મનોમંથન – સંકલિત

[1] ક્રોધ – વિકાસ મલકાણી

કારણ વિનાની હિંસક સંવેદના એટલે ક્રોધ. ક્રોધ આવે ત્યારે બુદ્ધિ નાશ પામે છે – અદશ્ય થઈ જાય છે. સત્ય અને અસત્ય વચ્ચેની ભેદરેખા નક્કી કરતી શક્તિ કામ કરતી અટકી જાય છે. જ્યારે કોઈ ચીજ કે અનુભવ માટેની મજબૂત ઈચ્છા પૂર્ણ થતી નથી ત્યારે આવી ઈચ્છાને અધૂરી રહેવા માટેના કારણ તરફ આપણે ગુસ્સો કરીએ છીએ.

ગુસ્સો ત્યારે પણ આવી જાય છે જ્યારે એક યા બીજી રીતે આપણી પર આક્રમણ કે પ્રહાર થયેલો હોય તેવું આપણને લાગે. તમે જ્યારે કોઈ વસ્તુ મેળવી લો છો અને પછી ઈચ્છો છો કે તે મારી જ છે અને જો તે કોઈ પાછી લઈ લે તો તમને ગુસ્સો આવશે. તમને તમારી નવી ગાડી તરફ ખૂબ લગાવ છે. તેને કોઈ નુકશાન કરે કે ખરાબ કરે તો તે વ્યક્તિ તરફ તમને ક્રોધ આવશે, કારણ કે તે વ્યક્તિએ તમારી ચીજને નુકશાન કર્યું છે. ઘણા લોકો એમ માને છે કે સ્વબચાવ માટે ક્રોધ જરૂરી છે. ખરેખર તો આ સંવેદનશીલ ઉશ્કેરાટ એક પ્રાચીનયુગના પ્રાણીને માટે ઉપયોગી છે કે જેણે પોતાના અસ્તિત્વ માટેના જંગમાં પોતાનો બચાવ કરવાનો હોય છે.

મનોવૈજ્ઞાનિકોએ ગોત્યું છે કે આપણી વિશિષ્ટ જીવનશૈલી અને આજની પરિસ્થિતિમાં, જ્યારે આપણો તણાવ અને અનિશ્ચિતતા સાથે પનારો પડેલો છે ત્યારે આપણે દીર્ધકાલીન નરમ આવેશને શરણે રહેવું જ સારું – મતલબ કે ક્રોધ કદાપિ ન કરવો. એવું જણાયું છે કે બ્લડપ્રેશર, અલ્સર અને અન્ય ઘણા માનસિક રોગોનું મૂળ આ વારંવારના ઉશ્કેરાટમાં પડેલું છે. વિચિત્રપણે આપણે માનીએ છીએ કે ગુસ્સો આપણા સામેની ધમકીને અડગપણે સામનો કરવાનું સાધન છે, પણ ખરેખર એવું નથી. તમારા પ્રતિ આક્રમક થનાર વ્યક્તિને તમે તમારા જુસ્સાદાર અને ગતિશીલ વર્તનથી કાબૂમાં લઈ શકો છો. તે માટે તમારે જરાપણ ઉશ્કેરાવાની જરૂર નથી. આ શક્ય છે. કોઈ તમારી સાથે અયોગ્ય વર્તન કરે યા તમારા અહમને ઠેસ પહોંચાડે તો પણ તમે તેને તમારી સહનશીલતાની સીમા શું છે તે બતાવી શકો. છતાં એમ માનવું જરૂરી નથી કે તમારી અંદર ઘૂઘવતું ધિક્કારનું મોજું આપમેળે પ્રવૃત્ત થતા ચેતનાતંત્રમાંથી આવે છે. તમે મહેસૂસ કરી શકશો કે તમારી કૃતનિશ્ચયતાની સંવેદનશીલ નરમાશ દ્વારા તમે વધારે અસરકારક બની શકો, નહીં કે ગુસ્સાથી કાબૂ ગુમાવીને. તેથી જ પેલી ધારણાને – કે ગુસ્સો – ક્રોધ એ સ્વ-બચાવ માટેનું જરૂરી સાધન છે, કોઈ જ સત્ય કે આધાર નથી.

ઘણાને એવું લાગે છે કે નકારાત્મક ગણાતી સંવેદનાઓની કિંમત, જે આવી લાગણીઓ વ્યક્ત કરે છે તેને માટે હકારાત્મક હોય છે. યોગનું તત્વજ્ઞાન એ સાથે સહમત છે કે વ્યક્તિએ પોતાનો ગુસ્સો સમજણપૂર્વક વ્યક્ત કરીને હળવા થવાનું છે, નહીં કે તેને દાબી દઈને અને દેખાવ કરીને કે ગુસ્સો છે જ નહીં. આ તરકીબ લાભપ્રદ છે, પણ આ એક ટૂંકા ગાળાનો ઉપાય ગણાય. તેનાથી તમે સંવેદનશીલ જીવનને સર્જનાત્મક અને સદુપયોગી બને તે રીતે સંયમિત બનાવવાનું શીખી ન શકો. પ્રત્યેક હિંસક સંવેદનાને વ્યક્ત થવું પડે અને તે એક યા બીજી રીતે બહાર ફૂટી નીકળવાની જ. પણ સંવેદનાની અભિવ્યક્તિ, તેના ઉપયોગ અને પ્રવાહને સમજ્યા વગર થાય તો તે પોતાના તેમજ અન્ય માટે હાનિકરક-વિનાશક બને છે. સંવેદનશીલતાને પ્રવાહિત કરવાની તરકીબ જાણવી એ હકારાત્મક બાબત છે. માણસના સંવેદનશીલ પાસાને આનાથી જે શક્તિ પ્રાપ્ત થાય છે તે ફક્ત એકલા વિચારોમાં નથી હોતી. (‘આધ્યાત્મિકતા’ પુસ્તકમાંથી સાભાર.)
.

[2] મહાત્માઓને પ્રણામ ! – સ્વામી વિવેકાનંદ

હું મુસલમાનની મસ્જિદમાં જઈશ, ખ્રિસ્તીના દેવળમાં જઈને ક્રોસ પાસે ઘૂંટણભર થઈને પ્રાર્થના પણ કરીશ. હું બૌદ્ધોના મંદિરમાં જઈને બુદ્ધ અને તેના ધર્મનું શરણ લઈશ, અને દરેકના હૃદયને પ્રકાશિત કરનારી જ્યોતિમાં પરમાત્માનું દર્શન કરવાનો પ્રયાસ કરતાં હિન્દુની સાથે જંગલમાં જઈને હું ધ્યાનમાં પણ બેસીશ. આ બધું હું કરીશ એટલું જ નહીં, પરંતુ ભવિષ્યમાં પણ જે બધા આવશે તેમને માટે પણ હું મારું હૃદય ખુલ્લું રાખીશ. શુ ઈશ્વરનો ગ્રંથ-પૂરો થયો છે ? કે તેની અભિવ્યક્તિ હજી સતત ચાલુ છે ? દુનિયાની આ બધી આધ્યાત્મિક અભિવ્યક્તિઓ એક અપૂર્વ ગ્રંથ છે. બાઈબલ, વેદ, કુરાન અને બીજા બધા ધર્મગ્રંથો માત્ર તેનાં થોડાંએક પાનાંઓ છે, બીજા અસંખ્ય પાનાંઓ હજી ઊઘડવાનાં બાકી છે. હું મારું હૃદય તે બધાંને માટે ઊઘાડું રાખીશ.

આપણે વર્તમાનમાં છીએ અને અનંત ભવિષ્ય માટે હૃદય ખુલ્લું રાખીએ. ભૂતકાળનું બધું આપણે ગ્રહણ કરીએ, વર્તમાનના પ્રકાશનો આનંદ લઈએ અને ભવિષ્યમાં જે કાંઈ આવે તે બધા માટે આપણાં હૃદયની બારીઓ ખુલ્લી રાખીએ. ભૂતકાળના બધા મહાત્માઓને પ્રણામ, વર્તમાનના બધા મહાત્માઓને પ્રણામ અને ભવિષ્યમાં આવનારા બધા મહાત્માઓને પ્રણામ !
.

[3] વિદ્યાના નામે વેપાર – મૃગેશ શાહ

તે દિવસોમાં હું ટાઈપિંગ અને ડિઝાઈનીંગનું કામ કરતો. તેમાં પણ મુખ્યત્વે કોચિંગ કલાસના પૅમ્ફિલેટનું વધારે કામ રહેતું. એક દિવસ એક કોચિંગ કલાસના શિક્ષક મારે ત્યાં આવ્યા. તેમણે મને કેટલાક પેમ્ફિલેટ અને સંદર્ભ પુસ્તકની (Reference book) નકલ ટાઈપ કરવા માટે આપી. આંકડાશાસ્ત્રનો એ વિષય હતો. કેટલાક દાખલાઓ મારે તેમના જૂના પેમ્ફિલેટમાંથી તો કેટલાક તે પુસ્તકમાંથી લઈને નવું પેમ્ફિલેટ તૈયાર કરવાનું હતું. મેં અમુક દિવસની તારીખ આપીને તેમને વિદાય આપી.

બે-ત્રણ દિવસ પછી નવું પૅમ્ફિલેટ તૈયાર કરતાં મારા ધ્યાનમાં આવ્યું કે સંદર્ભ પુસ્તકમાં જે દાખલાની રકમ બરાબર વ્યવસ્થિત રીતે આપવામાં આવી છે તે તેમના જૂના પૅમ્ફિલેટમાં તો સદંતર ખોટી છે ! મને આશ્ચર્ય થયું ! મેં ત્યાં નોંધ મૂકી અને તેમને પૂછીને ટાઈપ કરવાનું વિચાર્યું. ચાર-પાંચ દિવસ પછી તેઓ જ્યારે આવ્યા અને મેં તેમને આ વાત જણાવી, ત્યારે તેમનો જવાબ શિક્ષક પ્રત્યેની નિષ્ઠાને વજ્રઘાત કરે તેવો હતો. તેમણે મને એમ કહ્યું કે : ‘અમારા ટ્યૂશન ન રાખનાર વિદ્યાર્થી જો કોઈ પાસેથી અમારા પૅમ્ફિલેટ મેળવીને તેની નકલ કરીને દાખલા ઘરે ગણવા બેસે તો એનો દાખલાનો જવાબ ખોટો આવે એ માટે અમે પેમ્ફિલેટમાં પાંચ-દસ ભૂલ જાણી જોઈને રહેવા દઈએ છીએ. એ ભૂલ અમે ભણાવતી વખતે વિદ્યાર્થીની નોટમાં તો સુધરાવી દઈએ પણ મૂળ પ્રતમાં કદી સુધારતા નથી….’

આ હતું એમનું ‘બિઝનેસ સિક્રેટ’ !! જ્યાં આવી વેપારી બુદ્ધિ ચાલતી હોય ત્યાં વિદ્યા ટકે ખરી ? એ ભણાવનારને પણ શિક્ષક કહેવા કે કેમ ?
.

[4] ચિંતનકણિકાઓ – સરદાર વલ્લભભાઈ પટેલ

(1) સંતને દૂભવીને કોઈ સુખી થયેલ નથી. જગત મિથ્યા છે, દેહ ક્ષણભંગુર છે, લક્ષ્મી એ માયા છે, વ્યવહાર પ્રપંચથી ભરેલો છે, એમાંથી પાર તરી જવામાં ઈશ્વર સહાય કરે તો એ સદભાગ્ય જ કહેવાય.
(2) ઈશ્વરને શરણ થઈ નિષ્કામભાવથી થાય એટલું, મન, વચન અને કર્મથી જીવન જેટલું સ્વચ્છ થાય એટલું કરશો તો નિરાશાને સ્થાન નથી.
(3) મનની શાંતિ પોતા થકી જ મળે છે.
(4) કોઈને દુ:ખ લગાડવું નહીં, નાના માણસો સાથે મીઠાશથી કામ લેવું.
(5) કોઈનો તિરસ્કાર ન કરવો એ ગૃહસ્થનું ભૂષણ છે.
(6) કાર્ય કરો, પરિણામ ઈશ્વરના હાથમાં સોંપી દો.
(7) આપણે કોઈનાથી કશું છાનું રાખવાનું નથી.
(8) ઈશ્વર પર વિશ્વાસ રાખી ચાલો.
(9) ચિંતા ઈશ્વરને સોંપી દો.
(10) સુખ-દુ:ખ એ મનનું કારણ છે.
(11) સંસાર માયાથી ભરેલો છે.
(12) માયા અને જંજાળ વધારવામાં કશો લાભ નથી.
(13) આપણું ધાર્યું કશું થતું નથી, ધાર્યું ઈશ્વરનું થાય છે.
(14) આપણે ખોટું કરતાં કે પાપ કરતાં અચકાવું યા ડરવું, બાકી કશાથી ડરવાની જરૂર નથી.
(15) માણસ માત્ર નબળાઈથી ભરેલો છે, જેને પોતાની નબળાઈનું ભાન છે તેને કોઈ વખત ઈશ્વર જ બળ આપશે.
(16) સમર્થ એક ઈશ્વર જ છે.
(17) તમે પ્રભુ પાસે બળ માગો, તો કોઈ વખત એ આપી રહેશે એવો એ દયાળુ છે.
(18) ભજનમાં મન પરોવી રાખવું.
(19) કોનાં છોરું કોનાં વાછરું કોનાં મા ને બાપજી, અંતકાળે જવું એકલા, સાથે પુણ્ય ને પાપજી !’
(20) આ શરીરનો ઘડનાર તેના મરણ માટે સમય, સ્થળ અને કારણ, એ ત્રણેયનું પડીકું વાળીને શરીરમાં મૂકી દે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન પર પ્રભાવ પાડનારાં – મધુસૂદન કાપડિયા
ગુજરાતની અસ્મિતા : મારી નજરે – નારાયણ દેસાઈ Next »   

12 પ્રતિભાવો : મનોમંથન – સંકલિત

 1. payal patel says:

  સરસ લેખ.
  Readgujarati means ……..Australia મા રહેવા છતા મને ગુજરાતી સાહિત્ય સાથે જોડી રાખતી એક કડી…………….
  I read READGUJARATI every day , I am an international student,doing job , but READGUJARATI is a part of my daily routin………
  Thanks for uploading this is kind of article Mrugeshbhai…..

  Payal Patel
  Melbourne, Australia

 2. Viren Shah says:

  Doing business for Teaching purpose is not wrong.
  However in any business, doing it wrong way (immorally) is always wrong.

 3. Kanchanamrut Hingrajia says:

  ક્રોધ વ્યક્ત કરવો સરળ છે પણ તેને કાબુમાં રાખવો કે દબાવી રાખવો એ મનની શક્તિ માંગી લ્યે છે.

  શિક્ષણની હાટદડીઓથી હવે કોણ અજાણ છે ?
  ટ્યુશનીયા શિક્ષકો વિદ્યાર્થિને ટ્યુશન આપવા જે જગ્યા રાખે છે તે કોમર્શિયલ જગ્યાને તેઓ દુકાન કહે છે.અને દુકાનમાંથી તો જે જાય તેતો વેંચાણ જ કહેવાય ને ! આ હાટડિઓને “વિદ્યાધામ”નથી કહેતા તેટલા એમને નિખાલસ કહેવા પડે, એવું નહિં !

 4. Veena Dave,USA. says:

  Mrugeshbhai,

  Very good, bravo.

  Chintankanikas :જિવન મા ઉતારવા જેવિ.

 5. Paresh says:

  “આપણે વર્તમાનમાં છીએ અને અનંત ભવિષ્ય માટે હૃદય ખુલ્લું રાખીએ” – સ્વામી વિવેકાનંદ
  “આપણે ખોટું કરતાં કે પાપ કરતાં અચકાવું યા ડરવું, બાકી કશાથી ડરવાની જરૂર નથી.” – સરદાર પટેલ

  બે મહાનુભાવોના વિચારો સાથે મમળાવવા મળ્યા. આભાર

 6. pinaben gowadia says:

  આ શરીરનો ઘડનાર તેના મરણ માટે સમય, સ્થળ અને કારણ, એ ત્રણેયનું પડીકું વાળીને શરીરમાં મૂકી દે છે.

  સરસ સંકલિત લેખો…

 7. nayan panchal says:

  સરદાર પટેલની કણિકાઓ ખૂબ સરસ.

  સરદાર અને વિવેકાનંદના વિચારો તેમને ખરેખર મહાન બનાવે છે.

  આભાર.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.