જીવન પર પ્રભાવ પાડનારાં – મધુસૂદન કાપડિયા

[‘અરધી સદીની વાચનયાત્રા : ભાગ-4’ માંથી સાભાર.]

પોતાના જીવન ઉપર ક્યાં પુસ્તકોનો પ્રભાવ પડ્યો તેનું આલેખન કરતા લેખો મેળવીને પ્રીતિબહેન શાહે ‘પીધો અમીરસ અક્ષરનો’ પુસ્તકનું સંપાદન કર્યું છે. આ પુસ્તક અપરંપાર સમૃદ્ધિથી સભર છે. માત્ર આ એક જ પુસ્તકના વાચનથી બીજાં અનેક પુસ્તકોનો પરિચય મળી જાય છે. સૌથી મૂલ્યવાન તો છે કેટલાંક પુસ્તકોમાંથી ટાંકેલાં મધુર અવતરણો.

લાભશંકર ઠાકરે ઈબ્સનના ‘એ ડૉલ્સ હાઉસ’ની વિસ્તારથી વાત કરી છે. તમે જો આ નાટ્યકૃતિ વાંચવાના ન હો તો આ લેખ અચૂક વાંચજો. લાભશંકર ઠાકરે એનો મર્મ અને એનું રહસ્ય એટલાં ઉત્કૃષ્ટ રીતે પ્રકટ કર્યાં છે કે જાણે આપણી સમક્ષ એ ભજવાતું હોય એવો આસ્વાદ મળે છે. નોરાનું પાત્ર સજીવન થઈ જાય છે. નોરા (તેના પતિને) કહે છે : ‘પાપા મને તેમની ‘ડૉલ-ચાઈલ્ડ’ કહેતા અને મારી સાથે રમતા. જેમ હું મારી ઢીંગલીઓ સાથે રમતી. અને હું તમારી સાથે રહેવા આવી ત્યારે, પાપાના હાથમાંની ઢીંગલી તમારા હાથમાં ટ્રાન્સફર થઈ. હું તમારી ઢીંગલી-વહુ બની રહી અને બાળકો મારી ઢીંગલીઓ. આ છે આપણો લગ્નસંસાર.’ નોરા ઘર છોડીને ચાલી જાય છે, નીચેથી બારણું બંધ થવાનો ધમ અવાજ આવે છે. કહે છે કે રંગમંચ પર આ બારણું બંધ થવાથી આખું યુરોપ કંપ્યું હતું.

હરિભાઈ કોઠારીનો ‘ગીતા પંથપ્રદીપ’ આ સંકલનના ઉત્તમ લેખોમાંનો એક છે. શંકરાચાર્યથી ગુણવંત શાહ સુધીના ‘ગીતા’નાં ભાષ્યો અને ‘ગીતા’ વિષયક અનેક છૂટાછવાયા લેખો વાંચ્યા પછી પણ આના જેવો સંક્ષિપ્ત, સરળ અને વિશદ લેખ મેં ભાગ્યે જ વાંચ્યો છે. સુસ્મિતા મ્હેડ આનંદશંકર ધ્રુવનો એક પ્રસંગ ટાંકે છે કે તેમના ઘરમાં એક વખત આગ લાગી. તે સમયે આચાર્યશ્રીએ ગર્ભશ્રીમંત કુટુંબની માલમત્તા, તિજોરી કે ઝવેરાતને બદલે ઝપાટાભેર પોતાનાં બધાં જ પુસ્તકો ખસેડાવી બીજા ઘરમાં મૂકી દીધાં. ઉત્તરવયે તે પરિમલ સોસાયટીના ‘વસન્ત’ બંગલામાં રહેતા હતા. અંતિમ દિવસોમાં પોતાના મિત્રવત શિષ્ય રતિલાલ ત્રિવેદી પાસે તેમણે એક અભિલાષા વ્યક્ત કરી : ‘રતિભાઈ ! મને એવો વસન્તોત્સવ ઊજવવાનું મન થાય છે કે પોળના ઘરનાં બધાં જ પુસ્તકો ગોઠવી, નમસ્કાર કરી એક પાટિયું મુકાવું કે These have made me. રાધેશ્યામ શર્મા આનંદશંકર ધ્રુવના વિષાદને મૂર્ત કરે છે : ‘આનંદશંકર ધ્રુવ જેવા ગંભીર પંડિતે એક મોટા ગ્રંથાલયમાં ઊભા રહી, પુસ્તકો સામે હાથ લંબાવી, શકુન્તલાને નીરખી દુષ્યંતે કાઢ્યા હતા તેવા રસિક શ્લોક ઉદગારથી ચિંતા વ્યક્ત કરી હતી : ‘ન જાને ભોક્તારમ્ :’ આ સર્વને કોણ ભોગવશે ? ન જાણે !’

આ સંકલનમાં સંપાદકના લક્ષ્યને સંપૂર્ણ વફાદાર રહીને લખાયેલો લેખ છે તે તખ્તસિંહ પરમારનો : ‘સંસ્કારબીજનું વાવેતર.’ કૉલેજકાળ દરમિયાન વાંચેલાં અનેક ઉત્તમ પુસ્તકોની માત્ર યાદી જ આપીને, એના પ્રભાવનો સહેજ ઉલ્લેખ કરીને, લેખક ઉમેરે છે : ‘સંસ્કાર-બીજ-નિક્ષેપ તો બાળપણમાં જ થાય છે. આપણે ફળઝાડ વાવ્યાં હોય તેની માવજત કરવી જોઈએ. બીજ રોપ્યા પછી અંકુર ફૂટે તેને સાચવવા વાડોલિયું કરવું જોઈએ, જલસિંચન કરતા રહેવું જોઈએ. સારો ફાલ મેળવવા ખાતર આપતા રહેવું જોઈએ. યુવાવસ્થા-પ્રૌઢાવસ્થા-વૃદ્ધાવસ્થામાં વાંચેલું સાહિત્ય એ વાડોલિયા-જલસિંચન ને ખાતરનું કાર્ય કરે છે. બીજનિક્ષેપ તો થાય છે નાનપણમાં વંચાયેલા સાહિત્યથી.’ અને પછી લેખક આપણને બાળપણનાં પ્રિય કાવ્યો ને કથાઓની સહેલગાહે લઈ જાય છે. ન્હાનાલાલનું ‘સાચના સિપાઈ’, ‘મને તો ગમે મારી સારી કુહાડી, ભલાં માત દો પાણી માંહેથી કાઢી’નો ભુજંગી છંદ. આવી બાળપણમાં વાંચેલી બીજી અનેક કૃતિઓની સ્મૃતિને તખ્તસિંહ પરમારે મધુર રીતે નિરુપી છે.

છેલ્લે, પુસ્તકો માટેના વર્ષા અડાલજાના શબ્દો રત્નચિંતામણિ જેવા છે :
‘….જીવનના આરંભકાળમાં આ પુસ્તકોએ ખૂબ આનંદમાં સમય ગુજારવામાં સાથ આપ્યો. બસ એટલું જ ? ના. જીવનની દરેક સ્થિતિને સ્વીકારીને હસતાં શીખવ્યું. ‘ખૂલ જા સિમસિમ’ કહેતાં એક અદ્દભુત નિરાળી દુનિયામાં પુસ્તકોએ મારો પ્રવેશ કરાવ્યો. ન વીસા, ન પાસપોર્ટની જરૂરત. બેરોકટોક ગમે ત્યારે ગમે ત્યાં જઈ આનંદથી વિહરી શકાય. પુસ્તકપ્રેમે એકાંતને ચાહતાં શીખવ્યું. પુસ્તકોએ ઘણું ઘણું આપ્યું છે. એકાદ પાનામાં સમાઈ જતા કાવ્ય માટે ક્યારેક આખું હૃદય નાનું પડતું હોય છે. પુસ્તકો માનવજાતની શ્રેષ્ઠ શોધ છે. એણે બાંધેલા ભવ્યાતિભવ્ય પ્રાસાદો જમીનદોસ્ત થઈ ગયા, પરંતુ આ સર્જન કાળની થપાટો ખાઈને અડીખમ ઊભું છે. એના ગઢની એક કાંકરી પણ ખરી નથી.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મણ મણના ભારના… – મકરન્દ દવે
મનોમંથન – સંકલિત Next »   

13 પ્રતિભાવો : જીવન પર પ્રભાવ પાડનારાં – મધુસૂદન કાપડિયા

 1. dr sudhakar hathi says:

  પુશતકો આપનિ જબરદસ્ત મિલ્કત

 2. Kanchanamrut Hingrajia says:

  “readgujarati” નાં વાચકોને ગુજરાતી/સાહિત્ય/પુસ્તકો કે વાચનના વૈભવનું મહાત્મ્ય કહેવાની થોડી જરુર છે ? તેમાં રસ ન લેતાંને રસ લેતાં કરીએ તો જ આપણો પુસ્તક પ્રેમ સાર્થક છે.

 3. Veena Dave,USA. says:

  સારુ વાચન જિવનને સારુ બનાવે that is sure. I have read Shri Gunvant Shah , Shri Takhtsinh Parmar and Varsha Adalja’s articles.

 4. Paresh says:

  ‘… પુસ્તકપ્રેમે એકાંતને ચાહતાં શીખવ્યું. પુસ્તકોએ ઘણું ઘણું આપ્યું છે. એકાદ પાનામાં સમાઈ જતા કાવ્ય માટે ક્યારેક આખું હૃદય નાનું પડતું હોય છે. પુસ્તકો માનવજાતની શ્રેષ્ઠ શોધ છે. એણે બાંધેલા ભવ્યાતિભવ્ય પ્રાસાદો જમીનદોસ્ત થઈ ગયા, પરંતુ આ સર્જન કાળની થપાટો ખાઈને અડીખમ ઊભું છે. એના ગઢની એક કાંકરી પણ ખરી નથી.’ વર્ષા અડાલજાના શબ્દો ખરેખર રત્નચિંતામણિ જેવા જ છે.

  નાનકડા જોડકણાંઓ થી શરૂ થયેલ વાંચન સફર – છકો-મકો, મિયાંફૂસકી-તભાભટ્ટ્, ટારઝન, ફેન્ટમ, મેન્ડ્રેક્ષ, ફૂલવાડી-બાળસંદેશ – રમકડું, જુલેવર્ન થી મહેશ મસ્તફકીર, નવનીત સેવક, કનુભગદેવ, હરકીસન મેહતા, રસિક મેહતા, ક મા મુનશી, અશ્વિની ભટ્ટ અને પછી ભાગવત ગીતા તેના પરના વિવિધ સંત પુરૂષોના પ્રવચનો ….. ક્યાંથી ક્યાં પહોંચી? અમદાવાદના ગુજરી બજારમાં અને એમ.જે. લાઈબ્રેરી થી માંડી હાલમાં crosswordમાં ઉભા ઉભા પણ વાંચ્યું છે. ભિક્ષુશ્રી અખંડઆનંદનું સસ્તુ સાહીત્ય પણ માણ્યું છે અને જે તે ઉંમરે હલકુ સાહિત્ય(?) પણ માણ્યુ(?) છે.

  આ વાંચન સફર ક્યાંથી ક્યાં પહોંચી ગઈ અને છતાં ય વાંચનની તરસ હજુ એવીને એવી જ છે.

  મારામાં મારી પૂજ્ય બાની ટેવ ઉતરી અને તે જ વાંચનની ટેવ મારી દિકરીઓને પડી છે, ફરક એ છે કે તે બંને Harry Potter, Shidney Sheldon, Chetan Bhagat, Richard Bach ને વાંચે છે.

  પુસ્તકપ્રેમે ખરેખર એકાંતને ચાહતાં શીખવ્યું છે.
  મારી પોતાની વાંચન સફરના flashback માટે શ્રી મૃગેશભાઈનો આભાર.

 5. વિચારો નો વૈભવ તો જેને વાંચનની અખુટ ભુખ હોય તેને જ પ્રાપ્ત થાય. …અને તેમાંય જો એકાંત મળે તો સ્વને ઓળખવાની શરુઆત થાય.
  આપણે પુસ્તકો ખરીદી ને જો વાંચતા થઈએ તો પુસ્તકોનાં વિકાસમાં થોડી મદદ મળે. આપણા ગુજરાતી પુસ્તકોની બાંધણી અને બંગાળી પુસ્તકોની બાંધણીમાં ફરક જોવા મળે છે..તેનું કારણ તેમનો પુસ્તક પ્રેમ છે. આજે ગુજરાતનાં ઘણાં પુસ્તકાલયો કંગાળ હાલતમાં છે તેનું કારણ આપણે પોતે જ છીએ.
  પુસ્તકોનું વેચાણ સારું હોય તો તેની કિંમત પણ નીચે આવવાની શક્યતા રહે..

 6. Pradipsinh says:

  I love books. pustako mane sauthi vadhare vahala lage 6

 7. nayan panchal says:

  હરિભાઈ કોઠારી મુંબઈના ગુજરાતી મિડ-ડે માં નિયમિત લેખો લખે છે, તેમનુ “ગીતા અને આ જિંદગી” (કિંમત માત્ર ૧૧૦ રૂ.) એટલુ સરસ છે કે મારા જેવા માણસને પણ થોડી થોડી ગીતા સમજાઈ જાય.

  મારા જીવનની સૌથી સુખદ ઘટના હોય તો નાનપણમાં મારા હાથમા દેવી ભાગવત આવ્યુ તે. મધુ-કૈટભ અને શ્રીવિષ્ણુના યુધ્ધથી ચાલુ થયેલી યાત્રામાં પછી તો નિરંજન, અમર ચિત્રકથાઓ, નિબંધમાળા, ચાચા ચૌધરી – સાબુ – રાકા આવ્યા. સફારીએ મારી વિચારવાની રીત બદલી નાખી. હલકું સાહિત્ય અને ફિલ્મી ફદિયા પણ વાંચ્યા. યાત્રા હજુ ચાલુ જ છે. …

  કેટલીય વાર ટ્રેનમાં પુસ્તકના સહારે ઉભા ઉભા બોરિવલીથી ભરૂચની યાત્રા કાપી છે, પુસ્તક ના હોત તો મારા પગનું શું થાત…

  સારુ પુસ્તક કે સારી ફિલ્મ સમાધિની ગરજ પૂરી પાડે છે, પરંતુ ફિલ્મના માધ્યમને સમયની મર્યાદા નડે છે (slumdog millionaire જુઓ અને Q & A વાંચો).

  એકદમ સચોટ લેખ બદલ આભાર.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.