- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

કાવ્ય-રમૂજ – નિર્મિશ ઠાકર

[ ‘એ જ લિખિતંગ…’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com સંપર્ક કરી શકો છો.]

[1] મુગ્ધકો !

[સાભાર પરત]
લાગણીના સાગરે મસ્તી હતી !
હા, કવિ ને કાવ્યની કસ્તી હતી !
લ્યો ‘પરત સાભાર’ થૈ આવી ઘરે !
શું કિલોના ભાવની પસ્તી હતી ?

[રવાડે ચડેલા કવિને !]
કાવ્યને ઘૂંટી ઘણું કાવો કીધો
શબ્દને લૂંટ્યો અરે બાવો કીધો
અર્થનાં વસ્ત્રોય ના છોડ્યાં તમે
ને કવિ હોવા વિશે દાવો કીધો !

[કાવ્ય-સર્જન પ્રક્રિયા]
રચું છું શબ્દનાં જાળાં, વળી તોડ્યા કરું છું હું !
કવિ છું, કાવ્યમાં હાંફ્યો છતાં દોડ્યા કરું છું હું !
નવું કૈં આપવાના કેફમાં છું કોણ જાણે…ને….
કવિતાની હજારો ખાંભીઓ ખોડ્યા કરું છું હું !

[મહાભિનિષ્ક્રમણ]
વિચારોથી લડીને એટલો ત્રાસી ગયો છું હું !
મગજના બારણાંઓ એટલે વાસી ગયો છું હું !
નથી રહેતો હું મારી જાતની સાથેય સંપીને
હવે મારા મહીંથી એટલે નાસી ગયો છું હું !

[કાવ્યપઠન વેળાએ…]
ભરેલી મ્હેફિલોના ખ્યાલમાં છલકાઈ જાઉં છું !
થશે શું હારતોરા ! હોંશથી હરખાઈ જાઉં છું !
કે સાંભળનારને સ્થાને દીસે જ્યાં ખાલી પાથરણાં
રચેલા કાવ્યમાં પાછો ફરી દફનાઈ જાઉં છું !

[મારી કારકિર્દી વિશે !]
લખું છું કેટલું તોયે પુરસ્કૃત હું નથી હોતો !
કરેલાં સર્જનોમાંયે ચમત્કૃત હું નથી હોતો !
બહુ છે ભાંડનારાઓ, અમારા ચાહકો ક્યાં છે ?
અડિખમ છું હજી એથી બહિષ્કૃત હું નથી હોતો !

[વાચકોને]
કહ્યું કોણે ? અરે સાહિત્યથી હું ક્યાં પ્રભાવિત છું ?
ઉછીનાં તેજ ના માગો ! અરે હું ક્યાં પ્રકાશિત છું ?
કે ખડિયામાં રહ્યો છું, તરફડ્યો છું, લડખડ્યો છું હું !
કલમ દ્વારા પરાણે બ્હાર આવ્યો, તો નિરાશ્રિત છું !

[એ જ અભ્યર્થના…]

કાવ્ય દ્વારા જેટલી મસ્તી વધે,
એટલી સાહિત્યમાં પસ્તી વધે !
સૌ કવિ ના થાય એ અભ્યર્થના,
દેશમાં બેફામ છો વસ્તી વધે !
.

[2] મ્હારાં High-કુ

[મુઝવણ]
પહેલવાન
પાડોશી ! કોણ કહે…
‘છાપાં દે પાછાં !’

[શિખામણ]
ઘરે હો નાર
તો હે નર ! ફરજે
તું ઘર બ્હાર !

[સરકાર]
‘સર’ ને ‘કાર’
વડે રે કેવી શોભે
આ સરકાર !

[હાઉસિંગ બોર્ડનાં ફલેટ]
ઉપરવાળાં
ખાંડે મરચાં, નીચે
ખરતો ચૂનો

[પેચ લેતાં પહેલાં]
પ્રેમ-પતંગ
બહુ આકાશે, અલ્યા…
કયો છે મારો ?

[ચેતવણી]
કહે છે કાળ
નાર એક, બે બાળ
પછી જંજાળ !
.

[3] જૂના જોડકણાં-નવો ઘાટ

અધમૂઓ છું, ક્યારેક પૂરો મારજો,
મ્હેમાનો ઓ વ્હાલાં પુન: પધારજો !
******

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી અરે !
છે મુરતિયો કોઈ ? ક્યાં જૈને હવે પધરાવવી ?
******

માંડ છૂટેલો અરે ભૂગોળથી
ને…ચરણ ચોંટી ગયા ઈતિહાસમાં !
******

કહી દો નેતાઓને ઓટ થઈ ભાગીશ હું
કે મારો વોટ જોઈને કિનારે ઘર બનાવે છે !
******

’લ્યા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે
પાપી ! એમાં ડૂબકી દઈને રોજ ખેલ્યા કરો છો ?
******