કન્યાકુમારી – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

[‘જનકલ્યાણ’માંથી સાભાર.]

મનહરરાય તીર્થાને જોઈ શકતા નથી, તેનું તેમને ભારે દુ:ખ છે. વાચિક અમેરિકા ગયો અને કુટુંબ પરથી જાણે કે સુખની શીતળ છાયા સદા માટે અદશ્ય થઈ ગઈ. જાત્રાએ નીકળેલાં પ્રવાસીઓની બસને ગંભીર અકસ્માત નડ્યો હતો, અને એ જીવલેણ અકસ્માતમાં જાન ગુમાવનાર કમનસીબ યાત્રાળુઓની યાદીમાં વાચિકની મમ્મીનું પણ નામ હતું. વાચિકના પિતા મનહરરાય જખ્મી થયા હતા અને માથામાં થયેલી ગંભીર ઈજાઓએ એમની આંખોનું તેજ સદા માટે છીનવી લીધું હતું.

અખબારમાં અકસ્માતના સમાચાર છપાયા બાદ વાચિકના પિતા પાસે હોસ્પિટલમાં સૌ પ્રથમ પહોંચી જનાર વ્યક્તિ હતી તીર્થા ! વાચિકનાં તમામ સગાંવહાલાંને ખબર આપવાની તથા વાચિકની મમ્મીના અગ્નિ-સંસ્કારની વિધિ પણ તીર્થાની દોરવણી હેઠળ તેનાં સગાંવહાલાંએ પતાવી હતી. અકસ્માતમાં વાચિકના પિતા મનહરરાયની દષ્ટિ છીનવાઈ ગઈ, એટલે વાચિકનાં સગાંવહાલાંની ઈચ્છા હતી કે વાચિક અભ્યાસ પડતો મૂકીને ભારત પાછો ફરે, કારણ કે સદા માટે અંધ બની ચૂકેલા તેના પિતાની જવાબદારી કોણ અદા કરે ? સગાંવહાલાંની આ પ્રશ્ને એક મિટિંગ પણ યોજાઈ હતી. અને સૌએ વાચિકના પિતાને પોતાની સાથે રાખવાની ઉત્ક્ટ અભિલાષા વ્યક્ત કર્યા છતાંય એવી-એવી મુશ્કેલીઓનું વર્ણન શરૂ કર્યું હતું, જે સાંભળીને અન્ય લોકો તેમને તે જવાબદારીમાંથી મુક્ત રહેવાની ભલામણ કરતાં. અંતે સર્વાનુમતે એવું નક્કી થયું હતું કે એક બાઈને માસિક પગારથી નિયુક્ત કરવી… વાચિક પાછો ફરે ત્યાં સુધી એ બાઈ જ તેના અંધ પિતાની સારસંભાળ રાખે.

અકસ્માતમાં મમ્મીનું અવસાન અને પિતા અંધ થઈ ગયાના સમાચારથી વાચિક ખૂબ જ દુ:ખી થઈ ગયો હતો… તેણે અભ્યાસ પડતો મૂકીને ભારત પાછા આવવાનો નિશ્ચય કરી લીધો… પણ તીર્થાએ અંધ બનેલા તેના પપ્પાજીના સોગંદ નાખીને અભ્યાસ ચાલુ રાખવાની તથા ભારત પાછા નહીં ફરવાની વાચિકને વિનંતી કરી અમેરિકામાં જ રહી અભ્યાસ પૂરો કરવા સમજાવ્યો હતો. તીર્થાએ પોતાને નોકરીની જરૂર છે, એમ કહીને વાચિકના પિતાને સાચવવાની જવાબદારી સ્વીકારી લીધી હતી. લોકોને કે સગાં-વહાલાંને એ વાતની લેશમાત્ર કલ્પના નહોતી કે તીર્થા વાચિકને ચાહે છે અને બંને વચ્ચે પ્રણયનો પ્રગાઢ સેતુ રચાયેલો છે… વાચિકનાં સગાંને તીર્થા જેવી ‘ભાવનાશાળી બાઈ’ મળ્યાનો સંતોષ હતો.

અને ત્યારબાદ વાચિક નિયમિત રીતે પત્ર લખતો રહેતો… પોતાના પપ્પાને આશ્વાસન અને ધૈર્યના પત્રો, અને તીર્થાને સુખી-જીવનનાં સ્વપ્નો દેખાડતા પત્રો. તીર્થાની વાતચીતમાં જાણે-અજાણે વાચિકનું નામ આવી જતું, ત્યારે વાચિકના પપ્પાજી મનહરરાય તેને પૂછતા : ‘હેં તીર્થા, તું મારા વાચિકને ક્યારથી ઓળખે છે ?’
‘અમે કૉલેજમાં સાથે ભણતાં હતાં, ત્યારથી પપ્પાજી. મારા પપ્પાની આવક ખૂબ જ ઓછી છે. વાચિક વારંવાર મને નોકરીની સલાહ આપતો… પરંતુ ત્યારે મને ક્યાં ખબર હતી કે વાચિકના ઘરમાં જ મારે નોકરી કરવી પડશે !’ તીર્થા ખડખડાટ હસી પડતી ! પરંતુ એકવાર તીર્થા અને તેની સહેલીનો સંવાદ વાચિકના પપ્પાજી સાંભળી ગયા હતા. ભરબપોરે તીર્થાની સહેલી તેને મળવા આવી હતી. ત્યારે વાચિકના પપ્પા આંખો બંધ કરીને પોઢેલાં હતા, એ જોઈને તીર્થાએ કલ્પી લીધું કે, તેઓ ઘસઘસાટ ઊંઘે છે અને પોતાની સહેલી સાથે તીર્થાએ મન મૂકીને વાતો કરી હતી, જેનો સારાંશ એ હતો કે તીર્થા વાચિકને ખૂબ જ ચાહે છે અને વાચિક અમેરિકાથી પાછો ફરે એટલે તેઓ બંને લગ્ન કરવાનાં છે. વાચિકના પપ્પા પ્રત્યેનું કર્તવ્ય અદા કરવા માટે જ પોતે વાચિકના ઘરમાં ‘બાઈ’ તરીકે રહી છે. તીર્થાના મમ્મી-પપ્પાને પણ વાચિક પસંદ હતો. તેઓએ પણ તીર્થાને વાચિક સાથે લગ્ન કરવાની પરવાનગી આપી દીધી હતી.

….ત્યારે વાચિકના પપ્પાજી કેવા હરખઘેલા થઈ ગયા હતા !… એમણે તીર્થાને પોતાની પાસે બોલાવી હતી અને તેના મસ્તક પર અત્યંત વહાલપૂર્વક હાથ ફેરવ્યો હતો… તેમને લાગતું હતું કે તેમને આંખોની રોશની જાણે કે પુન: પ્રાપ્ત થઈ છે… અને તીર્થાને તેઓ નજરોનજર નિહાળી રહ્યા છે ! કેવી રૂડી, રૂપાળી નાજુક, નમણી છે મારી તીર્થા ! વાચિક સાથે કેવી શોભી ઊઠશે !… અને ત્યારબાદ વાચિકના પપ્પા આગળ તીર્થાએ હૈયું હળવું કર્યું હતું. અમેરિકા ગયા બાદ વાચિકના પત્રો તીર્થાને નિયમિત રીતે મળતા હતા પણ ધીરે ધીરે પત્રો અનિયમિત થયા ગયા. મહિને, બે મહિને અને અંતે પત્રો આવવાના બંધ થઈ ગયા હતા.

એક સવારે અમેરિકાથી પત્ર આવે છે… અને ‘ના હોય…’ એવી ચીસ પાડી ઊઠે છે તીર્થા ! વાચિકના પપ્પા બેબાકળા બનીને પથારીમાં બેઠા થઈ જાય છે અને પૂછે છે : ‘શું થયું બેટા તીર્થા ? તું આટલી બધી ગભરાયેલી કેમ છે ?’ તીર્થા પ્રયત્ન છતાં એક પણ શબ્દ બોલી શકતી નથી… ડૂસકાં રોકી રાખવાની કોશિશ કરે છે. તેના મૌનથી અકળાયેલા વાચિકના પપ્પા ફરી પૂછે છે : ‘અરે, બોલતી કેમ નથી દીકરી ? તને કંઈ વાગ્યું ? તું પડી ગઈ છે ? હે ભગવાન, આંધળાનું તો કાંઈ જીવતર છે ?’ બીજી જ પળે તીર્થા સ્વસ્થ બનવાનો નિશ્ચય કરે છે અને ધીમેથી કહે છે : ‘કશું નથી પપ્પાજી, ભર ઊંઘમાં મેં એક બિહામણું સ્વપ્ન જોયું હતું. એ દશ્ય જોઈને ગભરાઈ ગઈ એટલે ચીસ નીકળી ગઈ. તમે ચિંતા ન કરશો… સપનાં કાંઈ થોડાં જ સાચાં પડતાં હોય છે ?’
‘હાશ, એમ બોલે તો ખબર પડે ને ! હું તો ખૂબ જ ડરી ગયો હતો. દીકરી, દૈવ રૂઠ્યું હોય, ત્યારે માણસના જીવનમાં કઈ કોરથી આગ લાગશે એની ખબર ન પડે’ અને વાચિકના પપ્પા શાંતિથી સૂઈ ગયા હતા.

તીર્થાએ વાચિકના મિત્ર પર આવેલા પત્રની જાણ તેના પપ્પાને ન કરી. વાચિકે ભૂલથી તેના મિત્ર પર લખેલો પત્ર તીર્થાના સરનામાવાળા કવરમાં મૂકી દીધો હતો… અને તે પત્ર દ્વારા તીર્થાને ખબર પડી હતી કે વાચિકે એક ધનાઢ્ય પરિવારની એકની એક દીકરી સાથે અમેરિકામાં લગ્ન કરી લીધાં છે અને હાલમાં તેના લગ્નની જાણ તીર્થાને ન થાય, તેની ખાસ કાળજી રાખવાની છે… એક-બે વર્ષમાં પોતે અમેરિકામાં તેની પત્ની સાથે સેટલ થઈ જાય ત્યાં સુધી તીર્થાને તેના લગ્નથી અંધારામાં રાખવાની છે… વગેરે…વગેરે… વાચિકે તેના મિત્ર પર લખેલા પત્રથી તીર્થાને ભાન થઈ ગયું હતું કે વાચિક નહોતો મિત્ર કે નહોતો પ્રેમી પણ તે હતો માત્ર એક પ્રવંચક ! પરંતુ વાચિક આવો દગાબાજ નીકળ્યો, તેમાં તેના વૃદ્ધ અંધ પિતાનો શું દોષ ? તીર્થાએ વાચિકના લગ્નની વાત કોઈને પણ ન કરી. આઘાતને મનમાં દબાવી એણે પૂર્વવત્ જીવવાનું ચાલુ રાખ્યું.

પાંચ-છ દિવસ બાદ ટપાલમાં મળેલો પત્ર તીર્થા વાચિકના પપ્પાજી સમક્ષ વાંચી રહી હતી. વાચિક ખૂબ આનંદમાં છે અને અભ્યાસ સુંદર રીતે ચાલી રહ્યો છે એ સમાચાર પત્ર દ્વારા જાણી વાચિકનાં પપ્પાજી પણ ખૂબ જ ખુશ થયા હતા. અને ત્યાર બાદ પંદર-વીસ દિવસે ટપાલમાં નિયમિત રીતે પત્રો આવતા… અને વાચિકના પપ્પાને તે પત્રો તીર્થા વાંચી સંભળાવતી. તીર્થાએ જાતે જ લખેલા એ પત્રોના આધારે પુત્રના આગમનને ઝંખતા વાચિકના પપ્પા પૂછ્યા કરતા : ‘દીકરી તીર્થા, ક્યારે પાછો ફરશે મારો વાચિક ? એ આવેને એટલે સૌ પહેલાં હું તમારા બંનેનાં લગ્ન પતાવી દેવા માગું છું. મારી ઉંમર થઈ ગઈ છે…. ક્યારે કાળનું તેડું આવે એની કોને ખબર ? મારી હાજરીમાં તમારા બંનેના લગ્ન થઈ જાય તો મારા જીવને ટાઢક વળે….’ – પરંતુ વાચિકના પપ્પાની આ ઈચ્છા પૂરી થવાની નથી, એ વાત તીર્થા બરાબર જાણતી હતી. તીર્થા આવી હતી પુત્રવધૂ બનવા પણ વાચિકે એને એક કામ કરવાવાળી ‘બાઈ’ જ બનાવી દીધી હતી… તીર્થા મોં સીવીને પોતાનું કર્તવ્ય ચૂપચાપ અદા કરી રહી હતી.

તીર્થા પાસે બધા જ પ્રશ્નોના ઉત્તર છે… પણ જ્યારે વાચિકના પપ્પા પૂછે છે : ‘તીર્થા દીકરી, કહે તો ખરી, ખરેખર વાચિક ક્યારે પાછો ફરવાનો છે ?’ ત્યારે તીર્થા નિરુત્તર બની જતી…. ક્યારેક તીર્થાનું મન પોકારી ઊઠતું : ‘આંખે આદર્શોના મોહનો પાટો બાંધી અંધારામાં અથડાવું એ પાગલપણું છે, મૂર્ખતા છે… મારે શા માટે વાચિકના પપ્પાજીની સેવા કરવી જોઈએ ! વાચિકે તો મને અંધારામાં રાખીને છેતરવાની કોશિશ કરી છે. મારે હવે તેના પપ્પાજી સાથે રહેવું ન જોઈએ ? …પ્રવંચકને મદદરૂપ થવું એ પાપ છે !’ પણ તરત જ તીર્થાની આંખ આગળ ખડી થઈ જતી, વાચિકના અંધ પિતાની પ્રેમાળ મૂર્તિ… એમની બે મજબૂર બંધ આંખો…. વહાલભૂખી અને લાગણી માટે તડપતી. એમની જિંદગીનાં અંતિમ વર્ષો જો સુધરતાં હોય તો તીર્થા પોતાની જિંદગીનાં અમૂલ્ય વર્ષો તેમની સેવા પાછળ વીતાવવાનું જોખમ વહોરવાય તૈયાર હતી !

અને એણે બીજે દિવસે શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી : ‘હે ભગવાન ! હું નારી છું ! પાલન-પોષણ કરવું એ મારો ધર્મ છે ! પોષિત થનાર વ્યક્તિ બાળક હોય કે વૃદ્ધ, મારે મન કશો જ ફર્ક નથી ! લોકો પુત્ર કે પુત્રીને દત્તક લે છે, હું એક પિતાને દત્તક લઉં છું અને એ માટે આહુતિ આપું છું મારા યૌવનની, અભિલાષાઓની. જગત પ્રેમ ઉલેચ્યા જ કરે અને પ્રેમના નિર્મળ કુંડમાં પાણી ઉમેરે નહીં તો એક દિવસ એવો આવે કે જગતમાં પ્રેમનો દુકાળ પડે ! મારે પ્રેમના અર્ધ્યમાં પાછા નથી પડવું ! વાચિક ભલે મને કે પોતાની જાતને છેતરે, એના પપ્પાના વિશ્વાસનો મારે વધ નથી કરવો ! આજથી હું કન્યાકુમારી બનું છું !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતની અસ્મિતા : મારી નજરે – નારાયણ દેસાઈ
ભાવનગરમાં ભોજનતીર્થ – રજનીકુમાર પંડ્યા Next »   

15 પ્રતિભાવો : કન્યાકુમારી – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

 1. AMi says:

  ખુબ જ સરસ … ધન્ય છે તીર્થા ને અને એના ત્યાગ ને …

 2. SAKHI says:

  VERY NICE ARTICAL

  Selfish Vachik

 3. Manhar Sutaria says:

  ખૂબ ખૂબ આભાર ચન્દ્કાન્તભાઈ અને મ્રુગેશભાઇ તંમારો પણ, આટલી સરસ ભાવનાપુર્ણ અને શિક્ષણપ્રદ વાર્તા લખનાર ચન્દ્રકાન્તભાઈ તમને સો સો સલામ, મ્રુગેશભાઈ તમને હઝાર સલામ અમારા સુધી પોન્ચાડવા બદલ.
  મનહર સુતરિઆ( હેમિલટન, કૈનેડા)

 4. અતિસુંદર ભાવ !

 5. DHARA says:

  ખરેખર ખુબ જ સરસ

 6. mayuri says:

  વાર્તા ખુબ સરસ ,તિથા એ માનવ ધરમ નિભાવ્યો…કન્યાકુમારિ બનિને …

 7. jigna says:

  આ વાર્તા એ જાણૅ જીવન નૉ અરીસૉ ધરી દિધો. પૉતાના મા-બાપ, ભાઈ- બહૅન પણ આપણી શારિરીક તકલીફ્ , અપ્ંગતા માં દૂર ભાગી જાય છે. જ્યારૅ સાવ પારકા પોતાનાં બની અને જાત નૅ હોંમી ને સેવા કરે છે.

 8. Dhaval B. Shah says:

  ખૂબ સુન્દર.

 9. nayan panchal says:

  સંવેદનશીલ વાર્તા.

  આંખે આદર્શોના મોહનો પાટો બાંધી અંધારામાં અથડાવું એ પાગલપણું છે, મૂર્ખતા છે ??

  હું નારી છું ! પાલન-પોષણ કરવું એ મારો ધર્મ છે ! પોષિત થનાર વ્યક્તિ બાળક હોય કે વૃદ્ધ, મારે મન કશો જ ફર્ક નથી ! લોકો પુત્ર કે પુત્રીને દત્તક લે છે, હું એક પિતાને દત્તક લઉં છું અને એ માટે આહુતિ આપું છું મારા યૌવનની, અભિલાષાઓની. જગત પ્રેમ ઉલેચ્યા જ કરે અને પ્રેમના નિર્મળ કુંડમાં પાણી ઉમેરે નહીં તો એક દિવસ એવો આવે કે જગતમાં પ્રેમનો દુકાળ પડે !

  નયન

 10. Vaishali Maheshwari says:

  Tirtha has given a big sacrifice of her life in this story, thinking that it was her duty to take care of Vachik’s blind father. Her character and her nature has been depicted very well.

  It was nice to read this story.

  Thank you Dr. Chandrakant Mehta.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.