ખીંટી માણસને ગમે છે – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ માંથી સાભાર.]

જૂના ઘરની રંગ અને પોપડા ઉખડેલી ભીંતો ઉપર ઠેકઠેકાણે ખીંટી જડેલી રહેતી. જુદીજુદી ખીંટી ઉપર જુદીજુદી વસ્તુઓનું સ્થાન. આગલા ખંડની એક મોટી ખીંટી ઉપર વર્ષો પહેલાં દાદાની લાલ ઝોળી, રાખોડી રંગની પાઘડી, લાલ-ઘસાયેલી છેટી તથા અબોટિયું કે પંચિયું લટકતાં રહેતાં. ખીંટી મોટી એટલે એની ઉપર ઘણાં થેલા-થેલી-કપડાં લટકાવી શકાતાં. થોડાં વર્ષો પછી એ મોટી ખીંટી ઉપરથી ઝોળી, છેટી, પંચિયું – અબોટિયું અદશ્ય થયાં અને એ ખીંટીથી સહેજ ઉપરની નાની ખીંટીએ દાદાની તસવીર ઝૂલતી થઈ ગઈ. હજી એ મોટી ખીંટી છે. કપડાં લટકાવવાનો ક્રમ ચાલુ છે. પેઢી બદલાઈ છે.

વર્ષો પહેલાં આધુનિક આર્કિટેક્ચરનો મહિમા નહિ. લીંપણવાળો ઓરડો અને જર્જરિત દીવાલો પર જ્યાં જુઓ ત્યાં ખીંટી, ખીલી જડેલાં કશુંક લટકાવવું હોય તો ઝપ્પ દઈને લટકાવી દેવાય. કોઈ આધેડ-પ્રૌઢ પુરુષ બહાર જઈને આવે કે તરત જ પોતાની થેલી, ટોપી ખીંટીએ ભેરવે અને હાશ કરીને હેઠે બેસે. કોઈ છોકરું દોડતું અડવા પગે નિશાળેથી હડી કાઢતું આવે ને ખીંટીએ એની થેલી કમ દફતર મૂકે ને સીધું જાય ખાવા. અમારા ચંદનબાની મંદિરે જવાની નાની-બચુકડી થેલી કોઈ ખીંટીએ અચૂક લટકતી હોય. વળી, કોઈક ખીંટી તો ચાવી માટે અલાયદી. અમારા ભાડૂત વર્ષોનાં વર્ષો સુધી ઉપર ચાવી ભેરવી ગયા અને ક્યારે લઈ ગયા એની સરત પણ ન રહે એટલી સાહજિકતા પ્રવર્તતી. કોઈ સજ્જન ખીંટીએ લાકડી લટકાવે, કોઈ છત્રી લટકાવી ભૂલીયે જાય. એકાદ ખીંટી વળી કાળી મેંશ બાઝેલા ફાનસનીયે ખરી. એક ખીંટી પર દળેલી ખાંડની પિત્તળની બરણી લટકતી હું દાયકાઓથી જોઉં છું. એમાંથી કેટલીય વાર ખાંડ ચોરીને ખાધી હશે. વળી, એક ખીલે લટકતી બરણીમાં સૂકો મેવો, એલચી વગેરે મોંઘેરી ચીજો સંઘરાયેલી. એ અમારા આકર્ષણનું કેન્દ્ર પણ ખરી. કોઈ ખીંટી પર વર્ષોજૂનાં કૅલેન્ડરો ઝૂલે, કોઈ ખીલી પર તુલસીમાળાઓ સ્થિર થઈ બેઠી હોય, કોઈ પર બિલ-હિસાબોના સેંકડો નકામા બની ગયેલા કાગળોનો તાર તેની વીતી ગયેલી છતાં બાકી રહેલી અગત્યતા દર્શાવતો લટકતો હોય તો વળી કોઈ ખીંટી પર પિત્તળની છીણી પણ ઝૂલતી હોય.

નવા ઘરમાં તો શોભા બગડી જાય તેથી ક્યાંય ખીંટી-ખીલા-હૂક રખાતાં નથી. સ્વચ્છ, ખાલી, કોરીકટ્ટ દીવાલો સુઘડતા વ્યક્ત કરે છે. ઘરના જાત-ભાતના અસબાબના કરચલિયાળા જર્જરિત અક્ષરો વિનાની ભીંતો યુવાન અને સુંદર લાગે છે. નવા ઘરમાં ખીંટીને કશું સ્થાન નથી પણ જૂના ઘરમાં તો એકએક ખીંટી કેટકેટલા ઈતિહાસને પોતાની ઉપર ભેરવે છે.

આ સાવ નગણ્ય લાગતી ખીંટી એટલા માટે યાદ આવી કે હમણાં એક પ્રસંગકથા વાંચી. શ્રી શાંતિલાલ ડગલીએ અંગ્રેજીમાંથી રજૂઆત કરી છે. એક સુથારને ઘરમાં રિપેરકામ માટે બોલાવાયો. કામના પહેલા જ દિવસે રસ્તામાં ટાયર પંક્ચર થયું. ચાલુ કામે તેની ઈલેક્ટ્રિક કરવત બગડી. ઘરે પાછા ફરતાં એનું વાહન ચાલ્યું નહીં. જેમને ત્યાં કામ ચાલતું હતું એ સજ્જન સુથારને ગાડીમાં મૂકવા ગયા. ઘર આવતા જ સુથારે સજ્જનને અંદર આવવા નિમંત્રણ આપ્યું. ઘરમાં દાખલ થતાં પહેલા સુથાર એક નાના ઝાડ પાસે રોકાયો. બંને હાથ એણે ઝાડ પર મૂક્યાં. બારણામાં દાખલ થતાં જ એનામાં અજબનું પરિવર્તન દેખાયું. તેના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. બાળકોને વહાલ કર્યું અને પત્નીને ચૂમી ભરી. સજ્જન બહાર નીકળ્યા ત્યારે સુથાર કાર સુધી મૂકવા આવ્યો. પેલા ઝાડ પરથી પસાર થયા ત્યારે સજ્જને કુતૂહલથી પૂછ્યું : ‘ઘરમાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડક્યાં ?’
સુથારે કહ્યું : ‘અરે હા ! આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈ ને કોઈ તકલીફ તો આવે જ. પણ ઘરે મારા પત્ની-બાળકોને એની સાથે શું લેવાદેવા ? એટલે સાંજે જ્યારે કામ પરથી ઘરે પાછો આવું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ થાઉં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું. પણ નવાઈની વાત તો એ છે કે રાતે મૂકેલી તકલીફોમાંથી ઘણીખરી સવારે ત્યાં હોતી નથી.

માણસને કોઈપણ સ્વરૂપે ખીંટી ગમે છે. પોતાના દુ:ખ, તકલીફ, પીડા, વ્યથા, મૂંઝવણ, ક્રોધ વગેરે કોઈક ને કોઈક ખીંટી પર ટિંગાડવા એ પ્રયત્ન કરતો રહે છે. કોઈને આ સુથારની જેમ વૃક્ષ જેવી જીવંત ખીંટી મળી પણ જાય છે. ખીંટી વગરનો માણસ સતત આ બધો ભાર પોતાની ઉપર લઈને ફર્યા કરે છે. કોઈકોઈ પોતે જ સ્વયં ખીંટી જેવાં હોય છે. તેની ઉપર સતત બધાં જાતજાતનો ભાર ટિંગાડતા હોય છે. ક્યારેક એ માણસ ભાર ઝીલી-ઝીલી ભીંતમાંથી હાલતી ખીંટી જેવો પણ થઈ જાય છે. છતાં એને પોતાનું ખીંટીપણું ગમે છે. લટકતી વસ્તુઓનું પ્રમાણ એટલું બધું વધી જાય છે કે ખીંટી દેખાતી પણ નથી.

એથી ઊલટું, ક્યારેક કંઈ મનગમતું વાંચતા હોઈએ ત્યારે તે સિવાયનું બાકીનું બધું સુખ પણ અને દુ:ખ પણ, પેલી પુસ્તકની બહારની ખીંટીએ લટકતું હોય છે. જેવું પુસ્તક બંધ કરીએ કે ખીંટી પરથી બધું આપણા મન પર ભેરવાય. ખીંટી તો બિચારી મૌન છે, મૂક છે. તેની ઉપરની વસ્તુઓ બોલકી છે. પણ ખીંટી એનેય પોતાની જેમ મૌન બનાવી દે છે. તેથી જ પેલું વૃક્ષ એની ડાળીઓ પરનાં પર્ણો જેટલી જ સહજતાથી પેલા માણસની તકલીફો પહેરી લે છે – એ પર્ણો પવનમાં ફરકે એટલાં હળવાં હશે. સવાર સુધીમાં કેટલાંક પર્ણો આપમેળે જ ખરી જતાં હશે. બાકીના સમયાંતરે ખરશે અને નવાં પણ ફૂટશે જ. પેલો સુથાર જે વૃક્ષોના લાકડાં કાપી સર્જન કરે છે એને માટે વૃક્ષ કોઈ વસ્તુ નહિ પરંતુ પરમ સખા છે.

પરમ તત્વ સમીપે જતાં માણસે પોતાના દુ:ખ અને સુખ, આનંદ અને પીડા, પ્રેમ અને દ્વેષ બધું જ કોઈ અદષ્ટ ખીંટી પર લટકાવતા જવાનું છે. ખીંટી માણસને કેટલો નરવો બનાવે છે ! આખા જીવન દરમિયાન મનુષ્ય ખીંટી પર રોજબરોજ કેટકેટલું લટકાવતો રહે છે અને છેવટે પોતેય ખીંટીએ લટકી જાય છે, તસવીર બની.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આવ, ભાણા, આવ ! – શાહબુદ્દીન રાઠોડ
એક રોમાંચક સફર – મૃગેશ શાહ Next »   

23 પ્રતિભાવો : ખીંટી માણસને ગમે છે – રીના મહેતા

 1. Soham says:

  કેટલી સુંદર વાત કરી છે… મનની ખીંટી… કેટલી સમજણ ….

  તમારી પદવી, મોભો અને અહંકાર નો ઝભ્ભો ઘર ની બહાર રાખી ઘર માં જવુ. જુઓ પછી તમને કેવુ લાગે છે….

 2. Ravi , japan says:

  Supperb , amazing story !!
  one of the best story of this gr8 site !!
  please reena bahen keep writting..

 3. SAKHI says:

  VERY NICE STORY

 4. Quelle belle histoire ornementée des clous avec en prime un enseignement anti-stress
  Translate
  Which a nice history decorated with nails with an education bonus anti-stress
  ‘અરે હા ! આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈ ને કોઈ તકલીફ તો આવે જ. પણ ઘરે મારા પત્ની-બાળકોને એની સાથે શું લેવાદેવા ? એટલે સાંજે જ્યારે કામ પરથી ઘરે પાછો આવું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ થાઉં છું.

 5. Veena Dave,USA. says:

  વાહ્ , ખુબ સરસ.

 6. Tushar Patel says:

  Reenabahen,

  Superb ! Fantastic Illustration

  Very nice and inspired story. Keep writing ….

  Thank you.

 7. ‘કોઈકોઈ પોતે જ સ્વયં ખીંટી જેવાં હોય છે. તેની ઉપર સતત બધાં જાતજાતનો ભાર ટિંગાડતા હોય છે. ક્યારેક એ માણસ ભાર ઝીલી-ઝીલી ભીંતમાંથી હાલતી ખીંટી જેવો પણ થઈ જાય છે.’ વાહ સરસ લેખ.

 8. Maharshi says:

  Shri Reenaben is one of my favourite writer!!! Simply Great!!

 9. upendra parikh says:

  the best article. i am here for last four years in america & reading this web sight on computer . this is one of the best articles . very appealing as i had gone through in my age of 70 years. salute to read gujarati . upendra.

 10. payal says:

  Really gr8.

 11. Dhaval B. Shah says:

  સુન્દર વાત.

 12. Jignesh says:

  કદાચ તમારા લેખ પરથી મારા જુના ઘરની ખીટીનો મતલબ સમજાયો કે એ ખીટી પર અમે અમારા ભણતરનો ભાર મુકી રમી શકતા હતા. અને આજે નવા ઘરમા જયાં કદાચ બધી સગવડ છે પણ ભાર કયાં મુકવો?

 13. nimesh says:

  ખરેખર સફારિ મા સારિસારિ વાતો નુ knowldge male chhee.

  Nimesh Rajpura

 14. nayan panchal says:

  ખીંટીના રૂપક દ્વારા રીનાબેને કેટલુ બધુ સમજાવી દીધુ (કદાચ, આખુ જીવન)…

  અતિસુંદર લેખ.

  નયન

 15. […] પડે છે પીંછું’માં રીના મહેતાએ ‘ખીંટી માણસને ગમે છે‘ લેખમાં (March 5, 09) આ વાર્તાનો ઉલ્લેખ […]

 16. ફરતુ ફરતુ,

  મન ગમતુ,

  આ ગુજુનુ ગીત,

  માઁણવાની મઝા આવે ને!

  આ તો પાકી ઘોળેલી કેરી ને ચુસવા નુ લાગ્યુ!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.