ક્રાંતિકારી – ડૉ. પ્રદિપ પંડ્યા

કૉલેજમાં બન્ને જણાંને ઘણી વખત છોકરાઓએ જોયાં હતાં. થોડા પિકચરમાં પણ તેઓ સાથે હતાં અને પિકનિકમાં ઘણીવાર સાથે રહેતાં, પણ એમની વચ્ચે પ્રેમ હશે એવું તો કોઈ પણ યુવક કે યુવતીએ વિચાર્યું ન હતું. ઘણાંને એમ લાગતું કે તેઓ એકબીજાની પરવા નથી કરતાં અને એકબીજાથી દૂર ભાગે છે આમાં કોઈને આશ્ચર્ય થતું નહીં.

પણ બધાંને આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે બધાએ સાંભળ્યું કે તેઓ લગ્ન કરવાના છે. ઘણા યુવકોએ જ્યારે આ વિષે કિશોરને પૂછયું ‘ભાઈ, આ લગ્નની એકદમ ઉતાવળ કેમ ? અમને તો ખબર આપીશને ?’ પણ કિશોર કંઈ પણ કહ્યા વગર આ વાતને ઉડાવી દેતો. સૌથી મોટું આશ્ચર્ય મુકુંદને થયું હતું. કિશોર અને મુકુંદ મિત્રો હતા. છેવટે મુકુંદથી રહેવાયું નહીં.
‘કિશોર, આ લગ્ન કરી નાંખવાની ઉતાવળ કેમ ? તારાં બા-બાપુજીને પૂછયું છે ? અને નીલા કેમ કૉલેજમાં દેખાતી નથી.
જ્યારથી આ વાત ઊડી છે ત્યારથી નીલા કૉલેજમાંથી અદશ્ય છે. તું કંઈ વાત કરતો નથી આમાં મારે સમજવું શું ?’

કિશોરથી મુકુંદના પ્રશ્નો ઉડાવી દેવાયા નહીં.
કિશોરે જવાબ આપતાં કહ્યું, ‘નીલા અને હું લગ્ન કરવાનાં છીએ.’
‘એ તો આખી કૉલેજ જાણે છે, એમાં તેં નવી વાત શી કરી ? પણ આવો ભગીરથ નિર્ણય અચાનક લેવાનું કારણ શું છે?’
‘જો હું તને માંડીને વાત કરું.’ કિશોરે વાત આગળ ચલાવતાં કહ્યું, ‘પહેલાં અમે સાથે ફરતાં હતાં, પિક્ચર જોતાં હતાં, રખડતાં હતાં. એક દિવસ મેં એને કહ્યું કે હું તને ચાહું છું ત્યારે એણે મારી સાથે આગળ વાત કરવાની જ ના પાડી અને કહ્યું કે હું તારી પત્ની નહીં બની શકું, આપણે સારાં મિત્રો છીએ તે જ બહુ છે.’
‘પણ તો પછી એને મિત્રમાંથી એકદમ પત્ની બનવાના કોડ ક્યાંથી જાગ્યા અને તને પૂરા કરવાના શોખ જાગ્યા ? આમ તો તું તારી જાતને બહુ સ્વમાની ગણે છે, આખી કૉલેજમાં તારા જેવો સરળ અને સીધો છોકરો કોઈ નથી, એ મને ખબર છે, અને નીલા જેવી સુંદર અને છેલબટાઉ છોકરી પણ કોઈ નથી, પણ આમાં તને એકદમ પતિ બનવાનો શોખ ક્યાંથી જાગ્યો, એ ખબર નથી પડતી.’ મુકુંદે ગુસ્સામાં જ કહ્યું.

‘તારા ગુસ્સાને હું સમજી શકું છું પણ મારી વાત સાંભળ. મેં પણ એ વાત પછીથી છોડી દીધી હતી. પણ પંદર દિવસ પહેલાં એ મારી પાસે આવી, એનું મોઢું જોયું હોય તો તને પણ દયા આવી જાય.’
‘અને તને એની પર દયા આવી ગઈ !’
‘પણ મારી વાત તો સાંભળ. એણે મને કહ્યું કે એ પ્રેગનન્ટ છે.’
‘શું કહ્યું, એ પ્રેગનન્ટ છે અને તું એની સાથે લગ્ન કરવા માંગે છે ?’ મુકુંદ ચિલ્લાઈ ઊઠ્યો.
‘હા, એણે મને કહ્યું કે એના પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ છે. તને ખબર હશે કે આજથી ત્રણ મહિના પહેલાં શ્રીકાંત મરી ગયો અને નીલા તે વખતે એની સાથે ફરતી હતી. નીલા કહે છે કે એ ગર્ભ શ્રીકાંતનો છે અને એ બાળકને શ્રીકાંતની નિશાની તરીકે જાળવવા માંગે છે. નીલા માંગે છે કે એના બાળકને કોઈ અનાથ ન કહે, એને પિતાનો સહારો જોઈએ છે અને મને એનો પિતા બનવાનું કહે છે.’
‘અને એ માટે તું તારું બલિદાન આપવા તૈયાર થયો છે ?’
‘હા; છતાં આ વાત આજે બંધ કરીએ, આજે આ વાત હું મારા માતા-પિતાને કરવાનો છું.’
‘મને ખાત્રી છે કે તારા માતા-પિતા તને ના પાડશે. એ તારા જેવા મૂર્ખ નથી.’
*********************

‘….ના, મારા ઘરમાં એવી નકામી છોકરી નહીં જોઈએ.’ કિશોરના બાપુજીએ ગુસ્સામાં કહ્યું.
‘મારી કેટલીય ઉમ્મીદો, ઈચ્છાઓ પર તેં પાણી ફેરવી નાખ્યું, મારે તને કેટલા ઉમંગથી પરણાવવો હતો. મારે કેટલો લહાવો લેવો હતો એ બધું નકામું ગયું.’ કિશોરની બાએ પણ વિરોધ કરતાં કહ્યું.
‘પણ, બાપુજી એવી શી ખરાબ વસ્તુ છે, જે તમને ગમતી નથી, એ સુંદર છે, મારી જોડે ભણે છે, મને ગમે છે. એનાં મા-બાપ ખાનદાન છે.’
‘એ છોકરીમાં શું ખરાબ છે ? બીજા કોઈના બાળકના બાપ બનવાનું તને પસંદ હોય તો મને વાંધો નથી, પણ મારે બીજા કોઈ બાળકના દાદા નથી બનવું કે નથી બનવું તારી માને દાદીમા. એ સુંદર છે અને તારી સાથે ભણે છે એ મને ખબર છે, એનાં મા-બાપ ખાનદાન છે, એ પણ ખબર છે અને એટલે જ એ નાલાયક છોકરીને એ લોકો ઘરમાં રાખવા તૈયાર નથી, એમને પણ એમનું ખાનદાન જોવું છે.’
‘પણ બાપુજી, તમને એ વાતનો ખ્યાલ આવે છે કે એમાં એક આશાસ્પદ યુવતીનું બલિદાન અપાઈ જશે. એને ક્યાંય આશરો નહીં મળે અને પછી તમે જાણો છો કે એ શું કરશે ? એ આપઘાત કરશે અને એની હત્યાનું પાપ તમારી ઉપર, મારી બા ઉપર અને આ સમાજને લાગશે.’ કિશોરે બિલકુલ ગુસ્સે થયા વગર, મક્કમ અવાજે કહ્યું, ‘મારી બાને મારાં લગ્નથી લહાવો લેવો છે, છોકરાને ઘોડે બેસાડવો છે અને પાછળ પેલો દીવો લઈને ચાલવું છે, આગળ દરબાર બૅન્ડ અને પાછળ સ્ત્રીઓ ગીતો ગાતાં ચાલતાં હોય, એની મનપસંદ વહુ હોય, પણ મારે આ નથી જોઈતું. બા-બાપુજી તમે એમ ન માનશો કે હું તમારી વિરુદ્ધ છું, પણ સમય આગળ વધતો જાય છે ત્યારે એની સાથે કદમ મિલાવવા જોઈએ, અને એ તમે નહીં મિલાવી શકો, એને માટે જુવાનીયા જ જોઈએ, એમાં હિંમત અને સાહસનું કામ છે. બાપુજી તમારાથી એ નહીં થઈ શકે. તમારો વાંક પણ નથી કાઢતો. તમારા સમાજનું ઘડતર એવું જ છે પણ મારો આ નિશ્ચય છે, હું એની સાથે લગ્ન કરવાનો છું.’
‘ભલે તું એની સાથે લગ્ન કરી શકે છે પણ આજથી તું મારો દિકરો નથી અને આ ઘરના દરવાજા તારે માટે બંધ છે, તારી બા અને મારો પણ આ છેવટનો નિર્ણય છે.’
‘જેવી તમારી ઈચ્છા.’ કિશોરે કહ્યું, ‘હું મારા નિર્ણયમાં અડગ છું.’
એટલું કહીને કિશોર ઉપર એની રૂમમાં ગયો. બૅગ તૈયાર કરી, જેટલા પૈસા હતા તે લીધા અને તરત જ નીચે ઊતર્યો. બા સામે જ ઊભાં હતાં, એમને પ્રણામ કરીને એ બહાર નીકળી ગયો.

બસમાં બેસીને મુકુંદના રૂમ પર જવાનો વિચાર કર્યો. બસમાં બેઠો, અને એના વિચારો પણ બસની જેમ જ દોડવા લાગ્યા. એને થયું કે અત્યારે તો મારી સામે મારાં મા-બાપનો વિરોધ છે, મુકુંદનો વિરોધ છે જે મને સમજવાનો પ્રયત્ન કરતો નથી. એ મારી જગ્યાએ હોત તો ચોક્કસ નીલાને ના પાડી દે અને તો પછી એ બિચારીને આપઘાત જ કરવો પડે. પણ નહીં, મારાથી એવું નહીં થાય, મારો નિશ્ચય અડગ છે, હું તો ગમે તે થાય એની સાથે લગ્ન કરીશ જ, પછી ભલે કેમ હું ફના ન થઈ જાઉં. એટલામાં સ્ટેન્ડ આવ્યું. કિશોર નીચે ઊતર્યો. થોડીવારમાં મુકુંદની રૂમ પર આવી પહોંચ્યો. મુકુંદે એના હાથમાં બૅગ જોઈ અને બધું સમજી ગયો.
‘સમાજની વેદી પર તું બલિદાન આપવા નીકળ્યો છે, એવું તારા ચહેરા પરથી લાગે છે, શું બા-બાપુજીએ ઘરમાં રાખવાની ના પાડી ?’
‘હા, અને એટલે તારી રૂમ પર આવ્યો છું. જો તારી ઈચ્છા ન હોય તો હું હમણાં જ જતો રહું.’
‘ના રે, એવું કરવાની જરૂર નથી. નીલાભાભી સાથે તું આરામથી અહીં રહી શકે છે.’ મુકુંદ બોલ્યો.
કિશોરે બેગ નીચે મૂકી અને ખુરશી પર બેઠો.

‘તને તારાં બા-બાપુજીનો બિલકુલ વિચાર આવતો નથી? એમણે તને મોટો કર્યો, ભણાવ્યો, સંસ્કાર આપ્યા અને તું એમને છોડીને આવતો રહ્યો ? લોકોને શિક્ષણ પરથી વિશ્વાસ ઊઠી જશે.’
‘મુકુંદ, તું તો ભણેલો છે. તેં વાંચ્યું છે છતાં તારા વિચારો આવા જૂનવાણી કેમ છે ? સમાજને સુધારવો હોય તો બલિદાન આપવાં જ પડે.’ કિશોરે વિરોધ કરતાં કહ્યું.

‘કિશોર, મારાં વિચારો જૂનવાણી નથી પણ હું વ્યવહારિક છું. મોટી ઉંમરનો મેડિકલ કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતો છોકરો જતા રહેતા મા-બાપને કેટલું દુ:ખ થાય એની મને ખબર છે. એમની કેટલીય ઈચ્છાઓ, આશાઓ પર પાણી ફરી વળે છે. એનો કદી તેં વિચાર કર્યો છે ? અને એ પણ નીલા જેવી સ્વચ્છંદી છોકરી માટે ? કૉલેજમાં કેટલા છોકરાઓ સાથે ફરે છે, એની તને ખબર છે ? એને આટલાબધા મિત્રો હતા છતાં તને કેમ પસંદ કર્યો ? કારણ કહું, ખોટું ન લગાડતો. એને ખબર હતી કે તારામાં ના પાડવાની શક્તિ નથી. તું સિદ્ધાંતમાં માને છે, કદાચ બીજા કોઈએ હા પાડી હોત તો એ તારું સામું પણ જોત નહીં, એની તેને ખબર નહીં હોય પણ મને ખબર છે. આવી છોકરી માટે તું તારાં માતા-પિતા અને તારા મિત્રોનો વિરોધ કરે છે, મારાથી સમજાતું જ નથી.

‘મુકુંદ, તું કદાચ ખરો હોઈશ, પણ એણે જ્યારે મારી પર વિશ્વાસ મૂક્યો છે, જ્યારે મારી મૈત્રીની કિંમત માંગી છે ત્યારે મારે એ આપવી જ જોઈએ.’

‘અને હું મારી મૈત્રીની કિંમત માગું છું એનું કંઈ નહીં ? તારાં મા-બાપ એમની કિંમત માંગે છે તેનું શું ? એમના પ્રત્યે કે મારી પ્રત્યે તારી કોઈ ફરજ જ નથી અને આ છોકરી જેની જોડે બે વર્ષથી ઓળખાણ છે એની મૈત્રીની તું કિંમત ચૂકવવા તૈયાર થયો છું ?’

‘મારે કંઈ પણ સાંભળવું નથી મને ખાત્રી છે કે જો હું નહીં પરણું તો એ આપધાત કરશે અને સમાજની વેદી પર મારે એનું બલિદાન નથી આપવું. મારું બલિદાન આપીને પણ એને બચાવી લઈશ. આ મારો નિર્ણય છે.’ કિશોર ઊભો થઈ ગયો.

‘સારું, તારે જેમ કરવું હોય એમ કરજે, એક મિત્ર તરીકે તને સલાહ આપી છે. આ રૂમ તારે માટે હંમેશાં ખુલ્લી છે. તું નીલા સાથે લગ્ન કરી શકે છે અને તમે બંને અહીં રહી શકો છો.’ મુકુંદે પણ વાત પૂરી કરી.

બીજે દિવસે નીલા કૉલેજમાં આવી. કિશોર એની પાસે ગયો.
‘નીલા, સમાજની વેદી પર હું તારું બલિદાન નહીં આપવા દઉં. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. મેં મારું ઘર પણ છોડી દીધું છે.’ કહીને કિશોરે નીલાનો હાથ પકડ્યો.

નીલા થોડીવાર વિચારમાં પડી ગઈ અને પછી તે હસી પડી.
‘કિશોર મને માફ કર. પણ મારી સામે જો. તને લાગે છે કે મને ત્રણ મહિનાનો ગર્ભ હોય ? આપણે તો મેડિકલમાં ભણીએ છીએ. હું તો તારી સાથે મશ્કરી કરતી હતી. હું પ્રેગનન્ટ નથી એટલે તારી સાથે લગ્ન કરવાનો સવાલ જ નથી. મને માફ કર, મને ખબર નહીં વાત આટલી બધી વધી જશે અને મારે થોડું કામ છે, હું જાઉં છું.’
નીલા જતી રહી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંબંધોનું રસાયણશાસ્ત્ર – ડૉ. ભારતી રાણે
અરે ઓ સુનામી – નમ્રતા ભટ્ટ Next »   

15 પ્રતિભાવો : ક્રાંતિકારી – ડૉ. પ્રદિપ પંડ્યા

 1. anand says:

  awesome.. that’s what happnes to selfish ppl.. i’d never ever leave my parents for some girl. mom dad do alot for their son, they sacrifice so many happiness and just for some byatch this guy left his parents.. he says he’s in medical school and wanna be a docotor.. aint he a looser?

 2. meena chheda says:

  વાર્તાનો અંતિમ વળાંક એક અલગ જ અકલ્પ્ય દિશામાં વાચકને મૂકી દે છે… અને આ જ રીત, કલમની સાર્થકતા પ્રગટ કરી જાય છે.

 3. hardik pandya says:

  take this story lightly man !!!!
  nahi to khabar nahi ketla tutshe ne ketla bhangshe?

 4. farzana aziz tankarvi says:

  i like the story……

 5. dharmesh Trivedi says:

  અવાસ્તવિક મજાક્.

 6. nayan panchal says:

  In today’s time, people like Kishor called “emotional fool” or “Senti-virus”.

  Btw, on a serious note, Neela did an unforgivable mistake. People like Kishor are very rare to find these days and after such heartache, he will never be the same again. It’s a great loss and Neela is mainly responsible for that.

  That’s why in today’s world, we have to use Heart and Head as well to take any decision.

  nayan

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.