ગુજરાતની અસ્મિતા : મારી નજરે – નારાયણ દેસાઈ

[ કીમ ખાતે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્ર નિમિત્તે કુલ પંચોતેર જેટલા પ્રબુદ્ધ વિચારકો અને ચિંતકોને ‘ગુજરાતની અસ્મિતા’ વિષય પર પોતાનું ચિંતન રજૂ કરવાનું નિમંત્રણ આપવામાં આવ્યું અને ત્યારબાદ તેનું પુસ્તકરૂપે પ્રકાશન થયું. તેમાંથી આજે માણીએ આદરણીય શ્રી નારાયણભાઈ દેસાઈનું ‘ગુજરાતની અસ્મિતા : મારી નજરે’ વિષય પરનું ચિંતન. ‘મારું જીવન એ જ મારી વાણી’ જેવા શ્રેષ્ઠ ગાંધી-સાહિત્યના સર્જક તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને ગાંધી-કથાકાર એવા આદરણીય શ્રી નારાયણભાઈ દેસાઈ એટલે બાળપણથી ગાંધીજીનો ખોળો ખૂંદનાર વિરલ વ્યક્તિત્વ. આ પુસ્તકનું સંપાદન શ્રી ઉત્તમભાઈ પરમારે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. ]

dsc_0098‘અસ્મિતા’ શબ્દ મારી નજરે થોડો ગૂંચવાડાભર્યો છે. શબ્દનો મૂળ અર્થ શોધવા જતાં આપ્ટેની સંસ્કૃત-અંગ્રેજી ડિક્સનરી ખોલી તો તેમાં એનો એક માત્ર અર્થ નીકળ્યો egotism એટલે કે અહંભાવ. બુલ્કેની અંગ્રેજી-હિંદી ડિક્શનરીમાં egotismના અર્થ આપ્યા છે અહંમન્યતા, અહંતા, આત્મશ્લાઘા, અહંકાર અને સ્વાર્થ. આમાંથી એકેય અર્થ ગૌરવ લેવાય એવો છે ખરો ? સાર્થ ગુજરાતી જોડણીકારોએ અસ્મિતાનો પહેલો અર્થ અહંતા અને બીજો અર્થ પોતાપણું વ્યક્તિત્વનું ભાન એવો આપ્યો છે. શ્રી ક.મા. મુનશીએ જે શબ્દને પ્રતિષ્ઠિત કર્યો તે આ વ્યક્તિત્વના ભાન જોડે બંધબેસતો આવે છે ખરો. ગર્વ, અહંકાર કે ઘમંડના અર્થમાં અભિપ્રેત તો તે ન જ હોય એમ માની લઈએ. જોકે વ્યક્તિત્વનું ભાન એ પણ જાણે કે કોઈક અભાવમાંથી નીકળી આવવા સારુ શોધી કાઢેલો અર્થ હોય એમ લાગે છે. અહંભાવ અને હીનભાવ ઘણી વાર એક જ સિક્કાની બે બાજુઓ હોય છે. ગુજરાતની અસ્મિતા આવી કોઈ હીનભાવમાંથી નીકળેલો શબ્દ ન હોવો જોઈએ. પોતાની જાતને કદરૂપ માનીને પીડાતી કોઈ વ્યક્તિ ચહેરા પર લપેડા લગાડીને રૂપાળી દેખાવા યત્ન કરે એવી તો મુનશીની ગુજરાત ન હોઈ શકે.

ગર્વને ઠેકાણે જો આપણે ગૌરવ શબ્દ લઈએ તો અર્થ બદલાઈ જાય. ગૌરવનો મૂળ અર્થ વજન થાય છે. એમાંથી એનો અર્થ જેની છાપ વજનદાર હોય તેવો સૂચિત થાય છે. આપણે ત્યાં જો કે ઘણીવાર ગૌરવ અને ગર્વ વચ્ચે ખાસ ભેદ કર્યા વિના જ ગૌરવ શબ્દ વપરાતો જણાય છે. તેમ કરવાથી ગૌરવ શબ્દનું ગૌરવ હણાય છે.

અસ્મિતાનો અર્થ જાતની ઓળખ એવો જ કરવો હોય તો, ઓળખ તો કમજોર અને મજબૂત બંને પાસાંની હોવી જોઈએ ને ? માણસ જો પોતાના જમા પાસાના જ ગુણગાન કર્યા કરે અને ઉધાર પાસાને છાવરે તો એમાંથી ગમે ત્યારે પણ દેવાળું ફૂંકવાનો વારો આવે. જાત ઓળખ સારું બંને પાસાં જાણી લેવાની અને જમા પાસા અંગે નમ્રતા કેળવીને ઉધાર પાસા વિષે સભાન થઈ તેને બનતી ત્વરાએ સુધારી લેવામાં જ શાણપણ છે. આ જ વાત ગુજરાતને પણ લાગુ પડે છે. ગુજરાતના વ્યક્તિત્વ અંગે ભાન કેળવવું હોય તો એના નબળા પાસા વિષે સભાન થઈ તેને મજબૂત કરવા તથા એના સબળા પાસા વિષે નમ્ર બનીને એના ગુણગાન જાતે કરવાને બદલે બીજાઓને કરવા દેવા જોઈએ. ‘ગાંધીની ગુજરાત’ તરીકે આપણે જાતને એટલી ગૌરવાન્વિત કરી કે 2002 પછી ગુજરાત બહારનો કોઈ સાધારણ ટીકાકાર પણ આપણને પૂછતો થઈ ગયો કે ‘આવી ગાંધીની ગુજરાત ?’ કદાચ આવા જ પ્રશ્નોની ઝડીથી મૂંઝાઈને આપણા મુખ્યમંત્રીને એક વાર ચોખવટ કરવી પડેલી કે આ કંઈ એકલા ગાંધીની ગુજરાત નથી. સરદારની પણ ગુજરાત છે ! ગાંધીની સામે આમ સરદારને ગોઠવવાથી ગુજરાતની અસ્મિતા જળવાઈ રહે ખરી ? એમ કરવાથી તો ગાંધી અને સરદાર બંને અંગેની અણસમજ જ છતી થાય.

આમાંથી પ્રશ્ન એ ઊઠે છે કે કોઈ એક કે બે તેજસ્વી વ્યક્તિત્વનો ઉલ્લેખ કરીને આખી પ્રજા એનું ગૌરવ લઈ શકે ખરી ? કોઈ પણ સાંકળની મજબૂતાઈ તો એની સૌથી કમજોર કડીથી મપાય. બીજી બધી કડીઓ મજબૂત હોય અને એક કડી કમજોર હોય તો, તાણ કે દબાણ આવતાં એ કમજોર કડી આગળ જ સાંકળ તૂટે. આખી સાંકળને મજબૂત કરવી હોય તો એની કમજોર કડીને મજબૂત કરવી પડે. સમાજનું પણ એમ જ છે. સમાજની તાકાત એની કમજોર તાકાત જોઈને જ પારખી શકાય. એની મજબૂત કડીઓનાં બણગાં ફૂંકવાથી સમાજ મજબૂત થઈ જતો નથી. બલ્કે એ આપણને ભ્રમમાં રાખી શકે છે. કમજોર કડીને મજબૂત બનાવવામાં સમાજ જેટલો સફળ તેટલી તેની તાકાત વધે. તે જ એની સાચી ઓળખ. તે જ એની સાચી અસ્મિતા.

asmitaગાંધીએ આજથી નવ્વાણું વર્ષ પહેલાં ‘હિંદ સ્વરાજ’માં સભ્યતા અંગે એક વ્યાખ્યા આપી હતી. તે અહીં યાદ આવે છે. તેમણે એ અર્થમાં કહ્યું હતું કે સમાજની બહુમતી એની લઘુમતી જોડે કેવો વ્યવહાર રાખે છે તે ઉપરથી એ સમાજની સભ્યતા પારખી શકાય છે. ગાંધીની આ વાત માત્ર વસતીગણતરીની લઘુમતી-બહુમતીને જ લાગુ પડતી નથી. આર્થિક, સામાજિક, શૈક્ષણિક ગમે તે દષ્ટિએ જે સમાજની કમજોર કડીઓ હોય તે સર્વ અહીં આપણે લઘુમતીને સ્થાને મૂકી-શકીએ છીએ. પોતાનાં કમજોર અંગો સાથે સમાજનો સબળો અંગ કેવી રીતે વર્તે છે. એ જ સમાજની સભ્યતાની પારાશીશી છે. આ કસોટી મુજબ આર્થિક દષ્ટિએ ગુજરાતની અસ્મિતા જોવી હોય તો દુનિયાના સૌથી ધનવાન લોકોમાં કેટલા ગુજરાતીઓની ગણના થાય છે એ નહીં, પણ એ જોવું પડશે કે અહીં ગરીબીની રેખા નીચે કેટલા લોકો જીવે છે. આરોગ્યની દષ્ટિએ આપણી અસ્મિતા તપાસવી હોય તો અમદાવાદની કઈ હોસ્પિટલમાં છેલ્લામાં છેલ્લાં અને મોંઘામાં મોંઘા સાધનોથી સજ્જ કેટલાં ઑપરેશન થિયેટર રચાયાં તે નહીં, પણ ગુજરાતમાં કેટલા લોકોને પોષણક્ષમ ખોરાક મળતો નથી અને કુપોષણથી કેટલાં બાળકો રતાંધળાં બને છે તે જોવું પડશે. ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ અમેરિકાની વિદ્યાપીઠોમાં ઉપલાં સ્થાન લાવે છે એ જોવાને બદલે ગુજરાતની કેટલી વસ્તીએ એક શાળા છે અને શાળા દીઠ કેટલા શિક્ષકો છે તથા એ શિક્ષકો વરસમાં કેટલા દિવસ શાળાનું મોં જુએ છે એ જોઈશું ત્યારે આપણને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની સાચી ઓળખ મળશે. સામાજિક દષ્ટિએ ગુજરાતની અસ્મિતાને તો જ સમજી શકીશું કે જો કોઈ જાતિના મંડળે કેટલાં અલાયદાં છાત્રાલય બાંધ્યાં કે કઈ ન્યાતના લોકોએ પોતાના સંતાનના લગ્નમાં કેટલા લાખ કે કરોડ ખર્ચ્યા અથવા એમની જાતિમાં દહેજનો આંકડો કેટલો ઊંચો ગયો એ જોઈને છાતી ફુલાવવાને બદલે માણસનો મળ હજી માણસે ટોપલા માથે લઈ વંઢેરવો પડે છે કે કેમ એ તપાસતા થઈશું.

આપણી અસ્મિતા, આપણી એક કન્યા બીજા દેશના નાગરિક તરીકે, અવકાશમાં યાત્રા કરી આવી કે વળી કોઈ બીજી કન્યા ત્રીજા દેશની બ્યૂટી કોન્ટેસ્ટમાં શ્રેષ્ઠ સુંદરી ઠરી એના પરથી નહીં, પણ આપણે ત્યાં કન્યા ભ્રૂણહત્યાનું પ્રમાણ કેટલું ઘટ્યું એ પરથી નક્કી થશે. આપણે ત્યાં કેટલાં મંદિર-મસ્જિદો બંધાયાં એના પરથી આપણી ધાર્મિક અસ્મિતા નક્કી નહીં થાય. એ નક્કી કરવા તો આપણે કોમી હુલ્લડમાં થયેલી હત્યાઓ અને નાના પ્રકારની બીજી ક્રૂરતા તરફ નજર કરવી પડશે.

આમ વિવિધ ક્ષેત્રે ગુજરાત ક્યાં છે અને એની અસ્મિતા શામાં સમાયેલી છે એનો વિચાર કરવા જઈશું ત્યારે આપણને બે વાત ઊડીને આંખે વળગશે. પહેલી વાત આપણને એ જણાશે કે દરેક ક્ષેત્રમાં ગુજરાતે એવા લોકો પકવ્યા છે કે જેમને લીધે આપણે ગૌરવ લઈ શકીએ. એમાં સંતો ને સંન્યાસીઓ આવે; રાજકારણમાં જનકરાજાની માફક જળકમળવત્ ડાઘ વિનાના રહેલા રાજર્ષિઓ આવે; કર્ણની સાથે જેની તુલના થઈ શકે એવા દાનેશ્વરીઓ આવે; આખું આવરદા દલિતો, વંચિતો, પીડિતોને સારુ ખપાવી દીધું હોય એવા સેવકો આવે. એમને સ્મરીએ ને નમન કરીએ. એમના પુણ્યને વટાવીને એને આપણા પુણ્ય તરીકે અપાવવાનો પ્રયત્ન ન કરતાં એને યથાશક્તિ અનુસરવાનો પ્રયત્ન કરીએ. બીજી વાત એ કે ઘણાં બધાં ક્ષેત્રોમાં ગૌરવાસ્પદ સ્થાન મેળવવા સારુ આપણે ઘણું બધું કરવાનું બાકી છે. ગુજરાતની અસ્મિતાને ગૌરવાસ્પદ બનાવવા સારુ ગુજરાતના સામાન્ય જનો, સરેરાશ ગુજરાતીએ પોતામાં રહેલું ખમીર બતાવવું પડશે, પોતાના ગુણોનું વર્ધન કરવું પડશે અને એ ગુણો રોજબરોજના જીવનમાં પ્રગટ કરવા પડશે.

સાત વર્ષ પહેલાં ગુજરાતે પોતાની અસ્મિતા બતાવી 2001ના કચ્છ-સૌરાષ્ટ્રના ધરતીકંપ વખતે આખા ગુજરાતને ખૂણે ખૂણેથી ત્યાં રાહતની રેલ વહેવડાવી અને સરેરાશ કચ્છી આવી મોટી આફત વખતે પણ લાચાર થઈને બેઠો ન રહ્યો. પ્રાન્ત, દેશ અને દુનિયામાંથી આવી રહેલા દાન-પ્રવાહે એને માત્ર લાચાર ભિક્ષુક ન બનાવ્યો. એ દાનમાં એણે પોતાની સૂઝ અને પોતાનો પુરુષાર્થ ઉમેર્યાં. ધરતીકંપે સરજેલ કાટમાળની વચ્ચે આકાશી ઓઢણ નીચે અડગ ઊભેલો કચ્છી રાહત સારુ આવેલ નાનામોટા સૌ કોઈને છાશ પીવડાવવા જોગ આતિથ્ય કરવાનું ચૂક્યો નહીં. પોતાની પૂરી હૈયાસૂઝ વાપરી એણે અથાગ મહેનત કરી. એમાંથી નવું કચ્છ બેઠું થઈ ગયું. આજે ગુજરાતે પોતાની અસ્મિતા બતાવી અમદાવાદ સુરતના સરેરાશ ગુજરાતી દ્વારા. અમદાવાદના બોમ્બ વિસ્ફોટ અને સુરતમાં મળેલા બોમ્બો વખતે એ દેખાઈ આવી. અમદાવાદમાં તો જાનમાલ, બંનેની તારાજી થઈ. પણ ત્યાંના નાગરિકોનો મિજાજ એનાથી નિસ્તેજ ન બન્યો. અને સુરતમાં આતંક ફેલાઈ ન શક્યો. બેત્રણ દિવસમાં તો અમદાવાદ-સુરતમાં પરિસ્થિતિ જાણે કશું ન બન્યું હોય એવી થઈ ગઈ. સરેરાશ ગુજરાતીએ દેખાડેલી હિમ્મતમાં મને ગુજરાતની અસ્મિતા દેખાય છે.

આ અસ્મિતા એને ગુજરાત પૂરતો સીમિત નથી રાખતી. આફતને ટાણે કે મુસીબત વખતે સરેરાશ ગુજરાતીની હૃદયક્ષિતિજો વિકસે છે. માત્ર પોતાના પાડોશીને જ નહીં, પણ સાવ અજાણ્યાની વહારે પણ એ ધાઈ જાય છે. શું ઓરિસ્સાના વાવાઝોડા વખતે, શું તામિળનાડુના સુનામી વખતે, શું કારગિલની વિપત્તિ વખતે કે શું બિહારના ભીષણ જળપ્રલય વખતે તમને જો ગુજરાતી તરુણ-તરુણી ત્યાં પરસેવો પાડતાં દેખાય અને એમની સેવાને નક્કર આર્થિક ટેકો આપતા ગુજરાતના શ્રેષ્ઠીઓ દેખાય તો ત્યાં સમજજો કે ગુજરાતની સાચી અસ્મિતા ખડી છે.

એ સાચું કે આ અસ્મિતા પાછળ ગાંધી, સરદાર, રવિશંકર મહારાજ, જુગતરામ દવે કે બબલભાઈ જેવા બીજા અનેક નામી-અનામી, જાણીતા-અજાણ્યા લોકોનો વારસો છે. જેની પાછળ કસ્તુરબાઈ, લાલબાઈ, હીરાલાલ ભગવતી જેવાની સૂઝબૂઝ અને વ્યવસ્થાશક્તિ છે અને અનુભવનો ભંડાર છે. પણ આજના તરુણો આ નામોને વટાવી ન ખાતાં આજના જમાનાની માગને પૂરી કરવા એને પ્રયોજે છે અને આ ભવ્ય વારસામાં પોતાનો નિષ્કામ ને નિર્મળ પુરુષાર્થ ઉમેરે છે – એ છે ગુજરાતની અસ્મિતા. આ અસ્મિતા ભયંકર આસમાની સુલતાની વચ્ચે પણ ટકી રહી, ગુજરાતના ભાવિ અંગે આશા આવે છે. માણસ-માણસ વચ્ચેના સર્વપ્રકારના ભેદોને ભૂંસીને તે નકરી માણસાઈના ઝળહળતા મંચ પર માણસને ખડો કરી દે છે. જ્યારે આવો કોઈ વારસો મારા-તમારાના વાડામાંથી નીકળી આપણી સૌની મિરાત બને છે ત્યારે ધન્ય બને છે ગુજરાત. ત્યારે જ દીસે છે અસ્મિતાનું અરુણું પ્રભાત.

[ કુલ પાન : 448. કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : કીમ એજ્યુકેશન સોસાયટી વિદ્યાસંકુલ, સ્ટેશન રોડ, કીમ (પશ્ચિમ) જિ. સૂરત-394110. ફોન : +91 2621 230370]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનોમંથન – સંકલિત
કન્યાકુમારી – ડૉ. ચંદ્રકાન્ત મહેતા Next »   

25 પ્રતિભાવો : ગુજરાતની અસ્મિતા : મારી નજરે – નારાયણ દેસાઈ

 1. Paresh says:

  અસ્મિતા – self-consciousness, realization as an entity, egotism.
  મુ.શ્રી. નારાયણભાઈ દેસાઈએ ખૂબ જ સાચી અને સુંદર વાત કહી. આભાર

  “એ સાચું કે આ અસ્મિતા પાછળ ગાંધી, સરદાર, રવિશંકર મહારાજ, જુગતરામ દવે કે બબલભાઈ જેવા બીજા અનેક નામી-અનામી, જાણીતા-અજાણ્યા લોકોનો વારસો છે. જેની પાછળ કસ્તુરબાઈ, લાલબાઈ, હીરાલાલ ભગવતી જેવાની સૂઝબૂઝ અને વ્યવસ્થાશક્તિ છે અને અનુભવનો ભંડાર છે. પણ આજના તરુણો આ નામોને વટાવી ન ખાતાં આજના જમાનાની માગને પૂરી કરવા એને પ્રયોજે છે અને આ ભવ્ય વારસામાં પોતાનો નિષ્કામ ને નિર્મળ પુરુષાર્થ ઉમેરે છે – એ છે ગુજરાતની અસ્મિતા.”

  આ પરીપ્રેક્ષ્યમાં દરેક ગુજરાતીએ ગુજરાતની અસ્મિતાને મધ્યાન્હે લઈ જવા પુરૂષાર્થ કરી જ રહ્યો છે કરતાં રહેવું જ પડશે.

  રહી વાત ૨૦૦૨ની ઘટનાની, તે ઘટનાને દરેક ગુજરાતીએ, તેનું અજાણતા પણ પુનરાવર્તન ન થાય તે માટે, દિલમાં જ રાખવાની છે. હવે તેનો જ્યાં ત્યાં ઉલ્લેખ કરવાથી શું ફાયદો ?

 2. શ્રી મુરબ્બી નારાયણ દેસાઈ ના વિચારો ભુમિપુત્રના વાંચનથી પરિચીત છું. આ પુસ્તકમાં તેમણે ગાંઘી – સરદાર વિષે પ્રકાશ પાડતાં કહ્યું કે..ગાંધી સામે સરદારને ગોઠવવાથી ગુજરાતની અસ્મિતા જળવાઈ રહે ખરી..? વાત બિલકુલ સાચી છે..પરંતુ આજે સામાન્યમાં સામાન્ય માણસ ગાંધીજી અને તેમના વિચારોથી અળગો રહે છે તે હકિકત છે. જ્યારે દેશમાં કોઈ વિપત્તી આવી પડે છે ત્યારે લોકો આજે પણ સરદારને યાદ કરે છે.
  આપણા ગુજરાતીઓના દંભની પણ કોઈ સીમા નથી. દેશમાં કોઈ ચેનલ ૨૦૦૨ – ગોધરા વિષે કંઈક થોડો પણ ઉલ્લેખ કરે ત્યારે આપણે ગુજરાતી વિરોધીનુ લેબલ આપી હાયતોબા કરવા મચી પડીએ છીએ..પરંતુ આપણા જ કહેવાતા બુધ્ધીજીવીઓ આ ઘટનાને જીવંત રાખવા મહેનત કરતા જોવા મળે છે જે આપણી કમનસીબી છે. હવે સમય આવી ગયો છે કે ચચૉસભાઓમાં આ ઘટનાનો ઉલ્લેખ ટાળીએ અને આગળ વધીએ… ક્યાં સુધી રડ્યા કરીશું…
  ગુજરાતના વિકાસમાં બધાનો ફાળો છે… મજુર કે મહાજન…નેતા કે પ્રજા…કે પછી ગાંધી કે સરદાર

 3. pragnaju says:

  ખૂબ સુંદર

 4. Maharshi says:

  “આમાંથી પ્રશ્ન એ ઊઠે છે કે કોઈ એક કે બે તેજસ્વી વ્યક્તિત્વનો ઉલ્લેખ કરીને આખી પ્રજા એનું ગૌરવ લઈ શકે ખરી ? કોઈ પણ સાંકળની મજબૂતાઈ તો એની સૌથી કમજોર કડીથી મપાય.”

  બહુ જ વિચારવા-લાયક વાત…. લેખ વાંચી ખુબ ગમ્યું…

 5. Veena Dave,USA. says:

  ખુબ સરસ લેખ.

 6. “કોઈ પણ સાંકળની મજબૂતાઈ તો એની સૌથી કમજોર કડીથી મપાય. બીજી બધી કડીઓ મજબૂત હોય અને એક કડી કમજોર હોય તો, તાણ કે દબાણ આવતાં એ કમજોર કડી આગળ જ સાંકળ તૂટે.’
  સિકકાની બંને બાજુ જોઈને જાતનું મૂક્યાંકન કરવાની સમજણ આપી દરેક ગુજરાતીને વિચારતાં કરી મૂકે તેવો ઉત્તમ લેખ ! મુ. શ્રી નારાયણ દેસાઈનું વિચારમંથન સભાનતા તરફ દોરી જનાર જ હોય છે. વંદન સહ…..

 7. Kanchanamrut Hingrajia says:

  નારાયણભાઈ તો ગાંધીજીનો બાબલો. ગાંધી વિચાર તેમના આચરણમાં.અર્વાચિન ઋષિ.અસ્મિતા વિષેનું તેમનું દર્શન આપણને ઘણું કહેછે.ખરેખર તેમના આ શબ્દો આપણને સાચી અસ્મિતાનું ભાન કરાવે છે. “આમાંથી પ્રશ્ન એ ઊઠે છે કે કોઈ એક કે બે તેજસ્વી વ્યક્તિત્વનો ઉલ્લેખ કરીને આખી પ્રજા એનું ગૌરવ લઈ શકે ખરી ? કોઈ પણ સાંકળની મજબૂતાઈ તો એની સૌથી કમજોર કડીથી મપાય. બીજી બધી કડીઓ મજબૂત હોય અને એક કડી કમજોર હોય તો, તાણ કે દબાણ આવતાં એ કમજોર કડી આગળ જ સાંકળ તૂટે. આખી સાંકળને મજબૂત કરવી હોય તો એની કમજોર કડીને મજબૂત કરવી પડે. સમાજનું પણ એમ જ છે. સમાજની તાકાત એની કમજોર તાકાત જોઈને જ પારખી શકાય. એની મજબૂત કડીઓનાં બણગાં ફૂંકવાથી સમાજ મજબૂત થઈ જતો નથી. બલ્કે એ આપણને ભ્રમમાં રાખી શકે છે. કમજોર કડીને મજબૂત બનાવવામાં સમાજ જેટલો સફળ તેટલી તેની તાકાત વધે. તે જ એની સાચી ઓળખ. તે જ એની સાચી અસ્મિતા.”

 8. ભાવના શુક્લ says:

  કોઈ પણ સાંકળની મજબૂતાઈ તો એની સૌથી કમજોર કડીથી મપાય.

  અસ્મિતાનો સાચો અર્થ, તેની જાળવણી વિશેની આટલી મોકળા મનની વિચારણા દાદ માગી ગઈ.
  ખુબ ચાવી ચાવીને વાચવા જેવા એક એક શબ્દો, જ્યા સુધી લેખ પુરો ના થયો ત્યા સુધી નજર હટાવી શકાઈજ નહી..

 9. pragna says:

  હિંદ સ્વરાજ’માં સભ્યતા અંગે એક વ્યાખ્યા આપી હતી. તે અહીં યાદ આવે છે. તેમણે એ અર્થમાં કહ્યું હતું કે સમાજની બહુમતી એની લઘુમતી જોડે કેવો વ્યવહાર રાખે છે તે ઉપરથી એ સમાજની સભ્યતા પારખી શકાય છે. ગાંધીની આ વાત માત્ર વસતીગણતરીની લઘુમતી-બહુમતીને જ લાગુ પડતી નથી. આર્થિક, સામાજિક, શૈક્ષણિક ગમે તે દષ્ટિએ જે સમાજની કમજોર કડીઓ હોય તે સર્વ અહીં આપણે લઘુમતીને સ્થાને મૂકી-શકીએ છીએ. પોતાનાં કમજોર અંગો સાથે સમાજનો સબળો અંગ કેવી રીતે વર્તે છે. એ જ સમાજની સભ્યતાની પારાશીશી છે.

 10. nayan panchal says:

  ‘ગાંધીની ગુજરાત’ તરીકે આપણે જાતને એટલી ગૌરવાન્વિત કરી કે 2002 પછી ગુજરાત બહારનો કોઈ સાધારણ ટીકાકાર પણ આપણને પૂછતો થઈ ગયો કે ‘આવી ગાંધીની ગુજરાત ?’ કદાચ આવા જ પ્રશ્નોની ઝડીથી મૂંઝાઈને આપણા મુખ્યમંત્રીને એક વાર ચોખવટ કરવી પડેલી કે આ કંઈ એકલા ગાંધીની ગુજરાત નથી. સરદારની પણ ગુજરાત છે !

  આજના જમાનામાં ગાંધીજી અને સરદાર બેમાંથી કોણ વધુ પ્રસ્તુત છે તે તો સૌ જાણે જ છે. જો આજે ગાંધીજી જીવતા હોત તો આંતકવાદીઓ સામે અહિંસાની વાતો કરત અને જો કરત તો લોકો તેમને સાથ આપત ખરા…

  બાકી, સમતોલ લેખ છે.

  આભાર.

  નયન

 11. Manhar Sutaria says:

  મુ. શ્રી નારાયનભાઈ ની વાત ખૂબ સાચી છે. સમાજ ની નબળી કડી સાથે સમાજ ની મજબૂત કડી કેવો વ્યવહાર કરે છે તેના ઉપરથી સમાજ કેટલો સભ્ય છે તે કહી શકાય. આપણે સ્વીકારીઍ છે તે ઘણુ સરસ કહેવાય, પરન્તુ આપણે આચરણમા મુકીયે ત્યારે ખરા. બાકી વાન્ચીને – ચર્ચા કરીને ભુલી જવાનુ. ગાન્ધીજી હતા, છે અને રહેશે પરન્તુ હમ નહી સુધરેગે.

 12. કલ્પેશ says:

  હુ ગુજરાતી છુ અને મુંબઇમા રહુ છુ.

  થોડા સમય પહેલા, સ્વામી રામદેવ મહારાજએ એક વાત કરી કે આઝાદીની લડાઇ માત્ર અહિંસાથી નથી મળી. જેમ ગાંધીને એનો યશ મળે છે તેમ ભગતસિંહનો પણ આમા ફાળો છે.

  ત્યારે ન્યુઝ ચેનલ પર નાના-નાના બાળકો એમ બેનર લઇને વિરોધ દેખાડી રહ્યા હતા “રામદેવકો સદબુદ્ધિ દો”. મને નથી લાગતુ કે ભગતસિંહને માન આાપવાથી ગાંધીના કાર્ય ખતમ થઇ જાય છે.

  એક પંજાબી મિત્ર જોડે વાત થઇ તો એ કહે કે ભગતસિંહએ જે કર્યુ એ કોઇએ નથી કર્યુ.

  આમા તો મારા ભાઇએ કર્યુ અને તારા ભાઇએ ન કર્યુ એવી વાત થઇ ગઇ, ગાંધી અને ભગતસિંહના રસ્તા અલગ હતા પણ ઇરાદો તો એક જ હતો – સ્વતંત્રતા. તે છતા આપણે પોતે શુ કર્યુ અથવા કરીએ છીએ એ વસ્તુ પર આપણુ ધ્યાન જ નથી.

  ખરુ જોતા આપણે ભલે ગાંધી, સરદાર કે ભગતસિંહના વિચારો સાથે સહમત થતા હોઇએ પણ એમાથી એકેના પગલે ચાલી નથી શકતા. કદાચ એટલે જ નકામો સમય એકને મોટો અને બીજાને નાનો દેખાડવામા કાઢી નાખીએ છીએ.

  We are trying to compare apple to an orange. If I don’t like the taste of the apple, orange is not a bad fruit either.

 13. કલ્પેશ says:

  આને કદાચ “hypocrisy” કહી શકાય.

  હુ ખોટુ બોલુ/કરુ તો ચાલે. પણ બીજા બોલે અથવા કરે (અને આપણને ન ગમે) તો કહીએ “કેવો ખોટો માણસ છે?”

 14. કલ્પેશ says:

  નયનભાઇ,

  એમ જોતા ગાંધી આતંકવાદના સમયમા પ્રસ્તુત છે કે નહી એ કહી ન શકાય.

  તે છતા, એ વિચારવુ રહ્યુ કે “લોકો આતંકવાદ કેમ અપનાવે છે?”. જો આપણે લોકો તરીકે ગાંધીનુ કહ્યુ થોડુ પણ માનીએ તો લોકો આતંકનો સહારો કેમ લે?.

  મને નથી લાગતુ કે કોઇને મરવા અને મારવાનો શોખ છે.

 15. nayan panchal says:

  કલ્પેશભાઈ,

  મહંમદ ગઝનીએ જ્યારે પ્રથમ વાર સોમનાથ મંદિર પર આક્રમણ કર્યુ ત્યારે મંદિરને બચાવવા માટે ૫૦૦૦૦ (અંકે પચાસ હજાર પૂરા) હિંદુઓ ભેગા થયા હતા. તેઓ અહિંસાવાદી હતા અને મંદિરની ચારે બાજૂ માનવસાંકળ બનાવીને ઊભા રહી ગયા. ગઝનીના સૈનિકોએ તેમના હાથ કાપીને મંદિર લૂટી લીધુ અને બીજી ૧૬ વખત ફરી લૂંટ્યુ. જો આપણે પ્રથમ વાર જ સશસ્ત્ર સામનો કર્યો હોત તો…

  રહી વાત ગાંધીજીની, તો આઝાદી આપવામાં તેમનો જેટલો ફાળો છે એટલો જ તે સમયના સંજોગોનો છે. જો બીજુ વિશ્વયુધ્ધ ન થયુ હોત તો અંગ્રેજો આટલી જલદી આઝાદી ન આપત. આપણે આઝાદી મેળવી નથી, અંગ્રેજો એ જેટલુ લેવાય એટલુ લઈ લીધુ …

  અને ગાંધીજી એ તો આઝાદી મેળવવાની તારીખ ૧૫ ઓગસ્ટ, ૧૯૩૦ નક્કી કરી હતી, બેશક અહિંસક રીતે. તેથી જ ૧૭ વર્ષ મોડી મળી…

  લોકો આંતકવાદ કેમ અપનાવે છે, તેનો જવાબ આંતકવાદી કસાબની પૂછપરછની transcript વાંચો તો મળી જશે.

  આભાર.

  નયન

 16. Bihag says:

  અલ્યા ભાઇ આ ગાન્ધી સામે તમને વાન્ધો શુ છે?

  ગાન્ધી ને બધો વખત ખાલી અહિમ્સા ના પલ્લા મા જ મૂકીને તોલવા મા ઘણી ભૂલ છે. એ માણસ મૂળભૂત રીતે સત્યની સાથે ચાલનારો હતો. જ્યારે યુરોપ હિમ્સાને ભડકે બળતુ હતુ અને વિશ્વ આખુ એના લોહિથી ખરડાતુ હતુ ત્યારે એક ખુબ Modern અને નવલ શસ્ત્ર તરીકે ગાન્ધી અહિમ્સા ને લઇ આવેલા. એક એવુ શસ્ત્ર જેનો શત્રુ પાસે કોઇ જવાબ નહોતો. અન્ગ્રેજી જેને Horses for the courses કહે છે એ પ્રકારની રણનીતિ ના ભાગરુપે અહિમ્સા ગાન્ધી ની ચળવળ નો હિસ્સો બની હતી.

  ગાન્ધી ને ગાળો દેવી એ તો ફેશન છે. વળી ભગતસિહ અને ગાન્ધી વચ્ચે નો ફરક જોવો ઘણો સહેલો છે જેથી એ બન્નેની લડાઇ ને અલગ અલગ લડાઇ સમજવાની ભૂલ સહજ જ થાય છે. પણ જે વસ્તુ આ બન્ને સમજ્યા હતા અને બન્નેનુ સ્વતન્ત્રતાની લડાઇ મે જે સૌથી મોટુ પ્રદાન હતુ તે વસ્તુ એક જ હતી. હિન્દુસ્તાન ના સામાન્ય માણસને આઝાદી ના ખયાલો વિશે જાગ્રત કરવાનુ શ્રેય અ બન્નેને જાય છે.

  ભગતસિહ ના પહેલા સશત્ર ચળવળ એક એક અન્યાય ના વારાફરતી બદલા લેવાનુ કામ કરતી હતી. ભગતસિહ મા બહેરા કાન ને સામ્ભળતા કરવા માટે ફાન્સી એ ચડી જવાની દ્રષ્ટી હતી. એ જ રીતે ગાન્ધીના આગમન પહેલા Indian Congress એક બુધ્ધીજીવી અને દિર્ઘ્સુત્રી વકિલોની ક્લબ હતી. જન-સામાન્ય સાથે કોન્ગ્રેસ નો નાતો ગાન્ધી એ બાન્ધી આપ્યો.

  અને ગાન્ધી ની ચળવળ મા આઝાદી એક મુદ્દો હતી એક-માત્ર મુદ્દો નહિ. ગાન્ધીની લડાઇ અન્યાય માત્ર સામથ્ હતી. કોમવાદ, છૂત-અછૂત, સ્ત્રી સ્વાતન્ત્ર્ય અને સ્ત્રી શિક્ષણ બધુ જ ગાન્ધીની લડાઇ નો એક ભાગ હતુ. જ્યારે આઝાદી માટે નો યશ વહેચી દેવા ઉતાવળ આવે અને ગાન્ધીને ગાળો દેવાનુ બહુ મન થઇ આવે ત્યારે આ બધા ક્ષેત્રોમા ગાન્ધી નુ યોગદાન પણ જોઇ લેવુ.

  હે રામ! 🙂

 17. Paresh says:

  A strategy is required to win, but, to sustain the victory the same strategy may/may not work.

  એ જ રીતે જે તે સમયે ગાંધીજીએ અહિંસા થી સ્વતંત્રતા અપાવી. ત્યારે તે વ્યૂહરચના clicked. પણ હવે આતંકવાદ સામે તે વ્યૂહરચના ન ચાલે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.