ્થાનિક વસ્તીને આ નામથી પૂછશો તો કોઈને ખબર નહીં પડે. સ્થાનિક પ્રજામાં આ સ્થળ ‘ભારદાના’ નામે પ્રચલિત છે. બાહરોટ ગુફાઓ પારસીઓ માટે અત્યંત મહત્વનું ધાર્મિક સ્થળ છે. ઈરાનના રાજાના ત્રાસથી પારસીઓ ભાગીને ભારત આવ્યા હતા અને સંજાણના રાજા સાથે થયેલ દૂધમાં સાકરની વાત તો બધા જાણે છે. પરંતુ, તમે જે નથી જાણતા તે વાત એ કે, ઈરાનથી પોતાની સાથે લાવેલ પવિત્ર અગ્નિ પારસીઓએ ભારતની ભૂમિ પર સૌ પ્રથમ આ બાહરોટ ગુફાઓમાં સ્થાપ્યો હતો. ભારદાની ટેકરીઓની ટોચે કોતરી કાઢેલ ગુફાઓમાં પવિત્ર અગ્નિ આઠ વર્ષ સુધી પ્રજ્વલિત રહ્યો હતો અને તેથી વિશ્વભરમાં પથરાયેલા પારસીઓ માટે આ સ્થળ અત્યંત શ્રદ્ધા જન્માવનારું છે. શિવાજીના શાસન સુધી પારસીઓ અહીં શાંતિથી વસતા હતા. પરંતુ શિવાજીના દેહાંત પછી મોગલ સુબાઓના ત્રાસથી પારસીઓએ પવિત્ર અગ્નિને ઉદવાડા ખસેડ્યો, જ્યાં જે આજે પણ પ્રજ્વલિત છે. પારસીઓના આ યાત્રાધામે પહોંચવા બોરડીથી ગાઈડ મળે છે, તે અવશ્ય સાથે રાખવા જેવો છે કારણ કે અન્યથા ભૂલા પડવાની પૂરી શક્યતા છે. વાહન અસાવલી ડેમથી આગળ જઈ શકતું નથી. એટલે લગભગ ત્રણ કલાક ચઢવાની તૈયારી રાખવી, સાથે પૂરતાં પાણી-નાસ્તો પણ લેવાં. કારણ જઈને પાછા ફરતાં સહેજે પાંચ કલાક થાય છે. થોડી મહેનત થાય પણ જરા યાદ કરો તમે છેલ્લે કુદરતને ખોળે ક્યારે રમ્યા હતા ? રસ્તામાં થાકેલા પગને વિશ્રામ આપવા થોડી બેઠકો, કોઈ ભલા પારસીએ મૂકાવી છે તે ઉપયોગી થઈ પડે છે. ટેકરીની ટોચે પહોંચીને બધો જ થાક વિસરાઈ જાય તેવી અનુભૂતિ ન થાય તો જ નવાઈ; કેમ કે ઠંડી હવા ધરાવતા વાતાવરણમાં દૂર દૂર સુધી દેખાતી ટેકરીઓ અને તેના પર છવાયેલ વનરાજી એક અનોખું ચિત્ર ખડું કરે છે. કુલ ચાર ગુફાઓ પૈકીની મુખ્ય ગુફામાં પારસીઓ હજુ પણ પૂજા કરે છે, તે પહેલાં નજીકની ગુફામાંના પાણીમાં સ્વચ્છ થાય છે, મજાની વાત એ કે, આ ગુફામાં બારે મહિના જીવંત રહેતો પાણીનો સ્ત્રોત છે.

[ ઘોલવડ ]
ઘોલવડમાં શું કરશો ? કશું જ નહીં. હજુ પ્રવાસન ઉદ્યોગ વિકસ્યો નથી, એટલે તમારે થોડી ઓળખાણ શોધવી પડશે, જે દક્ષિણ ગુજરાતથી નજીક હોવાથી અઘરું નથી. કોઈ પરિચિતની વાડીમાં આવેલ મકાનમાં રહેવાનું ગોઠવી દો તો મજા જ મજા. તમને કુદરતી એલાર્મ કૂકડો જગાડશે અને આંખ ખોલશો તો, ગાઢા લીલાં ચીકુનાં પાંદડા પર નજર ઠરશે. જરાક શ્વાસ ખેંચશો તો નવી જ સુગંધ નાકમાં પ્રવેશી જશે, આ સુગંધ છે ટોફીની. ટોફીને આપણે પીપરમીન્ટથી ઓળખીએ છીએ તે ખરેખર વૃક્ષ પર ઊગે છે ! અને અહીં નીરવ શાંતિ છે. સ્થાનિક વારલી આદિવાસી પ્રજા અત્યંત ભોળી અને ઓછા બોલી છે, રસ્તે મળી જાય તો તમારું નાનકડું સ્મિત તેમના સમગ્ર ચહેરાને હાસ્યથી ભરી દેશે. ઈચ્છા થાય તો તમે અસાવલી ડેમ ચાલતા જઈ શકો છો, જ્યાં ગેટમાંથી ઉછળતું-કૂદતું પાણી તો જોવા નહીં મળે પણ, પ્રજ્વલિત સૂર્યપ્રકાશમાં ઠંડક આપતા શાંત વારિથી ભરેલું સરોવર અહીં છે. બીજા પ્રવાસધામોની જેમ અહીં બોટીંગની સગવડ નથી પણ તેને જરા હટકે કઈ રીતે કહેવાય. જો તમારા પરિચિત યજમાન ગુજરાતી હોય તો તેમને માલા ઊંધિયું જેને અહીં ‘ઓંભરિયું’ કહે છે તે ખવડાવવાની ફરમાઈશ કરો, કરાલના પાંદડાઓની વચ્ચે ભૂંજાયેલ ઊંધિયું તેની સોડમવાળું હોય છે અને તે મીઠાશ તમે ક્યારેય ભૂલી નહીં શકો. જો તમે અત્યારે ઘોલવડ જાવ તો, અહીંના પ્રખ્યાત ચીકુ ખાવાની તક મળશે.

[ દહાણુનો કિલ્લો : ]
વધુ જાણીતું દહાણુ બોરડીથી 24 કિ.મી. દૂર આવેલું છે. પોર્ટુગીઝ શાસન દરમ્યાન બંધાયેલ દહાણુનો કિલ્લો જીર્ણ થઈ રહ્યો છે પણ જોવાલાયક જરૂર છે. અહીંના નારપાડ બીચ પર સાંજે ઘણા લોકો આવે છે. દિવાળીના દિવસોમાં જો તમને બોરડીની મર્યાદિત આવાસ વ્યવસ્થામાં સગવડ ન મળે તો દહાણુમાં રૂમ મળી રહેશે અને 24 કિ.મી.નું અંતર શહેરીજનો માટે કંઈ જ ન કહેવાય ? અહીં હોટલ બીચસાઈડ (ફોન : +91-2528-223376) તથા હોટલ પર્લલાઈન (ફોન : 222442)માં રહેવાની સારી સગવડ છે.

બોરડી નિવાસ દરમ્યાન ‘ગુજરી’ના નામે ઓળખાતા સ્થાનિક બજારની અવશ્ય મુલાકાત લેવા જેવી છે. જ્યાં વાડીમાંથી તાજા ચૂંટેલા શાકભાજી, આ સીઝનમાં જ પાકતા રસદાર ચીક આપણા શહેરથી અતિ સસ્તા ભાવે મળશે. મહારાષ્ટ્ર ટુરિઝમના રિસોર્ટ પાસેના અંબિકા કોમ્યુનિકેશનમાંથી તમે ચીકુની બનાવટો જેવી કે ચીપ્સ, વડી, ચીકુ પાઉડર અને ચીકુનું અથાણું પણ ખરીદી શકશો.

[ બોરડીમાં ક્યાં રહેશો ? ]
તો બોલો, બોરડી જવા મન લલચાયું છે ? રહેવાની સગવડો જણાવી દઉં…. ?
એમટીડીસી ટેન્ટ રિસોર્ટ : સમુદ્રકિનારા પર જ બનેલ મહારાષ્ટ્ર ટુરિઝમનો રિસોર્ટ શ્રેષ્ઠ લોકેશન ધરાવે છે. રિસોર્ટમાંથી સીધા જ બીચ પર જવાય છે. ભોંયતળિયાના રૂમ પસંદ કરવા સલાહભર્યા છે. અહીંના રેસ્ટોરન્ટમાં કોંકણી, ભારતીય અને ચાઈનીઝ ખોરાક ઉપલબ્ધ છે.
આનંદ રિસોર્ટ : દરિયાની સામે આવેલ રિસોર્ટ ગુજરાતી ભોજન માટે વખણાય છે. સ્વીમીંગ પુલ વગેરે સગવડો પણ ઉપલબ્ધ છે.
ગુલ ખુશ રિસોર્ટ : પારસી પરિવારના ઘરમાં જ ચાલતા આ રિસોર્ટની ઓપનએર રેસ્ટોરન્ટમાં વહેલા ઓર્ડર આપવાથી પારસી ભોજનની લિજ્જત માણવા મળે છે.
હીલ-ઝીલ રિસોર્ટ : દરિયા કિનારાના પ્રવાસધામમાં ટેકરીઓથી વીંટળાયેલ રિસોર્ટની કલ્પના કરી છે ? તેને સાકાર કરવી હોય તો હીલ-ઝીલ રિસોર્ટમાં ઉતારો રાખજો. બોરડીથી 3 કિ.મી.ના અંતરે હોવાથી પોતાનું વાહન હોય તો જ ત્યાં રહેવાનું રાખવું.