એક રોમાંચક સફર – મૃગેશ શાહ

[પ્રવાસ એટલે કુદરતનો ખોળો ખૂંદવાની મજા. આયોજનબદ્ધ અને સમયના બંધનોમાં જકડાઈને યોજાતી ‘પેકેજ ટૂરો’ને પ્રવાસ કહેવો કે કેમ તે એક પ્રશ્ન છે ! પ્રવાસ એ તો ‘અણદીઠી ભોમ પર’ આંખ માંડીને કરવાનું સાહસ. અમે કેટલાક મિત્રોએ આ વખતે ગીરના જંગલો પર આંખને ઠેરવી હતી. આ સાહસમાં કેવી કેવી ઘટનાઓ બની એની રોમાંચક સફર પર તમને પણ આવવું ગમશે. 28-ફ્રેબુઆરી-2009ના રોજની આ યાદગાર સફર અક્ષરસહ: અહીં પ્રસ્તુત છે.]

રાતના નવ વાગ્યા છે.
સમય જાણે કે સડસડાટ દોડતી અમારી ગાડી ‘શૅર્વોલેટ-ટ્રાવેરા’ની જેમ પસાર થઈ રહ્યો છે. બધા મિત્રો પોતાની વાતોમાં મસ્ત છે. કોઈ ઑફિસના પ્રોજેક્ટ વિશે વાતો કરી રહ્યું છે તો કોઈ મનપસંદ ગઝલની પંક્તિ ગણગણી રહ્યું છે. બારીની બહારથી આવતી હવાની ઠંડી લહેરખીનો સ્પર્શ અનુભવતાં હું એમની વાતો સાંભળી રહ્યો છું. રાજુલા ધોરીમાર્ગથી વળાંક લઈને ગીરના અંતરિયાળ પ્રદેશમાં પહેલો પગ મૂકતાં વિજય અમને સૌને જંગલના કાયદા-કાનુન સમજાવવાની શરૂઆત કરે છે.

અમે કુલ છ મિત્રો છીએ. ઘણા સમયની ઈચ્છા પૂરી કરવા ગીરના જંગલની સફરે નીકળ્યા છીએ. કહેવાય છે કે ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય તો તમે દિવસે માણી શકો છો પરંતુ આ વન્યસૃષ્ટિના રાનીપશુઓનો સાક્ષાત્કાર કરવો હોય તો રાત્રી સફર વધારે યોગ્ય રહે છે. નેશનલ પાર્કમાં ટાઢા ટબૂકલાની જેમ ફરજિયાત બેસાડી રાખેલા બે-ચાર સિંહોને જોવામાં અમને કોઈ રસ નહોતો. અમારે તો શાહી અદાથી ઝાડીઓ વચ્ચેથી પસાર થતા ડાલમથ્થાને નજીકથી જોવાનો લ્હાવો લેવો હતો. અલબત્ત, એ માટે સાહસ કરવું પડે તેમ હતું – અને એટલે જ રાતના સમયે અમે અહીં આવી પહોંચ્યા હતા. વિજય આ વિસ્તારથી માહિતગાર હતો. દિવસ કે રાત કોઈ પણ સમયે જંગલમાંથી પસાર થવાનો તેને અનુભવ હતો. તેમ છતાં, જંગલમાં કશુંય નિશ્ચિત નથી હોતું. કયા સમયે શું બની જાય તે કહી શકાય તેમ નથી હોતું; આથી તે અમને સાવચેતી રાખવા વિશે માહિતી આપી રહ્યો હતો. હિરેન અને સુહાસ ‘ડ્રાઈવિંગ’ નિષ્ણાત છે. તેઓ બંને સાંકડી કેડીઓ અને પથરાળ રસ્તાઓ પર સરસ રીતે ગાડી હંકારી શકે છે. પાછળની સીટ પર તુષાર અને જિગર સાથે હું શ્રોતા બનીને બધાની વાતો સાંભળી રહ્યો હતો.

રાજુલાથી ડેડાણ ગામ તરફ આગળ વધતાં માર્ગમાં દૂર દૂર નાના-મોટા પર્વતો અને ટેકરીઓ દેખાઈ રહ્યા હતા. ગામના ધોરી માર્ગ પર ભાગ્યે જ એકાદ-બે વાહનની અવરજવર હતી. સ્ટ્રીટલાઈટનો સદંતર અભાવ હતો. આ નિર્જન પ્રદેશનું રાત્રિ-સૌંદર્ય માણવા માટે ગાડી ઊભી રાખીને અમે બધા બહાર આવ્યા. ત્યાં તો અમારી સૌની નજર આકાશમાં ફેલાયેલા તારાઓના વિરાટ ચંદરવા પર પડી. અહો ! શું એ દ્રશ્ય હતું ! અસંખ્ય તારાઓ સાથે આકાશગંગાનો સળંગ સફેદ પટ્ટો અહીં સ્પષ્ટ દેખાતો હતો. એ દ્રશ્ય જોઈને જ અમે તો દિગ્મૂઢ થઈ ગયા ! શહેરમાં લાઈટોની ઝાકઝમાળ અને પ્રદૂષણ વચ્ચે આપણે કેટકેટલું ગુમાવીએ છીએ તેનો અહેસાસ થયો. નાના-મોટા અસંખ્ય તારાઓથી આકાશ આચ્છાદિત હતું. ખરતા તારાઓનું દર્શન પણ ક્યારેક થઈ જતું. એટલામાં પર્વતોની પાછળથી થતા ચંદ્રોદયને જોઈને મને અચાનક પેલી ચોપાઈ યાદ આવી : ‘પૂરબ દિસી ગિરિ ગુહા નિવાસી….’ પૂર્વ દિશાની પર્વતરૂપી ગુફાઓમાં રહેતો ચંદ્ર કેટલો તેજસ્વી, બળવાન અને સુખકર લાગતો હતો. સૌના મનમાં એમ થતું હતું કે એકાદ કલાક અહીં જ રોકાઈ જઈએ, પણ અમારે તો સતાધાર પહોંચવાનું હતું. સતાધારમાં મુસાફરો માટે રાત્રિ રોકાણની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે તેથી અમે નક્કી કરેલું કે સતાધારમાં જમવાનું પતાવીને મોડી રાત્રે આસપાસના વિસ્તારોમાં સિંહ-દર્શન માટે રખડીશું. ડેડાણ ગામ પસાર કરીને આગળ વધતાં વિજયે કહ્યું :
‘હવે આ મ્યુઝિક પ્લેયર બંધ કરી દો. અમુક વાર સિંહો શિકારની શોધમાં છેક ડેડાણ ગામ સુધી આવી પહોંચતા હોય છે. જો એમના હૂકવાનો અવાજ સંભળાય તો શક્ય છે કે તે આટલામાં બે-ત્રણ કિલોમીટરના વિસ્તારની આસપાસ હોય. નસીબ સારા હોય તો ઘણીવાર તો આ ધોરીમાર્ગ પર વચ્ચે બેઠેલા પણ મળી આવે છે !’
‘તો પછી અહીં ગામના લોકોને જોખમ નહીં ?’ મેં પૂછ્યું.
‘જોખમ તો ખરું પણ સિંહની નજર વધારે ભેંસ કે ગાય પર હોય છે. રોજ એકાદ શિકાર તો એ કરી જ લે.’
‘હં….’
રસ્તો કપાતો જતો હતો અને બધા ગાડીની લાઈટ આગળ જેટલો પ્રકાશ પાથરી રહી હતી તેને સહારે રસ્તો જોવામાં તલ્લીન હતાં. ચારેકોર નિર્જન અરણ્યની શરૂઆત થઈ ચૂકી હતી.

‘યાર જિગર…’ વિજયને અચાનક કંઈક યાદ આવ્યું, ‘આપણે “ચોકના વડલે” થઈને જઈએ. આમેય ઘણા વખતથી નાથજીબાપુને મળાયું નથી અને એ રસ્તે તો સો ટકા સિંહ-દર્શન થવાની શક્યતા છે. બોલો, શું વિચાર છે ?’
‘જઈએ તો ખરા, પણ એ રસ્તો બહુ ખરાબ છે. ગાડી કેમની જશે ?’ જિગરે કહ્યું.
‘કેમ ? ગયા વર્ષે આપણે ચોમાસામાં નહોતા ગયા ? અત્યારે તો સાવ કોરી જમીન છે. એમાં કશો વાંધો નહિ આવે. રસ્તો મને ખબર છે.’
‘એ નાથજીબાપુ કોણ છે ?’ મેં કૂતુહલથી પૂછ્યું.
‘એમનો ત્યાં આશ્રમ છે. સાધુ-બાવા અને આશ્રમ એટલે આપણે જે અર્થમાં સમજીએ છીએ તે નહીં પરંતુ એક સેવાની ધૂણી ધખાવીને બેઠેલા ઋષિ. એમનો મંત્ર એક જ કે સમાજની બને એટલી સેવા કરો. એમને ત્યાં પ્રવૃત્તિમાં માત્ર ગૌ-સેવા. આસપાસના ગામના લોકો કે અહીંથી પસાર થતા મુસાફરો જો આશ્રમે આવી ચઢે તો એમને ભોજન કર્યા વગર જવા ન દે. વ્યવસ્થામાં એમની પાસે કાંઈ ન હોય પરંતુ એમના સદભાવને કારણે બધી વસ્તુઓ એમને આવી મળે. કશું ન હોય તો પણ કોઈક વ્યવસ્થા થઈ જાય અને યાત્રી ભરપેટ જમીને જાય. આ અહીંના સંતોની સાત્વિક સિદ્ધિ છે.’
‘અહીંથી કેટલા કિલોમીટર હશે ?’ તુષારે પૂછ્યું.
‘હં…. આશરે ગણો તો પંદરેક કિલોમીટર ખરું…’
‘તો કંઈ બહુ વાંધો નહીં આવે. સતાધાર એકાદ કલાક મોડા પહોંચીશું. આપણે ક્યાં કોઈને સમય આપવાનો છે ?’ સુહાસ બોલ્યો.
‘એ બધી વાત તો બરાબર, પરંતુ રસ્તો બહુ ખરાબ છે. મને એનો અનુભવ છે.’ જિગરે ફરી ચિંતા વ્યક્ત કરી. છેવટે સૌની ઈચ્છાને માન આપીને તે સંમત થયો. મારા મનમાંય એમ હતું કે સૌરાષ્ટ્રના સંતોના દર્શનનો લ્હાવો ફરી ક્યારે મળવાનો ? આ તો સંતોની ભૂમિ છે.
‘સાંભળ હિરેન….’ ગાડી ચલાવી રહેલા હિરેનને સૂચના આપતાં વિજયે કહ્યું : ‘આગળ બે-એક કિલોમીટર પછી ‘નાની ધોરી’નું એક કાળું પાટિયું આવશે, ત્યાંથી ડાબી બાજુ ગાડી અંદર જવા દે જે….’

થોડોક સમય પસાર થતાં ‘નાની ધોરી’ લખેલું એક કાળું પાટિયું દેખાયું. ગાડી એનાથી ડાબી તરફ વળી કે તરત જ ઊબડ-ખાબડ કાચો રસ્તો શરૂ થયો. ગીરના ગાઢ અને નિર્જન અરણ્યની મધ્ય તરફ અમે ગતિ કરી રહ્યા હતાં. માત્ર એક ગાડી જઈ શકે એવો સાંકડો એ કેડીયો રસ્તો હતો. આસપાસના ઝાડી-ઝાંખરા ગાડીના કાચને ઘસાઈને જતા હતાં. ગાડીની પાછળનું દ્રશ્ય ભયંકર લાગી રહ્યું હતું. થોડે આગળ વધતાં પાંચ-પચાસ ઘરોવાળાં નાનકડા બે ગામ પસાર થયાં. આસપાસ લાઈટોનું આછું અજવાળું હતું. છેલ્લું ગામ પસાર કરીને આગળ જતાં પુલ આવ્યો. તે જોઈને વિજયે કહ્યું :
‘બસ, અહીંથી હવે આપણે ગીરના અત્યંત ગાઢ એવા જંગલમાં પ્રવેશી રહ્યા છીએ. આ પુલ પાસે ઘણી ઉપયોગી વનસ્પતિઓ ઊગે છે; જેમ કે ફાફડાથોર. તેના ફૂલનો અર્ક કાઢીને દર્દીને આપવામાં આવે તો પાંચ થઈ ગયેલું હિમોગ્લોબિન પણ સીધું અગિયાર-બાર સુધી પહોંચી જાય છે. એક વાર રાત્રે બાઈક પર હું આ રસ્તે આવતો હતો ત્યારે મને આ જગ્યાએ સિંહ ભેટી ગયો હતો !’
‘અરે ! તો પછી તમે કેવી રીતે બચ્યાં ?’ મેં પૂછ્યું.
‘દોસ્ત, સિંહ એકદમ રોયલ પ્રાણી છે. એ એની મસ્તીમાં મસ્ત હોય છે. એ મનુષ્યની નોંધ લેવાની પરવા પણ નથી કરતો. એના મેનૂમાં પ્રથમ પચાસ વસ્તુની યાદીમાં માણસનું ક્યાંય નામ નથી. પણ હા, જંગલના અમુક કાયદા સમજીને તમારે ચાલવું પડે. એમાં જો કંઈક ગરબડ થાય તો ખેલ ખલાસ….’

dsc03352થોડે આગળ જતાં સામેથી કોઈ વાહન આવતું દેખાયું. આ નિર્જન અરણ્યમાં કોણ હશે ? કોઈક હોય તો તે આશ્રમનું જ વ્યક્તિ હોવું જોઈએ. અમે ગાડી ધીમી પાડી. પાસે આવતા જોયું તો રાજદૂત બાઈક પર ખુદ બાપુ પોતે હતા ! અમે બધા ખુશ થઈ ગયા. સાદગીભર્યા સફેદ વસ્ત્રો અને મોં પર પ્રસન્નતાનો ભાવ. તેમણે મિત્રભાવે અમને કહ્યું કે બધા જમીને જજો હું હમણાં ગામ જઈને થોડીવારમાં પરત આવું છું. પરંતુ અમે જમવાની ના પાડી કારણ કે અમારે રાત્રે સતાધાર રોકાવું હતું. અમારી ઈચ્છા ફક્ત આશ્રમના દર્શન કરીને પરત ફરવાની હતી. ‘ઠીક ત્યારે. તમે આશ્રમ પહોંચો હું આવું છું….’ એમ કહી બાપુ નીકળી ગયા. અમે ફરી કારમાં ગોઠવાયા. પાંચેક કિલોમીટર પસાર કર્યા પછીનો રસ્તો અત્યંત ઉબડખાબડ હતો. ‘સહોદર આશ્રમ’ લખેલા પાટિયા પછીનો રસ્તો, હકીકતે રસ્તો પણ નહોતો રહ્યો. ગાડી કાચા રસ્તે જેમ તેમ આગળ વધી રહી હતી. શહેર, ગામ, ધોરીમાર્ગ અને છેલ્લે કેડી છોડ્યા બાદ આ ખડકાળ જમીન પરથી અમારે પસાર થવાનું હતું. વાંકા-ચૂકા રસ્તા પરથી પસાર થતાં પાસેથી કશોક અવાજ આવ્યો અને તરત વિજયે હિરેનને કહ્યું : ‘ગાડી રોકો…’
‘કેમ શું થયું ?’
‘કદાચ મને દૂર દૂર સિંહનો હૂકવાનો અવાજ સંભળાયો..’
અમે બધા કાન સરવા કરીને આસપાસના અવાજો ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરવામાં લાગી ગયા. પરંતુ એ અમારો ભ્રમ હતો. કદાચ દૂરના ગ્રામ્ય વિસ્તારમાં થતો લગ્નના કોલાહલનો પડધો હોઈ શકે. ફરીથી અમે કારમાં બેસીને પાંચ-સાત કિલોમીટર આગળ નીકળી ગયા.

‘હજી કેટલું દૂર છે ?’ મેં પૂછ્યું.
‘બસ, લગભગ બે-એક કિલોમીટર હશે….’ વિજયે કહ્યું. સુહાસ અને હિરેનનું ધ્યાન આગળના રસ્તા પર હતું. મારી સાથે જિગર અને તુષાર પાછળ બેઠાં બેઠાં આસપાસનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ગાડી હવે નાના-મોટાં ઝાડી-ઝાંખરાવાળા મેદાન પ્રદેશમાંથી પસાર થઈ રહી હતી. ત્યાં તો અચાનક જ ધડામ…. કરીને અવાજ આવ્યો અને હિરેને જોરથી બ્રેક મારીને ગાડી ઊભી રાખી.
‘શું થયું…. ? શું થયું…. ?’ ગભરાટના માર્યા બધા એકબીજાને પૂછવા લાગ્યા.
‘લાગે છે કે નીચેના સળિયા સાથે મોટા પથ્થર સાથે અથડાયો….’ સુહાસે કહ્યું.
‘મનેય એમ જ લાગે છે… બોલ્ટ તૂટી ન ગયો હોય તો સારું….બહાર નીકળીને જોવું પડશે…’ હિરેને કહ્યું. અમે બધાં ગભરાયા. ‘ચિંતા ના કરો…..’ વિજયે કહ્યું, ‘સૌથી પહેલા થેલીમાંથી ટોર્ચ કાઢો… બધા પોતાના મોબાઈલ હાથમાં લઈ લો….’

ગાડીની હેડલાઈટનો પ્રકાશ અને એન્જિનનો અવાજ બંધ થયો ત્યાં તો ચોપાસ ભયંકર સન્નાટો વ્યાપી ગયો. ટીવી પર હોરર ફિલ્મનું દ્રશ્ય જોવું એ એક વાત છે અને પોતે જાતે રાત્રીના સાડા દશ વાગ્યે ગાડીની બહાર આ વન્ય વિસ્તારમાં પગ મૂકવો એ બીજી વાત છે. ડર તો બધાને લાગતો હતો પરંતુ બહાર નીકળ્યા વગર છૂટકો નહોતો. ધીમે ધીમે બધા બહાર નીકળ્યા. અહો ! એ જ સુંદર આકાશગંગા, ખરતા તારાઓ, ઊંચે ચડેલો ચંદ્ર અને તેની શીતળ ચાંદનીમાં ન્હાતા પર્વતના શિખરો. અમારી ચારે તરફ નાની-મોટી ટેકરીઓ પથરાયેલી હતી. સાવ વેરાન અને સૂમસામ જગ્યા હતી. રાનીપશુઓ સિવાય બીજા કોઈની ત્યાં વસ્તી હોય તે શક્ય નહોતું. વિજયે વાતની શરૂઆત કરી : ‘જુઓ… બધા ગાડીની એક તરફ આવી જાઓ… હું કહું છું એ બરાબર સાંભળો… આ વિસ્તાર સૌથી ભયંકર છે કારણ કે અહીં ચારે તરફ ટેકરીઓ છે. સિંહ, દીપડા કે વાધ આવો વિસ્તાર વધારે પસંદ કરે છે જેથી શિકાર એમના પંજામાંથી છટકી ન જઈ શકે…. પણ ગભરાવવાની જરૂર નથી… જંગલનો સૌથી પહેલો નિયમ એ છે કે તમારા આંખ-કાન સરવા રાખો. આસપાસમાં થતી નાની-નાની હિલચાલ પણ ધ્યાનપૂર્વક સાંભળો…’
‘બૉસ… ‘સેન્ટર બોલ્ટ’ ગયો હોય એવું લાગે છે… આગળથી ગાડી એક બાજુ નમી ગઈ છે…’ હિરેને તપાસીને કહ્યું.
‘લાગે છે એટલે ?’ તુષારે પૂછ્યું.
‘એટલે એમ કે જેક ચઢાવીને નીચે જોવું પડે તો વધારે ખ્યાલ આવે….’
‘પણ ગાડી તો ચાલશે ને ?’
‘ગાડી ક્યાંથી ચાલે ? ટાયર ઘસાય છે… હવે અહીંથી એક ડગલુંય ખસે નહીં.’
‘હવે શું કરીશું ?’ મેં ગભરાતાં પૂછ્યું.
‘હવે આપણે શું કરવાનું ? હવે જે કરવાનું છે એ તો સિંહે કરવાનું !!’ જિગરે હસીને કહ્યું. બધા વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કરતા હતા પણ અંદરનો ફફડાટ કોઈનો શમતો નહોતો. ત્યાં તો વિજયે અચાનક બૂમ પાડી…. :
‘હિરેન…. જલ્દી આમ જો. હમણાં એ બધું રહેવા દે… પહેલાં ટોર્ચ આ બાજુ લાવ…કમ ઓન… ફાસ્ટ…’
અમે બધાં ચોંક્યાં.
‘આ સામે જુઓ… ઝાડીઓમાં… કંઈ દેખાય છે ?’
‘ના યાર…. તારો ભ્રમ હશે… રહેવા દે…’
‘I am serious….. હું મજાક નથી કરતો…’ વિજયે ગંભીર થઈને કહ્યું. અમે થોડા ગભરાયાં. એણે વાત આગળ ચલાવતા કહ્યું : ‘હું પ્રકાશ ફેંકું છું એ દિશામાં જુઓ… કંઈક હિલચાલ થતી દેખાય છે ?’
‘હા હોં ! ખરેખર કંઈક હાલતું હોય એવું લાગે છે.’ તુષારે કહ્યું.
‘મને તો કંઈ દેખાતું નથી.’ મેં કહ્યું.
‘ફરી એકવાર બધા ધ્યાનથી જુઓ…’ એમ કહીને થોડીવાર વિજય ઊભો રહ્યો. અમે બધા પણ પૂતળાંની માફક બોલ્યાચાલ્યા વગર સ્થિર ઊભા રહ્યાં. અચાનક તેણે જોરથી બૂમ પાડી :
‘આ……આ..જ… જુઓ જલદી… આ આંખો તગતગતી દેખાય છે…’ અમને બધાને એક સાથે એ દશ્ય દેખાયું….
‘દોડો…દોડો… જલદી ગાડીમાં બેસી જાઓ…હવે જોખમ ના લેવાય…’ બધા જ એક સાથે કૂદીને ગાડીમાં બેસી ગયા. ફટાફટ દરવાજા બંધ કરીને કાચ ચડાવી દીધા. પરસેવો વળી ગયો.

panther

ઘરના સોફા પર પગ લંબાવીને જંગલના પ્રવાસો અને ધ્રુવ ભટ્ટની નવલકથાઓ વાંચવાનો આનંદ આવતો પણ જ્યારે આમ ‘face-to-face’ મુલાકાત થાય ત્યારે એ દ્રશ્ય આવું કાળજુ કંપાવનારું હોય એવો તો ખ્યાલ જ નહોતો ! અમને તો એમ હતું કે મધ્યરાત્રિએ પ્રકૃતિની ગોદમાં બધાને કવિતા સ્ફૂશે, એની જગ્યાએ અહીં તો જુદું જ દશ્ય ભજવાઈ રહ્યું હતું. બીક બધાને લાગતી હતી, પણ કોણ શું બોલે ?
‘પણ એ છે શું ?’ તુષારે પૂછ્યું.
‘કદાચ નીલ ગાય કે ભેંસ જેવું પ્રાણી હોય અને આપણે ખોટું ગભરાતા હોઈએ….’ મેં કહ્યું.
‘ના.. શાકાહારી પ્રાણીઓ રાત્રે ન નીકળે…’ વિજય બોલ્યો.
‘તો કદાચ હરણ પણ હોય…’ જિગરે કહ્યું.
‘ના… તમે લોકો ધ્યાનથી જુઓ…’ વિજયે સમજાવતાં કહ્યું, ‘ઝાડીની ઉપર આંખો તગતગતી દેખાય તો એ હરણ હોય. હરણ તો તમે પ્રકાશ ફેંકો એની સાથે નાસી જાય. આ આંખો ઝાડીની નીચેના ભાગમાં દેખાય છે. હંમેશાં નીચેની તરફ આંખો દેખાય તો એ કાં તો વાઘ હોય અથવા દીપડો હોય.’
‘કેમ ? સિંહ પણ હોઈ શકે ને ?’ મેં કહ્યું.
‘અહીંયા સિંહ કરતાં સિંહણોની વસ્તી વધારે છે. સિંહણ મોટેભાગે સીધો જ હુમલો કરે. એ દબાતે પગલે ના આવે… આ જુઓ… આ સામે આવી રહ્યું છે એ દબાતે પગલે આવી રહ્યું છે. દબાતે પગલે દીપડો કે વાઘ જ આવે….અને દીપડાનો કોઈ ભરોસો ના કરાય. સિંહ તો સમજી શકાય પણ દીપડાનું કોઈ ઠેકાણું નહીં.’ બધા એકી શ્વાસે કાચની બહાર જોઈ રહ્યા હતા. કશીક હલનચલન સ્પષ્ટ દેખાતી હતી.
‘અરે… જુઓ આ કેટલો નજીક આવી ગયો… દીપડા જેવું જ દેખાય છે…’ વિજયે ફરી બૂમ પાડી, ‘બધા બને એટલો પ્રકાશ ફેંકો. મોબાઈલની લાઈટો ચાલુ રાખો, ગાડીની લાઈટ ચાલુ કરો…..’ બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા… ભયના માર્યા બધા એવા સુમ્મ્મ થઈ ગયા કે બીજી ક્ષણે શું થશે એ કહી શકાય એમ નહોતું. આ બાજુ આવીને રાતના સમયે આશ્રમનો રસ્તો પકડવાની કેવડી મોટી ભૂલ કરી હતી એ બધાને સમજાયું. પણ અબ પછતાયે ક્યા હોવત હૈ ?

એટલામાં ગાડીના પાછળના કાચમાંથી દૂરથી પ્રકાશ આવતો દેખાયો.
‘ચોક્કસ કોઈક આવે છે….’ તુષાર બોલ્યો. બધાને કંઈક ટાઢક વળી.
‘હા, કદાચ બાપુ પાછા આવતા હોય એમ લાગે છે…’ વિજયે કહ્યું.
‘અરે હાં, યાર ! બાપુ રસ્તામાં જ કહેતા હતાને કે હું પાછો આવું છું…. ચોક્કસ એ જ હશે.’ મેં કહ્યું.
‘યસ, આ જુઓ એમના ફટફટિયાનો અવાજ પણ સંભળાવા લાગ્યો…’
‘એ આવે છે એ દિશામાં બેટરી માર, હિરેન…’ વિજયે કહ્યું અને ઉમેર્યું, ‘હવે દીપડાનો ભય નથી. એ વાહનના અવાજથી આ બાજુ નહીં આવે… બધા બહાર આવી જાઓ. કોઈ ચિંતા નથી…’ અમે બધા ફરી બહાર નીકળ્યા. એટલામાં બાપુ આવી પહોંચ્યા.
‘કાં શું થયું ?’
‘અરે બાપજી, ગાડીનો બોલ્ટ તૂટી ગયો અને અટકી પડી…’
‘તો કંઈ નહીં. મૂકીને હાલ્યા આવો…..’
‘કંઈ સિંહના સગડ છે બાપુ ?’ વિજયે પૂછ્યું.
‘સગડ તો નથી હમણાં, પણ ટોર્ચ છે ને ?’
‘હા એ તો છે.’
‘બસ તો તમ તમારે ધીમે ધીમે હાલ્યા આવો….’ કહી બાપુ તો ઊપડી ગયા. એમને મન જંગલમાંથી પસાર થવું કંઈ બહુ મોટી વાત નહોતી. જંગલમાં રહેનાર સ્વાભાવિક રીતે જ નિર્ભય હોય છે. પરંતુ અમારી વાત જુદી હતી. આપણને તો રાત્રે આપણી સોસાયટીના કૂતરાં ભસે તોય બીક લાગતી હોય, ત્યાં વળી જંગલમાં કોઈ એમ કહે કે ‘હાલ્યા આવો…’ તો આપણો જીવ કેમ કરીને ચાલે ? પણ વિજય નિર્ભય હતો.
‘બોલો, શું કરીશું ? 2 કિ.મી. જ છે. બધા સાથે રહીને ચાલી નાખીએ.’
‘એવી મૂર્ખામી કદી ના કરાય. એક તો આ રસ્તે આવીને ભૂલ તો કરી જ છે, હવે એકની ઉપર બીજી ભૂલ શા માટે કરવી ?’ મેં કહ્યું.
‘તો કરીશું શું ?’
‘આખી રાત ગાડીમાં બેસી રહીશું. સેફટી તો ખરી !’ મેં કહ્યું.
‘એમ કંઈ થોડું બેસી રહેવાય ? જિંદગીમાં એક વાર મરવાનું તો છે જ ને, આજે નહીં ને કાલે. એક વાર આશ્રમ પહોંચી જઈએ તો નિરાંત. હજી તો રાતના અગિયાર વાગ્યા છે; બે-ત્રણ કલાક પછી ફરી જો દીપડો આવ્યો તો ?’ હિરેને કહ્યું.
‘એ જ ને… આટલે દૂરથી એને જોઈને આપણે ટેં થઈ ગયા; નજીક આવશે તો શું થશે ?’ જિગરે કહ્યું.
‘પણ ચાલીને જઈએ અને રસ્તામાં કંઈ મળ્યું તો ?’ મેં કહ્યું.
‘જો સિંહ મળે તો તો કોઈ વાંધો નથી. એ પ્રાણી એકદમ હુમલો ન કરે. એના બચ્ચાં સાથે હોય, અથવા તમે કેમેરાની ફેલેશ મારો અથવા તમે કંઈ છેડછાડ કરો કે તે અત્યંત ભૂખ્યો હોય તો જ હુમલો કરે.’ વિજયે કહ્યું.
‘પણ એનો મૂડ કેવો છે એની કંઈ આપણને ખબર પડે ? અને જો દીપડો મળ્યો તો ?’ મેં કહ્યું.
‘દીપડો મળ્યો તો જેવા આપણા નસીબ ! એ કોઈને છોડે નહીં !’ વિજયે કહ્યું.
‘તોય થોડું ચાલીને અખતરો કરવામાં શું જાય છે ?’ તુષારે કહ્યું.
‘પ્રયત્ન તો કરી જોઈએ…’
‘હા… હા.. પ્રયત્ન કરી જોઈએ.’
‘હું ગાડી લોક કરું. તમે લોકો આગળ ચાલો…’
‘ના…. ના… બધા એકબીજાનો હાથ પકડીને સાથે ચાલો… કોઈ આગળ પાછળ ન થવું જોઈએ…’
‘હું તમારી પાછળ બેટરી લઈને ચાલુ છું. આગળ પાછળ જોતા રહો અને નાનો સળવળાટ થાય તો અટકી જાઓ. મોબાઈલની લાઈટ ચાલુ રાખો.’ કહી વિજયે ચારે બાજુ ટોર્ચથી પ્રકાશ ફેંકયો.

મારી ઈચ્છા નહોતી, પરંતુ બધા મને-કમને થોડું જોખમ ખેડવા તૈયાર થયા. એકબીજાનો હાથ પકડ્યો. ડરતાં ડરતાં આગળ જવા નીકળ્યાં. માંડ દશેક ડગલાં ચાલ્યાં હોઈશું ત્યાં સામેની ઝાડીઓમાં તીવ્ર સળવળાટ થતો સાંભળ્યો. ચોક્કસ ત્યાં કશુંક હોવું જોઈએ એમ માનીને સહુ દોડતાં ગાડી પાસે પરત ફર્યા અને આગળ જવાની વાત પડતી મૂકીને ફટાફટ પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા. હવે મનોમન બધાએ માની લીધું હતું કે આખી રાત અહીં વિતાવ્યા વગર છૂટકો નથી. આગળ કે પાછળ જવાનો કોઈ ઉપાય નથી. થોડીવારે ફરી પાછા અમે બહાર આવ્યા. ગાડીના દરવાજા ખુલ્લા રાખીને બાજુમાં પડેલા પથ્થર પર બધા બેઠાં. આસપાસ એટલી નિરવ શાંતિ હતી કે ટાંકણી તો દૂરની વાત પરંતુ હવામાં હાથ વીંઝીયે તો પણ એવું લાગે કે જાણે કેટલો મોટો અવાજ થયો ! દર પાંચ મિનિટે એક જણ ટોર્ચથી પ્રકાશ ફેંકીને ચારેબાજુ નજર કરી લેતું. હિરેન અને સુહાસ ગાડીને જેક લગાડીને શું ખરાબી થઈ છે તે તપાસી રહ્યા હતા.
‘હં…. સેન્ટર બોલ્ટ જ તૂટી ગયો છે…’ હિરેને કહ્યું.
‘હા, એ તો આપણી રાત હવે નક્કી જ છે અહીં….’ તુષારે કહ્યું.
‘એક કામ કરો તો…’ સુહાસને વિચાર આવ્યો, ‘બધાના મોબાઈલનું નેટવર્ક આવે છે ?’
‘હા…’ અમે બધાએ તપાસીને કહ્યું.
‘એકાદ ગેરેજમાં ફોન કરવાનો પ્રયત્ન કરીએ….’ કહીને સુહાસે બે-ત્રણ ગેરેજના મિત્રો સાથે વાત કરી. પરંતુ આટલી મોડી રાત્રે અહીં જંગલમાં આવવા કોણ તૈયાર થાય ? તેમ છતાં, એક-બે મિત્રોએ આવવાની તૈયારી બતાવી પણ દુકાનો અને ગેરેજ બંધ થઈ ગયા હોવાથી હવે નવો બોલ્ટ મળે એવી કોઈ શક્યતા નહોતી.
‘બેસો ત્યારે બધા શાંતિથી… ચલો તમને કંઈક સંભળાવું…’ એમ કહી જિગરે મોબાઈલમાં “વૈષ્ણવજન તો તેને રે કહીએ… જે પીડ પરાઈ જાણે રે….” એમ ભજન વગાડવાનું શરૂ કર્યું.
‘તે આ તારા ભજન સાંભળીને સિંહ કંઈ અહિંસક નહીં થઈ જાય !’ હિરેને હસીને કહ્યું.
‘આ તો પ્રભાતિયા છે દોસ્ત, સવારે ચાર વાગે વગાડાય ! આપણે અહીંયા જ છીએ. સવારે વગાડજે.’ તુષારને પણ મસ્તી ચઢી હતી.
‘એ તો ખરું, પણ સવારના ચાર વાગે એ પહેલાં આપણાં જ બાર વાગી જાય તો કોને ખબર ?’ જિગરે સ્મિત કરતાં કહ્યું. ફરી પાછા બધા મૂંગા મોંએ, પોતાને જે આવડતા હતા એ સ્ત્રોતોનું મનમાં સ્મરણ કરીને બેસી ગયા. જંગલમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય નહોતો દેખાતો. આગળના બે કિ.મી ચાલીને જવાય તેમ નહોતું તો પાછળના તેર કિ.મી. જવા માટે વાહન નહોતું.

આશરે અડધો કલાક વીતી ગયો.
ટોર્ચનો પ્રકાશ ચારેબાજુ ફેરવતા સુહાસ મનમાં કંઈક વિચારી રહ્યો હતો. કશુંક યાદ આવતાં તેણે ફોન કરીને એના કોઈ મિત્ર જોડે વાત કરી. અમે બધા આજુબાજુ નજર કરતાં હાસ્ય-વિનોદ કરીને સમય પસાર કરી રહ્યા હતા. થોડી વારે સુહાસે હિરેનને કહ્યું કે, ‘તું આ બાજુ આવ, આપણે ગાડીનું એન્જિન થોડું ઉઠાવીએ.’ બંને જણે કંઈક વાર સુધી ગડમથલ કરી. એ પછી સુહાસે અમને કહ્યું કે :
‘હું જસ્ટ, એક પ્રયત્ન કરી જોઉં છું કે ગાડી ચાલે છે કે નહીં.’ એમ કહી એણે ગાડી રિવર્સમાં લઈને પછી ગોળ ફેરવી જોઈ. ફરી ગાડીને સીધી કરીને અમને સૌને કહ્યું કે, ‘બધા ગાડીની જમણી બાજુ બેસી જાઓ. એક જ બાજુ ભાર આપો.’ અમને થયું કે ચાલો પ્રયત્ન તો કરી જોઈએ.
‘તો શું હવે આશ્રમ જવું છે ?’ મેં પૂછ્યું.
‘ના.. ના.. એ રસ્તે જઈશું તો બીજો બોલ્ટ પણ તૂટી જશે. હવે તો ધીમે ધીમે કરીને હાઈ-વે સુધી પાછા પહોંચી જવામાં જ માલ છે.’ સુહાસે કહ્યું અને અમે બધા ગાડીમાં ગોઠવાયાં. અત્યંત ધીમી ગતિએ એણે ગાડી ચલાવી. ફરીથી પાછા રાત્રિના એ જ અંધકારને ચીરીને અમારી ગાડી સાંકડી કેડીઓમાંથી પસાર થઈ રહી હતી. મનમાં તો હજી ડર હતો કે અહીં સામે જ સિંહ ઊભો હશે તો શું કરીશું ? પણ બધા મનોમન એકબીજાને હિંમત આપતાં આગળનો રસ્તો જોઈ રહ્યા હતાં. અડધો કલાકે ગાઢ જંગલને પસાર કરીને અમે રસ્તામાં આવતાં ગામડાંઓ તરફ આવ્યા ત્યારે થોડીક હાશ થઈ….
‘હાશ….કંઈક શાંતિ થઈ…. જોખમ ટળ્યું…’ મેં કહ્યું.
‘હજીયે જોખમ તો ખરું. રાતના સમયે જેમ ગામની નજીક જાઓ તેમ વધારે જોખમ કારણ કે સિંહ શિકારની શોધમાં આ સમયે ગામ તરફ વધારે આવે. વાડામાં બાંધેલા ઢોરમાંથી એકાદને ઉપાડી જાય.’ ફરીથી વિજયે અમને બધાને ડરાવ્યાં; પરંતુ એકાદ કલાકે ‘નાની ધોરી’નું કાળા કલરનું પાટિયું નજરે ચઢ્યું અને ધોરીમાર્ગ નજર સમક્ષ દેખાયો ત્યારે સૌના મોમાંથી એક લાં….બો… હાશકારો નીકળી ગયો. અમે સુહાસને તેના ડ્રાઈવિંગ માટે તાળીઓથી વધાવી લીધો. બધા જાણે સિંહનો શિકાર કરીને આવ્યા હોય એમ એકબીજાને અભિનંદન આપવા માંડ્યા ! કેવી અદ્દભુત રોમાંચક સફર !

દુનિયામાં માણસ લેબલો સાથે જીવે છે. ઘરમાં, ઑફિસમાં, મિત્રો સાથે અને સમાજમાં તે જુદા જુદા મહોરાં પહેરીને ફરતો હોય છે. પ્રકૃતિની ગોદમાં જતાંની સાથે જ માણસના આ લેબલો અને મહોરાઓ દૂર ફેંકાઈ જાય છે. તેની અંતરંગ વૃત્તિઓ બહાર નીકળી આવે છે. તે જેવો છે તેવો દેખાઈ આવે છે. તમામ ચતુરાઈ અને કાર્યકુશળતા કોકડુવળીને શૂન્ય બની જાય છે. કુદરત અરીસાની જેમ માણસને તેનું અસલી રૂપ બતાવી દે છે. માણસના તમામ ગુણોની કસોટી આવા મુશ્કેલીના સમયે થતી હોય છે એવો અમને આજે અહેસાસ થયો. કદાચ દિવસની પેકેજ ટૂરોમાં ફરીને સિંહ-દર્શનનો એટલો આનંદ અમને ન થાત, જેટલો મધ્યરાત્રિએ તેની ધાકથી થયો. અમારી નજર સમક્ષ મધ્યરાત્રિના ગીરનું એક નવું રૂપ પ્રગટ થયું હતું. એ ખરતા તારાઓ કે પછી એ વિરાટ આકાશગંગા; પેલા પહાડો પાછળ થતો ચંદ્રોદય કે કેડીઓની આસપાસની ગીચ ઝાડીઓ; અરણ્યનો નિ:શબ્દ સન્નાટો કે પછી દીપડાની તગતગતી આંખો – આ બધું જ પ્રકૃતિએ જાણે અમને આવકારવા ખૂલ્લું મૂક્યું હતું પરંતુ ભય માણસને સૌંદર્યબોધ થવા દેતો નથી ! હકીકતે આપણે ટ્રાફિકથી ગભરાવા જોઈએ એની બદલે જંગલની ઝાડીઓથી ગભરાઈએ છીએ જે આધુનિક યુગની એક વિડંબણા છે. ખેર, અંતે મને એક જોડકણું યાદ આવે છે કે : ‘પોલું તો વગાડે એમાં તેં શી કરી કારીગીરી… સાંબેલું વગાડે તો હું જાણું છું કે તું શાણો છે !!’ એમને જેવું આવડ્યું એવું, પણ ગીરમાં જઈને અડધી રાતે અમે જે સાંબેલું વગાડ્યું એનો આનંદ અમને સૌને જિંદગીભર યાદ રહેશે, એ ચોક્કસ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખીંટી માણસને ગમે છે – રીના મહેતા
આજે વિરામ – તંત્રી Next »   

35 પ્રતિભાવો : એક રોમાંચક સફર – મૃગેશ શાહ

 1. હા, સરસ અનુભવ મૃગેશભાઈ…..

  તમને પણ અમારા જેવી જ લાગણીઓ થઈ તે જાણીને આનંદ થયો !!!! …..ક્યારેક જંગલ એક ઋષિની જેમ માણસને આશિર્વાદ આપતું હોય તેમ તેની સઘળી સુંદરતા, બધી સંપત્તિ બતાવે છે, તો ક્યારેક કોપાયમાન થયેલા એ જ ઋષિની જેમ તેને પરચો પણ દેખાડે છે.

  ગીરનાં મારા અનેક અનુભવોમાંનો આ એક અનુભવ ખૂબ યાદગાર રહેશે….. મેં તમને આપણે જ્યારે ગાડી પાસે પથ્થર પર બેઠા હતાં ત્યારે કહ્યું હતું કે “હવે ગમે તે થાય, આ અનુભવ તમને જીવનભર યાદ તો ચોક્કસ રહેવાનો…..” સાચી વાત છે ને?

  આપણે ઠાલા મહોરા પહેરીએ છીએ, એક્ઝેક્યુટીવ, એન્જીનીયર, પિતા, સાહેબ, કવિ, લેખક, પતિ, પુત્ર……. અને એક સાથે એ બધાંયને જીવવામાં એકેયને ન્યાય આપી શક્તા નથી…….એવામાં કુદરતે અનાયાસ આપણને આપણી શક્તિઓ, કે આપણી અશક્તિઓની જે નાનકડી ઝાંખી કરાવી તે આપણામાંથી કોઈ નહીં ભૂલે તે ચોક્કસ.

  ફરી ક્યારે જવું છે?

  જીગ્નેશ અધ્યારૂ.

 2. Vikas Belani says:

  saras chhe. jo tame loko akhi rat rokaya hot to kadach vadhare maja aavi hot.
  manas sinh thi dare ena karata ghana vadhare sinh manas thi darta hoy che….
  tame j kaho …manas thi vadhare bhayanak janvar tame kyay joyu che????
  Gir ne mara vandan!!

 3. Vinod Patel, USA says:

  What a thrilling trip! Mrugeshbhai, you glued me from beginning to end. Thank you.

 4. Nilesh says:

  સરસ વર્ણન…

 5. Paresh says:

  સરસ વર્ણન. આવા અનૉભવ આપણમાંથી ઘણાને થયા હશે, પણ, તેને શબ્દરૂપ આપીને share કરવું !!! આભાર મૃગેશભાઈ

 6. Amol says:

  સુન્દર લેખ…..

 7. Asha Virendra says:

  મૃગેશભાઈ,
  તમે તો અમને તમારી અદેખાઈ કરતા કરી દીધા. વાચતાં વાચતાં સતત એવું થતું હતું કે અમારા જેવા માટે આવો અનુભવ આ જિંદગીમાં તો શક્ય જ નથી. પણ વાંધો નહિ, તમારી સાથે સફર કરાવીને તમે જલસો કરાવી દીધો તે બદલ શુક્રિયા.

 8. Kirtikant Purohit says:

  એક સાચી ગીરની સફર, રોમાંચક . વાહ.અદભૂત.

 9. Maharshi says:

  મજા આવી. ખુબ સરસ વર્ણન.. પણ વાઘની બીક નો રાખવી કારણકે ગીરમાં વાઘ છે જ નહીં ઃ-)

 10. Nihar says:

  What an thrilling adventure.

  I felt like I was one of the persone between you and was literally feeling all the exitement and of course the FEAR…

  ha ha ha…Three Cheers to you guys.

 11. govind shah says:

  Mrugeshbhai,

  Very nice article.You are correct PAckage Tour cannot be called Tour at all.
  Real joy is in – Bhomia vina Mare Bhmavata Dungra. Jungle ni kunj kunj jovi hati. Govind shah

 12. Kanchanamrut Hingrajia says:

  ખૂબ જ મજા આવી.કારણકે મારું વતન જ ગિર.તાલાલા તાલુકાનુ ધાવા ગામ.
  અત્યારેતો વતનથી ૧૫૦૦૦ કિલોમિટર દૂર વિદેશમાં થોડાસમય માટે છું.આટલે દૂર પણ વતનની યાદઆવી ગઈ.ગામ જંગલ અને ખેતરોમાં બચપણ વિતાવ્યુ અનેક જુના પ્રસંગો નજર સામે તાદ્રશ્ય થયા.હું નાનો હતો ત્યારે તો સારું જંગલ હતુ તે કપાયુ પણ ખરું અને પછીથી આંબાઓનું જંગલ ઊભુ થયું પણ હજી પણ સાવજ-દિપડા તો જોવા મળે જ.તેમાં દિપડાતો ધોળા દિવસે ઉનાળામાં આંબાવાદિયામાં પણ ભટકાઈ જાય.ખૂબખૂબ આભર બચપણ યાદ અપાવવા બદલ.

 13. kantibhai kallaiwalla says:

  Beutifully discribed the best trip. Can you arrange one more similiar trip for the readers? So that readers can enjoy trip physically and meet writer perdonally.

 14. Veena Dave,USA. says:

  good article.

 15. SAKHI says:

  VERY NICE ARTICAL

 16. A vous lire, je me sens avec vous dans la voiture comme un passager virtuel et
  Je partage vos craintes, joie, émotions et sentiments devant la nature grandiose
  Merci pour un moment de suspense.
  Translate
  To read you, I feel with you in the car as a virtual passenger and I share your fears, joy, emotions and feelings in front of grandiose nature Thank you for an instant of suspense.

 17. ગીરની રોમાંચક મુલાકાતે લઈ જવા બદલ આભાર..આજના શહેરીકરણના યુગમાં કેટલા યુવક-યુવતીઓ કુદરતને ખોળે કવચિત રમતા હશે.??
  આપણે ગુજરાતીઓ ગુરુઓના મઠો..આશ્રમો..હવેલીઓ..પાછળ સમય અને નાણાં વ્યય કરવામાં પાછીપાની કરતા નથી પરંતુ સ્વને ઓળખ આપતા આવા પ્રવાસો કરવાનું ટાળીએ છીએ..જે આપણી કમનસીબી છે.

  પ્રવાસમાં જોડાયેલા યુવકો અભિનંદનના અધિકારી છે.

 18. મારા ભાઈ સાથે આ ગીરના જંગલના રસ્તે કેટલાય વાર કાર લઈને પસાર થવાનું બન્યું છે. સિંહની ખાસિયતોની વાતો જાણે મિત્રની વાત કરતો હોય તેમ કરતો જાય. કેટલીક વાર તો અડધી રાતે પણ નીકળ્યા છીએ અને મારા એ માદરે વતનની સુંદર ભૂમિએ વગર પ્રયત્ને દિલમાં કુદરત સાથેની મૈત્રીની ઝંખના જગાડી છે.

 19. czpatel.....toronto.....canada says:

  hello,….nice to read…..i have also experinced such type of emotional event in TULSISHYAM…..in SASAN GIR…..but at that time forest dept was there with us…..good…..one can read this and have courage to see naturl gifts given by great GOD…..CONGRATULATION TO ALL TEAM…..

 20. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ લેખ. આપે ખરેખર જોખમી પ્રવાસ કર્યો.. એકી શ્વાસે ઝડપથી લેખ પુરો કર્યો. ખુબ સરસ.

 21. kirankumar patel says:

  realy Beutifully discribed. your writing is nice.

 22. Jitendra Joshi says:

  Mrugeshbhai really very interesting article.It reminds me my stay in Uganda in early 1960 when my father use to work jungle area Taroro at night we could
  hear lions roar.I and my young brother use to cover ourselves in the bed top
  to bottom. I can understand the feelings you all had that night.i am sure you
  and your friends will never forget the adventure.

 23. દિપિકા says:

  જો તમે સાથે આગ રાખો તો, કોઈ વાંધો ના આવત. તમે સાથે ૨ કિમિ અંતર કાપી શક્યા હોત.

 24. Bhupendra says:

  શાબાશ હિમત રાખવા બદલ…

 25. Lata Hirani says:

  અરે વાહ !! રોમાંચક સફર !!

 26. tarun says:

  mrugesh bhai
  khub maza padi gai
  apne nagarvasi hovanu gaurav laiye parntu ava antariyal vistar ma loko ketla anand thi malta hoy,
  apna ma raheli jangaliyat vistre tevi shubh kamna.
  fari gir ma jao
  fari gir ma jao
  fari gir ma jao

 27. nirav says:

  Dear Mrugesh

  Its realu adventuratious. Great

  Nirav

 28. ભાવના શુક્લ says:

  રોમાંચક સફરની રોમાંચક વાતો… ખુબ મજા આવી….
  ગર્ય મા તો બાપલીયા આમ ઝ વોય્… સાવઝની વાત્યુ નય… હામા સાવઝ ઝ વોય્…

 29. mayuri says:

  મ્રૂગેશભાઈ,તમેતો જિવન્ત પ્રસારણ ટેનસન અને ડર સાથે ગિરનાર નિ ટુર અમને કરાવિ ,,પણ મજઆવિ ,,દિપડૉ આવ્યો હોત તો અમેને” રિડ ગુજરાતિ “નો લાભ ના મલત અમારા માટેઆએક લેખબનિને રહ્યો;;;;

 30. nayan panchal says:

  વાહ મૃગેશભાઈ વાહ.

  મારા પણ રૂવાંડા ઉભા થઈ ગયા.
  આભાર.

  નયન

  દુનિયામાં માણસ લેબલો સાથે જીવે છે. ઘરમાં, ઑફિસમાં, મિત્રો સાથે અને સમાજમાં તે જુદા જુદા મહોરાં પહેરીને ફરતો હોય છે. પ્રકૃતિની ગોદમાં જતાંની સાથે જ માણસના આ લેબલો અને મહોરાઓ દૂર ફેંકાઈ જાય છે. તેની અંતરંગ વૃત્તિઓ બહાર નીકળી આવે છે. તે જેવો છે તેવો દેખાઈ આવે છે. તમામ ચતુરાઈ અને કાર્યકુશળતા કોકડુવળીને શૂન્ય બની જાય છે. કુદરત અરીસાની જેમ માણસને તેનું અસલી રૂપ બતાવી દે છે.

 31. pragna says:

  ખરેખર એક રોમાંચક સફર, ગિર નજદિક માં જ હોવા થિ અમે પણ ઘણી વખત મોડી રાત્રે સિંહો ને તેમના રોયલ અન્દાઝ માં સડક વચ્ચે બેસેલા પણ જોયા ચ્હે.જે બેપરવાઈથિ ઍ ઍનિ મસ્તિ માં મસ્ત હોય ચ્હે એ જોઈ ને જ એને જંગલ નાંરાજા નું બિરુદ અપાયું હશે.

 32. Pratibha says:

  ગીરનો લૅખ માણવાની મઝા આવી. ભૂલી જવાયુ કે લેખ વંચાય છે. આનાથી વધારે લેખકને કેવા અભિનંદન મળી શકે. અનુભવ સુન્દર કે વર્ણન ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.